SPIRITUAL Poems
સ્વ.મીનાકુમારી ના શબ્દો યાદ આવે છે :
“टुकड़े टुकड़े दिन बीता , धज्जी धज्जी रात मिली,
जिसका जितना आँचल था,उतनी ही सौगात*मिली!”*
જે લતા મંગેશકરે એક ગીતમાં ગાયું પણ છે. *’ઝીંદગી પ્યારકા ગીત…. હૈ..’
કવિતા વિષે થોડુંક! મારી માન્યતા બાબત . ‘કવિતા કુદરતી છે,વૃક્ષ ની જેમ
એટલે તેને ઊગવાના કોઈ ક્રમ-નિયમ ન જ હોય. એટલે, હમેશાં બદ્ધ આકાર-રૂપ-કદમાં હોય એમ તો નજ કહી શકાય.’કવિતા સાત કે સત્તર અક્ષરોની અથવા અગિયાર કે સત્તાવીશ લીટીઓની પણ હોઈ શકે’ (સુ.દ.),( લખનારના મનમાં ભાવ આવ્યો અને પ્રકટ થયો ,બસ એટલુંજ ! ને, આમ કવિતા ‘સર-રિયલ’ સતત છે જ, જે, કુદરતમાં સહજ ચાલ્યા કરે છે.અદૃશ્ય સંગીતની જેમ અનંતમાં વિસ્તરતી ઘટના છે! કુદરતની દેન જે છે, આપણ ને ને આસપાસ જે કંઈ દેખાય છે તે નિસર્ગ-ઈશ્વરની ઉત્તમ કવિતાજ છેને?
, 1. અંતર-શોધ….~!
મહામૌન ખોદ્યું,તો શબ્દો મળ્યા,સત્વ નીકળ્યું,
અમે તો ઘણું ફર્યા,સઘળામાં ‘એકત્વ‘ નીકળ્યું,
નગણ્ય કર્યું જે , એમાં અજબ મહત્વ નીકળ્યું,
પકડી રાખેલું, છોડવા લાયક, ‘મમત્વ‘ નીકળ્યું,
નડતું ‘તું બધો સમય, અહં નું જડત્વ નીકળ્યું,
મનમાં ભર્યું‘તું કંઈ કેટલું?જુદુંજ રહસ્ય નીકળ્યું
બીજાની વાત કરતાં, તેમાંથી “સ્વત્વ” નીકળ્યું.
મન નું વલોણું ચાલ્યું,મન્થનથી તથ્ય નીકળ્યું,
‘કઈંક‘ની ખણખોદ રંગ લાવી, ને પથ્ય નીકળ્યું.
*****
૨. હું અને એ
આ ચારે બાજુ ચળકતી રેતશી રજકણો,
ચોપાસ તરતી-ફરતી માત્ર ક્ષણોજ ક્ષણો,
હું આટલો વિરાટ વિશાળ ક્યારેય નો‘તો,
હું આટલો બળકટ બેફામ ક્યારેય નો‘તો,
હું તો જાણે છું સતત પ્રકાશનો પૂંજ પૂંજ,
હું અફાટ આકાશ ને, પવનની ગૂંજ ગૂંજ.
હું કઈંક ઉષ્ણ-ગરમ, અમલ શીતલ પણ,
હું અંધાર નર્મ લીસ્સો-કોમલ કોમલ પણ,
હું હવા,અનરાધાર વરસું ચારેકોર અપાર,
હું સુગંધ સ્પરશું એમ રોમેરોમ સંચાર,
હું જળ-માં વહું, માટીને અનહદ પ્રેમ કરું,
હું વહું સમયની સંગસંગ ,અકળ છેક રહું,
હું મૂળ, પંચ તત્વગત સત્-પરમ-ઈશ્વર!
હું આમ તો, કણ કણ માં મરમ – ઈશ્વર !
*****
3 .- હું છું
હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.
સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું,
અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,
અનુભૂતિ તણો એહસાસ અમાપ છું
ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
પ્રેમ-આનંદસભર‘જીવંત‘વિચાર છું,
સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
જુઓ તો ખરા! હું કેવો આરપાર છું !
શૂન્યનો મહા અનંત વિસ્તાર છું,
*****
૪.- હું ! ને, મારું કેન્દ્ર !
“એને” શોધતા શોધતા અચાનક હુંજ મુજને જડી ગયો છું .
મુજમાં સ્થિર થઇ ખુદનાજ મર્મસ્થાને કેન્દ્રમાં,ઠરી ગયો છું.
આ”હું”, “હું છું” ના મોજાં…ધ્વનિ-આંદોલનોના ગેબી નાદ,
ઊછળ્યા કરે છે,ગૂંજ્યા કરે છે ભીતર, વારંવાર ,લગાતાર .
આ ગૂંજ…આ ઘૂમરાવ,…આ ઘંટારવ….ઓમકાર વળે કરાર,
ચકરાવે ચઢી ગયો છું આ ગોળ ગોળ ચક્કર ચક્કર વમળ ,
ઊંડે…ઓર… ઊંડે…આ વમળમાં…વમળ…તેમાં વમળ…,
અહંના વળ ,જાણે ‘બ્લેક હોલ ‘નું તળ, જાણે એ સ્થિર પળ.
‘…અને પછી, ‘આ‘ કે ‘તે‘ ?ના વિકલ્પ પણ આગળ પાછળ,
મનની અંદર બંધાતી રહે, પળ-પળ , ‘હું‘,’મારું‘ની સાંકળ,
તણખલા જ્યમ તણાયા કરું દિશાહીન સાવ વિકળ આકળ ,
ફૂલો ,રંગો સુગંધો ને શીતળતા, કોમલ કળી પર, ઝાકળ
*** પરમ આનંદ *** – ” કંઈક “
.
…..પરમ આનંદ…..
( કાવ્ય–સંગ્રહ )
લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ,“કંઈક”
પ્રથમ સંસ્કરણ : ઈ.સ.:-૨૦૧૩
પ્રત :૫00
મૂલ્ય : રુ.૮0/-
પ્રકાશક
પ્રાપ્તિ –સ્થાન
“રચના સાહિત્ય પ્રકાશન ”
૪૧૩–જી,વસંતવાડી ,કાલબાદેવી રોડ,
મુંબઈ–૪૦૦ ૦૦૨
ફોન; ૦૨૨–૨૨૦૩૩૫૨૬ / મોબાઈલ : ૯૮૨૦૬૭૭૧૧૫
ઈ–મેલ : sahityarachana@gmail.com
અર્પણ
અકળ……પ્રેરણાસ્રોત…પરમકૃપાળુ સર્વેશ્વરને…..
લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ,“કંઈક”
( બી–૧૧, ઓમ ત્રિશૂલ, બી॰જોશી પથ,ફડકે ક્રોસ રોડ, ડોમ્બીવલી,[પૂર્વ:૪૨૧૨૦૧)
ફો ન [ઘર]: –૦૨૫૧ ૨૪૫૦૮૮૮, મોબાઈલ: –૦૯૩૨૦૭૭૩૬૦૬ /
ઈ–મેલ : lakant46@gmail.com
આ પુસ્તક,
‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડેમી’ની
“પુસ્તક–પ્રકાશન યોજના” ના સહયોગ–અનુદાનથી પ્રકટ કરવામાં આવ્યું છે.
પ્રસ્તાવના
ll શ્રી ll
પરમ આનંદની પ્રાપ્તિ તરફનો પ્રયાસ
ક્યારેક આકાશમાં તારા-દર્શન કરતાં મન આનંદ અનુભવે તો , કયારેક વર્ષાની રીમઝીમ મન ને તરબતર કરી દે, કદીક ભોજનનો આસ્વાદ ,તો કદીક પ્રિયજનનું મિલન હૃદયને પુલકિત બનાવી દે, પણ આ બધી આનંદ-દાયક ઘટનાઓ આવે અને વિરમે…..,પરંતુ ‘પરમ આનંદ‘ની અવસ્થા-દશા પ્રાપ્ત થઇ ગયા પછી એ ક્યારે પણ છૂટે નહીં. પરમ આનંદની પ્રાપ્તિ તો અદભૂત હોય જ ,
પણ એની પ્રાપ્તિ તરફના પ્રયાણનો આનંદ જ્યારે શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે અનુભવ્યો હશે ત્યારે જ એમની કલમમાંથી કાવ્યની ધારા વહી હશે એવો અનુભવ મેં જ્યારે એમની હસ્તપ્રત વાંચી ત્યારે મને થયો.
ક્યારેક, નિર્બંધ બનીને વહેતું ઝરણું,તો ક્યારેક પ્રાસાનુપ્રાસના કિનારામાં વહેતી સરિતા પરમ આનંદની પ્રાપ્તિ તરફ ગતિશીલ બનતી દેખાય છે . કવિએ પોતાના અંતરમનનાં આંદોલનોને આબાદ ઝીલી લઇને શબ્દોથી સુશોભિત બનાવ્યા છે .
“ભવ્ય કોઈની ભીતર બંસી બાજી છે” , “પરમનો પાવન સ્પર્શ કરતો હું ” , “ માત્ર અહં બ્રહ્માસ્મિ વારંવાર રટતો હું ” જેવી પંક્તિઓ કવિની આત્માનુભૂતિ છે. અંતરના અજવાળામાં આનંદનો ઓચ્છવ કરતા કવિ લખે છે કે,
” સુવાસ અને શ્વાસના અભેદ બિંદુએ સ્થિરતા, આનંદ,
અવાજ-નાદ ને શાંતિનો કેવો આ એહસાસ છે, આનંદ! “
વળી , ભીતરના અંધકારને ઉલેચવા મથતા માણસની પ્રાર્થનાને તાદૃશ કરતાં કવિએ લખ્યું છે,કે, ” ભીતર ભર્યો કાળો અંધાર ઉલેચો નાથ,
અમને ઉજાળો ,આપો તમારો હાથ,નાથ .”
શબ્દોના સામર્થ્યને વધાવતા વધાવતા કવિ, મૌનનું મૂલ્ય સમજાવતાં લખે છે કે,
” શબ્દો મારી જાન ને ,વાણી મારી શાન ,
તારા મૌન ની સમીપે ,આન-બાન કુરબાન .”
અંતરના આનંદ , જગતનાં દ્વંદ્વ અને કાવ્ય-સર્જનને એક તાંતણે બાંધવાનું કઠિન કાર્ય એટલે કવિનો સર્જન પ્રયાસ ! શ્રી લક્ષ્મીકાંત ઠક્કર,”કંઈક”એ કવિના કર્મનો સન્નિષ્ઠ પ્રયાસ કરતાં લખ્યું છે, કે,
સામે ઉભેલા જીવતા જગતની વાત જુદી છે ,
ભીતરના સ્વના સમીકરણો ની વાત જુદી છે ,
વિપરીત ઘણુંએ જીવ્યા પછીની વાત જુદી છે ,
અલખને ઓટલે બેઠેલા નીર્લેપની વાત જુદી છે.’
જીવાયલા જીવનની ઘણીબધી પળોની સ્મૃતિઓને સંદૂકમાંથી કાઢીને એમાં અનુભવોનું મેળવણ કરી, કવિ પોતાની હૃદયસ્થ લાગણીઓને વ્યકત કરતાં પોતાની જીવન-સંગિની ને સંબોધીને લખે છે,કે,– “તું મારો આયનો છે, ‘પુષ્પા‘ ,મારાં ખુશીના વાનાં ક્યાં છે છાનાં ?
એના ન હોય કરાર કોઈ, દીધું, કર્યુ, માણ્યું એ જ આનંદ-વાનાં.”
સંઘર્ષશીલ જીવનમાં , કવિએ એકાઉન્ટન્ટ તરીકે લાંબી કારકિર્દી વિતાવી છે . આંકડાઓ સાથેનો એમનો ઘરોબો ક્યારેક, કવિતામાં દૃષ્ટિગોચર થતો રહે છે. લાંબા હિસાબો પછી, સરવાળે શૂન્યતાનો ભાવ અનુભવતા ‘કંઈક‘ લખે છે કે ,
” અન્તત : બધું એક જ, ને, છેવટે તો ‘શૂન્ય‘,
આમ કરો કે ,તેમ, થાય બધું એમ જ શૂન્ય !”
આમ વિવિધ રીતે ,અવનવા રૂપકોથી કવિતાને વધાવતા,શણગારતા , કવિશ્રી લક્ષ્મીકાંત ઠક્કર , “કંઈક”ના આ કાવ્ય-સંગ્રહ “પરમ આનંદ”માં એમના હૃદયની ઊર્મિ,અનુભવનું આંધણ, તથા આનંદના આવિર્ભાવનો ત્રિવેણી-સંગમ રચાય છે .કવિતાઓ, મુક્તકો , હાઈકુઓનો પણ સમાવેશ ‘પરમ આનંદ‘માં કરાયો છે, જે સંગ્રહને વિવિધતાસભર બનાવે છે. તો ક્યાંક મૂળ તત્વને પ્રદર્શિત કરવા માટેનો પરિશ્રમ દેખાય છે. એ સિવાય દરેક રચના નિજાનંદ તરફના કવિના વલણને તથા ‘ પરમ આનંદ‘ પ્રાપ્તિના તેમના પ્રયાસને સુંદર રીતે ઉજાગર કરે છે.
પોતાના પરિવાર માટે પરિશ્રમ કરનારા, નિજાનંદ માટે સાહિત્યસર્જન કરનારા પ્રિય મિત્ર કવિશ્રી લક્ષ્મીકાંત ઠક્કર , ‘કંઈક ‘ના પ્રથમ કાવ્ય સંગ્રહ “પરમ આનંદ” ના પ્રકાશન પ્રસંગે એમને ખૂબ ખૂબ અભિનંદન તથા ભવિષ્યમાં પણ તેમના તરફથી સુંદર પુસ્તકો ગુજરાતી ભાષાને મળે એવી શુભ કામનાઓ.
–પ્રફુલ જોષી , [ ડોમ્બીવલી,મુંબઈ ]
પરમ આનંદ
રચયિતાનું આત્મ–નિવેદન
મૂળ ઉદેશ્ય કે, ઈશકૃપા પ્રેરિત જે કંઈ મન–ઝેહનમાં ઉતરી આવ્યું અને “સકળના સ્વામી” –“નાથ”ની સર્વોત્તમ ભેટો,”-હૈયું,મસ્તક,હાથ”નો સમયે–સમયે સદુપયોગ થતો રહ્યો….કર–કલમ દ્વારા તત્કાલ શબ્દ–દેહે આકારિત થઈ નોંધાયું ……,હૃદયના ભાવો જેમ,જેવી રીતે આપોઆપ પ્રકટ્યા અહીં મૂકાયા છે. હા,એ વાત સાચી કે, અનુભવે ઈશદત્ત રજૂઆતની કળાનું પ્રાકટ્ય સ્વયં કે સપ્રયાસ [ભાવ સુચારુ તરાહથી પેશ થાય અને અર્થ–મર્મ સહી માત્રામાં ઉજાગર થાય તે દૃષ્ટિ,નજર સમક્ષ રાખીને], સહેતુક ભાષાપ્રયોગ વ્યવસ્થિત થાય તે ને માટે ખ્યાલ રાખવા પ્રયત્ન કરાયો જ છે!આમેય શબ્દ સાથેનો નાતો કિશોર કાળ થી રહ્યો છે.
જીવનનાં અમુક ક્ષેત્રો–પાસાઓ માટે અમુક નિમિત્ત પ્રેરક અંતરંગ વ્યક્તિઓનો “ઋણસ્વીકાર/ આભાર” અર્થે ઉલ્લેખ જરૂર કરીશ.
ચોકડી મારીને બેઠા પછી, પ્રભુ નામ–સ્મરણસહ અંતરમાં ધ્યાન, સત્ય નારાયણ ગોયન્કા પ્રણિત <”વિપશ્યના”>, એવં <”રેકી”> , આર્જેન્ટીનાના ”સિલો”ની <રિટ્રીટ> જેવી પદ્ધતિઓને સહારે ખુદને તપાસવાનું, રમણ મહર્ષિની ”સેલ્ફ–ઇન્ક્વાયરી” માં પળોટાવાનું , સહજ શક્ય બનતું ગયું. “એક પ્રકારનો નિજી આંતરિક “આનંદ” પ્રાપ્ત થયો… ઈશ–કૃપાના ચાલકબળે અને કર્મગત અને આધીન સ્વયં–સંચાલિત યંત્રણા દ્વારા મનન–મંથન–ચિંતન અને ક્વચિત, રસ અને અભિરુચિને કારણે નિમિત્ત પ્રેરક સાહિત્ય–વસ્તુ–વાનાં–સાધનો સામે ચાલીને મારા સુધી કાલાનુક્રમે આવતા / પહોંચતા રહ્યા. અને લખાવાની પ્રક્રિયા ઘટતી રહી.
સૌ સપ્રથમ,મારી જીવનસંગિની “પુષ્પા”,જેનો સાથ નિરંતર,(’બાય ડીફોલ્ટ’) રહ્યો જ છે. તે કદીય મારી પ્રવૃતિઓમાં નડી નથી, બલકે, નેપથ્યમાં રહી મારી અમુક આદતો–વિચારધારાને પોષી છે, મારી સગવડ–અગવડનો ખ્યાલ રાખીને ,થાળી એવં પથારીની પૂરતી સંભાળ રાખીને જરુરી તે સાથ–સહકાર આપતી રહી છે. જે તેણીની સમર્પિતતાનું પ્રતીક–ધ્યોતક છે,માણી શકાયું છે.
મારા સુ–સંસ્કારોમાંના અમુક ,જે પૂર્વજો,માતા–પિતાની ધરોહરના અનુસંધાને છે,તેમાં સુધારા–વધારા માટે જો કોઈની ઋણ–અદાયગી કરવાની હોય તો , મારા ફોઈ ,સ્વ.ગોદાવરીબેન પુરુષોત્તમ સોમૈયા અને તેમના પરિવારના સભ્યોની.તેમના સાથ ને સહકાર દ્વારા આજે જીવનમાં “હું જે કંઈ પણ છું” , તેમાં જીવન-ઘડતર એવમ કારકિર્દીમાં તેમનો સિંહફાળો રહ્યો છે.
એ ઉપરાંત,પછી આવે છે..મારો અંતરંગ ,ખરા અર્થમાં “મિત્ર”, “હિરેન હીરાલાલ શાહ,” . મારા સંકટ સમયની સાંકળ જેવો,પ્રામાણિક સજ્જન શખ્સ . નિખાલસ, ન્યાયપૂર્ણ, નિ:સ્વાર્થ, સેવાભાવી જીગરી ‘યાર‘,૧૯૭૮થી આટલા વર્ષોમાં આવેલા ક્રમશ: પ્રગતિના અનેક તબક્કાના પરસ્પર સાક્ષી રહ્યા છીએ.
પછી, ૧૯૮૧ થી પરિચિત આધ્યાત્મિક અભિરુચિવાળો રસજ્ઞ શખ્સ શ્રી કાનજી સ્વામી અને શ્રીમદ રાજચંદ્રના અઠંગ ભક્ત,પ્રખર જૈન શાસ્ત્રજ્ઞ “રમેશ પ્રાણલાલ શાહ” ,’કમલ‘ એના દ્વારા અધ્યાત્મનો એકડો ઘૂંટવાના અવસર પ્રાપ્ત થયા . છાશવારે સમ્પર્ક રહ્યો છે. પુષ્ટિ થતી રહી છે.
ત્યારબાદ,વડીલસમા સાહિત્યશોખીન, ઉદાત્ત, ઉદારદિલ, ‘શેરિંગ’માં માનનારા આત્મીય સજ્જન ૮૭ વરસના શ્રી નવનીતભાઈ રતનજી શાહ ( ૧૯૮૧થી પત્રમિત્ર છે,) અંગત પત્રો અને અન્ય સાધનો દ્વારા મારા સમજ, દૃષ્ટિકોણ અને પરિપક્વતાને સમૃદ્ધ કરતા રહ્યા છે
અને છેલ્લે, વાત એક ઉમદા મરોડદાર અક્ષરો વાળી ઊંચા ગુણવત્તાસભર સાહિત્યિક વસ્તુ પીરસનાર ભાવવાહી લાગણી–સભર શબ્દસખી, “જયોતિ ડુંગરશી શાહ”ની. પંદરેક વર્ષના લાંબા ગાળાના પત્રવ્યવહાર દ્વારા પરોક્ષ–પ્રત્યક્ષ સાથ રહ્યો. જે માણતા આનંદના ઓચ્છવ ઉજવાયા. મારા લખવાના શોખમાં વૃદ્ધિ–વિકાસ ને એક કાવ્યમયતા એવં અર્થ–મર્મસભર રજૂઆત મહદ અંશે તેણીને આભારી છે.
કુદરતી સહજ યોગાનુયોગ અને પ્રક્રિયાગત ઘટના–પ્રસંગો બનતા રહ્યા.તત્કાલીન અંગત મનોભાવો, પ્રતિભાવો,મનોછાપો “રેન્ડમલી”( મૂડ હોય અને મન થાય ત્યારે) લખાતી ડાયરી–નોંધપોથી મારી શળાકાળથી સંગિનીમાં નોંધાતું રહ્યું. ‘ ભીતર પડેલું ’ બાહ્યમાં ઉજાગર થતું રહ્યું, લખાતું રહ્યું. શબ્દ સાથે રિશ્તો–નાતો દ્રઢતર થતો રહ્યો. હા,૧૯૭૧થી સ્વ. ડો.સુરેશ દલાલ,૧૯૬૪/૬૫ના કે.જે.સોમૈયા કોલેજ,(ઘાટકોપર) ગુજરાતીના પ્રોફેસરના તંત્રીપદ હેઠળ જન્મ ભૂમિ ગ્રુપના ’ કવિતા’ નો ફાળોય સતત રહ્યો છે.
અહીં સમાહિત વસ્તુના સંદર્ભે, અમુક મનોહ્રદયગત કહીશ.આપણું જીવન,‘માનવ’ તરીકે સુભગ ઉદેશ્ય–ધ્યેય, અંતિમ લક્ષ્ય– “હું કોણ છું?”ની અવિરત તલાશ–ખોજનો જવાબ શોધવો તે !
