ટાણે થયો’તો મેળો જ્યાં
આજે રહ્યો ખાલીપો ત્યાં..!
વાતો ઘણીએ બાકી જ્યાં
મૌને થયો ખાલીપો ત્યાં..!
ફૂટી કવિતા ઝાઝી જ્યાં
હૈયે વધ્યો ખાલીપો ત્યાં..!
નાદો બધાં વિલાતાં જ્યાં
ઓગાળ આ ખાલીપો ત્યાં..!
શિવોહંના નાદો છે જ્યાં
ક્યાં રહે છે ખાલીપો ત્યાં..!
ચોમેર તારૂં હોવું હો
હે શિવ! તું માલીપા જ્યાં..!
દેવાંગ હૈયે શિવાલો
નિશેષ છે ખાલીપો ત્યાં..!
#ખાલીપો …3
ખાલિપો
શબ્દ તણું ટોળું વળ્ંયુ થયો રાજીપો,
અક્ષર નો’તો ખાસ,ને રહ્યો ખાલીપો!
પ્રસંગ એનો ઉકલી ગયો રીવાજે,
અસર એની આજ ભિતરે ખાલીપો!
ગરભ ભાવિનું ભલે ગમે તે ભાખે,
હૃદય મારૂં ના રહે સહે ખાલીપો !
અમર છે હૈયે શ્રધ્ધા તણો એ દીવો,
અગમ સૌ સારૂં થશે,ટળે ખાલીપો!
અચલ રાખી ને ટકાવજો આ કાળે,
ભરણ દે આશા અમૃતથી ખાલીપો!
મજલ તો દેવાંગ આનંદ ને ખોળે,
ડગર દેતું કો પળે પળે ખાલીપો!
#ખાલીપો ..4


છૂટ્ટી મૂકી દે ઝુલ્ફો ક્યાં બાંધીને રાખ,
આવી રીતે જોનારાને બાંધી ના રાખ!
આંખો તારી હથેળી સાથે બાંધી સાવ,
ઝુલ્ફોના બા’ને કોઈને હેરાની ના આપ!
ગોરા ગાલે છે રૂપાળા હોવાનો ભાર,
રૂઆબી ઠાઠે રાતી સાડી કેરો સાજ!
દિવાને શોભે,તારૂં પાણીયારે રાજ,
તું જોતી જ્યાં,મે’ફીલો જેવી વાત!
તારૂં હોવું જાણેકે મોટો સો તે’વાર
દિવાળી તો જાણે સાથે હોવાની વાત!
–દેવાંગ દવે
(ગાગાગાગા ગાગા ગાગાગાગા ગાગાલ)
રાધા થવું કે શ્યામ થવું
રાધા થવું કે શ્યામ થવું,
તારાં થવું ,બેફામ થવું..!
ભૂલી જવું,બાકી સઘળું,
સાથે હવે નિશેષ થવું..!
વેણુ થવું કે સુર થવું,
સાતે સ્વરેથી રાગ થવું..!
માથે દલિલો નું ભમવું,
કાનો થવું કે પાર્થ થવું..!
ગીતા ગઉં કે જ્ઞાન થવું,
કોરાં થવું નિષ્કામ થવું..!
‘દેવાંગ’ ખાલી નામ થવું,
ક્યાં તો પછી બેનામ થવું ..!
(ગાગાલગા ગાગાલલગા મુજબ..)
કવિતા
બહું ચગ્યા તમે મૂકવી પડશે કવિતા,
બહું નડ્યા તમે મૂકવી પડશે કવિતા!
ભલે રહ્યા તમે તોપ કે તમંચો ભડાકે,
બહું ફગ્યા તમે વાંચવી પડશે કવિતા!
બધે બધાં બહાના તમે તડકે તપાવો,
બહું દડ્યા તમે વાંચવી પડશે કવિતા!
વધું દલિલ ના સાંભળું,વધશે બબાલો
બહું અડ્યા તમે વાંચવી પડશે કવિતા!
