મારા ગ્રુપના બીજા સભ્યો ગઈ રાતે પાંચ વાગે ઉઠવાનું નક્કી કરીને સૂઈ ગયા. હકીકતમાં એમનો સમય બીજે દિવસે રાત્રે 8:00 વાગે ટિકિટમાં લખેલો હતો. એ લોકો સવારે વહેલા ઉઠી, નાહી ધોઈ પરવારીને પાંચ વાગ્યે નીકળી ગયા. અમે લોકો ફરી સુઈ ગયા અને આરામથી ઉઠ્યા. આજનો દિવસ અમારા બેઉ માટેનો જ હતો. એકલા અહીંયા નીચે રહેવાનું નક્કી કરેલું .એમણે કહ્યું હતું કે 11:30 પછી જો તમે ઉપર આવો તો જીપ કરીને બધા ફરી લઈશું. પણ અમે કશું નિર્ણય લીધા વગર આરામથી ઉઠ્યા . થોડો નાસ્તો કર્યો. નાહી ધોઈને પરવારી ને ચાલતા ચાલતા મુખ્ય રસ્તા પર આવ્યા. બહાર એક નાની ટપરી પર ચા પીધી. રીક્ષા ના ભાવતાલ કરીને પદ્માવતી મંદિર ફરી દર્શન માટે ગયા. સામેની દુકાનોમાં માત્ર મહિલાઓ ઢોસા સેન્ટર ચલાવતી હતી.
ત્યાં જઈને મસાલા ઢોસા ખાધા. તેમની કાર્યશૈલી જોઈ. એ લોકો છોલે ભટુરે પણ વેચતા હતા. તે લોકોને પૂછીને એમનો ફોટો પણ લીધો. પછી મંદિરમાં મોબાઈલ જમા કરાવીને દર્શનની લાંબી લાઈનમાં ઊભા રહ્યા. અહીં પણ રૂપિયા 50માં સ્પેશિયલ દર્શનની સુવિધા હતી પણ અમારે આજે આખો દિવસ કશું કામ નહોતું એટલે આરામથી જનરલ લાઈનમાં ઊભા રહ્યા. લગભગ પોણો એક કલાકે નંબર આવ્યો. ખૂબ મોટું મંદિર હતું.એનું શિખર પણ સોનેથી મઢેલું હતું. અમે મંદિરમાં દર્શન કર્યા અને અહીં પણ તિરુપતિ બાલાજી ના મંદિર નો અનુભવ ફરી થયો. પૂજારીએ મને દર્શન કર્યા બાદ પાછી બોલાવી અને પુનઃ શાંતિથી દર્શન કરવાનું કહ્યું. હું અભિભૂત થઈને ભાવુક થઈ ગઈ. આંખ સહેજ પલળી ગઈ. અમે બહાર આવ્યા મોબાઇલ લીધા અને પછી લોકલ બસમાં બેસીને હોટલ પર આવ્યા.
કાલે બસ સ્ટેન્ડ નું નામ જાણી હોટલ પર જવાનો રસ્તો યાદ રાખી લીધેલો. અમે રૂટ પર જતી લોકલ બસમાં બેઠા. ખરેખર તો મને આવી રીતે ફરવું બહુ રોમાંચક લાગે. લોકલ સાધનો, સ્થાનિક પ્રજાને જોવી, શહેરમાં બસ ફરે એટલે ત્યાંની ગતિવિધિઓ જોવી, લોકલ આઈટમ ચાખવી. અમે નિયત બસ સ્ટેન્ડે ઉતર્યા અને ચાલતા ચાલતા હોટલ પર પાછા આવ્યા. સાથે લાવેલો નાસ્તો કરી લીધો.
