આજે શિક્ષક દિન એટલે સૌએ પોતપોતાને ગુરુજનોને યાદ કર્યા હશે. અત્યારે સૌ શિક્ષકો પણ બાળકોની જેમ ધીમે ધીમે ઓનલાઇન શિક્ષણના વાતાવરણમાં અને ટેક્નોલોજી સાથે adjust થવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને વિચાર આવ્યો કે હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે આવું લોકડાઉન આવ્યું હોત તો શું થાત ? એ વખતે તો ઓનલાઇન ક્લાસ નામનો concept પણ ન હતો. ખેર, મુખ્ય વાત એ કે મારે શાળાએ જવાનું બંધ થઇ ગયું હોત અને…પછી મેં વિચારવાનું જ મોકૂફ રાખ્યું કારણકે એ વિચાર જ પીડાદાયક હતો. હું માનું છું કે મારા માટે સ્કૂલે ન જવું એટલે મોટી સજા આપ્યા જેવું થાય. ના, આ વાતમાં બિલકુલ અતિશયોક્તિ નથી અને તેનું પ્રુફ તમને નીચેના લખાણમાં મળી જશે.
મારી સ્કૂલ – શ્રેયસ પ્રતિષ્ઠાન.અમદાવાદમાં આ નામની સ્કૂલ પણ છે તે ઘણા ઓછા લોકો જાણતા. હું જયારે ભણતી ત્યારે એ એક્પરીમેન્ટલ સ્કૂલ ગણાતી. મોન્ટેસરી શિક્ષણ, સાત ધોરણ સુધીની સ્કૂલ, પરીક્ષા લેવાય નહિ, વિષયો પણ વિચિત્ર અને એક વર્ગમાં બાળકોની સંખ્યા વધુમાં વધુ 30 અને ઓછામાં ઓછી એક. અને છતાંય સ્કૂલ કરતા વધારે અરણ્ય લાગતી શ્રેયસને 28 એકરના વિસ્તારની હરિયાળી ટેકરી પર શ્રી લીનાબહેન સારાભાઈએ બાળક સમી ઉછેરી અને તેમાં વીતેલો મારો સમય હેરી પોટરની Hogwarts અને તોતોચાનની શાળાને બરોબરની ટક્કર દઈ દે તેવો વીત્યો હતો.( બંને પુસ્તકો મારી સ્કૂલના પુસ્તકાલયમાં જ વંચાયેલ). શ્રેયસ મારા માટે હમેંશા શાળા કરતા વધારે મારુ સેકન્ડ હોમ રહી છે. અને કદાચ સૌથી મોટી શિક્ષક પણ ! કોણે કહ્યું શિક્ષકો જ સ્કૂલમાં ભણાવે કયારેક સ્કૂલ પોતે એક શિક્ષકની ગરજ સારે છે. અત્યારે હું જે વિચારું છું, કરું છું કે જે છું એમાં શ્રેયસનો ફાળો બહુમૂલ્ય છે અને જેના વિષે લખવાની મારી ત્રેવડ જરીકે નથી છતાંય પ્રયત્ન ચોક્કસ કરીશ.

લગભગ 20 વર્ષ પહેલા હું સ્કૂલે ગઈ ત્યારે નર્સરી સ્કૂલના કડવા અનુભવો લઈને ગઈ હતી. સ્કૂલે જવું મારા માટે ત્રાસ સમાન હતું પણ જેમ તાજા ફૂટેલા ઇંડામાંથી નીકળેલ નાનકા બચ્ચાઓને એની મા આમ હળવેથી, વ્હાલથી પાંખો પસવારી અંદર સમાવી લે તેટલી જ હળવાશથી શ્રેયસે પણ મને સમાવી લીધી. શ્રેયસમાં તે વખતે નિયમ કે બાળક જ્યાં સુધી જાતે શિક્ષકની સાથે જતું ના થાય ત્યાં સુધી તેમના વાલીઓએ સાથે આવવું. હું આમ પણ અંતર્મુખી એટલે મમ્મીનો પાલવ છૂટે નહિ પણ ગૌરીબહેને ધીમે ધીમે મને એમનો પાલવ પકડાવી દીધો. એમની સાથે વીતેલા શિશુવિભાગમાં મારા દિવસોનો ઉલેખ્ખ મેં પહેલા પણ કરેલો જ છે. મોન્ટેસરી પદ્ધત્તીમાં જુનિયર, સિનિયર અને પ્રથમ ધોરણના બાળકો, એ એક જ ક્લાસમાં ભણે. મોટા બાળકો નાના બાળકોને શીખવે અને એ મારી ફેવરિટ પ્રવૃત્તિ. ત્યારથી જ કદાચ મારામાં શિક્ષક બનવાના બીજ રોપાઈ ગયેલા.