પોતાની રીતે મેળવવાનો મહાપ્રયત્ન! એક ‘સ્વ’ની શોધ છે! ને,એટલેજ આદિ –એકાક્ષરી મંત્ર–નાદ
‘’ ઓમ ”કાર થી શરૂઆત થઇ/કરાઇ. કોણે કહ્યું ‘પરમને’ પામવાનો એકજ માર્ગ/રસ્તો છે? મહાન ‘ચિન્તક–વક્તા’ “ઓશો” જેવી વ્યક્તિ નું કૈંક આવા મતલબનું તારણ છે કે, <બાહ્યમાં જેણે પણ
ઈશ્વરને શોધ્યો છે, “મને જડ્યા” એવું કોઈએ કહ્યું નથી! અને ભીતરમાં શોધનારે એવું કહ્યું નથી કે,-
“ મને ન મળ્યા,યા એહસાસ ન થયો ,પ્રભુનો!”> જેને નિસર્ગ–કુદરતના સાન્નિધ્યમાં, પ્રભુ પામ્યાની અનુભૂતિ થાય છે, તે તો, ભીતરના ભાવની પ્રતિચ્છાયા જ છે! એવું અત્યારે આ ક્ષણે મને સમજાય છે!-
અનુભૂતિની આહલાદકતાને ઉપલબ્ધ થવાતું રહ્યું. પોતાના પડછાયા સાથે વાત કરવા સાચનો કાચ જોઈએ, બિલ્લોરી પારદર્શકતા પૂર્વશરત હોય છે!
અનંત શબ્દોનો પારાવાર–મહેરામણ વિચાર–પ્રવાહ ઉમટીને ઉછળી રહ્યો છે. પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા સતત વરસી રહી છે…..આનંદના ધોધમાં મારું સમગ્ર અસ્તિત્વ સંપૂર્ણતયા સરાબોર છે.
ઓળઘોળ થવાની સુભગ અનુભૂતિ અંકે થઇ રહી છે…આ એક ક્વચિત મળતો અનુભવ છે.એક નક્કર–ઠોસ જ્ઞાન–પ્રકાશિત તેજ ક્ષણોનો સંપૂટ–પૂંજ છે .“ હું સદભાગી છું! ના ભાવો થી સભર–સભર છું. ઋણી છું,એનો. વંદન !
કર્માધીન વ્યવસ્થા કહો કે ક્રમબધ્ધ પર્યાય “ કર્મ પહેલાં કે પરિણામ( ફળ) ?-નિશ્ચિત અંત ?” નો જવાબ શોધવો એ ઉદેશ્ય–ધ્યેય–મકસદ હોવો જોઈએ.અને છે જ , કારણ કે કુદરતી રીતે બધું જ
“ વેલસેટ”–પૂર્વનિશ્ચિત < ક્રમ ”જે પુરુષાર્થ–કરમ> પર નિર્ભર છે, અફર અને અકળ છે! કળાયા પછી કંઈ કામનું નથી! એક ખોજી તલાશગાર તરીકે પ્રશ્નોજ અંતિમ લક્ષ્ય તરફ લઇ જતા હોય છે….જે મનુષ્ય તરીકે ના ફરજ- કર્તવ્ય છે…અને જે રીતે સંબંધ–વ્યવહાર આપ–લે,અદલા–બદલી વાસ્તવિક દૃષ્ટિએ થાય છે,થતા કરાતા હોય છે ,તે પણ વજૂદ તો ધરાવે છે જ.એવું પણ બાહ્યમાં, સમજાય છે! ક્યારેક વિપરીત હોય, પણ જે ભીતર–અંતરમાં સંકલ્પિત હોય તે હકીકત બને જ…
સારાને સારૂં જ મળે,સામે આવે, એવું બનતું જોવાય છે. (એક ગોત્ર–જાતના ગુણધર્મો ધરાવતા) જૂથવાદ – ગ્રૂપીઝમ-“લાઇક એટ્રેક્ટ્સ લાઇક “ ને આધીન જ હોય ને? છે જ .આવા વિશ્વાસ –ખાતરી દૃઢતર થતા રહ્યા છે.આજ તો આધ્યાત્મ–પથની બલિહારી છે. હરિ છે તેમજ રહેવા દે. મારા માટે સારું છે,વધુ શ્રેયસ્કર હોય તે જ થાય. બસ, “ અંતરતમ મમ વિકસિત કરો હે અંતર્યામી!”એજ પ્રાર્થના . આ કૃતિઓના સર્વ હક્ક, અધિકાર અંતરના સ્વામી–ધણી, “કિરતારને” સ્વાધીન…. અર્પણ…..
પ્રસ્તાવના માટે શ્રી પ્રફુલ જોશી [‘મંથન (કાવ્ય–સંગ્રહ),”સંકેત“(લેખ–સંગ્રહ)ના રચયિતા અને “શિક્ષણ જ્યોત” માસિકના સહતંત્રી , વ્યક્તિત્વ વિકાસ–ઘડતર પ્રશિક્ષક , સાહિત્યની સેવા માટે સદા ય તત્પર પરમાર્થી નિસ્વાર્થ સજ્જનનો , સુંદર મુદ્રણ બદ્દલ શ્રી ચંદ્રકાંત જાદવ(રચના સાહિત્ય પ્રકાશન)નો , મુખ–પૃષ્ઠ સજાવટ માટે કુમારી કરુણાબેન ઠક્કરનો , શુભેચ્છા–વચન બદ્દલ શ્રી રાજન ચંદે (સંપાદક:“શ્રી ક.લો.મહાજન”ના માસિક મુખપત્ર” લોહાણા સૌરભ.) નો, સૌથી શિરમોર ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા દ્વારા અસ્મિતા ટકાવી રાખવા સક્રિયતા બદ્દલ ‘મહારાષ્ટ્ર રાજ્ય .ગુજરાતી સાહિત્ય એકેડેમી’ ના કાર્યાધ્યક્ષ શ્રી હેમરાજ શાહનો હ્રદયપૂર્વક આભાર….. .
–લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર , “ કંઈક ” [ ડોમ્બીવલી–મુંબઈ]
શુભેચ્છા–વચન..
“કંઈક”ની કૃતિઓના શીર્ષક પરમ આનંદ… પ્રાર્થના,બંદગી,ધ્યાન,સમજણ,અંતર–સુખ જેમાંનું વસ્તુ–તત્વ ઈશ્વરમાં તેમના અડગ શ્રધ્ધા–આસ્થાના પરિચાયક છે જ. ઘણાબધાં કારણોસર તે પોતાને “સદનસીબ” ઇન્સાન ગણાવે છે! તેમને કંઈક સંપર્કો–સંબંધોથી ઘણું શીખવા મળ્યું,જ્ઞાન–પ્રાપ્તિ થઇ એવું એ સહજ સ્વીકારે છે.તેમની રચનાઓમાં ,’ધ્યાનમાં તેમની શ્રધ્ધા બોલકી બની અનુભૂતિ દ્વારા ઉજાગર થાય છે. આમ,“કંઈક”,…
“ માલિક છે,નમવામાં શી નાનમ?એટલે ટટ્ટાર ઉભો છું!
લવચિક બરાબર છે મારી કમર,એટલે ટટ્ટાર ઉભો છું!
એની કૃપા સદા રહી છે,સાક્ષાત, એટલે ટટ્ટાર ઉભો છું!
કર્યા છે સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે ટટ્ટાર ઉભો છું! “
કિરતાર પ્રત્યેની અખૂટ શ્રધ્ધા અને તેના સાથના વિશ્વાસથી જ તેઓ ટટ્ટાર થઇ આવું લખી–બોલી સંબોધી શક્યા છે. તો દીકરી–પ્રેમની ભાવના, લાગણી થકીજ “ દીકરી એટલે….” તેઓ સર્જી શક્યા એમ કહીએ તો ખોટું નથી … “શરૂ થયો નથી તોય આ એક પ્રવાસ ચાલે છે.
કશે પહોંચવાનો ક્યાં કોઈ સ્વ–પ્રયાસ ચાલે છે ?
અહીં ગતિ જ છે,બહુ આ વાણી વિલાસ ચાલે છે,
દશે દિશાઓ સ્વયં આમ મારી આસપાસ ચાલે છે “
પારાવાર પ્રવાસની આ વાત તેમને સદર કાવ્યમાં સહજતાથી સુંદર રીતે મૂકી આપી છે.શૂન્ય શીર્ષક વાળા કાવ્યમાં ,ફરી જ્યાંના ત્યાંની વાત જ ,સૌને, “શરૂઆત,ત્યાં જ અંત” એકજ જગ્યાએ ,ધરી પર , વર્તૂલાકાર ગતિની સમજણ કરાવે છે. તો વળી ‘ પાણા જ પાણા , અંતર્ગત માનવ–મન ના તાગ પામી…ભીતર જઈ જાણે નવું જ ખોજી લાવ્યાની અનુભૂતિ કરાવે છે.
“ કવિતા છે સંજીવની–તત્વ હું એનો થઇ ગયો,
સહજ એનો સ્પર્શ થયો,ખુશી તરંગ થઇ ગયો.
અનેક નકાર તત્વોથી ભરી આ જિંદગી,
‘જીવન છે એક મોટો હકાર’ જ જિંદગી! ”
જેવા ચમત્કૃત તત્વોથી ઉજળા ચમકારા તેમની કલમ માંથી વહેતા રહ્યા છે.એ આ સંગ્રહમાં સહજ દેખાય છે!તો, “તમને તે વળી ભય શેનો, સમજુડા ભાયા?
કાં ખુદમાં પૂરી સમજની કમી હશે? ભાયા,
કાં ખુદ વિષે હશે ખોટી,અલ્પ યા વધુ માયા !
બેમાંથી એક સબળ કારણ કે ખામી હશે ડાયા,.”
“સમજુડા ભાયા?” શીર્ષક અંતર્ગત કવિશ્રી એ પોતાની પ્રચલિત શૈલી–પરંપરાથી વિપરીત લાગે એવો પ્રયાસાન્વિત અખતરો કર્યો છે! જે મન ને સ્પર્શી જાય છે.
“ ટપકે એ તો ટીપું.,ટીપામાં શું એ વિચાર!
અહીં મહાશૂન્યતાના વ્યાપ અને વિસ્તાર,
ટીપું ક્ષણનું સાથી,એવાં હોય અનેક હજાર!
ગણવું ક્યાં ? એના હોય અનંત વિસ્તાર, “
ટીપાને માધ્યમ ગણી જિન્દગીની ક્ષણભંગુરતા ની કલ્પના પણ અજીબ રીતે તેઓએ વર્ણવી છે. “ ટપકે એ તો ટીપું,ટીપાંમાં વસે નિરાકાર!
ટપકે એ તો ટીપું ,એમાં શક્તિ બેસુમાર, “
અહીં કવિની કલ્પનાને ખરેખર દાદ દેવી પડે એવી રચના સરજી છે.જેને વાંચતા,માણતા અનેકાર્થ કરાવે છે.:- “ચાર પંક્તિઓના ચમકારા” તથા “દ્વિ–પંક્તિઓ” માં ટૂંકા–ઓછા શબ્દો અને અર્થ–મર્મના તેજ–લીસોટા …જાણે…દા.ત. :-
સારું થયું,ખબર ન પડી,કે,એ તો હતો પ્રેમ !
નૈં તો,અટવાત વળગણોમાં એમ ને એમ !
છેલ્લે , ‘બંદગી ‘ના મથાળા હેઠળ….
“અય ખુદા ,બારાખડી આખી આપું છું તને,
બંદો છું તારો , એટલી જ ખબર છે, મને
તું તને મન ગમતા ભાવ–રંગો ભરી લેજે,
હું મારી બંદગીમાં રત છું,સાચવજે મને! ‘’
પ્રભુને સંબોધી કહેવાયેલા શબ્દોને અનેક અર્થમાં સમજી આપણે પણ સૌ વાચકો,ભાવકો,માણીગરો કવિશ્રી ’કંઈક’ ના શબ્દ–થાળમાંની વાનગીઓને આપણે પોતપોતાની રીતે ચાખીએ અને સ્વાદ માણીએ.સદાય સંવેદનશીલ કાઠું ધરાવતા, ઊર્મિની મનોભૂમિ પર વિહરતા ,સર્જનમાં ઊંડો રસ ધરાવતા,નિવૃત હોવા છતાંપોતાની અંગત પ્રવ્રુતિઓમાં વ્યસ્ત રહીને,એકાંતને માણતા…નિજાનંદમાં રાચે છે. તેમને હાર્દિક શુભેચ્છાઓ સહ…તેમના આ કૈંક અનોખા “સ્વ” પ્રેરિત અને સંકલિત ,
શ્રી પ્રફુલ શહ દ્વારા સંપાદિત સાહસને બિરદાવી આવકાર આપીએ. …
રાજન ચંદે , [ડોમ્બીવલી– મુંબઈ ]
અનુક્રમણિકા
ક્રમ કૃતિ – શીર્ષક પા..નં
૧.- પરમ આનંદ! ૧૩
ક્રમ કૃતિ – શીર્ષક પા..નં
૨.- “હું” કાર ૧૩
૩.- વાત જુદી છે! ૧૪
૪.- આનંદ ૧૪
૫.- પ્રાર્થના ૧૫
૬.- “તું“-(સત્–ચિત્ત–આનંદ) ૧૫
૭.- એ ! ૧૬
૮.- શ્રદ્ધાનો સૂરજ ૧૬
૯.- સમજુડા,ભાયા ૧૭
૧૦.- હું છું ૧૭
૧૧.- “શું કરું?” ૧૮
૧૨.- સહી–સમજ ૧૮
૧૩.- તંદ્રા .. નશો… ઝૂલવું ૧૯
૧૪.- હું ! ને, મારું કેન્દ્ર ! ૧૯
૧૫.- “હરિ” ને પ્રશ્ન ? ૨ ૦
૧૬.- ખોજ ૨૦
૧૭.- અંતર–શોધ….! ૨૧
૧૮.– ગતિ–સ્થિતિ ૨૧
૧૯.- અંદરની વાત કરું ૨૨
૨૦.- “હુંજ છું“-રટણ ૨૨
૨૧.- તું હવા.–માહોલ અને.હું ? ૨૩
૨૨.- આનંદ મંગલ મંગલ ૨૩
૨૩.- તમે આવ્યા ૨૪
૨૪.- ચાલે છે. ૨૪
૨૫.- થઈ ગયો ૨૫
૨૬.- થશે ૨૫
૨૭.- હું અને એ ૨૬
૨૮.- ખ્યાલ કરો ૨૬
૨૯.- ન શક્યો ૨૭
૩૦.- ‘ ચાલો ’ ૨૭
૩૧.- સફર ૨૮
૩૨.- કલ્પ–વૃક્ષ ૨૮
૩૩.- તકાજો છે! ૨૯
૩૪.- સ્વગત …. ૨૯ ૩૫.- સત્જ્ઞાની ૩૦
૩૬.- તોય શું? ૩૦
૩૭.- આપણી વચ્ચે! ૩૧
૩૮.- શૂન્ય ૩૧
૩૯.- પરપોટા ૩૨
૪૦.– અલમ ! – એક ધ્યાન! ૩૨
૪૧.- ટીપું……ટીપાં ૩૩
૪૨.- ન કરવું કંઈ. ૩૩
૪૩.- અનમોલ ૩૪
૪૪.- એકલો પડું છું ત્યારે ૩૪ ૪૫.- નારાજ છો તુજથી ૩૫
૪૬.- એ ક્ષણો બચપણની ૩૫
૪૭.- હું ઘેલી–ઘેલી! ૩૬
૪૮.- જાણી લઈએ ૩૬
૪૯.- જીવન “છે“,-સતત શાશ્વત! ૩૭
૫૦.- એહસાસ રહે ૩૭
૫૧.- પ્રશ્નો? ૩૮
૫૨.- ટટ્ટાર ઉભો છું! ૩૮
૫૩.- ‘‘મળવું છે ” ૩૯
૫૪.- સતત હવે! ૩૯
૫૫.- હું જોવાઉં છું ! ૪૦
૫૬.- સ્મરણો ૪૦
ક્રમ કૃતિ – શીર્ષક પા..નં
૫૭.- ખડક–શો… સાવ એકલો ૪૧
૫૮.- પ્રભુકૃપા ૪૧
૫૯.- મારું મન ૪૨
૬૦.- એ ક્યાં છે ? ૪૨
૬૧.- સ્થિત–પ્રજ્ઞ ૪૩
૬૨.- સાવ છલોછલ… ૪૩
૬૩.- પણ, ૪૪
૬૪.- વરસાદ ૪૪
૬૫.– ભૂલી બેઠો ૪૫
૬૬.- હું ૪૫
૬૭.- સ્વ સાથે મુલાકાત ૪૬
૬૮.- મરી મરીને … ૪૬
૬૯.- કવિનો શબ્દ ૪૭
૭૦.- હજી તો…. ૪૭
૭૧ દીકરી એટલે,… સવાયો દીકરો ૪૮
૭૨.- એવું બને? ૪૯
૭૩.- તુજ વિના ૪૯
૭૪.- કવિ ૫૦
૭૫.- અનહદનો આહલાદ ૫૦
૭૬.- કોને કહેવી વાત ૫૧
૭૭.- સ્વયં ૫૧ ૭૮.- પાણા જ પાણા ૫૨
૭૯.- શું થયું? ૫૨
૮૦.- એ અને કવિ ૫૩
૮૧ અસલી સંગત ૫૩
૮૨ .- ઈશ્વર–નું અસ્તિત્વ–તત્વ ….. ૫૪
૮૩ .- કવિતા ભીતર ૫૪
૮૪ .- વહી નીકળું છું. ૫૫
૮૫.- વિસ્તરું ૫૫
ક્રમ કૃતિ – શીર્ષક પા..નં
૮૬ .- એકાંતે મારી મુલાકાત! ૫૬
૮૭ .- કવિતા અને પરમ–પદ ૫૬
૮૮ .- જીવન ૫૭
૮૯.- મન, ને, પ્રશ્નો! ૫૭
૯૦ .- અમે તો ! મસ્ત… ૫૮
૯૧ .- આમ કવિતા મ્હોરે છે ! ૫૮
૯૨ .- સમયના વિષે…. ૫૯
૯૩ .- સ્પર્શની તાકાત ૫૯
૯૪ .- પછી શું? ૬૦
૯૫.- ફોરાં વરસે ૬૦
૯૬ .- મતલબ શું છે? ૬૧
૯૭ .- …..કે, ગમતું નથી ! ૬૧
૯૮ .- હોવી જોઈએ ! ૬૨
૯૯.- નારાજગી! ??? ૬૨
૧૦૦ .- સન્નાટો! ૬૩
૧૦૧ .- ??? આ સંસાર!!! ૬૩
૧૦૨.- તે કોણ? ૬૪
૧૦૩ .-એકબીજાના પૂરક ‘આપણે‘ ૬૪
૧0૪ .- ધ્યાન ૬૫
૧0૫ .- મુક્તિ-મોકળાશ માણીએ ૬૬
૧૦૬ .- ચાર પંક્તિના ચમકારા ૬૭/૭૪
૧૦૭ .- “દ્વી–પંક્તિ” –કૃતિઓ ૭૫ -૭૬
૧૦૮ .- હાઈકુ ૭૭-૭૮
૧૦૯ .- અસંબંદ્ધ ચબરાકિયાં ૭૯
રચયિતાનો પરિચય ૮૦
૧ ,- પરમ આનંદ!
છેલ્લી વિદાય અને છેક પહોંચી ગયાનો પરમ આનંદ!
કારણ, મને ના કોઈ દીવાલ,દ્વાર, ખિડકી પરમ આનંદ!
વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!
સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!
મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!
હકીકતમાં,આ કોચલું–કવચ છે,બધો આભાસ “કંઈક”
૨ .- “હું” કાર
ભવ્ય કોઇની ભીતર બંસી બાજી છે!
કેમ કરીને રોકું?કો’ “હું” કાર હાંવી છે,
અસીમ અંતરે આરત અકળ જાગી છે!
‘ચેતન’સળવળ મહીં અનહદ જાણી છે!
અકળની કળતર બહુ સઘન માણી છે.
‘પરમ’નો પાવન પારસ–સ્પર્શ કરતો હું !
“ હું” ની જ પ્રદક્ષિણા ફરીફરી કરતો હું!
માત્ર “અહં બ્રહ્માસ્મિ” વારંવાર રટતો હું!
કોઈ કરતું સતત રટણ ‘શુદ્ધાત્મા છું’ હું !
એજ વાત મારી ભાષા–શૈલીમાં કરતો હું!
૩ .- વાત જુદી છે!
સામે ઊભેલા જીવતા જગતની વાત જુદી છે,
ભીતરના’ સ્વ’ના સમીકરણોની વાત જુદી છે,
વિપરીત ઘણુંયે જીવ્યા પછીની વાત જુદી છે,
અલખને ઓટલે બેઠેલા નિર્લેપની જાત જુદી છે,
પામી,જાણી,જાગી ગયેલાઓની જમાત જુદી છે,
નિર–વૃતિની,કેળવેલી નિવૃતિની વાત જુદી છે।
૪ .- આનંદ.
ચારેકોર ગરમાટો છે,આ તે કેવો સન્નાટો છે?,આનંદ?
હુંફાળી લહર ચાલી,અંધારામાં તેજ–લકીર ,આનંદ.
સુવાસ અને શ્વાસના અભેદબિંદુએ સ્થિરતા, આનંદ,
અવાજ–નાદ ને શાંતિનો કેવો આ એહસાસ છે,આનંદ.
અહીં રાત્રિ–અંધાર ને ભડ–ભાંખળા સાથે છે આનંદ!
તેજ–તિમિરની સીમા પર કૈંક ક્ષણોની સફર ,આનંદ.
સંવેદના–ધારા શમી, થવાયું સ્થિર-સમથળ,આનંદ,
ખુદને મળ્યા,ખુદાની ખેર થયાનો એહસાસ,આનંદ.
આવજાવ બધી થમી,વિચારભાવો શમ્યા, આનંદ,
સમય સમજણની ધારે સરકે,સમમાં સ્થિર,આનંદ.
નિસર્ગની નિશ્રામાં અલસ આશાયેશની ક્ષણો,આનંદ,
ઇન્દ્રિયો થૈ સંતૃપ્ત, સંતોષ–સુખની આ ક્ષણો,આનંદ.
