Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-11/01/26

જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય?

……એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.

———       

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃત-લોયા 03

આજકાલ અમદાવાદ માં ઠંડી અને સત્સંગ નું જોર ભરપૂર છે….આપણે તો સવાર સાંજ બસ સત્સંગ ને રંગે જ રંગાયેલી હોય છે…..પ્રત્યક્ષ સત્પુરુષ અને એમના થકી પ્રગટ મહારાજ સાક્ષાત હોય ત્યાં સત્સંગ માં ખોટ રહે???? તો ચાલો…આ બધું જેના કારણે છે…જેના અર્થે છે…તેના જીવભરી ને દર્શન કરીએ….

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..મન હરિ માં સહેજે જ જોડાઈ ગયું….એ પછી યુવક દ્વારા ” મરમાળી મૂર્તિ  માવ ની…..” પ્રેમાનંદ સ્વામી રચિત મૂર્તિ નું પદ રજૂ થયું…અને ભગવાન ની એ મનમોહક મૂર્તિ મનોચક્ષુ સમક્ષ છવાઈ ગઈ…..કે જેના એક પળ ના દર્શન થી અખંડ સુખ ની છોળો ઉછળતી….! એ પછી એક યુવક દ્વારા ” આ દેહ થી શુ ન થાય રે….પ્રમુખ/મહંત સ્વામી ને કાજે…..” સદગુરુ કોઠારી સ્વામી રચિત પદ રજૂ થયું અને લોયા નું 3 જુ વચનામૃત યાદ આવી ગયું..જેમાં શ્રીજી કહે છે કે…..”જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.”……! વાહ….!  એ પછી એક યુવક દ્વારા ” દિવ્ય છે …દિવ્ય છે રે…સ્વામી સંબંધે સૌ દિવ્ય છે રે….” પદ રજૂ થયું. સત્પુરુષ નો જે જીવ ને યથાર્થ સબંધ થયો તે બ્રહ્મરૂપ થયા વગર રહેજે જ નહીં…..જેમ લોઢા ને પારસમણિ સ્પર્શે અને એ હેમ માં બદલાઈ જાય તેમ આ પરિવર્તન થાય છે…! આપણ ને તો આવા સત્પુરુષ સાક્ષાત મળ્યા છે…..બસ એમની પ્રાપ્તિ ની પ્રતીતિ કરવા ની છે…!

એ પછી ઉત્તરાયણ ઝોળી પર્વ નું સુવર્ણ સ્મૃતિ ઓ ના દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..”આ દેહ થકી શુ ન થાય રે…” મધ્યવર્તી વિચાર હેઠળ વીડિયો અને પછી એના પર પૂ. સંતો દ્વારા નિરૂપણ થયું…..જોઈશું સારાંશ ….

  • આપણ ને જે પ્રાપ્તિ થઈ છે ..એની વાત બીજા ને ન કરી શકીએ….તો આપણી પ્રાપ્તિ કાચી કહેવાય…તુજ સંગ વૈષ્ણવ ન થાય તો તું વૈષ્ણવ કાચો….!! આપણા સંપ્રદાય માં શંકર ભગત નો સત્સંગ નો ખટકો ખબર જ છે….! લોકલાજ થી ડરી ને આપણે આવા સર્વપરી સત્સંગ ની વાત કરતા અચકાઈ એ છીએ….જે ન થવું જોઈએ…! બીજું…સત્સંગ ની મર્યાદા માં રહેવાતું નથી….લગ્ન આદિક રિવાજો માં ગજા બહાર ખર્ચ કરાય છે….જે યોગ્ય નથી…! લોકલાજ  નડે છે…સત્સંગ માં આજ્ઞા પાળવા માં…..આપણી આળસ, સંગ ,નિષ્ઠા ની મોળપ. એના માટે જવાબદાર છે…..!
  • નિયમ ધર્મ માં શિર સાટે રહેવું- મહારાજે શિક્ષાપત્રી ની રચના કરી અને સંપ્રદાય ને નિયમ ધર્મ માં વર્તવા નો માર્ગ બતાવ્યો- નિયમ એ વર્તન ને લગતો છે…જ્યારે ધર્મ એ એમ વર્તવા નો માર્ગ છે……બહાર ની ખાણીપીણી ન લેવી એ નિયમ છે તો નિઃસ્વાદી પણુ એ ધર્મ છે….મહારાજ ના સમય માં પણ આવા ભક્તો હતા અને આજે પણ દિલીપભાઈ જોશી , અમેરિકા ના દર્શનભાઈ શાહ, ઓસ્ટ્રેલિયા ના શુભ પટેલ જેવા અનેકો  હરિભક્તો છે કે જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય…છતાં  નિયમ ધર્મ માં સહેજે બાંધછોડ કરતા નથી….! એ જ સત્પુરુષ અને ભગવાન ના રાજીપા ની ચાવી છે…
  • ગુરુ નું જ્ઞાન વિશ્વે વધારીએ….દાસાનુંદાસ પણું નિભાવીએ- પ.પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ કહ્યું કે- આપણા સંપ્રદાય માં અનેકો હરિભક્તો થઈ ગયા અને આજે પણ છે કે જેમણે ભગવાન અર્થે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું….લોકલાજ ની કોઈ પરવા કરી નહીં…ઉપાસના જ્ઞાન દ્રઢ કર્યું અને પાકા નિષ્ઠાવાન સત્સંગી થયા…અનેકો ઉપાધિઓ પણ સહન કરી…..શિર સાટે સત્સંગ અને સિદ્ધાંત નો પક્ષ રાખ્યો….પોતાના સ્વભાવ છોડ્યા….વ્યસન છોડ્યા…! સત્સંગ એટલે સત્પુરુષ…..જેના પ્રભાવ થી જગતભર માં આટલું મોટું પરિવર્તન આવે છે….માટે જ એમનામાં સાંગોપાંગ જોડાઈ જવું…..એમની મરજી મુજબ નિયમ ધર્મ દ્રઢ થશે….અને સત્સંગ સફળ થશે…!આપણું જીવન સત્સંગ માં એવું પાકું રાખવું કે બીજા ને આપણ ને જોઈને સત્સંગી થવા ની પ્રેરણા મળે.

ઉપરોક્ત વર્ણવ્યા એવા અમુક હરિભક્તો ના જીવન પ્રસંગો નું વર્ણન એક સંવાદ દ્વારા રજૂ થયું….ગુણાતીતાનંદ સ્વામી ના સમય ના ગોવિંદ ભક્ત નો પ્રસંગ રજૂ થયો…

એ પછી અન્ય એક સંવાદ માં – રઢુના કલ્યાણ દાસ નો પ્રસંગ રજૂ થયો….

એ પછી સભામાં પ.પૂ. સ્વામીશ્રી નું આગમન થયું….અને અન્ય એક સંવાદ માં ગુંદાળી ગામ ના બે હરિભક્તો – મેરામણ અને મામૈયાં પટગર નો શિર સાટે સત્સંગ નો પક્ષ રજૂ ઘયો….

અદભુત…!!

એ પછી અન્ય એક સંવાદ માં સામત પટેલ નો પ્રસંગ રજૂ થયો…..

ગઢડા માં મંદિર નિર્માણ માં ભક્તરાજ સામત પટેલે પોતાનું સર્વસ્વ -ઘરબાર -ધન સંપત્તિ એ મંદિર માટે અર્પણ કર્યું….! અદભુત….

સભા ને અંતે બાપા એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- સમર્પણ ભાવ થી ભગવાન ને સમર્પિત થવા નું છે…એ પણ ખુમારી સાથે…તો જ લેખે લાગે…!! બસ…આ જ કરવા જેવું છે….ભગવાન અને સંત અર્થે સર્વે હોમી દેવું….યા હોમ થઈ જવું…..એ જ સમર્પણ ભાવ..! મહિમા સમજ્યા હોઈએ ત્યારે આવો ભાવ થાય…બધું જ થાય…!

એ પછી પૂ. સંતો દ્વારા સ્વામીશ્રી નું હારતોરા થી સ્વાગત થયું….

જાહેરાત થઈ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણ ને દિવસે સવારે 6 થી 8 ઝોળી ઉત્સવ ઉજવાશે…..13 મી એ કેશવ સ્મૃતિ ઉત્સવ ઉજવાશે…સમય સાંજે 5.30……અને 16 મી એ સવારે 10 વાગે બાપા અહીં અમદાવાદ થી સતત બે મહિના સર્વે ને દિવ્ય દર્શન લાભ આપી …અટલાદરા માટે વિદાય લેશે….

આજની સભાનો એક જ સાર હતો……કે જે ભગવાન ના થયા છે …ભગવાન એમનો જ થયો છે….માટે જ આ દેહ…આ જીવ…આપણું સર્વસ્વ એ શામળિયા ને અર્પણ કરી એને જીતી લેવો…..!! એનું જ આપેલું એને આપવા નું છે…..આપણું ક્યાં કાઈ જાય છે..???

આ જ સમજદારી છે…..મોક્ષ નો માર્ગ છે….હરિ જીત્યા નો માર્ગ છે….

જય જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS પ્રતીક પુષ્પોદોલોત્સવ રવિસભા-04/01/26

આજે ઇસવીસન 2026 ની પ્રથમ રવિસભા….એ પણ પ્રત્યક્ષ સત્પુરુષ ના સાનિધ્ય માં….એ પણ ફુલદોલ ની પ્રતીક ઉત્સવ સભા હતી….અહીં તો જીવન માત્ર હરિ રંગે રંગાયેલું છે…..એ જ કેસરભીનો શ્યામ અંતરે વસ્યો છે પછી તો અહીં હરપળ ઉત્સવ કેમ ન હોય…!! એ જ કેસર ભીના શ્યામ ના દર્શન કરીએ અને ઉત્સવ ની શરૂઆત કરીએ……આજ ના રંગભીના દર્શન….

સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન થી થઈ….એ પછી યુવકો દ્વારા ફુલદોલ નું જ પદ…સદગુરુ ભુમાનંદ સ્વામી રચિત ” ભર પિચકારી પ્યારો લાગે રંગ…” રજૂ થયું…..અને સમગ્ર સભા રંગ માં જાણે કે સહજ જ રંગાઈ ગઈ….!! સ્વયં શ્રીહરિ ના સમયે ફુલદોલ નો માહોલ કેવો હશે….!! કલ્પના તો કરો….!! પછી જૈમીન વૈદ્ય…ધવલ અને અન્ય યુવક મિત્રો દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમભીનું ” હોરી આઈ રે…આઈ રે…..” નું પ્રસિદ્ધ …જોશીલું પદ રજૂ થયું…..અને જાણે કે મનોચક્ષુ સમક્ષ સારંગપુર મધ્યે રંગો થી રંગાયેલો મારો નાથ…સંતો હરિભક્તો નો સમૂહ છવાઈ ગયો….!!!અદભુત…! એ પછી પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા ભક્તકવિ શંકર દાસ રચિત “રંગ લાગ્યો મુને રંગીલા રે…..” પદ રજુ થયું…..બ્રહ્મસત્ય…!! અહીં તો જન્મોજન્મ બસ એક એના જ રંગ માં રંગાવું છે….અને એવા તો રંગાવું છે કે એ રંગ રતીભાર પણ છૂટી ન જાય…..!!!! એના સિવાય બીજો કયો રંગ પાકો છે??? કયો રંગ ચડે એવો છે…???

એ પછી ડાંગરવા ગામ ના મહિલા હરિભક્તો એ શ્રીજી સમક્ષ જે ફગવા ગાયેલા…. પ્રાર્થના કરેલી એનો એક વીડિયો દર્શન ના માધ્યમ થી લાભ મળ્યો…….! અદભુત….

એ પછી કિશોરો દ્વારા એક જોશીલું કીર્તન …દાસ શંકર રચિત” એ યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો….” પદ પર નૃત્ય રજૂ થયું….!! વાહ…જોરદાર….અદભુત…!!

એ પછી એક સંત પૂ.ત્યાગમુનિ સ્વામી દ્વારા ” તારું મુખડું જોયુને મેં તો ભાન ખોયું…” વિષય પર પ્રવચન રજૂ થયું….એમણે કહ્યું કે- જગત ના દર્શન થી ભાન ન ભુલાય એ જોવાનું છે….આ તો એનું દર્શન છે કે જેના થી જીવ ના – દુઃખ,રોગ,વિષય ,વિલાપ સર્વે સહેજે છૂટી જાય છે….એના એક પળ ના દર્શન થી અનંત સુખ મળે છે….સર્વે પાપ બળી જાય છે….આપણ ને એવા ભગવાન અને એવા સત્પુરુષ મળ્યા છે….અનેકો ઉદાહરણ છે કે જેમને મહંત સ્વામી ના દર્શન થયા હોય અને વર્ષો જુના વિષય છૂટી ગયા હોય અને અખંડ શાંતિ નો અનુભવ થયો હોય…!

એ પછી પુનઃ એ જ નૃત્ય મંડળી ના ” યોગી આવો તે રંગ..” કીર્તન પર ટૂંકા નૃત્ય પછી પૂ. નિર્મલચરીત સ્વામી દ્વારા ” એક વચને શુ ન થાય..” વિષય ભાવ પર પ્રવચન કરતા કહ્યું કે- આજે એક સંત પૂ. મહંત સ્વામી મહારાજ ના એક વચને 12500 થી વધુ કાર્યકરો એ અમેરિકા માં વિશાલ અક્ષરધામ બનાવી દીધું….80000 થી વધુ કાર્યકરો એ મહા વિશાળ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ને સફળ બનાવી દીધો…!! સત્પુરુષ માટે તો સત્સંગી જ એમની નાત…એ જ સગા…!! એમના ગુણાતીત નિસ્વાર્થ…અસિમિત પ્રેમ થી સૌના હૈયા રંગાયા છે…! કોઈ ભેદભાવ નહીં…કોઈ અપેક્ષા નહીં…સર્વ ના સુખાકારી માટે સતત ચિંતા કરે…એમની સેવા કરી ને રાજી કરવા ની ભાવના કરે…..સર્વ માટે સમાન પ્રેમ…! પણ સામે આપણે પણ એમના હૈયા માં રહેવા એમની આજ્ઞા માં સારધાર રહેવું પડે…!

પછી એજ નૃત્ય અને એ પછી આપણા ગુણાતીત ગુરુઓ એ સારંગપુર મહાતીર્થ સ્થાને ઉજવેલા ભવ્ય ફુલદોલ ઉત્સવ ના વીડિયો દર્શન નો લાભ મળ્યો…….! છેક 1987 થી 2013 સુધી ના દરેક ભવ્ય ફુલદોલ અને કેસર ભીની સ્મૃતિઓ ના દર્શન થયા…!! અદભુત…અદભુત…!!

એ પછી પ.પૂ. સ્વામીશ્રી નું આગમન થયું….એમણે અક્ષરપુરુષોત્તમ મહારાજ ને ફૂલો થી વધાવ્યા…..આરતી કરી …પૂ.ઇશ્વરચરણ સ્વામી અને અગ્રણી સંતો એ સ્વામીશ્રી ને પુષ્પો થી..કલાત્મક હારતોરા થી “ભીંજવ્યા”….વધાવ્યા…!! એ પછી સ્વામીશ્રી એ પોતાના ટૂંકા આશીર્વાદ માં કહ્યું કે- બીજા બધા રંગો ચડે ઉતરે પણ નિષ્ઠા નો રંગ સદાય ચડતો જ રહે ….કદી ઉતરે જ નહીં…!! એ સર્વોપરી રંગ છે….શાસ્ત્રીજી મહારાજે દયા કરી ને આપણ ને આ રંગ આપ્યો છે…કદી ઉતરે જ નહીં….આ રંગ સદાય લાભદાયી રહે…સદાય વધારતા જવું….!

એ પછી સર્વે સંતો હરિભક્તો ને પુષ્પ ની ધાર…વર્ષમાં માં ભીંજાવા નું અવિસ્મરણીય સુખ મળ્યું….!!! 💐💐 અદભુત ….અદભુત…!!

આજ ની સભાનો એક જ સાર હતો- ભગવાન મળ્યા….સંત મળ્યા એટલે અહીં તો હરપળ ઉત્સવ જ છે….બસ આ લીલા ચરિત્રો…કેસર ભીની સ્મૃતિઓ ને હૈયા માં…જીવ માં જડી દેવી…..જેથી જન્મોજન્મ આ અખંડ સુખ નો લાભ મળતો રહે…..જગત ના રંગ ઘુસી ન જાય….!!!

બસ….આપણે તો એક એના જ રંગ માં રંગાવું છે….!!!

જય જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS શાકોત્સવ રવિસભા-28/12/25

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય……

તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”

————-   

વચનામૃત ગઢડા પ્રથમ-3

આજે લગભગ 1 માસ પછી રવિસભા નો પુનઃ લાભ મળ્યો….એ પણ સત્પુરુષ ના પ્રત્યક્ષ સાનિધ્ય માં અને એ પણ શરદ ઋતુ ના ઉત્સવ શાકોત્સવ ના રંગ અને સ્વાદ સાથે…….!!! આજે સવારે જ એ શાકોત્સવ ની સેવા માં અમેં સૌએ લાભ લીધો હતો અને એ જ શાક નો લાભ અમને આજે મળ્યો….!!!!તો એ સૌ સુખ ના કારણ એવા મારા વ્હાલા ના દર્શન મનભરી ને કરીએ….

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ અને એ પછી એક યુવક મિત્ર નિરવ અને ટીમે શાકોત્સવ પર પ્રેમાનંદ સ્વામી રચિત પદ્ય વૃતાંત ” વળી વખાણું લીલા લોયા ગામની…સુણતાં શ્રવણે પાતક પ્રલ્લે થાય જો” રજૂ કર્યું…….સંપ્રદાય માં શ્રીજીમહારાજે લોયા માં ઉજવેલા ભવ્ય શાકોત્સવ નો દિવ્ય પ્રસંગ ખૂબ જ જાણીતો છે……આજના શાહીબાગ મંદિરે ઠાકોરજી ના દર્શન એ જ હળદર અને મસાલા થી ખરડાયેલા શ્વેત વસ્ત્રો માં થયા…..!! અદભુત દર્શન…અદભુત લાભ….!!

એ પછી 2 અને 3 જાન્યુઆરી 2026 ના રોજ થનાર વિશ્વશાંતિ સત્સંગ દીક્ષા મહાયાગ ના ઉપક્રમે યજ્ઞ ના મહિમા ને સમજાવતો ટૂંકા વીડિયો દર્શન નો લાભ મળ્યો……એ પછી આજના શાકોત્સવ લીલા હેતુ ને વધુ સ્પષ્ટ કરતું એક વચનામૃત ગઢડા પ્રથમ 3- લીલા ચરિત્ર સંભાળી રાખવા…. નું વિડીઓ પઠન …સ્વયં મહંત સ્વામી ના સ્વરે રજૂ થયું….!!

એ પછી “દર્શન-મહિમા ભરી નજરે”વિષય પર પૂ.દિવ્યકિશોર સ્વામી દ્વારા પ્રવચન થયું….એમણે કહ્યું કે( સારાંશ માત્ર) – જે વ્યક્તિ ને જે વિષય વસ્તુ નું આકર્ષણ હોય તેમાં તે રચ્યોપચ્યો રહે….એમાં એને કંટાળો કે થાક ન લાગે….આપણે ભક્ત છીએ તો ભગવાન ની એ જ મૂર્તિ..લીલા ચરિત્ર ને સદાય સંભારી રાખવી…ભગવાન પણ પોતાના ભક્ત ના મનોરથ પુરા કરવા અહીં પધારે છે અને લીલા ચરિત્ર કરે છે.. ….કારીયાણી-5, પંચાળા ના 2 ના વચનામૃત માં એ જ વાત કરી છે…એમાં થી જ આપણ ને અખંડ શાંતિ…સુખ…આપણા પાપ દોષ બળી જાય …અંતઃકરણ શુદ્ધ થઈ જાય…એ આદિક સુખ..મળે છે…દર્શન,પ્રસાદી,વાતું અને મળવું- આ ચાર સુખ સત્પુરુષ આપણ ને આપે છે…એ સુખ નો લાભ લઇ લેવો….!

એ પછી પ.પૂ. મહંત સ્વામી મહારાજ ની મહિમા નું ગાન કરતો એક વીડિયો રજૂ થયો….! અદભુત વીડિયો દર્શન….

