આત્મચિંતન

Posted on

ૐ 

હમણાં હમણાં મને એવા પણ વિચારો આવતા કે આપણી આસપાસ કેટલા બધા મહારથી કે પ્રખર પંડિતો છે, આત્મા ચિંતની, સત્સંગી,સાધુ સંતો મહાત્માઓ લેખકો અથવા ગુણીજણો છે એમાં હું શું લખીને કે વ્યક્ત કરીને કાઈ કરી લેવાની.. ઉત્તમ માધ્યમો દ્વારા દરેક ને બધું જ મળી જાય છે પણ મારા દીકરઆએ એક દિવસ મને ૧-૨ વાક્યો માં કીધું કે “આ બધા જ માધ્યમો છે પણ આ બીજા ના છે.  આ તું લખીશ કે કહીશ એ તારું રહેશે જે મને ખૂબ ગમશે વાચવું અને સાંભળવું અને માટે આ પછી મને ફરી થયું કે વાત તો સાચી છે. જે કાઈ જોઈએ છીયે વાચિયે છીયે સાંભળીને છીયે સઘળું ક્યાંક તો કોઈકે કોઈ સમય માં કહેલું જ છે પણ હું મારી રીતે મારી વાત પ્રસ્તુત કરીશ તો આ મારી રહેશે અને મારી કહેવાશે. માટે “તેરા જ તુજકો અર્પણ” જેમ ઈશ્વર ને કહીએ એમ જ આ પણ ..એ સરખી જ પ્રથા થી મારું, તમારું સૌનું આપણામાં જ વહેચી ને આપણને અર્પણ. જો ભૂલ ચૂક લખવામાં થાય તો વાચવાવાળા માફ કરશો. ડેલા માં કે ફળિયામાં બેસીને વાત કરતા હોઈએ ત્યારે મિત્ર કે બહેનપણી કાઈક કહે બોલે અને થોડું સાંભળે એ પ્રમાણે જ સમજશો બીજું કાઈ નહીં. હળવા થઇએ અને પોતપોતાના ગૂંથેલા માળે પાછા ફરીએ બસ એ જ ઉદ્દેશ્ય હોય છે. અને એમ હું પણ કોઈ કોઈ વાર આમ જ ડોકિયું કરતી રહીશ. આપ સૌ પણ મને એમ જ હાલતા ચાલતા અહીં થી પસાર થતા કેમ છો કહેતા રહેજો .. મને ગમશે..હું પણ તમને સામે મજામાં છું તમે કેમ છો એમ કહેતી રહીશ આ રીતે. તો 

આજે વિચારતા આ વિચાર આવેલો: 

ઇગો (અભિમાન) અને (સેલ્ફ કોન્ફિડેંસ) આત્મવિશ્વાસ વચ્ચે આમ જોઈએ તો જમીન આસમાન નો ફર્ક છે. 

ઇગોને હંમેશા કોઈ ને કોઈ આધાર જોઈએ જ્યારે સેલ્ફ કોન્ફિડન્સ સરળ રીતે અડગતાથી એકલો પણ એક જગ્યા એ ઉભો રહી શકે. એટલે સાધુ સંતો જ્યારે કહે છે કે “આપ ઈશ્વર કી સંતાન હૈ નેચરલ રહિયે”એનો મતલબ પણ આ જ છે કે ઇગો એ માનવસર્જિત ઉનનેચરલ છે જ્યારે સેલ્ફ કોન્ફિડેંસ એ ઈશ્વરે આપેલી ભેટ સમાન નેચરલ. માનવી સૌથી સેલ્ફ કોનફિડેન્ટ ત્યારે જ હોય છે જ્યારે એ પોતના જેવો દેખાડે પોતાને, બીજાના જેવા થવામાં આપણે પોતાને જ ખોઈ બેસીએ છીયે. 

આપડે જેવા નથી એ દેખાડવાનો જ્યારે પ્રયત્ન કરતા હોઈએ છીયે ત્યારે ખુદ ને ખોઈ બેસતા હોઈએ છીયે અને જે પ્રગટ થાય છે એ આપડા સિવાયનું બહાર આવે છે. પરિણામે એ કોઈ ને કોઈ પ્રકાર નો શો ઓફ છે એમ સમજી શકાય છે. 

ઇગો એ આમ જોઈએ તો અધૂરા ઘડા 🌓જેવો છે જ્યારે સેલ્ફ કોન્ફિડેંસ એ જાણે 🌕 પૂર્ણ. આમતો સેલ્ફ કોન્ફિડેંસને પૂર્ણ કહીએ તો પણ એમાં બાઉંડરી તો સેટ કરી જ કહેવાય એના કરતા એમ કહું કે infinite છે તો વધારે શોભે છે એવું મને લાગે છે. સેલ્ફ કોન્ફિડેંસ માં આપડે આપડા જેવા લાગીએ chiye.. ♾️

બાકી તો સેલ્ફ કોન્ફિડેંસ નો પણ ઇગો હોય છે.. પણ એ પાછી સાવ અલગ વાત કે ટોપિક થઈ જશે! 