દ્વન્દ્વની દ્વિધા મટી,દેહાધ્યાસથી થયા અલિપ્ત,આનંદ,
પ્રાણ–તેજ શક્તિ બની વિલસું, ચોતરફ,મુક્ત આનંદ.
૫ .- પ્રાર્થના
શબ્દો મારી જાન , મીઠી વાણી મારી શાન,
તારા મૌનની સામે મુજ આન–બાન કુરબાન
બસ,આ વિસ્તાર, ક્ષણોનું વિરાટ આસમાન
‘આ પળ,સામે છે, તે સાચી’,થાય અંતર–જ્ઞાન.
સ્વીકારી હસતે મુખે,સરલતાથી જીવી લઈ શકું,
આપો સામર્થ્ય,ગુંજાઈશ, ગરિમા, ગૌરવ, પ્રભુ,–
તું સાકાર થાય એ ક્ષમતા મને સદા પ્રાપ્ત હો!–,
કરદ્વય જોડી, નતમસ્તક, એકજ મૂક પ્રાર્થના હો!
૬ .- તું“-(સત્–ચિત્ત–આનંદ)
તું ઘટનાપૂર્ણ અતિ જૂની વાર્તા !
તોય દિલ–મન મલાજો પાળતા ,
કંકુ ચોખા– વડે પૂજાય તું કેવો?
આચમન તુલસી–દળ,જલનું તું!
તું મારી અચરજ કથાનું મથાળું,
તું મારી મનપસંદ વાત મર્માળુ ,
તું મારા પ્રાસ,ગીત,લય,વખાણું,
હું ગાઉં તને ,તારી કૃપા પ્રમાણું!
મારી કઈંક ફૂલ–પાંદડીઓ માત્ર ,
તારો ફૂલોનો મઘમઘાટ સાક્ષાત ,
મારી અંજલિમાં,શ્રદ્ધા, આદર, માન
મળતા અવેજીમાં તારા કૃપા,ધ્યાન,
દિલ,મન,આત્મા થાય સંતૃપ્ત આમ ,
અસમર્થ કરવા હું અનુભવ- બયાન.
૭ .- એ !
અવ્યક્ત છેક જ નથી એ! હમેશા આસપાસ છે,ભ્રમજાળ !
સૂરજ, ચાંદ,તારા,વાદળ એ, કોણ રચે આવી માયાજાળ?
જરીક ઉપર–તળે કરે એમાં, કોની તાકાત છે?કે મજાલ?
“હું ઘણું બધું કરું છું” એવા મહાભ્રમની જ તો છે બબાલ!
ધારેલું આપણુંજ થાય, એવું, આપણે ક્યાં ગૃહિત ધર્યું છે?
‘થયું તે, ને, થાય તે જ ખરું‘,એ સમજમાં ડહાપણ ભર્યું છે!
પધારે તોય ઠીક, ન આવે તોય ભલે! જેવી એની મરજી!
એ જ અમારી પસંદ છે હવે, પછી હોય જે એની મરજી!
હવે ફરિયાદ કે સન્માન મલાજાની ક્યાં છે કોઈ હસરત?
એટલે જ મન નિશ્ચલ છે, નિશ્ચિન્ત હોઈ સાવ સમથળ!
સમયમાં સ્થિર થયેલી સઘન અનુભૂતિની એક ખાસ પળ!
સમય ભલેને પછી ચડાવ્યા કરે, અહંકારના વળ પર વળ.
૮.- શ્રદ્ધાનો સૂરજ
અમાસના કાળા રંગની છે, જૂદી વાત!
પૂનમના ઉજળા ચાંદની જૂદી ભાત,
દિવસોનું શું? આવે–ને–જાય પરભાત,
કદી સાંજ નોંધારી,ખાલી એકલ–જાત
સૂરજ હો તો,લાગે ભીતર ઉજળિયાત,
શ્રદ્ધા આમ તો ભાઈ,પારસની જ જાત.
ઈશકૃપાની સદા થતી રે’ બરસાત ,
અંતરમાં પછી રહેતું તે, બધું રળિયાત.
૯ .- સમજુડા,ભાયા
તમને તે વળી ભય શેનો, સમજુડા ભાયા?
કાં ખુદમાં પૂરી સમજની કમી હશે? ભાયા ,
કાં ખુદ વિષે હશે ખોટી,અલ્પ યા વધુ માયા !
બેમાંથી એક સબળ કારણ,કે ખામી હશે ડાયા !
સમજુ ખુદ વિષે એમ બીજાની પાળે ધારણા ?
ખુદ ઉપર એ બળાત્કાર કેમ થવા દે ભાયા ?
બતાવે નહીં,વદે નહીં,ખુદ વિષે વધુ સમજુડા-,
પણ વર્તે તો નિજ મૂળની પહોંચ વર્તી, ભાયા.
ચિત્રકાર તો બધ્ધાય બની શકે છે એમ ભાયા !
કો’ હાથના , કો’શબ્દોના,કો’વાણીના, એમ,ભાયા .
અવકાશ રાખ્યો છે કિરતારે આપણી આસપાસ ,
કારણ?તેને સમજથી ભરી શકે સમજુડા,ભાયા !
ઇન્દ્રિયો બધી છે ‘કંઇક‘ સારા અનુભવ કાજે ભાયા ,
અનુવાદ–તરજૂમા– કંઇક કર્યા કરે સમજુડા ભાયા .
૧૦.- હું છું
હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.
અનુભવ–જ્ઞાને સમજાયેલું માપ છું,અનુભૂતિ તણો એહસાસ અમાપ છું,
સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
પ્રેમ–આનંદસભર ‘જીવંત‘વિચાર છું,સ્પર્શ–સ્પંદન રણઝણ બેસુમાર છું,
જુઓ તો ખરા! કેવો આરપાર છું !પારદર્શિતાનું સજ્જડ પોત અપાર છું.
૧૧.- “શું કરું?”
મન ફરી સ્મરણ ને શરણ થાય તો શું કરું?
મન સાવ ત્રસ્ત ને તરલ થાય તો શું કરું?
ભીતર સ્પર્શના સાપ સળવળે તો શું કરું?
ટહુકા ટોળાં થઈને ટળવળે તો શું કરું?
લાગણીઓ બની જાય શબ્દો તો શું કરું?
ઘણા શબ્દોને પ્રાસ ન જડે તો શું કરું?
મારી તરસોનો હ્રાસ ન થાય તો શું કરું?
વારંવાર પ્રશ્ન તો એકજ ‘શું કરું’ ‘શું કરું?’
૧૨.- સહી–સમજ
રજકણથી વિરાટ અનંત શૂન્યમાં વિસ્તરું,
સમજનું પરીઘ વિસ્તારી ઈશ્વર હું બનું !
માણસપણું તજીને ચારે તરફ હું વિસ્તરું ,
ઈશ્વરપણું પહેરી બ્રહ્માંડે હું એમ વિસ્તરું .
ભ્રમમાં રહી,અનર્થ અનેક કરે છે માણસ,
ભયમાં રહી ,ગફલત અનેક કરે છે,માણસ .
કુદરતના કરિશ્માને ધ્યાનથી નિહાળો,
ખુદની હસ્તીને સમજીને ,સહી વિચારો .
૧૩ .- તંદ્રા .. નશો… ઝૂલવું
જિંદગી એક નશો છે!તંદ્રાનો, જિંદગી લોલક ઝૂલવાનું નામ છે!..
જિંદગી ભ્રમ અને વાસ્તવ,નશામાં ભ્રમ નામે મહા–નાગણ ફરે,
મારા પર હળવેકથી સર્યા કરે ,શ્વાસોની સાથે વળ લઈ ફર્યા કરે!
અવનવા ચિત્ર–વિચિત્ર સંદર્ભો,ઘટના દ્રશ્યો સર્જાયા ભૂંસાયા કરે!
મીઠો,કડવો,તૂરો સ્વાદ ટેરવે રમ્યા કરે,મનની જીભ ચાટયા કરે!
ખુશી,સુખ,આનંદ,વ્યથા,પીડા વસ્ત્ર બદલી આવ–જાવ કર્યા કરે,
“હું”, ભ્રમ ને હકીકતના હિંચકામાં મારા જ હિંડોળાના દર્શન કરે!
૧૪ .- હું ! ને, મારું કેન્દ્ર !
“એને” શોધતા શોધતા અચાનક હુંજ મુજને જડી ગયો છું .
મુજમાં સ્થિર થઇ ખુદનાજ મર્મસ્થાને કેન્દ્રમાં,ઠરી ગયો છું.
આ“હું“, “હું છું” ના મોજાં…ધ્વનિ–આંદોલનોના ગેબી નાદ,
ઊછળ્યા કરે છે,ગૂંજ્યા કરે છે ભીતર, વારંવાર ,લગાતાર .
આ ગૂંજ…આ ઘૂમરાવ,…આ ઘંટારવ….ઓમકાર, વળે કરાર,
ચકરાવે ચઢી ગયો છું, આ ગોળ ગોળ ચક્કર ચક્કર અપાર ,
ઊંડે..ઓર.. ઊંડે..આ વમળમાં..વમળ..તેમાં વમળ,કમળ
અહંના વળ ,જાણે ‘બ્લેક હોલ‘નું તળ, જાણે એ સ્થિર પળ.
‘…અને પછી, ‘આ‘ કે ‘તે‘ ?ના વિકલ્પ પણ, આગળ પાછળ,
મનની અંદર બંધાતી રહે, પળ–પળ , ‘હું‘,’મારું‘ની સાંકળ,
તણખલા જ્યમ તણાયા કરું દિશાહીન સાવ વિકળ-આકળ ,
ફૂલો,રંગો સુગંધો ને શીતળતા, કોમળ કળી પર ઝાકળ,
કોણ જાણે આ લાંબી જીવન યાત્રા થાશે સફળ કે વિફળ?
નિજમાં ઠરવું,કંઈ મળ્યું કે ના મળ્યું, શામાટે થાવું વિહ્વળ?
પરમ આનંદની અનુભૂતિ,પછી કરવી શેની સખળ ડખળ?
જોતા રહેવું, ગુજરતી પળ પછીની પળ, થઇ શાંત સરળ.
૧૫ .- “હરિ” ને પ્રશ્ન ?
રાત–દિવસની ક્ષિતિજ પર ઉભા રહી બસ,
નીરખું ભડ–ભાંખળું, ઝાંખું–પાંખું, ભીનું ધુમ્મસ,
થતી રાત પૂરી,ઉગતું સોનલ પ્રભાત,અલસ,
એવી સંધિમાં જોઉં નૂર હરિની આંખનું, બસ!
હરિ, તમે કેમ નિશ્ચિન્ત નીરાંતવા સૂઇ શકો?
લાખો લોકો પળ પળ પુકારતા રડતા જોઈ શકો?
દુનિયાનું દુઃખ કિંચિત્ પણ ઘટશે કે નહીં,પ્રભો ?
કે પછી સમય સાથે તમેય “ઢીંઢ” થયા,હિપ્પો!
૧૬ .- ખોજ
વિચારોની અનંત ફોજ છે,અંદર ગડમથલ રોજ છે ,
લોકો શોધતા જે બ્હાર! ભીતર ભાળવાની મોજ છે !
એ સોનેરી આદિમ–શોધ છે, અંતિમ અંતર–બોધ છે ,
ભીતરી તલાશ–શોધ છે,નિજની ખણખોદ–ખોજ છે ,
મારા ખાલીપણામાં એકદિ ‘, તે ઈશ–અંશ દેખાશે ,
ધ્યાનમહીં સહસ્રપંખી કમળના ઓજ–આભા ઉગશે ,
એ તત્વ–તથ્ય થઇ બેસશે, મુજ નિર્મળ અસ્તિત્વમાં ,
સૌમ્ય ચહેરો,સ્વર્ગ–આનંદ–લોક સમાધિનો ઉપસશે .
૧૭ .- અંતર–શોધ….~!
ધાર્યું ન્હોતું ત્યાંથી સગડ મળ્યા,તત્વ નીકળ્યું,
મહામૌન ખોદ્યું,તો શબ્દો મળ્યા,સત્વ નીકળ્યું,
અમે તો ઘણું ફર્યા,સઘળામાં ‘એકત્વ‘ નીકળ્યું,
નગણ્ય કર્યું જે , એમાં અજબ મહત્વ નીકળ્યું,
પકડી રાખેલું, છોડવા લાયક, ‘મમત્વ‘ નીકળ્યું,
નડતું ‘તું બધો સમય, અહં નું જડત્વ નીકળ્યું,
મનમાં ભર્યું‘તું કંઈ કેટલું? જૂદુંજ રહસ્ય નીકળ્યું
બીજાની વાત કરતાં, તેમાંથી “સ્વત્વ” નીકળ્યું.
મનનું વલોણું ચાલ્યું, મંથન થી તથ્ય નીકળ્યું,
“કંઈક”ની ખણખોદ રંગ લાવી, ને પથ્ય નીકળ્યું .
૧૮ .- ગતિ–સ્થિતિ
સમયની સાવળી ગતિ,
અને વિપરીત દિશાની આપણી ગતિ !
એજ છે આપણી સ્થિતિ!
જેને જીવનની હયાતિ–અસ્તિત્વ
એવું નામ આપી શકાય!
સચરાચરમાં વ્યાપ્ત ‘હવા’,
પ્રાણ–શક્તિના આનંદલિપ્ત આ માહોલમાં,
આ એક સર્જન જ તો છે. અને,
એક ગૂંજ મનભર! અનુરવ–રમણા ,
અસ્તિત્વ–નાદનો અહેસાસ બસ!
‘ઓમ’માં રમ્યા કરે મન , બસ!
સર્વેશ્વર આવી ભેટતો ,
ક્ષણે ક્ષણ ……. સતત !
૧૯ .- અંદરની વાત કરું!
અને મને તમે સાંભરી આવો અચાનક એમ,
વાત જયારે હું મારી આરપાર જવાની કરું!
દૂર ક્યાંક ઘેરો ઘંટારવ થતો કો‘ દેવસ્થાનકે,
મંજીરા ,ઢોલના તાલે હું વાત ઝૂમવાની કરું,
આવો, બેસો મારી સમક્ષ પલાંઠી લગાવીને,
આપો કાન,મીંચો નયન,અંદરની વાત કરું.
ભીતર જાગ્રત અખંડ ચેતન જ્યોત પ્રજ્વળે,
ને પછી ઊતરે સ્વાનુભૂતિમાં તેની વાત કરું!
ને, વાત બરફવર્ષાના શ્વેત ફોરાં થવાની કરું,
નિર્ભાર મન ધવલ કમલ બને,તે વાત કરું!
સ્વયં સુગંધ બની જાઉં, તરું, તેની વાત કરું!
દેહ આ નિ:શેષ થઇ,હવા બને,તેની વાત કરું!
૨૦ .- “હુંજ છું“- રટણ
બસ, એટલુંજ કે,- દૂર કાં આટલું “ઈપ્સિત” છે ?
શ્વાસોના લય પ્રાસ મેળવવાની મથામણ છે !
મેં ખોયું,સામેજ જે સઘળું ઉમટતું ઉજળું,’જે છે‘ !
હર ઘડી હરફર,રણઝણ,હલચલ ઘણી થાય છે !
જીવન તો સરળ વહન,સતત ને શાશ્વત છે !
વિશ્વાસ મારો વસ્યો મધ્યે,સ્થિર લાગે ધરીએ ,
ફરતી તોય ગતિ ના દેખાતી, અચરજ કરી એ !
“હુંજ છું“-રટણ ફરે! એના મૂળમાં કારણ છે એ !
એનીજ તો છે કરામત સઘળી, કરતલ છે “એ“!
એમ શોધ્યો ના મળે! અટળ છે ,ગુપ્ત,અકળ છે !
ચોપાસ સઘળું શાંત, નીરવ અજબ અસબાબ છે !
ના કહેવાય એવું ભીતર રમે , ગજબ એહસાસ છે !
૨૧ .- તું હવા.–માહોલ અને.હું. ?
બધું એકજ, સ્વ કે પર જેવું કઈં હોય નહીં,હું જ વિચરું સર્વત્ર, ઘર જેવું કઈં હોય નહીં ,
એટલે સદાય તાઝી સુગંધ લઈ હોય ફરતી,હવાને ઠહેરાવ પડાવ જેવું કઈં હોય નહીં .
‘ગતિ’નું રહસ્ય ખૂબ જાણતી,જાણીને માણતી એટલેજ,ફેલાવ–પ્રસાર બધે સંપૂર્ણ પ્રમાણતી ,
આવ–જાવ,ચાલ,રવાની અલગ રીતે નાણતી પશ્ચિમી પવનની મ્હાણથી બધે હાજર જણાતી .
ચક્ર–ગતિની કાયલ પૃથ્વી પૂર્વ બાજુ જ ફરતી નિજ ગતિ સહી દિશાની સમજી લેવી જરૂરી .
તારી હાજરી,તારો માહોલ,તારી સુગંધ ભારી,તું હવા,તારી હરફર,આવન–જાવન,રહેમ તારી ,
દેખાતું બધું ભ્રમ–આભાસ,લાગતું! મહેર તારી॰ હકીકત,વાસ્તવ–મરમ તું, નજર–એ– કરમ તારી ,
“આ હુ,તે તું”ના ભેદ ગયા ઓસરી,રહેમ તારી ,પરમ શક્તિનું પ્રમાણ જીવંત,બધે રહ્યું વિચરી , ‘હોવું’,સહજ–સત્ય,એ સમજ વસી રહી,પમાતું જે ક્ષણમાં,પરમઆનંદ રે’ કાયમ વર્તી, નીતરી .
૨૨ .- આનંદ મંગલ મંગલ
શાંત જળની સામે એકલા, વાળી પલાંઠી બેઠા ,
નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા ,
તંતોતંત અમી છાંટણા થયા,ઈશકૃપાના રણકારા ,
આવી પૂગ્યા હરિ અમારે દ્વાર ! બાજે ભણકારા .
ઘંટનાદ,મંજીરા,શરણાઈના બજંત રે ઝણકારા ,
ફૂલો,કંકુ,ચોખા,અબીલ–ગુલાલ ઉમંગે ઉછાળ્યા ,
આનંદ મંગલ મંગલ ભયો, ભીતરમાં હરખાયા ,
આનંદ આનંદ મંગલ મંગલ આનંદ-મંગલ ઉજવાયા .
૨૩ .- તમે આવ્યા
તમે એક રવ બનીને આવ્યા , એક અટકળ બનીને આવ્યા ,
મંજૂલ સ્વર વ્યાપી ગયો,રણઝણ રોમેરોમ બનીને આવ્યા ,
અંગે–અંગ વિસ્તર્યા અનંત તરંગ,વીજ શી હલચલ અભંગ,–
બધે પ્રસરી ગયા, એક ઝાટકે, અચાનક તૂટી ગયા સૌ બંધ ॰
મુજ અસ્તિત્વ આખું હચમચી ગયું, જે હજુ હતું અકબંધ ,
ભીતરનું મૂળ તત્વ જાણે છટકી ગયું, થઇ ગયું અંગ–ભંગ !
ખુશી–આનંદ પુલકભાવો ઉછળ્યા દોમ–દોમ અનંત અગમ ,
સ્વર્ગની જાણે કરે મન–તન–ઝેહન, સહલ અગમ અ–તરંગ !
૨૪ .- ચાલે છે.
શરૂ થયો નથી તોય અહી એક પ્રવાસ ચાલે છે ,
કશે પહોંચવાનો ક્યાં કોઈ સ્વ–પ્રયાસ ચાલે છે ?
અહીં ગતિ જ છે,બહુ આ વાણી વિલાસ ચાલે છે ,
દશે દિશાઓ સ્વયં આમ મારી આસપાસ ચાલે છે .
‘અટકવું’ જરી, ગતિનું અકળ અદૃશ્ય રૂપ હશે ?
નથી જણાતું કે કેટલા ગતિમાં આ શ્વાસ ચાલે છે ?
દશે દિશાઓમાં સતત એક સાથે સફર ચાલે છે ,
સાવ સ્થિર છું, મારામાં રમઝટ રાસ– ચાલે છે .
૨૫ .- થઈ ગયો
‘કવિતા’ છે સંજીવની–તત્વ,હું એનો થઈ ગયો,
સહેજ એનો સ્પર્શ થયો,ખુશી–તરંગ થઈ ગયો,
એમ વિસ્તરીને હું તો ફૂલ–સુગંધ થઈ ગયો,
અને પછી વાતાવરણ સાવ નિર્બંધ થઈ ગયો.
લહેર લાલ લોહીની નસનસ અનંત થઈ ગયો!
ઠર્યો ભીતરમાં તો,સરલ જલ–તરંગ થઈ ગયો.
શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો.
ક્ષણોની હરફર સંવારી, હું તો ઉમંગ થઈ ગયો–
સદા સળગતી શ્વાસોની સતત આગ છે “કંઇક”,
સદા ઝળહળ સૂરજની એમ અનંત થઈ ગયો !
૨૬ .- થશે
જે દિવસે સૂકકા રણ માં તરવું શક્ય બનશે,
ત્યારે માછલીઓ બધી પાંખો પહેરી ઊડશે!
રંગીન પતંગિયાઓની જેમ ઊડાઊડ કરશે!
પછી તો આ રણ પણ નહીં રહે વાંઝણું,ફળશે.
બધ્ધેય ફક્ત મેઘધનુના સપ્ત રંગો ચમક્શે,
અનંત શક્યતાઓના સાગર બેફામ ઊછળશે!
રંગો,સુગન્ધો અને ઉમંગોની રેલમછેલ હશે ,
દોમદોમ સાહ્યબીની ચારેકોર રેલમછેલ હશે!
૨૭ .- હું અને એ
આ ચારે બાજુ ચળકતી રેતશી રજકણો,
ચોપાસ તરતી–ફરતી માત્ર ક્ષણોજ ક્ષણો,
હું આટલો વિરાટ વિશાળ ક્યારેય નો‘તો,
હું આટલો બળકટ બેફામ ક્યારેય નો‘તો,
હું તો જાણે છું સતત પ્રકાશનો પૂંજ પૂંજ,
હું અફાટ આકાશ ને, પવનની ગૂંજ ગૂંજ.