શ્રેયસમા ભણતા દરેક બાળકને ક્યારેક તો ‘Odd one out’ અનુભવાયું જ હશે કારણકે ભણવાના નીતિ-નિયમો સાથે સાથે આખેઆખી ટર્મિનોલોજી જ અલગ. ધોરણોની જગ્યાએ વયકક્ષા – પ્રથમ ધોરણ એટલે 5+ કહેવાનું . અ , બ , ક જેવા વર્ગો નહિ પણ ફૂલોના નામ વાળી મંડળીઓ (મારી મંડળીનું નામ પરિમલ). શિક્ષકને મેમ/મેડમ નહિ પણ બહેન કહેવાનો રિવાજ. P.T ની જગ્યા એ વ્યાયામ ,આર્ટક્લાસની જગ્યાએ કલા અને લાયબ્રેરીની જગ્યાએ શ્રેયોભારતીનો તાસ. મારી આસપાસના બાળકો જયારે પરીક્ષાની તૈયારીઓ કરતા હોય, ટ્યુશનના આંટાફેરા મારતા હોય ત્યારે આપણે પરિષદોમાં આ વખતે કવિતા ગાશું કે નાટક કરશું એની તૈયારીઓમાં હોઈએ. પુસ્તકો અને પાઠો કઈ બલા છે એની તો 8+ (ચોથા ધોરણ) સુધી કાંઈ ખબર જ નહોતી. મારા મિત્રોના ટાઈમટેબલમાં ગુજરાતી,ગણિત, પર્યાવરણના ક્લાસ જયારે અમારામાં ખંડ – પ્રવૃત્તિ, સીવણ, તરણ – એવા તાસ. બેંચો નહિ, પણ ડેસ્ક અને આસનો. આ અલગતામાં બધું જ કંઈ ગમતું નહોતું. ખાસ કરીને મારો સ્કૂલડ્રેસ, સંઘકાર્ય અને ખેતી-સુથારીના ક્લાસ. મારી બધી ફ્રેન્ડ્સ સુંદર ફ્રોક પહેરીને સ્કૂલે જતી જયારે મારે લાલ, પીળી અને લીલી શોર્ટ્સ પહેરવી પડતી કારણકે છોકરા -છોકરીઓને સરખો યુનિફોર્મ. મારા પ્રથમ Gender Equalityના પાઠ શ્રેયસમાં જ શીખી હતી. આજે સુથારીકામ કે ખેતી એવી કંઈ નથી આવડતી પણ ફરસી, રંધોનું કામ અને પણ ખેતરમાં ચાસ પાડવા કે નીંદણ કઈ રીતે દૂર કરવું એ ખબર છે ત્યારે સારું લાગે છે. અમારે એક હૈ (પ્રાર્થના) પછીનો તાસ એટલે સંઘકાર્ય – બધાએ ભેગા થઇ પોતાનો કલાસરૂમ સાફ કરવાનો. તેમાં કચરા, પોતું અને ટોઇલેટ પણ સાફ કરવાનું અને તે ‘પોતા’ ગંદા થઇ જાય એટલે પાછા દર અઠવાડીયે ધોવા પણ જવાનું. ત્યારે સખત કંટાળો આવતો પણ અત્યારે લોકડાઉનમાં તેનો મહિમા સમજાઈ ગયો. 😀 મને હજી યાદ છે કે અમે પોતું કરીએ, અને જો કોઈએ પગલાં પાડ્યા તો ઘમાસાણ શબ્દોની આપ-લે થઇ જતી. ટીચર્સ અમને માંડ માંડ શાંત રાખતાં.
