અંગ પ્રત્યારોપણ ને અંગ્રેજીમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે. ચામડી, આંખની કીકી, સ્નાયુ, કિડની, લીવર, ફેફસાં, હૃદય કે એના વાલ્વ, આંતરડા, હાથના પંજા કે હાથ, પગ, માથા ના વાળ, હાડકાં, કોષો, લોહી, હાથપગની આંગળી કે અંગુઠો, પ્રોટીન – ટૂંકમાં શરીરમાં જરૂરી મોટાભાગના અવયવોનું પ્રત્યાર્પણ કરી શકાય છે. આ એક ખૂબ ગહન અને મજાનો વિષય છે.
કુદરતે આપણાં શરીરની રચના ખૂબ સરસ કરી છે. શરીર પોતાની તમામ ક્રિયાઓ, પ્રતિદિન અવિરતપણે અને ચોક્કસ રીતે કર્યા જ કરે છે. આવી સતત ચાલતી ક્રિયાઓ દરમ્યાન તેમ નાની-મોટી ખામીઓ પણ આવી શકે છે, જેને આપડે રોગ અથવા તકલીફ તરીકે ઓળખીએ છે. રોગના પ્રકારો ય વિવિધ છે અને તેની સામે લડત આપવા શરીર સુસજ્જ ય છે જ. આને આપડે રોગ પ્રતિકારક શક્તિ તરીકે ઓળખીએ છીએ . આપણી પાસે આગ સામે પ્રતિકાર કરવાના સાધનો હોય તો નચિંત થઈ જવાય ને! ના. એવા સાધનો હોવાથી જો ગાફેલ થઈ જઈએ, તો મોટા અકસ્માત માટે ય તૈયાર રહેવું પડે કે નહીં? આવી જ રીતે ફક્ત રોગ પ્રતિકારક શક્તિના જોરે જીવન ન જીવાય, ન જીવવું જોઈએ, છતાં આપણાંમાના ઘણા લોકો બેજવાબદાર જીવન શૈલી અપનાવી જીવતા હોય છે, પરિણામે શરીરના કોઈક અંગની ખરાબી નોતરી બેસીએ છીએ. જોકે ક્યારેક કમનસીબે અકસ્માતવશ ય કોઈ અંગ યા તો ગુમાવી બેસીએ છીએ અથવા નકામું બની જતું હોય છે.
ધારોકે શરીરનું કોઈ અંગ નુકશાન પામ્યું તો તેનો કોઈ ઈલાજ ખરો!? મોટાભાગે એવું બનતું હોય છે કે શરીર પોતાની રીતે આવા નુકશાન સામે જંગ લડી જે તે અંગ ને બચાવી લેવાનો કે સુધારી લેવાનો કે તે અંગ ધ્વારા થયેલ નુકસાન સરભર કરવાનો પ્રયત્ન ભરપૂર રીતે કરતું જ હોય છે. શરીરે કરેલા પ્રયત્નો બાદ પણ જો અંગ સરખી રીતે કામ ન કરી શકે તો છેવટના ઉપાય તરીકે અંગ પ્રત્યારોપણ એ સલાહભર્યો અને સરળ પણ એકમાત્ર ઉપાય છે. અથવા, જો શક્ય હોય તો જે તે અંગ વિના જીવન જીવવું પડે છે.