એ પછી પૂ. મંગળશ્લોક સ્વામી દ્વારા ” એકાગ્રતા પૂર્વક દર્શન” વિષય પર પ્રવચન નો લાભ મળ્યો…એમણે વાત કરી કે- એકાગ્રતા માટે પૂર્વતૈયારી, વર્તમાન પર સ્થિર ..કેન્દ્રિત રહેવું, એની સાથે સંતુલિત રીતે સંકલન કરવું….! એકાગ્ર થયા વિના કોઈ પ્રાપ્તિ નથી. એ જ વાત વચનામૃત માં કહી છે…કે મને સહિત એકાગ્ર દ્રષ્ટિ એ દર્શન કરવા…પ્રેમાનંદ સ્વામી એ મહારાજ ના ચિન્હ ચિંતામણી ની રચના કરી છે..એ આ એકાગ્ર દર્શન નું ઉદાહરણ છે….સારંગપુર-2 ના વચનામૃત મુજબ દર્શન કરવું…..

એ પછી મહંત સ્વામી મહારાજ ના દર્શન મહિમા નું ગાન કરતા વીડિયો ” ધીરે ધીરે જી…મહંત સ્વામી આપનો નેહડો લાગ્યો રે” નું દર્શન થયું…! અદભુત…!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી દ્વારા પ્રશ્નોત્તરી ના માધ્યમ થી સંવાદ રજૂ થયો…જોઈએ સંવાદ(ઉત્તર)  સારાંશ રૂપે-

  • મોટા પુરુષ માં આપણ ને જેટલું હેત પ્રીતિ, આત્મબુદ્ધિ થાય તો એમનો યથાર્થ મહિમા સમજાય ..તો જ એમની વાતો, દર્શન ,લીલા ચરિત્ર ઇદમ સાંભરી આવે….એનું મનન ચિંતન થાય તો સ્મૃતિ દ્રઢ થાય અને આનંદ આવે..!
  • સત્પુરુષ ના દર્શન માં , શ્રીજીમહારાજે સારંગપુર-2 માં કહ્યા મુજબ એકાગ્ર મને કરી દર્શન કરવા…ગુણાતીત પુરુષ જ આપણા મોક્ષ ના દાતા છે…સર્વસ્વ છે..એવો દ્રઢ વિશ્વાસ અને મહિમા આવે…એનું સતત ચિંતન મનન નિદિદ્યાસ થાય તો મન જગત માં થી છૂટી ને સત્પુરુષ માં સર્વાંગ પ્રકારે જોડાવાય…મન સહેજે જ એકાગ્ર થાય.
  • સત્પુરુષ નો મહિમા ભૂલી ન જવાય તે માટે અંતઃકરણ શુદ્ધ કરવું…જેટલું એ શુદ્ધ થશે એટલો મહિમા વધારે સમજાશે….અંતઃકરણ શુદ્ધ કરવા ઇન્દ્રિય નો આહાર શુદ્ધ કરવો ( ગઢડા પ્રથમ-18, મધ્ય-2) . સત્પુરુષ ની સતત સ્મૃતિ રાખવી..એનો અભ્યાસ કરતા રહેવું…મહિમા સમજતા રહેવું…દ્રઢ કરતા રહેવું
  • યોગીજી મહારાજ  ની સ્મૃતિ- પોન્ડીચેરી માં બાપા એ યોગીબાપા એ વિનુભાઈ ને યાત્રાળુ ઓ ની ટ્રેન ની પ્રદક્ષિણા કરવા ની આજ્ઞા કરી…અને પોતે પણ કરી. શાસ્ત્રીજી મહારાજ જે ટ્રેન ડબા માં બેઠેલા એને બાપા એ દંડવત કરેલા.! …શાસ્ત્રીજી મહારાજ અને નિર્ગુણ દાસ સ્વામી સાથે ટ્રેન પકડવા ,પોટલાં સાથે ભાગમભાગ થઈ એને બાપા લીલા થઈ એમ કહેતા….! શાસ્ત્રીજી મહારાજ નો પડ્યો બોલ ઝીલતા….ગુરુ બોલે અને જોગી દોડે….!! ગુરુ માટે એમનો ભાવ અનન્ય હતો….

પછી સ્વામીશ્રી નું સ્ટેજ પર આગમન થયું અને એમની હાજરી માં….. લોયા માં  મહારાજે જે અદભુત શાકોત્સવ કર્યો હતો એનું તાદ્રશ્ય નિરૂપણ એક સંવાદ દ્વારા થયું…..! અદભુત…અદભુત…..

અંતે સ્વામીશ્રી એ પોતે સ્ટેજ પર શાક બનાવ્યું…સૌને દર્શન સ્મૃતિ આપી….

એ પછી સ્વામીશ્રી એ સર્વે અગ્રણી સાધુઓ ને પોતાના હાથે પત્તર માં રોટલા શાક પીરસી ને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી…..એ પછી પ્રસન્ગોચિત આશીર્વચન માં સ્વામીશ્રી એ કહ્યું કે- આ બધું કેવળ ભગવાન ને કારણે જ થાય છે…સર્વે સત્સંગી માં હેત પ્રીત થાય છે ..સત્સંગ થાય છે….ઉત્સવ થાય છે….એ કેવળ ભગવાન કારણે જ થાય છે…એ ભૂલવા નું નથી…હેત એ સત્સંગ નું ફળ છે…હેત હોય તો દોષ દેખાતા નથી…..જો દોષ દેખાય તો મહારાજ ને એનો ભીડો લાગે છે….માટે સદાય અરસપરસ હેત રાખવું….ભલે અંતર માં દૂર રહીએ પણ હેત છે તો નજીક જ છીએ….!

જાહેરાત થઈ કે- અબુધાબી ના આપણા ભવ્ય મંદિર ને જગતભરના અનેકો એવોર્ડ મળ્યા છે…આ વર્ષે ત્યાંની સરકારે , the best cultural wedding experience 2025  એવોર્ડ આપણ ને મળ્યો છે……પૂ.બ્રહ્મવિહારી સ્વામીએ એ એવોર્ડ સ્વામીશ્રી ના હાથ માં મુક્યો અને સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી. અત્યાર સુધી માં આ મંદિર ને 6 થી વધુ વિશ્વકક્ષા ના એવોર્ડ મળી ચુક્યા છે….!

આજની સભાનો એક જ સાર હતો- સત્પુરુષ અને ભગવાન ની હાજરી માં થતા ઉત્સવો.એ જલસા નથી…એ..લીલા સ્મૃતિઓ નો હેતુ કેવળ અને કેવળ – જીવ ને પરમ પદ આપવા માટે જ હોય છે. એ લીલા સ્મૃતિઓ જો જીવ માં દ્રઢ થાય તો જીવ સદાય ભગવાન માં અને એ સત્પુરુષ માં જોડાયેલો રહે…..સંસાર માં ખેંચાય જ નહીં….વિષયો માં લોભાય જ નહીં…..પછી હરિ ને અને એ જીવ ને છેટું ક્યાં રહે???

બસ એટલે જ આ પળ… આ સ્મૃતિઓ ને જીવ માં ગૂંથી લેવી….ચોંટાડી દેવી….જડી દેવી….!! સાક્ષાત અક્ષરધામ નો છતે દેહે  આઠે પહોર અનુભવ થાશે…!!!

જય જય સ્વામિનારાયણ….. સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

આજનું કાવ્ય- “ફરીએ છીએ”

મારો એક મોટો ભાઈ છે…..એ પણ મારી જેમ સાહિત્ય રસિક અને કાવ્ય…હાઈકુ ની રચના પુરજોશ માં કરતો અને એક દિવસ જીવન માં યુ ટર્ન આવ્યો……કવિ પરણી ગયો અને સાહિત્ય ની એ સરવાણી…. સરસ્વતી નદી ના વહેણ ની જેમ વિલુપ્ત થઈ ગઈ……!!! હાહાહાહા……..!!! સત્ય ઘટના છે……! જો કે મારી સાહિત્ય સરવાણી લગ્ન પછી જરાક મંદ જરૂર પડી છે પણ સુકાઈ નથી……રીના અને હરિ માટે કવિતા ઓ અલપઝલપ રચાયા જ કરે છે…..

તો ચાલો જોઈએ …એક નવી નકોર …નવેલી કવિતા……મારી કલમે….મારા હૈયે……

નથી અમારા હાથ ખાલી, ખોબા માં દરિયો ભરી ફરીએ છીએ,….O

ઠાલા ઊંઘી રહીએ છીએ ‘રખે માનશો….આંખ્યો માં સપના લઇ ફરીએ છીએ…….O

ભલે ને દુનિયા માને, અમારા ખીસા ખાલી…….
ખાલી ખિસ્સા ઓ માં ખુમારી ના ખજાના લઈ ફરીએ છીએ…….O

જુઓ ને છે રસ્તા વિકટ ને મંઝિલ અજાણી,                             છતાં અમે તો શ્વાસમાં વિશ્વાસનો દીવો લઈ ફરીએ છીએ…….O

નથી આ દોડ ધન-પદ પાછળ, ન ભ્રમ વૈભવ રંગ ના,
હરિ નામ-સ્મરણની શીતળ છાયા સાથે લઈ ફરીએ છીએ…O

સુખ-દુખ તો આવે ને જાય, ડગી ને ભાગી જાય એ બીજા,
હરપળ બસ પ્રભુ પ્રસાદી સમજી, બ્રહ્મ બની ફરીએ છીએ…O

જુઓ તો જીવનમાં દેખાય રપત ઘાણીના બળદ જેવી,
સહજ આનંદ જ જીવન હો “રાજ”, હૈયે હરિ હરપળ લઈને ફરીએ છીએ…O

તો કેવું લાગ્યું મારુ કાવ્ય?????

અહીં તો હરપળ હરિ….પછી આતમ જ્ઞાન ની વાતો…સાહિત્ય ની સરસ્વતી હૈયે થી ક્યાંથી છૂટે…????

બસ ગુલાલ કરતા રહો….જીવન છે….બોજ નથી…!!!

રાજ


Leave a comment

શ્રીમદ ભગવદ ગીતા અને અક્ષરપુરુષોત્તમ દર્શન

આજે મોક્ષદા એકાદશી અર્થાત શ્રીમદ ભગવદ ગીતા જયંતિ……!!! જ્યાં સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે પોતાનું સ્વરૂપ ઓળખાવા બેઠા હોય ત્યાં …એ જ્ઞાન ને ઝીલવા…સમજવા માટે અર્જુન બનવું પડે……..! અર્થાત….ભગવાન ને …પરબ્રહ્મ ને સમજવા…પામવા….અર્જુન….એટલે કે બ્રહ્મ બનવું પડે…..!!! બ્રહ્મ રૂપ થયા વગર પરબ્રહ્મ ની પ્રાપ્તિ શક્ય જ નથી…..!!! અને આ જ્ઞાન ને જ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત…..અક્ષર પુરુષોત્તમ દર્શન કહે છે કે જેના પર સમગ્ર વૈષ્ણવ….સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ઉભો છે….તો આજે ગીતા જયંતિ ને અલગ જ રંગ માં મનાવીએ….