આપણે ૯૦% (સમાજ ને ધ્યાન માં રાખીને) આપણા જેવા જ રહીએ તો કેવું? 

સૌને જય શ્રી રામ 🙏🏻

-ધારા ભટ્ટ- યેવલે 

કરવા ચૌથ

Posted on

રિપોસ્ટ વિથ ક્લિયર રીડિંગ.

કરવાચૌથ

કરવાચૌથનું મહા પ્રચલિત વ્રત

કરવાચૌથનું વ્રત આજ ના સમય નું સૌથી પોપ્યુલર વ્રત છે.  જો કોઇ એને પેહલી વાર કરતું હોય અને જાણકારી ના હોય તો આ પ્રમાણે કરી શકે. 

કરવાચૌથ વ્રત ક્યારે કરવું?

કરવાચોથનું વ્રત કૃષ્ણ પક્ષની ચતુર્થીએ(પૂનમ પછીનો ચોથો દિવસ) કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સૂર્યોદયથી લઈને ચંદ્રોદય સુધી ર્નિજળા રહીને આ વ્રત કરે છે. કઠોર કહેવાતું આ વ્રત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમરની કામના, સંતાનોનાંસુખ, અને અખૂટ ધનસંપત્તિનું વરદાન મેળવવા માટે કરે છે. આજ-કાલ તો ધણા પતિઓ પણ પોતાની પત્નિ માટે દિવસભર ઉપવાસી રહી તેની સાથે આ વ્રત કરે છે. કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરવા કરે છે. થેંક્સ ટુ  ટીવી સીરીઝ અને મુવિઝ કે આ વ્રતને રોમેન્ટિક અને ગ્લેમરસ બનાવીને ખૂબજ પ્રચલિત કર્યું. એવા રાજ્યો કે જ્યાં આ તહેવાર નહોતો ઉજવાતો ત્યાં પણ સ્ત્રીઓ એ એને ઉજવવાનું શરુ કર્યુ છે. આ તહેવાર પંજાબ, હરાયાણા, યુપી,બિહાર, રાજસ્થાન,અને ઉત્તરાંચલ,વિગેરે નાં ઉત્તર નાં રાજ્યોમાં ખૂબ જ શ્રધ્ધા સાથે વધારે પ્રમાણમાં ઉજવાય છે. ઉત્તરી દરેક રાજ્ય માં વેગવેગળા પ્રકારે એની પૂજાવિધિ અને પ્રથા છે, પણ, દિવસ એ એક જ  ર્નિધારિત છે. દેશ જ નહીં વિદેશમાં પણ સ્ત્રીઓ આ વ્રતને ખૂબજ ઉત્સાહ સાથે ઉજવે છે. આ તહેવાર એટલો બધો પ્રચલિત થયો છે કે એ દિવસ દૂર નથી કે એને ટ્રેડિશનલ ઈન્ડિયન વેલેન્ટાઈન્સ ડે કે પછી “ટ્રેડિશનલ ઈન્ડિયન કરવા ડે” તરીકે ઉજવાય!!!

કયા દેવ ને પૂજવામાં આવે છે?

કરવાચૌથ અને સંકષ્ટી બન્ને એક જ દિવસે આવે છે. કરવાચૌથ કે કરક ચતુર્થી ની પૂજા એ માઁ પાર્વતી જેમને આપણે અખંડ સૌભાગ્યવતી માનીએ છીએ એમના આર્શીવાદ મેળવવા માટે કરવામાં આવે છે. એમની સાથે એમના પરિવારમાં વિઘ્નહર્તા ગણેશજી,ભગવાનશિવ અને કાર્તિકેયજીની પણ પૂજા કરવામાં આવે છે. માઁ ગૌરા અને ચૌથમાતા જેને માઁ પાર્વતીનાં જ સ્વરૂપ માનવામાં આવે છે, એમની પણ પૂજા કરવામાં આવે છે. ધણાં લોકો કૃષ્ણની પણ પૂજા, માખણ,મિષ્રીનો પ્રસાદ અર્પીને કરે છે. કહે છે કૃષ્ણએ દ્રૌપદીને પાંડવોનાં દીર્ઘાયુ માટે કરવા કહેલું.

કરવાચોથ ને કરક ચતુર્થી પણ કહેવાય છે.

કરક અથવા કરવા, એટલે કે નાનો માટીનો ઘડો કે કળશ. એનું વ્રતમાં ખૂબ મહત્વ છે. એનો ઉપયોગ ચંદ્રને અર્ઘ્ય(જળ ચડાવવું) દેવા માટે કરવામાં આવે છે. અને જેને વ્રત પત્યા પછી યોગ્ય પાત્રને દાનમાં દઈ દેવામાં આવે છે. 

આ વ્રત કેવી રીતે કરવું?

