લગોલગ

ફીચર્ડ

લગોલગ

પૂર્વ દિશા પ્રભાતમાં પલટાઈ ચૂકી હતી. સૂર્યના બેચાર કિરણો નહીં, આખેઆખો સૂર્ય ડોસાના ચહેરા ઉપર મંડરાઇ રહ્યો. ડોસાએ માથા સુધી રજાઈ ખેંચી અને રોજની જેમ બબડ્યો.

હા, પણ હજુ તો..

ડોસાનું વાકય પૂરું થાય એ પહેલા ડોસી બોલી ઉઠી.

પણ..બણ.. કંઇ નહીં. ચાલો ઊભા થાવ.

  “ આ ડોસી જીવશે ત્યાં સુધી મને જંપવા નહી દે. આજે ચાલવા નથી જવાનો એટલે  નથી જવાનો.  વધુમાં વધુ શું કરી લેશે? બબડાટ થોડી વધારે વાર ચાલશે એટલું જ ને ? એમાં કંઈ નવું ક્યાં  છે

બબડતા ડોસાએ રજાઈ જોશથી પકડી રાખી. અને અધીરતાથી  ખેંચાવાની રાહ જોઈ રહ્યો. ડોસી નિર્દયી બનીને  રજાઈ ખેંચતા કોઈ દિ  અચકાતી નહીં.

પણ આ શું ? ખાસ્સીવાર પછી પણ આજે રજાઈ ન ખેંચાઇ.

રજાઈ ફગાવીને ડોસો સફાળો બેઠો થઈ ગયો. ચકળવકળ નજર ચારે તરફ ડોસીને  શોધી રહી. હમણાં તો બંધ આંખે યે દેખાઈ હતી. આટલી વારમાં ગઈ કયાં ?

તે  ઝડપથી  ઊભો થયો. રસોડામાં, ફળિયામાં તુલસીકયારે  બધે ફરી વળ્યો. ડોસી કયાંય દેખાઈ નહીં.  

પોતે દાદ ન દીધી એટલે કંટાળીને એકલી ચાલવા નીકળી ગઈ કે શું ?  

ના, ના એ તો  ન ભૂતો, ન ભવિશ્યતિ.. પોતાના બાલિશ વિચાર પર ડોસાનું મોઢું  મલકી પડયું.

પણ તો ડોસી દેખાય કાં  નહીં ? બાથરૂમ તો સામે ખુલ્લો જ પડયો હતો. ત્યાં પણ નહોતી. તો ગઈ કયાં ?

અચાનક ડોસાની નજર સામેની દીવાલ પર પડી.

હવે ડોસો ત્યાં જ બેસી પડયો. ડોસી તો હાર પહેરીને  સામેની  દીવાલ પર  બેઠી બેઠી આ મલકે.

ડોસી યે ખરી છે. બેઠી બેઠી હસે છે. પોતે હેરાન થાય છે એની યે એને ભાન નથી ? ઘરડે ઘડપણ પોતાની સાથે આવી અંચાઇ કરે છે  ?  

એકાએક એક  સાદ ડોસાના કાનમાં પડઘાઈ ઉઠ્યો.  

બસ.તારા જવાની રાહ જોઉ છું. ન જાણે તારી બકબકથી કયારે છૂટકારો મળશે ? કોઈ દિ બે ઘડી સખે  સૂવા યે નથી દેતી.”

 “ મરે મારા દુશ્મન. એમ કૈ  તમારા કહેવાથી હું  મરવાની નથી. એમ જલ્દી પીછો છોડે એ બીજા. હું નહીં. માટે ખોટી  આશા રાખ્યા સિવાય ઊભા થાવ.”

આ ઘરની દીવાલ વરસોથી આવા તો કેટલાયે સંવાદો  સાંભળીને, ડોસા, ડોસીના મીઠા ઝગડાની મૂક સાક્ષી બનીને  મલકાતી  રહી  હતી.

 જડ  દિવાલોને પણ એટલી સમજ પડી ગઈ હતી કે ડોસો  ભલે ગમે તેટલો બબડાટ  કરે  પણ પછી એ  માનવાનો  તો ડોસીનું જ. એમાં કોઈ મીનમેખ નહીં.

જે ભાન ઘરની નિર્જીવ દિવાલોને પડતી  હતી એની  ભાન શું ડોસીને   નહીં  હોય ? ડોસાના મનમાં સવાલ ઊઠ્યો.

  “ સ્ત્રીની  બુદ્ધિ  પગની પાનીએ એમ કંઈ અમથું થોડું કહેવાયું હશે ? જોકે પોતાની ડોસી કંઇ  બુદ્ધિ વિનાની નહોતી. એ તો ડહાપણનો ભંડાર. એની કોઠાસૂઝ તો ગજબની. એનો પરચો  આ પચાસ વરસોમાં ઓછામાં ઓછી પચાસ વાર તો પોતાને મળી જ ચૂકયો હતો.

તો પછી આવી કોઠાસૂઝવાળી બાઈ આમ કહ્યા, કારવ્યા વિનાની, મારો વિચાર  કર્યા  સિવાય સાવ  ઘડીકમાં  હાલી નીકળે ?

ડોસો ભીની આંખે ફોટા સામે જોતો જોતો કયાંય સુધી  ન જાણે શું યે લવારી કરી  રહ્યો.

દૂર વસતા દીકરો, દીકરી તેમના માળામાં. કદીક આવતા તો યે ડોસીને લીધે. પોતાના આકરા સ્વભાવને લીધે  એક ડોસી સિવાય કોઈ કદી ટકયું જ કયાં હતું ?  ડોસી ટકી હતી. પૂરા પચાસ વરસ ટકી હતી. લડતી, ઝગડતી કયારેક ધમકાવતી,  લાડ કરતી, હસતી, રડતી, ગુસ્સે થતી, રાજી થતી. નારાજ થતી, રિસાતી, મનાતી..ટકી હતી.  

બાકી પોતાના શબ્દોનો તાપ જીરવવો કંઈ સહેલો હતો ? એ તો ડોસી જ જીરવી શકે.

કાં એ ભાન હવે આવી ? “  

દીવાલ પર હાર પહેરીને બેસી ગયેલી ડોસી બોલી કે શું ?

હા, તે તું યે કંઈ બોલવામાં પાછી નહોતી પડતી હોં.  “

હવે રહેવા દો.. રહેવા દો. કારેલા જેવા કડવાં, ગોંડલિયા મરચાં જેવા તીખા તમતમતા તમારા  વેણ મારા સિવાય બીજુ  કોણ ખમવાનું ? બીજી કોઈ મળી હોત ને તો ? “

 ડોસી આગળ બોલવા જાય એ પહેલા પોતે ખડખડાટ હસી પડતો.  

દુનિયાભરની બાયડીયુને આવો વહેમ  હોવાનો, તારે આવા કોઈ વેમ માં ન રેવું. શું સમજી ? ભ્રમમાં જીવવાની આ  બૈરાંઓને મજા આવતી હશે.”  

