આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ એમજીવીસી સેલ દ્વારા સલામતી દિનની ઉજવણી કરાઈ


ઉમરેઠ એમજીવીસી સેલ દવારા વિદ્યુત મંત્રાલય ભારત સરકારના નિર્દેશ અનુસાર રાજ્ય તથા કેન્દ્ર સરકારની ખાનગી તથા જાહેર સાહસની તમામ વીજ વિતરણ કંપની, બોર્ડ/ નિગમમાં ફરજ બજાવતા લાઈન સ્ટાફની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા-આવશ્યક સેવાને નિરંતર કોઈપણ અડચણ વિના સુરક્ષિત પૂર્ણ કરવા તથા ગ્રાહકોના સંતોષને પ્રાધાન્ય આપવા સાથે સંસ્થા પ્રત્યે અતુલ્ય યોગદાન આપવા તેમજ સલામતી બાબતે સજાગ રહી કામ કરવા જાગૃતિ અર્થે ઉમરેઠ એમજીવીસીએલ ઓફિસ ખાતે લાઈનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. વીજ કાર્યપાલક ઇજનેર શ્રી ગાંધી, નાયબ ઈજનેર એ.એન.પટેલ સાહેબ, જુનિયર ઈજનેર નયન ભટ્ટ, વિનય પરમાર, સંગાડા સાહેબ કેયુરભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર તથા સામાજિક કાર્યકર ગનીભાઈ.આર વહોરા તથા ભવાનજી પટેલ ઉમરેઠ ટીમબર મરચનટ મહામંત્રી તથા ઉમરેઠ ટાઉન એમજીવીસીએલ સ્ટાફ હાજર રહ્યો હતો. સંચાલન ચિરાગ રાણા તથા દક્ષાબેન પારેખે કર્યું હતું.

પ્રાગટ્ય પર્વ ની શુભેચ્છા


ડાકોરમાં ૧૪ માર્ચ ફાગણી પૂનમ સાથે ધૂળેટી-દોલોત્સવની ઉજવણી કરાશે


આણંદ જિલ્લામાં આજથી ધો.૧૦,૧રની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ર૭ ફેબ્રુ.થી ધો.૧૦, ૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો આરંભ થશે. આણંદ જિલ્લામાં સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ-કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદશૃન હેઠળ પરીક્ષાલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં ધો.૧૦માં ૩૧ર૯૦, ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ૧ર૬૦૯ અને વિજ્ઞાન પ્રવાહમાં ૪૧પ૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પરીક્ષાના સુચારુ સંચાલન માટે ધો.૧૦ માટે ૩ અને ધો.૧રની પરીક્ષા માટે ૧ ઝોનની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ધો.૧૦ની પરીક્ષામાં ૪૦ પરીક્ષા કેન્દ્રો,૧૦૬ બિલ્ડીંગો અને ૧૧ર૦ બ્લોક છે. જયારે ધો.૧ર સા.પ્રવાહમાં ર૦ પરીક્ષા કેન્દ્રો, ૩૮ બિલ્ડીંગો અને ૪૧૭ બ્લોક તેમજ ધો.૧ર વિ.પ્રવાહમાં પ પરીક્ષા કેન્દ્રો, ર૦ બિલ્ડીંગ અને ર૧૩ બ્લોક તૈયાર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, દરેક પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્ઘારે તેમજ વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની સુવિધા રહેશે. કેન્દ્રો ઉપર પીવાનું શુદ્ઘ પાણી, જરુરી દવા, ઓઆરએસ સહિતની જરુરી પ્રાથમિક દવા સાથે મેડીકલ ટીમની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, વાલીઓ બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નં. ૧૮૦૦-ર૩૩-પપ૦૦ ઉપર સંર્પક કરી માર્ગદર્શન મેળવી શકશે. ઉપરાંત માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થી, વાલીઓ માટે જીવન આસ્થા હેલ્પલાઇન નં. ૧૮૦૦-ર૩૩-૩૩૩૦ ચોવીસ કલાક કાર્યરત રહેશે.

ઉમરેઠ – શિવરાત્રી ની ભક્તિભેર ઉજવણી , શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.