અમુક વાર ચીડ ચડતી કે કેમ મારી સ્કૂલ નોર્મલ નથી, પણ જેમ મોટા થતા ગયા તેમ સમજાતું ગયું કે તે અજીબ નહિ, અજોડ છે. મને સૌથી ગમતી વસ્તુ હતી તો એ ઉત્સવો ! અમારી સ્કૂલમાં વર્ષમાં 4 મોટા ઉત્સવો થતા – વર્ષા મંગલ, વસંતોત્સવ, તરણ ઉત્સવ અને વ્યાયામ ઉત્સવ. આ બધાની અમે આતુરતાથી રાહ જોતા.વરસાદને વધાવવા ઉજવાતો વર્ષમંગલ એટલે સંગીતોત્સવ, જેના અંતે વૃક્ષારોપણ કરાતું અને આખા વર્ષ દરમિયાન એ છોડનું ધ્યાન રાખવાનું કામ અમારૂ. વસંતોત્સવમાં ઋતુના રાજા વસંતની સવારી નીકળતી અને નૃત્ય થતા. આજે પણ અશ્વિન સરના ઘેરા,ગાઢ અવાજે પોકારતી સવારીની છડી, ” આ વસંત ખીલે શત પાંખડી” અને ગીત -ગોવિંદમાં જયદેવ દ્વારા લખાયેલ દશાવતાર સ્ત્રોતના સુર હજી કાનમાં એવા જ ગુંજે છે. દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષાઓ બાદ ત્રણ મહિનાનું વેકેશન ! ઘરે રહીને કરવું શું ? પ્રિન્સિપલ પાસે પરમિશન માંગી કે સ્કૂલના કામમાં જ હાથ આટોપીએ અને અમે આખું વેકેશન – માર્ચથી જૂન સ્કૂલે આવ્યા. સ્કૂલની નવી વેબસાઈટ બનાવી, આખી સ્કૂલમાં ભમી તેના માટે ફોટો પાડ્યા, કલા પ્રદર્શીનીમાં મદદ કરી, ટીચર્સ સાથે ફ્રી ટાઈમમાં ગપ્પા માર્યા અને રખડ્યા (પરમિશન સાથે હો) (ક્યારેક એવી પરમિશન માંગી લેતા કે અમારા પ્રિન્સીપાલ ખુદ પણ ભરાઈ જાય”, આ લેખ વાંચ્યા પછીના મારા પ્રિન્સીપાલ વૈશુબેન ના શબ્દો. 😀 ). આ વર્ષો દરમિયાન શ્રેયસ સાથે એક અલગ જ આત્મયિતા બંધાઈ ગઈ હતી, હવે શાળા કરતા વધારે મને એ ઘર લાગતી. સ્કૂલે કયારે જવું એની જ ઉતાવળ રહેતી. 12માં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ દરમિયાન ક્લાસમાં કોઈ ના આવતું, બધા ઘરે રહીને તૈયારી કરે, છતાંય હું એકલી આવતી. થોડું ભણતી, થોડું ફરતી, વનરાજી વચ્ચે બેસતી, મનોમન જ તેના દરેક ખૂણાને, મારી ગમતી જગ્યાઓને ગુડબાય કરતી.
અમારે પાર્થનાની જગ્યાએ સંથાગારમાં સવારે ગીતો ગવાતા અને પછી એક મિનિટનું મૌન, મંજીરાનો એક ટાંકારો અને ૐ શાંતિના શબ્દો – એ સાંભળવા આજે પણ કાન તલસી જાય છે. શ્રેયસના ગીતો, રવિન્દ્ર સંગીત, મ્યૂઝિયમ, પ્રવાસો, શિશુવિભાગના હિંચકા- લપસણી, ગોકુલ મેદાન, બકુલ છાંયે અને જવાહર ચોકમાં રમાતી રમતો, વિશ્વકર્મામાં જઈ વીણાતાં મોરના પીંછા, વરસાદમાં સ્વિમિંગપુલમાં મરાતાં ભુસ્કા, વડલે ખિસકોલીઓ સાથે વહેંચતા નાસ્તા, વેકેશનના આગલા દિવસે ભેગા થઈને બનાવાતા ભેળ કે ગોટા, શ્રીરંગમ ( amphitheater)માં ધડાધડ ઉતરાતા પગથિયાં, હરણવનમાંના હરણો, ચંદન તલાવડી પાસેના ખરેલા ખાખરાના પાંદડા પર ચાલતા આવતો અવાજ, બજરંગ મેદાનમાં થતા લાઠીદાવ, ક્લાસમાંથી દેખાતી વેણુની ઓરડીઓ અને ત્યાં શું હશે એની સ્વરચિત વાર્તાઓ, જેના ધૂળિયા, લાલ માટીવાળા રસ્તાઓ પર, નાગા પગે દોડતા રેડ કાર્પેટ પર ચાલ્યા જેવી ફીલિંગ્સ આવે અને જ્યાં પીલુડી નીચે બેસીને કરાયેલી ચર્ચાઓ UNની પરિષદો જેવી લાગે એ શ્રેયસને શબ્દોમાં સમાવવાની, મેં આગળ કહ્યું એમ, મારી ત્રેવડ નથી.આ જગ્યાએ મને ખાલી ભણાવી – ગણાવી નથી પણ મને વિચારો આપ્યા છે, મારા સપના આપ્યા છે, લાગણીસભર સબંધો અને અઢળક યાદો આપી છે. 12માં ધોરણ પછી ફેરવેલ જેવું ગોઠવ્યું હતું ત્યારે મેં મારા સ્મરણો વાગોળતા કહયું હતું કે આજે શ્રેયસ છોડે મને એવું લાગે છે કે જાણે મારા લગ્નની વિદાય હોય અને હું મારુ ઘર છોડીને જઈ રહી હઉ. અને આજે આ બધું યાદ કરતા પણ મને એવું જ અનુભવાય છે. મેં 6 વર્ષ પહેલા સ્કૂલ છોડેલી, પણ મને ખબર છે શ્રેયસ મને આજીવન નથી છોડવાની. 🙂








