‘ખંડિત પ્રતિમા’ -ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘ખંડિત પ્રતિમા’  

પુરાતત્વ વિભાગમાં ખળભળાટ ફેલાયો હતો.

કોઈ પ્રાચીન પ્રતિમાઓની ચોરી કરે એ સમજાય, ચોરી કરીને વેચી દે એ સમજાય, પણ આ તો અનહદ કૌતુકની એવી વાત બની હતી જે સાવ નિયમ બહારની ઘટના હતી. કાયદો હાથમાં લેનાર અન્ય કોઈ નહીં, પણ વર્ષોથી મ્યૂઝિયમની સાચવણી માટે નિયુક્ત કરેલ રામસિંહ હતો.

પુરાતત્વ ખાતાના અધિકારી કશ્યપજી તાબડતોબ ભોપાલથી સાંચી પહોંચ્યા. સાંચીના મ્યૂઝિયમમાં ખાતાના અન્ય અધિકારીઓની સાથે રામસિંહ હાજર હતો. 

કશ્યપજીએ જોયું કે, મ્યૂઝિયમમાં મૂકેલી પ્રાચીન પ્રતિમાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.

“આવી બેહૂદી અને ગેરકાનૂની હરકત કોણે કરી છે?”

ક્રોધાવેશમાં ઊંચો થયેલા કશ્યપજીના અવાજથી જાણે એ ઓરડાની દીવાલો સુદ્ધાં ખળભળી ઊઠી. હાજર સૌ અધિકારીઓની નજર રામસિંહ તરફ હતી.

“રામસિંહ, આ મ્યૂઝિયમની જવાબદારી તમારા માથે હતી. વીસ વીસ વર્ષથી તમે આ જવાબદારી ખૂબ ચોકસાઈથી સંભાળી છે. આજ સુધી પ્રતિષ્ઠિત કહી શકાય એવી તમારી કારકિર્દી હતી. હવે રહી રહીને નિવૃત્ત થવાના સમયે આવી હરકત…?

“જાણો છો, તમારા આ કૃત્યથી મંત્રીથી માંડીને પ્રેસને મારે જવાબ આપવો પડશે?

“અત્યારે ને અત્યારે આ ઓરડો સીલ કરીને મારી ઑફિસમાં આવો.” કહીને કશ્યપજી લાંબી લાંબી ડાંફો ભરતા ઑફિસ તરફ ચાલવા માંડ્યા.

વાત એમની સાચી હતી. રામસિંહના પિતાજી અહીં કામ કરતા હતા ત્યારથી એ રામસિંહને ઓળખતા હતા. શૈશવકાળમાં એ રામસિંહ સાથે સાંચીના પત્થરો અને સ્તૂપની વચ્ચે ફરતા ત્યારે રામસિંહ કશ્યપજીને કહેતા, “બાબુજી, આ પત્થરો આપણને કંઈક કહે છે.”

“પત્થરો બોલે છે એવું કહેનાર તો તું પહેલો નીકળ્યો.” કશ્યપજી હસી પડતા.

અને પછી બંને વચ્ચે ચર્ચા થતી.

રામસિંહનું માનવું હતું કે પશુ-પંખીની જેમ પત્થરોની ભાષા હોય. કશ્યપજી એને પત્થરનું વિજ્ઞાન સમજાવતા. પણ, લાગણી અને બુદ્ધિ, દિલ અને દિમાગ વચ્ચે ક્યારેય મેળ નહોતો બેસતો. કશ્યપજીની તાર્કિક વાત સાથે રામસિંહની લાગણીઓને કોઈ લેવાદેવા નહોતી. ક્યારેક કશ્યપજીને  સવાલ થતો કે, રામસિંહ પત્થરોની ભાષા જાણતો કે સમજતો હશે !

સમય જતા પુરાતત્વ અને ઇતિહાસનો અભ્યાસ કરીને કશ્યપજીએ દેશ-વિદેશ ફરીને પુરાતત્વ પર સંશોધન આદર્યું જેનાં લીધે એમને નામ અને દામ બંને મળ્યાં. ત્યારબાદ દેશમાં પાછા આવીને ભોપાલ ખાતે પુરાતત્વ ખાતામાં અધિકારીની પદવીએ જોડાયા ત્યારે રામસિંહે સાંચીના મ્યૂઝિયમમાં નોકરી લઈ લીધી હતી.

થોડા સમય પછી કશ્યપજીને જાણ થઈ કે, અકસ્માતમાં રામસિંહે એક પગ અને એક આંખ ગુમાવી છે.

*******

ભોપાલથી સાંચી પહોંચતા સુધીમાં કશ્યપજીના મનમાં ભૂતકાળ સજીવ થઈ ગયો. એમને રામસિંહ પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ હતી, પણ એક અધિકારી તરીકે જે કાનૂની પગલાં લેવા પડે એમાં કોઈ બાંધછોડ એ કરી શકે એમ નહોતા.

“રામસિંહ, તમે જાણો છો કે પુરાતત્વીય જણસો સાથે ચેડાં કરવા એ ગુનો છે છતાં આવું કરવા પાછળનું કારણ?”

“સાહેબ, મને આવું કરવા માટે આ પ્રતિમાઓએ કહ્યું હતું.” કાખઘોડીની ટેકે ઊભેલા રામસિંહના અવાજમાં ડર નહીં સ્વસ્થતા હતી.

ત્યારબાદ રામસિંહે જે વાત કરી એ કલ્પનાતીત હતી.

રામસિંહના કહેવા મુજબ સરકારી શાળામાં મેટ્રિક સુધી અભ્યાસ કરીને અહીં નોકરી લીધી ત્યારથી એ અહીં જ રહે છે. ક્યારેક રાતની ડ્યૂટી પર હોય ત્યારે એમણે પત્થરોને એકમેક સાથે વાત કરતા હોય એવું એમણે સાંભળ્યું છે.