હું કંઇક ઉષ્ણ–ગરમ, અમલ શીતલ પણ,
હું અંધાર નર્મ લીસ્સો–કોમલ કોમલ પણ,
હું હવા,અનરાધાર વરસું ચારેકોર અપાર,
હું સુગંધ સ્પરશું એમ રોમેરોમ સંચાર,
હું જળમાં વહું, માટીને અનહદ પ્રેમ કરું,
હું વહું સમયની સંગ સંગ,અકળ છેક રહું,
હું મૂળ, પંચ તત્વગત સત્–પરમ–ઈશ્વર!
હું આમ તો, કણ કણ માં મરમ – ઈશ્વર !
૨૮ .- ખ્યાલ કરો
ભીતર ભર્યો કાળો અંધાર ઉલેચો નાથ!
અમને ઉજાળો,આપો તમારો હાથ,નાથ,
આપો તમ દીવડાની આંચ,આપો સાથ,
અમને ગોઠે નહીં રે લગાર! રંગીલા રસરાજ!
સાવ સૂના થયા અમે તમ વિના રસરાજ!
વરસો પૂરબહાર,અમને,ભીંજાવો રસરાજ!
અમે વરસોથી કોરાકટ વિના રસ-ધાર !
પ્રભુ વરસો,પારસ થઈને સ્પર્શો,ન્યાલ કરો!
આપો હેમનું મૂલ્ય પાષાણને, વ્હાલ કરો,
ભીતરના ભૂખ–તરસ ભાંગો રે! ખ્યાલ કરો!
૨૯ -. ન શક્યો
ઘણી ચર્ચા કરી લીધી ,પણ ઉત્તર ન મળ્યો !
તારી સુગંધ ભરી લીધી, ઉત્તર ઝીલી ન શક્યો ,
દર્પણમાં નજર કરી લીધી,અક્સ પામી ન શક્યો ,
તું તો હતો હાજર,ફરીથી મરમ તાગી ન શક્યો .
તું તો ઉત્તર આપતો રહ્યો ,હું કળી ન શક્યો ,
રીત અલગ તારી,હું એ દૃષ્ટિ સમજી ન શક્યો ॰
મરમ એની ચાલ–રવાનીના સમજી ન શક્યો ,
સીધી લીટીનો માણસ,દિશા અવળી પકડી લીધી ,
એ અવળી સમજણ મારી,મને હમેશ નડતી રહી ,
લક્ષ્ય ઉત્તરે રાખી દક્ષિણે ચાલતો રહ્યો “કઇંક” .
ઉત્તર–દક્ષિણનોજ માત્ર વિરોધાભાસ રહ્યો,’’કઇંક’’,
કાશ! પાછું ફરીને જોઈ લેત, તો તુંજ ઊભો દેખાત॰
૩૦ .- ચાલો
મેં તો બસ ચાલવાનો મનસૂબો કરી ચાલવા માંડ્યું,
પળપળ પોતાની મેળે પંથ ઊઘડતો,કહેતો:”કઈં કરવું”.
છેવટે કઈં ના બને તો ચાલતાંરે’વું,બસ ગતિમાં રહેવું ,
નવું કઈં નઝરે પડશે,મળશે લોક મજાના,મળતારહેવું .
એમ મળતા મળતા ઊઘડતા રહેવું,હસતા–રમતા રહેવું ,
બદલાવ,કુદરતી છે,ક્રમ–નિયમ અસહજથી અળગા રહેવું .
કરવાની છે પ્રતીક્ષા માત્ર! ઇન્તેઝાર જેવું કઈં કરતા રે’વું ,
અહીંથી તહીં,આંટાફેરા,ચકરાવા,ચલકચલાણુંરમતા રે’વું .
૩૧ .- સફર
જોવું,વાંચવું,સાંભળવું ને, લખવું શબ્દોની સફર ,
કુદરતે દીધી જે ઇન્દ્રિયો,માણવી શબ્દોની સફર.
સૂરજ આવતો નથી,જતો નથી તોય થાતી સફર,
“હો” એવો ભ્રમ માત્ર તો છે,નથી કશું,કોઈ સફર!
કોઈ આપણા માટે રસ્તો કરે?કરી શકે?થાય સફર,
ચાલવાને ચરણ તો ખુદનાજ જોઈએ,થાય સફર!
‘લાશને જલસો?’ એ તો જોનારની આંખની સફર,
ફૂલો રીઝવે આંખો રંગે, નાક સુગંધે,હળવી સફર!
જલસાની મ્હાણ જોનારની દૃષ્ટિ,મનને એક સફર!
એક–એક ડગ માંડતો ફરે,છાપ સૂંઘતો ફરે,એક સફર
“પ્રભુ પડછાયો બની પીછો મારો કરે!”થાય સફર!
જ્યારે,હું ચાલું ઉગમણી દિશા તરફ,થતી એક સફર!
ચાલતો ચળકતી આંખો ઊંચી લઇ એ તરફ થતી સફર!
કારણ બસ એટલુંજ કે, “એ છે સાથે’ એટલે થતી સફર.
૩૨ .- કલ્પ–વૃક્ષ ,
વહેતા પવનના વાયરા,ઊછળતા મોજાં પાસે,
ખારામાંથી મીઠું અને કાળામાંથી ધોળું કરતું,
ઊંચું,અડગ,ઝૂમતું આવકારે એ પ્રસારી બાહુ-,
પીંછાં જેવા પાંદની–શાખે પવનોને પસવારતું .
બહાર–ભીતરના ભેદ અનૂઠા સહજ સમજાવતું ,
અંગ–અંગ ઉપયોગી કુદરતના તાગ ઉભારતું ॰
નકકામું નિરર્થક કઈં નથી એ સત્ય પ્રમાણતું !
તરસ્યાની તરસું ટાળી , અંતર–કલેજાં ઠારતું ,
ઊંચી ડોકે અડગ ઊભું, રેત–રણને શણગારતું ,
ધોમ ધખતા તાપ નીચે,તૂફાની વરસાદ નીચે ,
ઝૂમી ઝૂમી એ તો ગાતું,ખુશીમાં ખૂબ હરખાતતું .
33.- તકાજો છે!
કલમ બચાડી શું કરે? નિમિત્ત સમયનો તકાજો છે!
કરને જોવી રાહ કાળ–લબ્ધિની, કરમનો તકાજો છે!
આંખો થઈ જાય સ્થિર અચાનક,સમયનો તકાજો છે!
ભગવાન–કરતારની ભૂલ ભાસે, ,સમયનો તકાજો છે!
ઉપાય નહીં,બૂત બની બેસી રહેવું,સમયનો તકાજો છે!
કોઈ કો’કને કાપે,સંધાઈ જતું સ્વયં,સમયનો તકાજો છે!
કપાયેલું સંધાતુ–જોડાતું,નવું થાતું,સમયનો તકાજો છે!
કુદરતનો ક્રમ યુગોથી ચાલતો, સમયનો તકાજો છે!
૩૪ .- સ્વગત,… !
ઈર્ષ્યાથી કદી ના બળવું હો, કાન્તભાઈ!
અહંથી સાવ અળગા રે‘વું હો, કાન્તભાઈ!
તારું–મારું ની મમત છોડો હો, કાન્તભાઈ!
બધું અહીં એમજ મેલી જાવું હો, કાન્તભાઈ!
મફતનું કોઈનું કંઈ ન લેવું હો, કાન્તભાઈ!
‘કાળું ઈ કાળું‘ સહી સમજવું હો, કાન્તભાઈ!
‘જાવા દ્યોને ભાઈ‘-ઈ કેળવવું હો,કાન્તભાઈ!
‘કરશે ઈ ભોગવશે‘-એ જાણવું હો,કાન્તભાઈ!
‘હું કહું એ સાચું‘ સાવ ભ્રમ છે હો, કાન્તભાઈ!
‘હરિ કરે ઈ હાચું‘-એજ જાણવું હો,કાન્તભાઈ!
ને,અંતરમાં શોધ આદરવી હો,કાન્તભાઈ !
પંડયમાં પૂરું એમ પીગળવું હો,કાન્તભાઈ !
ઈશ્વરની ખોજ ખરી જાણવી હો,કાન્તભાઈ !
આખરી મંઝિલ ઓળખવી હો,કાન્તભાઈ!!
સત્સંગના સરવરમાંજ તરવું હો,કાન્તભાઈ!
પ્રભુભક્તિનારસમાં બૌ ડૂબવું હો,કાન્તભાઈ!
મુક્તિની મોજ ખરી માણવી હો, કાન્તભાઈ !
થાય એ,એમજ જોયા કરવું હો, કાન્તભાઈ!
૩૫ .- સત્જ્ઞાની
આવન–જાવન નો ખેલ આભાસ,બધું સમજતા સત્જ્ઞાની રે !
બરફના પહાડમાં એ દરિયો ઘૂઘવતો જોતા સત્જ્ઞાની રે !
આખ્યું બંધ તોય, દૂરનું જોતા ,ક્ષણનું મોતી પરોવતા,-
શ્વાસોની ધજા ફરકાવતા, સ્મિત–લ્હાણ કરતા સત્જ્ઞાની રે !
બહાર વરસાદ ને તોફાન, ઉછળતા ગાંડા દરિયાને જોતા,-
શાંત, સ્થિર, છેક જ ધીર ગંભીર ભીતર રે’તા સત્જ્ઞાની રે !
કાયામાં વેદના વલવલે,ને,મનમાં વ્યથાના મચે ઘમસાણ,-
તોય “આપો” ન ખોય, વર્તે સ્વભાવમાં,મરકતા સત્જ્ઞાની રે !
એ તો બેઠા, માત્ર જોયા કરે ને, સુખ આવે,ને મળ્યા કરે !
‘કઇં કરવાથી જ સુખ મળે’ એવું ક્યાં કહેતા સત્જ્ઞાની રે ?
પ્રતીક્ષા કરે એના મહેરબાનની,નિગેહબાનની,ભગવાનની!
ના કશી કોઈ ચિંતા,ઉતાવળ કોઈ જાતની,એ સત્જ્ઞાની રે !
ભીતરના સત,પોત ને ભાવ–અણસારા થાતા,તે સત્જ્ઞાની રે !
હોય ‘જીન’ જેને હાજરાહજૂર,:’હુકૂમ મેરે આકા’ તે સત્જ્ઞાની રે !
૩૬ .- તોય શું?
આમ કે તેમ હશે ,કંઈ ન હોય તોય શું?
કલ્પન કે હકીકત હશે!કંઇક હોય તોય શું?
મળવા માટે નીકળ્યા,ન મળ્યા તોય શું?
એ પોતે અચાનક મળવા આવે તોય શું?
થવું,ન થવું,કોઈનું હોવું કે જવું,બને નહીં?
તેનો રંજ–વસવસો થાય,ન હોય તોય શું?
ગણતરીઓ બધી સાચી,ન હોય એવું બને!
ધારેલું અચાનક બને,એમ થાય તોય શું?
૩૭ .- આપણી વચ્ચે!
વારતાની એક માંડણી થઇ’તી તારી–મારી વચ્ચે,
ભલે તું એમ માનતી હોય, જીતી તારી–મારી વચ્ચે!
‘આનંદ આઠે પ્હોર’– તું હોઠે ને કલમે શણગારતી–
એમ કહેવાય હવે,વાત થઇ પૂરી’તારી–મારી વચ્ચે?
એમ ભીતરની વાતું છેટી મેલીને ક્યાં લગી જાવાનું?
સાચું બોલવાની શરતું પણ હોય તારી–મારી વચ્ચે?
“જ્યાંલગી છે જીવન”,આપણે રે’વાના,ક્યાં જાવાના?
આશા,અપેક્ષા,અભરખાં તો રે’વાના આપણી વચ્ચે .
૩૮ .- શૂન્ય
અંતત: બધું એકજ,ને, છેવટ તો છે શૂન્ય’!
‘આમ કરો કે તેમ,થાય બધું એમ જ,શૂન્ય.
સરવાળા બાદબાકી પછી,છેવટ રહે તે શૂન્ય,
ગોળ ચકરાવા‘લગભગ’ના,છેવાડે છે શૂન્ય.
ગમે તેટલું વિચારો, અંતે સરવાળો છે શૂન્ય,
મરજી કોની કેટલી ચાલે છે? સમજાય શૂન્ય.
આગળપાછળ ઉપરનીચે બધું અદ્ ભુત શૂન્ય,
કરવાનું શું? ’કંઈ નહીં, જોવું શાંત થઇ શૂન્ય!
૩૯ .- પરપોટા…
હું જળમાં ગ્યો,પરપોટો થ્યો,ફુલાઈને ફૂટ્યો,
ભરતીમાં જીવે દરિયો ઓટમાં પરપોટા જો!
દરિયો છે ત્યાં લગી પરપોટા તો રહેવાના જો!
આ કેવું?પરપોટાનું જીવવું?હવાને બાંધી જીવે!
પાણીનાં પોત પે’રે, ફૂટું – ફૂટું ક્ષણભર જીવે!
ફૂટીને થાય હવા,પવન તો વા’ય,એને શું થાય?
રોક્યા રોકાય? રોકો તો અવળી દિશા ફરી જાય
દરિયો સૂકાય સૂર્યથી,વાદળ થાય,પરપોટા જો!
વાદળ વરસે થાય પરપોટા,કુદરતનો આ ક્રમ જો.
૪૦ .- અલમ ! – એક ધ્યાન!
એક હું,એક હું; એક હું! હુંજ એક, એકજ હું! સિર્ફ હું,
માત્ર હું; કેવળ હુંજ !હું, હું, હું ,હું,….માત્ર હુંજ છું!
આ ગેબી નાદના મોજાં,ધ્વનિ આંદોલનો ભાળું હું,
ભીતર વારંવાર ફરી ઉછળે!સતત અપરંપાર હું!
આ ગૂંજ,આ વ્યાપ, આ રણઝણ, ધ્રૂજારી,ને હું,
આ ઘંટારવ, આ ઘૂમરાવ!તાણી જાય છે,ઊંડે
વમળમાં વમળ, વમળના ચક્કર! ઔર ઊંડે !
જાણે, ‘બ્લેકહોલ‘ના અકળ તળ! ને, ઠરું હું માત્ર
બિંદુમાં,-જાણે,સોયની અણીએ ઓસ-બૂન્દ,જળ!
વહેતા સમયમાં સ્થિર થયેલી એક નક્કર પળ!
૪૧ .- ટીપું……ટીપાં
ટપકે એ તો ટીપું.,ટીપાંમાં શું એ વિચાર!
અહીં મહાશૂન્યતાના વ્યાપ અને વિસ્તાર,
એમાં સર્જન શું ? વિસર્જન શું? વિચાર!
ટપકે એ તો ટીપું, ટીપાંના ભાગ વિચાર!
અહીં જો! હેડકી ને, હડદોલા થાય હજાર,
યાદ? શું કહું? લાગી સ્મરણોની વણજાર,
ટપકે એ તો ટીપું,ટીપાંમાં શક્યતા વિચાર!
ટીપું ક્ષણનું સાથી,એવાં હોય અનેક હજાર!
ગણવું ક્યાં? એનાં હોય અનંત વિસ્તાર,
ટપકે એ તો ટીપું, ટીપાંમાં બધ્ધુંય યાર ,
છે એ દેખાય થાતું,એમજ અંદર બહાર!
એમાં અરમાન છે, જીવન છે,અપરંપાર!
એમાં સુગંધ,તેજ ને વાસ,પણ નહીં આકાર,
ટપકે એ તો ટીપું, ટીપાંમાં વસે નિરાકાર!
એમાં ઝળકે–ચળકે પ્રકાશ ને તેજ અપાર!,
ટપકે એ તો ટીપું,…એમાં શક્તિ બેસુમાર,
એમાં એક ચિનગારી,તણખા આગ પારાવાર,
એણે ચેતવી દીવા–વાતી,ઈંધણ અખૂટ તૈયાર,
ભોંય–ભૂમિની માટી…ઝીલે અવિરત રસધાર,
એક્માંથી અનેક કરવાની શક્યતાઓ અપાર.
૪૨ .- ન કરવું કંઈ.
કંઈ કહેવાનું હોય ને,કહેવાઈ જાય બીજું કંઈક,
ન કહી શકવાનો પણ રંજ–વસવસો રહે કંઈક!
‘હું કરું’, ‘મેં કર્યું’ ના ઉધામા બહુ જૂના છે ભાઈ!
માત્ર જોતાં રહેવું, જાણીને બીજું ન કરવું કંઈ.
છતાં અવ્યક્તને અભિવ્યક્ત થવું હોય કંઈક!
એમાં ‘એનુંજ’ ચાલે,આપણું કંઈ ન ચાલે ભાઈ
૪૩ .- અનમોલ
આજે એના શ્વાસોનો સ્પર્શ થયો અનમોલ,
હ્રદય–ધબકને માપી –પામી ચીજ અનમોલ,
ભીંજાયાના અવસર ઉજવે જાણે અંગમરોડ–,
છાતીને ગોખલે લાખ દીવા થયા અનમોલ .
રોમ–રોમમાં રાસની રમઝટનો, એ કલશોર,
આયખાના અનુભવો નાચે થઈ મસ્ત મન–મોર.
સંભોગ સુધીના શ્ર્ંગાર–રસો દેમાર ઉછળે ભીતર–,
ચાલ,આજે અંધારાના અનોખા ઓચ્છવ ઉજવીએ .
તારી મસ્રુણ ત્વચાના ભૂકંપો ટેરવાંથી પ્રમાણીએ॰
કાળું ત્યાજ્ય ગણતા,પણ,ના છોડતા, તેને જાણીએ,
એક ક્ષણમાં સ્થિર ચરમ–શ્રુંગી“આનંદ”ને નાણીએ–
‘એ શું હશે?’ની અટકળ ને અવઢવની આડશમાં,
છૂપી ઇચ્છાની હળવી ઝીણી રણઝણ ને માણીએ,
સમભાગી થઈ ચરમ–પરમ એ આનંદને પ્રમાણીએ…
રેશમી મખમલી અંધારાની ઓથે ઝમતા શ્વાસમાં–,
પૂગાડે ક્યાંક કાંક દેખાયાના આભાસ–એહસાસમાં,
હળવેકથી હૂંફાળા પરમ–પુલકના શીતળ પાશમાં ,
જાણે ઝાકળ–ટીપાં લહેરાતા લીલા–કૂણા ઘાસમાં !
૪૪ .- એકલો પડું છું ત્યારે,
તું મને શા માટે મોકલે છે,
ઊંડા ઘા ?અંકાઈ જાય એવા ધારદાર પ્રશ્નો ?
એ તીણા નોંકીલા સવાલો પીડે છે,
જયારે એકલો પડું છું ત્યારે,ક્યારેક, અચાનક.
બધું એકસામટું લોહીલૂહાણ થાય છે!
રકતરંગે લથબથ,
મારી એક નબળાઇને ચાટતો,પસવારતો ,
અગણિત દિનો સુધી પ્રતીક્ષા કરું છું…
પ્રલયની એજ નિયતિ?
૪૫ .- નારાજ છો તુજથી
તું નારાજ છો તુજથી, ને, લખવાનું મન નથી ?
આટલા અણસારા–સંકેત પછી મૌન? મન નથી?
ખૂલ્લા આકાશ જેવા જણને, મળવાનું મન નથી?
દુ:ખ,વ્યથામાં ભાગીદારી વિસરાઈ? મન નથી?
કોઈ ગુનોં જેણે કર્યો નથી,તેને દંડવું ? જુલમ નથી?
સાવ બેરુખી આ જીવતા જણ તરફ? કોઈ ગમ નથી?
રાહત મળે કે ના મળે, કોઈ નુકસાન તો હરદમ નથી ,
પીડા,વ્યથા–પોત પાતળા થઇ ઘટી જશે,જોખમ નથી.
કોઈ ફરક ન પડે તો,સરી જવું નિજ ગુહામાં,ગમ નથી,
સ્થાન,વ્યક્તિ,કામમાં બદલાવ ચોક્કસ છે,કાયમ નથી॰
નવ–પ્રયોગોનો નિષેધ સદંતર,એ કઈ જીવન–ક્રમ નથી॰
મીઠા શબ્દો પછીય, આંસુની ખારાશ હો,તો શરમ નહીં?
મુશ્કેલીઓ, તકલીફો ભીતરને મજબૂત કરતી હોય છે,-
ભીતર હો લવણ–ભંડાર,તોય મીઠાશો જીવનમાં કમ નથી॰
૪૬ .- એ ક્ષણો બચપણની
ઓચિંતા આવીને પકડે,જકડે,સતાવે,કનડે, એ ક્ષણો બચપણની,
બેટ–બોલની રમઝટ,દોડાદોડી આજે પણ ખખડે,રણકે સણસણતી,
દૂડી,ફોર,સિક્સ ના ફટકા કેવા જબરા?……… એ ક્ષણો બચપણની,
હજીએ જીવે વથાણની સૂક્કી ભૂમિ વલવલે સૂના મેદાને હિજરાતી .
ક્લીન–બોલ્ડ,કેચ–આઉટ, એલ.બી.ડબલ્યુ, કે સ્ટમ્પ્ડ, કે રન–આઉટ?
જોરદાર અપીલો ગૂંજે–ગાજે,આજે ય હવામાં,એ ક્ષણો બચપણની ,
રણઝણે બોલકી બને મારા વાનપ્રસ્થી મને, સાક્ષી જીવંત પળોની…
આતો પ્રેમ છે! ’સ્વ’ સાથે,ગેમ છે, એમ છે,છલકે એ ક્ષણો બચપણની .
ક્યાંછે? એ મેદાન–પીચ,એ લોકો ગાંડા–ઘેલા? ઉમંગે ભરેલા? ઉત્સાહી ,
ભેરૂ બધા વિખરાયા,વેરાણા,ખોવાયા,ક્યાંક્યાં?હવે ક્યાં મળે,એ બેલી ?
ઓચિંતા આવીને પકડે,જકડે,સતાવે,કનડે, એ ક્ષણો બચપણની ,
તો ય લાગતી કેવી મીઠી મધુરી , ગમતી એ ક્ષણો બચપણની .
૪૭ .- હું ઘેલી–ઘેલી!
સ્મિતના દોરે મોતી પરોવી આલ્યા,ઢળેલી નઝરુંના શરમના શેરડા પાડી,
તમે પૂછો છો: ‘ કેમ અલી ચૂપ છો? અલબેલી?’, ને હું થઈ ગઈ ઘેલી !