થોડીવાર આરામ કરીને ફરી ફરવા નીકળ્યા ત્યાં બાલાજી ભગવાનને ગોપાલા કહે છે. પૂછતાં જાણવા મળ્યું કે અહીં ચાલતા જવાય એટલું દૂર એક ગોપાલા મંદિર છે. અને એનું માહાત્મ્ય પણ બહુ છે. એટલે અમે ત્યાંથી બસ વાળા ચાર રસ્તા પર ચાલતા ગયા. ત્યાં ચા પીધી અને ત્યાંથી ચાલતા ચાલતા ગોપાલા મંદિર તરફ ગયા. ગુજરાતની બહાર નીકળીએ એટલે ટ્રાફિક તો બહુ જ ઓછો લાગે અને આડેધડ ડ્રાઇવિંગ કે પાર્કિંગ કશે જોવા ના મળે. અમે ગોપાલા મંદિરની નજીક ગયા. ત્યાં મોટું બજાર હતું અને એક સુકાયેલું તળાવ હતું. સાંજ ઢળી રહી હતી એ દ્રશ્ય ખૂબ સુંદર લાગતું હતું. ત્યાં ખૂણા પર ગણપતિ મંદિર દેખાયું. આજે મંગળવાર હતો. ચાલતા ગણપતિ મંદિર જવાનો ક્રમ કેટલો અદભુત રીતે સચવાઈ ગયો!!! ગણપતિ ને વિવિધ સ્વરૂપ મંદિરમાં જોયા. ત્યાં લોકો નવા વેહિકલ લે એટલે પ્રથમ પૂજા કરવા અહીં આવતા. હું ભગવાનની આ લીલા આગળ નથી નતમસ્તક થઈ ગઈ.
આગળ મને ગોપાલા મંદિરે ગયા તો દર્શન બંધ હતા અને જલ્દી ખુલવાના નહોતા એટલે અમે આસપાસનું બજાર જોતા જોતા પાછા ચાર રસ્તે આવ્યા. કકડીને ભૂખ લાગી હતી. બે બહેનો ફૂટપાથ પર ઢોસા સેન્ટર ચલાવતી હતી. ત્યાં બેસી ત્યાંના લોકલ મસાલા ઢોસાનો આનંદ લીધો. આપણે સાંભર બનાવીએ છીએ એવો સાંભર નહીં. જાડી દાળ હોય, થોડા મસાલા અને શાક પણ ના હોય. દહીં કોપરાની ચટણી હોય. પાછા વળતા અમે ફરી આઈસ્ક્રીમ ખાધો. બપોરે ચા પીવા ગયેલા ત્યારે પણ ખાધેલો. એમાં આઇસક્રીમના કપમાં નીચે મધની લેયર હતી અને આઇસ્ક્રીમનો સ્વાદ પણ નવો હતો. ખાવાની બહુ મજા આવી. ચાલતા ચાલતા પાછા હોટલ પર પાછા આવતા હતા ત્યારે ગ્રુપમાંથી ફોન આવ્યો કે અમે ક્યાં છીએ? એ બેઉ રૂમની ચાવી અમારી પાસે હતી. અમે હોટલની સામે જ હતા. ચાવી આપી દીધી અને રૂમમાં પહોંચ્યા.
એ લોકો અહીંથી પાંચ વાગ્યે નીકળીને પહોંચી તો ગયા પણ સ્પેશિયલ દર્શન ની લાઈન 12:00 વાગે ચાલુ થતી હતી એટલે એમને બહુ રાહ જોવી પડી. ૧૨ વાગે લાઈન ચાલુ થતાં અઢી વાગે એમના દર્શન થઈ ગયેલા. એમણે જમી લીધું હતું. એમણે ત્યારે અમને ફોન કરેલો ત્યાં તિરુમાલા આવવા કહેલું એટલે. પણ અમને આરામ કરવો હતો એટલે નહોતા ગયા. અમારી હોટલની કમ્પાઉન્ડને અડીને રેલવે લાઈન હતી એટલે આવતી જતી છુકછુક ગાડી જોવાની મજા આવતી હતી. અમે તો જમીને આવેલા બે સભ્યોનો ઉપવાસ હતો એટલે બાકીના સભ્યોએ બેગમાંનો નાસ્તો કર્યો. સવારે સૌએ ગોપાલા મંદિરે જવાનું નક્કી કર્યું.
સવારે ચાર રસ્તા પર ચા પીને સાથે લાવેલા થોડા નાસ્તા કરીને બધા પગપાળા ગોપાલા મંદિરે ગયા. અહીં સુતેલા વિષ્ણુ પણ છે. અહીં લાઈનમાં અંદર ગયા પછી જોયું બહુ જ વિચાર સાદા કાળા પથ્થરોથી બનેલું મંદિર છે. શૃંગાર પણ નહીં. મુખ્ય મંદિર તરફ આવતા પેસેજ આવે એની બેઉ બાજુ મંદિરો વારાફરતી એમાં દર્શન કરતા જવાનું. ત્યાં મૂર્તિઓ કઈ છે ખબર ના પડે પણ પરમાત્માના નમન કરીને આગળ વધતા ગયા.બહાર જઈને પાણી પીધું થોડુંક બેઠા પછી મંદિરની બહાર આવ્યા.