પ્રત્યારોપણનો સૌથી સરળ દાખલો લોહીનો છે. એક વ્યક્તિનું લોહી તે જ ગ્રુપના લોહીવાળી બીજી વ્યક્તિને ચઢાવવાથી તેનું જીવન નવપલ્લિત થાય છે, અરે અમુક કિસ્સામાં તો નવજીવન પણ પ્રાપ્ત થાય છે. આ એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે. શરીર વિજ્ઞાનની આ શોધ ધ્વારા લાખો કરોડો લોકોના જીવન બચ્યા છે. લોહી પ્રત્યારોપણની જરૂર ઘણા કારણસર ઊભી થાય છે – જેમ કે અકસ્માત થાય અને ઘા લાગ્યો હોય જેમાંથી લોહી વહી ગયું હોય, કોઈ ઓપરેશન દરમ્યાન શરીરમાં લોહીની ઘટ સર્જાય, લોહીમાં હિમોગ્લોબિન ઘટી ગયું હોય અથવા પ્લેટલેટ્સ ઘટી ગયા હોય એવા કિસ્સામાં લોહી આપવું જરૂરી બનતું હોય છે. કેન્સર જેવા રોગ સામે લડત આપતા લોહીમાંના લાલ રક્તકણો ખુવાર થતાં અથવા તેનું ઉત્પાદન અવરોધાય તો તેવા કિસ્સામાં હાડકાંના પોલાણમાં બનતું બોનમેરો નું પ્રત્યારોપણ ની જરૂરિયાત ઊભી થાય છે. બોનમેરોનું પ્રત્યારોપણ કરતાં પહેલા, જેમ લોહી ચઢાવતી વખતે લોહીનું ગ્રુપ મેચ કરે છે એમ આ કેસમાં ય કરવું જરૂરી છે. બોનમેરો એટલે લોહીમાં રહેલા રક્તકણો ની ફેક્ટરી.
બીજું સૌથી જાણીતું પ્રત્યારોપણ કિડનીનું છે. દુનિયાભરમાં જેમની નામના હતી એવા ગુજરાતનાં હળવદ પાસેના નાના ગામ ચરાળવામાં જન્મેલા ડો. ત્રિવેદીસાહેબ કેનેડાની ધિકતી પ્રેક્ટિસ મૂકીને પોતાના દેસવાસીઑની સેવા કરવા અમદાવાદ આવી ગયા અને ત્યા અધ્યતન અને અદ્ધભૂત હોસ્પિટલ બનાવી આપી.
માનવ શરીરમાં બે કિડની આવેલી છે (ભગવાને જે અંગો જરૂરી હોય એના સ્પેર આપેલ જ છે. હાથ, પગ, આંખ, કાન, કિડની, ફેફસાં..જેથી એક ખરાબ થાય તો બીજું એનું કામ કરે રાખે). કિડનીનું કામ છે શરીરમાં જમા થતાં કચરાનો નિકાલ કરવાનું, આવો કચરો લોહી સાથે ભળી જતો હોય છે, લોહી પોતે શુદ્ધ થવા કિડનીમાં આવે, કચરો ત્યા ફિલ્ટર થઈ જાય (આ ફિલ્ટર એટલે આપડું RO નું મેમબ્રન જ). કદાચ એક કિડની નુકશાન પામે તો ય જીવન ચાલુ રહે છે બીજી કિડની વડે. બંને કિડની નુકશાન પામે તેવા કિસ્સામાં યા તો કિડનીનું ડાયાલીસીસ (જે એક મેકેનિકલ કિડની જ છે) કરીને દર્દીને સાજો રાખે છે, અથવા તો કિડનીનું પ્રત્યારોપણ કરાય છે. ડાયાલીસીસ એક ખર્ચાળ પદ્ધતિ તો છે જ અને કંટાળાજનક ય છે, એના માટે જ્યાં આ સુવિધા હોય તે હોસ્પિટલમાં, જરૂર મુજબ અઠવાડિયામાં 2-3 વખત જવું પડે.
કિડની ખરાબ થાય એના સિગ્નલ તો શરીર આપવા જ મંડતું હોય છે પરંતુ, માનવી પોતાની ઘટમાળ અને મસ્તીમાં એની અવહેલના કરતો હોય છે, જો ચેતીને સારવાર શરૂ ના કરે તો તેના માઠા પરિણામ ભોગવવા ય તૈયાર રહેવું પડે કે નહીં! કિડની પ્રત્યારોપણ કરવા જરૂરી છે કિડની હાજર હોવી જે બે રીતે શક્ય છે 1. યા તો દર્દીના નજીકના સગા પોતાની કિડની આપવા તૈયાર થાય 2. કોઈકની કિડનીનું દાન મળે મતલબ! કે અકસ્માત અથવા કુદરતી રીતે કોઇકનું મોત થાય અને એના સગા એ વ્યક્તિનું શરીર દાન કરે તો એમાં રહેલા અંગો બીજા જરૂરી લોકો માટે ઉપયોગ કરી શકાય છે.