તમે સે’જ ધક્કો માર્યો, ને, એક સુગંધ વળી ઘેરી,એના સ્પર્શે હું ઘેલી–ઘેલી!
હું તો ઊડતી છકેલી એક પહેલી !શરમ–મરજાદ બધી મેલી,થઈ ઘેલી–ઘેલી!
હું તો નાચતી મદીલી સહેલી,તારી બાહોંમાં ભીંસાતી હવાની હરફર શી હેલી!
હું તો ભરતી ઊડાન ઊંચી માણતી રણઝણ ને, કંપની રેલી,હું રાનની વનવેલી,
ધીમું,હળવું સળવળતી તારી એ હૂંફ રહું માણતી,દિલથી મન મેલી,ટળવળતી,
હવાની હેલીને કોખમાં સમાવી, સઢ ખોલી,પલાણું મુક્ત બની વહેલી–પહેલી,
એની કૃપાના અવિરત વરસાદમાં,એવું કઈં નવલું કરું હું સાવ પહેલ–વે’લી.
૪૮ . જાણી લઈએ
લય અને તાલ ક્યાં તૂટે છે? જાણી લઈએ,
ચાલ સંગતની જે ક્ષણો છે, માણી લઈએ.
ચાલ ધડકનોના સૂર–તાલ મેળવી જોઈએ,
પછી કેવી આવે છે લિજ્જત, માણી લઈએ.
ચાલ.વિચલિત થવાનું કારણ જાણી લઈએ,
સમય તો છે શાશ્વત, રે’શે! ચાલ્યા જઈએ.
દલીલ પૂરી પહેલાં તારી સમજી લઈએ,
પછીજ રીતિ નીતિ મારા, સમજી લઈએ,
સ્નેહ મારું નામ છે,લીસ્સોપોચો છે સ્વભાવ!
મખમલી રેશમી નર્મદિલ તારું લઈને આવ,
માહોલ તો રહેશે સાવ આકાશી દરિયાવ!
તો જીરવી નહિ શકે પછી મુજથી અલગાવ.
૪૯ .- જીવન “છે“,-સતત શાશ્વત!
ભેદભરમના આ આટાપાટા કોને કહેવા?
વ્યથા–કથાના એવા સન્નાટા કોને કહેવા?
મનના આ બેફામ સપાટા કેમ સહેવા?
આંસૂ ને શ્વાસોના ગરમાટા કેમ સહેવા?
એના આઘાત–પ્રત્યાઘાત,પ્રેત શા પડઘા,
પછી તો, કોઈ હલચલ વિનાના મડદાં,
મૌન!પાગલપનના આલાપ કેવા અડધાં,
પુસ્તકો ,શાસ્ત્રભાષા, કોરાપણું પ્રમાણતા .
જવું કેમ શબ્દોની પાર મૌન ને માણતા?
પ્રશ્નો છે તો,”છે“નો મરમ અપાર જાણતા!
હયાતિ ઊભી ખોડી ખાંભી, સ્થિર સતતતા.
ખાલીપણું યા, છલોછલ સંતોષ સભરતા,
૫૦ .- એહસાસ રહે.
મોક્ષે કોઈ લઇ જાય,એ વાત મને મંજૂર નથી!
ખમીર અને ખુમારી ખોવાનું, મને મંજૂર નથી.
‘હું જ પીગળતી ક્ષણ છું,’નો બસ એહસાસ રહે!
ને,“બસ થાઓ,હવે કાંઈ ના ખપે”નો પાશ રહે,
મતલબ,“ હું નથી કંઈ જ”નો જીવંત એહસાસ રહે,
ઈશ્વર જેવું“કંઈ”છે,તત્વ”,’કંઈક’ની આસપાસ રહે,
કોઈ કે’:‘ઈશ્વર,આત્મા,પરમાત્મા જેવું કંઈ નથી’,
‘સાચું’ એમ, કેમ કહું? <હું છું>નો એહસાસ રહે.
રૂપાંતરણ,પરિવર્તન ક્રિયા–પ્રક્રિયાના પ્રાસ રહે!
“હું છું,માત્ર હું જ છું”નો રોકડો બસ એહસાસ રહે.
“આનંદ,ફક્ત પરમ આનંદ”ના શ્વાસ રહે,’કંઈક’-
સર્વ–કાળ એટલે ”ક્ષણક્ષણમાં હું”નો વિશ્વાસ રહે!
૫૧ .- પ્રશ્નો?
બહારના આ દંભ –દેખાડા હજી કેટલા કરશો સજણા?
અસહજ પ્રયાસો વ્યર્થ જશે,હજી કેટલા કરશો વ્હાલા?
પ્રીત પમર્યાના અણસારા હજી કેટલા ઢાંકશો બલમા?
રજનીગંધાના પમરાટ હજી કેટલા વારશો રાતના?
સહજ જે થતું,થવાનું જી! હજી ઉધામા કરશો નકામા?
સે’જ એની ઈચ્છા સમજો,હજી કારસા ઘડશો પોતાના?
જરીક શાંત થઇ જુઓ રાજા, હજી કેટલા વેરશો અજંપા?
શીર્ષાસન કરો,સોચો જરા!સાચને પારખી જશો જરામાં!
હકીકતોને આવરણો કેવાં? યત્નો કેટલા કરશો વૃથામાં?
મન,હૃદય,ઝેહનમાં ભાવોને પ્રમાણી તો જુઓ, સાજના!
૫૨ .- ટટ્ટાર ઉભો છું!
માલિક છે,નમવામાં શી નાનમ?એટલે ટટ્ટાર ઉભો છું!
લવચિક બરાબર છે મારી કમર,એટલે ટટ્ટાર ઉભો છું!
કર્યા છે સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે ટટ્ટાર ઉભો છું!
એની કૃપા સદા રહી છે,સાક્ષાત, એટલે ટટ્ટાર ઉભો છું!
સાચનો પાકો આધાર છે સાથે,એટલે ટટ્ટાર ઉભો છું!
પ્રપંચોગ્રસ્ત ખોટા છે લગભગ,એટલે ટટ્ટાર ઉભો છું!
ઘમંડ,અકડમાં રાચતા લોકોને જોતો ટટ્ટાર ઉભો છું!
ખરે ટાણે ઊંચી ડોકે નઝર મિલાવવા ટટ્ટાર ઉભો છું!
ખૂબગર્વ છે,ખુમાર છે,સજ્જડ, એટલે ટટ્ટાર ઉભો છું!
ખુમારી,જીદ ને વટ છે ફક્કડ, એટલે ટટ્ટાર ઉભો છું!
વાણી કરતાં કરણીમાં માનતો,એટલે ટટ્ટાર ઉભો છું!
શિસ્તથી અદબ વાળી ઉભો છું,એટલે ટટ્ટાર ઉભો છું!
આવન–જાવન ને ઘટ–વધ તો છે કુદરતી ક્રમ,”કંઈક”,-
સાચના સ્રોત–પોત બળુકા છે,પ્રમાણતો ટટ્ટાર ઉભો છું.
આ જીવન તો છે બસ સફર સતત પ્રતીક્ષાની, ”કંઈક”
મુજ અંતરમાં વિશ્વાસ છે મજબૂત,એટલે ટટ્ટાર ઉભો છું!
૫૩ .- ‘મળવું છે ”
તું તો મદમાં ઇતરાતી,’આવીશ’’આવીશ’કહી ટાળે છે!
દીધા કોલ એ બધા સંભારે છે! ક્યાં તું કદી પાળે છે?
બની વાણિયણ ના બંધાય! ‘હા–ના’એક શ્વાસમાં,બોલે!
“ચોક્કસ,ગમેત્યારે!”, “મળવું છે”ની ‘ટેપ’ સંભળાવે છે!
ગમે ત્યારે, કહેવાનું મારે છે! ને તું દલીલો કર્યા કરે છે!
લલચાવે,લોભાવે તિલ–તિલ,સદા વલખવાનું મારે છે!
સાચું બોલીને પસ્તાયા અમે ‘કંઇક’! એ તું ક્યાં જાણે છે?
ઈમાનદારીથી,કાયમની નારાઝગી અમે વ્હોરી લીધી છે!
સત્ય કદી કડવું નથી હોતું સાંભળનારને માત્ર એવું લાગે છે,
મન–હૃદય–દૃષ્ટિમાં ખોટવાળા બુધ્દ્ધિવાનને એવું લાગે છે!
૫૪ .- સતત હવે!
અવાજ અને શાંતિ તો છે,પડછાયા એક–બીજાના,
અંધારા અને પ્રકાશના ખેલ થતા જે છાનામાના,
ઘટનાક્રમ કુદરતના સહજ સરલ કરામત વાનાં,
કરીકરીને હવે આપણે ઉધામા વિશેષ શું કરવાના ?
સંગીત,સૂર,સરવાણી મારા અંતર–પ્રવાહ બની રહે,
રક્તરસ બની અંતર–ત્વચાને સંવેદન નમી બક્ષે છે!
શબ્દ–ચિત્રો બસ રંગીલાં સર્જ્યા કરે છે સતત હવે!
‘તેરા તુજકો અર્પણ પ્રભુ’ ગાયા કરે છે, સતત હવે!
૫૫ .- હું જોવાઉં છું !
એમ એ ઝીણી આંખ કરી ધ્યાનથી મને જુએ છે!
મારા વસ્ત્રોને,તંગ અંગને,રૂપ,રંગ–ઢંગને,ઉમંગને,
આંખોની શરમને, તેની પાછળ ઉભેલા મરમને,
ભીતરના ભાવ–ભરમને, ખુદાની નેમત–કરમને.
રોમેરોમ જાગતા ત્વચા–કંપને,તેના ક્રિયા–કરમને,
સહન કરી લેવા પડતા હોય છે,ભ્રમને,મને–કમને!
જીવી લેવા પડે નિશ્ચિત કુદરતી વ્યવસ્થા–ક્રમને ,
જીવવું પડતું હોય છે મારીને અકળ આ મનને .
૫૬ .- સ્મરણો
ગઈ રાતે સૂતાં પહેલાં,
જોયેલા અવનવા આહલાદક સ્મરણો,
સૌ મઘમઘ્યા સુવર્ણ ક્ષણોથી સવારે,
મારા અનોખા આભૂષણો,
બની રંગીન સુગંધી ફૂલોના નવલાં,
પ્યારાં આવરણો
પ્રેમ હતો કે કેમ?
આજ એમ ફરીને સવાલ આજ થતો!
સારું થયું ખબર ન પડી ,
એ તો માત્ર પ્રેમજ હતો પ્રેમ.
વાર્તા પૂરી થાય,જાણ્યું અનુભવે:
કદી મટે નહિ,એજ પ્રેમ .
૫૭ .- ખડક–શો… સાવ એકલો…,
[ ગા ઈ ડ ]
વાણી અને ગાઢ મૌન,બેફામ શબ્દો અને ચુપકીદી,
બૂમાબૂમ ને નીરવતા,કોલાહલ,ધમાલ ને સન્નાટો ,
પ્રત્યક્ષતા ને અદ્રશ્યતા,છે માત્ર ભાવવાચક નામો ,
બે તત્વના,વિરોધાભાસિતા,દ્વન્દ્વગ્રસ્ત સર્જતના ખેલ .
વચ્ચે સમયની ગૂંજ! અંતરમાં ગેબી અલખ-નાદ,-
જેનો અનુવાદ કર્યા કરું હું! નિશ્ચલ–અડગ ઊભો છું,
કોઈ રાજાના ધ્વસ્ત સ્વપ્ન–મહેલના ખંડેરો વચ્ચે !
સાવ એકલો, હું હવે નિર્મમ કઠોર ખડક–શો ઊભો છુ ,
યાત્રીઓ ચાલ્યા ગયા,ગાઈડનું મૌન બોલકું બને છે .
માનશો નહીં !-ને,મને પ્રાપ્ત છે–આનંદ–પરમ આનંદ !
કૃષ્ણનું સ્મિત ધારી! દેમાર અફળાતા મોજાં ની વચ્ચે ,
આકાશ તાકતો ઊભો છું,મને ભાગ્યેજ કંઈ સ્પર્શે છે !
૫૮ .- પ્રભુકૃપા
જીવનમાં આ ઓથાર શેનો છે? મન પર આ ભાર શેનો છે?
સપનાના ચણ્યા મહેલ ઘણા,ભારેખમ આ કાટમાળ શેનો છે?
વળગણો, ટેવો પાળ્યા કેવા ને કેટલા,બધો ભંગાર એનો છે!
ઉપાડી ફેંકુ આટલું બધું કેમ?એ ધરખમ હોંશ,હિમત ક્યાં છે?
સ્મૃતિ–વિસ્મૃતિ સતત કનડે,સતાવે, મનોવ્યાપાર એનો છે!
ભીતરમાં સંઘરા કેટલા ભર્યા,હરક્ષણ આ પારાવાર એનો છે.
સંવેદનશીલ હોવું એ ગુનો લાગે હવે! આ મૂંગો માર એનો છે.
બેસું નિજ સંગ સ્થિર થઇને, ચિંતનથી તારવું સાર જીવનનો,-
શાંતિ,સ્થિરતા પ્રભુકૃપા ઘણી,ગૂંજે જે શ્વાસોમા રણકાર એનો છે!
આકાશ જેવા આ ભરચક સુખના અનુભવોનો કાફિલો એનો છે!
૫૯ .- મારું મન
હવા વહે છે ને? ઠંડક અનુભવાય છે ને?
તું તારું સંવેદનતંત્ર છેક જ બુઠ્ઠું કેમ કરે છે?
તારા કારણો તો તને તારી પાસેથીજ મળેને?
હું તો આવા સમયે અગાશી પર જાઉં છું,
ખૂલ્લા મેદાન જેવું ઉજળું આકાશ ચારેય
બાજુથી સસ્મિત આવકારી સ્વાગત કરે છે!
મારું મન હિલોળા ઠેકા લેતું નાચવા માંડે છે!
૬૦ .- એ ક્યાં છે?
આક્રોશ,વસવસો છે,ફરિયાદ,રંજ છે
એટલા કે દૂર કાં ઈપ્સિત છે?
લય–તાલ અને પ્રાસ મેળવવાની–
મથામણમાંજ મેં ખોયું સઘળું –
સામે જે વિશ્વ ઊમટે ઉજળું!
સતત ગતિ હરફર,રણઝણ,હલચલ,
જીવન તો સરળ છે શાશ્વત!
વિશ્વાસ મારો જઈ વસ્યો–ધરીએ,-
જે ફરતી તોય ગતિ ના દેખાતી!
કેવું ગજબનું અચરજ વળી?
હું જ છું ફરતી ધરી,એના મૂળમાં,
કરામત એની, એ સ્થિર વળી!
અકળ છે,અટલ છે,છતાં
શોધ્યે ન મળે બાહ્યમાં, ના મળે કોઈ કડી .
૬૧ .- સ્થિત–પ્રજ્ઞ, પ્રતીક્ષા
એક ગાઢ નિદ્રા,-બેભાન અવસ્થા પછીની અ–મન !
કંઈક તાઝગી સભર નવતરતા, સાવ નિશ્ચિંત મન ,
ડર–વિહોણું નિર્મલ મન,બીક વગરનું નિરામય મન.
શાંત , છેક જ સ્વસ્થ મન .કશાય ભયવિહીન મન.
કોમ્પ્યુટર પર ફરતી ચકરડી કહેતી, ‘પ્લીઝ વેઈટ’
સામે ચૂપ બસ જોયા કરવું,પ્રતીક્ષા એટલે જ જીવન!
રાહ જોવી એજ માત્ર નિયતિ એનું નામ જ જીવન,
ગોળ–ગોળ ફરતું લાગતું, “હું કંઈક છું”નો મહાભ્રમ!
દૃશ્ય ખૂલતું નથી,‘સ્ક્રીન’પર ચકરડી–ફુદરડી ચાલુ છે!-
કૃષ્ણની જેમ સ્મિત કરતો,સમજું હું મને સ્થિત–પ્રજ્ઞ,
૬૨ .- સાવ છલોછલ…
સાવ છલોછલ ભર્યા અમે, અંગ–અંગમાં સ્પર્શ,
સ્પર્શના દરિયા, ઈચ્છાની હોડી એક અટુલી તરે!
પવન તમારા નામનો ,અહીં–તહીં ધકેલે હડસેલે,
મિલન નામનું મોતી ,હું મધદરિયે અમથું ગોતું,
કેટલું ડૂબવું?,કેટલું તરવું?કેટલું હાંફવું?કેમ કરવું?
આવન જાવન પરીક્ષાને કેટલું અવગણવું? મરવું ?
આકાશ જેટલું વિસ્તારો રે મન! તોજ કામ થાશે!
ક્ષિતિજ ભલે દેખાતી દૂર,ક્યાંક કશુંક જરૂર દેખાશે,
શ્વાસોની સાથે મિલાવી તાલ,ચાલો હવે જીવ અનંત,–
એક ઘડી એવી આવશે! ખુશી–આનંદ તંતોતંત થાશે!
૬૩ .- પણ
લો બીછાવી આ મૌનની લાલ જાજમ,પણ,
સિર્ફ તમારે માટે આવકારના આલમ,પણ,
આવો ઉપલબ્ધ છું આજ,હોઈશ કાલ ,પણ,
હતો જેમ સ્થિર પ્રતીક્ષામાં,ગઈ કાલ પણ,
તમે ન આવો,આવી ન શકો ભલે,તો પણ,
સિર્ફ તમારે માટે રટણ ચાલુ જ, આજ પણ,
તમારી–મારી મજબૂરીમાં ના ફર્ક સે’જ પણ,
તમે ત્યાં લાચાર,હું અહીં,છે ના રંજ લેશ પણ,
સતત શ્વાસ જેવી ભીતર તમારી હાજરી,પણ,
એના જ તાકાત–ખુમારી રહે છે હમેશાં, પણ,
લોકોને થાય છે અચરજ, ‘ છે સાવ મૌન’,પણ
દિવ્ય કો’ ધ્વની’ગૂંજતો લાગે દિન–રાત,પણ
આવવું અને જવું છે, છેક જ ગૌણ,એમ પણ,
એમ આપણી જાત છે,સમય જેમ સતત પણ.
૬૪ .- વરસાદ
વાદળ ના વરસે ઝાડ,ઝરણ કે પથ્થર જોઈ,
આકાશને ક્યાંપહાડ,કે રણનો હોય ફરક કોઈ?
વાયુ વહે સહજ નિર્વિકલ્પ,અહીંતહીં દશે દિશાએ,
અગન વરસે બેહિસાબ ઉનાળે, ના શરમ કોઈ!
કુદરતી છે જે સઘળું હોય અમાપ,બેફામ ભાઈ!
માપી,જોખી ગણતરી કરે તે માણસ હોય ભાઈ!
૬૫ .- ભૂલી બેઠો
પાછું વાળીને જોવાની આદત હું હવે ભૂલી બેઠો!
નજર આગળ અને ઊંચે,અટકવાનું ભૂલી બેઠો!
તું અચાનક આવીને સન્મુખ પણ થાય એવો.-
ફરી પાછું ભૂત જેમ ભટકવાનું હવે ભૂલી બેઠો!
માફ કરજે,પ્રેમના પારખાં કરે,પેટ ભરી પસ્તાય!
પ્રેમ, વ્હેમના ત્રાજવાંથી તોલવાનું ભૂલી બેઠો .
૬૬ .- હું
હું શુષ્ક સૂક્કી ઠરેલ ગભરુ શાંત,મુજમાંજ મસ્ત,
પ્રતીક્ષા કરું આભાસની!
હું અટલ ઊભી કિનારે મારે ના નીકળવું પ્રવાસે,
એજ આવી મળશે મને,
ઈપ્સિત મારું એ જાણે પૂરું બધું !
આકાશના અવનવા રંગો વિસ્તરે રમે,
હું રમમાણ એક ભીતરની ધૂનમાં બહુ!
અંતરના ઓરતા શમ્યા બધા હવે!
ભીતર થયું શાંત નિતાંત,
હળવો શો શ્વાસ જેવો એહસાસ સ્પર્શે રમે..હવે!
અસ્તિત્વ થયું ધન્ય ધન્ય
હયાતિ ઉજળી થઇ પ્રકાશે ઝગમગે નિરંતર હવે!
૬૭ .- સ્વ સાથે મુલાકાત
તું અતિવ્યસ્ત બની રહી છેક બે–ખ્યાલ થયો હતો,
હું એ વિષે ભીતરની અસ્વસ્થ ખળભળ થયો હતો.
કુદરતના આશીર્વાદે,એકાંતને ઉપલબ્ધ થયો હતો,
બાહ્યમાં મનનુ ધાર્યું કરતો,હવે ભીતર વળી શકું છું.
સ્વસ્થ થઈ,એકલો બેસું છું,જાતને સાંભળી શકું છું!
આંખમાં આંખ મેળવી, સામે જોઈ વાત કરી શકું છું.
માત્ર કલ્પિત પારદર્શકતાનો પરદો છે,જોઈ શકું છું,
એને મારો પડછાયો બની પ્રદક્ષિણા લેતો જોઈ શકું છું!
૬૮ .- મરી મરીને …
એટલો ગભરાઉં છું,આ “પ્રેમ” ની દુનિયાથી,
કે, હવે માંડુ છું ડગ એક એક ખૂબ ડરી ડરીને,
એણે તો ઢોળી નાખ્યો ક્ષણમાં,પ્યાલો ‘પ્રેમ’નો,
મેં ભર્યો’તો પ્રેમથી મારું જીગર ખાલી કરી કરીને,
કૂણી લાગણી- ફૂલોની જરાયે જરૂરત નથી હવે,
હૃદય સાવ પથ્થર થયું છે,બહુ ઘાવ સહી સહીને,
આ દિલાસો,સાંત્વન, ઠાલાં આશ્વાસન તણા ઝાંસા,
અપાવે છે યાદ એના ચાલ્યા જવાની, ફરી ફરીને,
મહેફિલ બધી આ પૂરી થઈ, સૌ ચાલ્યા ગયા હવે,
અય સાકી, મદિરા કાં ચડે છે હવે રહી રહીને?
આમ કાં બેમુરવ્વત થાય છે ઓ ખુદા તું આજ ?
મેં તો ગુજારી છે જિંદગી,તને નમન કરી કરીને.