પ્રતિમાઓની વાતોમાં કેટલી ઉદાસી હતી, કેટલી પીડા હતી એ સમજવા દિલ જોઈએ. કેટલીક પ્રતિમાઓને હાથ નહોતા. કેટલીકને પગ, કેટલીકને આંખ, કોઈ પ્રતિમાને કાન તો કોઈને નાક નહોતા. વળી કોઈ પ્રતિમાને માત્ર ધડ જ હતું. આ બધી ખંડિત પ્રતિમાઓને અખંડ સ્વરૂપ જોઈતું હતું.

એક મા પાસે ચૂલો હતો પણ બાળક માટે રાંધવા આખું વાસણ નહોતું. કોઈ બાળક પાસે રમવા માટે સરખું રમકડું નહોતું. ખેડૂતનું હળ તૂટી ગયેલું હતું. રાજાનો રાજદંડ તો સૈનિકના શસ્ત્રો. એક નર્તકીની પ્રતિમાને પગ નહોતો. તો વળી કલાકાર પાસે પડેલું વાદ્ય તૂટેલું હતું.

રામસિંહે એમને અખંડ રૂપ આપવાનું નક્કી કર્યું. એના માટે તક પણ મળી ગઈ. એક દિવસ જ્યારે સીસીટીવી કેમેરા બગડી ગયો એ રાત્રે એક પછી એક પ્રતિમાના ઘા પર જાણે મલમ લગાડવાનું શરૂ કર્યું. બાળક્ પાસે નવું રમકડું મૂકી દીધું. તૂટેલી હાંડીની જગ્યાએ નવું વાસણ મૂક્યું. રાજાને રાજદંડ, સૈનિકોને શસ્ત્રો, ખેડૂતને હળ આપ્યું. સ્ટોન સીલર અને પ્લાસ્ટર ઓફ પેરિસથી આંખ, કાન, નાકથી માંડીને ધડ પર માથું સુદ્ધાં મૂકી દીધું.

રામસિંહની વાત સાંભળીને કશ્યપજીનું દિમાગ ચક્કર ખાઈ ગયું.

“તમે જાણો છો, રોજે આ પ્રતિમાઓની સંખ્યા ગણતરી કરવામાં આવે છે એટલું જ નહીં એની તસવીરો પણ લેવામાં આવે છે? પ્રતિમાઓમાં સહેજ પણ તફાવત દેખાય તો એની નોંધ લેવાય છે અને તમે એને નવા ઘાટ આપવા માંડ્યાં? 

“કશું ખોટું હોય એ સુધારવું. જેની પાસે જે નથી એ આપવું એને ગુનો કહેવાય? પગ અને આંખ નથી તો એની પીડા શું છે એ હું જાણું છું, સાહેબ.” રામસિંહે ધીમા અવાજે જવાબ આપ્યો..

“અહીં તો ખંડિત જ પ્રતિમાઓની કિંમત છે. આ તૂટેલા હાથ-પગ, ફૂટેલી આંખની કિંમત છે.” કશ્યપજીના દિમાગનો પારો ઊંચો ચઢવા માંડ્યો.

“મારે પણ એક પગ અને એક આંખ નથી, તો મારીયે કોઈ કિંમત હોવી જોઈએ ને? પણ, જાણું છું નથી સાહેબ. મારી કો..ઈ કિંમત નથી.”

કશ્યપજી ઘા ખાઈ ગયા.

“તમે પ્રતિમા છો?”

“ના, સાહેબ, પણ હવે ખબર પડી કે જીવતા માણસ કરતાં ખંડિત પ્રતિમાઓ વધુ કિંમતી છે. અમારે રહેવા ઘર નથી અને આ પ્રતિમાઓ માટે મોટા, એરકંડિશન ઓરડાઓ….” એમનો અવાજ ભરાઈ આવ્યો.

*******

કશ્યપજીને આજે સમજાતું હતું કે, જીવનભર પત્થરોની પ્રતિમા પર સંશોધન કરીને એ ખુદ પત્થરની જેમ સંવેદનશૂન્ય બની ગયા હતા. સંશોધન કર્યું, પણ સંવેદના પારખવામાં ઊણા ઉતર્યા જ્યારે રામસિંહે સાચા અર્થમાં પત્થરોની પ્રતિમાની જાળવણી કરી હતી.

કેવી છે આ નિષ્ઠુર દુનિયા જ્યાં પત્થરોની પ્રતિમાને લઈને આટલો હોબાળો મચ્યો અને ગરીબ માનવીની હત્યાનો ઉલ્લેખ માંડ થાય છે. ખંડિત પત્થરની પ્રતિમાને સરકાર સાચવવા અઢળક નાણાં ખર્ચે છે, પણ ગરીબ માણસના ક્ષતવિક્ષિત દેહની નોંધ સુદ્ધાં નથી લેવાતી.

કશ્યપજી વગદાર અધિકારી હતા. એમના હોદ્દાનો ઉપયોગ કરીને રામસિંહને મોટી સજામાંથી બચાવી લીધા. નિવૃત્તિના બે મહિના પહેલાં જ રામસિંહને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા.

નિર્ણય લેવાયા બાદ કશ્યપજી ઑફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે રામસિંહ સામે ઊભા હતા. ખીસ્સામાંથી બે મહિનાના પગાર જેટલા રૂપિયા કાઢીને કશ્યપજીએ રામસિંહને આપ્યા.

“તમારા માટે હોટલમાં ચોકીદારની નોકરીનું કહી દીધું છે. કાલથી કામે ચઢી જજો.” કહીને કશ્યપજી રામસિંહને ભેટી પડ્યા એ ક્ષણે એમને લાગ્યું કે, આજે એમણે એક જીવંત ખંડિત પ્રતિમાના ઘા પર મલમ લગાડીને એને શાતા આપી છે.