આવું પ્રત્યારોપણ શું બહુ સરળ છે! ના. સાવ સરળ ય નથી. પ્રત્યારોપણ નક્કી કરતાં પહેલા, જે વ્યક્તિ દાન આપવાની હોય તેની તપાસ કરાય છે, તેના લોહીની તપાસ થાય, તેને કોઈ રોગ તો નથી એ જોવાય છે. દર્દીની પણ બધી શારીરિક તપાસ થાય છે, દર્દી પ્રત્યારોપણનું ઓપરેશન ખમી શકે એમ છે કે નહીં, તેને હાલમાં કોઈ બીજો રોગ કે તકલીફ તો નથી ને એ જોયા બાદ પ્રત્યારોપણ નો માર્ગ મોકળો બને. નવી કિડની બેસાડ્યા બાદ જૂની નકામી થયેલી કિડની યા તો કાઢી નખાય છે અથવા રહેવા દેવાય છે, એમાં કોઈ વાંધો નથી આવતો. આટલું કર્યા બાદ દર્દીની યાતનાઓ નો અંત આવી જતો હશે ને! ના. હજી નવી બેસાડેલી કિડની ને દર્દીનું શરીર પોતાનો જ એક ભાગ ગણી આવકારે છે કે નકારે છે – એ જોવાનું રહે છે. આમ બને ત્યા સુધી, દર્દીનું શરીર કિડનીને અથવા કહો કે શરીરમાં બેસાડવામાં આવતા કોઈપણ અંગને કે કોષને પરાયા ગણી નકારી ન કાઢે એ માટે, દર્દીના શરીરની રોગ પ્રતિકારક શક્તિને ક્ષીણ કરી નાખવામાં આવે છે. આમ કરવા વિવિધ દવાઓ આપવામાં આવે છે. વાંચનાર ને ગૂંચવાડો થયો ને! કે રોગ પ્રતિકારક શક્તિનો શરીરનું હથિયાર છે તો તેને ક્ષીણ કરવાની જરૂર કેમ પડે?
થોડું નિરાંતે સમજવું જરૂરી છે.
રોગ પ્રતિકારક શક્તિનું કામ શરીરમાં પ્રવેશતા દુશ્મન અથવા પરાયા કોષ, વિષાણુ કે જીવાણુ વગેરેને ઓળખીને ખતમ કરવાનું હોય છે. આ કરી તે કેવી રીતે કરે છે? શરીરનું કોઈપણ અંગ બનેલું હોય છે કોષો વડે, દરેક કોષ ઉપર જે તે વ્યક્તિનું પોતાનું ઓળખપત્ર જેવુ નિશાન, એમ કહો ને કે પાસવર્ડ જ અંકિત હોય છે. રોગ પ્રતિકારક શક્તિ આ પાસવર્ડ ને ઓળખીને તેના સિવાયના તત્વો ઉપર હુમલો કરીને તેનો નાશ કરતું હોય છે, તેની ટ્રેનિંગ જ એવી હોય છે. હવે આપડા શરીરમાં બેસાડવામાં આવતા અંગ કે તત્વ જે બીજાના છે, તેનો પાસવર્ડ તો અલગ જ હોવાનો ને! ઘરમાં આપડે પાળેલો પાલતુ શ્વાન આપણી સૂચના અથવા ઇશારા મુજબ નવા અને અજાણ્યા આગંતુક તરફ ભસે છે અથવા જોખમ લાગે તો હુમલો ય કરતો હોય છે, જે સ્વાભાવિક છે. પરંતુ મહેમાન ને આપડે બોલાવ્યા હોય તો, આપડા પાલતુ શ્વાનને હુમલો કરતાં રોકતા હોઈએ છે. ક્યાં સુધી એણે રોકીએ? જ્યાં સુધી શ્વાન નવા આવેલા મહેમાનને ઘરના સભ્યની જેમ ઓળખતો ના થઈ જાય, એક વાર ઓળખી લીધા બાદ એજ શ્વાન મહેમાનની પણ ઘરના બીજા સભ્યોની જેમ જ સુરક્ષા કરતો થઈ જાય છે! આવું જ આપણાં શરીરની રોગ પ્રતિકારક શક્તિનું પણ છે.