 પછી તો આ મીઠા  મહાભારતથી  નાનકડું એવું ઘર  કિલકિલાટ કરી  ઊઠતું.  થોડી વારે યુધ્ધવિરામ જાહેર  થાય એટલે  બંને હીંચકે બેસીને ચા પીતા અચૂક જોવા મળે. પુરાણી વાતોનો પટારો ખૂલે. એમાંથી અલક મલકની રસાળ વાતો ટપકતી રહે. કોઈક  વાત પર  ખુશ થઈને ડોસાનો હાથ લંબાય અને બીજી જ ક્ષણે ડોસીનો હાથ એમાં તાળી આપી રહે ત્યારે હીંચકાને પણ ટહુકા ફૂટતા. બંનેના બોખા ચહેરા ઉપર રંગીન પતંગિયા ફરફરી ઊઠતા.    

 હા, બાકી ડોસી  કડક તો ખરી જ. સવારે અને સાંજે  ચાલવા જવાના નિયમમાં એ  સહેજે બાંધછોડ ન ચલાવી લે. જોકે  પોતે તો થોડું ચાલીને બાંકડે બેસી જ પડે. ડોસી લાખ કહે પણ ઊભા થાય એ બીજા.

મારા ટાંટિયાની કઢી થઈ ગઈ. તારામાં જોર હોય તો તું  હાલ. ભાઈ સાબ હવે મને જરીક  જંપીને બેસવા દે. તું તો હલાવી હલાવીને મારી ઠૂંસ કાઢી નખાવે છે. “

એવે સમયે ડોસીને દયા આવતી કે પછી ડોસા સામે હારી જતી, કે પછી કયાં સુધી તાણી શકાય એનું તેને ભાન હતું. જે હોય તે. પણ ડોસી નમતું  જોખીને   ઠાવકાઈથી કહેતી

ઠીક ત્યારે, તમે કંઇ  માનવાના નહીં. હું થોડે  આગળ જઈ આવું. પણ જોજો, અહીથી ખસતા નહીં. હમણાં તમને જરીક ઓછું ભળાય છે એ તમને યાદ છે ને ?  “

ડોસો, ડોસીના ફોટા સામે તાકી રહ્યો.

 તારા વિના મને ઓછું ભળાય છે  એની ખબર હતી તો યે આમ એકલી એકલી મને સૂતો મેલીને હાલી નીકળી ?

ડોસાની આંખ  ફરતે પાતળું ઝાકળ છવાયું. ભીતરમાં કેવો તો ખળભળાટ મચી રહ્યો.

 બગીચામાં હાલતી ડોસી અને બાંકડા પર બેસી ગયેલો  પોતે… 

બગીચામાં પોતે એક બાંકડા પર બેસી જાય. અને હલવાનું નામ ન લે ત્યારે  ડોસી થાકીને એકલી આગળ જાય.

જેવી ડોસી દેખાતી બંધ થાય એટલે પોતે રાજાપાઠમા આવીને ત્યાં ફરતા ચણાની દાળવાળા ભૈયાને બોલાવે. તીખી તમતમતી દાળ બનાવડાવે. સિસકારા મારતો મારતો  ઝડપથી ચોકઠાવાળા મોઢામાં દાળ  ઓરતો જાય

જલ્દી જલ્દી બૂકડા મારી,  ડાહ્યો ડમરો બની, મોઢું લૂછીને બેસી જાય. પણ ડોસી કયાં ઓછી હતી ? આવતાની સાથે જ…  

ચણા ફાકયા કે દાળ ? “

ડોસાએ ચાર એલચી ચાવી હોય તો યે ડોસીને ડુંગળીની ગંધ આવી જ જાય.  

 પછી તો  અપરાધીની જેમ ચૂપચાપ બેસીને ડોસીનું  ભાષણ સાંભળી લીધા  સિવાય કંઈ ડોસાનો છૂટકો થોડો થાય ?

ચણાની દાળ ડોસાને અંત વહાલી. જયારે  ડોસીને ને દાળને બાપે માર્યા વેર.

પોતે તો કદી ન ખાય, પણ ડોસાને યે ન ખાવા દે.  

 બધી વાતમાં ડોસીનું માનતો ડોસો બસ આ એક ચણાની દાળ જેવી મામૂલી  વાતમાં નમતું ન જોખે. ભૂતકાળમાં ડોસો એની  બાલસખી સાથે રોજ દાળ ખાતો. ડોસાએ જ  તો એ વાત મલાવી મલાવીને કેટલી યે વાર ડોસીને સંભળાવી હતી.

પછી એકમેકને તાળી દેતા બંને  ખડખડાટ હસી પડતા

 જોકે આ દાળની વાતમાં તો ડોસો ખરેખર ગંભીર હતો

એ હમેશા કહેતો..

હું મરુ  ત્યારે મારા બોડી પર ફૂલ, બૂલ ન જોઈએ.. સરસ મજાની, તીખી તમતમતી, લીંબુ મસાલાથી ભરપૂર એવી ચપટીક ચણાની દાળ ભભરાવવાની અને   મારા મોઢામાં ગંગાજળને બદલે દાળનો એકાદો દાણો મૂકવાનો. બસ..બંદા રાજી  રાજી..  

 ડોસી તાડૂકી ઉઠતી.

બસ.બસ.. હવે

ડોસીનો મિજાજ પારખી  સમય વરતે  સાવધાનની જેમ ડોસો ચૂપ થઈ જતો

પણ આ ડોસી આજે ચૂપ કાં ? એ તો નિરાંતે ફોટામાં બેઠી બેઠી દાંત કાઢે છે.  

ડોસો ખીજવાઈને ઊભો થયો.

મારો તમાશો જોવો છે ? તારા વિના મારે નહીં ચાલે એમ ?  હવે જો હું  કેવા જલસા કરું છું. મને ગમશે એમ જ કરીશ જા. આફૂડી દોડતી આવીશ.”  

ડોસામાં  ન જાણે કયું ઝનૂન ઉભરાઇ આવ્યું. સમજે છે શું એના મનમાં ?

તે ઊભો થયો. રસોડામાં ગયો. આજે તો ચામાં પૂરી ચાર ચમચી ખાંડ નાખશે. ડોસી ભલે ફોટામાં  બેઠી બેઠી જીવ બાળે. એ છે જ એ લાગની.

 કોણે કહ્યું તુ આમ  હાલી નીકળવાનું ?

 રહી રહીને ડોસાના દિમાગમાં બાજની જેમ  આ એક જ વાત ચકરાવા લેતી હતી. બધી વાત એક જ બિંદુ પર અટકી ગઈ હતી.  

ડોસાએ પૂરી ચાર ચમચી ખાંડ નાખી. ચા બનાવી. ફ્રીઝ ખોલ્યુંબ્રેડ અને અમૂલ માખણનું પેકેટ દેખાયું. ડોસાએ બ્રેડનું પેકેટ ખોલ્યું. બ્રેડની સ્લાઈસ પર દોથો  ભરી ભરીને માખણ લગાવ્યું. હવે તો ડોસીને આવ્યે જ છૂટકો.

બ્રેડ અને ચા લાવીને ડોસીના ફોટા સામે એ  નિરાંતે ગોઠવાયો.

જો કેવો ટેસડો કરું છું. ટોકી કે રોકી શકે તો રોકી લે આજે.”  

ફોટા સામે જોતા જોતાં , વાતો કરતા  ડોસાએ  પોચી, મજાની ગરમાગરમ  ભાખરીને યાદ કર્યા સિવાય બિન્દાસપણે વાસી બ્રેડના ટુકડા  ગળા નીચે ઉતાર્યા. જોકે ડબ્બામાંથી હાઉકલી કરતી પોતાની પ્રિય ચણાદાળને તો આજે ડોસાએ હાથ સુધ્ધાં ન અડાડયો.