અય મૌત તું શું પામીશ ‘કંઈક’ને કાબૂ કરીને?
એને તો જિંદગી ગુજારી છે ફક્ત મરી મરીને!
૬૯ .- કવિનો શબ્દ
કવિનો પ્રયાસ હોય છે,
જોડવાનો સંગીન કો‘ તંતુ,
કવિ હકીકતમાં,
ભીતરમાં ઠરેલ,શાંત હોતો હોય છે.
એટલેજ કવિ કહે છે :
હું ભીડનો માણસ નથી, એકાંતનો જીવ છું !
કલ્પના મારો શોખ,એ લઈ જાય નવા રસ્તે,
આકાશની પેલી પાર લઇ જાય છે.
એનો ના કોઈ આરંભ છે ન અંત
૭૦ .- હજી તો…..
હજી તો, “સાંભળવું” શીખી રહ્યો છે ‘કાન્ત ‘
એ બોલશે ત્યારે બધા ચૂપ હશે,સ્તબ્ધ શાંત!
<પ્રતીક્ષા જ જીવન>,સમજ ,ધૈર્ય ધર’કાન્ત’,
તારા નસીબનું છે,તુજ સુધી,આવી પહોંચશેજ!
છેવટે મને–કમને પીગળવું પડતું હોય છે યાર!
ભલભલાની અકડ છૂટી જતી હોય છે, ‘કાન્ત’
હક પોતાનો સમજી,માગ્યા કરે છે સતત લોકો,
કોણ કોનું એમ હજમ કરી શકતું હોય છે યાર?
ક્યાંક કોઈક બાકી રહેલા કરમના એ હિસાબો,
ઋણ–ચૂકવણું , દેણું,સરભર કરવા મળ્યા યાર ,-
સંદેશ આ અંકે કરી, મળેલું દિલથી માણી લે યાર!
“જો મિલા તુઝે,હંસકર સ્વીકાર કર,મૌજ લે યાર! ”
બાકી,‘આના–જાના‘,મિલના–છૂટના જીવન હૈ યાર!
હંસકર જી લે,યા રોકર બીતા દે,તુઝે દેખના હૈ યાર!
૭૧.- દીકરી એટલે…એટલે સવાયો દીકરો
પતિ – પત્ની જેવા નાજુક પ્રેમ,સ્નેહ,લાગણીભર્યા સંબંધ
તે સંબંધનું ફરજંદ– એટલે સંતાન .
પિતા/માતા પુત્રી,સંબંધનું પારસ્પરિક સંબંધની સગાઈ,
‘દીકરી ‘ નામ સાથે જોડાયેલી છે,
એટલું તો મહેસૂસકરી શકાય છે કે,-
એવાંસગપણ અહીં છે,અહીં છે, અહીં છે,
જેમ કાશ્મીરને વિષે કહેવાય છે કે,
’સ્વર્ગ’ અહીં છે,અહીં છેઅહીં છે…
તેમ!
દીકરી ,-એટલે હક–દાવાપૂર્વક પિતાને લાડથી વઢી શકે ,
એ પિતા–પુત્રી ના સંબંધનું લાડકડું જોડાણ
લાલ– કરડી આંખવાળા એક અક્કડ વટવાળા,
‘બાપ’ નામે પુરુષની મહાનબળાઈ
ભલભલા ખમતીધર પહાડ જેવા સખત કડક
બાપને પણ પીગળાવી કરી શકે તે દીકરી.
તેની સાથે જોડાયેલો છે,
–નઝાકતભર્યા એક સંબંધનો મનોભાવ.
સામાજમાં આ સંબંધને ઘણી ઉપમાઓ મળી છે!
દીકરી એટલે ‘જવાબદારી,સાપનો ભારો’
એ હવે જૂનું થયું,
બદલાયેલા સમયમાં –
એ કમાઉ,પોષક દીકરા જેવી બની ગઈ છે.
એટલે આપણે કહેવું પડશે કે …
દી કરી એટલે …. સવાયો દી ક રો .
૭૨ .- એવું બને?
જો હું છું, તો, ઈશ્વર છે! શું એવું બને?
મને પોતાનું સ્થાન–ભાન મળે તો બને॰
છે હયાતિ બેઉની પારસ્પરિક,એ હકીકત ,
એમ ન હો તો, કેમ એણે બનાવ્યો મને ?
ગમતું નથી,એટલે ફરીફરી જન્માવે મને ,
ગણતરી ચોરાશી લાખની,ભૂલે એવું બને ?
૭૩ .- તુજ વિના
તારા ગયા પછી,
મન–પંખી એકલતાની ઉષ્માથી
ઉદાસીના ઈંડા સેવે છે ત્યારે,
અચાનક ….
મૌનનાં બચ્ચાં કલબલ કરતાંક ને
બહાર નીકળે છે,ને,
બધાંય જાણે –
‘તું ક્યાં ગઈ?’, ‘તું જલ્દી આવ’
એવા પોકારો કરતા હોય તેમ લાગે છે!
“મારી એકલતા” અને “તારા વિચારો”
જ્યારે સંવનન કરે છેત્યારે,
મારા મન ને ગર્ભ રહે છે …
પછી…
અનંત પ્રેમાલાપ, ભીની દીવાનગી,
અદીઠાં મીઠાં સપનાં જન્મશે
એવા એંધાણ વર્તાય છે!
૭૪ .- કવિ
કવિ , એટલે જ, કલ્પના,ભાવ–લાગણી સંવેદના ,
અનુભૂતિની અભિવ્યક્તિ,કર્મ કર્તુત્વ ની પરિણતિ .
“પ્રેમકરો, કોઈને માટે નિસ્વાર્થ ભાવે કંઈ કરો”
ને, ખુશ થાઓ,આપી શકો એજ તમારું છે !”
વાંચી શકો, તો રસથી વાંચો, કવિની આંખો,
એ આંખોના આયનામાં આત્માપૂર્ણ દૃષ્ટિજ છે,
પોતાની સાચુકલી સાફ છબી જોઈ શકે છે.
કવિ,બ્રહ્માંડના–દર્શન પણ કરાવી શકે છે !!!
૭૫ .- અનહદનો આહલાદ
સૂર્યપ્રકાશનો સોનેરી રંગ,ઉમંગ અંગ અંગ ,
પ્રિય ઉલ્લાસનો મીઠો ઊઠે પ્રકંપ અંગઅંગ.
લહેરો સાગરની ને,મતવાલા મનના તરંગ,
આંખો આનંદ લે,અનહદનો આસવ અંતરંગ.
રોમરોમ બજી રે’સુરીલી હળવી તરન્નુમ–તરંગ.
સાથ–સાયુજ્ય, ઉષ્મા–હૂંફ નો અનેરો આસંગ,
ધીમા જલતા ધૂપ શો વર્તે હલકો સુગંધ રંગ.
ગોરા ગાલોની કોમલ ત્વચા વિલસે કણકણ,
રોમરોમ રમતી રહે,રંગીલી રમણા–રણઝણ,
અનુભૂતિના અનુવાદો ,નીખરે ગાલે રક્તરંગ.
પુષ્પ–પાંદ શા હોઠોએ, રમી રે’ રાગ સ્વચ્છંદ,
આ ઊગતા પીળા સૂરજની શાખે થાય એકરાર,
આ કેશરિયો પીળાશ ભર્યો મનહર, તેજ બરકરાર,
સ્પર્શ–સ્પંદનની શાખશાખ, થાય લીલા–તરંગ.
તનમનમાં આંદોલનો ધસમસે લાખ બે લાખ.
પંચેન્દ્રિયનો પારાવાર થાય અનહદનો સત્સંગ .
૭૬ .- કોને કહેવી વાત ?
જામેલું ઘનઘોર અંધારું વ્હેરવા,
ભીતરના ગાઢ તમસને ખાળવા ,
ખપશે સુર્ય–કિરણની તીક્ષ્ણ આરી,
આલો,કોઈ તીણો પ્રકાશ એ કાઢવા !
ક્ષણોના કાફલાની આવ–જાવની,
તીક્ષ્ણ દાંતાળી એ ધાર કરવતની,
જાણે વ્હેરતી વારંવાર જાત મુજની-,
કોને કહેવી વાતપીડાની,કળતરની ?–
૭૭ .- સ્વયં
થતું આવ્યું છે બધું અહીં ક્રમસર સ્વયં,
નવું એમાં કંઈ નથી!છે ફેરબદલ સ્વયં.
આંખો ઘણું ભાળે,એ બધું અલગ સ્વયં,
હોય જગા,સમય, લોકો અલગ સ્વયં.
ઋતુ,વાતાવરણ તો બદલાયા કરે સ્વયં,
ગતિનું શું છે? એ તો ચાલ્યા કરે સ્વયં .
પ્રજ્ઞા–પુલકનો સિક્કો સોનાનો એમાં ચળકે સ્રોત ઈશ્વરનો,
સેન્ડવિચ જેવી સ્થિતિ, અહીં ખીણ ને તહીં મૌતના ફટકા॰
સે’વાય કેમ? ચીરી નાખતી તીક્ષ્ણતા,એક ઘા ને, બે કટકા,
ઇતિહાસ પોતાનો ગમે તેવો હો,હ્રદયના ગમ તો હોય છે!
વાતો એની ફરી–ફરીને સહજ જ કહેવાઈ જતી હોય છે !
અનુભવ–કથાની જેમ … સ્વયં વહેતી થઈ જતી હોય છે॰
વાતો તો ઘણાય કરે છે મુલાયમ મુલાયમ,
પણ ભીતર જુઓ તો, કાળા પાણા જ પાણા!
એમ ક્યાં કોઈ કંઇ આપી દેતું હોય છે કોઈને?
હકીકતમાં,વહેવારમાં તો સહુ શાણા જ શાણા!
બાહ્યમાં સૂટ–બૂટ!સજ્જનતાના ગાણાં જ ગાણાં
ગંજી–ને મોજાં,કચ્છામાં,અંદર તો કાણાં જ કાણાં!
સંબંધની ખરી વ્યાખ્યા શું,કેવી રીતે કરવી હવે?
જ્યાં મકસદ બધેય એકજ,સિર્ફ નાણાં જ નાણાં!
મને ફાયદો શું? મૂલવણી તો આખર નોટો–નાણાં?
કાયદા,નીતિ,રીતિ નિયમ તો ગણે સૌ અન્યો માટે!
ખુદને ગણે છે અપવાદ, ખુદ જાણે રાણા જ રાણા.
‘હું આમ’ને,‘હું તેમ’બસ બડાશના ગાણાં જ ગાણાં!
૭૯ .- શું થયું?
પેલા ઓઢેલા અવનવા નામનું પછી શું થયું ?
તને આપેલા નાનકડા કામનું પછી શું થયું ?
સ્પર્શ,સ્પંદન,કંપ ને રણઝણ જે બેફામ હતા,-
એ અદા–એ–વફા,એ યારાના પ્યારનું શું થયું?
કો’કની સ્વાર્થી સલાહને તરત તાબે થઇ ગઈ?
આખરે આપેલા તેં એ બધા વાયદાનું શું થયું?
૮૦.- એ અને કવિ
એ મને મળે એમ,દૈવી કો’ હાથથી ઝરે કંકુ જેમ ,
પ્રભુના પારસ–સ્પર્શનો પિરામિડ માથે ઉભો જેમ .
છાયા અને પડછાયામાં જીવતા , ફૂલોની જેમ ,
આભાસ એજ “સત્ય ” જાણ્યું અમે, શ્વાસની જેમ .
લીલાશ કોમલ પાંદડીઓની, ફૂલોનું સ્મિત છે ,
મારા હોઠ પર છે,એવા સત્વશીલ સાચા શબ્દો ,
જે અંતરની ફળદ્રુપ પવિત્ર ભૂમિમાં ઉગ્યા છે,
જોડી આપવાનો તમારી પોતાની જાત સાથે !
સવાલ તો મૂળ હોતો હોય છે–તમારી ભીતરના,
કેન્દ્ર–બિંદુના કૌવતને સહી ઉજાગર કરવાનો,
મનપસંદ રંગોના આકાશમાં ઉડવાનું મળે !
એવું સદભાગી પંખી તો કોઈકજ હોતું હોય છે !
ઊંચી ઉડાન જેવી પાંખો બધા પાસે નથી હોતી ,
કવિ તો કલ્પનાના ‘જીવંત’ રંગો પૂરીજ લે છે,-
કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન–તત્વ ,
શબ્દ–સંજીવની–તત્વ, તેને સદા વર્તે જીવન–સત્વ .
૮૧ .- અસલી સંગત
જો….
મન જાય મળી અને જ્યાં હૈયું જાય હળી,
પછી કોઈ બાબત એવી અંગત નથી રહેતી.
પણ…
જરા સરખી શંકા તણી જો તડ પડે આપસમાં,
પછી એ સંબંધમાં એ અસલી રંગત નથી રહેતી.
બાહ્યમાં સંબંધ હો ભલે અકબંધ,દિલ ન માને તો,-
સાથ હો હરદમ છતાં,અસલી સંગત નથી રહેતી .
૮૨ .- ઈશ્વરનું અસ્તિત્વ–તત્વ
ઈશ્વર પોતાનું અસ્તિત્વ–તત્ત્વ સાંકેતિક રીતે માત્ર મનોભાવો દ્વારા પણ વિના કોઈ
પ્રયત્ને સહજ જ કોઈ સમય–સારિણી,મુહૂર્ત વગર અચાનક પ્રકટકરીદેતો હોય છે!
તેની અનુભૂતિ માણી શકનાર માટે આ અતિ અદ્દભૂત–આહલાદક હોઈ શકે છે !
તેનું બયાન કર્યા વગર તે રહી ન શકે, એક હકીકત છે!
તેની આગવી રજૂઆત– અભિવ્યક્તિની કળા જ ગણી શકાય !
પણ એ ય અધૂરું છે ! તેથી બાહ્યમાં વ્યક્ત થયું!
નહીંતો, જો સંપૂર્ણ સમયક્ત્વ,અનુભવ મોક્ષ/મુક્તિ/નિર્વાણ/સાક્ષાત્કાર જેવું હોય,
તો પછી એકાકારતા–એકત્વગત હોય તો, છેક જ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસનાર કલાકાર ,
તે વ્યક્ત કરવા–કહેવા બીજું તત્ત્વ હાજર જ ન હોય!
પરમ ચરમ શાંત મૌનજ હોય પરમ તત્ત્વનું !
હા, પણ એમાં આનંદ–પરમાનંદ જ હોય…
૮૩ .- કવિતા ભીતર
કવિતા જો ભીતર હોય તો બહાર દેખાય!
શબ્દોનું તો એવું, ગમે તે અર્થ પહેરી દેખાય!
શબ્દો તો ક્યારેક મળે,ખોવાય આવે ને જાય!
બસ,તાલ–મેલ અંતરમાં એકવાર મળી જાય,
થાય આ જીવન સફળ, દમદાર ફળી જાય!
એની કૃપાનો એક ઝોકો આણી કોર વળી જાય!
વરસે એ , અનરાધાર શબ્દોના ધોધ પડી જાય.
ભીતર ભર્યું નક્કામું જે બધું, નીકળી ખાલી થાય.
૮૪ .- વહી નીકળું છું.
તેં મને ક્યાં ક્યારેય કોઈં અન્યાય કર્યો છે?
પથ્થરિયા મૌનને બેધ્યાનપણું ગણી લીધું ,
પણ, હું તો ભરપૂર,છલોછલ હોતો હોઉં છું!
મનના સાગરે ઉભરાઉં,ત્યારે વહી નીકળું છું.
મને અતિપ્રિય દિશા–પ્રદેશ–વ્યક્તિ તરફ ,
ભીનાશ ઝીલાય કે નહીં એ તો ઝીલનારના
આળા કે રુક્ષ મન–મિજાજ પર નિર્ભર કરે છે,
પણ, હું તો બસ સદા એમ જ વહી નીકળું છું.
૮૫ .- વિસ્તરું
રમે છે ભીતરમાં , “હું જ ઈશ્વર છું” ,
રજકણથી વિરાટ શૂન્યમાં વિસ્તરું,
સમજનું માપ,પરીઘ-વિસ્તાર હું બનું,
ઈશ્વરપણું ધારણ કરી ,બ્રહ્માંડે હું વિસ્તરું,
માણસપણું તજી ચારે તરફ હું વિસ્તરું ,
કુદરતના કરીશ્માને સર્વત્ર હું નિહાળું,
ખુદની હસ્તીને સમજી-પ્રમાણી પરહરું,
હમણાં અહીં, પછી ત્યાં એમ ફરતો રહું ,
ગતિ એજ મારું કામ નિરંતર,કરતો રહું,
ને, એમ સતત પ્રતીક્ષા હું કરતો રહું !
૮૬ .- એકાંતે મારી મુલાકાત!
ક્યારેક હુંજ મને ટપલી મારીને પૂછું છું :
તને ખપે છે શું? શાંતિ? ખુશી? આનંદ?
મકાન? વાહન? સાધનો? પૈસા? સંપતિ?
મૂળે,હુંજ નક્કી નથી કરી શકતો!શું ખપે?
આ ચારે બાજુ અવાજ,ઘોંઘાટ,કોલાહલ,-
આ રેડિયાના ગણગણાટ,ખડખડ,ધમાલ,
બરાડતા મોટા ટીવી. તમાશાની બબાલ,-
આ બધું ન હોય તો,કઈંક મોંઘેરું ખોઉં છું,-
એ એહસાસ કેમ મારો કેડો મૂકતો નથી?
ને, વણથંભી આ વાણીના વળગણ વહું!
આમ સ્વગત થયેલા પ્રશ્નો શું સૂચવે છે?
મારી દુઃખતી નસ પર આંગળી મૂકે છે !
બાહ્યમાં વધુ ને વધુ,ગળાડૂબ વ્યસ્ત રહું,
આ પોતે પોષેલા પેંતરાના ફાલ નથી શું?
તો પછી, કેવી ખુશી ને કેવા સુખ–આનંદ?
૮૭ .- કવિતા અને પરમ–પદ
મારે મન કવિતા એટલે…શબ્દો દ્વારા ,શબ્દો પ્રત્યે પ્રેમ–ચાવ–લગાવ ,
આંદોલનો નું આકર્ષણ,અર્થો મર્મોનું મંથન,વિચારોના ભાવ–વળગણ,
લાગણીઓની હલચલ,ભીની કસક, ધીમી ધડકન,ઝીણી હળુ રણઝણ,
ક્યારેક સુહાની યાદોની સહલ , હલકીશી થિરકન, સૂરતાલ સરગમ,
ને, બસ, મધુમાસજ,મધુમાસનો એહસાસ, શબ્દ સત્સંગ તીરથ પરમ,
જીવંત હયાતિ ને એકાંત–રસની નીપજ,દેખાય બસ માત્ર પરમ–પદ .
૮૮ .- જીવન
જીવન સદાયે તાઝું, સતત! ઉલટ–સૂલટનો ક્રમ, નિરંતર,
સતત નિરંતર રમણ,રણઝણ!શ્વાસોની સહજ આવન–જાવન,
મૂળમાં,સ્થિર,સ્થગિતકશું નહીં.સર્વમાં ગતિ–વિસ્તાર સમાહિત,
અવર પર નિર્ભર એમ પરસ્પર,પૃથક,પણ નિબદ્ધ સાવ કડીબદ્ધ!
સળવળ હલચલ, બાહ્યમાં ભાસે,હરફર,અવર જવર કાયમ દિસે.
ચક્ર ગતિમાન, ધરી કેન્દ્રે સ્થિર! સ્વયંસંચાલિત છે બધું જ,મૂળે!
અકળ તત્વ છે ઓતપ્રોત સર્વત્ર,ગતિમાન છે અસ્તિત્વ સમગ્ર !
નિરંતર છે,સતત છે,શાશ્વત છે!મૃત્યુ અલ્પવિરામ,એ જીવન છે!
૮૯ .- મન, ને, પ્રશ્નો!
ભરચક મધપૂડાને મધમાખીઓ વળગી રહે જેમ,
વિચારો મંડરાયા કરે છે, ઘેરે,આસપાસ ચોફેર તેમ.
જ્યારે સૂમસામ રાતની અધવચ્ચે ધાડ પાડે એમ,
યા ધોળા દિવસે એકલો ભાળીને મને પકડી લે એમ.
એની ઊછળતી ભરતીને ક્યાં કોઈ સીમા?કોઈ રોક?
સહસ્રારના શિખરને ટોચ ક્યાં? મન કૂવાને ક્યાં તળ?
વિચારો ક્યાંથી આવે ને,કોણ જાણે ક્યાં જાય આગળ?
મારા મનના ખેતરે ઊભા અઢળક મોલ,નજરાવે કાળ!
મારી લીલી લાગણીઓ,લણી જાય સમયની એક ફા ળ!
૯૦ .- અમે તો ! મસ્ત…
કોમલ કોમલ ભાવ ના કાયલ અમે તો !
નાજુક પાંદ,પતંગિયાની પાંખ શા અમે તો.
કે, અડો તોય ઘાયલ થઇ જઈએ અમે તો !
જરીક સુગંધ એક વાર મ્હોરે, અડી જાય તો,
પવનની સુરભિત– મસ્ત લહર અમે તો!
વીણાના ઝીણા બંધન–પરસ્ત તાર અમે તો,
સહેજ છેડો તો રણઝણ પારાવાર અમે તો .
સરવરજલ પર ચાંદની ઝળહળ અમે તો,
લગરીક હલકો શો શ્વાસ અડે અમસ્તો તો ,
મચે હલચલ એ ઝિલમિલ જ્યોત અમે તો!
મન વચન કાયા ભીતર બહાર હોય એક તો,
દેખાય અદ્દલ સાચ,એ દર્પણ પોત અમે તો!
૯૧ .- બસ, આમ કવિતા મ્હોરે છે !
સમયની લહર પર ‘કઈંક‘ અધ્ધર તરે….ત્યારે..
