જે આપો એ અત્યારે જ આપો


‘કોઈને સ્વજન કહેતાં પહેલાં દિલને પૂછીએ ને કમસેકમ જાતને છેતરવાનું બંધ કરીએ.’

કોઈ વ્યક્તિ ‘ દેવ ‘ થઈ જાય ત્યારે તેમનાં સગા વ્હાલાઓ બેસણાં, ઉઠમણાં કે વિધીઓમાં પોતાની એટલી બધી ‘ હાજરી ‘ આપે છે… એટલાં કલાકો આપે છે.. જેટલી કયારેક એ જનાર વ્યક્તિના આખાં જીવનકાળ દરમિયાન ન આપી હોય…

અરે ! પરિવાર પરિવાર કરતાં હોઈએ પરંતુ ક્યારેય એક ફોન પણ ન કર્યો હોય…

ત્યારે થાય કે સ્વજન કહેતાં પહેલાં આપણી અંદર રહેલાં ‘ સ્વ ‘ ને ઓળખવો જોઈએ..ને પછી સામે રહેલા ‘ જન ‘ પર સ્વજન કહી શકાય એટલો પ્રેમભાવ રાખવો જોઈએ.

સામાજિક સ્તરે સ્થપાતા સંબંધો અને લોહીનાં સંબંધોમાં હંમેશા અંતર રહેવાનું જ..પણ આ અંતરની સમાંતર જ એક ત્રીજો સંબંધ હોય શકે ને એ છે લાગણીનો સંબંધ.

આવી લાગણીને સમજવી, અનુભવવી અને આપણે જેને આપણાં સ્વજન કહીએ છીએ એને ખરાં અર્થમાં દિલથી, હૃદયથી સ્વીકારી શકીએ.. એનાં સ્વભાવની બધી જ લાક્ષણિકતાઓ સાથે…જેવા છે તેવાં જ…

એનાં જવાથી ઉભો થયેલો શૂન્યાવકાશ, એની પાછળ વ્યક્ત થતી લાગણીઓ, લખાતાં શબ્દો, ક્યારેય કોઈ પૂરી ન શકે એવો ખાલીપો, એનાં આત્માને માટે થતી શાંતિ પ્રાર્થનાઓ,મર્યા પછી અપાતાં સન્માનો ને આવું કેટલું બધું…વ્યક્તિના ગયાં પછી વ્યક્ત થાય છે.

પણ એનાં જીવતેજીવ સન્માન આપી શકીએ, એનાં જેવું પુણ્ય કદાચ કોઈ ન હોય શકે.

સોશ્યલ મીડિયા કે અંગત જીવનમાં વ્યક્તિના જવાની જેટલી નોંધ લેવાય છે એટલી વ્યક્તિની હાજરીમાં નહિ..

આ એક કડવું સત્ય છે.
#hemal_maulesh

સંબંધ નામે દરિયો


સાચવી બેઠાં’ તા સંબંધો જાણ્યું કે જળ હશે,
પણ નહોતી ખબર કે,
તળીયા નીચે રણ ને સામે મૃગજળ હશે.

‘મને તો આ દીઠા ગમતાં નથી પણ શું થાય ? આ જલમમાં( જન્મમાં) તો લેખ જોડાઈ ગયા છે હવે મારાં વાલીડાને(ભગવાનને) કહું છું કે આવતાં ભવે એ ભટકાય નહિ.’

આ ગામઠી ભાષામાં સગા કાને સાંભળેલો એવો સંવાદ છે કે જે એક કાનથી સાંભળીને બીજા કાનેથી નીકળવાની બદલે હૈયા સોંસરવો ઉતરી ગયો છે.આ એવો કોમન સંવાદ છે કે જે ક્યારેક ને ક્યારેક બધાનાં હૈયે ને હિંમતવાળા હોય એની મોઢે આવી જ ચડ્યો હશે.


છે શું આ સંવાદમાં ? કોની રાવ કરે છે ? કોની ફરિયાદ કરે છે ?એવું તે શું છે એમાં કે આટલી ફરિયાદ છતાં આ જન્મે છૂટી શકાતું નથી કે પછી એની સાથે જીવવું છતાં જીવી શકાતું નથી?? એની સાથે રહી શકાય છે પણ સહી શકાતા નથી??


જે સંબંધના જોરે એ માણસ જીવતું હોય એના જ કારનામા ભારે પડ્યાં હોય ત્યારે બોલાય છે. જીવન જોડાયેલું હોય પણ એ જોડાયેલું જીવન તૂટી તૂટીને જિવાતું હોય ત્યારે કે પછી જે ચહેરાઓ જોઈને એક વખત પાનખરમાં પણ જીવનની વસંત ખીલી જતી એ જ ચહેરાઓ પર હવે પાનખરી વાયરો કાયમને માટે ફરફરતો હોય ત્યારે બોલાય છે..

લોહીનાં સંબંધમાં સચવાયેલો લાલ રંગ કાળો પડતો જાય ત્યારે અને એક વખત જે સંબંધ મીઠી નોકઝોંકનો મહોતાજ હતો ત્યાં હવે નજરમાં જ નહિ નાક પર પણ ગુસ્સો દેખા દે ત્યારે બોલાય છે. ક્યાંક સાથે જીવાયેલું બાળપણ હોય તો ક્યાંક સાથે ઊછરેલી યુવાની હોય, ક્યારેક કરૂણતા એવી બને કે લોહીમાંસમાંથી સિંચાયેલો ટૂકડો પણ મોટો થઈને પાંખ ફેલાવે અને એ પાંખમાં સંસ્કારનું જોમ નહિ પણ સ્વાર્થના કાંટા જોડાયેલાં હોય ત્યારે પણ આ સંવાદ બોલાય છે.


કહેવાય છે લોહીનાં સંબંધ નિર્ધારિત હોય છે પણ લાગણીનાં સંબંધ આપણે જાતે પસંદ કરીએ છીએ..પરંતુ લાગે કે આ પસંદગી કે નાપસંદગી જેવો કોઈ ભાગ આપણાં જીવનમાં છે જ નહિ.. કર્તા બનવાની હોડમાં નીકળેલા આપણે, જાત પર એટલાં મુસ્તાક થઈ જઈએ છીએ કે આપણે કરેલાં કર્મોનો હિસાબ ચૂકતે કરવાનો હોય એ વાત સદંતર ભૂલી જઈએ છીએ.

મોટાભાગે આ સંવાદ સીધી લીટીના સંબંધમાં થાય છે.
આ સંબંધ પતિપત્નીનો હોય શકે, ભાઈ બહેનનો હોય શકે, ભાઈભાઈનો હોય શકે, માતાપુત્ર કે પિતા પુત્રનો હોય શકે કે પછી માતા પુત્રીનો પણ હોય શકે. બીજાં બધાં સંબંધો પણ આવું ને આટલું જ દુઃખ પહોંચાડી શકે પણ એની અસર લાંબો સમય રહી નહિ શકે જ્યારે લોહીનાં સંબંધમાં ઉણપ આવે છે તેની ચુભન એ દુભાયેલી વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ પર અસર કરે છે.
આમાં લોહીનો સંબંધ ન હોવાં છતાં પતિપત્ની ને એટલાં માટે જોડવા પડે કારણ કે એ સંબંઘ જો સમજદાર હોય તો આવાં કેટલાંય સંબંધોને તૂટતાં બિખરતા બચાવી શકે. એ સમયને સુધારી શકે.