ચાલો ટૂંક માં પરિચય મેળવીએ – ભગવદ ગીતા નો…..

—–

ભગવદ ગીતા મહાભારત ના ભીષ્મ પર્વ ના ૨૫ માં અધ્યાય થી લઈને ૧૮ અધ્યાય સુધી લંબાયેલી છે…..આ અઢાર અધ્યાય માં કુલ ૭૦૦ શ્લોક છે…..જેમાં શરૂઆત અંધ અર્થાત અહં-મમત્વ રૂપી અજ્ઞાન ના પ્રતિક એવા ધ્રુતરાષ્ટ્ર અને સંજય ના સંવાદ થી થાય છે. જેમાં ૧ શ્લોક- ધૃતરાષ્ટ્ર દ્વારા….૪૧ શ્લોક સંજય ના મુખે….૮૪ શ્લોક અર્જુન ના મુખે અને ૫૭૪ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન ના મુખે ઉચ્ચારાયેલા છે…..ગીતા એટલી સમૃદ્ધ છે કે- ભલભલા વિષાદ ગ્રસ્ત..ડીપ્રેસન ગ્રસ્ત જીવ ને અજ્ઞાન માંથી છોડાવી- જ્ઞાન તરફ લઇ જઈ શકે….! ગીતા ને એક આગવું ઉપનિષદ તરીકે ગણી….સ્મૃતિ પ્રસ્થાન માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે…

હવે જોઇએ ગીતા જી ના અધ્યાય 8 અને અધ્યાય 15 માં – અક્ષર પુરુષોત્તમ દર્શન નો આસ્વાદ……!!

ते ब्रह्म तद्रिदु ( ७/२९)

અર્થાત- તેઓ તે બ્રહ્મ ને જાણે છે…..

———————–

અદ્ભુત ઉલ્લેખ…!!!! હવે જોઈએ આઠમો અધ્યાય…..તે બ્રહ્મ શું છે??? તેવા પાર્થ ના પ્રશ્ન માં શ્રીહરિ કહે છે

अक्षरं ब्रह्म ( ८/३)

અર્થાત- અક્ષર એ બ્રહ્મ છે……

આમ અક્ષર એ બ્રહ્મ નું નામ જ છે…..જેને આપણે સાથે મેળવી- અક્ષરબ્રહ્મ પણ કહીએ છીએ…..

અક્ષર નો મહિમા સમજાવતા શ્રી ભગવાન કહે છે…

यद् अक्षरं वेदविद:वदन्ति विशन्ति यद् यतयः वीतरागा: I

यद् इच्छन्त: ब्रह्मचर्य चरन्ति तत् ते पदं संग्रहेण प्रवक्ष्ये II (८/११)

અર્થાત- વેદો ને જાણનારા વિદ્વાનો પણ જેનું પ્રતિપાદન કરે છે , આસક્તિ વિના ના સંયમીઓ જેમાં પ્રવેશ કરે છે , અને જેને ઇચ્છનારા ઓ બ્રહ્મચર્ય નું પાલન કરે છે ..એવું આ અક્ષર દિવ્ય સ્થાન છે….તે સ્થાન વિષે હું ટૂંક માં કહીશ….

अव्यक्तोऽक्षर इत्य्युक्त्स्त्माहु: परमांगतिं

यं प्राप्य न निर्वतन्ते तद्धाम परमं मम ( ८/२१)

અર્થાત- જે અવ્યક્ત ભાવ….અક્ષર સંજ્ઞા ( શબ્દ) થી પ્રસિદ્ધ છે તેને જ પરમ ગતિ કહેવામાં આવે છે …જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી પુનઃ પાછા આવતા નથી ..તે જ મારું પરમ ધામ ( અક્ષરધામ) છે…..


અધ્યાય- ૧૫ માં અધ્યાય- પુરુષોત્તમ યોગ માં – પુરુષોત્તમ તત્વ વિષે વિશેષ છણાવટ નો લાભ અહી લેશું….સાથે સાથે અક્ષર અને પુરુષોત્તમ તત્વ ના ભેદ વિષે પણ જાણીશું….

સર્વ પ્રથમ જાણી એ જીવ અને અક્ષર વચ્ચે નો ભેદ…

द्वौ इमौ पुरुषौ लोके क्षर: च अक्षर: एव च

क्षर: सर्वाणि भूतानि कुटस्थ: अक्षर: उच्चते ( गीता-१५/१६)

અર્થાત- આ લોક માં બે પ્રકાર ના ચેતનો છે..એક તો ક્ષર અને બીજા અક્ષર…તેમાં હમણાં કે પહેલા જેને પણ માયા નું બંધન થયું છે તે બધા જ આત્મા ઓ ને ક્ષર કહેવામાં આવે છે….અને કૂટસ્થ કહેતા નિર્વિકાર..સદાયે માયા થી પર છે તે અક્ષર છે……

હવે એવા અક્ષર અને તેના થી પર એવા પુરુષોત્તમ વચ્ચે નો ભેદ જોઈએ…શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે…..

उत्तम: पुरुष: तु अन्य: परमात्मा इति उदाह्यत:

यस्मात् क्षरं अतीत: अहं अक्षराद अपि य उत्तम:

अत:अस्मि लोके वेदे च प्रथित:पुरुषोत्तम : II ( १५/१७-१८)

અર્થાત- ઉત્તમ પુરુષ તો જુદા જ છે જેને પરમાત્મા કહેવામાં આવે છે . હું ક્ષર થી પર છું અને અક્ષર થી પણ પર છું એટલે લોક માં અને વેદ માં પુરુષોત્તમ કહેવાઉ છું…..

————

આ જ અધ્યાય માં એટલા માટે તો શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે….

सर्वस्य चाहं ह्रदि सन्निविष्टो मत्त: स्मृतिर्ग्नानांपोहनं च

वेदैश्र्च सर्वैरहमेव वेध्यो वेदान्तकृद्रेदविदेव चाहं ( १५/१५)

અર્થાત- ..હે પાર્થ..વળી હું સર્વ ના હૃદય માં રહેલો છું મારા વડે જ સ્મૃતિ અને જ્ઞાન તથા એ બંને નો અભાવ ઉત્પન્ન થાય છે…..સર્વ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું…..વેદાંત નો સિદ્ધ કરનાર અને જ્ઞાતા પણ હું જ છું….

यो मामेवंसमुढो जानाति पुरुषोत्तमम

स सर्वविद्वजति मा सर्वभावेन भारत ( १५/१९)

અર્થાત- હે ભારત..!!! જે સમોંહ થી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ જાણે છે ..તે સર્વજ્ઞ છે…..અને તે સર્વ ભક્તિ યોગ થી મને ભજે છે…….

અદ્ભુત વાત……….ટૂંક માં સાર જોઈએ તો સમજાય કે…..ક્ષર અને અક્ષર એ પુરુષ ( અર્થાત ચેતન) તત્વ છે…..અને જીવ, ઈશ્વર અને માયા થી પર અક્ષર છે…તો અક્ષર થી પણ પર એવા પુરુષોત્તમ નારાયણ છે…..અને એને જાણવું જ જ્ઞાન કહેવાય……એવા પુરુષોત્તમ ને રદયમાં ધારી સમોંહ રહિત થઇ જે તેમણે નિરંતર ભજે છે….તે જ સર્વજ્ઞ છે..બ્રહ્મ રૂપ છે…..!

માટે અક્ષર પુરુષોત્તમ ને સમજી..એમના મહિમા ને જાણી ને ભક્તિ યોગ કરવા થી ….જીવ અક્ષર ના સામર્ધ્ય ને પામે છે….

સત્સંગ દીક્ષા ગ્રંથ ની જેમ શ્રીમદ ભગવદ ગીતા નો પણ મુખપાઠ ઘરેઘર કરાવવો જોઈએ……શુ કહો છો?????

જય જય અક્ષર પુરુષોત્તમ…..જય જય સ્વામિનારાયણ….


Leave a comment

BAPS સત્પુરુષ સ્વાગત રવિસભા-23/11/25

સત્પુરુષ ના સંકલ્પો પૂર્ણ ઘાય…થાય અને થાય જ…..!!!!”

આજે અમદાવાદ ને આંગણે સત્પુરુષ સાક્ષાત ઉપસ્થિત હતા અને આવનારા બે માસ એ અહીં દર્શન સેવા લાભ આપવા ના છે…..અમદાવાદીઓ ને બસ લાભ જ લાભ છે….અને એ મનભરી ને લૂંટવો જ છે……અને એ ય મફત છે…..સસ્તો સહજ અને નમતો છે……પછી બાકી શુ રહે??? તો શરૂઆત સર્વે કારણ ના કારણ ના દર્શન થી…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન દ્વારા થઈ….મન સભા..સ્થળ બધું હરિનામ માં એકાકાર થઈ ગયું….એ પછી આપણા સંપ્રદાય ના પાયા નું કીર્તન ” આજ મારે ઓરડે રે….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ બાળકો એ રજૂ કર્યું…..!! અદભુત પદ…અદભુત શબ્દો…અદભુત ગાન….!! હરિ નું સર્વે સુંદર છે…..!! એ પછી યુવકો એ સ્વાગત ગાન રજૂ કર્યું…….સત્પુરુષ અંતર ને આંગણે બિરાજશે તો એમની સાથે હરિ પણ સહજ જ બિરાજશે…..!!!

