કુમળી લાગણીઓની સંવેદના સભર કૃતિઓ થકી સાહિત્યક્ષેત્રે સંકળાયેલા સહયાત્રીઓ સાથે વાતચીત થકી હ્રદયનો શુદ્ધ આનંદ વહેંચવાનો અમૂલ્ય અવસર જૂનની ૨૯મીએ મારી નાની બહેન ક્રિશ્ના સાવધરીયાના વિશાળ આંગણે ઉજવાયો. જેમાં પૂજ્ય પન્નાબહેન નાયક, આદરણીય શ્રી નટવરભાઈ ગાંધી, આદરણીય શ્રી પ્રમોદભાઈ ઠાકર, સ્નેહી શ્રી જયંતભાઈ દવે, પલ્લવી ગાંધી, ઈશાની શાહ, પુલકિત શાહ, તન્વી શાહ, રાજુલ કૌશિક, વસુધા ઈનામદાર, મીનલ પંડ્યા, સેજલ કોઠારી, શ્રુતિ મહેતા, તન્વી શાહ, પ્રમોદિનીબહેન દવે અને સંદીપભાઈ ઠાકોર વિગેરે ઉત્સાહથી જોડાયાં તેથી આનંદ અનેકગણો વધ્યો.
શ્રી નટવરભાઈ અને પન્નાબહેન પરિસંવાદથી કાર્યક્રમની શરૂઆત કરી. જેમાં આ અનોખા યુગલ વિષે ઘણું જાણવા મળ્યું. તે પછી તન્વી શાહે એક જ કાવ્યમાં જુદી જુદી પંક્તિઓમાં ચાર અલગ ભાષાઓ થકી નવી પેઢીની વિશાળ દૃષ્ટિનો પરિચય કરાવી સૌને મુગ્ધ કરી દીધા. શ્રી પ્રમોદભાઈ ઠાકર કે જેમણે અખાના છપ્પાનું અંગ્રેજમાં ભાષાંતર કર્યું છે તેમણે તેની વાતો કરી અખાના બોધને નવા સ્વરૂપે રજૂ કર્યો. સેજલ કોઠારીએ પન્નાબહેનની એક રચના ‘કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહૂક્યા કરવાનું મને મંજૂર નથી..’ રજૂ કરીને સૌને પ્રસન્ન કરી દીધા. તે ઉપરાંત આ આશાસ્પદ કવયિત્રીએ સ્વરચિત સુંદર રચનાઓ રજૂ કરી સૌને રસ તરબોળ કર્યા.
રાજુલબહેન કૌશિકે એમનાં કોમળ સ્વરે પોતાની શબ્દયાત્રા અને અભિવ્યક્તિનો આનંદ વહેંચ્યો. પ્રમોદિનીબહેન દવેએ પન્નાબહેનને લખેલી બા વિષેની પ્રચલિત રચના વાંચી સંભળાવી. શ્રી નટવરભાઈએ પણ બા વિષે સોનેટ રજૂ કર્યું. એ પછી પલ્લવી ગાંધીએ તેના પપ્પા સ્વ. શ્રી અનિલભાઈ શાહ અને સ્વ. શ્રી મનુભાઈ પંચોળી વચ્ચેના પત્રોનું જે પુસ્તકમાં સંકલન કર્યું છે તે પુસ્તક ‘ બે પ્રાજ્ઞોનો સંવાદ’ વિષે વિગતે વાતો કરી. જેમાં શ્રી પ્રમોદભાઈ તેમ જ શ્રી નટવરભાઈ પણ પલ્લવીના કહેવાથી જોડાયા હતા.
વાર્તાકાર વસુધાબહેન ઈનામદારે પોતાની લખેલી વાર્તા મનભાવન રીતે પ્રસ્તુત કરી અને શ્રી જયંતભાઈ દવેએ નાનપણમાં સાંભળેલી આનંદી કાગડાની વાર્તા યાદ આવી જાય તેવું સુંદર કાવ્ય ‘હું આનંદી કાગડો’ પોતાની ઓળખ સાથે રજૂ કર્યું. મીનળબહેન પંડ્યાએ એમના સાહિત્યરસની અને પન્નાબહેનની કવિતાઓ વિષે થોડી વાતો કરી.
અંતમાં ઈશાની શાહ અને શ્રૂતિ મહેતાએ સૌના પ્યારા સ્વ. કવિ શ્રી ચંદ્રકાન્ત શાહ ઉર્ફે ચંદુભાઈ વિષે કવિતાઓ વાંચી.
ત્યારબાદ ગરમગરમ ઢોસાનું મનભાવન ભોજન અને રસભરી વાતોનાં વડાં સાથે ગરમગરમ મેંદુવડાંની મોજ માણી સૌ રસતરબોળ થઈ ચાર કલાકના આનંદની સુમધુર યાદો લઈ છૂટા પડ્યા. તે પહેલાં ફરી વાતોનો દોર ચાલ્યો. જેમાં અમેરિકાવાસી ગુજરાતીઓની જીવનકથાઓનું પુસ્તક ‘સ્મૃતિસંપદા’ની થોડી વાતો કરી આ પુસ્તક સૌને ભેટમાં આપ્યું. સાંજે અમારે ટેનેસી પાછા ફરવાનું હતું. એરપોર્ટ તરફ કાર હંકારી તે પહેલાં વ્હાલી બહેન ક્રીશ્નાને ભેટીને રડુંરડું થતું મન હસી ઊઠે તેટલી મીઠાશ લઈ ઘર તરફ પ્રયાણ કર્યું.
કુંટુંબના અન્ય સભ્યો સાથે ગાળેલા વેકેશનના આ થોડા દિવસોમાં પરિવાર અને મિત્રોના પ્રેમનું ભાથું બાંધી મન તરબતર થઈ ગયું. આગલા દિવસે એટલે કે જૂન ૨૮ ની સાંજે સ્વ. કવિ શ્રી ચંદ્રકાંત શાહ જેમાં સક્રિય હતા તે મેઘધનુષના કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ ઈશાની શાહે આપ્યું. આ કાર્યક્રમની સાથે શ્રી જય વસાવડાની મધુર વાતો સાંભળવાનો લ્હાવો પણ મળ્યો હતો. ચંદુભાઈએ શરૂ કરેલી સાહિત્યિક પ્રવૃતિઓને વેગ મળતો રહે તે માટે ઈશાનીના પ્રયત્નોને દાદ દઉં છું.