ગરિમા સંજય દુબે લિખિત વાર્તા- ભાવાનુવાદઃ રાજુલ કૌશિક  

January 24, 2026 at 10:10 am Leave a comment

‘રામ તમે સીતાની તોલે ન આવો’-ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા) માં પ્રસિદ્ધ લેખ.

‘રામ તમે સીતાની તોલે ન આવો’

૩૦- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

અવિનાશ વ્યાસ એટલે ગુજરાતી સુગમ સંગીતને એક નવા આયામ સુધી લઈ જનાર ગીતકાર, સંગીતકાર. છ હજાર ગીતો લખનારા અવિનાશ વ્યાસની રચનાઓના વૈવિધ્ય વિશે વાત કરવી હોય તો પણ ક્યાંથી શરૂ કરીને ક્યાં અટકવું એવી મીઠ્ઠી મૂંઝવણ થાય.

ક્યારે અને કેવી રીતે આટઆટલા વૈવિધ્યપૂર્ણ ફલક સુધી વિસ્તર્યા હશે?  ક્ષણિક ચમકારો થાય ને પાનભાઈ મોતીડાં પરોવી લે એવું જ અવિનાશ વ્યાસનું હશે?

કોઈ કહે છે કે, માતાજીના ગર્ભગૃહ પાસે ઊભા રહીને ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો’ જેવી રચના સ્ફૂરી તો કોઈ કહે છે કે, કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ જેવી અમર અવિનાશી રચના સ્ફુરી. પિતાજીના અવસાન સમયે ‘ખોવાયા ને ખોળવા, દ્યો નયન અમને’ જેવી રચના લખી.

શ્રી અવિનાશ વ્યાસે દેશદાઝની રચનાઓથી માંડીને ‘ભૂખ’, ‘કાળ ભૈરવ’ ગીતનાટિકાઓ લખી છે. આઇ.એન. ટી. સાથેના સહયોગથી ‘નરસૈંયો’, ‘મીરાં’, ‘આમ્રપાલી’ પ્રસ્તુત કરી છે.

ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રના સક્રિય સભ્ય તરીકે ‘જય સોમનાથ’, ‘રાસદુલારી’, ‘રામશબરી’, ‘ગીતગોવિંદ’ જેવી ઉત્તમ ગીતનાટિકાઓ આપી છે.

શ્રી યોગેન્દ્ર દેસાઈની સાથે મળીને ‘રૂપકોષા’, ‘ચિત્રલેખા’, ‘પરિવર્તન’, ‘પિંજરનું પંખી’, ‘વરદાન’, ‘અનારકલી’ અને ‘ચૌલાદેવી’ જેવી કૃતિઓ આપી.

૧૯૬૯માં પદ્મશ્રી ઍવોર્ડ પ્રાપ્તિ, ૧૯૮૩માં સંગીત-નૃત્ય-નાટક અકાદમી ગૌરવ પુરસ્કાર પ્રાપ્તિ અને ૨૦૧૫ની ૨૦મી ઓગસ્ટ શ્રી અવિનાશ વ્યાસની ૩૧ મી પુણ્યતિથિએ એમણે લખેલા સાત ગરબાઓનું આલ્બમ “તાળીમાં કંકુ વેરાય”નું લોકાર્પણ.

આ આલ્બમના તમામ ગરબાઓ આશા ભોંસલેએ ગાયા છે. અવિનાશ વ્યાસ માટે આશા ભોંસલે જેવી અનેક પ્રખ્યાત વ્યક્તિઓ અત્યંત સન્માન ધરાવતા હતા એ વાત જાણીતી છે.

આટઆટલા માન સન્માન પછી પણ તેમની સાદગી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અનન્ય હશે એવું એમની અનેક રચનાઓ પરથી અનુભવાય છે.

જ્યારે જે મળ્યું એ ઈશ્વરની ઇચ્છાનુસાર છે, ઈશ્વરે નિર્ધારેલું છે માટે એ યથાયોગ્ય જ હોય એવી સ્વીકૃતિ અને સમર્પણભાવ એમના ભજનો કે ગીતોમાં છે.

એ કહે છે,

“મારા રામના રખવાળા ઓછા હોય નહીં,

એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહીં.

રામના રખવાળા પર જેને અપાર શ્રદ્ધા હોય, અગમનિગમની વાણી પર ભરોસો હોય, ઈશ્વરે આપેલી એંધાણીના અણસારા પારખવા જેટલી જાગૃતિ હોય એને વળી આવતીકાલની શું ચિંતા?

એનું ઢોલ અગમથી વાગે, અગમ-નિગમની વાણી ભાખે

એજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહીં

કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે

એજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહીં

ઈશ્વર પર જેને સંપૂર્ણ શ્રદ્ધા અને રામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણની ભાવના હોય એ જ ઈશ્વરે નિર્ધારેલા માર્ગ પર નિશ્ચિંત થઈને ચાલી શકે છે. મીરાંબાઈ પણ એમ જ જીવ્યા હતા…

રામ રાખે તેમ રહીએ ઓધવજી

આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ ઓધવજી

આશરે ૧૫મી સદીમાં છલકાતો મીરાંબાઈનો ભાવ ઘણાં વર્ષો પછી ગીતકાર અવિનાશ વ્યાસના શબ્દોમાં પડઘાય ત્યારે એમ થાય કે ફક્ત સમયનું જ અંતર છે બાકી આ બે પેઢીના ભાવોમાં અનેરું સામ્ય હતું.  રામ નામમાં રહેલી એમની શ્રદ્ધાએ એમને વિચારો, ભાવનાની એક સમાન સપાટીએ લાવીને મુક્યા હતા.

રામ પરની અવિનાશ વ્યાસની શ્રદ્ધા અડોલ હોવા છતાં એ મનથી તટસ્થ છે. દિલ અને દિમાગમાં વિચારોની સરવાણી અલગ રીતે વહેતી હોય તો વ્યક્ત કરવામાં એ એકદમ સ્પષ્ટ છે.