કેમ એક વખતનો ફૂલગુલાબી સમય જાણે કાંટા રહી ગયાં અને આંકડારૂપી ગુલાબ ખરી ગયાં જેવો અહેસાસ પળપળ આપે છે..? જાતે જોડાયેલો કેમ કોઈ સંબંધ સમયનાં બે કાંટાની જેમ સ્થિર નથી રહી શકતો ?
આ પ્રશ્નોના જવાબો આપણી આસપાસ અને આપણી અંદર જ મળી રહે છે.

સ્વસ્થ સંબંધ સ્વસ્થ જીવનનો પ્રયાય છે..આજના ટેન્શનવાળા યુગમાં કોઈ એક બે સંબંધ પર એટેંશન રાખીએ તો જીવન જીવવા જેવું તો જરૂર લાગે.

#hemal_maulesh

#હેમલ_ઉવાચ #writing

#હેમનુ_હલકું_ફૂલકું

સમજણ


                                     અનુભૂતિની દુનિયામાં જેટલા પગલાં મંડાય અને એ પગલે પગલાંનું પગેરું મનની મીરાંત પર છાપી શકાય તો ગમે ત્યારે ગમે ત્યાંથી સમજણની સરવાણી ફૂટી શકે છે ખરી …હજુ હમણાંની જ વાત . અમારા કામવાળા બહેન એકદમ ટાઇમસર આવે અને ટાઇમસર કામ પૂરું કરીને જાય . ન ખોટી હાયવોય કે ન ઉતાવળ . ત્રણેક દિવસ પહેલા જ એ એના ટાઈમ કરતાં મોડા પડ્યા . અમસ્તું જ મારાથી બોલાય ગયું ..આજે તો તમે મોડા ? હું કઈ કરાવું તો તમારે જલ્દી કામ પતે ? ને સરળ ભાષામાં જવાબ મળ્યો . ના રે દીદી ! રોજનું થયું .રોજ ઊઠીને જલ્દી જલ્દી ઘરનું કામ પતાવી , છોકરાઓને સ્કૂલે મોકલીને આવું છું ……ઘેર તો જાણે હડિયાપાટી થાય છે .. આજે કઈક જુદો દિવસ ઊગ્યો છે . થોડું મોડુ થયું છે , જે ઘેર કામ કરવા જઈશ એનું થોડું ઘણું સાંભળીશ .ને હસીને જવાબ પણ દઈ દઇશ કે , અમેય તમારા જેવા માણસ જ છીએ. રોજ કામ પર ટાઇમસર આવું છું ત્યારે કઈ નથી બોલતા કે હા , જો તું ટાઈમસર આવી જાય છે , તો પછી આજે હું મોડી પડી છું તો મને પણ ખબર પડશે કે , મારે કોના ઘેર મારૂ ઘર માનીને કામ કરવું કે , મને જેટલો પગાર મળે તેટલું જ કામ કરવું ….ને બીજું દીદી આ એક દિવસ રોજની દોડધામમાંથી  હાશકારો મળ્યો છે મને તો જાણે સોનાનાં સુરજ જેવુ લાગે છે .

કેટલી સીધી સાદીને સમજણપૂર્વકની વાત . રોજની ઘટમાળમાં ક્યાંક નાનકડો ગેપ પડે છે એ ગેપની સુંદર મજાની ખેપ લેવાની વાત . હમેંશા જોવા મળે છે કે , રોજના નિયત સમયમાં થતું કામ થોડું ઘણું પણ આડું અવળું થાય તો માણસોનો આખો દિવસ જાણે બગડતો હોય છે . સ્પીડ ક્યાંક ધીમી થઈ કે તેની અસર દિવસ આખામાં પ્રસરે છે અને જે કઈ પણ કામ થાય છે એ સંતાપ સાથે થાય છે . એટ્લે કે , ,કામનો પૂરો આનંદ મળતો નથી ને ઊલટું એ કામ કરવાથી થાક વર્તાય છે . કારણ કે રોજની ઘરેડ પ્રમાણે જીવતી જિંદગી તેના કમફર્ટ ઝોનમાંથી બહાર આવવા નથી માગતી .  આ પ્રશ્ન મોટે ભાગે ગૃહિણીઓને જ નડે છે એવું નથી . એકધારી લયબધ્ધ જિંદગી જીવતા બધા લોકોને આ પ્રશ્ન નડે છે . ને આમ જુઓ તો ઉકેલ સાવ હાથ વગો ..મોડુ તો થયું જ છે પરંતુ જો મનમાં સતત એ જ ભાવ સાથે ચાલીયે તો સંઘ દ્વારકાએ પહોંચતા પહોંચતા થાકી જશે . માણસ કામ કરતાં કરતાં નથી થાકતો એટલો એ ચિંતા અને ક્રોધથી થાકે છે . આવી નાની વાતોનો સરવાળો મંડાતો જાય ત્યારે ખબર પડે છે કે આનંદનું પલડું ઉપરને ઉપર ચડતું જાય છે અને ચિંતા કે દુખનું પલડું નમતું જાય છે …..ને ‘નમે એ સૌને  ગમે ‘ એ કહેવતને અહિયાં ખોટી સાબિત કરે છે .

જીવન સરળ છે અને સરળ બનીને રહે એની માટે બહુ સરળ પ્રયત્નો જ કરવાના હોય છે . દિવસભરની નાની નાની ખુશીઓનો ભેગી કરતાં જવાની છે બસ . રાત્રે સૂતા પહેલા આ બધી જ ઘટનાઓને યાદ કરીને સાચા ખોટાના મનોમન ભાગલા પાડીને , સારી ક્ષણોને તારવીને મનના સિંહાસન પર બેસાડી દેવાની હોય છે . જે રાતભર સુખની નીંદર આપીને પોતે બીજા દિવસના આવા જ સુખની તૈયારીઓ આ કુદરત પાસે કરાવવા માટે મહેનત કરશે .

“તલાક તલાક તલાકનાં દરવાજા સદાને માટે બંધ”



‘એક સંસ્કૃત સુભાષિત છે કે, ‘લગ્ન એક એવો જુગાર છે જેમાં પુરુષને પોતાની સ્વતંત્રતા અને સ્ત્રીને પોતાની પ્રસન્નતાને દાવ પર લગાડવી પડે છે.’


લગ્નમાં બંને પતિ પત્ની કૈંક ગુમાવીને ઘણું બધુ મેળવે છે. પુરુષ એક જવાબદારીથી બંધાય છે. ને સ્ત્રી પોતાના વ્યક્તિત્વને પોતાના પરિવાર અનુરૂપ ઢાળે છે. આ બંને વ્યક્તિઓ પોતાનાં ગુણોનો સરવાળો કરે અને નબળા પાસાની બાદબાકી કરતાં જાય તો જ એ લગ્નજીવન સફળતાપૂર્વક જીવી શકે છે. પરંતુ આવું થતું જોવા મળતું નથી. એકબીજા પાત્રને સ્વીકાર કરવામાં ઘણી સમજદારીની જરૂર ઊભી થાય છે. લગ્નજીવનની તિરાડોને સતત પૂરતા રહેવી પડે. ઘણાં પ્રયત્નો છતાં પણ આ તિરાડ પહોળી થતી જ રહે તો લગ્ન નામની ઇમારત ઢેર થઈ જાય છે. સ્વાભાવિક છૂટાં પાડવા માંગતા બે વ્યક્તિઓની સાથે અનેક વ્યક્તિઓ એકબીજાથી દૂર થાય છે ને એમાં પણ દાંપત્યજીવન દરમ્યાન જો બાળકો થયા હોય તો એમની હાલત કફોડી થાય છે. લગ્નજીવનનો અંત આણવો સહેલો નથી અથવા એમ કહીએ કે એ આખરી ઉપાય હોય છે.