એ પછી સદગુરુ પૂ. વિવેકસાગર સ્વામી એ પ્રસન્ગોચિત પ્રવચન માં વાત કરી કે- (જોઈએ સારાંશ) આ જગત પાંચ અનાદિ તત્વો થી બનેલું છે….ભગવાન ના સંકલ્પ થી આ રચાયેલું છે….ભગવાન પોતે યુગે યુગે અવતાર ધારણ કરી અહીં પધારે છે…..નિત્ય,પ્રાકૃતિક અને આત્યંતિક/નૈમિતિક પ્રલય થાય છે અને કાળક્રમે સંકલ્પ મુજબ નવસર્જન થાય છે…..4 પુરુષાર્થ આપી મનુષ્ય ને ઉન્નતિ નો માર્ગ બતાવ્યો….આ બધાનો વિચાર કરી આત્યંતિક કલ્યાણ નો માર્ગ બતાવવા શ્રીજી મહારાજે વેદોક્ત દર્શન…..બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ ની ભક્તિ કરવી -એ અક્ષર પુરુષોત્તમ દર્શન આપ્યું…..માટે ભગવાન જ અહીં પ્રગટ છે…એમના આપેલા ધર્મ નિયમ છે માટે જ આપણી સંસ્કૃતિ અનેકો આક્રમણ છતાં જીવંત છે ….ઉન્નત છે……ભગવાન ની લીલા સમજવી અઘરી છે…..માટે જ પ્રત્યક્ષ ભગવાન હોય તો પણ ન ઓળખાય…ન મનાય….!!! માટે જ મહારાજે અહીં પ્રગટ થઈ લીલાઓ કરી….સત્સંગ કરાવ્યો….સંત શાસ્ત્રો અને મંદિરો કરાવ્યા….પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું…. પોતાની મૂર્તિ જ વડતાલ માં સ્થાપિત કરી….અનેકો વિઘ્નો આવ્યા પણ પોતાના સંકલ્પ મુજબ જીવમાત્ર ને કલ્યાણ નો માર્ગ પોતાના સિદ્ધાંત, સંત, શાસ્ત્રો મંદિરો દ્વારા પ્રશસ્ત કર્યા….ગુણાતીત દ્વારા સદાયે પ્રગટ રહેવા નું વર આપ્યું…..એ જ ગુણાતીત ગુરુ પરંપરા આજે પણ વિદ્યમાન છે અને રહેશે….!!! બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આદિક ગુણાતીત ગુરુઓ એ અપાર કષ્ટ સહન કર્યા અને આપણી સંસ્થા ને દેશ વિદેશ માં પ્રસરાવી…..આજે જુઓ….અને આવનારા સમય માં સત્સંગ અનેકો ઘણો વધશે જ..ભગવાન ના મત્સ્ય અવતાર ની જેમ…!! અમદાવાદ ની આંબલી વાળી પોળ એ આ ઇતિહાસ નું કેન્દ્ર છે…સમજી રાખવું…! આપણું અંતર પણ અક્ષરધામ થાય ત્યારે સત્સંગ થયો છે એમ જાણવું…! પૂ.વિવેકસાગર સ્વામી ની અસ્ખલિત વાણી એ સંસ્થા નો સુવર્ણ ઇતિહાસ વહેતો ગયો……!!! અદભુત…રસપ્રદ…!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પણ પોતાના પ્રવચન માં કહ્યું કે- આજે દેશ વિદેશ માં આપણા ગુણાતીત ગુરુઓ ના સંકલ્પ થી સત્સંગ ફેલાયો છે…..આફ્રિકા થી લઇ જગત ના ખૂણે ખૂણે …લાખો ઘરો માં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજી ગયા….મોટા પુરુષ ના સંકલ્પો સિદ્ધ થાય ..થાય અને થાય જ…!! આપણે એમની આજ્ઞા માં રહી…સાચા સત્સંગી બનશું તો કોઈ વિઘ્ન આવશે નહીં….! આજ્ઞા માં સારધાર રહેવું…આપણા ગુરુઓ એ પોતે એમના ગુરુ ની આજ્ઞા માં રહી ને….આપણ ને એમ રહેવા સંદેશ આપ્યો છે. આજ્ઞા નો મહિમા મોટો છે….શિર સાટે આજ્ઞા પાળવી….

એ પછી જે ઘડી ની ઉત્કંઠા થી રાહ જોવાતી હતી તે ઘડી આવી…..પ.પૂ. મહંત સ્વામી મહારાજ નું આગમન થયું….એમના દર્શન થી સમગ્ર સભા ઉત્સાહ માં આવી ગઇ…..સંવાદ…નૃત્ય ગાન… ફુલઝરીઓ ની સાથે બાપા નું સ્વાગત થયું…..! અમદાવાદ ના આંગણે છેક 1981 થી અત્યાર સુધી ઉજવાયેલા આપણી સંસ્થા ના ભવ્ય સમૈયા રૂપી ભેટ બાપા ને આપવા માં આવી….! પૂ.સંતો અને આજીવન સેવકો દ્વારા હારતોરા થી સ્વાગત થયું…….સ્વાગત નૃત્ય અદભુત હતું……સમગ્ર સભા ડોલી ઉઠી…..!!

સભાને અંતે બાપા એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ 3 માં – ભગવાન ની લીલા ચરિત્ર ને સંભારી રાખવા ની વાત કરી છે……અંતકાળે જેના સાંભર્યાં થી….. સ્મૃતિ માત્ર થી .જીવ પરમ પદ ને પામે છે – આપણે તો યોગીબાપા, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મોટા પુરુષ મળ્યા છે …તેમની સ્મૃતિ કર્યા કરવી….સર્વે હરિભક્તો સંતો સાથે હેત રાખવું….જેમનો હેત અંતકાળે ભગવાન ની મૂર્તિ ભૂલી જઈએ છતાં એમના લીલા ચરિત્ર સંભાળી રાખવા માં મદદ કરે…..તો ય પરમ પદ મળે…! અતિ કઠિન જેની પ્રાપ્તિ છે એવું ભગવાન નું ધામ તે જીવ ને મળે છે…..!

એ પછી સ્વામીશ્રી સાથે યજમાનો દ્વારા આરતી નો લાભ સર્વે ને મળ્યો……

આજની સભા નો એક જ સાર હતો- જ્યાં સત્પુરુષ છે ત્યાં જ ભગવાન છે…અને જ્યાં ભગવાન છે ત્યાં જ ધર્મ છે…જ્ઞાન છે…કલ્યાણ છે….જયજય કાર  છે…..!!!

વિચારો- અત્યારે આવા પુરુષ ક્યાં છે??? સત્સંગ ક્યાં સદાયે નવપલ્લીત…. વધતો છે…??? બસ , ઉત્તર મળશે એટલે જીવ આપોઆપ જ એ સત્પુરુષ માં સહેજે જોડાઈ જશે…..!

જય જય સ્વામિનારાયણ

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-16/11/25

પોતાના સ્વાર્થ ની નિવૃત્તિ અને અન્ય ના પરમાર્થ ની પ્રવૃત્તિ એટલે જ યજ્ઞ…..”

દિવાળી પછી ની મારી આ પ્રથમ સભા હતી……છેલ્લા લગભગ એક માસ થી સામાજિક ..સાંસારિક કારણોસર રવિસભા નો લાભ ન લઈ શકાયો….. પરાસભા નો તો લાભ લેવાયો પણ આ મોટી સભા ને ચુકી જવું એ અંતર માં બેચેની પેદા કરનારું હતું…..આજે પણ એક સામાજિક પ્રોગ્રામ હતો છતાં નક્કી કર્યું કે આ રવિવારે તો સત્સંગ નો જ લાભ લેવો છે…..અને સમયસર અહીં હાજર થઈ ગયા…..મારા વ્હાલા ના હૃદય ભરી ને દર્શન કરવા માં આવ્યા……ક્ષમા યાચના સાથે આભાર પણ પ્રગટ કરવા માં આવ્યો…..આપણું તો સર્વસ્વ જ એ…!!!…ગમે ત્યાં જઈએ..રહીએ…પણ એ જ આપણુ સર્વસ્વ…!! તો ચાલો એ મરમાળી મૂર્તિ ના દર્શન કરીએ……વહાલા ને અંતર માં સ્થિર કરીએ…

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..એ પછી એક યુવક દ્વારા “મુને પ્યારી રે નટવર નાવ…મૂર્તિ તારી રે…..” સદગુરુ મંજુકેશાનંદ રચિત પદ રજૂ થયું. ભગવાન ની મૂર્તિ જ એવી છે કે પળભર નું દર્શન કરનારા પણ એમાં સ્થિર થઈ જાય…..એમ થવાનો હેતુ પણ જીવ ના કલ્યાણ નો જ છે….જો એ મૂર્તિ અંતર માં અખંડ વર્તાય તો જીવ અચૂક પરમપદ ને પામે….!!! એ પછી પૂ. વિવેકમુની સ્વામી ના સ્વરે “હરિવર હીરલો રે…..” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન રજૂ થયું…..! અદભુત જોશીલું પદ….!! એ પછી યુવક મિત્ર નીરવ દ્વારા, બ્રહ્માનંદ સ્વામી રચિત  “બલિહારી મેં એસે સંત કી…..” કીર્તન રજૂ થયું….! બસ સર્વોપરી ભગવાન નો મિલાપ કરાવી દે એવા બ્રહ્મ સ્વરૂપ સંત આપણો હાથ પકડી લે પછી ફિકર કાહે કી….???આપણે તો મહાભાગ્ય શાળી છીએ કે આવા મોટા સંત આપણ ને ગુરુ તરીકે મળ્યા છે….!

આજે સભામાં ભરૂચ મંદિર ના કોઠારી પૂ. અનિર્દેશ સ્વામી જેવા અતિ વિદ્વાન અને પ્રખર વક્તા સંત હાજર હતા ….”સનાતન યજ્ઞ પરંપરા” વિષય પર તેમનું રસપ્રદ પ્રવચન થયું….જોઈએ સારાંશ માત્ર….