સૂર્યોદય પહેલા ઉઠીને બને તો બ્રહ્મ મુર્હતમાં પોતાની સાસુ દ્રારા બનાવેલ દૂધ, કે કોઈ મીઠી વસ્તુને કે તમને ભાવતી કંઈ પણ વાનગી આરોગવી. સાસુ પાસે ન હોય અને એકલા રહેતા હોય તો જાતે જ વાનગી બનાવી ને આરોગવી. સૂર્યોદય પછી વ્રત કરવાનાં સંકલ્પ સાથે દિવસભર ર્નિજળા રહી તો ઘણી સ્ત્રીઓ ૨-૩ વાર ચા પીને અને ફળ ખાઈને પણ કરે છે. દિવસ દરમ્યાન માઁપાર્વતી અને શીવજી નું ધ્યાન ધરવું. સાંજે સૌથી પહેલા માઁ કરવાની પૂજા કરીને પછી એમના પરિવારની પૂજા કરવી. પોતાના પતિ અને પરિવાર માટે લાંબીઆયુ,સુખ,શાંતિ અને સંપત્તિ માટેની પ્રાર્થના કરવી. કરવાચોથની કથા વાંચવી અથવા સાંભળવી. ચંદ્રોદયની સાથે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરી,નમન કરી, ચારણીમાંથી ચંદ્રનાં દર્શન કરી,પ્રાર્થના કરી, પોતાના પતિનાં મુખને જોવું અને એમને પણ નમસ્કાર કરવા. આ પછી પતિનાં હસ્તે પાણી નો પહેલો ઘૂંટડો અને અન્નનો પહેલો કોળિયો ગ્રહણ કરવો. આમ વ્રત તોડવું. પતિએ પ્રેમથી આપેલી ભેટ ને સ્વિકારવી. પિયરપક્ષનાં સભ્યો પણ આ દિવસે ભોજન સમય થતા આવી સૌભાગ્યની વસ્તું તેમજ કપડા અને ઘરેણા પોતાની દિકરી કે બહેનને ભેટમાં આપે છે.  ઘરનાં વડિલોનાં આર્શીવાદ મેળવી, પરિવારનાં સભ્યો-મિત્રો સાથે સ્વાદીષ્ટ ભોજન પ્રસાદ લેવામાં આવે છે. 

દિવસ દરમ્યાન સ્ત્રીઓ આ વ્રતને ખૂબ જ માણે છે, મહેંદી લગાવી, સાથે મળી કથા-પૂજાકરવી, સાજ શ્રૃગાર કરવો અને અનેક જાતની મજાની પ્રવૃત્તિમાં ભાગ લે છે. પહેલાનાં જમાનામાં આ વ્રતને એક અવસર તરીકે પણ લેવામાં આવતો. ત્યારે એક ગામમાં પિયર નહોતા,માટે ગામમાં જ પાતાના વયની સ્ત્રીઓ અથવા મોટી બહેન સમાન મહિલાઓની સાથે સમય ગાળવા અને સુખદુખને વહેંચવા નો અવસર મળતો અને નવા નિર્મળ સંબંધો પણ બંધાતા. વત્તા પરિવારોમાં મેળ મિલાપ,પતિ પ્રત્યેની વફાદારી અને લગ્નજીવનને મજબૂત કરવાનો અવસર પણ આ  વ્રત દ્વારા જ મળતો. ઘણાનાં પતિઓ યુધ્ધપર કે પરદેશ ગયા હોય, કે કોઈ કારણસર પોતાનાથી દૂર હોય તો તેમના માટે રક્ષાની પ્રાર્થના અને લગ્નબંધનને મજબૂત રાખવાની મંગળકામનાનો સુઅવસર પણ આ વ્રત જ પ્રદાન કરતું અને આજ સુધી સ્રીઓને કરે છે એવી માન્યતા છે.. કહેવાય છે કે આ દિવસે વાતાવરણમાં ખૂબ ઊર્જા અને સકારક્તા જોવા મળે છે, માટે આ દિવસે કરેલું વ્રત અને પ્રાર્થના ખૂબ જ ફળદાયી નિવડે છે. સંકટ થી મુક્તિ દેનારી સંકષ્ટી અને માઁગૌરીનાં વરદાનને પ્રાપ્ત કરાવતી, આ વિઘ્નહર્તા અને મહાદેવીનાં આર્શીવાદરૂપી આ સંકષ્ટી બધી સૌભાગ્યસ્ત્રીઓ, વ્રતકરવાવાળી સ્ત્રીઓ,વ્રતમાં મદદરૂપ થવાવાળી અને વાળા બધાને ફળરૂપ હો એવી જ મનોકામના.

नમઃशिवायै शर्वाण्यै सौभाग्यं संतति शुभाम्। प्रयच्छ भक्तियुक्तानां नारीणां हरवल्लभे॥”

મતલબ: હે મહાદેવ એ તમામસ્ત્રીઓને જે આ વ્રતને કરે છે તેમને, અખંડ સૌભાગ્યનાં, ધન અને સંતતિનાં આર્શીવાદ પ્રદાન કર. 