વાલ્વ વગરના નળમાંથી વહેતા જળની જેમ,
ભીતરના કો‘ અણસારે,કલમમાંથી શબ્દો ઝરે છે,
અચાનક આનંદના ફૂવારા અંદરથી ઊડે છે ત્યારે…
હયાતિ હલકી થઇ પતંગિયું બની રંગો તરે ત્યારે…
શત–શત સોયની ચુભન ભીતરમાં વીંધે,પીડે ત્યારે…
ન સુલજતી કો‘ સમસ્યા રાતભર કનડે,સતાવે ત્યારે…
પ્રિયજનની જુદાઈ ની વ્યથા બેચેની બની પીડે ત્યારે…
દિવાલપરના આયના જાતને ખુદ સામે ઉઘાડા પાડે ત્યારે…
તારીખિયાના પાનાં ફરફર ઉડી, ‘હોવાની‘ હાંસી ઉડાવે, છેડે,
સતાવે ત્યારે…કયારેક….
કવિતા મ્હોરી ઉઠતી હોય છે ….અચાનક!
૯૨ .- સમયના વિષે….
કેમ આમ છેક બેફિકર છો સમયના વિષે?
લોકો તો ઘાંઘા થઇ દોડે છે સમયના વિષે!
તમે ચૂપ્પ! કંઈ બોલો નહીં! સમયના વિષે!
લોકો કેટલું બોલે, –લખે છે, સમયના વિષે!
‘ભૂત,આજ,ભવિષ્ય‘,-ભાગ સમયના વિષે!,
છતાં કોઈ કંઈ ક્યાં પામ્યું સમયના વિષે?
‘કાલ‘ગળે વળગાડી ફરતા, સમયના વિષે!
કાલની સૌ ચર્ચા–ચિંતા કરે, સમયના વિષે!
એકવાર આવ્યો,ગયો,સાર સમયના વિષે!
ટકે ન મન ઘડીક,એક સ્તરે, સમયના વિષે!
શ્વાસ આવે, જાય, કે રોકાય, સમયના વિષે!
લાગે અટકેલો,બાકી ગતિ છે, સમયના વિષે.
જો મેળવી લય–તાલ, વહો સમયના વિષે,
તરી જાવ ભવપાર,એ સાર, સમયના વિષે.
૯૩ .- સ્પર્શની તાકાત
સ્પર્શની તાકાત કેટલી છે ? અમાપ હોઈ શકે!
એક સ્પર્શમાં વીજ–શક્તિપાતના બીજ હોઈ શકે!
માત્ર એક સ્પર્શના સ્પંદન હજારો,લાખો, હોઈ શકે,
સ્પર્શને લીધે અંગેઅંગમાં આગની જ્વાલા હોઈ શકે.,
આત્મ–ચેતનાના તરંગ–સ્પર્શમાં ચમત્કાર હોઈ શકે ,
એક તૃણના મૂળમાં જંગલોની શક્યતા હોઈ શકે !
સ્પર્શથી ,ત્વચા–પર ભૂકંપોની શક્યતા હોઈ શકે,
બોમ્બ–વિસ્ફોટનું બીજ એક મનોભાવમાં હોઈ શકે !
સમષ્ટિના એ સર્જકનું મન ક્યાં? ગમે ત્યાં હોઈ શકે !
કોઈની આંખના ચમકારની આંચમાં વીજ હોઈ શકે !
૯૪ .- પછી શું?
આ મળ્યું ,તે મળ્યું, ઓલું મળ્યું,પેલું મળ્યું! પછી શું ?
તરસ, તલપ,પ્યાસ,ઝંખના વધ્યા કે ઘટ્યા? પછી શું ?
ન ઘટ્યા હોય તો હજી જજુમવાનું છે! લડવાનું છે! શું ?
ને બધું પતી ગયું હોય તો, નિરાશા છે?- ‘કંઈ નથી હવે?’
સ્થગિતતા ના અકડન,જકડન, અકળામણ મૂંજારા છે?
તો, નક્કી કરી લો, કે હવે ખપે છે શું? હજી દુખી થવું છે?
અહીં ઊંડો ફૂવો છે,ત્યાં “પછી શું?”નો ધૂણતો ભૂવો છે!
વાત મૂળ ખુદને તપાસી, નિજ મર્યાદા જાણવાની છે!
વાત હકીકતમાં તો, જે મળ્યું તે, દિલથી માણવાની છે!
ઉત્તર શોધી શકો તો, નિશ્ચય, નિર્ણય કરો,-કે,”પછી શું ?”
૯૫ .- ફોરાં વરસે
બારી બહાર સરસ બરફના ફોરાં વરસે,
જાણે રૂ જેવા હલકા, બરફના ફોરાં વરસે,
થર પર થર પર થર એવા ફોરાં વરસે!
રણઝણ,સ્પંદન થાય કેવાં? ફોરાં વરસે!
અંતર ઝૂલે એક લય બસ, ફોરાં વરસે!
જંતર બાજે ઝનઝન એમ, ફોરાં વરસે!
રોમ રોમમાં થાય થનગન, ફોરાં વરસે ,
અંગઅંગ આ લથબથ થાય, ફોરાં વરસે,
આ ઊનાં ઊનાં શ્વાસ જોને, ફોરાં વરસે!
ને, ભીતર થઇ હાશ! જોને,ફોરાં વરસે!
મળી ગયા પ્રાસ હૃદયના ,ફોરાં વરસે!
અમે થયા તદ્દરૂપ સમયમાં,ફોરાં વરસે!
૯૬ .- મતલબ શું છે?
તું આવે ને મળાય નહીં દિલથી,તેનો મતલબ શું છે?
શબ્દોના ચકરડામાં ફર્યા કરીએ,તેનો મતલબ શું છે?
પાનાં ખૂલ્લાં રાખી રમ્યા!જીત હારનો મતલબ શું છે?
સમય પસાર થયો એટલુંજ,પણ,તેનો મતલબ શું છે?
ભ્રમોમાં છબછબિયા થોડા તમે કદીયે કરી જોયા છે?
એવી પળોના રોમાંચ કદી થોડાક પણ માણી જોયા છે?
વિમાસું છું તારો સંદેશ અર્થીને,- કે, ‘આવીને મળ‘, નો મતલબ શું છે?
તેં તો ના પાડી‘તી સહેજ હસીને, કે–સાવ ઉઘાડા છળનો મતલબ શું છે?
આમ તો આવતી ને જતી,કનડતી!શ્વાસે ટકેલી પળનો મતલબ શું છે?
“હું” જેનું મૂળપોત સજ્જડ,વજૂદ છે!એ અહંના વળનો મતલબ શું છે?
આંસુ હો હર્ષના કે અવસાદના,છતાં,-દરિયાના ખારા જળનો મતલબ શું છે?
કર્યા છતાં કેવું અને કેટલું, ક્યારે મળે?અચોક્કસ એવા ફળનો મતલબ શું છે?
બેઠા અંધારે થઇ સ્થિર સમથળ ત્યારે,-‘થતું વચ્ચે ઝળહળ!‘,નો મતલબ શું છે?
૯૭ .- ….કે, ગમતું નથી !
દેહમાં એમ કંઈ છમકલાં થયા એવાં,કે,
હવે તો, બાહ્યમાં કંઈ પણ ગમતું નથી!
હર્ષ ને શોક કંઈ એ રીતે ઘરના થયા,
જન્મ મરણ કંઈ જરાય અડતું નથી!
દૂર કેવા લોક ઘરના પોતાના થયા,કે,
જૂનું કંઈ યાદ કરવાનુંયે ગમતું નથી!.
સંબંધો કંઈ એવા પોકળ ખોકલા થયા,
કે,અમથાં અમસ્તાં તણાવું ગમતું નથી.
૯૮ .- હોવી જોઈએ !
તારા પક્ષે પણ એટલીજ ઉત્કટ આતુરતા હોવી જોઈએ,
મેં ઇન્તેઝાર કર્યો,તારી પણ પ્રતિબધ્ધતા હોવી જોઈએ !
મેં સાદ કર્યો‘તો તને,તું નિરુત્તર, મૌન, સાવ ચૂપ્પ રહી!-
લાગણીના પડઘા,પ્રતિસાદની આવજાવ હોવી જોઈએ!
તું બોલે નહીં, દિલથી પૂરી વાત નથી કરતી કયારેય,
કે,ક્યાંક વિશ્વાસના શ્વાસ કમ પડતા હશે? વિમાસુ છું!
સમય તો હોય જ,ઈચ્છા,-રસ રુચિ હોય તો, કહેવું પડે?
તું બોલે નહીં, લખે નહીં,સંદેશ,ખબર કંઈ મોકલે નહીં!
સવાલોના જવાબોની અપેક્ષા હોય જ ને સવાલીને?
મભમ,મોઘમ,ચૂપકીદી મૌનને કોઈ કેમ એમ ઉકેલે?
૯૯ .- નારાજગી! ???
સ્વયં તું આવીને અચાનક ઊભી રે’છે સામે,
ઝંખનાઓ બધી મૂઢ સ્તબ્ધ થઇ ગઈ સામે!
એ બધું પછી ક્યાંથી કયાં દૂર લઇ જતું મને!
એની કલ્પનાથી જરીકે કંઈ નથી થાતું તને?
શું દશા મારી યાદ નથી આવતી જરાયે તને?
તું પાલવ ઝટકી કેવી મરકી‘તી?યાદ છે તને?
જેટલી તને મારી ગણી,એવીજ પીડા છે મને!
તું શું જાણે તૂફાન કેવા ને કેટલા નડ્યા મને?
સાધનો, હથિયારો બધા બુઠ્ઠા થઇ તાકતા મને!
કોણ કેટલું ક્યાં ચીરાયું, કંઈ ગતાગમ છે તને?
તારી આંખમાં વસેલા ખુમારના સમ છે તને!
એક વાર દિલથી આવીને મળ તો ખરી મને!
લાખ કોશીશો કરી ભૂલાવી શકે તો કે‘જે મને!
એકલી પડે ત્યારે ખરેખર પ્રેમથી પૂછજે તને!
ભૂલો કર્યા પછી અહંના ચડ્યા કરે વળ અને!
ઝૂકીને કબૂલી લેવું, સહેલું નથી ખબર છે તને?
૧૦૦ .- સન્નાટો!
તેં કરી તારી અંગત વ્યથા–કથા,ઉડતા પવનો સાવ થંભી ગયા,
વાદળો પણ ગાયબ થઇ ગયાં, ઉછળતા સાગરો સ્થિર શાંત થયા ,
ફૂલોના હાસ્યો છેક વિલાઈ ગયાં,વૃક્ષોય છેકજ સ્થિર શાંત થયાં,
પંખીઓ સ્તબ્ધ ને ઉદાસ થયા,પર્વતો સમાધિસ્થ ને શાંત થયા .
કોઈ પૂછે છે હળવેકથી, મને,: “શું હું તારે માટે કંઈ કરી શકું?”
હું મૂઢ, હવે મારા વિષે શું કહું?ન જાણું, હું ક્યાં છું? હું કોણ છું?
ક્યાંથી આવ્યો? કયાં જવાનો? ખુદને પૂછી, કરી જાત–તપાસ,
તેના આ પરિણામ છે? ભય, ચિંતા ને ચૂપકીદી બહુ જ કનડે છે!
કબરસ્થને બહુ જ પ્રેમ કરનારો, કબર પાસે બેસી ખૂબ રડે છે,
ત્યાં સુહાના પીળાં ફૂલો ઉગે છે! તું રંગીલી મુખરિત થઇ બોલે:
તારા નામનો સંદેશ આપે,સુવાસ,સ્મિત,આહ્ લાદનો અર્થ ખોલે,
વસંત આવી,ફૂલો ચમક્યાં ખૂબ,છાઇ રંગીની આબેહૂબ, તું ડોલે,
મોસમ છલકે, ઉભરે એ વજૂદ,વારી જાઉં હવે હું કોના બોલે?
તું હતી, એક આલમ મસ્ત હતો,હતી દિલ–મનની બેફામ વાતો,
તું નથી,વરસું તો કોની ઉપર?એટલે છે, ફરી પાછો એજ સન્નાટો!
૧૦૧ .- ??? આ સંસાર!!!
આધા તેરા આધા મેરા, બોલો સાજન ફિફ્ટી ફિફ્ટી,
પૂરા મેરા તેરા કુછ નહીં તો ભી સાજન ફિફ્ટી ફિફ્ટી!
ચાર હોઠ, દો તેરે,દોમેરે,યહી તો સાજન ફિફ્ટી ફિફ્ટી!
‘આરએસી’મેં એક સીટ મિલે,હમ સોયેંગે ફિફ્ટી ફિફ્ટી.
સવાર બપોર ને સાંજ, અમે ભસીએ કૂતરાં જેમ,
રાતે પછી એકબીજાની માફી માગી ચાટીએ પ્રેમ,
સવારે ફરી ભૂલી જઈએ, રાતે બોલેલા કોલ–વેણ ,
જુઓ સંસાર જેમતેમ ચાલે અમારો એમ ને એમ!
આ સંસારને જબરન્“પ્રેમ“કહીએ કેમ?એમ ને એમ?
પાણી પર તરે બૂઝાવી દીધેલ, ઠરેલ દીવો જેમ!
૧૦૨ .- તે કોણ?
આ હવામાં અધ્ધર અધ્ધર તરે તે કોણ?
લટકી રહે તરે પલભર,હલે હળવેથી તે કોણ?
વળી ક્ષણની જેમ સરી તરત જાય તે કોણ?
કુંવારી છાતીમાં થડકાય ધકધક સતત તે કોણ?
ઉછળતા મોજાં સંગ ઉઠતી તરતી વાત તે કોણ?
સ્મિતથી કરી આગાઝ,આંખોમાં ચમકે તે કોણ?
ગુલાબી લહર થઇ સ્પર્શે જે અંગ–અંગ તે કોણ?
મહેકાવે,બહેકાવે,આપે પુષ્પધનવા કંપ તે કોણ?
કવિતા જ ને ?
૧૦૩ .- એકબીજાના પૂરક … ‘આપણે‘
આપી આપીને સહેજ હસીને પ્રેમપત્ર આપો!
સ્મિતભર્યો ચમકતો ચહેરો આપો તો જાણીએ.
લખેલી લાગણી બધી, સમજુડા વાંચી લે, ખરું!
વણલખ્યું આહ્ લાદક વાંચવા મળે તો માણીએ,
કાનો,માતર અનુસ્વારના અર્થ તો લોકો ઉકેલે ,
ટેરવાંના ટપકાંની ભાષા ઉકેલો તો પ્રમાણીએ,
વાજાં, શરણાઈ, ઢોલ તો સૌ સાંભળે, સંભળાવે ,
સ્પર્શના રણઝણ સ્પંદન સંભળાવો તો જાણીએ .
સામે બેઠા રહો,તમને એકટક નીરખતા જોઈએ ,
શ્વાસોની આવન-જાવનને સરખાવીએ,માણીએ
ચાલો મેળ પડે તો, મેળવીએ,પારખી,જમાવીએ,
સૂર–લય , તાલ મળતા મળી જાય,અજમાવીએ,
હું,તું/તમેની ભાષા તો સામાન્ય છે,બધાય બોલે ,
‘આપણે‘ની સહિયારી ભાષા કેળવીએ,જાળવીએ,
મારું, તારું/તમારું–સહિયારું ગોઠવીને,મિલાવીએ,
આ નથી,તે નથી–ખૂટતાની બેઉ માં પૂર્તિ કરીએ.
૧૦૪ .- ધ્યાન
આ શ્વાસ પ્રશ્વાસના સૂક્કા પારાને શું કહેશો ?
આ ધડકનના ધીમા થડકારાને શું કહેશો ?
આ વ્યાપ્ત માયાથી અલગાવને શું કહેશો ?
છે સતત,ભીતરી એ ઠહેરાવને શું કહેશો?
વિચારની આ ઝીણી સરગમને શું કહેશો?
આ લંબાતી શાંત ભીની ક્ષણ ને શું કહેશો?
સહસ્રારે થતી ધીમી રણઝણ ને શું કહેશો?
આ પીછાં શી હળવી શી હરફરને શું કહેશો?
શાંતિપૂર્ણ એહ્સાસના ઘુમ્મટને શું કહેશો?
અહીંથી ત્યાંલગીના દૃષ્ટિભાસને શું કહેશો?
વાદળ-ધણ નથી,તે આકાશને શું કહેશો?
વિસ્તરે રેત-રણ ચોપાસ ,તેને શું કહેશો?
‘સ્વ‘,સહરા અંકે થાય તે પળને શું કહેશો?
કર્ણે ઝીલાતી વેદ-વ્યાસવાણીને શું કહેશો?
મને સ્વરાતી અભેદ સરવાણી ને શું કહેશો?
શ્વેત સરકતા ધુંદના વાદળોને શું કહેશો?
ડૂબવાનુ નિજમાં,એ અનુભવને શું કહેશો?
ખુદમાં ઘટેલી આ ઘટનાવિવર્તને શું કહેશો?
૧૦૫.- મુક્તિ -મોકળાશ માણીએ
ઇચ્છાઓ,કલ્પનાઓ તર્કોમાં ઘણું અટવાયા ,
હવે, કોરું-ધાકોર નવું મન લઇ વિચારીએ .
ખાલીખમ અર્થહીન વાતોમાં અઢળક રમ્યા,
હવે ભ્રમણાઓને સમજી ફૂલ-હળવા થઈએ .
શરીરને ખૂબ ચાહ્યું છે,બેસુમાર પ્રેમ કર્યો છે,
એટલે, હવે, દુ:ખ કણસાટ, પીડા ને માણીએ ,
ગણતરી, તોલ-માપ દ્વિધાઓથી પર થઈએ ,
તટસ્થ થઇ,’જે છે તે‘ નિર્મમ બની નિહાળીએ,
ચાલો, મૌનસહ “સ્વ”ને આગવું અર્પણ કરીએ,
ભીતરના સંનિષ્ઠ ભાવોનો સંપૂટ અર્પણ કરીએ,
દૃષ્ટિના વિસ્તાર-વ્યાપનો ફલક અર્પણ કરીએ,
બિલ્લોરી કાચ જેવું સ્વચ્છ ખૂલ્લું મન કેળવી ,
સમગ્ર દૃષ્ટિએ બીજાને માટે એમ જીવી લઈએ,
“થાય તે જ ખરું”ને સ્વીકૃતિ સહ જીવી લઈએ,
કર્તૃત્વ ભાવથી અલિપ્ત,સહજ જીવી લઈએ.
૧૦૬.- ચાર પંક્તિના… ચમકારા
પણ
આંખની પછીતે સંતાડ્યો છે મને,બહાર આવી ચહેરે આલેખાઉં પણ !
આંસુઓ વિરહના સંઘર્યા તારી પાસે,કદી મોતી બની સમજાઉં પણ !
ખારાશમાં હોય સ્વાદનો મહિમા,નહીંતો નિર્મલતા થઇ પથરાઉં પણ.
શક્યતાઓ છે અસીમ એમ, વિરાટ આભની જેમ ઉપર છવાઉં પણ.
મનોવ્યથા
‘પ્રેમ’,-એક હૃદય–કારણની ઘટના સહજ ઘટી! ચૂપકીદી કોર્યા કરે,
ભીતરના કોલાહલો ,શબ્દ–અનભિવ્યક્તિથી આસપાસ વિસ્તર્યા કરે,
હું રંગાતો–લેપાતો રહું,અશાંતિ,મનોવ્યથા,પીડા સાંકળ બાંધ્યા કરે!
કેમ થશે? શું થશે? એવા અનેક સવાલો મને અને તેને મૂંજવ્યા કરે!
ઋતુબદ્લાવ
આવ્હાન, આમંત્રણ…અનમોલ સાદ અને વળી, તમારા પ્રતિસાદ ,
ભીતરમાં ઉતર્યા કૃપા–પરસાદ એના, થયા તાઝા,લથબથ વરસાદ,
અનુભૂતિના તેજ–ઓજસે ભીંજાયા, થયા બાગબાગ અંતરંગ આબાદ,
અંગ–અંગ રોમ–રોમ,ઝળહળ થયા ,કે, બત્રીસે કોઠે દીવા લાખ લાખ
એ આવશે
સળવળતી સળગતી ઈચ્છાના મોલ લણી જાય એમ કોણ જરીકમાં?
કેમ કરી ટાળવા ને ખાળવા ખુદને દીધેલા કોલ, લે બોલ, ઘડીકમાં?
ઓચિંતા વાગતા પીં પીં–શરણાયું ,નગારા ને ઢોલ વ્યથિત મનમાં !
ભીતરમાં સતત ગૂજે છે,“ એ આવશે “ની મીઠી ચળ,ગુપિત ગહનમાં .
જીવ બચાડો
સુવર્ણ ક્ષણોની ઝરમર, રુપેરી ફોરાં વચ્ચે સઘળે સોનું સોનું!
પ્રકાશ સ્પર્શે,આભસમો અવકાશ ચાલે લઇ ધણ ખાલીપાનું!
શ્વાસની રમણા ચાલે,જાણે ખળખળ એકલતાનું વહેતું ઝરણું,
જીવ બચાડો કેમ ઓળંગે કરમની આ લાંબી અનહદ સરહદું?
આન,બાન,શાન કુરબાન
તેં વર્ષોના સંગાથ સાથે તારું ખાલીપણું વિસ્તાર્યા કર્યું ,
મેં શબ્દ–સંવાદથી, તળ વગરની તને બેવજહ ભર્યા કરી.
શબ્દો મારી જાન,વાણી મારી શાન,એમજ શણગાર્યા કરી.
તારા સજ્જડ મૌન ની સામે,આન,બાન કુરબાન કર્યા કરી!
– શખ્સિયત
જેની આંખે– ચહેરે,લખ્યો ન હોય મીઠો આવકાર,
તે શખ્સિયત કેવી ને કેટલી બરછટ ને સૂક્કી હશે?
જેની જીભ પર સદંતર નમક છાંટેલું રેહેતું હોય !
તે શું અતીતનાના ધરબાયેલા આંસુ–અશ્મી હશે?
ચમત્કાર
બે પહાડ છે,આસપાસ દેહનો ડેલો,ને,મનનો મેળો,
આગળ આંખ્યું,પાછળ અકળ,વચ્ચે શ્વાસનો વહેળો,,
આમાંથી હલવું કેવું ? ને, નીકળવું કેવું? લે બોલ?-
ખૂટે શ્વાસ,તો થાય જીવનનો ચમત્કાર,કેવો અવેળો ?