આવા અનેક બનાવો સમાજમાં બનતા રહે છે. ભારત દેશમાં સર્વ ધર્મનાં લોકો રહે છે. એમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની બહુમતી છે. હિન્દુ લો મુજબ છૂટાછેડાના કાયદા પ્રમાણે છ મહિનાનો સમયગાળો બંને પક્ષને આપવામાં આવે છે. જેથી કરીને આ સમયગાળા દરમ્યાન પોતાનાં નિર્ણયને સુધારવાનો એ દંપતીને મોકો મળે. મુસ્લિમ સમાજ કુરાને શરિફને ધ્યાનમાં રાખીને ધર્મ અનુસાર તલાકની રીતને અનુસરે છે. જ્યારે અભ્યાસુ લોકોનાં કહેવા અનુસાર કુરાનમાં ક્યાંય સીધી રીતે ત્રણ વાર તલાક બોલીને પત્નીથી છૂટાં થવાનો હક મળે એવું દર્શાવવામાં આવ્યું નથી. છતાં એવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મુસ્લીમ સ્ત્રીને રૂબરૂમાં ,ફોન પર, પત્ર દ્વારા ,સોશ્યલ મીડિયા દ્વારા પણ તલાક તલાક તલાક એમ ત્રણ શબ્દો બોલીને એ સ્ત્રીની જિંદગીને તહસનહસ કરી નાખે છે.

આવી કેટલીયે પીડિત મહિલાઓએ આ ત્રણ શબ્દો દ્વારા કાયમ તોળાતી રહેતી તલવાર સામે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો. એક બાજુ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણનું અભિયાન ચલાવવામાં આવતું હોય અને બીજી બાજુ ભારતમાં રહેતી મુસ્લિમ મહિલા જ્યારે ખરાબ લગ્નજીવનથી પીડાતી હોય ત્યારે સતત ભય હેઠળ જીવતી હોય કે ક્યાંક પતિ તરફથી તલાક ન આપી દેવાય. એવું પણ જાણવા મળ્યું છે કે, ઇસ્લામીક લો અનુસાર સ્ત્રીઓ પણ તલાક આપી શકે છે. સામાજિક કે આર્થિક રીતે પતિ પોતાની પત્નીની જરૂરિયાત પૂરી કરી શકતો ન હોય , પરિસ્થિતિ તદ્દન અસહય હોય ત્યારે જ પત્નિ પતિથી છૂટા થવા માટે તલાકની અપીલ કરી શકે છે. જેને ઇસ્લામીક લોમાં ‘ખુલા’ કહેવામાં આવે છે પણ જરૂરી જાગૃતિનાં અભાવે આ પ્રથા પ્રચલિત ન થઈ અને આવેશમાં આવીને કે જાણીજોઈને ત્રિપલ તલાક બોલીને લગ્નજીવનનો અંત શક્ય બન્યો.

આજ અનુસંધાનમાં ભારત સરકારે તાજેતરમાં ઐતિહાસિક પગલું લીધું છે. આ કાયદા અનુસાર મુસ્લિમ પતિ પોતાની પત્નીને ત્રણ તલાક દ્વારા છૂટી નહીં કરી શકે અને જો આવું થશે તો એ અપરાધ ગણવામાં આવશે . ભારત સરકારનું આ પગલું એવી સ્ત્રીઓને દોઝખમાંથી મુક્તિ આપશે જે આ ત્રાસદાયક ત્રણ તલાક દ્વારા આચરવામાં આવતા અત્યાચારોનો સામનો કરી રહી છે. ભારત સરકારે શાયરાબાનુ નામની સ્ત્રીને સાથ આપ્યો છે. શાયરાબાનુ આ કેસની મુખ્ય અરજદાર અને સમગ્ર દેશની મુસ્લિમ મહિલાઓ માટે એક આશાનું કિરણ બની. તેના પિતા શ્રી ઇકબાલ અહેમદે પુત્રીની લડાઈમાં સાથ આપ્યો અને બીજી સ્ત્રીઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ મળે એ માટે લડત કરવાનું નક્કી કર્યું. તેમની પુત્રીને તેના પતિ દ્વારા ડિસેમ્બર ૨૦૧૫માં તલાક આપવામાં આવ્યા હતા અને તે અંગેનું તલાક નામું ઘરે પોસ્ટ દ્વારા મોકલીને પંદર વર્ષનાં લગ્નજીવનનો અંત આણ્યો હતો. બે મહિના બાદ તેણી સુપ્રીમ કોર્ટમાં ગઇ અને દલીલ કરી કે, ‘મુસ્લિમ પતિનો સળંગ ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાનો અધિકાર સંપૂર્ણપણે એક પક્ષીય વિસંગત નિરપેક્ષ અને કોઈપણ જાતના તર્ક વિનાનો છે તે મુસ્લિમ સંસ્કૃતિમાં ક્યાંય સ્પષ્ટ નથી અને તે મુસ્લિમ કાયદાનો ભાગ નથી.’


કાયદામંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં ત્રણ તલાક બિલ અથવા મુસ્લિમ મહિલા બિલ 2017માં પ્રસ્તુત કર્યું હતું અને ત્રણ તલાકને ગેરકાનુની ગણાવી મુસ્લિમ મહિલાઓના અધિકારોની રક્ષા માટે ત્રણ તલાકનો અંત કરવા સંસદમાં રજૂ કર્યું અને કહ્યું હતું કે, ‘ત્રણ તલાક એ વિશ્વાસ કે ધર્મની બાબત નથી પરંતુ લિંગ ન્યાય લિંગ સમાનતા અને લિંગ ગરિમાનો પ્રશ્ન છે તેમાં જે સ્ત્રીઓ ભોગ બનેલી છે તેમનું દુઃખ તેમના સિવાય અન્ય કોઈ સમજી શકે નહીં.’ આ બિલ પાસ થયા બાદ મુસ્લિમ મહિલાઓ પર દમન અને મનમાની નહીં ચાલે.

આ દિવસથી ભારત સરકાર મહિલા સશક્તિકરણની તરફ વધુ એક પગલું ઉઠાવ્યું છે. આજ બિલ પર સર્વોચ્ચ અદાલત દ્વારા મહોર લગાવી દેવાઇ અને હવેથી ત્રણ તલાક સંપૂર્ણપણે ગેરકાનૂની ગણવામાં આવશે આ ચુકાદાથી મુસ્લિમ સ્ત્રીઓએ રાહતનો શ્વાસ લીધો. સર્વોચ્ચ અદાલત દ્વારા ત્રણ તલાક પર પ્રહાર કરીને એક સુધારાત્મક પગલું લીધું છે કે જે પ્રગતિશીલ રાષ્ટ્રોને રૂઢિચુસ્ત વિચારધારામાંથી સ્ત્રીઓને બહાર લાવશે અને તેના રૂપાંતર માટે નવા દ્વાર ખોલશે આ ચુકાદો ચોક્કસપણે દેશમાં મુસ્લિમ મહિલાઓ માટે સમાનતાના નવા યુગની શરૂઆત કરે છે.

1978ની સાલમાં શાહબાનોને 62 વર્ષની વયે તલાક મળ્યા હતા ને તેણીએ ત્રિપલ તલાક વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પહેલાં 1985માં અને આજે 2019માં બે વખત સંસદમાં સર્વોચ્ચ અદાલતનાં ચુકાદા બાદ આજ મુદ્દા પર ચર્ચા થઈ. શાહબાનોથી શાયરાબાનુ સુધી પહોંચતા લગભગ 34 વર્ષ નીકળી ગયા. લાંબી લડાઈ પછી મોડી મોડી પણ મુસ્લિમ મહિલાઓની ત્રિપલ તલાકનાં મુદ્દા પર ઐતિહાસિક જીત હાંસિલ થઈ છે.