કિડનીની જેમ બીજા અંગોના પ્રત્યારોપણ આજના સમયમાં શક્ય બન્યા છે, અરે કેટલાકને તો આપણે રોજબરોજની બીમારી ના ઈલાજ ની માફક સામાન્ય ગણી લીધા છે. વ્યક્તિની ઉંમર વધવા સાથે શરીરના કોષો, સ્નાયુઓ અને હાડકાં નબળા પડવા માંડે છે. આંખ જેના સહયોગથી દૃશ્ય જુવે છે તે – આંખનો લેન્સ પોતાની સ્થિતિસ્થાપક્તા ગુમાવવા માંડે છે, સાથે સાથે લેન્સ દુધિયો બનવાથી અપારદર્શક બનવા તરફ ગતિ કરે છે. આમ થવાથી દૃશ્યને જોવાની ક્રિયા નબળી બને છે જેને સદી ભાષામાં મોતિયો આવ્યો એમ કહીએ છે. આના ઉપાય તરીકે આંખમાં લેઝર કિરણ વડે નાનો છેદ મૂકી, લેન્સને પીગળાવીને બહાર કાઢી લેવાય છે અને તેના સ્થાને કૃત્રિમ લેન્સનું પ્રત્યારોપણ કરાય છે. આમ કર્યા બાદ વ્યક્તિની દૃષ્ટિમાં સુધારો પણ જણાય છે. આજ રીતે, શરીરના સાંધામાં ખરાબી આવવાથી, સ્પેશીયલ સ્ટીલ અથવા ટાઈટેનિયમમાંથી બનાવેલા સાંધા-બોલ જોઇન્ટ પ્રત્યારોપણ કરી નવજીવન બક્ષવામાં આવે છે. કોઈ કારણસર વ્યક્તિના ફેફસાંમાં ખરાબી સર્જાય અને તે ધાર્યું કામ ના આપી શકતા હોય તો ફેફસાનું ય પ્રત્યારોપણ કરી શકાય છે. એકાદ બે પાંસડી તૂટી ગઈ હોય અને ફરી જોડાઈ શકે એમ ના હોય તો એનું પણ પ્રત્યારોપણ કરી શકાય છે.
મોતિયા ની જેમ દાંત બદલાવવા પણ બહુ સરળ અને સામાન્ય પ્રત્યારોપણ ગણી શકાય અને એટલેજ આપનું ધ્યાન એની ઉપર ખૂબ ઓછું જાય છે તથા તેને ઝાઝું મહત્વ ય આપતા નથી. આજના સમયમાં પ્લાસ્ટિક, સિરામિક કે સ્ટીલના દાંત બેસાડાતા હોય છે – પૈસા ની કમી ના હોય તો ચાંદી કે સોનાના દાંત ય બેસાડી શકાય છે. આ કૃત્રિમ દાંત પોતાની જગ્યાએ ફિટ બેસે અને જમવા વગેરેમાં તકલીફ ના પડે એ માટે જે સિમેન્ટ વપરાય છે એ ખૂબ આધુનિક પોલીમર હોય છે. આ પોલીમર થોડી સેકન્ડ્સ માંજ જામી જતું હોય છે આથી દાંતનું ફીટીંગ ખૂબ આસાન બની જાય છે. (આ પોલીમર ના બે ભાગ હોય છે – એક રેઝિન અને બીજું ફાસ્ટનર હોય છે, બંને ભેગા કરવાથી વાપરવા તૈયાર થાય છે. તમે એરલડાઈટ વાપર્યુ હશે તો સમજી શકશો)
અંગ પ્રત્યારોપણમાં લીવરનો કેસ ખૂબ રોચક છે કારણકે, લીવર શરીરનું એક એવું અંગ છે જે પોતે ફરીથી વૃદ્ધિ પામી શકે છે. મતલબ, જો લીવરનો થોડો હિસ્સો નકામો બની ગયો હોય તો એટલો હિસ્સો ફરીથી પુનર્જીવિત થઈ શકે છે. જો લીવર વધારે ખરાબ થયું હોય તો દાતાના લિવરમાંથી ટુકડો લઈ બગડેલા લીવર સાથે જોડી દેવાથી એ પુનર્જીવિત થવા લાગે છે અને પૂર્ણ રીતે વિકશીત થઈને ફરીથી પોતાના કાર્યો બજાવવા માંડે છે.