બજારોમાં દુકાનો ખુલી ગયેલી. એક દુકાને મારી ભાણેજ માટે સાઉથ સિલ્કના ચણીયા ટોપ નો ભાવ પૂછ્યો. ભાવતાલની શક્યતા લાગી પછી તો બધાએ ત્યાં સાડી અને બીજી વસ્તુઓ લીધી. અમે ત્યાંથી ચાલતા ચાલતા બહાર આવ્યા. રીક્ષા કરી રસ્તામાં બિસલેરી બોટલ લીધી. હોટલ પર આવ્યા ત્યારે પેકિંગ થઈ ગયેલું. હોટલવાળાએ થોડી રકજક કરી કાઉન્ટર પાસે અમારું લગેજ રીસેપ્શન પર મૂકવાના રૂપિયા 200 લીધા.
આજે સાંજે 6:15 વાગે રેણીન્ગુટા સ્ટેશનથી અમારી વડોદરા પરત આવવા માટેની ટ્રેન પકડવાની હતી પણ સવારે હજુ 11:00 વાગેલા. તિરુપતિ થી 40 કિલોમીટર દૂર એક કાલ હસ્તી મંદિર છે જે રાહુ અને કેતુને સમર્પિત છે એમ કહેવાય છે. આ મંદિર ગ્રહણ સમયે પણ ખુલ્લું જ હોય છે . એ એની વિશેષતા છે. રાહુ અને કેતુ ગ્રહની શાંતિ માટે લોકો અહીં આવતા હોય છે એમ કહેવાય છે. આમ તો શિવજીનું મંદિર છે. તેના વિશાળ ગેટ પાસે ઊતરી થોડું આગળ ચાલતા મોબાઇલ માટે કાઉન્ટર આવે છે. ત્યાંથી પાઇપોની રેલિંગમાં ચાલતા શિવ મંદિર સુધી જવાય છે. મંદિર ખૂબ ખૂબ વિશાળ છે. લગભગ 2000 વર્ષોથી એને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. મંદિરની ત્રણ તરફ વિશાળ ગોપુરમ છે અને અંદર 100 સ્તંભો વાળો મંડપ છે. છ ફૂટ ઊંચા સળંગ ઓટલા મંદિરની ચોતરફ ચોરસ આકારમાં બનાવવામાં આવેલ છે. ત્યાં સુંદર લાઇટિંગ પણ છે. અમને આ મંદિર વિશે કોઈ જ માહિતી નહોતી પણ તોય જ્યારે જાણ્યું અને જોયું ત્યારે કુદરતની લીલા આગળ નતમસ્તક થઈ જવાયું.
અહીં અન્નક્ષેત્ર પણ ચાલે છે. સૌ જમવા માટે લાંબી લાઈનમાં ઊભા રહ્યા. લગભગ દોઢેક કલાકે અમારો નંબર આવ્યો. અહીં જમવામાં રોટલી સિવાય બધું જ મળે. જમીને બહાર આવ્યા.
અહીં અમે સૌ છકડામાં આવેલા્ અહીંથી
રેણીન્ગુટા સ્ટેશન પર અમને લેડીઝ ને મૂકી ત્રણ પુરુષો હોટલથી સામાન લઈ અહીં પાછા આવી જશે એવું નક્કી થયેલું. છકડા વાળા ભાઈને બોલાવ્યા. તિરુપતિ શહેરથી 12 કિલોમીટર દૂર રેણીન્ગુટા સ્ટેશન પર અમે સૌ લેડીઝ સાથે મારા પતિદેવ પણ ઉતરી ગયા. છકડામાં ત્રણ ભાઈઓ સામાન પાછા લઈને આવ્યા. અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર જ આવવાની હોવાથી ત્યાં બેંચ પર બેઠા. થોડીવાર પછી દાળ કાંદા ના પકોડા લાવવામાં આવ્યા. પછી ચા પણ પીવાઈ ગઈ. ત્યાં માળાઓ બહુ સરસ મળે. અમે સૌએ બધાને આપવા માટે માળાઓ લીધી.
