– જુગલકીશોર.
“આંધળાના તો આંધળા જ હોય” એવું દ્રૌપદી ન બોલી હોત તો ?
ફક્ત વંશવેલો ચાલુ રાખવા માટે થઈને મહર્ષી વેદવ્યાસને એમનો સંન્યાસાશ્રમ છોડાવીને પણ ત્રણ સ્ત્રીઓના ગર્ભાધાનનો પેંતરો ન રચાયો હોત તો કયું આભ તુટી પડવાનું હતું ?
માતાએ કહ્યું એટલે અર્જુનને વરેલી પત્નીનાય ભાઈઓએ ભાગ પાડવા પડે એટલી હદે માતાની આજ્ઞા માથે ચડાવવાની મગજમાં ન ઉતરે એવી વાત અમલમાં મુકવા પાછળ કયું સત્ય પ્રગટ્યું હતું ?
“નરો વા કુંજરો વા” કહીને, જયદ્રથનો વધ કરવાની પેરવી કરીને, શીખંડીને આડો રાખીને કે પછી કર્ણને અનેક કાવાદાવા કરીને સાવ નીહથ્થો કરી દઈને પાંડવોએ કયો ધર્મ આચર્યો હતો ???
આ અને આવા અનેક સવાલો મહાભારતની કથા સામે પડ્યા છે. કૃષ્ણને ગમે તેટલા મહાન ગણીએ તો પણ એમની સામે ઘણા સવાલો માથું ઉંચકી શકે તેમ છે. આ મહાનાયક કે લોકનાયકને એ વખતના રાજકીય કાવાદાવામાં ભાગ લેતા જોઈએ ત્યારે સહજ જ સવાલો થાય.
પ્રશ્નનોય પ્રશ્ન તો એ છે કે મોહન (કૃષ્ણ)નું સત્ય અને મોહનદાસ (મહાત્મા)નું સત્ય શું એક છે ? મોહનદાસને હજી સુધી સારું છે કે કોઈએ અવતારી કે પુર્ણ પુરુષોત્તમ કહ્યા નથી. પણ ભવીષ્યે કોઈ કહેશે કે નહીં, કાંઈ કહેવાય નહીં !!
અહીંસાની શોધ રામાયણ મહાભારત સુધી નહોતી થઈ. મહાવીર અને બુદ્ધના સમયે સુક્ષ્માતીસુક્ષ્મ અહીંસા શોધાઈ ચુકી હતી. પણ એનો સામાજીક કે રાજકીય હેતુસર સામુહીક રીતે અમલ કરાવનું બન્યું નહોતું. ગાંધીજીએ પણ કહ્યું હતું કે સત્યઅહીંસા એ મારી શોધ નથી.
છતાં એ સાધ્ય–સાધનનો આવો વીનીયોગ આ પુર્વે કોઈએ કર્યાનું જાણમાં નથી. સત્ય અને એના સાધનરુપ અહીંસાને સાવ ભૌતીક હેતુસર ને છતાં એની સુક્ષ્મ કાળજી લઈને ગાંધીજીએ એને પ્રયોજ્યાં હતાં.
ને છતાં એમને નીષ્ફળતાઓ તો મળી જ. શ્રી ગાડીત સાહેબની નવલ ‘સત્ય’ વાંચતાં ખ્યાલ આવે છે કે ગાંધીજીને આરંભથી જ અહીંસક સાધનશુદ્ધીના માર્ગમાં, હીન્દુમુસ્લીમ એકતાની વાતમાં, અસ્પૃશ્યતા નીવારણના કાર્યક્રમોમાં કે પછી અસહકાર આંદોલનમાં બહુ ઓછો સાથ મળ્યો હતો. હીન્દુસ્તાનના રાજકીય સ્વાતંત્ર્યનો સ્વાર્થ અને એકબીજા સામેના વેરની વસુલાત આ બહાને થતી હોઈ મોટા ભાગના લોકો એમને સાથ આપતા હતા એવું સમજાય છે ત્યારે થાય છે કે પ્રજાને પોતાના સ્વાર્થ સીવાય બીજી બાબતોમાં બહુ ઓછો રસ હોય છે.