ઉમરેઠમાં શિવરાત્રી પર્વ ને અનુલક્ષી સવાર થી જ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તો નો ઘસારો થયો હતો. ઉમરેઠ જાગનાથ મહાદેવ માં શિવરાત્રી પર્વ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો. શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી જાગનાથ મહાદેવ માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. 

ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંદ્ર મુળેશ્વર મહાદેવ માં પણ બીલીપત્ર અને દૂધ ચઢાવવા માટે ભક્તોની લાઈન લાગી હતી. આજે નગરના શ્રી ચંંદ્રમુળેશ્વર મહાદેવ ખાતે ૩૦૦મી પાલખીયાત્રા પરંપરાગત રીતે નિકળી હતી , પાલખીયાત્રા દરમ્યાન મહાદેવજીએ ઘરે બેઠા લોકોને દર્શન આપ્યા હતા. પાલખીયાત્રા ની પૂર્ણાહુતિ શ્રી ચંદ્ર મુળેશ્વર ખાતે થઈ હતી ત્યારબાદ મહા આરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. 

કુબેર ભંડારી મહાદેવ માં પણ શિવરાત્રીને અનુલક્ષીને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. કુબેર ભંડારી મહાદેવ માં પણ ભોલેનાથ ના દર્શનાર્થે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. બીજીબાજુ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે મહાશિવરાત્રી પર્વ ને અનુલક્ષીને દર્શન-પ્રદર્શન યોજાયું હતુ જેમાં લોકોએ લાભ લીધો હતો. બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે અમરનાથની ગુફામાં બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતુ જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. શિવરાત્રી પર્વ નિમિત્તે ઉમરેઠના વિવિધ શિવાલયના પુજારી ને બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પુજારીઓના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. અહીંયા યોજાયેલ પ્રદર્શનમાં શિવ મહિમા , શિવ ભક્તિ સહિત યોગ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટેશન રોડ પાસે આવેલ મહાદેવ ખાતે પણ સવાર થી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મહાદેવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે બપોરે ૪ કલાકે શિવજીની સવારી નિકળી હતી જે નગરમાં વિહાર કરી પૂનઃ મહાદેવ ખાતે પૂર્ણ થઈ હતી. ઉમરેઠ પાસેના લીંગડા અને ડાકોર રોડ પર આવેલ બિલેશ્વર મહાદેવ ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને ભોલેનાથ ને બટાલા શકરીયા ધરાવ્યા હતા.

શિવરાત્રી પર્વની શુભેચ્છા


ઉમરેઠ – અર્બન કો.ઓ બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


સામાજિક સેવાના ભાગરૂપે ઉમરેઠની ધી અર્બન કો.ઓ.બેંક અને રેડ ક્રોસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે અર્બન બેંક  ખાતે આજે તા.૨૫/૨/૨૦૨૫ને મંગળવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બેંકના ખાતેદારો સહીત બેંકના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ નગરજનો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમ્યાન ૮૫ જેટલા યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉમરેઠ અર્બન બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.

વિદ્યાનગર – નંદાલય હવેલી ખાતે ફાગોત્સવની ઉજવણી


જગતગુરુ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર પુ.પા.ગો.૧૦૮. શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ની આજ્ઞાથી તથા આહિતાગ્ની શ્રી દેવકીનંદજી મહોદય શ્રી અને ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રી ના સાનિધ્યમાં શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી ના ૫૩માં પ્રાગ્ટય દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો ફાગોત્સવ તા.૬/૩/૨૦૨૫ને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે.