કર્ણાટકના ‘હમ્પી’ નો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થાય છે. અમે માત્ર હમ્પી જ નહિ, પરંતુ તેની આસપાસ આવેલા બીજા ઐતિહાસિક શહેરો અને વેસ્ટર્ન ઘાટની લીલીછમ પહાડીઓ પણ માણવા જવાના હતા. અને જ્યારથી ટ્રેનની સફર શરુ થઇ ત્યારથી જ મારી પુસ્તકની સફર પણ શરુ થઇ ગઈ. “ધ હંગ્રી ટાઇડ” – પુસ્તક છે ટાઇડ કન્ટ્રી – ભરતીના દેશ વિષે – એટલે બંગાળમાં આવેલા સુંદરવનના ટાપુઓ ! જ્યાં સમન્દરમાં આવતી ભરતી – ઓટથી ટાપુઓ ડૂબી પણ જાય છે અને નવા રચાઈ પણ જાય છે. આમ પણ બંગાળ માટે મને પહેલેથી સોફ્ટ કોર્નર. બંગાળની વાત આવે એટલે વાર્તા હોય કે વાતો આપોઆપ ગમવા જ માંડે. નવાઈની વાત એ છે કે બંગાળનું સુંદરવન અને કર્ણાટકનું હમ્પી – બંને વિષે મને એક જ ચોપડીમાંથી માહિતી મળેલી, 10thની સમાજશાસ્ત્રની ચોપડીમાંથી ! હમ્પી વિષે હું કદાચ વધારે માહિતગાર હતી પણ જાણતી તો હું એક પણ જગ્યાને નહોતી.
પુસ્તક એટલું સુંદર છે કે તેની સાથે તમે પણ સુંદરવનના જંગલોમાં વિચરતા થઇ જાઓ. મારી ટ્રીપ અને પુસ્તક એટલું સમાંતર ચાલતું હતું કે હું તે વાર્તાના પાત્રોને મારી આજુબાજુ જોઈ શકતી હતી અને કદાચ શોધતી પણ હતી. સુંદરવનમાં, ટાપુઓની વચ્ચે પસાર થઇ રહેલી નદીઓમાં, નહેરોમાં, પોતાની હોડી લઇ, દરિયાની સાથે વાતો કરતા “ફોકીર” ને હું હમ્પીમાં તુંગભદ્રા નદીમાં કોરાકલ ( વાંસથી બનેલું ગોળ હોડકું) ચલાવતા નાવિકોમા જોતી હતી. અમેરિકાથી ટાઇડ કન્ટ્રીમાં ડોલ્ફિન શોધવા આવેલી મરિન બાયોલોજિસ્ટ પિયાલી રોયને હું પટ્ટદકલમાં મોન્યુમેન્ટનો ઇતિહાસ સાંભળતા ફોરેન પ્રવાસીઓમાં શોધતી હતી.
વેસ્ટર્ન ઘાટની પહાડીઓમાં આવેલા હિલસ્ટેશન “ચિકમંગુલુર” માં, અમારા હોમસ્ટેના માલિક પાસેથી કઈ રીતે સાઉદી અરેબિયાથી ચિકમંગલુરુની પહાડી સુધી નીકળતી ગુફા દ્વારા સૂફી સંત બાબા બુંદન કોફીના ત્રણ બીન્સ લઇ અહીં પહોંચ્યા અને દક્ષિણ ભારતમાં કોફીનો જન્મ થયો – તેની લોકકથા સાંભળી મને તે જ સાઉદી અરેબિયાથી આવેલા બોનબીબી અને શાહ જોંગલી કે જેમણે સુંદરવનને દોકખીન રાયના ત્રાસથી બચાવી, લોકો માટે સુરક્ષિત બનાવ્યું – તેની લોકકથા યાદ આવી ગઈ. અને તેમાં પણ મને ખબર પડી કે સુંદરવનના મેન્ગ્રુવ જંગલોની જેમ આ નીલગીરીની પહાડીઓ વચ્ચે, ચિકમંગુલુરૂમાં પણ આપણું રાષ્ટ્રીય પ્રાણી “વાઘ” વસે છે. જોકે પુસ્તકમાં પાત્રોની જે રીતે રોયલ બંગાળ ટાઇગર સાથે મુલાકાત થાય છે તે રીતે મારી કોઈ મુલાકાત ના થઇ પણ છતાંય તે નીલગીરીની પહાડીઓમાં ચાલતા મને એ વખતે તો હતું કે કદાચ જો વાઘનો ભેટો થઇ જાય તો બોનબીબી સુંદરવનથી અહીંયા આવશે બચાવવા?