ને છતાં કેટલીય બાબતો એવી છે જેનો નવેસરથી વીચાર કરવો જ રહ્યો.
ખેડા સત્યાગ્રહની સફળતા, બારડોલી સત્યાગ્રહનો અદ્ભુત પ્રયોગ, મીલમજુરોની અહીંસક લડત અને વીશ્વભરને અગાધ આશ્ચર્યમાં ડુબાડી દેનારી દાંડીયાત્રા અને ત્યારબાદ ચાલેલો અકલ્પ્ય સત્યાગ્રહ (કે જેને માટે ચર્ચીલે કહ્યાનું નોંધાયું છે કે, બ્રીટીશ રાજ્યને આટલું અપમાનીત ક્યારેય થવું પડ્યું નહોતું !)ને યાદ કરીએ છીએ ત્યારે થાય છે કે, કોઈ એક વ્યક્તીની નીષ્ઠા પણ કેવાંકેવાં ફળો આપનારી બની શકે છે !!
રેંટીયો ગામડેગામડે પહોંચ્યો એની પાછળનું મોટું બળ ગાંધીજીની કોઈ વાણીયાશાઈ નીતી નહોતી પરંતુ ગામડાને સાચી દાનતથી સ્વાવલંબી બનાવીને લોકોને ઉંચા મસ્તકે ચાલતા કરવાની શુદ્ધ દાનત હતી.
ખાદી પણ સ્વાતંત્ર્ય જલદી મળે તે માટે ગાંધીને ખુશ કરવા માટે નહીં પણ મહાત્માએ આપેલા મંત્રને અપનાવવાની દાનતથી લોકોએ પહેરી હતી. (એ જ ખાદી જ્યારે કોંગ્રેસનો ગણવેશ બનીને ફરજીયાત બની કે તરત એનો રંગ મેલો થયો હતો.) પરંતુ આજે હવે નવેસરથી આ જ ખાદી દેશવીદેશે એના સ્ટ્રક્ચર અને ટેક્ષ્ચરને કારણે આગળ આવી રહી છે. આંધ્રની એક યુનીવર્સીટીમાં કેટલીય કોલેજોએ ખાદીને આંશીક રીતે અપનાવીને આશ્ચર્ય પ્રગટાવ્યું છે. મારા જેવા સામાન્ય માણસને ખાદી નાનામાંનાના માણસને રોજી અપાવનારા સાત્વીક સાધન તરીકે એટલી બધી જચી ગઈ કે આજે પંચાવન વરસ પછીય એને બદલે બીજું કાપડ પહેરવાનો વીચાર આવતો નથી.
ને છતાંય થાય છે કે કૃષ્ણ એમના જમાનામાં સાચા હતા. મોહનદાસ લોકોને માટેનું સ્વરાજ લોકો દ્વારા જ અપાવવા માગતા હતા. જ્યારે કૃષ્ણના સમયમાં રાજવીઓને ડર બતાવ્યા વગર સીધા રાખી શકાય તેમ નહોતા ! એ વખતની રાજકીય સ્થીતી જ એવી હતી. તલવાર કે ધનુષ્યની સામે સુદર્શન જ એકમાત્ર ઉપાય હતો.
શામદામદંડભેદની નીતી વીના કોઈ રાજવી ધૃતરાષ્ટ્રની સામે થઈને “સાચે માર્ગે ચાલવાના યથાશક્તી–યથામતી પ્રયત્નો કરનારા” પાંડવોને મદદ કરવા તૈયાર થાય તેમ નહોતા. જરાસંઘ અને શીશુપાલ જેવા ક્રુર રાજવીઓ સામે લાઠીથી કામ થઈ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં કૃષ્ણે અપનાવેલા માર્ગમાં પાંડવો પણ માનવ સ્વભાવ વશ કેટલુંક ખોટું કરી બેસે તો એનેય આંખઆડા કાન કરીને માફ કરવાના હતા. આગળ જણાવ્યા તે અનીષ્ટો આચરનારા પાંડવોનેય કવીન્યાય તો મળી જ ગયો હતો. વનવાસ, લાક્ષાગ્રહ જેવા અનેક પ્રસંગો અને અવારનવાર થતાં રહેલાં અપમાનો વગેરે કાંઈ ઓછું ભોગવવાનું આવ્યું નથી…
સવાલ હવે એ થાય કે, હજાર ગુનાઓ કરનાર સામે કોઈ બેચાર ગુનાઓ કરે તો શું એને ન્યાય અપાવવાનો નહીં ? પાંડવો જુગાર રમ્યા તો સજા તો મળી જ. દ્રૌપદીનેય જીવનભર યાદ રહી જાય તેવો સબક તો મળ્યો જ. (આવી અને આની વીરુદ્ધની બીજી ઘણી દલીલો કરી શકાય પણ તે અસ્થાને જ ગણવી રહી.)