  • આ વર્ષે પ્રમુખ વરણી અમૃત મહોત્સવ પણ ઉજવવાનો છે અને આંબલી વાળી પોળ આ ઐતિહાસિક ઘટના ની સાક્ષી છે ….આપણી સંસ્થા માટે એ ગૌમુખ જેટલો મહિમા ધરાવે છે….પ્રમુખ સ્વામી મહારાજ સેવા ની મૂર્તિ હતા…એમના સદગુણો નો કોઈ પાર નથી…જેમાં મુખ્ય સદગુણો હતા….
  • 1. પ્રમુખ હોવા છતાં પ્રમુખ તરીકે નો કોઈ અધિકાર નથી જતાવ્યો …2. એ સૌની સેવા કરે પણ પોતાની સેવા કરાવે નહીં…3. એ સૌનું સાંભળે…પણ કોઈને  સંભળાવે નહીં……4. એ સૌને અનુકૂળ થાય…પણ કોઈને પોતાને અનુકૂળ કરવા નો આગ્રહ રાખે નહીં…5. સૌને જોડે પણ કોઈને તોડે નહીં…..6. સૌને યશ આપે …કોઈ યશ લે નહીં….7. સૌને હાથ જોડે પણ કોઈને પોતાના માટે હાથ જોડાવે નહિ….8. સૌને સમજે પણ બીજા પોતાને સમજે એવો આગ્રહ નહીં….9. સૌની માફી માંગી શકે પણ પોતાની માફી કોઈ પાસે મંગાવે નહીં…
  • સનાતન યજ્ઞ પરંપરા….7 મુદ્દા થી સમજીએ…..
  • 1. યજ્ઞ એટલે હુત દ્રવ્યો ની આહુતિ….એટલે ઘી, સમીધ ( વિશિષ્ટ વૃક્ષો ના લાકડા) , જવ,તલ,ડાંગર વગેરે
  • 2. યજ્ઞ એટલે આપણા સ્વાર્થ ની નિવૃત્તિ …પરમાર્થ ની પ્રવૃત્તિ…..સ્વકેન્દ્રી બનીએ એટલે સ્વાર્થ પેદા થાય….અન્ય ના હિત નું પ્રથમ વિચારીએ એને પરમાર્થ ની પ્રવૃત્તિ કહેવાય…એના કર્મ નું બંધન આપણ ને લાગતું નથી…..સમાજ માં 4 વૃત્તિ છે- આસુરી, વેપારી,લાંચ અને દૈવીય વૃત્તિ….યજ્ઞ એ દૈવીય વૃત્તિ છે
  • 3. યજ્ઞ એટલે આપણા ઋણ ની ચુકવણી….સમાજનું….સંસારનું…ધર્મ નું…ગુરુનું  ઋણ છે…..જેને સત્વરે ચૂકવી દેવા થી જીવ ને અખંડ શાંતિ નો અનુભવ થાય છે
  • 4. યજ્ઞ એટલે સનાતન પરંપરા નું અભિન્ન અંગ- ઋગ્વેદ નો પ્રથમ શ્લોક જ અગ્નિ ને ..યજ્ઞ ને સમર્પિત છે ….યજ્ઞ એ  ઉત્પત્તિ નો મુખ્ય સ્ત્રોત છે….અન્ય શાસ્ત્રો માં યજ્ઞ ને સર્વે 16 સંસ્કાર ની નાભિ કહી છે…..સમગ્ર વિશ્વ ની નાભિ કહી  છે
  • 5. યજ્ઞ એટલે આધુનિક વૈજ્ઞાનિક અભિવ્યક્તિ– અત્યારે યજ્ઞ ના ફાયદા વૈજ્ઞાનિક રીતે સાબિત થયા છે…….એટોમિક રેડિયેશન ઘટવા થી લઈને વિવિધ રોગ મટવા સુધી ના ફાયદા સાબિત થયા છે…….
  • 6. યજ્ઞ એટલે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ- પાંચ મહાભૂત ની શુદ્ધિ અને જાળવણી….એ યજ્ઞ ની દેન છે….સૃષ્ટિ ની ઉન્નતિ માટે જાગૃત થવાનો સંદેશ યજ્ઞ આપે છે…..
  • 7. યજ્ઞ એટલે સનાતન સિદ્ધાંત ની ઉદગાથા…પરિચય…પ્રસ્તુતિ- આપણે તો શ્રીજી મહારાજ સમય થી નાના મોટા યજ્ઞ ની પરંપરા રહી છે…..બ્રહ્મવિદ્યા નો પરિચય પણ યજ્ઞ દ્વારા મળે છે…..મુંડક ઉપનિષદ કહે છે કે યજ્ઞ રૂપી કર્મો કરવા પછી બ્રહ્મવિદ્યા માટે જવુ….બૃહદારણ્યક ઉપનિષદ માં આ જ વાત છે…..અક્ષરબ્રહ્મ ઉપનિષદ નું મુખ્ય અંગ છે….આ બ્રહ્મ ને જાણે છે તે બ્રાહ્મણ છે…..

અદભુત…..અદ્દભૂત….!!! ખૂબ જ રસપ્રદ પ્રસંગો સાથે નું આ પ્રવચન અદભુત હતું….

જાહેરાત થઈ કે 7 ડિસેમ્બર ના રોજ રિવરફ્રન્ટ પર ભવ્ય પ્રમુખ વરણી અમૃત મહોત્સવ ની ઉજવણી છે……ત્યાં પહોંચવા માટે બસ વ્યવસ્થા કરેલી છે…પાર્કિંગ લિમિટેડ છે આથી બસ દ્વારા જ ત્યાં પહોંચવું યોગ્ય છે. બુકીંગ કરાવી લેશો…..જે તે વિસ્તાર ના કાર્યકરો ને આપનું બુકીંગ કરાવી લેશો.

એ પછી પોતાના નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ સદગુરુ ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- પ.પૂ. મહંત સ્વામી મહારાજ લગભગ બે માસ અમદાવાદ માં રોકાવા ના છે….સર્વે એ પૂર્ણ લાભ લેવો…..સંત સમાગમ એ પણ નિશ દિન એ ભગવાન ની આજ્ઞા છે….મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય 92 વર્ષ ની ઉંમર મુજબ નરમ ગરમ રહે છે છતાં પણ આપણ ને અઢળક લાભ આપે છે….પોષી પૂર્ણિમા એ અહીં, એમની પ્રત્યક્ષ હાજરી માં ભવ્ય વિશાલ હોમાત્મક મહા યજ્ઞ નું આયોજન છે….છેક શ્રીજી થી લઈને આપણા બધા ગુણાતીત ગુરુઓ એ મોટા મોટા યજ્ઞ કરેલા છે….આપણે તેની સ્મૃતિ રાખવી….આમાં સર્વે ને લાભ જ લાભ છે….ગુરુઓ નો રાજીપો એમાં છે….બે માસ નો સત્પુરુષ સમાગમ એ મોટો યજ્ઞ જ છે…એનો અચૂક લાભ લેવો….

આજની સભાનો એક જ સાર હતો- આપણું જીવન એક યજ્ઞ છે……એ સાચા અર્થ માં યજ્ઞ બને…..એ જોવાનું કર્તવ્ય આપણું છે…..બસ….બીજા ના ભલા માં…પરમાર્થમાં જ આપણું ભલું એ જ યજ્ઞ છે…!!!!

આપણે તો યજ્ઞ જેને સમર્પિત છે એ શ્રીજીમહારાજ અને સ્વયં યજ્ઞ-પુરુષ છે એ યજ્ઞપુરુષ દાસ એટલે કે શાસ્ત્રીજી મહારાજ ના શિષ્ય છીએ…..પછી આપણું જીવન યજ્ઞ કેમ ન બને…??? બસ આપણા તો જ્ઞાન યજ્ઞ અને યોગયજ્ઞ સિદ્ધ થાય એટલે ભયો ભયો….!!!!

જય જય સ્વામિનારાયણ…..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

રાજ


Leave a comment

દિવાળી,બિલાડી અને ઘણું બધું

તો દિવાળી 2025 થોડા ગમ …થોડી ખુશી…સાથે પુરી થઈ અને અમે બેક ટુ પેવેલિયન આવી ગયા…..બસ એ જ રફતાર..એ જ ભીડભાડ… એ જ કોલાહલ વચ્ચે આવા ઉત્સવ સહેજ શાંતિ નો…..અંતર ના અંધારા માં ઊંડે ઉતરી થોડાક પોતાના ઉજાસ…પોતાના મિજાજ ને શોધતા શીખવાડે છે…..બાકી ઉત્સવો વિના જીવન તો શ્યામ શ્વેત ચિત્રપટ જેવું જ છે. એટલે જ તો કહ્યું છે કે જીવન એટલે જ ઉત્સવ……અને ઉત્સવ એટલે જ જીવન….!!

તો કેવી રહી અમારી દિવાળી???

  • અમારા હરિ ને ફટાકડા નો બહુ શોખ….તે ખિસ્સા ખાલી કરી ને મોટો કોથળો ભરી ને ફટાકડા લાવ્યા……અમે તો દર વખતે માનવમંદિર ના જ ફટાકડા લાવીએ છીએ…..અને અનુભવ પણ સારો રહ્યો છે…..તે હરિએ ફટાકડા થી ગામ ગજવી દીધું….હવા અને અવાજ ના પ્રદુષણ ને અવગણ્યું….પણ કુટુંબ અને મિત્રો ના આનંદ ને રંગીન બનાવ્યા….
  • મીઠાઈઓ- આ વખતે ઓછી હતી…..લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઇ ગયા છે…..કુટુંબ માં પણ થોડાક મરણ થયેલા હોવાથી મીઠાઈઓ નહિવત હતી……કાજુ,બદામ કિસમિસ ના ડબ્બા ફરતા હતા….અને એ જ સદાય સારા…કોઈ બનાવટ, નકલી કે કૃત્રિમ રંગો ની મગજમારી તો નહીં….!
  • કુટુંબ સાથે ફરવા માં – ઇન્દ્રસી ડેમ, ટોરડા, શામળાજી ,જુના ભવનાથ ,ચિંતામણી વગેરે નો લાભ લેવા માં આવ્યો….દિવાળી માં ગુજરાતીઓ ને બહાર જવાનું વળગણ અતિશય છે….દિવાળી આવી નથી કે રાજસ્થાન સહિત ના નજીક ના રાજ્યો મહાજાતિ ગુજરાતી ઓ થી ઉભરાયા નથી….!!! હોટલ,ટ્રાવેલ્સ ,રેસ્ટોરન્ટ ,ગાઈડ બધા જ લૂંટે…..અને આપણે પાછા દિવાળી નું બહાનું કાઢી લૂંટાઈ પણ જઈએ….!! એ થી જ અમે મોટેભાગે અહીં જ ગામડે દિવાળી કરીએ છીએ….બધા પરિવારજનો ભેગા મળીએ…અલકમલકની વાતો….સયુંકત રસોઈ….બપોરે ઊંઘવાનું…અવનવી ફિલ્મો ..દાળબાટી ..ક્રિકેટ નો પ્રોગ્રામ થાય અને એ મજ્જા ની લાઈફ….!!
  • બિલાડી- આ વખતે અમને અમારા નવેલા …મોંઘેરા મહેમાન નો લાભ મળ્યો…..આમ તો અમને બિલાડા કૂતરા ને ઘર માં ઉછેરવા ..રાખવા થી નફરત …! ..પણ ઘણા ને બિલાડા કૂતરા પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે કે આખું જગત એક બાજુ અને એમનું બિલાડુ એક બાજુ….! …અમારા એક મિત્ર એ તો એના બિલાડી પ્રેમ ને લીધે મને એમની જિંદગી થી બ્લોક કરી દીધેલો બોલો….!!! કારણ…?? મેં એમના બિલાડા નેં પહેરાવવા ચડ્ડી વિશે પૂછેલું અને ભાઈ ભડકયા….!!! હાહાહા….. તો ….અમારા ઘર ની આસપાસ રહેતી બિલાડી અને એના ત્રણ નાના બિલાડા…. એમની મસ્તી ,દોડધામે અમારું ઘર ઊંચું કર્યું…..દિવાળી ને ઓર રંગીન બનાવી દીધી….! સાથે સાથે હરિ અને એની બા ની બિલાડા પાછળ ની દોડધામ જોરદાર હતી…..! છેલ્લા દિવસે તો ત્રણ બચ્ચા માં થી બે ગુમ થઈ ગયા અને આખું ઘર એમને શોધવા લાગી ગયું……કોણ લઈ ગયું હશે?? કુતરાઓ એ મારી નાખ્યા હશે?? એની માં એને ક્યાંક મૂકી આવી હશે…..એ બધા વિચારો વચ્ચે અમે ડૂબેલા રહ્યા…….હરિ તો એના નાના નાની ના ઘરે ગયો ત્યાં પણ એને એ ચિંતા રહી કે શું થયું હશે?? બિલાડા મળ્યા કે નહીં???? હમણાં મારી મા એ સમાચાર આપ્યા કે એક બિલાડુ મળ્યું છે…એક લાપત્તા છે…..!!! જોઈએ આગળ શું સમાચાર છે…!!!