-ધારાભટ્ટ-યેવલે

સુપર સ્ટાર સીંગર

Posted on



ગયા થોડા વર્ષોથી રિયાલિટી શોઝ જોવાનું બંધ જ કરી દીધું હતું. ખાસ કરી ને નાના છોકરાવનાં. મન જ ઉઠી ગયેલું. નાના નાના સાવ કુમળી વયનાછોકરાવને મોટા મોટા ધુરંધરો જજ કરે. ટીકા ટિપ્પણી કરે. કોઇના ખુબ વખાણ. ડ્રામા પર્સનલ લાઇફ વિશે ના ખુબ એમોશનલ વિડિયોઝ, અને એમાય મા બાપની આર્થિક પરિથિતી વિશેના શૉટ્સ.. એક સમયે થયું.. થોડું વધારે જ છે.. નાના કુમળી વયનાં બાળકો ઉપર એની શું અસર થતી હશે? એ પ્રેશર સ્ટ્રેસ ચોખ્ખો સ્ક્રીન ઉપર દેખતો હોય.. અને એક(૧૮+) ના સિંગીંગ રિયાલિટી શોના કંટેસ્ટન્ટએ જ્યારે સ્યુસાઈડ કરેલું એવું સાંભળ્યું.. ત્યારે થયું .. આ બરાબર નથી. એટલે પછી જોવાનું જ બંધ કર્યું.
પણ હમણાં બે અઢી મહિના થી સુપર સ્ટાર સીંગર ૩ જોવાનું શરુ કર્યું છે .. ઘણી મજા આવે છે જોઈને. ખાસ કરીને શો પર નો માહોલ એકદમ રિલેક્સ્ડ લાગે.. છોકરાવ તો સાવ રિલેક્સ્ડ લાગે. નો ડાઉટ આ છોકરાવનાં પરફોર્મન્સ જોઈને કોઇ એન્ગલથી મેહનતમાં ઓછપ ના લાગે અને બિન્દાસ એક્સેલેન્ટ પરફોર્મન્સસ લાગે. જજ અને કેપ્ટન ખૂબ સાયચેતીથી છોકરાવને માટે ટીકા ટિપ્પણી કરતા જોવા મળે. નાના નાના બાળકોને એમની age અનુસાર ગીતો આપવામાં આવ્યાં છે. જે ગીતો માં બાળક મનને ભાવ પકડવામાં અનુકૂળ ના હોય ત્યાં કેપ્ટન એમને સાથ દેવા હાજર હોય. ૭-૮ વર્ષ ના બાળકો કોઇ સ્ટ્રેસ વગર મજા કરતા કરતા પરફોર્મ કરે છે ત્યારે દિલ ખુશ થઈ જાય છે. અને દરેક પરફોર્મન્સ ના અંતે દરેક ને સારામાં સારું પ્રોત્સાહન. શો પર આવનારા મહેમાનો પણ છોકરાવ ની લાગણી નું એટલું જ ધ્યાન રાખે અને કંઈ ઊંચ નીચ થાય તો જજ અને કેપ્ટન્સ સંભાળી લે. કોઇ સિંગર્સની સારી વાતો,આદતો ને હાયલાઇટ કરવામાં પણ આવે. ઘરમાં મળતા પ્રોત્સાહનને અને વડીલો દ્વારા કરેલી સેક્રિફાઈસને સિંગીંગમાં મોટીવેટ કરવા માટે સૌને બતાવવામાં આવે. છોકરાવ એટલાં રિલેક્સ્ડ લાગે જાણે પોતાના ઘરે જ હોય. ખરેખર ખૂબ સારો શો તૈયાર કર્યો છે. ગળાકાપ હરિફાઈ કરતા.. એમાં કોમ્પિટિશન સાથે માનવતા, એન્ડ કાઈન્ડનેસ જોવા મળે છે. છોકરાવ એક બીજાને ખૂબ સપોર્ટ પણ કરતાં જોવા મળે છે. એવું લાગે જાણે હરિફાઈ તો છે પણ એ છોકરાવની માસૂમિયત અકબંધ રહે એનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ખુબ સરસ શો. જો આવા શોઝ બને તો ખુશી ખુશી જોઈએ.
(શો જોવાનું શરૂ કર્યું ત્યારનું મન થતું હતું કે લખું આ વિષે.. પણ રહી જતું હતું.. પણ આજે પછી લખી જ કાઢ્યું)
-ધારાભટ્ટ-યેવલે

ગુરુકૃપા

Posted on

ગુરુકૃપા

શ્રીગુરુચરિત્ર હમણાં વાંચવાનું થયેલું.. અને થોડું ઘણું સમજાયું એમાંનુ આ..

જેટલું કહેવું અથવા લખવુંઆ બધું સહેલું છે એટલું જ વાણી અને વર્તનમાં ઉતરવું અઘરું.

ગુરૂ ને જ્ઞાન ના બદલામાં ભક્તિ અર્પણ કરવી જોઈએ. શિષ્ય સંદીપક અને ગુરુ વેદધર્મ ની વાત એ ઉત્તમ ઉદાહરણ છે.
ગુરુભક્તિ કરતી વેળા ત્યાગ, નિષ્ઠા, બલિદાન, શ્રધ્ધા અને ધીરજ ..
આ પાંચ તત્ત્વ થી ગુરુકૃપાની પ્રાપ્તિ થાય છે.
અને આ વાત મોડર્નવર્લ્ડ સાથે જોડશું તો જણાશે કે અલગ અલગ ક્ષેત્રમાં જે તે જગ્યા એ પણ એ એટલું જ ઇફેક્ટિવ છે.
જય ગુરુદેવ🙏🏻
-ધારાભટ્ટ- યેવલે

વિદેશમાં કેવી રીતે રેહવું?