સદીઓથી આપણા આ પુરુષપ્રધાન સમાજમાં સઘળું પુરુષની દૃષ્ટિએ તોળાય છે. પુરુષ જે કહે, જે કરે એ જ સત્ય છે એ સ્વીકારી લેવાની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ વધતા-ઓછા અંશે અકબંધ છે ત્યારે અવિનાશ વ્યાસે ડંકાની ચોટ પર કહ્યું કે, રામ ભલે ભગવાન તરીકે પૂજ્ય હશે, પણ એક પતિ તરીકે તો ઊણા ઉતર્યા છે.

‘રામ, દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને,

છોને ભગવાન કહેવરાવો,

પણ રામ તમે સીતાની તોલે ન આવો.’

એક બાજુ એમ કહેવાય છે કે ‘યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા’

જ્યાં નારીને પૂજનીય ગણવામાં આવે ત્યાં દેવતાનો વાસ હોય તેમ છતાં આ દેવ તરીકે પૂજાતા રામે સીતાનો ત્યાગ કર્યો !

માટે ભલે …..

‘સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે,
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ પણ,

રામ તમે સીતાની તોલે તો ન જ આવો.’

જો પતિને પરમેશ્વર માનવામાં આવે છે તો જે પરમેશ્વર પત્નીના સતને પારખી ન શક્યા અને એક અદના આદમીની વાત માત્રથી જેણે ચૌદ વરસ એમની સાથે વનવાસ વેઠ્યો એવા સીતાની અગ્નિ પરીક્ષા લેવા તૈયાર થઈ ગયા?

‘કાચા રે કાન તમે ક્યાંના ભગવાન,
તમે અગ્નિ પરીક્ષા કોની કીધી,
તારો પડછાયો થઈને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી,
પતિ થઈને પત્નીને પારખતાં ન આવડી,
છો ને ઘટઘટના જ્ઞાતા થઈ ફુલાઓ,

પણ મારા રામ તમે સીતાની તોલે ન આવો.’

વિચારોની ભિન્નતા હંમેશા રહેવાની. જેમને રામ તરફ માત્ર શ્રદ્ધા છે, એ સૌ રામે કર્યું એ સાચું છે એમ આજેય માને છે. આજે પણ જ્યારે જ્યારે વિજ્યાદશમી આવશે ત્યારે ઠેર ઠેર રામનો જય જયકાર થશે. રાવણના પૂતળા બળશે પણ એવી ભક્તિ ને એવા ભક્તો માટે અવિનાશ વ્યાસ એક સવાલ કરે છે કે ભલે તમે રામને વિજયી કહેવડાવો, પણ શસ્ત્ર ઉપાડ્યા વગર માત્ર પોતાના સ્ત્રીત્વના બળે સીતાએ રાવણમાં રહેલા પુરુષને હંફાવ્યો, રાવણમાં રહેલા દૈત્યને જે રીતે હરાવ્યો એવા રાવણને માર્યો એમાં રામે કયું પરાક્રમ કર્યુ?

‘તમથીયે પહેલા અશોક વનમાં,
સીતાજીએ રાવણને હરાવ્યો,
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તોયે,
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો,
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો.’

રામને, રામમાં રહેલા દૈવત્યને ભજવું એ વાત સાચી પણ સાથે એમના સીતા સાથેના વ્યહવારથી મનને જે પીડા પહોંચી છે એને આવી નિર્ભિકતાથી વ્યકત અવિનાશ વ્યાસ જ કરી શકે.

ત્રાજવાનું પલ્લુ તટસ્થ રાખીને જે સારું છે એને સરસ કહેવું અને યોગ્ય હોય ત્યાં સત્યને ઉજાગર કરવું એ અવિનાશ વ્યાસે શીખવ્યું છે.

આલેખનઃ રાજુલ કૌશિક

January 17, 2026 at 2:01 pm Leave a comment

‘પિતાજીને પત્ર’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ. 

‘પિતાજીને પત્ર 

પ્રણામ પિતાજી,

‘ચાલીસમા જન્મદિને આશીર્વાદ પાઠવતો આપનો પત્ર મળ્યો. સિત્તેર વર્ષની ઉંમરે પણ મોતીના દાણા જેવા તમારા એક સરખા અક્ષરો જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે. આ પત્રો મેં તમારી આપેલી અનામતની જેમ મારા ખજાનામાં સાચવી રાખ્યા છે.

‘તમારા પત્રો મારા માટે અમૂલ્ય વારસા સમાન છે. જીવનમાં ક્યારેક એકલતા અનુભવુ છું ત્યારે કે ક્યારેક જાત માટે ઓછપનો અનુભવ થાય છે ત્યારે આ પત્રો વાંચું છું, જેનાથી ફરી મને અડીખમ ઊભા રહેવાનું બળ મળે છે.

‘પપ્પા, આજે ચાલીસ વર્ષની ઉંમરે પહોંચીને મારે તમને કંઈક કહેવું છે. આજ સુધી જે લાગણી મારા મનમાં જ રહી ગઈ છે એ લાગણીઓ તમારા સુધી પહોંચાડવી છે.

‘પપ્પા, મને તમારા પુત્ર હોવાનો ગર્વ છે. હું નાનો હતો ત્યારથી તમે જમીન સાથે જોડાયેલા રહેતા શીખવ્યું. મોટો થયો ત્યારે મારા સપનાંને પાંખો આપી. સપનાં સાકાર કરવાની પ્રેરણા આપી. મારી જાતને ઓળખવા મથ્યો ત્યારે મને સમજ આપી. જ્યારે ભાગ્ય અજમાવવા નીકળ્યો ત્યારે પ્રોત્સાહન આપ્યું. આત્માનો અવાજ ઓળખતા શીખવ્યું.