આ પ્રસંગે બપોરે ૪.૩૦ કલાકે ફુલફાગની ભવ્ય સવારી શ્રી નંદાલય ખાતે થી નીકળશે અને વિદ્યાનગરના વિવિધ વિસ્તારમાં ફરશે. સાંજે ૬.૩૦ કલાકે હોલીખેલ, રસિયા અને ફાગોત્સવ મનોરથ અને ત્યારબાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનનો લાભ લેવા વૈષ્ણવ સૃષ્ટિને નંદાલય હવેલી ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઉમરેઠ: શ્રી ચંંદ્રમુળેશ્વર મહાદેવથી મહા શિવરાત્રિ પર્વે  ૩૦૦મી પાલખીયાત્રા નિકળશે


ઉમરેઠના પ્રાચીન શ્રી ચંદ્ર મૂળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ૩૦૦મી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા વિક્રમ સંવત ૧૭૮૧થી પરંપરાગત રૂપે ઉજવાતી આવી છે. આવર્ષે ૫૦૦મી પાલખી યાત્રા તા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ બુધવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે પ્રસ્થાન કરશે. યાત્રા દરમિયાન મહાદેવજી નગર વિહાર કરશે અને ભક્તો ને તેમના ઘર આંગણે દર્શન આપશે આ અનેરા પર્વે ભક્તો ધન્યતાનો અનુભવ કરશે. શ્રી ચંદ્ર મૂળેશ્વર મહાદેવ મંદિર ઉમરેઠ શહેરના સૌથી પ્રાચીન શિવ મંદિર તરીકે ઓળખાય છે. વિક્રમ સંવત ૧૭૮૧માં શિખરબદ્ધ થયેલા આ મંદિરમાં શિવરાત્રી પર્વે પરંપરાગત રીતે પાલખી યાત્રા યોજાઈ રહી છે. યાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે ૭:૩૦ વાગ્યે મહા આરતી યોજાશે.

દિલીપભાઈ ચંદ્રશંકર દવેના યજમાન પદે માત્ર કાશી અને ઉમરેઠમાં યોજાતી સમાન ચાર પ્રહર ની શિવ મહાપૂજાનું પણ આયોજન થશે. આગામી દિવસે વર્ષમાં એકમાત્ર વખત મહાભોગ સાથે આરતીના દર્શન નો પણ લાભ ભક્તોને મળવા પાત્ર થશે. ઉમરેઠના શ્રી ચંદ્ર મુળેશ્વર મહાદેવ ના વહીવટીતંત્ર દ્વારા શહેર ની ધર્મપ્રેમી જનતાને આ વિશેષ ધાર્મિક પ્રસંગમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઓડ, બોરીયાવી અને આંકલાવમાં ફેબ્રુઆરીના અંત સુધી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે


આણંદ જિલ્લામાં ઓડ, બોરીયાવી અને આંકલાવ પાલિકાની ચૂંટણી સંપન્ન થઈ જતાની સાથે જ હવે પ્રમુખ-ઉપ્રમુખની ચૂંટણીને લઈને કવાયત તેજ કરી દેવામાં આવી છે અને આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં ત્રણેય પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાશે તેમ મનાઈ રહ્યું છે. જેને લઈને ત્રણેય પાલિકામાં પ્રમુખપદ મેળવવા માટે જોરદાર લોબીંગ શરૂ કરી દેવામાં આવ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઓડમાં ભાજપે ૨૪માંથી ૨૪ બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે બોરીયાવી પાલિકામાં પણ ભાજપે ૨૪માંથી ૧૫ બેઠકો જીતીને ૨૭ વર્ષ બાદ પ્રથમ વખત બહુમતી સાથે સત્તાના સુત્રો હસ્તગત કરશે. જ્યારે આંકલાવ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત વિકાસ પેનલને ૧૦-૧૦ બેઠકો મળી છે.જ્યારે ચાર સ્વતંત્ર અપક્ષો ચૂંટાયા છે. ઓડ પાલિકામાં આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય બેઠક છે. જેને લઈને કોને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી કમિટિના ચેરમેન બનાવવા તે માટે અત્યારથી કાઉન્સીલરોમાં ગુસપુસ શરૂ થઈ જવા પામી છે. આજે સવારે ત્રણેય પાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્સીલરોને અંધારીયા ચોકડી સ્થિત ભાજપના કાર્યાલયે આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે પ્રમુખપદને લઈને અંદરખાને ગતિવિધીઓ તેજ થઈ જવા પામી છે. પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી કમિટિના ચેરમેનપદ માટે પટેલ, ક્ષત્રિય અને ઓબીસી સમાજમાંથી પ્રાધાન્ય અપાય તેમ લાગી રહ્યું છે.