Posted on

હમણાં મેં ૨ ઇન્ટરેસ્ટિંગ મૂવીઝ જોઈ. એક મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન પર આધારિત બ્રિટિશ બાયોપિક “ ધ મેન હૂ ન્યુ ઈન્ફિનિટી” અને બીજી મરાઠીભાષામાં બનેલી બાયોગ્રાફિકલ ફિલ્મ “આનંદી ગોપાળ.”

બન્ને ફિલ્મોમાં મને ૨-૩ વસ્તુ ની સામ્યતા જણાઈ. પહેલી એ કે બન્ને આગળ ની શિક્ષા મેળવવા અને જ્ઞાનનાં વિકાસ અર્થે વિદેશ જાય છે. બન્નેપોતાનુ લક્ષ્ય મેળવવા આતુર હોય છે અને લક્ષ્ય પ્રાપ્તિની જીદ માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. પણ અફસોસ અંતે પોતે ખતમ થઈ જાય છે!! મને એમાં દર્શાવેલી અમૂલ વાતો જોઈ ને આશ્ચર્ય થયું કે “ અરે, આટલા ઇન્ટેલીજન્ટ માણસો અનેક પડકારોને ઝીલીને જે એ સમયે વિદેશ પોહચ્યાં તો શું એમણે પોતાની સ્ટ્રગલમાં એટલું પણ ના વિચાર્યું કે વિદેશ પોંહચીને કઠિન વેધર કંડિશન્સ અને ફૂડ નું શું કરશે? શું એમણે થોડી પણ આ વિશે કાળજી રાખવી જોઈતી નોહતી? કપડા અને વોર્મ વેધર નો મેળ પડી જાય તો પણ ફૂડ વિશે આ કંઈ ના કરી શક્યા? શું ફૂડ આ એક મહત્ત્વનો હિસ્સો નથી હોતું કોઈ પણ જગ્યા એ સર્વાઈવ કરવાં માટે?

અને પ્રશ્ન પર પ્રશ્ન અને ઘણા વિચારો મને આવ્યાં. ફિલ્મમાં જણાવ્યા અનુસાર એ સમયે વિદેશ જવા પર દરેક કમ્યૂનિટી મા રોક હતી અને નાત બહાર પણ કરતા. એને એવું સમજવામાં આવ્યું કે આ કોઈ પ્રકારે ભેદભાવ અને ઉપર નીચે હોવું એવું બધું છે.. પણ એના કારણો કદાચ જુદા રહ્યા છે. શરૂઆતમાં વિદેશ જવાનું આપણામાં ban કરવાનાં કારણોમાંનું એક આ હતું કે વિદેશની લાંબી યાત્રા જ કાઠી હતી. બીજું ત્યાંના વાતાવરણ ને અનુકૂળ કઈ રીતે થવું? ધનવાન વ્યક્તિ “કદાચ” સર્વાઈવ થઈ જાય પણ જો મધ્યમ કે પછી ગરીબ ઘરનો માણસ વિદેશ જિદ્દ કરી ને ગયો પણ ખરો તો બી એની સુરક્ષિત પાછી આવવાની શું ગેરંટી હતી? સિવાય વેજ- નોનવેજ નો પ્રશ્ન! ખતરનાક હાડોહાડ લાગે એવી ઠંડીમાં સર્વાઈવ કરવા ઘણાં મૂલ્યોનું પણ બલિદાન આપવું પડતું. એ સમયે ભારતીય લોકો જ કયા વિદેશમાં હતા કે મેસ અથવા ટિફિન મળે. પોતે જ પોતાનું સંભાળવું પડતું. એકા દુક્કા લોકો શરૂઆત માં પોહચ્યાં પણ સર્વાઈવ ના કરી શક્યા. અને ફૂડ એ સર્વાઈવલની ગેમમાં ખુબ મોટો ભાગ ભજવી ગયું. અને જ્યારે આવાં અમુક કેસીસ સર્વાઈવલનાં થયાં હશે પછી કમ્યૂનિટીઝમાં નિયમો કડક બન્યા હશે. વળી એક નાનો ડર જેને વિદેશ મોકલતા હશે એને કોઈ વ્યસન ના થઈ જાય કે પછી ધર્માંતરનો પ્રશ્ન ના ઊભો થઈ જાય આ પણ એક પ્રશ્ન રહ્યો હશે. આ સિવાય એકલો માણસ ડિપ્રેશન, ગેમ્બલિંગ, વેશ્યાવૃત્તિ કે પછી અજાણી બીમારી વગેરેમાં ના ફસાય જાય એવો ડર પણ પરિવાર જનોમાં રેહતો જ હશે. પણ આ બધું ઊંડાણપૂર્વકનું વિચાર કર્યા વગર બસ એટલું જ હાયલાઇટ થયું કે વિદેશ જવું ખોટું છે અથવા ખરાબ છે. આગળ વધતા, ઘણા લોકોને સમજમાં ના આવ્યું કે જો વિદેશ માં કાળજી પોતે પોતાની ના લીધી હોય તો વિદેશ જવું મોટાભાગે જાનહાની અને સામાજિકહાની નું કારણ પણ છે. છેવટે આગેવાનોએ ધર્મનો સહારો લીધો હોય નિર્દોષ જાન હાની ટાળવા માટે. કારણકે વિવિધ કારણો કેટલાંને સમજાવવા અને સમજાવીને પણ સમજ આવશે એવું નક્કી પણ ક્યાં હતું? એટલે જન સામાન્યને સમજાય માટે ધર્મને આગળ કર્યો. જેથી કોઇ વ્યક્તિ ચેતીને નિર્ણય લે. ૧૯૦૦-૫૦ના સમય માં જ્યારે જ્ઞાનને મેળવવાને સમાજમાં પ્રાધાન્યતા મળી ત્યારે લક્ષ્ય પ્રાપ્તિ સિવાય બીજે ધ્યાન ના રાખે અને વિધાર્થીજીવનનું પૂર્ણ પાલન કરે એવા સમ ખવડાવીને પરિવાર જ સમાજ સાથે મોકલતો.