કહે તનેય દેવાંગ ,આજ થશે કવિતા,
બહું થંભ્યા હવે, મૂકવી પડશે કવિતા!
ખાલિપો 2
દેવાંગ દવે
😇
તારા પ્રત્યક્ષ ન હોવાનો ઝુરાપો,
આંખે સતત અજાણ્યો સો ખાલિપો!
શ્વાસો સળંગ વહ્યા છે ટોળે ટોળે,
તોયે પળ પળ માણ્યો જે ખાલિપો!
વાતો અંતર તણી કોને કે’વાની?
વાતે શબ્દશઃ વધાર્યો છે ખાલિપો!
ચીતાર ગઝલ માં શાને ઉતારું?
કેવો છંદબધ્ધ જામ્યો છે ખાલિપો!
છે તું કણકણમાં વ્યાપ્યો હું જાણું!,
તારી અપ્રત્યક્ષતાનો આ ખાલિપો!
‘દેવાંગ’ અલગ ક્યાં તારી માયાથી?
ઘેરે ભરમ તણો ભેદી ખાલિપો!
ગાગાલલ લલગાગા ગાગાગા
#ખાલિપો (2)
ખાલિપો 1
નથી મારા મૌનનાં ભાષાંતર કરવા,
નથી ખાલીપા અહીં ઉજાગર કરવા!
નથી કોઇ લાગણીના ખેતર લણવાં,
નથી કોઇ દાખલા કે ઉત્તર ભરવાં!
હશે સૌને ઘાવ ઉંડા સાવ ય નરવાં,
નથી લીલા ઘાવ સામા ઉપર ધરવાં !
ભલે મારાં બોલવાની હોય કદર સદા
નથી રેઢાં મૂકવા કોઇ ગઝલ મક્તા!
શબ્દો તો ઓછાં જ લાગે જે વ્યક્ત કરવાં,
નથી ખાલિપા અહીં ઉજાગર કરવાં!!!
#ખાલિપો (1)
દેવાંગ દવે
😇
દેવાંગ કેરા ભાવમાં…
ગાલગાગા ગાલગાગા ગાલગા
તું જ છે, વિચારમાં કે યાદ માં
આમતો, ચોમેર મારી વાતમાં;
તું જ છે, સાવે પહેલી વારમાં,
કે પછી,છેલ્લે રહેલાં સાથમાં ;
તું જ છે,ચાલી રહેલા શ્વાસમાં,
કે પછી વિતી ગયેલી ઘાતમાં;
તું જ છે,લીધાં કરેલા નામમાં,
કે પછી,હૈયે કરેલા જાપમાં;
તું જ છે,આગોતરાં ઉત્સાહમાં,
કે પછી,વાંહે વધી નિરાંતમાં;
તું જ છે, ત્યાં જ્યાં ન કોઇ વાત ના-
કે પછી, જ્યાં ત્યાં બધે તું જાતમાં;
તું જ છે, ‘દેવાંગ’ કેરાં ભાવમાં,
કે પછી,હોવા પણાનાં ભાવમાં !!
અતખલ્લુસ
રાતની અગાશીએ ડોકિયું કરતાં જ
ઘેરી વળે શીળો હેમાળો સમીર…
ભિતરેથી ઉઠતું લખલખું
ઝંખે રોમ રોમ બસ!હુંફ..
અહેસાસ તો છે ચોમેર
તારા જ હોવાપણાનો,
તારા વિચારોની હુંફ
વચ્ચે લખાયેલ
શબ્દોમાં
હું ..
તારૂં નામ
રાખું દરેક પંક્તિમાં
કે પછી,કદાચ ક્યાંય નહીં ..
કેમ કે, હજી મારે એ અનામિકાને
આપવું છે એક મારૂં સાવ પોતિકું નામ,
ત્યાં સુધીતો ‘દેવાંગ’ સર્વનામથી જ બોલાવશે..
જોને ,મેં પણ ક્યાં કોઈ તખલ્લુસ રાખ્યું જ છે જાતે..
#અાછંદાસ