બોરીયાવી પાલિકામા આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી મહિલા બેઠક છે. ભાજપના જે ૧૫ કાઉન્સીરો ચૂંટાયા છે. તેમાંથી ૧૦ મહિલાઓ ચૂંટાઈ છે જ્યારે પાંચ જ પુરૂષ કાઉન્સીલરો ચૂંટાયા છે. વોર્ડ નંબર ૬માંથી એકમાત્ર ચૂંટાયેલા ઓબીસી મહિલા રમીલાબેન રાજેશભાઈ ભોઈ પ્રમુખપદના દાવેદાર હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે ઉપપ્રમુખ અને કારોબારી કમિટિના ચેરમેનપદે પાંચ પુરૂષોમાંથી પસંદગી થશે તેમ મનાઈ રહ્યું છે. સત્તા મેળવવાનો ખરો જંગ આંકલાવ પાલિકામાં જોવા મળનાર છે. અહીંયા પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલાની બેઠક છે. કુલ૨૪ બેઠકોમાથી ૧૦માં ભાજપ અને ૧૦માં કોંગ્રેસ પ્રેરિત અપક્ષો ચૂંટાયા છે. જ્યારે ચાર સ્વતંત્ર અપક્ષો ચૂંટાયા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચારેય અપક્ષોને પોતાની તરફેણમા લાવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. કાઉન્સીલરો તુટવાની બીકે બન્ને પક્ષો દ્વારા પોતપોતાના કાઉન્સીલરો તેમજ કેટલાક અપક્ષોને આજે રાત્રીના સુમારે સહેલગાહે મોકલી દેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. બન્ને પક્ષે પાલિકાની સત્તા હસ્તગત કરવા માટે ભારે હોડ જામી છે. કોંગ્રેસ તરફથી અમિતભાઈ ચાવડાએ પોતાનો ગઢ બચાવવા માટે મરણિયા પ્રયાસો હાથ ઘર્યા છે જ્યારે ભાજપના નેતાઓ દ્વારા કોઈપણ ભોગે આ વખતે આંકલાવ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવા માટેના તમામ પ્રયાસો તેજ કરી દીધા છે.

દૂકાન વેચવાની છે.


હમીદપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ઉત્કૄષ્ઠ પ્રદર્શન


આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની હમીદપુરા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતી આરોહી જિજ્ઞેશકુમાર પરમારે ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની અન્ડર ૯ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં ઉમરેઠ તાલુકાનું પ્રતિનિધિત્વ કરી ત્રીજા નંબરે વિજેતા બની હમીદપુરા પ્રાથમિક શાળા અને ઉમરેઠ તાલુકા ગૌરવ વધાર્યું છે. આચાર્ય મનોજકુમાર અમીન દ્વારા દીકરીને મેડલ અન કલર બોક્સ ભેટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા આરોહીને જિલ્લા કક્ષા સુધી લઈ જઈને ત્રીજો નંબર મેળવવામાં કોચ તરીકે ભૂમિકા ભજવનાર શાળાના શિક્ષક અને આરોહીના પિતાજી જિજ્ઞેશકુમાર પરમારને ફોલ્ડર ફાઈલ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે જિલ્લા કક્ષાએ ત્રીજા નંબરે વિજેતા થતા આરોહીને રૂપિયા ૨૦૦૦ પુરસ્કાર મળશે. આ અગાઉ ઉમરેઠ તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થઈ ૧૫૦૦ રૂપિયા પુરસ્કાર મેળવેલ છે. દીકરી આરોહિની જિલ્લા કક્ષાની સિદ્ધિ બદલ ઉમરેઠ ટીપીઈઓ ભાવિનભાઈ પટેલ, ઉમરેઠ બીટ કે.નિ. જે.એ. પટેલ, બીઆરસીસી ડી.એન. પટેલ, સીઆરસીસી શૈલેષભાઈ પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