 વારે વારે ચૂઈ પડતી આંખોને પણ બહાદુર બનીને રોકી રાખી.

 ડોસીની વિદાય પછી વિદેશમાં વસતા  દીકરા, દીકરીએ સાથે આવવા ખૂબ આગ્રહ કર્યો. પણ ડોસો તો જિદ્દી ખરો ને. કોઈનું માનવાનો થોડો ?

માને પણ કેવી રીતે ? આ ઘરમાં ડોસીની સુગંધ હતી.

બપોરે  ડોસીના ફોટા સામે જોતા જોતા ડોસાએ ટેબલ પરનું ટેબલ કલોથ ખેંચીને કાઢી નાખ્યું. હવે ડોસી ચોક્કસપણે ખીજાવાની. પોતાને ટેબલ કલોથ કયારેય દીઠું ન ગમતું. પણ હોંશથી લીધેલું મોંઘું દાટ ટેબલ બગડે કે એના કાચ પર લીસોટા પડે એ ડોસીથી કેમે ન ખમાય.

આજે એ ભલે જતું. ડોસી યે  જતી રહી ને ? હવે એ યે ધરાર પોતાને ગમશે એ જ કરશે.

થાકીને એણે ટીવીનું રિમોટ અને મોબાઈલ હાથમાં લીધા. ફોટા સામે જોતાં જોતાં બંને  રમકડાંથી ખાસ્સી વાર રમ્યા કર્યું. વચ્ચે બે ચાર વાર તો ડોસીના ઘાંટા એને ચોક્કસપણે સંભળાયાં. ડોસો નબળી આંખે ટીવી જુએ કે મોબાઇલમાં ગેઇમ રમે એ ડોસી થોડી સહન કરી શકે ?

થોડીવારે ખીજાઈને એણે એ  રમકડાનો ઘા કર્યો.  એ તો ડોસી ઘાંટા પાડે તો જ રમવાની મજા આવે.

હવે ? હવે શું કરવું એ ડોસાને કંઈ સૂઝતું નહોતું. ત્યાં અધખુલ્લા બારણાંમાંથી ડોસીની હેવાયી, માનીતી બિલાડી અંદર ધસી આવી. એને  જોતા ડોસાની આંખમાં ચમક ઉભરી  આવી.

જા,  તારી મા, કાકી, માસી જે સગી થતી હોય એની પાસે. આ ફોટામાં બેઠી બેઠી દાંત કાઢે. હું કઈ દૂધ બુધ આપવાનો નથી. બોલાવ જા એને.’ 

બિલાડી કંઈ અવાજ કર્યા સિવાય ઘરમાં એક આંટો મારી આવી.

કેમ, ન દેખાણી ને તને યે ? એ આ બેઠી દીવાલે.. બોલાવ..જા, એને  બોલાવ.

ડોસાને ન જાણે શું યે ગાંડપણ ઉપડયું હતું. કયાંય સુધી બોલાવ, બોલાવ કહ્યા કર્યું.

પણ બિલાડીએ જાણે આજે મૌન વ્રત લીધું હતું. મ્યાઉ મ્યાઉ ન જ કર્યું.

હવે ડોસાનો પિત્તો છટક્યો.

એણે ખૂણામાં પડેલી  લાકડી ઉઠાવી અને બિલાડી ભાગે એ પહેલા તો બે ચાર ઠપકારી દીધી.

મ્યાઉ મ્યાઉ ગજવતી બિલ્લી બહાર દોડી ગઈ.

 લાકડી ફેંકીને ડોસો ધબ્બ દઈને સોફા પર બેસી પડયો.  

 થોડી વારે ઘડિયાળમાં છ ડંકા પડયા. હવે તે સફાળો બેઠો થયો.

આ તો ડોસીનો સાડલો બદલવાનો સમય. ડોસી અંદર સાડલો બદલતી હશે. હમણાં બોલાવશે. થોડી સૂચનાઓ આપશે. અને બંને  નીકળી પડશે બાજુના બગીચામાં ચાલવા માટે.

પણ આ ડોસી હજુ કાં આવી નહીં ? ડોસીનું તો બધું કામ  સમયસર અને   નિયમસર. માપમાં ખાવું, માપમાં સૂવું, માપમાં ચાલવું, બધુ સમયસર. ડોસાનું વજન એકાદ કિલો પણ વધે કે ફાંદ મોટી થયેલી લાગે તો ડોસી ઊંચી નીચી થઈ જાય. કંઈ કેટલી યે પરેજી આવી પડે. કેટલાયે નિયમો નવેસરથી ગોઠવાય.

પોતે તો સાવ બેજવાબદાર. મરજી પડે તે આચરકૂચર ખાઇ લે. ડોસીનું ધ્યાન ચૂકવીને ડબ્બામાથી દાળ, ગાંઠિયા કે ચેવડાના  બે ચાર ફાકા મારી  લેવાની કેવી મજા પડી જાય.

ડોસાને માપસર જીવવું કદી કદી ગમ્યું કે ફાવ્યું નથી. એ બધું તો ડોસીનું કામ.  

અચાનક વીજળીના ચમકારે  ડોસાના મનમાં કોઈ મોતી ફટ કરતાં પરોવાઈ ગયું. કોઈ મોટી શોધ કરી લીધી હોય એમ એ   સોળે કળાએ મહોરી ઊઠયો. જાણે વરસાદનો એક છાંટો પડયો અને કાળમીંઢ ખડકને તોડીને એક  લીલુછમ તરણું કોળી ઊઠયું

યસ..પોતે પણ ડોસી કરતી એમ જ, એ જ  બધું  કરે, એની જેમ જ માપસર જીવે  તો કદાચ પોતે યે ઉપર ડોસી પાસે જલ્દી જઇ  શકે.

 બસ..ડોસો ખીલી ઊઠયો. આ જ ઘડીથી પોતે પણ ડોસીની જેમ જ  નિયમસર જીવશે. રોજ  વહેલો ઉઠશે, તીખું તળેલું બંધ. સવારે ખાલી  ફ્રૂટ અને દૂધી, ટામેટા કે આમળાનો  જયુસ.

પોતાને ન ભાવતું સલાડ પણ  હોંશે હોંશે ખાશે. સાંજે ડોસીની  જેમ  ફકત ખીચડી ને દૂધ..નિયમિત  ચાલવા જશે. ડોસી કરતી હતી એ બધું  જ, એમ જ કરશે.

 પોતાને સૂઝેલ આ મહાન વિચારથી ડોસો ખુશખુશાલ. બધી સમસ્યાનો ઉકેલ હવે હાથવેંતમાં. જાણે ગોરંભાયેલું આકાશ એકાએક ચોખ્ખું ચણાક બની ગયું.

 હવે ડોસાએ જરાયે આળસ કર્યા સિવાય ફટાફટ બૂટ પહેર્યા. ડોસી ચાલતી હતી એવી અને એટલી જ સ્પીડથી બહાર નીકળ્યો.બાંકડો આવ્યો કે દાળ વાળો..કોઈ સામે નજર ન નાખી. એક   ધૂનમાં ને ધૂનમાં આગળ ને આગળ બસ ચાલતો જ રહ્યો. ચાલતો જ રહ્યો. હમણાં પહોંચી જશે ઉપર  ડોસી પાસે.  