લાઈફ લાઇન : ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, માનનીય સુપ્રીમ કોર્ટે આપેલો ત્રણ તલાક પરનો ચુકાદો ઐતિહાસિક છે તે મુસ્લિમ મહિલાઓને સન્માન આપે છે અને મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી માપદંડ ઊભો કરે છે.’

‘મનડું લાગ્યું સખી રી મોબાઈલમાં


‘મનડું લાગ્યું સખી રી મોબાઈલમાં’
લાઈફ.કોમ

શેક્સપિયર કહે છે, તું બધાની વાત કાન દઈને સાંભળજે, પરંતુ તારી વાણી તો તું બહુ થોડા લોકોને સંભળાવજે. જરૂર હોય ત્યાં જ બોલવું અને જરૂર ન હોય ત્યાં બિલકુલ બોલવું નહીં એવો કૈંક અર્થ શેક્સપિયરની ઉપરોક્ત ઉકિતનો છે.
આજે આપણે મોબાઈલ યુગમાં પ્રવેશીને જે ઝડપે આગળ વધી રહ્યા છીએ એ જોતાં થોડા વર્ષો પછી તો આપણે સાંભળવાની ક્રિયા,બોલવાની ,વ્યક્ત થવાની ક્રિયા – આ બધી જ ક્રિયાઓ મોબાઈલમાં આવતા ઇમોજીઓ દ્વારા કરતાં હોઈશું.
હમણાં લગ્નની મૌસમ ચાલી રહી છે.સ્વાભાવિક ઘણી બધી જગ્યાએ જવાનું થાય.આમ તો બધા જ લગ્નનો માહોલ જુદો હોય,રીત રિવાજ થોડા અલગ પડતાં હોય,જમવાની વાનગીઓમાં ફેર હોય,પોશાકમાં વૈવિધ્ય જોવા મળે,હવે તો થીમબેસ્ડ લગ્ન થાય છે એટ્લે દરેક લગ્નમાં કૈંકને કૈંક નવું જોવા મળે અને મળે જ. પરંતુ આ બધા જ લગ્નોમાં એક વાત બહુ કોમન જોવા મળી,અહિયાં તમે મને કહેશો કે ચોરીના ચાર ફેરા તો બધા જ ફરે – એટલે કોમન પોઈન્ટ આજ હશે તો વહાલી સખીઓ,મારી બહેનો ના ! આ વાત કોમન નથી. કોમન પોઈન્ટ છે મોબાઈલ.

આજકાલ દરેક પાસે એંડ્રોઈડ મોબાઈલ હોવાનો એ ન હોય તો પછી શેમાં ગણતરી થાય એ જુદો વિષય બની શકે. આ મોબાઈલનો ઉપયોગ તમે જ્યાં હોય ત્યાંથી પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન થઈ શકે એની માટે છે. મજાની વાત કે સજાની વાત તો એ છે કે, જનસુવિધા માટે, બીજા લોકોને આપણી સાથે કનેક્ટ કરવા માટે આવિષ્કાર કરાયેલા આ યંત્રે આપણને બધા સાથે ડિસકનેક્ટ કરી નાખ્યા છે. આમાં આ યંત્રનો કે તેને શોધનારનો બિલકુલ વાંક નથી. વાંક આપણાં જનમાનસનો છે.

પહેલાં લગ્ન સમયે કેવા મજાનાં ગીતો ગવાતા, લગ્નની એક એક વિધિ સાથે એક એક ગીત જોડાયેલુ હોય અને હવે જ્યારે લગ્ન થાય છે ત્યારે આવા ગીત ગાવા માટે પ્રોફેશનલની સેવા લેવામાં આવે છે અને બહેનો સજી ધજીને આવા ગીતો સાંભળતા સાંભળતા મોબાઈલમાં ક્યાં તો સોશ્યલ મીડિયામાં સક્રિય જણાય છે અથવા યંગસ્ટર્સ હશે તો એ સેલ્ફીમાં લેવામાં વ્યસ્ત. મોબાઈલમાં મસ્ત રહેતી ગૃહિણીઓ માટે બેશક એ ટાઈમ પાસનું સાધન હશે, એમાંથી નતનવી જાણકારી મળતી હશે,લોકોના સંપર્કમાં રહેવાતું હશે,ફેમિલી સાથે લાઈવ રહેવાતું હશે પણ જ્યાં છો ત્યાં નિર્જીવની જેમ બેઠા રહીએ, પ્રસંગને માણવાને બદલે કોઈ બીજી દુનિયામાં વિહરવું એ ક્યાંનો ન્યાય છે?

મોબાઈલમાં વારેઘડીએ એક નજર નાખવાની ટેવવાળા લોકો તો આમ પણ સ્થળ અને સમયનું ભાન ભૂલી જાય છે. એ એક નજર ક્યારેક મિનીટમાં ને પછી કલાકમાં પરિણમે છે એનું ધ્યાન રહેતું નથી.
હમણાં જેટલા લગ્નપ્રસંગો કે બીજા કોઈ પ્રસંગોમાં હાજર રહેવાનુ થયું એમાં નિરીક્ષણ કરતાં જણાયું કે પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગ મોબાઈલનો ઉપયોગ વધારે કરે છે. બેશક ઘરમાં રહેતી વખતે,ઘરના કામ પાછળ મોબાઈલનો ઉપયોગ શક્ય નથી બનતો હોતો,સમયનો અભાવ રહે છે,કોઈના પ્રસંગમાં આરામથી પ્રસંગમાં હાજરી આપી ગણાય અને મોબાઈલ મચડવાની પણ મોજ પડે. પણ..પણ..પણ પ્રસંગમાં મહાલવાનું ભૂલી જઈને મોબાઈલમય રહેવું એ બિલકુલ યોગ્ય બાબત નથી. બીજી પણ એક વાત ઉડીને આંખે વળગે એવી હતી કે આ બધી જ મહિલાઓ પાકટતાને પાર કરી ગયેલી હતી, જે બહેનો બચ્ચાઓને લઈને આવી હતી તે બધી જ બહેનો પોતાના બાળકોને મોબાઈલ પકડાવી દઈને પોતાના વર્તુળમાં ગપ્પાંગોષ્ઠિ કરતી નજરે ચડતી હતી. એમાં પણ જમવાનો સમય થાય એટલે આ બધા બાળકો મોબાઈલમાં ગેઇમ રમે કે પછી કાર્ટૂન જુએ અને મમ્મીઓ તેને કોળિયા ભરાવતી જાય..ને પાછી અભિમાનપૂર્વક બીજાને કહેતી પણ જણાય કે મોબાઈલ વગર તો આ એક જગ્યાએ બેસે જ નહીં અને જમે જ નહીં…જરા વિચારો મોબાઈલમાં મશગુલ બાળકોને એ મમ્મી શું ખવડાવે છે એની ખબર પડતી હશે? નાનપણથી જ મોબાઈલની સાથે જ જમવાનું વળગણ મોટાં થઈને પરિવાર વગર જમવાની ટેવમાં નહીં કન્વર્ટ થાય એની શું ખાતરી?