ઉમરેઠ નગર પાલિકા પેટા ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય


ઉમરેઠ નગર પાલિકાની પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૮૦૨ મતથી વિજય મેળવ્યો છે. આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ધનંજય જોશીએ ૧૪૯૫ મત મેળવ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેશ તલાટી માત્ર ૬૯૩ મત મેળવી શક્યા. બીજી તરફ, ૨૫ મતદારો એ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો, જે મતદારોની અલગ માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. વિજય બાદ, ભાજપના ઉમેદવાર ધનંજય જોશીએ શહેર પ્રમુખ હાર્દિક પટેલ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને વોર્ડ નં. ૪ ના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ જીત માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર સંગઠનની મહેનત અને પક્ષપ્રેમી મતદારોના સમર્થનનું પરિણામ છે. આ વિજય સાથે ભાજપે નગર પાલિકાના રાજકારણમાં પોતાની પકડ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસ માટે આગામી રાજકીય દિશા અંગે ઊંડા વિચારવિમર્શનો સમય આવી ગયો છે.

જ્ઞાતિગત સમીકરણ અને મતદારોની વૃત્તિ

વોર્ડ નં. ૪ માં આ વખતે જ્ઞાતિગત સમીકરણ ખોટું પડી ગયું, કારણ કે મતદારો એ પક્ષના મૂલ્યોને જોતા પોતાનું મંતવ્ય આપ્યું. સામાન્ય રીતે, આ વિસ્તારમાં જ્ઞાતિગત રાજકારણ મહત્વ ધરાવતું હોય છે, પરંતુ આ વખતે પક્ષવાદે જેલવાયું હતું. મતદારોની આ વૃત્તિએ ભાજપ માટે અનૂકૂળ વાતાવરણ ઉભું કર્યું અને કોંગ્રેસ માટે નવી ચુંટણીઓ માટે પ્રણાલી બદલવા વિશે વિચારવું જરૂરી બન્યું છે.

ભાજપ માટે મહત્વપૂર્ણ જીત

આ વિજય ખાસ કરીને નવા શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ માટે અત્યંત મહત્વનો હતો, કારણ કે તે તેમની નેતૃત્વ ક્ષમતાને સાબિત કરવાનો મહત્વપૂર્ણ પડકાર હતો. ધનંજય જોશી માટે પણ આ જીત ઐતિહાસિક છે, કારણ કે તેઓએ પહેલી જ વખત ચૂંટણી લડી અને પ્રભુત્વ સ્થાપિત કર્યું.

આગામી ચુંટણીઓ પર અસર

આ જીતના કારણે ભાજપમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે અને આગામી સામાન્ય ચુંટણીઓ માટે કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે. ભાજપે સ્થાનિક સંગઠન સાથે મજબૂત જોડાણ બાંધીને, મતદારો સુધી પોતાની વિચારધારા પહોંચાડી અને આ જીત મેળવવામાં સફળતા મેળવી. બીજી તરફ, કોંગ્રેસ માટે આ હાર એક મનોમંથનનો વિષય છે, કારણ કે આ બેઠક અગાઉ કોંગ્રેસના કબજામાં હતી, પરંતુ હવે ભાજપે તેને ઝડપી લીધી છે.

વિદ્યાનગર – નંદાલય હવેલી ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાશે.


ઉમરેઠ – શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૭મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી


ઉમરેઠ ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૭મો પ્રાગટ્ય મહોત્સવ આજે મહેન્દ્ર કુમાર મોહનલાલ શાહ પરિવારના યજમાન પદે ભારે ભક્તિભેર ઉજવાયો હતો. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ના પ્રાગટ્ય પર્વ નિમિત્તે સવારે મોટા મંદિર ખાતે થી પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતુ , આ ઉપરાંત શ્રી ગીરીરાજ ધામ ખાતે યજમાન પરિવાર દ્વારા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ના પ્રાગટ્ય પર્વ ની ઝાંખી નું નિદર્શન કરવામાં આવ્યું હતુ સવારે ૧૧ કલાકે મંદિર ખાતે પલના અને તિલક દર્શન તેમજ બપોરે ૪ કલાકે કિર્તન તેમજ  ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા શોભાયાત્રા  નગર વિહાર કરી મંદિર ખાતે વિજય થઈ હતી. શોભાયાત્રાનું નગરના વિવિધ વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉમરેઠ – લોકસભા ચુંટણી માટે ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલનો રોડ શો યોજાયો.