ટૂંકમાં વિદેશ યાત્રાને પ્રોત્સાહન ના દેવા પાછળ ધર્મ નહીં પણ બીજાં કારણો હતા. પણ જે લોકો હિંમત કરી ને પોતાના પેશનને ફોલો કરવા ગયા એમાંના ઘણા તૈયારી વગર ગયા હોવા થી ખતમ થયા.

સમય બદલાતા ટ્રાન્સપોર્ટ આવજાવન અને અનેક સાંસ્કૃતિક સામાજિક અને સાઈંટિફિક રિઝન્સના કારણે આપણે એ અનુસાર ફેરબદલ કર્યા જેથી દેશ અને સમાજને ફાયદો મળે. અને હવે તો ભારતીયો વિદેશોમાં ખુબ સારી રીતે રહે છે. હવામાન, સમય અને સંજોગ અનુસાર વિદેશોમાં રહીને પોતાનું અને દેશનું નામ ઉજળું કરે છે.

-ધારાભટ્ટ-યેવલે

ભોળુ બાળપણ

Posted on

માનવીને જ્યારે પોતાને પોતાની મૂર્ખાઈનો ખ્યાલ આવે છે ત્યારે તેના જીવનમાં બુદ્ધિની શરૂઆત થાય છે. અજ્ઞાનની ઓળખ એ જ જ્ઞાન છે. જો કે થોડી બુદ્ધિ આવ્યા પછી અમારી તો ઊલટાની મુશ્કેલી વધી છે. અમે જે મૂર્ખાઈનો આનંદ માણતા હતા તે ગુમાવી બેઠા છીએ અને બુદ્ધિપૂર્વકનો ઉચ્ચ આનંદ અમને હજી પ્રાપ્ત થયો નથી. મારો નાનો પૌત્ર અરમાન મારા રૂમમાં આવી જે તોફાનમસ્તી અને ધમાલ કરે છે તેને જોઈ મને કવિશ્રી આનંદની પંક્તિઓ યાદ આવે છે.

કેવું મજાનું બાળપણ

કેવું નિખાલસ ભોળપણ

લાવ શોધી લઉં ફરી

વેરી દઉં આ શાણપણ

-શ્રી શાહબ્બુદ્દીન રાઠોડ

ડ્રોઈંગ રૂમની બારી

Posted on

અમારા ડ્રોઈંગ રૂમની બારીની બહારથી થોડા પહાડોં દેખાય છે. ઘણી બીલ્ડીંગોનાં માથા વીંધી એ તરફનું દ્રશ્ય ચુંબકીય હોય છે.

અમારે રણ તરફ આંટો મારવા જવું હોય કે પછી કોઈ કામસર નીકળવાનું થાય.. અમે અચૂક એને નીહાળીને બહાર નીકળીએ. કોઈવાર સાવ ચોખ્ખા તો કોઈવાર ધૂળિયા.

કોઈવાર એમ નામ પણ એમને તાકતા હોઈએ. એને જોવામાં આઁખોનાં રસ્તે ઘણા દ્રશ્યો પણ જડપાઈ જાય. કોઈ વોક કરતું, અમુક માણસો કામ કરતા, બે-ત્રણ છોકરાઓ રમતા, કોઇ ફેમિલી કાર પાર્ક કરતું, મારી જેમ બીજું કોઈ અજાણ્યું મને પણ જોતું, જાણીતું હાઈ કરી થોડાં અંતરે વેવ કરતું, થોડાં પંખી આકાશ તરફ ઉડતા, કોઈ માળો બાંધતા, કોઈ સરકારી બીલ્ડીંગ પર ફરકતો સાઉદી ફ્લેગ, અને આસ્થાનું સ્થાનક.

આમ એ પર્વત વધારે તો અમારું વેધર ફોરકાસ્ટ માઉન્ટન જ થઈ ગયું છે. મારી ધારે ધીરે એનાં પર આસ્થા બંધાતી હોય એવું પણ વર્તાય છે.