મોબાઈલ આજનાં યુગની તાતી જરૂરિયાત ખરી પણ આબાલવૃદ્ધ બધા જ આ મોબાઈલની માયાજાળમાં એટલા ફસાયા છે કે, એના નકારાત્મક પાસાની ખબર હોવા છતાં એનાથી પર થઈ શકતા નથી. વહાલી બહેનો આ મોબાઈલથી છૂટી તો નહીં શકાય પણ એના ઉપયોગનું પ્રમાણભાન કેળવવા માટે અમુક રીત આપણે જ શોધીને અપનાવી પડશે. જેમ કે બધા જ મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ આવે છે એ સેટ કરી શકાય. તમે તમારો ફાજલ સમય શોધી અડધી કલાક, એક કલાક કે પછી વધીને બે કલાક ટાઈમ સેટ કરીને મૂકી દઈ શકો જેથી કરીને એ સમય પૂરો થતાં જ રિમાઇન્ડર મળે, ખાસ બાળકોને જમવા સમયે મોબાઈલ દેતી મમ્મીઓ એનું શારીરિક બંધારણ અત્યારથી જ બગાડી રહી છે એવું કહી શકાય. ખોરાકનો પૂરો આસ્વાદ લેવા માટે એનું સંપૂર્ણ ધ્યાન જમવામાં જ હોય એ બહુ જરૂરી છે.

સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેવું ખોટું નથી પણ એનો ઉપયોગ ક્યારે અને ક્યાં અને કેવી રીતે કરવો એ શીખી લેવું બહુ જરૂરી છે. મોબાઈલના વળગણના કારણે ઘણાં સંબંધો પર અસર પડતી દેખાય છે. ક્યાંક બીજે સંબંધ મજબૂત કરવા જતાં આપણો પોતિકા,આપણી સાથે રહેતા સંબંધો કાચા પડે છે.

આ દુનિયામાં મોબાઈલ છે મોબાઈલમાં દુનિયા નથી. આ વાતને જેટલી જલ્દી સમજી જવાય એટલું સારું છે. મોબાઈલને સાધન સમજીએ એનું સાધન ન બનીએ.
લાઈફ લાઇન :સતત ઓનલાઈન રહેવાની ટેવ ધબકતા જીવનની ક્ષણોને ઓફલાઇન કરી નાખે છે

‘આંગણું સાફ છે. મનનું કે ઘરનું


Column:લાઈફ.કોમ

હમણાં જ એક સરસ વિચાર વાંચવામાં આવ્યો હતો કે .’દરેક માણસ પોતાનું આંગણું વાળી નાખે એટલે આખી દુનિયા ચોખ્ખી થઈ જાય.’ આ વાંચીને બધી જ બહેનોનો એક જ સૂર નીકળશે કે આમાં નવાઈની શું વાત છે? રોજેરોજ ઘર સાફ થાય એમ જ આંગણું પણ સાફ થાય જ છે. ઘણી બહેનો તો બે ત્રણ વાર આવી સાફસફાઇ કરતી હશે. ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં રહેતી સ્ત્રીઓ તો ચોખ્ખાઈ માટે પ્રખ્યાત છે.
કોઈના ઘેર જઈએ ત્યારે એ ઘરની સુઘડતા પર સૌથી પહેલા ધ્યાન જાય પછી ધ્યાન જાય તે ઘરની ચોખ્ખાઈ પર અને એના પરથી જ એ ઘરમાં રહેતા લોકોની માનસિકતા ખાસ કરીને, એ ઘરની સ્ત્રીની વિચારસરણી પરખાઈ જતી હોય છે. આ તો વાત થઈ ઘરની અને ઘરમાં વસતી ગૃહિણીની. ઘર સાફ રાખી શકતા હોય એ ઘર બહાર પણ સફાઈના આગ્રહી જ હોય એવું બનતું નથી. પોતાનાં આંગણાનો કચરો વાળીને રોડની વચ્ચોવચ ઢગલો કરી દેનાર લોકો આપણી જ વચ્ચે વસે છે. આવા લોકો ઘર સાફ રાખી શકે, આંગણું સાફ રાખી શકે પણ એ જ લોકો શેરી,રસ્તા, શહેર ચોખ્ખું રાખવામા મદદરૂપ નથી થઈ શકતા. કારણ કે તેમની નજર ફક્ત તેમના પોતાનાં કચરા સુધી જ પહોંચે છે. આજ નજરને લાંબી કરવામાં એમનો કોઈ જ રસ નથી હોતો. આવું શું કામ થઈ રહ્યું છે ? આપણી સરકાર સ્વચ્છતાનાં પાઠ ભણાવવામાં એડીચોટીનું જોર લગાવી રહી છે..ક્યાંક કૈક બદલાયું છે પણ ઘણું બધુ હજુ જેમનું તેમ જ છે.

સ્ત્રી અને સ્વચ્છતા આ બે પૂરક બાજુઓ છે અથવા એમ કહીએ કે, સ્ત્રીએ જ સ્વચ્છતાનો ઠેકો લીધેલો છે તો પણ ચાલશે..આજ માનસિકતાનો વિકાસ કરીને, ઘરઆંગણાની સફાઈનો વ્યાપ વિસ્તારીને હવે આપણે, એટ્લે કે સ્ત્રીઓએ આ વ્યાપને લોકોનાં દિમાગમાં વધારવાનો છે.ગાંધીજી એક વખત બિહારમાં હતા, કસ્તુરબા એમની સાથે હતા ત્યારે એ ત્યાં કામ વગર કંટાળી ગયા ને બાપુને કીધું મને કૈંક કામ આપો જેથી મારો સમય પસાર થાય. બાપુ બોલ્યા, તમે આ છોકરાઓને ભણાવો. કસ્તુરબા કહે તમે જાણો છો કે, મને અક્ષરજ્ઞાન જ નથી તો ભણાવું કેવી રીતે ? ને બાપુએ સરસ જવાબ આપ્યો કે, ભણાવું એટલે પુસ્તકનું જ્ઞાન આપવું એમ જ નથી તમે આ બાળકોને સ્વચ્છતાનાં પાઠ પણ ભણાવી શકો. ને કસ્તૂરબાએ બરાબર એમ જ કર્યું...હવે વિચારો, જો અભણ કસ્તૂરબા વર્ષો પહેલાં આ કામને બખૂબી નિભાવી શક્યા હોય તો આજકાલની માતાઓ તો ભણેલી ગણેલી હોય છે. તેઓ શું ઘરમાં રહેતા લોકોને આવા પાઠ ભણાવી ન શકે? પોતાનાં બાળકોને ઘર ચોખ્ખું રાખવા સમજાવી શકે એવી જ રીતે શહેરના રસ્તાઓ ચોખ્ખા રાખવા ન સમજાવી શકે? બાળકો તો જલ્દી એકબીજાનું અનુકરણ કરી લેતા હોય છે તો આવા વખતે સ્વચ્છતાનો પાઠ એ પોતે તો જિંદગીભર યાદ રાખશે જ પણ બીજાને પણ આવું કામ કરતાં પ્રેરણા આપશે. ક્યાંક રસ્તા પર કચરો ફેંકાતો જોઈને એ અટકાવી શકશે અરે અટકાવે નહીં તો કઈં નહીં પણ પોતે તો નહીં જ ફેંકે.