લોકસભાની ચુંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલનો રોડ શો યોજાયો હતો જેમાં નગરના વિવિધ વિસ્તારમાં મિતેષભાઈ પટેલનું ફુલહાર થી લોકોએ સ્વાગત કર્યું હતું. રોડ શોમાં ભાજપ ના હોદ્દેદારો કાર્યકરો સહીત આજૂબાજૂના ગામના લોકો જોડાયા હતા અને પ્રજાજનો ને ભાજપ ને મત આપવા અપીલ કરી હતી.

ઉમરેઠમાં કોગ્રેસનું કાર્યાલય શરૂ કરાયું – અમીતભાઇ ચાવડાએ લોક સંપર્ક કર્યો.


વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં સામાન્ય લોકસભા ચૂંટણી – ૨૦૨૪ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ વિવિધ પક્ષ ના ઉમેદવારો અને કાર્યકરો જોશભેર આગળ વધી રહ્યા છે. ગતરોજ આણંદ લોકસભા વિસ્તારના કોંગ્રેસના યુવા ઉમેદવાર અમિત ચાવડા એ ઉમરેઠ શહેરમાં સવારે ઓડ ચોકડી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ને ખુલ્લું મૂક્યા બાદ મોટી સંખ્યામાં હાજર રહેલ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે શહેરના વિવિધ રહેણાંક અને માર્કેટ વિસ્તારોમાં ઉનાળાની ગરમીમાં પણ યુવા ઉમેદવાર અમીતભાઇ ચાવડાએ પૈદલ જનસંપર્ક કર્યો. આ દરમ્યાન કાર્યકરો અને સ્થાનિકો માં પણ ગજબ નો ઉત્સાહ હતો. આ જનસંપર્ક ની શરૂઆત ઉમરેઠ ના સંતરામ મંદિરે દર્શન અને પૂ. ગણેશદાસજી ના આશીર્વાદ થી થયેલ, બાદમાં ઉમરેઠ ના તમામ મુખ્ય મંદિરોએ દર્શન કરતાં દેશની મહાન વિભૂતિઓ બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલ સાહેબની પ્રતિમાઓ ને નમન કરતા શહેરના વિવિધ વિસ્તારો લાલદરવાજા, ખ્રિસ્તીવાસ, ભગવાન વગા, વડાબજાર, ખાટકીવાડ, રાજપૂત ચોરા, ભોઈવગા, કસ્બા વિસ્તાર, વાંટા વિસ્તાર, કોર્ટ રોડ, પંચવટી, ઓડબજાર, ભાથીજી મહારાજ મંદિર, માર્કેટયાર્ડ, સોસાયટી વિસ્તારોમાં જનસંપર્ક બાદ અંતે સિકોતરમાતા મંદિરે આશીર્વાદ લીધા. આ દરમ્યાન ડી.જે, ઢોલ નગારાંના તાલ સાથે ઠેર ઠેર તમામ સમાજ ના નાગરિકોએ ફૂલહારથી અમિતભાઇ ચાવડાનું સ્વાગત કરેલ. આ દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ભૃગુરાજસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મિલનભાઈ વ્યાસ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરભાઇ જોશી, યુનુસભાઇ મુખી, ગોપાલ ચાવડા, ઉમરેઠ મ્યુ. કાઉન્સિલર લાલાભાઈ વ્યાસ, રાજેશભાઈ તલાટી, ઉમરેઠ શહેર મહામંત્રી રવી ભાઈ વડોદિયા અને તેમજ મોટો સંખ્યામાં યુવા ક્ષત્રિય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુવા વય ૨૭ વર્ષે ધારાસભ્ય બનેલા અમીતભાઇ ચાવડા શિક્ષણથી ઇજનેર છે અને ૫ ટર્મ, ૨૦૦૪ થી બોરસદ અને ૨૦૦૭ થી અંકલાવ વિધાનસભાનુ પ્રતિનિધિત્વ કરે છે, અગાઉ તેઓ સૌથી યુવા વયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, આ સમયે શહેર માં ઉપસ્થિત મતદારોને મત મુજબ અમીતભાઇ ની ઉમેદવારી અને ક્ષત્રિય આંદોલનની અસરથી આણંદ લોકસભાનો ચૂંટણીજંગ રસપ્રદ બન્યો છે.