 ડોસીને અંગૂઠો બતાવીને કહેશે.. 

જો અહી યે પીછો કર્યો ને ? લે, લેતી જા.. એકલા  જવું હતું ને ?  આ હું યે આવી પહોંચ્યો તારી લગોલગ.”

પછી  બંને એવા તો ખડખડાટ હસી પડશે,  એવા હસી પડશે કે ચાર આંખોના તળાવ  છલક..છલક..

મનગમતા દ્રશ્યોમાં ખોવાઈને ડોસો ન જાણે કયાં સુધી ચાલતો રહ્યો.

આખરે પગે જવાબ દઈ દીધો.

હવે ડોસો એક બાંકડા પર બેસી પડયો. ભીની  આંખો આસમાનને તાકી રહી. ન ઉજાસ, ન અંધકાર. સૂરજદાદા પોતાનું આખરી કિરણ સંકેલી ચૂકયા હતા.  માળામાં પાછા  ફરેલા પંખીઓએ ઝાડવે ઝાડવે કલરવના દીવા પેટાવ્યા હતા.

ડોસો મૌન.. એકદમ મૌન. ન જાણે કયાં સુધી તે શૂન્ય નજરે આસમાનને તાકતો બેસી  રહ્યો.  

ત્યાં અચાનક પાછળથી કોઈ એક નાજુક  હાથ ડોસાના ખભ્ભા પર મૂકાયો.

ડોસાએ ચમકીને આશાભરી આંખે  પાછળ જોયું.

 ખિલખિલ હસતી એક  બાળકીએ  ડોસા સામે હાથ ધર્યો.

અને ડોસાની ધૂંધળી આંખો એ નાનકડા  હાથમાં  રહેલી ચણાની દાળને  તાકી રહી.

****************                      *******************     

આશ્ર્વર્ય

આશ્વર્ય….
નરેશનો સ્વભાવ આમ તો પહેલેથી જ ગુસ્સાવાળો હતો. જેમ મોંઘવારીએ માઝા મૂકી હતી તેમ હમણાં નરેશના ગુસ્સાએ પણ જાણે માઝા મૂકી હતી. જોકે આમ તો એમાં એના દોષ કરતાં સંજોગોનો દોષ કદાચ વધારે કાઢી શકાય તેમ હતો. ટૂંકી આવક, ઘરમાં નાના બે બાળકો, બીમાર મા..પાંચ પાંચ જણાના પેટની આગ ઠારવી કયારેક અઘરી થઇ પડતી હતી. અને ત્યારે ગુસ્સાનો ભોગ બનતી હતી પત્ની અથવા બાળકો.. એમાં પણ કયારેક નાની દીકરીથી કશુંક ઢોળાઇ જાય કે તૂટી જાય ત્યારે તેનો હાથ અચૂક ઉપડી જ જાય. જોકે સંતાનો માટે તેને સ્નેહ નહોતો એવું નહોતું. માર્યા પછી તેના પસ્તાવાનો પાર નહોતો રહેતો. પરંતુ થોડું યે નુકશાન થાય તે તેનાથી સહન નહોતું થતું.
આજે પણ એવું જ થયું. દૂધ પીતાં પીતાં નાની પુત્રીના હાથમાંથી ગ્લાસ પડી ગયો. અને બધું દૂધ ઢોળાઇ ગયું. એક તો માંડ માંડ દૂધ મળતું હતું. એમાં આમ ઢોળાઇ જાય એ કેમ ચાલે ? નરેશનો મિજાજ છટકયો…તેનો હાથ પુત્રીને મારવા ઉંચો થયો. ત્યાં……… ત્યાં તેની નજર સમક્ષ ઉભરી આવ્યું..ગઇ કાલનું એક દ્રશ્ય…..
ગઇ કાલે હોટેલમાં રોજની જેમ પોતે પીરસતો હતો… જમ્યા પછી કોઇએ જયુસનો ઓર્ડર આપ્યો હતો. તેણે જયુસનો ગ્લાસ બધાને ધર્યો. તેમની સાથે એક નાની છોકરી પણ હતી..બરાબર પોતાની દીકરીની જેવડી જ… તે છોકરીને તેની મમ્મી સાથે કશોક વાંધો આવ્યો હતો. તેથી ગુસ્સામાં હતી. જયુસનો ગ્લાસ તેના હાથમાં આપતા જ તેણે ઘા કર્યો. ગ્લાસ પણ તૂટયો અને જયુસ ટેબલ પર ઢોળાઇ ગયો. નરેશને મનમાં તો એવો તો ગુસ્સો આવ્યો. પરંતુ અહીં કંઇ તે પોતાના ઘરમાં નહોતો..કે અહીં તે એક પિતા નહોતો. તે હતો માત્ર એક વેઇટર…જેને સખત હિદાયત આપવામાં આવી હતી કે ગ્રાહકો સાથે કઇ રીતે વર્તન કરવું. અને કશું પણ થાય તો ગ્રાહકો પર ગુસ્સો કરવાનો નહીં. એની તાલીમ આપવામાં આવી હતી.
આજે મનમાં ગુસ્સો તો આવ્યો..પરંતુ પાપી પેટનો..નોકરીનો સવાલ હતો. ગ્રાહકની સામે ગુસ્સો કરવો મતલબ નોકરીથી હાથ ધોવા એ સત્યથી તે પરિચિત હતો. જ. અને નોકરી જાય એ તો કોઇ રીતે પોષાય તેમ કયાં હતું ? ગુસ્સાને ગળી જઇ અવાજમાં મીઠાશ ઘોળી તેણે ધીમેથી કહ્યું,’ કશો વાંધો નહીં. અને હસીને ચૂપચાપ ટેબલ સાફ કરવા લાગ્યો. આખું ટેબલ જયુસથી ખરડાયું હતું. બધી પ્લેટો ઉઠાવી, ખરાબ થઇ ગયેલ ટેબલકલોથ બદલાવી નવું ટેબલકલોથ પાથર્યું. નીચે ઢોળાયેલ જયુસવાળું સાફ કર્યું. પોતું માર્યું. બધું ચોખ્ખુંચણાક કરવામાં સારો એવો સમય ગયો. પછી જયુસનો બીજો ગ્લાસ લાવી હસીને બેબીને આપ્યો.
અચાનક આ ક્ષણે તેના મનમાં ગઇ કાલનું એ દ્ર્શ્ય નજર સમક્ષ તરવરી રહ્યું.મનમાં વીજળીની જેમ વિચાર ઝબકી ઉઠયો. પારકી છોકરીને તે કેવા પ્રેમથી…. અને પોતાની દીકરીની જરાક અમથી ભૂલ થતાં……. નુકશાન થયું તો ભલે થયું. મારવાથી કંઇ એ નુકશાન થોડું ભરપાઇ થવાનું હતું ? છોકરા તો બધાના સરખા..નાનાના હોય કે મોટાના….
તેની નજર પોતાની દીકરી સામે ગઇ. દીકરી ભયભીત બનીને પિતા સામે જોઇ રહી હતી. હમણાં પોતાને માર પડશે જ..એની તેને જાણ હતી. ત્યાં મારવા માટે ઉગામેલ હાથ ધીમે ધીમે નીચો થયો. નરેશે હસીને પુત્રીને તેડી લીધી…અને વહાલ કરી રહ્યો. દીકરીની આંખોમાં પરમ આશ્ર્વર્ય અંજાયું હતું. અને પત્ની પણ તેની સામે તાકી રહી હતી. આ બદલાવ ? કારણની તો કોઇને ખબર પડી શકી નહીં. મારવા માટે ઉગામેલ હાથ અચાનક આમ નીચો કેમ થઇ ગયો..અને વહાલનું ઝરણું કેમ ફૂટી નીકળ્યું એ તો ન સમજાયું. પર્ંતુ જે કંઇ થયું તે સારું જ થયું હતું. એટલું પત્નીને ચોક્કસ સમજાયું. પુત્રી વહાલથી પિતાને વળગી રહી. નરેશની આંખ ન જાણે કેમ થોડી ભીની બની રહી. અને બે ચાર ક્ષણ પછી અચાનક આખું કુટુંબ એકી સાથે કોઇ કારણ સિવાય ખડખડાટ હસી ઉઠયું. ઘરની દીવાલોએ પણ જાણે તેમાં સાથ પૂરાવી રહી.