આપણને ગંદી જગ્યાઓ ગમતી નથી, એવી જગ્યાએ જવાનું ટાળીએ છીએ. ગંદી વસ્તીમાં રહેતા લોકો પર આપણને એક જાતની સૂગ છે. ક્યાંક માખી બણબણતી જોઈને આપણાં નાકનું ટીચકું ચડી જાય છે. પરંતુ ત્યાં જઈને તેમને સ્વચ્છતાનાં પાઠ ભણાવી શકાય એવું મન નથી થતું. આરોગ્યની જ્યાં સૌથી વધુ જરૂર પડે છે એવા વિસ્તારોમાં આપણે જવાનું મુલતવી રાખીએ ..આને જ કહેવાય છે કે ઘરનું આંગણું ચોખ્ખું રાખવું અને બહાર જેવુ હોય એ જોયા કરવું..આ આપણી માનસિકતા છે. ને આમાં જ બદલાવ લાવવાની જરૂર છે. સ્વકેન્દ્રી ન બનતા, પોતાને ગમતી સ્વચ્છતાનો વિસ્તાર વધુમાં વધુ પ્રસરી શકે એમાં આપણે સ્ત્રીઓ ઘણું બધુ કરી શકીએ છીએ ને એ પણ ઘર બેઠા. બહાર જવાની કદાચ જરૂર ન પણ પડે. ઘરના બાળકોને, સગા સંબંધીના બાળકોને, પાડોશીઓને..કેટલાય લોકોને આ નાનકડી વાત સમજાવી તેમનામાં વિચાર બીજ રોપી શકાય છે.

આ વિચારબીજને ઊગતા વાર લાગશે પણ ઊગશે તો ખરા જ. ત્યાં સુધીની ધીરજ રાખવી જરૂરી બને .પરંતુ સાવ હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો સમય હવે ગયો છે. સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણ એ આપણો અધિકાર છે એમ માનીને આ દિશામાં અધિકારપૂર્વક કામ થાય તે જરૂરી છે. ને સાથોસાથ ઘર આંગણાની સ્વચ્છતા સાથે મનનાં આંગણાની જો સ્વચ્છતા જાળવી શકાય તો સોને પે સુહાગા જેવુ કામ થાય. મનની અંદર ચાલતા વેરઝેર,ધૃણા ને નફરત જેવા કચરાને સાફ કરીને પ્રેમ, લાગણીને વિકસવાની તક આપવી એક માણસ તરીકેની આપણી ફરજ છે અને આ વાતમાં સ્ત્રીઓમાં જેટલી સમજ વિકસે એટલો જ સમાજનો વિકાસ શક્ય બનશે.

કોઈ પણ વ્યક્તિમાં સ્વાર્થનું તત્વ તો હોવાનું જ પણ એની સાથે જો નિસ્વાર્થ નામનું સત્વ ભળે તો માણસ તરીકેનો જન્મ સફળ થયાનો સંતોષ ખાતરીપૂર્વક અનુભવી શકે.

લાઈફ લાઇન : સ્વચ્છતાનો જન્મ સૌ પ્રથમ મનમાં થાય પછી હ્રદયમાં થાય ને પછી એ વિચારને સમગ્ર વાતાવરણમાં પ્રસારવા પાંખો મળે તો સમાજને આપણી નજર સામે બદલતો જોઈ શકવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે.

Life.com


કોલમ : લાઈફ. કોમ
હેમલ મૌલેશ દવે

‘સોશ્યલ મીડિયાથી દૂર રહેવાનો સંકલ્પ- સફળ કે પછી ?’

’ઓશો રજનીશ કહે છે કે, ઇચ્છાનું મૂળ સંકલ્પ છે. આથી મનુષ્ય જેવો સંકલ્પ કરે છે તેવી ઈચ્છા કરે છે અને પછી તે ઈચ્છા પૂરી કરવા તેને અનુરૂપ કર્મ કરતો રહે છે.’ આજકાલ સોશ્યલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. સ્વાભાવિક એટલા નામે ફરી રહ્યો છે કે મૂળ નામ નજરે નથી ચડતું. ખેર આપણે એ અફલાતૂન વિચાર કરનારને સલામ સાથે, એમાં આપવામાં આવેલા સુંદર પ્રયોગની વાત કરવી છે.

સુરતની ભૂલકાવિહાર સ્કૂલમાં એક અભિયાન હાથ ધરવામાં આવ્યું .ત્રીજા ધોરણથી માંડીને બારમા ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓએ નવ દિવસ મોબાઈલ નહીં લેવાનો. મિશનનું નામ અપાયું ‘Say No To Mobile’ . કહેવાની જરૂર નથી કે આ અભિયાન સફળ રહ્યું. ને કદાચ આ અભિયાનમાં શાળાની સાથોસાથ સૌથી વધારે સાથ આપનારા તેમના પેરેન્ટસ હતા .મોબાઈલમાં આખો દિવસ ગેમ્સ રમીને મોબાઈલ બેટરી સાથે મમ્મીઓનાં મગજની બેટરી પણ ઉતરી જતી હોય છે. સતત બાળકોની સાથે રહેતી મમ્મીઓએ એમને ભરપૂર સાથ આપ્યો હશે. ઘણી મમ્મીઓએ બાળકોનાં આ નિર્ણયને સાથ આપવા માટે પોતે પણ સોશ્યલ મીડિયાથી દૂર રહેશે એની જાણ ‘સોશ્યલ મીડિયા’ દ્વારા જ કરી. આ ખૂબ સુંદર અનુકરણ કરી શકાય એવું પગલું છે .

આજકાલ મોબાઈલથી દૂર રહેવું એ પ્રાણ પ્રશ્ન બની રહે છે. ઘડીભર પણ જે વસ્તુથી અલગ ન રહી શકતા હોય, તો એ મોબાઈલ છે. હથેળીમાં સમાય જતાં આ યંત્રએ માનવ યંત્રની માનસિકતા બદલી નાખી છે. આબાલવૃદ્ધ બધા જાણે મોબાઈલમય બની ગયા છે. મોબાઈલનો ઉપયોગ કરવો ખોટો નથી…એનાં ફાયદાઓ અનેક છે પણ એનાં ગેરફાયદાઓને નજરઅંદાજ કરીને ઉપયોગ થાય છે એમાં જ ક્યાંક થાપ ખાઈ જવાય છે. મમ્મીઓને સતત સોશ્યલ મીડિયામાં વ્યસ્ત રહેતી જોઈને બાળકો શીખવાના જ છે જે આ મોબાઈલ નામનું રમકડું મજાનું લાગે છે કે, પપ્પા તો ઠીક મમ્મી પણ એમાં વ્યસ્ત રહીને મસ્ત રહે છે. થોડા વર્ષો પહેલા જેના ઘેર ટીવી હોય એની ઘેર સિરીયલનાં સમયે રાત્રે બેસવા ગયા હોઈએ તો એમનું મોઢું કટાણું થઈ જતું કારણ કે એમનું ધ્યાન સંપૂર્ણપણે ટીવીમાં જ હોય..
અત્યારે એ પરિસ્થિતીને મૂલવતાં એમ થાય કે, જ્યાં ટીવી હોય તે જગ્યાએ બધા સાથે બેસતા તો ખરા, બધાનું ધ્યાન એક જ દિશામાં રહેતું તો ખરા. જ્યારે આજે સ્થિતી એવી ઊભી થઈ છે કે, બધાને પાસે ટચૂકડો મોબાઈલ છે. ટીવી હોય તો બધાની મનપસંદ શ્રેણી જ જોવાની આવે જ્યારે મોબાઈલમાં એમનું જ સામ્રાજય છે. પોતાની આગવી દુનિયા જ્યાં એ કોઇની દખલઅંદાજી પસંદ ન કરે.