‘પ્રતિ એક દિન સવારે ઊઠીને પ્રસન્ન થવાનું અને સાંજ પડે આનંદિત રહેવાનું કારણ આપ્યું. તમે એ શીખવ્યું કે ગમે તે મુશ્કેલીઓ આવે છતાં આ દુનિયામાં રહી શકાય એટલી સુંદર છે.

‘નાનો હતો ત્યારે નાની નાની ખુશીથી મારાં ખીસ્સાં ભરતા રહ્યા. રવિવારે રામબાગમાં ફુગ્ગા અપાવ્યા. હીંચકે ઝૂલાવ્યો. બાજુની દુકાનમાંથી ગરમાગરમ સમોસા અને જલેબી ખવડાવ્યા.

‘પતંગિયું પકડતા, આગિયાની પાછળ દોડતા, કબૂતરોને ચણ આપતા, ગલુડિયાંને વહાલ ને ફૂલોને સ્પર્શ કરતાં શીખવાડ્યું. મેઘધનુષ્યના રંગોની ઓળખ કરાવી.

‘પતંગ ઉડાડતા ને લખોટીઓ રમતા શીખવાડ્યું. રજાના દિવસે તમારી સાથે બાગકામ કરીને બટાકાં, ગાજર, મૂળા, કોબી, ટામેટાં ને લીલાં મરચાં ઉગાડ્યા છે, એ કેમ ભુલાય?

‘મારી હરએક આનંદની પળોના તમે સાક્ષી છો.

‘તમારો પૌત્ર મોટો થઈ રહ્યો છે. એની સાથે હું તમારી ઘણી વાતો કરું છું. એ વાતો સાંભળીને એને તમારી સાથે ચેટ કરવું છે, પણ તમારી પાસે કમ્પ્યૂટર નથી એ જાણીને પાછો પડે છે. આ પેઢીને સંવાદના બદલે ચેટ કરવાની ટેવ છે.

એની દુનિયા અલગ છે. એ મોબાઇલ અને કમ્યૂટર પર વિડીયો ગેમ રમે છે. ટી.વી.ની ચેનલો જોઈ જોઈને મોટી થતી આ પેઢીને કાર્ટૂન અને પોગો પસંદ છે.

‘મેકડોનાલ્ડ અને પિત્ઝા હટમાં મળતા બર્ગર, ફિંગર ચિપ્સ, ચીઝ-ટોમેટો પિત્ઝા પસંદ છે. ‘ઇમ્પોર્ટેડ ફોરેન બ્રાન્ડ’ની ચીજો ગમે છે.

‘પપ્પા, યાદ છે? એકવાર તમે રજાઓમાં મને દાદાજી પાસે ગામમાં રહેવા મોકલ્યો હતો? દાદાજી મને એમની સાથે ગામની નજીક વહેતી નદીમાં માછલીઓ જોવા લઈ જતા. દાદાજી જલતરંગ વગાડતા એ હજુ મને યાદ છે. જલતરંગ વગાડે ત્યારે એમના ચહેરા પર જે આનંદ છલકાતો એ જોઈને હું બહુ ખુશ થતો.

‘જલતરંગને અંગ્રેજીમાં શું કહેવાય એવું માર્રો દીકરો મને પૂછે છે. કેવી રીતે એને સમજાઉં?

‘અત્યારે ટી.વી. પર ભારત-પાકિસ્તાનની મેચ ચાલે છે. સચીન તેંડુલકરે શોએબ અખ્તરના બાઉન્સર પર સિક્સર મારી એ જોઈને આનંદથી ઉછળ્યો ને મને પૂછ્યું, ‘પાપા, તમે નાના હતા ત્યારે ક્રિકેટ રમતા હતા?’

‘હું શું રમ્યો હતો એ કહ્યું, પણ લખોટી, ગિલ્લીડંડા શબ્દો એના માટે અજાણ્યા છે.

‘એની સાથે વાત કરતા કરતા હું મારી જાતને ઝાડની લાંબી ડાળી લઈને કપાયેલા પતંગ પકડવા દોડતો જોઈ શકું છું. મારા ધૂળિયા હાથ-પગ, પણ ચહેરા પર દેખાતું વિજયી સ્મિત જોઈ શકું છું.

‘એકવાર મેં દાદાજીને પૂછ્યું હતું કે એમણે ભૂત જોયું છે કે ભૂતથી એમને ડર લાગે છે?

‘દાદાજી હસી પડ્યા હતા. કહેતા હતા કે, ભૂતથી નહીં ખોટાં લોકોથી ડરવું જોઈએ.

‘આ ખોટાં લોકો એટલે કોણ?

‘મારો સવાલ સાંભળીને દાદાજી ગંભીર થઈ ગયા. થોડો સમય ચૂપ રહ્યા પછી સમજાવ્યું કે ખોટાં  લોકો એટલે જે વૃક્ષો કાપીને જંગલનું, પર્યાવરણનું નિકંદન કાઢે, નદીઓ અને ઝરણાં પ્રદુષિત કરે, પ્રાણીઓની હત્યા કરે એ.

‘હું દાદાજીનો ગંભીર-ઉદાસ ચહેરો જોઈ નથી શકતો એટલે ફટ દઈને કહ્યું, જોજોને દાદાજી હું બધા ખોટાં લોકોને મારી નાખીશ.

‘બેટા, ખોટાં લોકોને નહીં એમના મનની ખોટ, એમના મનની દુષ્ટતા દૂર કરજે.

‘પપ્પા, મારી ઈચ્છા હતી કે, એકવાર હું મારા દીકરાને દાદાજીનું ગામ બતાવું. ગામનું મંદિર, ગામ પાસે વહેતી નદી, કૂવા, ગામના ખેતરો, ઘાસનાં પૂળા, આંબા, આંબલી, જાંબુ, જામફળના ઝાડ બતાવું.

‘પણ, હવે નથી ગામ કે દાદાજી નથી.