યલો સાડી

યલો  સાડી..

ઘરમાં જાણે ઉત્સવનો માહોલ રચાયો હતો. દીકરો વહુ તો સાથે હતા.દીકરી જમાઇ પણ આવી પહોંચ્યા હતા. આવતી કાલે મમ્મીનો સાઠમો જન્મદિવસ  હતો. છોકરાઓએ માની ષષ્ઠિપૂર્તિની જોરદાર  તૈયારીઓ આદરી હતી. મંજરીની લાખ ના છતાં પતિ કે બાળકો કોઇ માન્યા નહોતા. હવે ઉંમરે જન્મદિવસના ઉધામા શા ? મંજરીએ તો હસીને કહ્યું હતું,

‘ બેટા, આજ સુધી મારી ઉમરમાં બે ચાર વરસો ઓછા કરીને કહી શકતી. હવે મારે જખ મારીને કહેવું પડશે કે હા ભાઇ હવે સાઠ વરસની ડોસી થઇ ગઇ છું. તમારે એની જાહેરાત કરવી છે નેકે મારી મા ગમે તેટલા વરસો કહે પણ પૂરા દાયકા વીતાવી ચૂકી છે. 

મંજરીએ મોં બગાડતા કૃત્રિમ ગુસ્સો કર્યો.

અને બધા ખડખડાટ હસી પડયા હતા.

યેસ,અંશુ, મમ્મીની વાત સાવ સાચી છે. હવે એને તકલીફ પડવાની. આપણે એનો તો વિચાર કર્યો ? હવે બિચારી બે ચાર વરસ ઘટાડી નહીં શકે ? આપણે પોઇન્ટથી તો વિચાર કર્યો.

ઓકે..પપ્પા, તો આપણે ફકત મમ્મીનો જન્મદિવસ છે એટલું કહીશું. સાઠમો છે કહેશું નહી. પૂત્રવધૂ આરતીએ ટહુકો કર્યો.

યેસ આમ પણ મારી મમ્મી તો ઉમરે યે ચાલીશ જેવી લાગે છે. દીકરી કેમ પાછળ રહી જાય ?

, તાની, ઉમરે એટલે ? એમ કહીને તેં મારા મમ્મીજીને સંભળાવી તો દીધું ને ?

આરવ,તારા મમ્મીજી, પણ મારી તો મમ્મીમારી એકલીની..

તાની,સોરી, પહેલા મારી મમ્મી હોં. પહેલા હું આઘરમાં આવ્યો હતો અને પહેલી વાર મેં મમ્મી શન્દ ઉચ્ચાર્યો હતો. માટે મારી એકલીની એવો શબ્દ તો ઉચ્ચારતી નહીં.તારો નંબર તો હમેશા બીજો ..તું બે નંબરી..

અંશુ બહેનને ચીડવવામાં પાછળ પડે તેમ નહોતો.

તમે બંને રહેવા દો..જુઓ હું ઘરની પૂત્રવધૂઅર્થાત પુત્રથી વધારે એવી વધૂ.. એટલે સૌથી પહેલો હક્ક મારો .

આરતી, હક્ક જમાવવામાં આમ પણ તારો જોટો જડે એમ નથી. ઘરમાં સૌથી છેલ્લે આવીને પહેલો હક્ક જમાવવો છે.

ખાસ્સીવાર હસી મજાકનો દોર ચાલુ રહ્યો.ત્યાં નાનકડી જિયા અને જિનલ આવી અને મંજરીને વળગી પડી..

મંજરીએ હસી પડી..

તમારા બધાની વાત ખોટી છે.હું તો સૌથી પહેલા મારી પરીઓની..જિનલ અને જિયાની.કહેતા મંજરીએ જિયાને તેડી લીધી.અને જિનલની આંગળી પકડી.

પૂરું.હવે આમાં કોઇનું ચાલવાનું નહી.બધાના હક્કદાવા રદબતલ.ને મારો તો વારો આવ્યો.

અનિકેતે પત્ની સામે જોતા કહ્યું.

પપ્પા, તમે તો મમ્મીના ચમચા છો..

હવે અંશુ અને તાન્યા..ભાઇ બહેન એક થઇ ગયા.

બધા ખડખડાટ હસી પડયા. જિનલ અને જિયા કશું સમજયા સિવાય તાળીઓ પાડવા લાગી.

દાદી, તમે પણ આમ કલેપ કલેપ કરો. જિયાએ દાદીના બે હાથ પકડીને દાદીને શીખવ્યું.

બધા અમારી જેમ કલેપ કરો.. અને હાસ્યના ફુવારા વચ્ચે બધાની તાળીઓના ટહુકા ભળી રહ્યા.

આજે જમવામાં મમ્મીની પસંદગીનું મેનુ છે.

પણ મારો બર્થ ડે તો હજુ કાલે છે.આજે તમને બધાને ભાવે એવું બનાવો.

મમ્મી, આજે બર્થ ડેનું પ્રી લંચ છે.રીહર્સલ..આગોતરી ઉજવણી.. જે કહે તે. અને બે દિવસ તારે અમને ફોલો કરવાનું છે. ઓકે ?

ઓકે..બાબા ઓકે..ખુશ ?

ધેટસ લાઇક ગુડ ગર્લ..આઇ મીન માય ગુડ મોમ..

નો પાપા..માય ગુડ દાદી..પાંચ વરસની જિનલ બોલી ઉઠી.

અને ત્રણ વરસની જિયા તો  જિનલની પૂરી કોપી કેટ..

માય ગુડ દાદી..

નો તારી ગુડ નાની..એમ કહેવાય.ઓકે ?

ઓકે.. આપણા બેયની નાની.

હાસ્યનો દોર ચાલુ રહ્યો.

પપ્પા, તમે આજે મમ્મીને પિક્ચર જોવા જાવ.કાલે તો એવો સમય નહીં મળે.

અને હા, તમારી પસંદગીનું ફાઇટીંગ વાળું પિકચર નહીં હોં.

મમ્મીને ગમે એવું કલાસીક મુવી

એટલેકે રોવા ધોવાવાળું એમ ને ?

નો પપ્પા..આજના કલાસીક મુવી કંઇ રોવાધોવાના નથી હોતા. જમાના ગયા.