ઘણી વાર ટાઈમ મેનેજમેંટ વિષેના સેમિનાર લેતી વખતે જ્યારે બહેનોને પ્રશ્ન પુછવામાં આવે કે, આખો દિવસ કેવી રીતે પસાર કરો છો ? તો જવાબમાં સોશ્યલ મીડિયાનું નામ પહેલાં આવે છે. ટેલિવિઝન ની સાથે સાથે મોબાઈલ પાછળ પણ સમય નીકળે છે. હવે વિચારીએ તો સોશ્યલ મીડિયામાં પ્રવૃતિશીલ રહેતી સ્ત્રીઓ ઘર પાછળ કે સોશ્યલ સંબંધો સાચવવામાં કેટલી ખેંચાઇ રહેતી હશે ? ને એ માટે જ પ્રમાનભાન હોવું જરૂરી છે. આજકાલ દેશ દુનિયાની બધી જ ખબર રાખવી બહુ જરૂરી છે. જાતને અપડેટ રાખવી આવશ્યક છે પણ સમાજમાં અપટુડેટ રહેવાની હોડમાં આપણી મૂળભૂત જરૂરિયાત કે પોતિકા સંબંધોને ભૂલવા ન જોઈએ. ‘રામ રાખે તેમ રહીએ’ આ કહેવત એની માટે સાચી છે જે પોતાનું કર્મ કરી ચૂક્યા હોય છે અને ફળ ભોગવી શકે એવી મહેનત કરી લીધી હોય છે. એની જેમ જ ‘મોબાઈલ સાથે જ રહીએ’ એ વાત આવી જ રીતે લાગુ પડે છે. ગૃહિણીઓ કે જેની માટે પોતાના ઘરની જવાબદારીઓ છે એને પોતાનાં વર્તન પર સભાન રહેવું જરૂરી છે. બાળકો હંમેશા પોતાનાં માબાપનું અનુકરણ કરતાં હોય છે.

ઉપર જણાવેલા કિસ્સામાં ચોક્કસપણે બાળકોએ માબાપને પણ મોબાઈલનો યુઝ નહીં કરવા સમજાવ્યા હશે જ.
કોઈ પણ નવીનતમ આવિષ્કારને પ્રમાનભાન સાથે સ્વીકારવામાં આવે તો એ શ્રેષ્ઠતમ સાબિત થાય છે. હવે તો સોશ્યલ સાઇટસ પણ તમે કરેલા એના ઉપયોગનો સમય બતાવે છે. જો મોબાઈલનાં ઉપયોગનો સમય નક્કી કરી લેવામાં આવે તો એનાં જેવુ ઉત્તમ એક પણ કામ ન હોય શકે. દિવસની અડધી કલાક કે એક કલાક બાહ્ય દુનિયા સાથે સંપર્ક માટે પૂરતો છે. બાકીનો સમય પરિવાર, બાળકો અને ઘર પાછળ જાય એ જ સારું છે. કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક જ હોય છે. આપણે વધુ ખાઈએ અને પછી બીજી દિવસે ઉપવાસ કરીએ તો જ આપણાં પાચનતંત્રને ઠીક રાખી શકીએ. પરંતુ જો આપણે માફકસરનો ખોરાક લેતા હોઈએ તો આવા કોઈ ફરજિયાત ઉપવાસ કરવાની જરૂર જ ન રહે. એવી જ રીતે ક્યારે કેટલો ઉપયોગ કરવો એ જ નક્કી કરી લઈએ અને ઘરમાં પણ એ નિર્ણયની જાણ કરી દઈએ તો પછી પરિવારની એકસૂત્રતા જળવાઈ રહેવામાં કોઈ જ વાંધો નહીં આવે.

ડ્રોઈંગરૂમમાં દસ જણા બેઠા હોય અને એમાંથી આઠ જણાં મોબાઈલમાં મોઢું નાખીને બેઠા હોય એવા દ્રશ્યો જોવા ગમતા નથી.હોટેલમાં જમવા જાઓ તો ડિનર ટેબલ પર બેઠેલા બે જણ સામ સામે બેસીને ક્વોલોટી ટાઈમ સ્પેન્ડ કરવાને બદલે પોતપોતાના મોબાઈલમાં ટાઈમ સ્પેન્ડ કરે છે. બગીચામાં બેઠેલા લોકો આસપાસનાં વાતાવરણને માણવાને બદલે મોબાઈલની દુનિયા માણવામાં વ્યસ્ત રહે છે. કુદરતી જગ્યાએ ફરવા જતાં લોકો એ જગ્યાને અનુભવવાને બદલે સતત સેલ્ફી લેવામાં મગ્ન રહે છે. મોબાઈલને સતત હાથમાં લઈને ફરતા લોકો કદાચ એ ભૂલી ગયા છે કે આપણે આ ટચૂકડા યંત્રનાં ગુલામ બની ગયા છીએ. અહીયાં મોબાઈલથી ભાગવાની એને છોડવાની કે દૂર રહેવાની વાત નથી પણ મોબાઈલ મેનિયાક નહીં બનવાની વાત છે. સતત ને સતત કોઈ એક જ દિશામાં ચાલ્યા કરવાથી થાકી જવાય છે , મોનોટોનસ માહોલ ઉદાસીનતા આપે છે અને બધુ છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છાઓ થાય…

આ દુનિયા ખૂબસુરત ત્યારે જ લાગે જ્યારે આપણી અંદર પોતિકી દુનિયા હોય, પોતિકા વિચારો અને આચાર હોય બાકી આ બહારની દુનિયા એટ્લે કે મોબાઈલની દુનિયામાંથી બહાર આવવા માટે શાળાઓ સાથે મમ્મીઓએ પણ રોજેરોજનાં સંકલ્પ કરવા અને કરાવવા પડે એવા દિવસો બહુ દૂર નથી.

લાઈફ લાઇન: દરેક વ્યક્તિમાં દેવ અને દાનવ બંનેનાં બીજ રહેલા હોય છે. એ જ સારી રીતે ઉછરે છે. જેને સારું ખાતર મળે છે.

memorylane

પીડા



પગે પીડા કરી મારી બાઈ, પગે પીડા કરી…

લાખો ડગલાં ચાલી ચાલીને થાકી એવી નસું
ચાલણગાડીએ દીધો ધક્કો ને ખસી શકી ન તસું
તમ્મર ચડ્યા સાતે કોઠે તો યે સીધી ફરી
પગે પીડા કરી મારી બાઈ ..પગે પીડા કરી ..

ચોવીસ કલાકનાં ચોઘડિયામાં પાંચ કલાકની રાત
દોડી દોડીને થાકેલ પગ માંગતા રહ્યા નિરાંત
રૂંવે રૂંવે ફૂટેલ થાકે ફરિયાદ એવી કરી,
પગે પીડા કરી મારી બાઈ, પગે પીડા કરી…

દિવસો વિત્યા રાત્યું વિતી સહન ન થાય કોઈ ઘડી
બધા અભરખા હેઠા આવ્યાં ને એકલતા આડી પડી
આનંદી કાગડાની વાતે , પીડા રહી ગઈ જરી
પગે પીડા કરી મારી બાઈ ..પગે પીડા કરી..

સમયનો સંગાથ કેવો હોય જલ્દી લીધું જાણી
ટીવી,મૂવી,મોબાઇલ વળી પુસ્તકમાં જઈ ગૂંથાણી
અંતે ખાટલે પડ્યા પડ્યા કલમે પાછી ફરી,
પગે પીડા કરી મારી બાઈ, પગે પીડા કરી …

હેમલ મૌલેશ દવે
20/01/2020

‘પીડા’


પોતાની પીડાનાં પોટલાં જાતે જ ઉપાડવા પડે છે.