અને અંતે વરસાદી વાતાવરણ વચ્ચે દિવાળી ને અલવિદા કરી કોન્ક્રીટ ના જંગલો માં પાછા પધારી ગયા……!! બસ..

વોહી ધુઆ.. વોહી મિજાજ….વોહી ગરદીશે

બસ વોહી સંકડી ગલી ઓ સે ગુજરતી જિંદગી,

જેબે ભરી હુઈ પર દબી હુઈ તનહાઈ કા ખાલીપન…

ઓર ફિર સે…વોહી રફતાર…વોહી રફતાર….

આ જ તો જિંદગાની છે યારો….!

રાજ


Leave a comment

BAPS રવિસભા-12/10/25

સ્વામિનારાયણ હરે……પછી શ્રીજી મહારાજ બોલ્યા જે…

………કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ……. પ્રત્યક્ષ….. એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે….. તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…..

તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે

—————————

વચનામૃત-ગઢડા મધ્ય-21

હવે દિવાળી મહોત્સવ માં માત્ર અઠવાડિયું બાકી છે અને ઉત્સવ નો માહોલ ધીમે ધીમે રંગ પકડી રહ્યો છે……સાથે સાથે મંદિરો પણ સજીધજી રહ્યા છે…..ગયું વર્ષ ક્યાં વીતી ગયુ એ ખબર જ ન પડી પણ જે હોય તે….આ ઉત્સવ નો રંગ સત્સંગ ના રંગ ની જેમ ચડતો જ રહેવો જોઈએ…..અને એ માટે હરિ ને હરપળ અંતર માં રાખવો પડે….તો ચાલો શરૂઆત હમેંશ ની જેમ એના થી જ કરીએ….

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ….એ પછી એક યુવકે ગુરુ મહિમા નું કોઠારી સ્વામી ભક્તિપ્રિય સ્વામી રચિત પદ ….” છોજી અમારું જીવન….પ્રમુખસ્વામી…” રજૂ કર્યું……! એક સત્પુરુષ નો પ્રભાવ એમના શિષ્યો માં કેવો હોય છે……એ નું દર્શન આ પદ થી થયું…..! એ પછી એક યુવક દ્વારા ” ઓરા આવો છેલ તમારું છોગલું જોવું રે……” પ્રેમાનંદ સ્વામી રચિત મૂર્તિ નું પદ રજૂ થયું…..અને મનોચક્ષુ સમક્ષ છોગલા ધારી ….શ્યામ મૂર્તિ છવાઈ ગઈ….! વાહ….!! એ પછી એવું જ એક જોશીલું મૂર્તિ નું પદ….પૂ. પ્રેમવદન સ્વામી ના સ્વરે ” ધર્મકુંવર હરિકૃષ્ણની મૂર્તિ રે…….” , સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત રચના પ્રસ્તુત થઈ…….! શ્રીજીમહારાજ ની એ મૂર્તિ કેવી હશે…??? એના એક પળ ના દર્શન થી જીવમાત્ર ના નાડી પ્રાણ સહેજે એમાં ખેંચાઈ જતા…..!! અદભુત….અદભુત…!! એ પછી ધવલભાઈ ના સ્વરે ” મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લે ને કિરતાર….” ભક્ત કવિ દાસ સત્તાર દ્વારા રચિત ઉપદેશ પદ રજૂ થયું…..એક એક શબ્દ બ્રહ્મ સત્ય છે….આ મહામુલો મનુષ્ય અવતાર વારેઘડીએ નથી આવતો….અને એ પણ જો સત્સંગ ભક્તિ વિના કોરો નીકળી જાય તો પછી આ અવતાર માથે જ પડે ને….!!! બસ એટલા માટે જ …અહીં તો હરિ હરપળ…!!!

એ પછી જોધપુર અક્ષરધામ મંદિર ના કારીગરો, શિલ્પીઓ નું ગુરુ મહંત સ્વામી મહારાજ દ્વારા સન્માન થયું….એનો 24 તારીખ નો વીડિયો રજૂ થયો…..! અદભુત ..સત્પુરુષ નો ભાવ…કરુણા…પ્રેમ…..!!! આ જ ગુણાતીત ના લક્ષણ છે…..

https://youtu.be/75Qz0RTOmUk?si=CGy0r0As27c02VqM

ધન્ય ધન્ય આવા ગુરૂ ને….!!

એ પછી આપણી સંસ્થા ના વિદ્વાન…સરળ પણ જકડી રાખે તેવી ભાષા બોલી-ગદ્ય પદ્ય માં ગહન જ્ઞાન ની વાત કરનાર સંત પૂ. મુકુંદજીવન સ્વામી દ્વારા ” ભક્તિ ની શક્તિ” વિષય પર રસપ્રદ પ્રવચન થયું……જોઈએ સારાંશ…

  • ભગવાન અને સંત એ કરુણામૂર્તિ છે…જીવ એમના માટે અલ્પ કરે છતાં ભગવાન એને અનેકઘણું મોટું માની લે છે….. એ જીવ ને ભગવાન ના રખોપા મળે છે….જીવ શરણાગત બને ત્યારે ભગવાન તેના યોગક્ષેમ નું વહન કરે છે….
  • આપણી સંસ્થા ના ભક્તરાજ સી.એમ.પટેલે આફ્રિકા ઇદી અમીન ના ત્રાસ સમયે આફ્રિકા ના વિવિધ મંદિરો માં પધરાવેલી ભગવાન ની મૂર્તિઓ ની શિર સાટે રક્ષા કરી બીજા દેશ ના મંદિરો માં પધરાવી……પ્રમુખ સ્વામી મહારાજે પ્રસન્ન થઈ એમને બોડાણા ભક્ત ની ઉપમા આપેલી….અને એમની અંતિમ ક્રિયા પોતે કરેલી….! આ હતી શરણાગત ની ભક્તિ માં શક્તિ કે સ્વયમ સત્પુરુષ અને ભગવાન એના યોગક્ષેમ માં રહે છે…..!
  • ભક્તિ ની શક્તિ એવી છે કે ભક્ત ની દ્રઢતા જોઈને ભગવાન પોતે ઝૂકી જાય છે…..એને વશ થઈ જાય છે….ભક્ત કહે તેમ ભગવાન કહે છે….એ ભક્ત ગોપીઓ હોય, સુરદાસ હોય, બ્રહ્માનંદ કે પ્રેમાનંદ આદિક ભક્તો હોય…..એમની ભક્તિ આગળ ભગવાન પણ ઝુક્યા છે….! બસ, આપણે પણ આવી અનન્ય ભક્તિ કરી શકીએ એ જ એમના ચરણો માં પ્રાર્થના…!!

એ પછી સંસ્થા ના પ્રખર વક્તા…અતિ વિદ્વાન સંત સદગુરુ પૂ.વિવેકસાગર સ્વામી સભામાં ઉપસ્થિત હતા તેમના દ્વારા સભાને આશીર્વચન નો લાભ મળ્યો…..જોઈએ સારાંશ…