એમ કરો..પપ્પા, તમે બંને મુવી જોઇ આવો.ત્યાં અમે કાલની બધી તૈયારી પૂરી કરી લઇએ.

ના..મારે મુવી જોવા નથી જવું.એનાકરતા હું ને પપ્પા,જિયા અને જિનલને લઇને સાંજે સરકસ જોવા જશુંહમણાં સરકસ આવ્યું છે ને છોકરીઓને મજા આવશે.

પણ મમ્મા, આજે તમારી ચોઇસનું..

મંજરીએ દીકરીને વચ્ચે અટકાવી,

મારી પહેલી ચોઇસ તો મારી દીકરીઓ છે.તેની તમને ખબર છે ને ?

તાની, હવે વાતમાં તારી મમ્મી નહીં માને.એની આપણને બધાને ખબર છે. મને પણ ગમશે.તો સાંજનો અમારો પ્રોગ્રામ પાક્કો.

ઓકે પપ્પા, હું હમણાં બહાર જવાનો છું ત્યારે ટિકિટ લેતો આવીશ.

ઓકે..

અને આજે મમ્મીની પસંદગીનું મેનુ છે અર્થાત ખીચડી, કઢી, રોટલા, ઓરા,છાશ, પાપડ અને સલાડ..પૂરું કાઠિયાવાડી મેનુ બરાબર ?

યેસ..આજે પ્યોર દેશી ખાણું.

સાથે તમને અને છોકરીઓએ ભાવે એવું પણ કંઇક બનાવજો હોં.

બધું અમારા ચાર્જમાં છે. યુ નીડ નોટ વરી.મમ્મા..

ત્યાં અનિકેતનો ફોન વાગતા બધા વિખેરાયા..અને પોતપોતાને કામે વળગ્યા.

ઘરમાં ઘણીવાર નેટવર્કનો પ્રોબ્લેમ આવતો તેથી અનિકેત બાલ્કનીમાં ગયો.

મંજરી જિયા, જિનલને વાર્તા કરવામાં ગૂંથાઇ હતી.

ફોન પૂરો કરી અનિકેત ઘરમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત ગાયબ હતુ. તેની જગ્યાએ ગંભીરતાએ સ્થાન લીધું હતું

મંજરી, ચાલ, આપણે બહાર જવાનું છે.

બહાર? અત્યારે ? કયાં ?

અનિકેત બે પાંચ ક્ષણ પત્ની સામે જોઇ રહ્યો.

જવાબ  આપવો પડે એમ હતો.

મારા એક મિત્રને અકસ્માત થયો છે.હોસ્પીટલમાં છે. તેની પાસે બીજું કોઇ નથી.તાત્કાલિક જવું પડે એમ છે.

કયા ફ્રેંડ ? અને તો તમે એકલા જઇ આવો..મારું શું કામ છે ?

મંજરી પ્લીઝ..કોઇ સવાલ કર્યા સિવાય મારી સાથે નહીં આવી શકે ? જરૂરી હોય તો કહેતો હોઇશ ને ?

ત્યાં દીકરો, દીકરી બધા આવી ગયા.

પપ્પા, તમે એકલા જઇ આવો.મમ્મી ત્યાં આવીને શું કરશે ? મમ્મી, તમારા ફ્રેન્ડ્ને કયાં ઓળખે છે ?

અને પપ્પા, કયા મિત્રને ? કઇ જગ્યાએ અકસ્માત થયો છે ?

મિત્રને તમે કોઇ નથી ઓળખતા.અમેરિકા રહે છે. બે દિવસ પહેલા અહીં આવ્યો હતો. આજે સુરેન્દ્રનગર પાસે એને ગંભીર અકસ્માત થયો છે.

ઓહ..એટલે તમારે અમદાવાદથી ત્યાં છેક જવું પડશે ? તેના બીજા કોઇ સગા અહીં  નથી ? જાવ તો ચાલે એમ નથી ?

ના..જવું પડે એમ છે.પણ મમ્મીનું શું કામ છે ?

કામ છે. મમ્મી પણ મારી સાથે આવશે. હવે વધારે સવાલ જવાબ કર્યા સિવાય નીકળીએ. મોડું થાય છે મંજરી સામે જોતા અનિકેતે કહ્યું

મંજરીને થયું ગયા સિવાય ચાલશે નહીં. વળી કયો મિત્ર પાતાળમાંથી  ફૂટી નીકળ્યો ?

ઓકે..હું કપડાં બદલીને આવું છું.

કહેતા મંજરી તેના રૂમમાં ગઇ.તેની પાછળ અનિકેત પણ ગયો.

મંજરી, આજે ગોલ્ડન યલો કલરની સાડી પહેર ને..કેટલા સમયથી હું લાવ્યો છું પણ તેં કદી હાથ નથી અડાડયો.

યલો ?અત્યારે કંઇ સાડીના કલરની પસંદગી કરવાની છે ?

વાત શું છે ? અનિકેત મને કંઇક વિચિત્ર લાગે છે બધું.

અનિકેત મંજરીની સામે જોઇ રહ્યો.પછી હળવેથી બોલ્યો.

અનીશને અકસ્માત થયો છે.

અનીશ ? મંજરીની ભીતર જાણે સુનામીના મોજા  ઉછળી આવ્યા.

અનિકેતના મોઢામાં અનીશનું નામ ? જે નામ પોતે કદી ઉચ્ચાર્યું નથી.હોઠ સુધી જે નામને કદી પહોંચવા નથી દીધું નામ અનિકેત પાસેથી ?

મંજરી આખ્ખેઆખ્ખી થરથરી ઉઠી.

અત્યારે ? ક્ષણે ? જે અનીશ તેની ભીતરના કોઇ ઊંડા, અજાણ્યા ખૂણામાં વરસોથી અડ્ડો જમાવીને ચૂપચાપ બેઠો છે. આજે કેવી રીતે બહાર આવ્યો ?અને તે પણ પતિને હાથે ? અર્થાત

મંજરીએ અનિકેતની સામે જોયું.

મંજરી, અત્યારે બધી વાત કરવાનો સમય નથી. રસ્તામાં કહું છું. તું અત્યારે જલદી કર. બહું મોડું થઇ જાય  પહેલા આપણે પહોંચવાનું છે.

મંજરીએ એક  બ્લુ રંગની સાડી કાઢી.

મંજરી, બને તો પેલી યલો કલરની પહેર ને ? અનીશને સારું લાગશે.તું કપડાં બદલાવી લે ત્યાં હું પણ બે મિનિટમાં ફ્રેશ થઇને આવું પછી નીકળીએ.કહેતો અનિકેત ઓરડાની બહાર નીકળી ગયો. કદાચ મંજરીને સ્પેશ આપવા માગતો હતો. નાનકડા એકાંતની જરૂર હશે મંજરીને.. મળવું જોઇએ તેને.

હાથમાં પીળી સાડી લઇને મંજરી સ્તબ્ધ બની ઉભી રહી.

અનિકેતને બધી ખબર છે ?કયારથી ? અને આજ સુધી પોતાને કોઇ અણસાર સુધ્ધાં નથી આવવા દીધો.?

સોનેરી પીળો..અનીશનો સૌથી પ્રિય રંગ. રંગના વખાણ કરતા કદી થાકતો નહી.