‘જોકે એક રીતે સારું જ થયું કારણ કે, ગામ પર બાંધેલા બંધને લીધે ગામને ડૂબતું, જંગલોનું નિકંદન થતું દાદાજીથી જોવાયું ન હોત. ઉજળા કપડાંમાં કાળા કામ કરતા લોકોને જોવાનું એમના માટે દુષ્કર થાત.

‘આ વખતે રજાઓમાં તમને મળવા હું મારી દીકરાને લઈને આવીશ. તમે એને બોધકથાઓ કહેજો જેમાંથી એને જીવનોપયોગી શીખ મળે.

‘યાદ છે, એકવાર આપણે બેંકમાં રૂપિયાનો ઉપાડ કરવા ગયા ત્યારે કેશિયરે ભૂલથી વધુ પૈસા આપ્યા હતા? તમે તરત વધારાના રૂપિયા પરત કર્યા હતા ત્યારે પ્રામાણિકતા શું એ મને સમજાયું હતું. સાચું ને સારું શું એ હંમેશાં તમે મને સમજાવ્યું છે.

‘તમે મારા દીકરાને પણ સાચું ને સારું શું એ સમજાવશો ને? બહારથી ચમકતી ઇમ્પોર્ટેડ ચીજો જ સારી હોય એવી એની માનસિકતામાં બદલાવ આવે એવી સમજ આપશો ને?

ઘણું લખવા, કહેવાનું બાકી છે, પણ અલકા જમવા બોલાવે છે. સૂર્યાસ્ત થાય તે પહેલાં જમી લેવું જોઈએ એવું તમે શીખવાડ્યું છે ને? હજુ એ શિરસ્તો અમે જાળવી રાખ્યો છે.

પ્રશાંત

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

January 16, 2026 at 3:10 pm Leave a comment

‘સંગીત’-ગુજરાત મેઈલ દૈનિકમાં પ્રસિદ્ધ લેખ –

-‘સંગીત’

સંગીત એટલે શું એ સમજાય એ પહેલાં આપણાં જીવનમાં સંગીત વણાતું જાય છે. ભાષા, શબ્દો, સૂર કે લય શું છે સમજાય એ પહેલાં લય પરખાય છે. એ લય છે હાલરડાંનો. સૌ પ્રથમ મા જ્યારે એના બાળકને હાથમાં લે છે ત્યારથી બાળક એ સ્પર્શને ઓળખવા માંડે છે. મા જ્યારે બાળકને સુવડાવવા હાલરડું ગાય છે ત્યારે હાલરડાંના શબ્દો સમજવાની ઉંમર નથી થઈ તે છતાં એ જે પારખે છે એ છે સહજભાવે સમજાતો લય. હાલરડાંના શબ્દોમાં સંગીત છે એ સમજ્યા વગર પણ એ માણી શકે છે.

સંગીત સાથે સર્જાયેલું આ સાયુજ્ય જીવનભરનું.

સંગીતના ઉદ્ભવ સંબંધી અનેક રસપ્રદ વાતો છે. કેટલાક વિદ્વાનો શંખનાદને સંગીતનું ઉદ્ભવ સ્થાન માને છે તો અન્યની માન્યતા મુજબ ભારતીય સંસ્કૃતિના અતિ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદની ઋચાઓના ઉદ્ભવ પહેલાં સંગીતનો ઉદ્ભવ થયો હશે એમ માનવામાં આવે છે. જ્યારે મનુસ્મૃતિમાં ભારતમાં પ્રાકૃતિક તત્વોમાંથી ઉત્પન્ન થતા અવાજનો સંગીત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સંગીતને લઈને જુદા જુદા દેશ અને જુદા જુદા ધર્મમાં પણ રોચક કથાઓ છે.

આરબ ઇતિહાસકાર ‘ઓલાસીનિજમ’ બુલબુલ પક્ષીને સંગીતની જનેતા માને છે.

સાંભળેલી કથા મુજબ હજરત મુસા પૈગંબર પાસે એક ફરિસ્તાએ આપેલ પત્થર હતો જે હંમેશાં પોતાની પાસે રાખતા. એકવાર મુસાને ખૂબ તરસ લાગી. ક્યાંયથી પાણી મળવાની શક્યતા નહોતી. એમણે ખુદાને પ્રાર્થના કરી. પ્રાર્થનાના ફળરૂપે આ પત્થર પર પાણીની ધારા પડવા માંડી. પત્થર સાત ટુકડાઓમાં વહેંચાઈ ગયો. આ પ્રત્યેક ધારાઓનો અલગ અલગ અવાજ હતો જે સાત સૂરો તરીકે ઓળખાયા.

વાત વર્ષો પહેલાંની હોય કે સદીઓ પહેલાંની મૂળ વાત એ છે કે, ત્યારથી માંડીને સંગીત માનવજીવનનું અગત્યનું અને અવિભાજ્ય અંગ બની રહ્યું છે.

માનવીના હૃદયમાં ઉદ્ભવતી દરેક લાગણીઓને સ્પર્શતી જો કોઈ શક્તિ હોય તો તે સંગીત છે માટે જ તો સંગીતને આત્માની ભાષા કહેવાઈ છે.

સંગીત સાધના છે. પ્રત્યેક ધર્મમાં સંગીતનું મહત્વ શું છે એ આપણે સૌ જાણીએ છીએ. મંદિરમાં ભજન, દેરાસરમાં સ્તવન, દરગાહમાં કવ્વાલી, ગુરુદ્વારામાં શબદકીર્તનરૂપે સંગીત માનવીને ઈશ્વર સાથે જોડે છે.

ધર્મની સાથે સંકળાયેલું સંગીત મર્મને પણ એટલું જ સ્પર્શે છે. સંગીતને માનસિક તેમજ શારીરિક ચિકિત્સાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શારીરિક પીડા કે માનસિક તણાવમાં સંગીત થકી દર્દીને જે શાતા મળે છે એ ઘણીવાર દવાથી વધુ અકસીર નિવડી હોવાનાં દૃષ્ટાંતથી આપણે માહિત છીએ જ ને?