           ‘એક વ્યક્તિને ખૂબ જ તરસ લાગી હતી, એટલી તરસ કે જો પાણી ન મળે તો પ્રાણ જતાં રહેશે તેવી અનુભૂતિ થતી હતી. ખૂબ જ આકુળ વ્યાકુળ થઈને ચારે દિશામાં તે ભટકી રહ્યો હતો. ક્યાંય દૂર સુધી પાણીનું નામોનિશાન નહીં. ખૂબ રાડો પાડી પણ કોઈ દેખાયું નહીં. તરસે હવે તો જીવ જવાની અણી ઉપર હતો. તેને લાગ્યું બસ હવે મારા પ્રાણ જશે…અંતે તે બેભાન થઈને જમીન પર ધબ્બ થઈને પડે છે.’તે સફાળો બેઠો થઈ જાય છે. હા, એ એનું ભયાનક સ્વપ્નું હતું.એ સ્વપ્નમાંથી-તેની અસરમાંથી બહાર આવે છે. એ બધી વ્યાકુળતા,પાણી માટેનાં તલસાટમાંથી બહાર આવે છે. તેને અનુભૂતિ થાય છે કે હવે તેને તરસ નથી તો પાણીની જરૂર પણ નથી.

             જીવન પ્રત્યેની આપણી દ્રષ્ટિ આવી જ કઇંક છે. કોઈ એક વિચારનાં જન્મથી માંડીને તેને પામવા સુધીનાં આપણાં વલખાઓ,આપણો તલસાટ આપણને તે મેળવવાનાં અંતિમ બિંદુ પર લઈ જાય છે. છતાં એ વિચાર પ્રાપ્ત થતો જ નથી.આપણે બેહોશ થઈ જઇએ ત્યાં સુધી એ વિચારને પામવા દોટ મૂક્યા જ કરીએ છીએ ને પછી જ્યારે એક જ ક્ષણમાં જો ખબર પડે કે આ ફકત સ્વપ્ન જ છે ત્યારે એ વિચાર પાછળ કરેલા પ્રયત્નોથી આપણે જ મનોમન હસી લઈએ છીએ.

        જીવનની ક્ષણભંગુરતા આટલી જ છે. આપણી દોટને આપણે જ દોડાવીએ છીએ. એ હાંફી જાય એટલું કામ લઈએ છીએ. એના સારાનરસા પાસાઓનો વિચાર કર્યા વગર બસ આગળને આગળ ધપ્યે જઈએ છીએ. જ્યાં સુધી ઠોકર ન લાગે ત્યાં સુધી બસ એક દિશા પકડીએ છીએ. એ દિશાનાં રસ્તે આવતા કંકર,કાંટા, અવરોધોને ઉપાડીને બાજુમાં મૂકવાને બદલે ઠેકી ઠેકીને પાર કરતાં જઈએ. બસ આપણો રસ્તો કપાવો જોઇએ, એવા સ્વમાત્રનાં જ વિચારે મંજિલ સુધીની દોડને પૂરી કરવા મથીએ. પરંતુ જીવનનાં સાક્ષાત્કારનો અનુભવ એ રસ્તે બનતી એક એક ઘટનામાં સમાયેલો છે. તે અર્થને સમજવામાં નાકામયાબ થઈએ છીએ. એ કંકર પણ તમને કઇંક કહેવા માગે છે, રસ્તાનાં અવરોધો તમને કઇંક સમજાવવા માગે છે. ટાઢ,તડકો,વરસાદ બધાને પોતીકું રૂપ છે, લક્ષણો છે. એને અનુભવ્યા વગરની દોટ એ સ્વપ્નમાં ઉદ્દભવેલી તરસ જેવુ કામ કરે છે. જે તરસનું કોઈ નામોનિશાન જ નથી. માત્ર કાલ્પનિક વાત છે,એવી જ કલ્પનાભરેલી સૃષ્ટિ સીધી દોટ મૂકવામાં અનુભવાય છે. મજાની વાત એ છે કે  માણસ જાતને આવી બધી જ સૃષ્ટિઓની ત્રુટિ, તૃષાની ખબર હોય છે. છતાં આંખ આડા કાન કરીને આગળ નીકળે છે. ને રસ્તાના છેડા પર પહોંચ્યા પછી યાદ આવે છે કે ઘણું ઘણું છૂટી ગયું છે. જે સાથે લાવવાની જરૂર હતી. હવે નથી એના વગર આગળ જવાતું કે નથી એ લેવા માટે પાછા ફરાતું. બસ હવે એ જ જગ્યાએ જીવવાનું છે. એ જ દશામાં જીવવાનું છે. આવા બનાવો રોકવા માટે આપણે જ આપણી જાતને તૈયાર કરવી પડે છે. ઠોકર લાગે ત્યારે એ ઠોકરના દર્દને મહેસુસ કરવું પડે, આનંદના સહભાગી શોધવા પડે, બીજાના દુખનો વિચાર કરવો પડે, કોઈના દિલમાં દીવો કર્યો હોય, તો  આપણાં જીવનમાં અજવાસ પથરાવાની શક્યતા વધી જાય. કોઈના બે આંસુ લૂછયા હોય તો આપણાં આંસુ કુદરત જલ્દી સૂકવી દે. આપણે કોઇની તરસ છિપાવી હશે તો આપણી તરસને ઓળખતા વાર નહીં લાગે.

આજનો માણસ જેટલું જલ્દી મેળવે છે એટલું જ જલ્દી ગુમાવી બેસે છે. પછી એ પ્રેમ હોય કે પૈસો. આનંદ હોય કે શોહરત. સાચવણમાં ફેર પડી ગયો છે કે માણસની સમજમાં એ જાતે નક્કી કરવાનું છે. પરંતુ એક વાત નક્કી જાતે ઊભી કરેલી પીડાનાં પોટલાં જાતે જ ઉપાડવા પડે છે. એટલે જ કર્મની કેડી કંડારતી વખતે ધ્યાન રાખવું જરૂરી કે આજ ‘કેડી’ પાછળથી આપણને ‘કેદી’ ન બનાવી દે. સારા બનવું એ સૌ કોઈનો ઇજારો છે. પણ એના ઓજારો કોઈ કોઈને જ મળે છે અને ફળે છે.

લાઈફ લાઇન : -સ્પીડ હમેંશા આપણાં કંટ્રોલમાં રાખવી પછી એ ગાડીની હોય કે ખુદના જીવનની.

“ટચ”


પણ બેટા એ તો કહે કે , તારે અંગ્રેજી શીખવા કેમ જવું  ?

મા ! તું ગમે તે કહે , હું ત્યાં નથી જ જવાની ..!

 કઈક તો કારણો તો  હશે ને ?

જવાબમાં આખો દરિયો એક કોગળામાં બહાર .

કારણ એક જ .

એ મને અડે છે , જ્યાંથી ભવિષ્યમાં કોઈ જન્મ લેશે !

એ મને અડે છે એ જગ્યાએ જ્યાંથી કોઈનું પેટ ભરાશે ..!

મારી અંદરની ‘સ્ત્રી’ ને ટુકડે ટુકડે જગાવી રહ્યા છે ને હું આ ‘સ્ત્રી’ ને કંટ્રોલમાં…!

પણ મા ! ક્યારેક જો મારા કપડાંનું આવરણ હટશે તો ?

 

બોલ જાઉં ત્યાં ?

અરે ?  તે આ વાત પહેલાં કેમ ન કરી ?

મન તો થાય છે કે, 

એ નાલાયક મનીષને ને હું મારી મારીને અધમૂવો  કરી નાખું . 52 વર્ષનો થયો છે તો પણ ..!

 

મા ! એનું નામ મનીષ નહીં સતિશ છે . ને એ ચોત્રીસ વર્ષનાં છે .

હે ???

હા એ જ .

HEMAL  MAULESH  DAVE