મંજરીએ ધ્રૂજતા હાથે સોનેરી પીળા રંગની સાડી કાઢી.પહેરતા પહેરતા આખા અસ્તિત્વમાં જાણે એક ઝણઝણાટી ફરી વળી.ને કાનમાં પડઘાઇ ઉઠયા અનીશના વરસો પહેલાના શબ્દો.

મંજરી, સોનેરી પીળી સાડીતું પહેરે છે ત્યારે મને હમેશા એમ લાગે કે સૂરજનો રંગ લઇને જાણે કોઇ પરી સીધી આકાશમાંથી  ઉતરીને મારે આંગણે આવી છે. ઝગમગ સૂર્યના કિરણો જેવી દેદીપ્યમાન બની રહે છે તું.મારું ચાલે ને તો હું તારા દરેક કપડા એક કલરના લઉં.સોનેરી પીળો રંગ તારી પહેચાન બની રહે. સૂરજની જેમ.

વરસો પછી આજે મંજરીએ રંગની સાડી હાથમાં લીધી હતી. આટલા વરસો બાદ પણ રૂંવે રૂંવે એક રોમાંચ ફૂટી નીકળ્યો.

નસીબ તેને અનીશને બદલે અનિકેતને ઘેર લાવ્યું હતું. અનિકેતની સહ્રદયતા જોઇને ઘણીવાર મન થતું કે અનીશને પોતાના પહેલા પ્રેમની બધી વાત કહીને ખાલી જાઉં.ઠલવાઇ જાઉં..પણ બધાની સલાહ તેને રોકતી રહી..મંજરી, એવી ભૂલ કરતી.કયારેક ભારે પડી જાય.પુરૂષની જાત રહી વહેમીલી.કઇ પળે શંકાની કોઇ નાની શી ચિનગારી તારા સુખી સંસારમાં આગ લગાડી દે. માતા પિતાએ, મિત્રોએ બધાએ સલાહ વારંવાર આપી હતી. ગણીને ગાંઠે બંધાવી હતી. અને આજ સુધી કયારેય પોતે ગાંઠ છોડવાની હિમત કરી શકી નહીં.

અને આજે..અચાનક..સાવ અચાનક અનાવૃત થઇ ગઇ હતી. પૂરા ચાર દાયકા પછી સાવ અચાનક કોઇએ તેના ભીતરના વસ્ત્રોને ખેંચીને જાણે તેને ઉઘાડી કરી દીધી હતી. કઇ પળે. કેવી રીતે સાવ અણધાર્યા તેને અનિકેતની દુલ્હન બનીને ઘરમાં પ્રવેશવું પડયું હતું.બધા નિયતીના ખેલ. દિવસોને યાદ કરવા માગતી હોય એમ મંજરીથી જોશથી નકારમાં ડોકી હલાવાઇ ગઇ.

શરૂઆતના વરસોમાં અનિકેતમાં અનીશને કલ્પીને જીવાયું હતું.બાજુમાં અનિકેત હોય અને ભીતરમાં અનીશ શ્વસતો રહેલો. કદીક પોતે અનિકેતને અન્યાય કરે છે એવી અપરાધભાવના પણ ઘેરી વળતી.પણ કોઇ ઉપાય નહોતો.

વરસો બાદ ધીમે ધીમે અનિકેત જાણે અનીશમાં ઓગળતો ગયો. અનીશ અને અનિકેત જાણે એકાકાર બની ગયા હતા તેને માટે.

અનિકેતે કદી કોઇ લપ્પન્છપ્પન કરી નથી. સાવ સરળ વ્યક્તિત્વ..બધી વાતનો સ્વીકાર..અને છતાં પોતાનું ભીતર ખોલી શકી.અને પછી તો એવી જરૂર પણ નહોતી લાગતી. હવે  બંને એકમેકમાં ભળી ગયા બાદ કોઇ જુસાગરો  અનુભવાતો કયાં હતો ?

સાડી શરીર પર યંત્રવત વીંટાતી હતી..મનના તાણાવાણા ઉકેલાતા હતા કે વીંટાતા હતા સમજાતું નહોતું. બસ..અનિકેતે સાડી પહેરવાનું કહ્યું હતું અને પહેરશે.અનિકેત જે કહેશે કરશે.. એકમાત્ર સત્ય.

થોડીવારે બંને કારમાં બેઠા.અનિકેતે ગાડી ભગાવી. હજુ સુધી મૌનનો પરદો અકબંધ હતો.અનિકેત શું કહેશે ?શું બોલશે ? એવો વિચાર આવતો હતો.પણ કોઇ ફફડાટ નહોતો. બે પાંચ ક્ષણ ફફડાત અવશ્ય જાગ્યો હતો. પણ એને શમી જતા વાર નહોતી લાગી.અનિકેત જે પૂછશે એના સાચા જવાબ આપશે.વરસો પછી એક અતીતના દરવાજાઓ ખોલવા અણગમતા બની રહેવાના..પણ સિવાય કોઇ ઉપાય પણ નહોતો. વહેલો મોડો અનિકેત એક વાર કુતુહલ ખાતર પણ પૂછશે તો ખરો ને ?

અને અનિકેતને જાણ છે.અનીશની..એના પ્રિય રંગની..એનો અર્થ શું ? અનીશને ઓળખે છે ? કયારથી ? કેવી રીતે ?

મનમાં થોડો મૂંઝારો તો થતો હતો.

અનિકેતે ડ્રાઇવીંગ કરતા કરતા તેના  હાથ પર ધીમેથી પોતાનો હાથ મૂકયો.

મંજરી, સોરી, એકવાર મારા હાથમાં અનીશનો પત્ર આવી ગયેલો. ને મેં વાંચી લીધો હતો. એમાં છલકતી તારી પીડાનો એહસાસ કરી શકયો હતો.પણ ત્યારે આન્યા તારા  ગર્ભમાં હતી એટલે કશું કહેવું પૂછવું યોગ્ય લાગ્યું. અને એમ સમય પસાર થતો રહ્યો. તારા અતીત સાથે મારે કોઇ સંબંધ હોય.

એક દિવસ બીઝનેસ ટુરમાં હું ને અનીશ મળી ગયા હતા. તેની નિખાલસતા મને સ્પર્શી ગઇ હતી. અને થોડા સમયમાં  અમે ખાસ મિત્રો બની ગયા હતા.અનીશ ધરાઇને તારી વાતો કરતો.હું  થાકયા સિવાય સાંભળતો રહેતો. એક દિવસ અનીશે એની ભૂતપૂર્વ  પ્રિયતમાનો  ફોટો મને બતાવ્યો..

અને..

મેં તેને કદી જણાવા દીધું કે એની મંજરી મારી પત્ની અને મારા બે બાળકોની મા બની ચૂકી છે.

બસ.. તેનો પ્રેમ , પીડા ઠાલવતો રહ્યો.નિર્દોષ ભાવે. એણે તારે માટે થઇને લગ્ન નહોતા કર્યા.થોડા વરસ અમેરિકા ચાલ્યો ગયો હતો.તમારા લગ્ન શા માટે થયા..હું એમાં કેવી રીતે પ્રવેશી ગયો ત્યારે સમજાયું.

અને આજે અકસ્માત..?

બસ..મંજરી..તારી પીડાનો મને અંદાજ છે. પણ

મંજરીની આંખો વહેતી રહી.અનિકેતના હાથનો હૂંફાળો સ્પર્શની શાતા તેના અસ્તિત્વને વીંટળાઇ વળી.