આરંભે કે અંતે સંગીત એ જ જે હૃદયને સ્પર્શે.

આલેખનઃ રાજુલ કૌશિક

January 14, 2026 at 2:07 pm Leave a comment

‘ ઈશા નામે કઠપૂતળી ‘-ગુજરાત દર્પણમાં પ્રસિદ્ધ વાર્તા-(ન્યૂ જર્સી .યુ એસ.એ)

ઈશા નામે કઠપૂતળી

શહેરથી દૂરનું એ ખુલ્લું મેદાન જાતજાતનાં પ્રાંતપ્રાંતના સ્ટૉલથી મેળામાં ફેરવાઈ ગયું હતું.

દર વર્ષે પંદર દિવસ માટે યોજાતા આ નેશનલ એક્સ્પોમાં કાશ્મીરથી માંડીને કન્યાકુમારી, ગુજરાતથી માંડીને ગુવાહાટીની હસ્તકલા, પ્રાચીનથી માંડીને અર્વાચીન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કપડાં, દાગીનાથી માંડીને એની સાથે મેચ થાય એવી ઍક્સેસરિ અને બાકી હોય તેમ ઉમેરાતી પરંપરાગત ખાણીપીણીનું આકર્ષણ તો ખરું જ.

ખૂણાનો અમ્યૂઝમન્ટ પાર્ક અને હા! વર્ષોથી ભુલાઈ ગયેલ બાઇસ્કોપ અને પપેટ શો પણ હોય. મોબાઇલ અને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સનાં સમયમાં બાઇસ્કોપ અને પપેટ શો ટાબરિયાઓ માટે નવું જોણું હોય એમ ત્યાં સતત ભીડ રહેતી.

હાઇજીન, હાઇજેનિક જેવા શબ્દોનું અસ્તિત્વ જ ન હોય એમ ત્યાં બેસવા માટેનાં પાથરણાં પર ગોઠવાયેલ ટાબરિયાઓ માટે આ દોરીસંચાર પર નાચતી કઠપૂતળીઓ નવતર ખેલ હતો.

સંગીત સાથે કઠપૂતળીનો ખેલ શરૂ થાય. દરબારમાં રાજા-રાણી અને દરબારીઓ સમક્ષ ત્રણ-ચાર નર્તકીનું નૃત્ય, નર્તન પછી મળતી સોનામહોરોને પાલવમાં ઝીલીને રાજા-રાણીને નમન કરતી કઠપૂતળીઓ.

વાહ ! આ ખેલ પૂરો જ ન થાય તો કેવું, પણ ખેલ પૂરો થયો ને એક માત્ર ઈશાને બાદ કરતા રાજી થયેલાં ટાબરિયાઓની મમ્મી રઘાદાદાએ મૂકેલ બોક્સમાં રૂપિયા સરકાવીને આગળ વધી. રઘાદાદાએ બોક્સમાંથી રૂપિયા ખેસમાં ઠલવીને એની પોટલી વાળી.

કાષ્ટપૂતળીઓ બનેલાં રાજા, રાણી, નર્તકીઓ એક થેલામાં ભરાવા માંડી. પણ, ઈશા કાષ્ટની જેમ જડવત્ ત્યાં જ ખોડાઈ રહી.

“ચ્યમ બુન, કાં આમ ઊભા સો? આજનો ખેલ તો પૂરો થ્યોસે.”

“હમ્મં..” બોલીને ઈશા થોડે દૂર બેંચ પર જઈને બેઠી. હવે ન તો એને આ એક્સ્પોના એકે સ્ટોલમાં જવાનું મન રહ્યું કે ન એને ઘર જવાનું મન થયું. એને દેખાતું હતું નર્તકીનું નર્તન. એને દેખાતી હતી પેલી નર્તકીની આંખો જેમાં પોતાની છબી ઝીલાઈ હોય એવો ભાસ થયો હતો.

એનામાં અને આ પૂતળીઓમાં જો કશો ફરક હોય તો એટલો જ કે પૂતળીઓને લાકડું કોતરી, રંગરોગાન કરીને, સુંદર વાઘાથી સજાવેલી હતી અને પોતે હાડમાંસની, બાકી રંગરોગાન અને વાઘાથી તો એય સજતી કે પછી એને સજાવવામાં આવતી?

******

માંડ ચૌદ વર્ષની થઈ ને મા ચાલી નીકળી. પપ્પાએ એકની એક દીકરીને મમ્મીની ખોટ ન સાલે એમ ભારે હેતથી, લાડેકોડે ઈશાની હોંશ પૂરી કરવા માંડી.

ઈશા હતી’યે ભારે રૂપાળી. નાની હતી ત્યારે મા એનાં ઓવારણાં લઈને બોલતી, “રૂપ રૂપનો અંબાર છે મારી ઈશા. જોજોને ઘડે ચઢીને રાજકુમાર આવશે ને મારી ઈશાને વરીને લઈ જશે. દોમદોમ સાયબીમાં રાખશે.”

ખરેખર એમ જ બન્યું. રાજ્યકક્ષાએ યોજાયેલી એકાંકી નાટ્યસ્પર્ધામાં ઈશાએ સતત ત્રણ વર્ષની જેમ આ અંતિમ વર્ષે પણ ‘ફીમેલ કૅટિગરિ’માં શ્રેષ્ઠ કલાકાર તરીકે એવૉર્ડ મેળવ્યો ત્યારે એનાં કરતાં પપ્પાને વધુ આનંદ થયો હતો!

એ રાત્રે આનંદ અતિરેક વટાવી જાય એવી બીજી ઘટના બની.

Hertiest congratulations. I am Aniket. Today’s event is Sponsored by me.” કહીને એણે ઈશા તરફ હાથ લંબાવ્યો.

“Thanks.” જરા ખચકાઈને ઈશાએ હાથ લંબાવ્યો.

