ગઝલ – ‘ગળે ના ઉતાર તું’
છંદ બંધારણ : ગાગાલ ગાલગાલ લગાગા લગા લગા
આપેલ ઝેર આમ ગળે ના ઉતાર તું
મિથ્યા સમાન ગાળ ગળે ના ઉતાર તું
આંખે ચડ્યો સવાલ ગળે ના ઉતાર તું
વળતો મળ્યો જવાબ ગળે ના ઉતાર તું
જે શક્ય છે એ શક્ય રહેશે ધરા ઉપર
કોઈ અશક્ય કામ ગળે ના ઉતાર તું
એથી વિશેષ હોય કશું તો જણાવજો
કોઈની ખોટી વાત ગળે ના ઉતાર તું
પીધા પછી ચડે ય નહીં એ શું કામનો ?
આખ્ખો ભરેલ જામ ગળે ના ઉતાર તું
છે એમનો પ્રભાવ ઘણો શાયરી સમાન
ફોગટ છે હાવ-ભાવ ગળે ના ઉતાર તું
થોડું સ્વમાન રાખ અને તું વળી જા દોસ્ત
જુઠ્ઠો મળેલ પ્યાર ગળે ના ઉતાર તું
~~~દીપક કે. સોલંકી ‘રહીશ’
ગઝલ – ‘નથી કરી‘
છંદ બંધારણ : ગાગાલ ગાલગાલ લગાગા લગા લગા
હોદ્દો ભલે ના હોય શિકાયત નથી કરી;
કોઈ વડીલ સામે હકુમત નથી કરી.
આ સાધના છે કોઇ કરામત નથી કરી;
કેવી રીતે કહું ? આ ઇબાદત નથી કરી.
એતો કહે છે સાવ આ આદત ભૂલી શકાય;
મેં તો કરી છે , મારી તે આદત નથી કરી.
ઈશ્વર તને કદી મેં નથી આમ છેતર્યો;
મેં પ્રાર્થના કરી છે, શિકાયત નથી કરી.
દાવો મૂકી શકાય, વિચારો મૂકી શકાય;
પણ કોઈ સામે ક્યાંય અદાવત નથી કરી.
કોઈકનું દબાણ તો હોવું જ જોઇએ;
એણે તો સ્વપ્નમાં ય મહોબ્બત નથી કરી.
કેવો ખુદા મળ્યો છે મફતમાં મને ‘રહીશ’
જાણ્યા વિના કદીય બગાવત નથી કરી.
તાકત વિના કશું ય બની ના શકે ‘રહીશ’
પાયા વિનાની ક્યાંય ઇમારત નથી કરી.
~~~દીપક કે. સોલંકી ‘રહીશ’
ગઝલ – ‘પાછા વળી જજો’
છંદ બંધારણ : ગાગાલગા લગાગા ગાગાલગા લગા
દેખાય આવશે જળ ‘પાછા વળી જજો’ ;
જો છીછરું મળે તળ ‘પાછા વળી જજો’ .
આ આપણી પ્રથમ મુલાકાત છે અને –
‘જો ના ગમું’ તો આ પળ ‘પાછા વળી જજો’ .
ઈચ્છા અમે હવે રદબાતલ કરી છે સૌ ;
એના કર્યા છે કાગળ ‘પાછા વળી જજો’ .
આવ્યા છે એ વિવાદો લઇ કેટકેટલા ;
બસ આટલું જ સાંભળ ‘પાછા વળી જજો’ .
મારી તરફ વધો એ પહેલાં કહી દઉં ;
ઊંડી છે ખાઈ આગળ ‘પાછા વળી જજો’ .
સંબંધમાં તમોને જો ના ખુશી મળે ;
કરશો ન ક્યાંય વિહ્વળ ‘પાછા વળી જજો’ .
ઉદાસ આંખથી તમને જો કહે ‘રહીશ’
રસ્તો નથી હવે આગળ ‘પાછા વળી જજો’ .
~~~દીપક કે. સોલંકી ‘રહીશ’
ગઝલ – ‘આસાન હોતું નથી’
છંદ બંધારણ : ગાલગાગા ગાલગા ગા લગા
એટલું આસાન હોતું નથી
જીવવું આસાન હોતું નથી
એ બહુ આસાન હોતું નથી
હુંપણું આસાન હોતું નથી
કાચબાને પૂછી જુઓ તમે
દોડવું આસાન હોતું નથી
વ્હાલસોયા પંખી માટે કદી
પીંજરું આસાન હોતું નથી
એકધારા ચાલતા શ્વાસને
થંભવું આસાન હોતું નથી
દીકરીની જો થતી હો વિદાય
આંગણું આસાન હોતું નથી
ધારણાની બ્હાર જાવું પડે
ધારવું આસાન હોતું નથી
~~~સોલંકી દીપક કિશોરભાઈ ‘રહીશ’
ગઝલ – ઈશ્વર તને હું શું કહું?
આવી તકેદારી હતી, ઈશ્વર તને હું શું કહું?
પૂછી નથી તબિયત કદી, ઈશ્વર તને હું શું કહું!
આ છે અમારી સાદગી, ઈશ્વર તને હું શું કહું?
તારા સુધી પ્હોંચ્યા પછી, ઈશ્વર તને હું શુ કહું?
રસ્તે સુતેલા બાળકોને એક ટકનું દઇ દે બસ,
મારી અરજ છે આટલી, ઈશ્વર તને હું શું કહું?
સંસ્કારની વાતો ય કરવી ખોટી છે એની કને;
બોલ્યો નથી મોઢે હરિ, ઈશ્વર તને હું શું કહું?
સૌ મંદિરે દર્શન કરે છે ધ્યાનથી , હું તો પછી-
જોયા કરું તારી છબી, ઈશ્વર તને હું શું કહું?
કોઈ કહો કેવી રીતે ઈશ્વર લગી પ્હોંચી શકાય;
બહુ મેં બુમો પાડી પછી , ઈશ્વર તને હું શું કહું?
હું તો વિચારોમાં પડી જાઉં છું સૃષ્ટિ જોઇને;
તારી કળા છે આગવી, ઈશ્વર તને હું શું કહું?
તું તો છો સર્જનહાર દુનિયાનો અને તારી તરફ-
ચીંધી શકું ના આંગળી , ઈશ્વર તને હું શું કહું?
તું ચિત્ર માફક હોય છે, સુખ-દુઃખ શું સમજી શકે?
રડતો મળે છે આદમી, ઈશ્વર તને હું શું કહું?
અંતે નિવારણ એજ છે મારું મને નડશે ‘રહીશ’
‘મેં બહુ બધી ભૂલો કરી’,ઈશ્વર તને હું શું કહું?
કોઈ જનમ લે છે તો કોઈ મૃત્યુ પામે છે ‘રહીશ’
જીવન-મરણ છે હરઘડી, ઈશ્વર તને હું શું કહું?
~~~દીપક કે. સોલંકી ‘રહીશ’