લિવરની જેમ ચામડીનું પ્રત્યારોપણ પણ સૌથી વધુ પ્રચલિત છે, આને સ્કીન ગ્રાફટિંગ કહે છે. મહદઅંશે ચામડીના દાતા અને મેળવનાર બંને પાત્ર એક જ વ્યક્તિ હોય છે કારણકે, એનાથી ચામડીના રંગમાં ઝાઝો ફરક નથી દેખાતો પરંતુ, એક વ્યક્તિની ચામડી બીજી વ્યક્તિને પણ આપી શકાય છે, ખૂબ મોટો અકસ્માત થયો હોય અથવા વ્યક્તિ ખૂબ દાઝી ગઈ હોય તેવા કિસ્સામાં બીજા પાસે ડૉનેટ કરાવીને ગ્રાફટિંગ કરવું જરૂરી બને છે. સ્કીન ગ્રાફટિંગ માટે મોટાભાગે સાથળ ના ભાગથી ચામડી લેવામાં આવે છે, તેના માટે સુથાર લકડાને છોલવા માટે જેમ રંધો વાપરે છે કૈક એવું જ સાધન વાપરી ચામડીનું ઉપલું પડ લેવામાં આવે છે અને તેને જરૂરી ભાગ ઉપર લગાડવામાં આવે છે. આ એક ખૂબ ઉપકારક શોધ છે, સ્કીન ગ્રાફટિંગ કરવાથી જે તે ભાગમાં ચેપ ફેલાતો ય રોકી શકાય છે. લોહીની જેમ ચામડીનું પણ દાન કરી શકાય છે જેને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખી જરૂરિયાતમંદ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
પ્રત્યારોપણના ક્ષેત્રે બે સૌથી મહત્વની શોધ જે મનુષ્યની તકલીફો મહદઅંશે ઘટાડવામાં સહાયરૂપ થઈ શકે છે, તેમાંની 1. ડાયાબિટીસ સામે રક્ષણ આપવા આઈસલેટ નામક કોષોનું પ્રત્યારોપણ. શરીર પોતાની ઉર્જા ગ્લૂકોઝમાંથી મેળવે છે પરંતુ આજ ગ્લુકોઝનું પ્રમાણ તેની મર્યાદા વટાવી જાય ત્યારે ડાયાબિટીસ નામક રોગની પળોજણ શરૂ થાય છે. આમ થવાનું કારણ છે શરીરમાં પેદા થતું ઇન્સ્યુલીન ની કમી જેને કોંટ્રોલ કરે છે આઈસલેટ કોષો. આઈસલેટના કોષો પેનક્રિયાસ માં ઉત્પન્ન થતાં હોય છે જેમાં ખરાબી હોય તો પેનક્રિયાસ નું પણ પ્રત્યારોપણ કરી શકાય છે 2. શરીરના ભાગોના હલંચલન માટે સ્નાયુ ખૂબ અગત્યની ભૂમિકામાં છે. આ સ્નાયુનું પણ પ્રત્યારોપણ શક્ય છે. નાના બાળકોને ઘણી વખત નબળા સ્નાયુની તકલીફ હોય છે, જે આનુવાંશિક હોય છે. નબળા સ્નાયુ માટે પ્રોટીનની કમી મુખ્ય પરિબળ છે. આ ખામીને દૂર કરવા માટે બીજા અંગોની જેમ સ્વસ્થ સ્નાયુના કોષને પ્રત્યારોપણ કરવાથી કામ નથી બનતું, તેના માટે અર્ધવિકશીત સ્નાયુના કોષોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખામીયુક્ત સ્નાયુના સ્થાને વિકાસ પામી પોતે જરૂરી પ્રોટીન બનાવવા માંડે છે અને તેના વડે સ્નાયુ પોતાની કામ કરવાની તાકાત મેળવે છે.