મન
મનનું કારણ જાણવા અમે તમ–લગ પહોંચ્યા,
એ તો ચાલ્યું એની રાહે,કંઈક નવતર ખોજવા ,
મન ગમતું શું?બોલે ના,અંતરનું કંઈ ખોલે ના,
અમને અટકળ–અવઢવમાં અધવચ્ચે ફસાવ્યા.
સેન્ડવિચ
સૂડી વચ્ચે સોપારી જેવી એક સ્થિતિ હતી,
અહીં ખીણ ને,થીજેલા મોતની ધમકી તહીં,
ચીરી નાખે તીક્ષ્ણ ધાર,એક ઘા ને બે કટકા,-
બંધ આંખે ’હરિ–સ્મરણ’મુક્તિની ક્ષણ હતી.
બંદગી
અય ખુદા ,બારાખડી આખી આપું છું તને,
બંદો છું તારો, એટલી જ ખબર છે, મને,
તું તને મનગમતા ભાવ–રંગો ભરી લેજે,
હું મારી બંદગીમાં રત છું,સાચવજે મને!
મૂછોના હીંચકે
ફૂલોને ગમતી ઝૂલ! મૂછોના વળ વસૂલ!
ફૂલો ને મૂછો મળીને કરે,જીવતરની ભૂલ!
રંગ સુગંધ અને લપસણા રેશમ–મખમલ,
મૂછોના હીંચકે લીંબુડાના ઝૂલની હલચલ!
સ્પર્શ,
તારી મન ભૂમિની આળી ત્વચાને લે આપું ,-
મસૃણ, ભીનો રેશમી–મખમલી હૂંફાળો સ્પર્શ,
સંવેદનોની ઘેરી ધજાયું ઘણેરી ફરકે રોમેરોમ,
કેમ કરીને ખાળું આ બધું એકસામટું,લે બોલ!
વૃક્ષ
વૃક્ષ ઊભું ચૂપચાપ કોણ જાણે શું નીરખતું !
સુર્યની સાક્ષીએ એ,પ્રાણવાયુની પૂર્તિ કરતું,
કર્મ નિભાવે વૃદ્ધિ–વિકાસ પાલન–પોષણનું,
બાહુ પ્રસારી એ નભને મુક્તમને આવકારતું.
– સંબંધ
હું પવન થઈ ઉડ્યો લઈ સુગંધ અકબંધ,
જ્યાં ગયો રંગો વેર્યા ફૂલોના બહુ અનંત,
તાઝગીના છંટકાવ થયા ભરપૂર અંગ અંગ,
નઝાકત સંગ બંધાયા કઈં સંબંધ અંતરંગ,
પરફેકશન–
મહદ–ગુણ સંપન્ન સંપૂર્ણતાવાદી,હઠાગ્રહી જીવને વધુ સહન કરવું પડતું હોય છે ,
તેમની આસપાસના સંબંધાયલા લોકોને ઘણુંબધું સહન કરવાનું બનેજ છે,
ચલાવી લેવાનું શીખી લેવાય તો, સરલ,સહજ વધુ શાંતિપૂર્ણ જીવન જીવાય,–
તથાસ્તુ કહો,પ્રભુ !આ મારી જુસ્તજૂ છે,મારી ઝંખના છે,તમારી આરઝૂ શું છે ?
ના
જે હતું જીવંત ,તે નથી હવે!વ્યથાની ભારી ભારી છે!
શબ્દો સાથે યારી છે,હવે જીવવાની મારી તૈયારી છે!
વાત આમ ઘણી અણીયારી છે,ઝંખનાની બલિહારી છે!
હવે,આ જીવન, સહેવાની ઘટનાઓની ગમખ્વારી છે.
નિર્મમ–કઠોર–જડ
તું જાણે છે કે,હું છેક જ નર્મમ–કઠોર–જડ થઈ ગયેલી વ્યક્તિ છું!
પથ્થર–ખડકોની માયા જેને લાગી હો, તેવી નિર્જીવશી વ્યક્તિ છું!
ન જતન કરી શકી!કે ન તને પ્રતિભાવો સાથે પરત મોકલી શકી
કમળ પાંખડી પર પાણી જેમ, છેક જ નિર્લેપ નિસ્પ્રુહ વ્યક્તિ છું.
તું હોય…
મારી ભીતર એક બીજ વિકસે ,ફળે,જ્યારે તેને મારું–તારું નામ મળે,
નામનું સ્મરણ,નામનો ઉચ્ચાર,સ્પર્શ–રણઝણ કંપ ઘણુંબધું ખળભળે,
નામની સુગંધ, અવનવા સ્પંદન આંદોલન અંતરમાં સળવળ્યા કરે!
ઝાકળ-પોતનું,શીતલ–ભીનું ખુશ્ક મજાનું વાતાવરણ મને ઘેરી વળે .
જુદી છે
મારી કંઈ કહેવાની રીત જુદી છે!
મારી જોઈ રે’વાની પ્રીત જુદી છે,
રક્તની વહેવાની ‘સ્પીડ‘જુદી છે,-
અલ્પમાં તૃપ્તિની ‘ગ્રીડ’ જુદી છે!
દોસ્તને,
જોઈ લીધી જોઈ લીધી તારી દિલદારી જોઈ લીધી,
‘હું,-તું એક’તણી તારી એ સમજદારી જોઈ લીધી,
આમ તો ઘણાયે મળ્યા છે મિત્રો, હજુયે મળશે.. જીવનમાં ,-
ન મળે તુજ સમો બેદરકાર,યારી તારી જોઈ લીધી!
અમે !
છાયા અને પડછાયામાં જીવતા અમે!
‘અભાસ’એજ સત્ય (જીવન)જાણ્યું અમે!
બાકી….પ્રલંબ પ્રતીક્ષા છે જીવન,‘કંઇક’!
લાંબી મજલ કાપ્યા પછી જાણ્યું અમે!
કવિતા
કવિતા લગભગ એકાંતનો વિષય!,
શ્રોતા,વાંચક માટે આનંદનો વિષય,
લખનાર,માણનાર માટે લ્હાણીનો,-
સરેરાશ જન માટે કંટાળાનો વિષય!
કેવો વરસાદ આ ?
સખી મારી ભીતર પણ ઘણાં રંગ–રંગ વાદળિયા લહેરાય ,
કોને ખબર ક્યાંથી આવ્યો?ક્યાં જવાનો?ક્યાં જઈ અથડાય?
અકળ તો મજા છેને ? એમાં સખળ–ડખળની તો સજા છે!
સકળની તો રજા છે!કરો ગમે તે ,યા કઈ નહિ, એક મજા છે!
શમણું
અમે એ શમણાની વાત કોઈને ના કીધી રે લોલ,
અમે એમ ઝૂરતા રહ્યા,ઘા વલૂરતા રહ્યા!લે બોલ!
લીધી લાલચોળ લિજ્જત એ ખણીને,ખોદવાની,-
અમે પેટ ચોળતા રહ્યા,શૂળ સહેતા રહ્યા અ–બોલ.
પેલી છકેલ છોકરી
છકેલ છોકરી ને, વળી ભર્યું–ભાદર્યું ચિત્ર ,
તલશે સૌ કોઈ બની જવા ઝટ એના મિત્ર.
ને,બહાના હજાર છે મળવાને પછી વિચિત્ર!
આવ–જાવ,પછી આપ–લેના ઓરતા પવિત્ર!
કોને કહેવા?
આંસૂના ઝીણાં મોતી ચળકે પલકો પર ,
ભીતરના આ ગરમાટા કેમ કેટલા સહેવા?
ભેદ–ભરમના આ અટાપાટા, કોને કહેવા?
વ્યથા કથાના આવા સન્નાટા કોને કહેવા ?
કોને ખબર?
કોણ ક્યારે ક્યાં જઈ અટકશે એમ કોને ખબર?
અચાનક ક્યારે અહીં કોઈ ભટકશે કોને ખબર?
હશે નામ મારે એક કાગળ અંગત, એના હાથમાં,
મનેજ પૂછશે મારું નામ–પરખ , કોને ખબર?
મન
પણ, મારુ મન નથી સમાતું ખુશીનું માર્યું !
ભર્યું–ભર્યું છલોછલ છલકાઈ રેલાઈ જાય,
આકાશ–છત્ર “છે” ત્યાં સુધી વાંધો નથી,
મનને ઉભરાઇ વરસવા–વહેવાની છૂટ છે!
અહંની ઝાંખ ને અંતર–સુખ
મટ્મેલા નિજના આયનામાં મસ્ત મનેખને,માત્ર ભ્રમ ને અહંની ઝાંખ હોય !
છે તે ગમાડવું એટલે શીર્ષાસન,ઈશ્વરેચ્છા સાથે આપણી ઈચ્છા મેળવવી ઘટે,
એનેજ પૂરું સ્વીકારવું દિલ–મન–દિમાગથી..અંતરપૂર્વક.એમાંજ સુખ રહેલું છે!
એ જ્યારે સમજાય તે અંતર–જ્ઞાન,સમજ જ તારી શકે!સહી માર્ગ ઉજાળી શકે॰
પ્રેમ
તારા ને મારા વચ્ચે શું હોઈ શકે?
માત્ર એક છેજ! લીંક…કંટીન્યૂઇટી!
ફરી એકવાર,એની જ વાત કરીશ..,
તું કહી શકે કે,-નાબાલિગ પ્રેમ હતો .
ખબર નથી તને?
બીજું કોઈ આપણને ઘા કેમ આપી શકે?
પ્રશ્નોની ધાર તો તારી છે! કાપી શકે…
તેં જ ખૂબ સતેજ કરી પૈની કરી છે!
શું એની બિલકુલ ખબર નથી તને?
મૌન, સન્નાટા ભરી ચૂપ્પી
તેં તો તારી ત્વચા હાથી–ઘોડા–હિપ્પો જેવી
જાડી કરી લીધી છે, ને સંવેદનશીલતાને બૂઠ્ઠી!
ને સઘન લાવાથીયે ન ઓગળે એવું ખડક જેવું
ઠોસ નક્કર મૌન, સન્નાટા ભરી ચૂપ્પી સેવ્યા છે!
મુસ્તાકી.
ફૂલ છે મુસ્તાક એના રંગ–રૂપ ને ખુશ્બૂ પર,
તુંય છો મુસ્તાક તારા બેનમૂન સૌદર્ય પર,
મુસ્તાક ખુદ ખુદા પણ છે,એની કરામત પર,
તો પછી હુંય કેમ ન હોઉં મારા વિચારો પર?
નિરર્થકતા
પીંખેલા પારેવાની પાંખોનો ફફડાટ શો?
વિંખેલા માળાના ઇંડાંનો કકળાટ શો ?
થીજેલા આંસૂના મોતીનો ચળકાટ શો ?
ભીંજેલા નૈનોના આભનો વિસ્તાર શો ?
ચાહું છું!
આ જગતમાં સૌપ્રથમ હું યાર ચાહું છું!
માનો અય દોસ્તો, તમારો પ્યાર ચાહું છું,
સમજી શકે દિલને,ખરો દિલદાર ચાહું છું,
બદલે નહિ કો’દિ, એવો એતબાર ચાહું છું!
ખુદાને
મારી આંખોને એમનો આસવ મળીગયો છે,
મારા હૈયાને હરિયાળો પાલવ મળી ગયો છે,
કહી દો ખુદાને,’એનું બેહીસ્ત મુબારક એને’,
મને અહીં મારું પોતાનું સ્વર્ગ મળી ગયું છે!
ત્યાં જ શોધ
એક ઘટના માત્રની ઝલકમાં એમ ન શોધ,
કોઈ એક પુલક–ખુશીની છાલકમાં ન શોધ,
અબઘડી, હાલ વર્તમાનમાં છું, ત્યાં જ શોધ
અતીત–અનાગતના જ ચકરાવમાં ન શોધ
૧૦૭.- “દ્વી–પંક્તિ” –કૃતિઓ
કવિતા
વિરોધાભાસો–અતિશયોક્તિ વગર, કવિતા થઇ શકે ખરી?
સંવેદના–લાગણીઓ,આવેગો વિના, કવિતા થઇ શકે ખરી?
વ્હાલમની બંસી
પ્રિય વ્હાલમની બંસી બહુ બોલાવે! હૈયે ઉછળે એવા ઉમંગ બહુ વધારે,
અંગઅંગ લાગી એવી લાહ્ય અકળાવે,પિયુ મિલનથી એ આગ ક્યારે ઠારે?
કરી નાખો
ખેંચી ખેંચીને બહુ વાપરી આંખો,આંખોનો પ્રકાશ પડે જ્યારે ઝાંખો,
અંતર–સ્રોતનો પ્રવાહ થયો પાંખો,કરવાનું બધું હવે ઝટ કરી નાખો.
અવકાશમાં
અવકાશમાં ચીતરું હું મારી છબી , ને તું દેખાય!
પરકાશમાં ચીતરું હું અંધારી ગલી ,ને, તું દેખાય!
શું હશે ?
ઉત્સાહનું ઠરી જવુ,’ઈચ્છાનું મરી જવું શું હશે ?
નક્કામું ડરી જવું, ને પછી ફરી જવું શું હશે ?
આપણે બેઉ
શું આપણે બેઉ સાવ અડધા– અધૂરાં?
આપણે બેઉ અર્ધ–નારીશ્વર માત્ર મધૂરાં?
કંઈક કરશું?
થાય છે કોઈ ઈચ્છા?બેઉ સંગે લાંગરશું ?
નાજુક કોમલ કૂંપળ–ફૂલ થઇ પાંગરશું ?
બાજી
બાજી રમી બેઠી હું સાવ ખૂલ્લી,
બીક શેની હવે હારવાની મારે?
હયાતિ
હયાતિ ઊભી ખોડી ખાંભી સ્થિર અડીખમ !
જીવન તો ચાલે એમજ આગળ ને આગળ !
જિંદગી
જિંદગી તો છે પ્રતીક્ષા ના ખૂટે એવી સતત ,
સમજાય જો ક્ષણની વહેતી નદી,તો છે સરળ!
૧૦૮.- હાઈકુ
ઈચ્છાઓ જેવા
પતંગિયા રંગીન :
અને ચંચલ॰
***
એક અકેલો
ભીતરનો ભેરુ
જાગે,જગાડે
***
આંખોને દોરે
ફૂલે ફૂલે પડાવ
રસ–મગન
***
કાળા કિશન
મરકતા,મધુર–
પ્રજ્ઞાને તીરે
***
પ્રેમનો ધોધ,
જાણે સરતાં માથે,
અમૃત–ટીપાં !
***
સારાને સારું
મળે, એ તો નિયમ
છે, નિસર્ગનો
***
જળનું જેમ ,
આકર્ષણ જબરું,
ડાળ–પાનને,
***
રાધાને તેમ ,
રસરાજ કૃષ્ણનું,
જબરું ઘેલું!
***
રાધાને રોમ,
રોમ વસે કહાન,
બાંસુરી–નાદ
***
હું સૂક્કું વૃક્ષ,
તું સહસ્ર કમલ,
વિરોધાભાસ !
***
શાશ્વત લાગે,
એ રૂપક પ્રેમનું,
એમનું એમ.
***
હાઈકુ યાને,
૧૭ અક્ષર,કોમા,
એકજ વાક્ય.
***
૧૭ અક્ષર ,
માત્ર એક વાક્યમાં ,
ઉઘડે અર્થ.
***
સાદું બયાન,
સત્તર અખ્ખરમાં,
છૂપાયા મર્મ.
***
ફૂલ પરાગ,
અર્થ–મર્મ વાહક,
શબ્દો મરકે.
***
ક્ષણ–ક્ષણમાં
સરતા શબ્દો.સંગ–
અર્થ ને મર્મ.
***
૧૦૯.- અસંબંદ્ધ ચબરાકિયાં
અમીમય આંખો,
તારી ,થાય: બસ
પીતો જ રહું!
***
પ્રેમસભર
વાતો તારી,: બસ,
સાંભળ્યા જ કરું!
***
ક્યાં સાબુથી
મનના મેલ ધોવાય?
ટી.વી.ને પૂછાય?
***
શ્વાસોના ટીપાં ગણું,
(તો 🙂 જીવન
સમંદર મપાય?
***
‘કાન્ત’ પૂછે:
વસંત આવી,કેમ
ન ખીલ્યા તમે?
***
આંસુ ટપકે
પારાના ટીપાં
યાદો શત–વિશત .
રચયિતાનો પરિચય લક્ષ્મીકાન્ત મોહનલાલ ઠક્કર(પન્ડીતપૌત્રા, કચ્છી લોહાણા ), “કંઈક”-૬૭ વર્ષ.
(૧)– બાળપણ : વડગાદી,મસ્જીદબંદર–મુંબઈ ૧૯૫૯ સુધી.
(૨) અભ્યાસ: મેટ્રિક, માંડવી–કચ્છમાં, “જી.ટી.હાઈસ્કૂલ, ” [૧૯૫૯/૧૯૬૪]
(૩) કોલેજ – :કે.જે.સોમૈયા વિદ્યાવિહાર(મુંબઈ), ૧૯૬૪–૬૫
(૪) જી.સી.ડી -રામજી આશર વિદ્યાલય,ઘાટકૉપર- મુંબઈ, ૧૯૬૭–૬૮
(૫) વ્યવસાય/કારકિર્દી:- નોકરી, (એકાઉન્ટસ) .
< ૧ > ૧૯૬૫: ૧ વર્ષ “સુનીતિ/[સુપ્રીમ] પ્લાસ્ટીક્સ“,દાદર–વડાલા,મુંબઈ .
< ૨ > – ૧૯૬૬/૭૨– ૬ વર્ષ– “ઉષા પ્રોસેસર્સ પ્રા॰ લિ॰” વીક્રોલી., મુંબઈ – ૭૮.
< ૩ > –૧૯૭૨ થી ૧૯૯૭– ૨૫ વર્ષ-“ઘરડા કેમિકલ્સ લિ॰ (બાન્દ્રા,મુંબ ઈ ), ઓક્ટોબર ૧૯૯૭થી નિવૃત .
(૬) શોખ: પત્ર મિત્રતાનો,(ગજબનો), વાંચન,લેખન , કવિતા સાહિત્ય [કવિતા, ફિલોસોફી,આધ્યાત્મ] નિસર્ગ–સંગ, એકાંત, આકાશ– સેવન, સાદગી, ગમેલા સાહિત્યનો સંઘરો કરવો! શેરિંગ કરવું,નિજાનંદ અર્થે, પ્રસંગ/ઘટના સંદર્ભે સગવડે રેન્ડમલી ડાયરી લખવી. પર્યટન–યાત્રા કરવા.
(૭)–સ્વભાવ :-સરળતા,સાચુકલાપણું ,નિખાલસતા , સ્પષ્ટવાદિતા, ફિલોસોફીકલ–અધ્યાત્મિક વિચારસરણી, અલ્પ/મર્યાદિત સંબંધો પ્રત્યે લગાવ .ફોનનો જરૂર પૂરતો ઉપયોગ, ‘સ્વનું ઓડિટીંગ અને એડીટીંગ .કરવું, . પરફેક્ટશનીસ્ટનું વલણ અપનાવી છાશવારે આત્મ-નિરીક્શણ કરતા રહેવું
(૮) –અન્ય –ખૂબી –ખામી ઓ :-સામાન્ય મધ્યમવર્ગીય, સ્વબળે મહેનતથી જીવનમાં પ્રગતિ,મોટો અવાજ , કચ્છીયત [-કઈંક દેશી પણું],પારદર્શિતા, ગંભીરતા તેમના ધ્યાન દોરતા સ્વભાવ–લક્ષણ,-સામાન્ય ગુણ– દોષ
વાળા વાણી, વર્તન, ચોખ્ખા વ્યવહાર,ગમા–અણગમા, દ્વારા મુખરિત–ઉજાગર થયા છે ,ભાવ–પ્રાકટ્ય પામ્યા છે,
(૯) “પુષ્પાબેન“ [સ્વ.અર્જુનભાઈ રવજી આડ–ઠક્કર [(ચીરઈ –કચ્છ), ના સુપુત્રી છે],-‘કઈંક ‘ના જીવનસંગિની લગભગ નેપથ્યમાં–પરદા પાછળ રહી જીવનભર આજ સુધી સાથ–સહકાર–સેવામાં રહ્યા છે.તેમના સુચારુ, સૌમ્ય, હસમુખ ,આદર્શ ગૃહિણી તરીકેના વ્યક્તિત્વ, વાણી, બાંધ–છોડવાળા વલણ વર્તન થી (૨૭–૧૧–૭૬ થી ૬ જણાના સંયુક્ત પરિવારમાં રહીને) સૌને અને બધું સાચવતા આવ્યા છે. સરલ,સંબંધ જાળવણીમાં કાબેલ ને વ્યવહારકુશળ સાબિત થયા છે. ‘કઈંક‘-કવિજીવ, ધૂની સ્વભાવના જીવનસાથીના ,વિપરીતતા અને પૂરકતા પારસ્પરિક રહ્યા હશે, જેથી આ આટલા વર્ષો તણો લાંબો સાથ શક્ય બન્યો હશેને ? ‘કઈંક‘ વિશેષે સદભાગી કહી શકાય,કારણકે,તે બેફિકર રીતે જીવન જીવી શક્યl છે, મહદ અંશે, સંતુષ્ટ છે.અને કોઈને સુખી કરવા અન્યને આત્મભોગ આપી, સમર્પિતતા –પૂર્વક તકલીફો, મુશ્કેલીઓનો સામનો , સહન કરવા પડે એય એટલું સહજ, સ્વાભાવિક!
‘કઈંક‘ના બે ભાઈ સ્વ.પ્રદીપ [કલ્યાણમાં] અને પ્રવીણ [ડોમ્બીવલીમાં] સપરિવાર અને ,ત્રણ બેનો [શારદાબેન, ‘શ્રી સુભાષભાઈ રવાસિયા’ને (ઘાટકોપરમાં),રંજનબેન, ‘શ્રી પારસ શાહને [ડોમ્બીવલીમાં] , અને પ્રવિણાબેન, શ્રી કમલેશ કોઠારીને પરણીને (બેંગ્લોરમાં) સ્વતંત્ર રીતે સુખી છે.
(૧૦)-બે સંતાનો –પુત્રી નીલમ પ્રતાપ લાધાણી અને પુત્ર “તેજસ “ પોતાની રીતે જીવનમાં ગોઠવાયેલા છે. પરમ આનંદ…