અને કાર ફુલ સ્પીડમાં હોસ્પીટલ તરફ દોડી રહી.

ચીસ ( દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત ) 

“ બેટા, હવે કેમ છે મારા લાલાને ? હજુ તાવ કેમ નથી ઊતરતો ? “

લાડકા પૌત્રની તબિયતની ચિંતા દાદાના અવાજમાં ઊભરી રહી.

 “ પપ્પા, ખબર નહીં, ડોકટરને પણ સમજાતું નથી કે બધી દવા બરાબર અપાય છે. છતાં…. અને હા, પપ્પા દવા પણ આપણી કંપનીની જ અપાય છે. 

“ હેં ? આપણી કંપનીની ? “ 

અને દુલેરાયની ચીસ ગળામાં જ અટવાઈ રહી. 

બલિદાન

બલિદાન..

બહેન,તમારા જોડિયા બાળકોમાં એક દીકરી અને એક દીકરો છે.પણ કમનસીબે અમે બેમાંથી એકને જ બચાવી શકીએ તેમ છે.દીકરાને જ બચાવીએ ને?

ડોકટરે ફોરમાલિટી ખાતર પૂછયું.   જવાબની  તેમને  જાણ હતી જ.

સરિતાની નજર સામે સાસુ અને પતિની લાલઘૂમ આંખો તરવરી રહી. પણ બીજી ક્ષણે તે બોલી ઉઠી.

ડોકટર,જો એવું જ હોય તો દીકરીને જ બચાવશો.સદીઓથી દીકરીઓ બલિદાન દેતી આવી છે.આજે એક દીકરો બલિદાન આપશે.

ડોકટરની વિસ્ફારિત આંખો સરિતાને તાકી રહી.

 

હેપી એનીવર્સરી…

 દિવ્ય  ભાસ્કરમાં પ્રકાશિત મારી માઈક્રોફીકશન વાર્તા

 

હેપી એનીવર્સરી

  

 પોતાની વીસમી એનીવર્સરી પર લગ્ન સમયનો ફોટો ફેસબુક પર  પોસ્ટ કરીને વૈશાલીએ લખ્યું,

મિત્રો,

અમારા વીસ વરસના સહિયારા સખ્યજીવનની સુખદ પળો આજે પણ    એવી જ મઘમઘતી રહી છે.  મધુર દાંપત્યજીવનની બે દાયકાની  મહેકતી  યાત્રાના મંગલ  દિવસે આપના  આશીર્વાદની આકાંક્ષા..

 લખાણ પૂરું કરીને  વૈશાલી એકીટશે ફોટાને નીરખી રહી. એક નિસાસો સરી પડયો. ત્યાં બહારથી આવેલા મંથનનો ઘાંટો  સંભળાયો.  ધ્રૂજી ઉઠેલી વૈશાલી ઝડપથી  ભીની આંખો લૂછી,ફોન બંધ કરીને  રસોડામાં ઘૂસી ગઈ.

ફોટા પર હેપી એનિવર્સરીની કોમેન્ટો  વરસતી રહી.

 

 

 

 

 

 

 

 

ફેસબુક.કોમ

ફેસબુકના ઓવારે થયેલો પરમ અને અમીનો પરિચય બે વર્ષમાં મૈત્રીની સરહદો ઓળંગીને પ્રેમની પગદંડીએ પાપા પગલી પાડી રહ્યો હતો.
આજે પહેલીવાર પર પરમે મળવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કંઈક અચકાતી નવ્યા આખરે તૈયાર થઈને સાંજે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ત્યાં..
નિશાંત ? પરમ? તું ?
અને તું ?અમી ? નવ્યા?
પતિ પત્ની બંને ડઘાઈને એકમેક સામે જોઈ રહ્યા.

ત્રિશંકુ

ત્રિશંકુ

ઓપરેશન પછી પણ તમારા પતિના બચવાના ચાંસીસ ત્રીસ ટકા ગણાય.
ડોકટરના શબ્દો રેવતીની ભીતર ખળભળી રહ્યા હતા.
ત્યાં..
બેન, અહીં સહી કરો.
એક કર્કશ અવાજ તેના કાનમાં રેલાયો.
ધડકતા હૈયે ખોરડું ગિરવે મૂકવાના કાગળો હાથમાં લેતા રેવતીની નજર ખાટલીમાં સૂતેલી નાનકડી બે દીકરીઓ પર પડી.
અને..સહી કરવા જતો તેનો હાથ ત્રિશંકુ બનીને લટકી રહ્યો.

માતૃદિન


તું છે દરિયો
ને હું છું હોડી…!
મા, મને કેમ
ખબર પડી મોડી…?

આખું આકાશ
એમાં ઓછું પડે,
એવી વિરાટ
તારી ઝોળી…!

મા, મને કેમ
ખબર પડી મોડી…?

તડકાઓ પોતે
તેં ઝીલી લીધા,
ને છાંયડાઓ
આપ્યા અપાર,
એકડો ઘૂંટાવીને
પાટી પર દઈ દીધો
ઈશ્વર હોવાનો આધાર…

અજવાળાં અમને
ઓવારી દીધાં ને,
કાળી ડિબાંગ
રાત ઓઢી…!

મા, મને કેમ
ખબર પડી મોડી…?

વાર્તાઓ કહીને
વાવેતર કીધાં,
અને લાગણીઓ
સીંચી ઉછેર,
ખોળામાં પાથરી
હિમાલયની હૂંફ,
ને હાલરડે
સપનાંની સેર,
રાતભર જાગી
જાગીને કરી તેં
ઈશ્વર સાથે જીભાજોડી…

મા,
મને કેમ
ખબર પડી મોડી…?

દરેક દિવસ માતૃદિવસ. માતૃત્વ ને વંદન.

 

અજ્ઞાત
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

micro stories

 

1 ગુડ ટચ બેડ ટચ..

વરસની પુત્રીને નિકિતા ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવી રહી હતી.

દીકરી ધ્યાનથી મમ્મીની વાત સાંભળી રહી હતી.

બેટા, સમજાયું તને ? ખબર પડી ને ?

હા, મમ્મા..એટલે કે દાદાજી કરે છે બેડ ટચ અને તું કરે છે ગુડ ટચ..રાઈટ મમ્મા ?

નિકીતા સ્તબ્ધ..

2

છેલ્લી વોર્નીગ

છેલ્લી વોર્નીંગ છે. પેપર પર સહી કર અને ચાલી જા, મારી જિંદગી અને મારા ઘરમાંથી. “

અને અમરે દીવાલ પરથી નીતુની તસ્વીર ઉતારી જોશથી ઘા કર્યો.

ફરશ પર કાચના ટુકડાઓ વેરાઈ રહ્યા.

નીતુ પતિ સામે જોઈ રહી.પણ આજે તેના આંસુ પણ અમરને પીગળાવી શકયા.

આખરે નીતુ ઘરની બહાર નીકળી.

તે આંખોથી ઓઝલ થઈ ત્યાં  સુધી અમર તેને નીરખી રહ્યો.

પછી નીચા નમી વેરાયેલા કાચના ટુકડાઓ એકઠા કરી તેને જોડવાનો પ્રયાસ કરતા ભીની આંખે તેણે કબાટમાંથી પોતાના રીપોર્ટની ફાઈલ કાઢી.