ઉપર જોઈ તે તમામ પ્રત્યારોપણની ક્રિયાઓ સરળ હોય છે? ના. જ્ઞાન અને અનુભવ વચ્ચે જે પ્રકારનો તફાવત હોય છે તેજ પ્રમાણે વિજ્ઞાનની શોધ કે જાણકારી અને તેનો પ્રત્યક્ષ ઉપયોગ કરવા માટે જરૂરી અર્જુનની એકાગ્રતા, શિક્ષકની જેમ અથાક મહેનત અને વૈજ્ઞાનિક ની જેમ ઝીણું કાંતી શકવાની આવડત હોય તોજ સારું પરિણામ મળતું હોય છે. આ બધુ કર્યા છતાં શું બનતું હોય છે? જેમકે નબળા સ્નાયુ માટે દાનમાં મળેલા માયોબ્લાસ્ટ કોષોને ધીરજપૂર્વક કલ્ચર ડીશમાં, દ્રાવણમાં આરોપણ કરી શૂન્યથી નીચે 170 સે. ગ્રે. તાપમાને રાખવાથી લાખો કરોડોની સંખ્યામાં કોષો વૃદ્ધિ પામ્યા બાદ દર્દીના શરીરમાં આરોપીત કરવામાં આવે છે. આટલું કરવા છતાં પરિણામ આશાજનક મળે તે જરૂરી નથી જ! કદાચ જે તે કિસ્સામાં મદદરૂપ ન થાય પરંતુ, તેમાંથી મળેલા અનુભવો વડે ભવિષ્યમાં બીજા વ્યક્તિઓ ને ફાયદો થવાની શક્યતા ભરપૂર હોય છે. અંગ પ્રત્યારોપણની ક્રાંતિ કંઇ રાતોરાત નથી આવવાની અથવા કહો કે, કોઈપણ ક્રાંતિ આ રીતે શક્ય નથી અને ક્રાંતિને સફળ બનાવવા માટે સમાજના દરેક સ્તરનું અનુસંધાન થાય તે ખૂબ જરૂરી છે.
છેલ્લે, સૌથી અગત્યનું છે તે – શક્ય હોય તો મૃત્યુ બાદ સ્વસ્થ શરીરનું દાન કરવાથી કદાચ ઘણા બધા જીવો જે મર્યા વગર મરી રહ્યા હોય છે તેઓને જીવતદાન મળી શકે છે.
બ્રેન ડેડ વ્યક્તિના અંગનું દાન ખૂબ જરૂરી છે કારણ કે તે વ્યક્તિ હોસ્પિટલમાં જ હોવાની શક્યતા મહત્તમ છે અને તેના અંગો કાઢવાની પ્રક્રિયા ખૂબ સરળ બનતી હોય છે.
માટે અંગદાન કે દેહદાન નો સંકલ્પ કરવો જરૂરી છે.
- અંગદાન નાના બાળકથી લઈને ઘરડા વ્યક્તિ સુધીના બધા કરી શકે છે, વ્યક્તિ રોગમુક્ત હોય એ જરૂરી છે
- મનુષ્ય મરણ પહેલા અને મરણ બાદ તેના સગા અંગદાન નો સંકલ્પ કરી શકે છે
- દરેક વ્યક્તિ પાસે બે કિડની ભગવાને આપી છે, તેમાંથી એક કિડની દાન કરી શકાય છે અને પછી એક કિડની વડે સ્વસ્થ જીવન જીવવું શક્ય છે
- ચામડીનું દાન ય કરી શકાય છે
- બોનમેરોનું દાન ય કરી શકાય છે
- લોહીનું દાન તો ઘણા બધાને ખબર જ છે જે દર 3 મહિને 18 થી 55 વર્ષ સુધી કરી શકાય છે
- લીવરનો અમુક ભાગ દાન કરી શકાય છે
- શરીરના કોષોનું દાન ય કરી શકાય છે
- મરણ બાદ બે આંખોના દાન ધ્વારા ઓછામાં ઓછી ચાર વ્યક્તિની જીવનભરની તકલીફ દૂર કરી શકાય છે
- બોનમેરો કે રક્તદાન ની જેમ વીર્યદાન પણ કરી શકાય છે
- જાણે કે અજાણે આપડે સૌ માથાના વાળનું દાન કરતાં જ હોઈએ છે જેના વડે માથાની વિગ બનતી હોય છે






