ઉમરેઠ તાલુકાની ૪૫ દૂકાનો મતદાન ના દિવસે ૭% ડીસ્કાઉન્ટ આપવા તૈયારી બતાવી..


મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર ઉમરેઠ, તાલુકા વિકાસ અધિકારી ઉમરેઠ, ચીફ ઓફિસર ઉમરેઠના અધ્યક્ષ સ્થાને ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ દુકાનદારો, મોલ, મેડિકલ સ્ટોર,હોટલ, રેસ્ટોરન્ટ ના માલિકો સાથે તારીખ ૭/૫/૨૦૨૪ ના રોજ મતદાન કર્યા બાદ ગ્રાહકોને ખરીદી ઉપર ૭% સ્વૈચ્છિક ડિસ્કાઉન્ટ આપવા બાબતે મિટિંગનું આયોજન થયેલ .જેમાં ઉમરેઠ શહેરના કુલ ૨૩, પણસોરા ગામ ખાતે ના કુલ ૧૧, ભાલેજ ગામ ખાતેના કુલ ૧૧ દુકાનદારો,મોલ,મેડિકલ સ્ટોર, હોટલ, રેસ્ટોરન્ટના માલિકોએ સ્વૈચ્છિક સહમતી દર્શાવેલ.

ઉમરેઠના ચોથા અને છઠ્ઠા વોર્ડમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલનો લોક સંપર્ક


જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન ને વેગ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલ ના પ્રચાર માટે તાલુકા ભાજપના કાર્યકરો મિતેષભાઈ પટેલના પુત્ર કિશન પટેલ સાથે પ્રચાર કાર્યમાં હતા ત્યારે આજે મિતેષભાઈ પટેલ ઉમરેઠના વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર છ માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો જ્યાં તેમને લોકોએ સુંદર આવકાર આપ્યો હતો. પ્રચાર અભિયાનમાં ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ શાહ , ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરા વાળા, પ્રકાશભાઈ પટેલ , ચેરમેન બજાર સમિતિ સહિત ,સુજલ શાહ, ઉમરેઠ નગરપાલિકાના સભ્યો અને શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત રોજ ઉમરેઠ ખાતે ભાજપ નું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું હતુ ત્યારે હવે ઉમરેઠ પંથકમાં ચુંટની નો માહોલ જામ્યો છે. ઉમરેઠના બજારોમાં પણ ભાજપ ના ઉમેદવાર મિતેષભાઇ પટેલે વહેપારીઓ ને રૂબરૂ મળીને ભાજપને મત આપી અબ કી બાર ચારસો કે પાર સૂત્ર સાર્થક બનાવવા અપીલ કરી હતી.

ઉમરેઠ – હનુમાન જયંતિ ની ભક્તિભેર ઉજવણી.


ઉમરેઠ ખાતે હનુમાન જયંતિની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરેઠના ઓડ બજાર અને વડા બજાર વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરમાં સવાર થી ભક્તો નો ઘસારો જોવા મળ્યો હતો જ્યારે ઉમરેઠના કેટલાક હનુમાન ભક્તોએ ઉમરેઠ પાસે આવેલ નેશ ખાતે નેશીયા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉમરેઠ ઓડ બજાર વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે  હનુમાનજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા અને મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. બીજી બાજુ વડા બજાર વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરમાં પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. ઉમરેઠ ઓડ બજારમાં પરબડી નીચે સિંદુરીયા હનુમાનજીના દર્શન કરવાનો પણ ભક્તોએ લાહ્વો લીધો હતો સદર હનુમાન મંદિરે હનુમાન ચાલીસા ના વિશેષ પાઠ કરવામાં આવ્યા હતા.