.
બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનાં મૂલ્યાંકનો અને સંપાદનની આ સાહિત્ય શ્રેણી અઢાર ગ્રંથોમાં વિભાજિત છે. એમાં મહત્વના લેખકોના વિવિધ સ્વરૂપના લખાણોને સંપાદિત કરેલ છે. જુદા જુદા સાહિત્ય સ્વરૂપોમાં જેમનું પ્રદાન છે એવા સર્જકોની સાહિત્યકૃતિઓને સંપાદિત કરીને મૂલવેલ છે તથા બ્રિટનમાં રચાયેલા સમગ્ર સાહિત્યને કવિતા, વાર્તા અને નિબંધ એમ ત્રણ ખંડોમાં વિભાજિત કરીને તે તે સ્વરૂપની રચનાઓ જે તે ખંડમાં સંપાદિત કરીને મૂલવેલ છે. પ્રત્યેક વૈયક્તિક ગ્રંથના પ્રારંભે બહુ જ વિગતે લેખકનો પરિચય અને લેખકના સાહિત્યમાંથી ઊપસતી ડાયસ્પોરિક સંવેદનાને તારવીને એનું રસદર્શન પણ કરાવેલ છે.
બર્મિંગહામ કૉલેજ, બર્મિંગહામના ગોવિંદ દેસાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રો. ડો. બળવંત જાની સાથે એમ.ઓ.યુ. કરીને ગુજરાતના ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી નિમિત્તે આ બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય એકત્રીકરણ, ચયન, મૂલ્યાંકન અને પ્રકાશનનો પ્રકલ્પ હાથ ધર્યો હતો. આ શ્રેણીમાં પરામર્શક તરીકે બ્રિટનના ભાષાવિદ અને સાહિત્યકાર ડૉ. જગદીશ દવેએ સેવાઓ આપી છે. આ શ્રેણી ‘પાર્શ્વ પ્રકાશન’ , અમદાવાદ દ્વારા પ્રકાશિત થઈ છે.