બાકીનું બધું બોનસમાં, આઁખોં કી ગુસ્તાખી અને એની આસપાસ જેવું.

-ધારાભટ્ટ-યેવલે

સાંજનાં વિચાર

Posted on

🕉
હમણાં એક જૂની ચોપડી મળી.. એમાં મિત્રો અને શત્રુઓનાં વિષય પર લખેલું હતું.. ત્યારે મને થયું.. હીતશત્રુઓનું શું?!
ધારાભટ્ટ-યેવલે

ઉંધીયું

Posted on Updated on

🕉

જાતજાતનાં શાકભાજી ભેગા કરીને ઉંધીયુ બનાવવું ભારતમાં સહેલું પડતું હશે પણ વિદેશમાં અને એય મર્યાદીત પ્રમાણમાં વસેલા અને રહેતા ભારતીયોની વસ્તી ધરાવતા નાના શહરોંમાં ઉંધીયું બનાવવું જ અજબની અનુભૂતિ છે. અમે જેદ્દાહ, રીયાદ કે દમ્મામ જેવા મોટા શહરોમાં નહીં પણ યાન્બુ નામનાં ડેવલપીંગ શહેરમાં રહીએ છીએ. જ્યાં ભારતીયોની સંખ્યા પણ અહીંનાં મોટા શહરોની કમ્પેરીઝનમાં મર્યાદીત છે. માટે અહીં ઉંધીયા માટે સારું શાકભાજી પણ મેળવવું મહેનતનું કામ છે. આપડા તહેવારો આવતા આપણને આપણું ફૂડ યાદ આવે એ સ્વાભાવીક જ છે. માટે અમે બહુ ચીકાસ કર્યા વગર (આ શાક મળ્યુંને પેલું રહી ગયું, ત્રણ પ્રકારની પાપડી નહીં તો એક) જે ઉપલબ્ધ હોય એમાં વાનગીઓ બનાવી લઈએ. અને ઘણીવાર તો સમય પણ અનુકૂળ ના હોય તહેવાર પ્રમાણે તો એવામાં વીકેન્ડને અનુકૂળ તહેવાર ઉજવી લઈએ. કહેવાય છેને કે જ્યા રહો ત્યાંના સમય પ્રમાણે પણ રહેવું.. તો આ એવું. ઘણીવાર તો એવુંય બને આજે મને એક વસ્તુ મળી એ જ વસ્તુ બીજા દિવસે ન પણ મળે.. માટેય જ્યારે મળે ત્યારે અને તે દિવસે એ વસ્તુનો લ્હાવો લઈ લેવો.. એ જીવનનાં અહીં રહીને અનુભવેલા સમયનો એક ભાગ છે!

વિદેશમાં રહીને લીલા લહેર નથી હોતા.. ઘણાં લોકોને ભ્રમ છે. આજનો જ તાજો દાખલો દઉં તો ઉંઘીયું જે તમને ત્યાં સરળતાથી મળી જાય છે એ અહીં અમને ખૂબ મહેનતથી પ્રાપ્ત થાય છે. સાવ સાચું કહું તો પહેલાં રંજ રહેતો થોડો પણ ..સમય જતાં અનેક વાતો સમજાતી હોય છે. માટે ખૂબ આનંદ છે. પોતે બધુ લાવી અને પોતાની જ થાળીમાં પોતાનું બનાવેલું ઉંધીયું કે કોઈ મનપસંદ વાનગી બગાડ કે નકામા આગ્રહ વગર કે કોઈના પણ ઉપર ડીપેન્ડ થયા વગર સ્વરૂચી અને સ્વેચ્છાએ પીરસીને આરોગવી .. એ પણ અનેરો આનંદ છે એવું અનુભવ્યું છે. માટે પણ ઈન્ડિયા આવીએ ત્યારે દરેક વસ્તુ, વ્યક્તિ વાતો કે કોઈએ પીરસેલી વાનગીની કિંમત સમજાય છે.

અહીં જ રળીને જ્યારે અહીંજ થાળીમાં ભાવતા ભોજન પીરસાય અને જો એ આપણે અહીં જ એનો સ્વાદ માણી શકીએ તો કદાચ આપણે જ્યાં છીએ ત્યાંનું સુખ માણી શકીએ એવી માન્યતાને આ ખાસ કરીને કોરોનાનાં સમયે દ્રઢ કરી છે.

સતત જો ભાગ ભાગ કરીશું તો તો માત્ર કેલેન્ડરની કોઈ એકાદ સીઝન જ બનીને રહી જશું. જે સીઝનમાં રાહ હોય ભારત જવાની.. અને બસ ૩૦ દિવસમાં આખા વર્ષને માણવાની!! જે ખરેખર વિચારીએ તો બીનવ્યાજબી છે.. તો પછી એમ ન કરતા જ્યાં છીએ ત્યાં જ રહીને થોડું આઘુ પાછુ કરતા ત્યાંને અને ત્યાંનું જ ન ઉજવીએ?!

