
રેણુકા અને રાજીવને લગ્ન કર્યાને નવ વર્ષ થયા હતા. રોજની આ રામાયણ, રાજીવ દોડતો નીકળે પાછળ રેણૂકા દોડૅ તેનું ટિફિન આપવા. ઘરનો ધંધો, માથે કોઈ શેઠ નહી છતાં આમ દોડવાનું કારણ રેણુકા સમજી ન શકે ! હવે તો રેણુકાએ કહેવાનું કે સમજાવવાનું પણ છોડી દીધું હતું !
આજે રેણુકા, પાછી રાજીવની પાછળ દોડી. તેને ખબર હતી રાજીવ ઉભો રહેવાનો નથી. કાયમ ભાગતો જ હોય. એમ લાગે જાણે એનું વિમાન ઉડી જવાનું ન હોય કે પછી પેલી ૧૦.૪૦ની ડબલ ફાસ્ટ ટ્રેન ચૂકી જવાનો હોય. નસિબદાર હતો રોજ પોતાની ગાડીમાં જતો હતો. હા, કામ પર જવાના સમયે વાહન વ્યવહાર ખૂબ ગીચોગીચ હોય જેને કારણે પંદર મિનિટનો રસ્તો કાપતાં તેને પોણો કલાક લાગતો. આ તો રોજનું હતું શું ફરક પડવાનો હતો ? એને કાંઈ માથે શેઠ ન હતો. એ પોતે જ શેઠ હતો. રેણુકા ખૂબ સમજાવે પણ માને એ બીજા.
સવારનો નાસ્તો કરવા બેઠો હોય તો પણ જલ્દી, ‘મારી ચા ગરમ છે’. કેવી રીતે પિવાની. રેણુ કહેશે હમણાં ઠંડી થઈ જશે. ત્યાં સુધીમાં બે બટકા ખાઈ લે. પણ ના, ગુસ્સો કરે . હવે સહુ તેના ગરમ મિજાજથી ટેવાઈ ગયા હતાં. તેનો એક ગુણ માનવો પડશે. સવારે જેટલો ઉત્પાતિયો અને ગરમ એટલો જ સાંજે નરમ. આ કઈ જાતનો સ્વભાવ , રેણુકા સમજી શકતી નહી. હવે તો નવ વર્ષથી પરણેલી હતી એટલે રાજીવની બધી ટેવોથી સંપૂર્ણ માહિતગાર હતી.
રેણુકા પાસે હંમેશા,’ સમય હોય ” !
રાજીવ કહેતી મારી પાસે ,’સમયનો અભાવ’.
પાછો ‘મારી વાત સાંભળ્યા વગર જતો રહ્યો . કઈ રીતે મારે તેને સમાચાર આપવા. મોઢેથી કહેતા શરમના શેરડા તેને ગાલે પડતા. બપોરે સુરભીને ફોન કર્યો. સુરભી તેની ખાસ દોસ્ત હતી. આજે બે બાળકની મા હતી. પતિને કઈ રીતે સમાચાર આપવા તેના વિશે સલાહ માગી રહી.
સાંજના આવ્યો, “રેણુકા આમલી ખાતાં, તેનું સ્વાગત કરી રહી “. રાજીવ હાથમાં ફુલોનો ગુલદસ્તો લઈ આવ્યો હતો.
રેણુકાને સમજ ન પડી, અરે, આ બુધ્ધુને કેવી રીતે ખબર પડી ગઈ ?
રાજીવે સવારે સ્નાન કરતી વખતે કચરાની ટોપલીમાં કશુંક ભાળ્યું હતું.