ટ્રેનના આવવાના નિયત સમયના દસ મિનિટ પહેલા એનાઉન્સમેન્ટ થયું કે ટ્રેન એકને બદલે પાંચ નંબરના પ્લેટફોર્મ પર આવશે. અમે 14 નંગ નાની મોટી બેગ્સ સાથે આઠ જણા લગભગ દોડતા પાંચ નંબરના પ્લેટફોર્મ પર પુલ ઓળંગીને પહોંચ્યા. ટ્રેન આવી. સૌ ચઢીને સીટ પાસે સામાન ગોઠવી બેઠા. ત્યાં મારા પતિદેવે પૂછ્યું મારું ક્રોસ ક્યાં? અમે આજુબાજુ બધે શોધ્યું પણ ન મળ્યું. ટ્રેન શરૂ થવામાં એકાદ બે મિનિટ બાકી હતી. હું એક વાર બોલી પણ ખરી કે ચેન પુલિંગ કરીએ અને એક નંબર પર જોઈ આવીએ. પણ મગજ શૂન્ય થઈ ગયેલું. એ બેગમાં મારા પતિદેવના બેંક કાર્ડ, મોબાઇલ ફોન,આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બચેલી કેશ બધું જ હતું. બધા પ્લેટફોર્મ પર એટલા બધા પેસેન્જર હતા કે હવે બેગ માટે કોઈ શક્યતા જણાતી નહોતી. અમે બે જણે મોબાઈલ પર રિંગ આપી તો ચાલુ હતી. પણ પછી જો રિંગ થી કોઈનું ધ્યાન જાય તો બેગ જતી રહે એટલે ફોન કરવાનું બંધ કર્યું. મારા પતિદેવ ગ્રુપના ભાઈઓ સાથે ટીસીને મળ્યા અને હકીકત જણાવી. ચેન પુલિંગ થયું ત્યારે ટ્રેન પ્લેટફોર્મની બહાર 500 મીટર જઈ ચૂકી હતી. મારા પતિ શ્રી દિનેશભાઈ પટેલ સાથે અંધારામાં પાટા પર દોડતા એક નંબરના પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે અમે જે બેંચ પર બેઠેલા ત્યાં એ જ પોઝિશનમાં ટોપી સાથે એ બેગ ટિંગાડેલી પડી હતી. આસપાસ કેટલા બધા ફેરીયાઓ, માળાઓ વેચતી બહેનો, માણસોથી ઉભરાતું પ્લેટફોર્મ પરથી એ લોકો દોડતા પરત આવ્યા ત્યારે ટ્રેન સાવ ધીમી ગતિએ ચાલુ થઈ ગયેલી. બેઉ જણ છેલ્લા ડબ્બામાં ચડી ગયેલા. આ બાજુ અમારા સહપ્રવાસી ભાઈએ અમને 139 પર રેલવે પોલીસને ફોન કરવા સલાહ આપી અને ફોન લગાડી બ્રીફ માં જણાવી મને આગળ વાત કરવા ફોન આપ્યો. હું તમામ વિગતો બેગ નું વર્ણન વગેરે જણાવી રહી હતી ત્યાં જ અમારા ગ્રુપના ભાઈ આવ્યા અને એમણે જણાવ્યું કે બેગ મળી ગઈ છે. અને હિતેશભાઈ છેલ્લા ડબ્બામાં ચડી ગયા છે. મેં પોલીસમેનનો આભાર માની બેગ મળી ગઈ છે એમ જણાવ્યું.
આ સમગ્ર ઘટનાક્રમ સાંજે 6:35 થી 7:05 વાગ્યાનો હતો. મારી આંખોમાં હજી આંસુ ઉભરાય છે. એ વખાતે હું ધૃસ્કેને ધુસકે ખૂબ રડવા માંડી. મને ત્યાં પરમશક્તિની હાજરીનો અહેસાસ થયો. મારા ગણપતિદાદા કે બાલાજી નો જીવતો જાગતો ચમત્કાર જ હતો. પ્રભુની પરીક્ષા અઘરી તો હોય છે પણ એમાં એ જ તારણહાર પણ હોય છે. અમે સૌ બે દિવસની મુસાફરી કરી ઘેર પરત ફર્યા. વળતાં મુસાફરી દરમ્યાન હું શૂન્યમનસ્ક રહી. વિચારમાળા તો ચાલતી જ રહી. સવારે વડોદરાના સ્ટેશને પગ મુકતા જ ફરી સંસારનો ઘટનાક્રમ ચાલુ થઈ ગયો.






