  • સત્સંગીજીવન ગ્રંથ માં ભાલચંદ્ર શેઠ દ્વારા ભક્તિ ના સ્વરૂપ વિશે પૂછેલા પ્રશ્ન ના ઉત્તર માં શ્રીજી મહારાજે નવધા ભક્તિ નું સ્વરૂપ સમજાવેલું…..ભક્તિ એ ઉપાસના છે. અદ્વૈત સિદ્ધાંત મુજબ ભગવાન ના નિરાકાર ઉપાસના ની….એકમેવ સ્વરૂપ આજે જગત માં પ્રધાન છે…..! ત્યાગી હોય કે સંસારી- એકાંતિક ભક્તિ ને જ સર્વોપરી ગણી છે….વચનામૃત, ભાગવત આદિક સર્વે ગ્રંથો માં ભક્તિ વિના મનુષ્ય ને પશુ સમાન કહ્યો છે…..
  • જે મનુષ્ય ને કથાવાર્તા શ્રવણ માં માં આળસ હોય તે સત્સંગ માં લાબું ટકતો નથી…પ્રગતિ કરતો નથી….માટે જ મોટા પુરુષો કથાવાર્તા ને જ પ્રાધાન્ય આપે છે……કથાવાર્તા થી જીવ ના દોષ ટળે છે…..! સેવા પણ ભક્તિ નો એક પ્રકાર છે…..જેનાથી દોષ ઘસાય છે …ભગવાન રાજી થાય છે….એ જીવ ને એકાંતિક ભક્ત બનાવે છે…..માટે જ ભગવાન અને સંત ની અનુવૃત્તિ પારખી..એ મુજબ વર્તી ને સેવા કરી લેવી…..આપણા ભવ્ય મંદિરો…આપણા સમૈયા.. સત્સંગ સર્વે સેવા સમર્પણ ના જીવંત ઉદાહરણ છે….
  • ભગવાન ને દંડવત..પ્રણામ….પણ ભક્તિ નો પ્રકાર છે…..ગુરુ આજ્ઞા એ દંડવત સહિત ભગવાન ની પૂજા કરવી….દાસત્વ ભક્તિ  તો આપણા સંપ્રદાય માં વખણાય છે…..અહીં તો દાસના દાસ થવાની વાત છે…..એ જ રીતે આત્મનિવેદી અને પ્રેમ લક્ષણા ભક્તિ અહીં આપણા સંપ્રદાય માં દેખાય છે…..લંડન ના મંદિર માં ભક્તો ના સમર્પણ ની ગાથા એ પ્રેમ લક્ષણા ભક્તિ નું ઉદાહરણ છે. અહીં તો ભીડા ભક્તિ ની વાત પણ યોગીજી મહારાજ કહેતા……સત્સંગ માં જાણ પણુ એ પણ ભક્તિ નો એક પ્રકાર છે જેથી જીવ ડગી ન જાય….!! અનુવૃત્તિ એ મોટી ભક્તિ છે…..મોટા પુરુષ અને ભગવાન ની અનુવૃત્તિ પારખી ને જીવી જવું એ મોટી ભક્તિ છે. …એ જ રીતે નિર્દોષ બુદ્ધિ એ પણ મોટી ભક્તિ છે….એમ યોગીબાપા કહેતા….
  • ભગવાન ને સદાય પ્રગટ સમજી ભક્તિ કરવી….એ પણ એક પાયા ની વાત છે…..આપણે અહીં તો શ્રીજીમહારાજ સદાય પોતાના ગુણાતીત સંત દ્વારા પ્રગટ રહે છે માટે જ અહીં સત્સંગ સદાય નવપલ્લીત છે…..આપણે મહંત સ્વામી ની ભક્તિ નથી કરતા પણ એમનામાં રહેલા ભગવાન ની ભક્તિ કરીએ છીએ…..માટે એનો મહિમા સમજવો…..પ્રગટ થકી બ્રહ્મરૂપ થવાય…..બ્રહ્મરૂપ ગુરુ ના રાજીપા થકી જ બ્રહ્મરૂપ થવાય……એમાં કોઈ શંકા નથી….સર્વે દિવ્ય જ છે….પ્રગટ ની ભક્તિ થી જ કેફ ચડે……બસ, નિર્દોષ બુદ્ધિ ની ભક્તિ પકડશું તો બાકી ની બધી ભક્તિ આવી જશે…..

જાહેરાત થઈ કે – આવતા સપ્તાહ થી દિવાળી ઉત્સવ ની શરૂઆત થાય છે એ અંગે જાહેરાત થઈ…..વિશેષ માહિતી  પછી થી મળશે. આવતીકાલે ઓનલાઈન ઘરસભા માં પૂ.અક્ષરજીવન સ્વામી લાભ આપશે.

આજની સભાનો એક જ સાર હતો- ભગવાન ને ભજી લેવા…..ભક્તિ વિના મનુષ્ય જીવન પાંગળુ છે…..પામર છે….દિશાવિહીન છે….સમજી રાખો…

આપણે તો અહીં…ભક્તિ જ સર્વસ્વ…..હરિ હરપળ….

માટે જ સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

જય જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS કીર્તન આરાધના રવિસભા- 05/10/25

મારા કુંબામાં હાથી પેઠો મારા ભઈ

 હું તો નાચું થનક થન થૈ… ꠶ટેક

મનના કમાડને તોડી ફોડીને

 મારા કુબામાં હાથી પેઠો,

ઓલ્યો તૈણે ભુવનનો નાથ મારો એવો

 મારી ગાભાની ગોદડીએ બેઠો,

મારા ફાટેલા જીવતરને રેશમનું થીંગડું લાગ્યું

 ભવોભવનું દાળીદર ભાંગ્યું મારા ભઈ… હું તો ꠶ ૧

——————-      

પ્રાપ્તિ નું પદ- સગરામ વાઘરી નું વૃતાંત- ગુજરાતી ફિલ્મ- ભગવાન સ્વામિનારાયણ

આજની સભા પણ વિશિષ્ટ હતી…..સારંગપુર મહાતીર્થ સ્થાન ના સંગીતજ્ઞ સંતો ના સ્વરોત્સવ નો આજે લાભ મળવા નો હતો…..વચનામૃત માં શ્રીજીમહારાજે કહ્યું છે તેમ ભગવાન ને સંભારી ને કીર્તન આદિક ક્રિયાઓ કરવી અને અહીં તો કીર્તન માં ભગવાન સિવાય કશું જ નહોતું…..!! પછી મારા વ્હાલા ને રાજી કરવામાં શુ બાકી રહે??? તો ચાલો એ કેસરભીના શ્યામ ના દર્શન મનભરી ને કરી લઈએ…..

પૂ.મધુરવદન સ્વામી અને તેમની સંગીતજ્ઞ સંતો ની ટીમ દ્વારા કીર્તન આરાધના ની શરૂઆત થઈ……અહીં આપણે એ કીર્તન નું  લિસ્ટ જોઈશું……

  • શરૂઆત શ્રીજીમહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા ના નવીન ગુજરાતી પ્રાર્થના ..મંગલાચરણ થી થઈ…..એ પછી એક સંતે સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન રજૂ કરી…સમગ્ર સભા તાળીઓ સાથે એ હરિ લય માં જોડાઈ ગઈ…..
  • હારે મારે બ્રહ્મ પરબ્રહ્મ ના વધામણાં….ઘેર ઘેર હરખ ના ઓવારણાં….- નવું કીર્તન હતું અને આપણ ને જે આધ્યાત્મિક પ્રાપ્તિ થઇ છે…એનું પ્રત્યક્ષ દર્શન ..વર્ણન હતું…એમાં પ્રસિદ્ધ પદ ” મારા કુબા માં હાથી પેઠો મારા ભાઈ…” અને ” સર્વે સખી જીવન જોવાને ચાલો રે…..”, ” આજ મારે ઓરડે રે…”  જેવા પદ બ્રહ્માનંદ સ્વામી રચિત છંદ દુહા સાથે રજૂ થયા…!!! અદભુત…અદભુત….!! સમગ્ર સભા ઉત્સાહ માં આવી ગઈ……!!
  • “શ્રી ઘનશ્યામ છબીલે કે છબી….”…રચયિતા- પ્રેમાનંદ સ્વામી, ગાયક- પૂ. મધુરવદન સ્વામી અને સંતો- ભગવાન ની છબી ..મૂર્તિ જ એવી છે કે એના એક ક્ષણ ના દર્શન પણ જીવ ને મોક્ષ પમાડી દે…..બ્રહ્મરૂપ કરી દે….અખંડ સુખ નો અધિકારી કરી દે…..પછી તો જગત ના કહેવાતા સર્વે સુખ સાવ ફિક્કા…મોળા લાગે….! અદભુત….
  • “હારે મેં તો નીરખ્યા નેણાં ભરી નાથ ને રે….”…રચયિતા- પ્રેમાનંદ સ્વામી- …ગાયક- પૂ.સ્વસ્તિક ભગત- બ્રહ્મસત્ય….!! ભગવાન ને પ્રત્યક્ષ દર્શન કર્યે થી આ જન્મ સફળ સુફલ સહેજે થઈ જાય…..એમાં શી શંકા…!!! ભગવાન નું પોતાનું વચન કે…પોતે પોતાના ગુણાતીત સંત દ્વારા સદાય પ્રગટ રહેશે…પછી આ કલ્યાણ નો માર્ગ બંધ કઈ રીતે થાય..??
  • “રહી તો જુઓ …પ્રમુખ સ્વામી ના ગમતા માં રહી તો જુઓ…”…..રચયિતા- પૂ. મધુરવદન સ્વામી….ગાયક- પૂ. મધુરકીર્તન સ્વામી અને ટીમ…. સત્પુરુષ ના ગમતા માં…અનુવૃત્તિ માં રહીએ તો બ્રહ્મરૂપ થવાય….એ પોતે આપણો હાથ ઝાલી ને છેક શ્રીજી સુધી લઈ જાય…..!!
  • ” થઈ રહ્યો છે જયજયકાર…. સ્વામી મળવા થી…” રચયિતા-  અખંડાનંદ મુનિ – ગાયક -પૂ.સંતો….. …સત્પુરુષ સાક્ષાત મળ્યા…અને એમના થકી ભગવાન સાક્ષાત મળ્યા પછી જીવન માં બાકી શુ રહે…..!!! બસ…જીવ ના મોક્ષ ની આ જ વાત છે….પ્રાપ્તિ ના કેફ ની આ જ વાત છે…..! બસ …આની પ્રતીતિ કરો…..!…આવા કેફ વાળા હરિભક્તો તો કીર્તન તાલે નાચી ઉઠ્યા….!!
  • ” જીઓ વર્ષ હજારો હજાર મહંત સ્વામી જી…..” ..રચયિતા- અજ્ઞાત…..ગાયક- પૂ.સંતો……! અદભુત …ગુરુ મહિમા નું પદ….!
  • અંતે- જોશીલા કીર્તન-દોહા છંદ ની રમઝટ ચાલી અને સમગ્ર સભા જોશ માં આવી ગઈ……..! ભક્તિ નું જાણે કે ઘોડાપુર આવ્યું…..!!

સતત બે કલાક પૂ. સંતો વરસતા રહ્યા અને સમગ્ર સભા એમાં અવિરત ભીંજાતી રહી…..!!

એ પછી સત્સંગ શિક્ષણ પરીક્ષા માં શાનદાર પ્રદર્શન કરનાર હરિભક્તો નું જાહેર સન્માન થયું……આવતીકાલે શરદપૂર્ણિમા ની સભાનો લાભ રાત્રે 8.30  થી 10.30 વચ્ચે અહીં સભાગૃહ માં ઉજવાશે……સોમવાર ની ઘરસભા નથી….!

આજની સભાનો એક જ સાર હતો…..બસ ભજન હોય કે ભોજન….સર્વે ક્રિયા માં કેસરભીના હરિ ને ભેળવતા રહીએ….એમની પ્રસન્નતા અર્થે જ સર્વે ક્રિયા કરીએ તો મારો વ્હાલો રીઝે……અને અખંડ સુખ ની લ્હાણી કરે…..!!! બસ અહીં તો હરપળ હરિ…!!

એનો રાજીપો…એની મરજી જ આપણું જીવન…..!

જય જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