મહાભારત છેવટે તો એક મહાકથા છે. કૃષ્ણ ‘ભગવાન’ તો પછી થયા, પહેલાં તો એ લોકનાયક – હીરો – છે. એ જ્યારે એમ કહે કે હું કહું એમ કર; મારે શરણે આવ; હું જ આ સૃષ્ટીનો કર્તાહર્તા છું ને મારા–તારા હજારો જન્મ હું જાણું છું…વગરે વગેરે ત્યારે એને કથાના સર્જકની કાવ્યરીતી જ ગણવી રહી. એને ભગવાન કોણે બનાવ્યો ? વેદવ્યાસે ? જો હા, તો તે ખોટું કહેવાય. પણ લોકોએ બનાવ્યો હોય તો તેમાં કશું નવું નથી. (અમિતાભનાં મંદીરોને આપણે અટકાવી શકીશું ?!)પણ એ જ કૃષ્ણ બધું સમજાવીને પછી અર્જુનને કહે છે કે, ( विमृश्यैतदशेषेण ) “यथेच्छसि तथा कुरु ।”
ગીતાનો નાયક જાણે શીક્ષક બનીને એના શીષ્યને કહે છે, મેં તને રસ્તા તો બધા બતાવી દીધા, હવે તને સુઝે તે મુજબ તું કર !! આવો સચોટ માર્ગદર્શક ક્યાં મળવાનો ?
આત્મા–પરમાત્માવાળી વાતોને હમ્બગ માનનારાંને તેમનો મત મુબારક. હમ્બગ ન માનનારાંઓનો મત તેમને મુબારક. મહાકથાના સર્જકને જે લાગ્યું તે કથા રુપે કહ્યું. વાત ત્યાં જ પુરી થાય. પાછળથી હીન્દુધર્મે કે એના કેટલાક લોકોએ વીદ્વત્તાના નામે ગીતાના શ્લોકોમાં ફેરફારો કરીને આપણને અવળે માર્ગે દોર્યા હોય તો તેમાં દોષ કોનો ? ગીતામાંની વ્યક્તીગત વીકાસની વાતોને જીવનમાં ઉતારનારનો કોઈ દોષ હોઈ જ ન શકે.
હું ગીતાજીને ધર્મગ્રંથ માનું છું ને માનતો રહીશ. પણ કોઈનેય મારાથી ઉતરતો ગણવાનું પાપ હું સ્વપ્નેય નહીં કરું. ગીતામાં એમ લખ્યું ભલે હોય પણ ચાંડાલ પણ એમના લોકકાર્ય માટે મારે મન મહાન છે. હું સફાઈ કર્મચારીને કે સાંજે વાળું લેવા આવનારી બહેનનાં વાસણોને સ્પર્શ કરીને જ વાળુ આપવામાં ધન્યતા અનુભવું છું, ને એનું કોઈ છોકરું હશે ત્યારે એના હાથનો સ્પર્શ કરીને મારી જાતને એની સમોવડી ગણવાનું ગૌરવ લેવા કરું છું. આ કોઈ બોસ્ટીંગ નથી, પણ ગીતાજીમાં આવો કોઈ ખરાબ હેતુ (જો)હોય તો એનું પ્રાયશ્ચીત પણ છે. મારી શ્રદ્ધા છે કે ગીતાના ગાનારને આમાંનું કંઈ જ અભીપ્રેત નહોતું…