ભારત બહાર રહેતા લોકોનાં પણ અનેક પ્રશ્નો હોય છે, ઘણી માનસીક ગડમથલો અને ભારત બહાર સેટલ થવાનાં પ્રશ્નો.. પણ આ બધા વચ્ચે જજૂમીને કઈ રીતે બહાર આવવું પણ અહીંની લાઈફસ્ટાઈલ શીખવી દે છે. ઉંધીયા માટેની શાકભાજી ભેગી કરવા જેવું જ😄.

યે ઝિંદગી હૈ દીવાનીમાં દીપિકા ડાયલોગ બોલે છે ને .. એવું.. “તો ચલો બની, જહાં હૈ વહીં સે ઉસ જગહકા મઝા લેતે હૈ ના?!”

આ અમારું થોડી સબ્જીમાં બનેલું પણ સ્વાદથી ભરપૂર .. “ઉંધીયું”

સૌને મકર સંક્રાંતિની શુભેચ્છા.

ધારાભટ્ટ-યેવલે

એમ્પ્ટીનેસ

Posted on

🕉
અહીં મને સૌથી પ્રિય જો કાંઈ લાગતું હોય તો એ છે અહીંનું રણ. એક અલગ જ સુખ શાંતિ મળે ત્યાં. એમ થાય બેસી જ રહીએ. દુનિયામાં એવી બહુ ઓછી જગ્યાઓ છે જ્યાં જતા, પહોંચ્યા પછી, અને પાછા ફરી ને પણ સારું લાગે. એમાંની જ એક જગ્યાઓમાંની એક એટલે.. અહીંનું રણ. એકલા જાવ તો જાણે નિજાનંદનો આનંદ અને મિત્ર પરિવાર સાથે જાવ તો અનોખું સુખ. છેલ્લે બે વર્ષથી તો જવાયું નહતું. પણ હમણાં થોડી મોકળાશ મળતાં જવાયું હતું. રણમાં ફરવાનાં અમે જાણકાર તો નથી પણ અમારી એક-બે નિર્ધારીત જગ્યાઓ છે. ત્યાં જઈ આવીએ. દૂર દૂર સુધી જ્યાં નજર દોડાવીએ ત્યાં સુધી મોટા નાના રેતનાં પથરાળ પહાડો. ડ્યુન્સ ચઢવાની તૈયારી કરીને ગયા હો કે પછી ખાલી રેતીનાં પહાડનાં ચરણે બેસી જવા ગયા હોઈએ.. આ અહીંનું રણ સદાય અપાર શાંતિ પ્રદાન કરે છે. એને ચુપચાપ સાંભળવાથી લાગે જાણે સતત દુઆઓ વરસે છે. યુ ફીલ બ્લેસ્ડ આફટર અ વ્હાઈલ. દૂરથી સાવ ખાલી લાગે પણ એની અંદર પ્રવેશતા જ પરમાનંદનો આનંદ. ત્યાં જઈએ એટલે ન કોઈ મોજમજાનાં સાધનો, ન કોઈ દૂર દૂર સુધી ખાણી પીણીની વ્યવસ્થા.. જરૂરતની જે જોઈએ એ વસ્તુઓ સાથે લઈ જવાની.. અને આમ હોવાં છતાં જો એ આપણને આકર્ષે તો..એમાં એવું કોઈક તો તત્વ હશે જ ને?!
રણમાં જવા માટે રણનાં નિયમો પણ પાળવા પડે. તો એનો આનંદ લઈ શકાય. ત્યાં જતા પહેરવેશ મને (આ મારો અભિપ્રાય છે) લોકલ ગમે..નહીં તો ફૂલ કવર્ડ ડ્રેસ.. (હા, ફોટોઝ માટે થોડી વાર મોકળા થઈ શકાય)કારણ કે રણની રેત અત્યંત બારીક હોય છે.. સહેજ પવન આવતા જ નાક કાન આઁખ વાળ ભરાઈ જાય.. માટે આઁખ પર ચશમા કે ગોગલ, મોઢે માસ્ક, કાન અને વાળ પોતાની રીતે કવર્ડ રાખીએ તો વાંધો નઆવે. પછી આમ ન કરતા ..જગ્યાને દોષ દેવા કરતા આપણે થોડી તૈયારી કરીને જઈએ તો લ્હાવો લઈ શકીએ.
હું જ્યારે જ્યારે ત્યાંગઈ છું ત્યારે એનો થોડો ખાલીપો આશી્રવાદરૂપે લઈ આવી છું એવું મને લાગ્યું છે.
આ રણનો પોતે પોતાનો માંગેલો ખાલીપો છે એવું મને ભાસ થાય છે. અને જાતે માંગેલું ખાલીપણું એ એને કોઈ સન્યાસી કે સૂફી સંતનાં જેવું વરદાન સમાન શોભે છે. આવવા જવા વાળાને આનંદ પ્રદાન કરે છે.
અને માટે મને અહીંનું રણ ખૂબ ગમે છે..

મને લાગે છે કે.. એનું ખાલીપણું જ એની આગવી ઓળખ છે .. એની વિશેષતા છે. ❤️
What makes it special is it’s ..
emptiness. ❤️

-મદીના પ્રોવીન્સ, સાઉદી અરેબીયા.
-ધારાભટ્ટ-યેવલે