“Hope you won’t mind having coffee with me. Please?” અનિકેત સોહામણો હતો અને સાથે ડેશિંગ પણ.

ઈશા સોહામણી હતી, પણ ડેશિંગ નહોતી.

“સૉરી.” કહીને પપ્પા સામે જોયું.

“જઈશું પપ્પા?”  

“ઓહ, સૉરી સૉરી..અંકલ, તમે સાથે છો એનું ધ્યાન ન રહ્યું. તમે પણ ચાલો. સામે જ ‘કૉફી શોપ’ છે, બહુ મોડું નહીં થાય.”

‘કૉફી શોપ’નો એ એક કલાક ઈશા માટે જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. અનિકેતે એ એક કલાકમાં પોતાની, પોતાની ફાર્મસ્યૂટિકલ કંપનીના ઇમ્પૉર્ટ- એક્સપૉર્ટ બિઝનેસની પૂરી માહિતી પીરસી દીધી.

માતા-પિતા વગર સાલતી એકલતાને સહ્ય બનાવવા પૂરેપૂરો સમય બિઝનેસ પાછળ ખર્ચીને સામે જે આવક મળી એ કલ્પનાતીત હશે એવું અનિકેતની વાત પરથી જયેશભાઈને સમજાયું.

‘કૉફી શોપ’માંથી ઘર તરફના રસ્તે ન તો જયેશભાઈ કંઈ બોલ્યા કે ન ઈશા.

એકાદ અઠવાડિયા પછી અનિકેત લગ્નનો પ્રસ્તાવ લઈને જયેશભાઈની ઑફિસે પહોંચ્યો.

“Hope you won’t mind uncle, but I want to marry Isha.”

આ ‘Hope you won’t mind’ અનિકેતની તકિયાકલમ હતી.

“આમ તો હું ઈશા સાથે વાત કરી શક્યો હોત, પણ વડીલની સંમતિ અને આશીર્વાદ હોય તો જીવનની સફર સુખદાયી બને, ખરું ને અંકલ?

“જોકે, આ મારી પસંદગી અને પ્રસ્તાવ છે. તમારી અને ઈશાની મરજી હોવી જરૂરી છે. તમારાં બંનેની મરજી જણાવવાની જરાય ઉતાવળ ન કરતા.” કહીને જયેશભાઈને વિચારમાં રત છોડીને અનિકેત ઊભો થઈ ગયો.

“રૂપ રૂપનો અંબાર છે મારી ઈશા. જોજોને ઘડે ચઢીને રાજકુમાર આવશે ને મારી ઈશાને વરીને લઈ જશે. દોમદોમ સાયબીમાં રાખશે.” અનિકેતના ગયા પછી જયેશભાઈના મનમાં ઈશાની મમ્મીએ કહેલી વાત તાજી થઈ.

“જતાંજતાં દીકરીને દિલથી આશીર્વાદ આપીને ગઈ છે, એની મા.” ઈશાની મરજી હશે તો સાચે જ અનિકેત જેવો પતિ મેળવીને એ દોમદોમ સાયબીમાં રહેશે.

પાયલ ને પાનેતર સિવાય જયેશભાઈને ઈશા માટે કશું જ કરવાનું નહોતું. કંકુથાપા દઈને કન્યા સ્વગૃહે ચાલી ત્યારે જયેશભાઈનું ઘર જ નહીં જાણે જીવન પણ ખાલી થઈ ગયું.

******


યુરોપમાં હનીમૂન ટ્રિપમાંથી પાછી આવી ત્યારે ઈશા સાતમા આસમાને ઊડતી હોય એવા આનંદથી તરબતર હતી.

“Hope you won’t mind ઈશા, આજે જર્મનીથી ડેલિગેટ્સ આવે છે તો મારી સાથે ડિનર પર આવ.”

“Sure Ani, I will join you.” ઈશાએ રાજી થઈને જવાબ આપ્યો.

“સાંજે સાડા સાત વાગ્યે પિક અપ કરીશ. Get ready.”

ઈશા માટે એક આખું નવું વિશ્વ ખુલતું હતું. આજ સુધી  અનિકેત પાસે બિઝનેસ કૉન્ફરન્સ, ડિનર મીટિંગ, બિઝનેસ ડીલ જેવા અનેક શબ્દો અને એની વાતો સાંભળી હતી. આજે એવી ડિનર મીટિંગ પર અનિકેત એને લઈ જશે.. ‘વાઉ’.

સાંજે અનિકેત ઈશાને લેવા આવ્યો ત્યારે એ તૈયાર હતી.

“અરે યાર ઈશા, આ શું ? આ ટ્રેડિશન લૂકમાં તું જર્મનીના ડેલિગેટ્સને મળીશ? Change your outfits, please.”

અને અનિકેતે વૉડ્રોબમાંથી જે ઑફ શૉલ્ડર, બ્લેક ગાઉન કાઢીને આપ્યો એ જોઈને ઈશા ડઘાઈ ગઈ.

“અરે આ ! અનિ, આ તો માત્ર આપણે બંને હોઈએ ત્યારે માત્ર તારા માટે જ પહેરાય.”

પણ, ઈશાનું કંઈ ચાલ્યું નહીં. એ સાંજે, એ રાત્રે કે એ પછીની કોઈ પણ રાતે.

જર્મની, જાપાન, ફ્રાંસ, ચાયના. ક્યાં ક્યાં અનિકેતનો બિઝનેસ નહોતો? ક્યાં ક્યાંથી ડેલિગેટ્સ નહોતા આવતા કે ક્યાં ક્યાં અનિકેત સાથે ઈશાને નહોતું જવું પડતું ?

ઈશાના વૉડ્રોબમાં વધુ ને વધુ મારકણી લાગે એવા આઉટફિટ્સ ઉમેરાતા ગયા.

ઈશાને લાગતું કે હવે એ ‘વૉલ પેપર’ પર પિન વડે જડેલું સુંદર પતંગિયું માત્ર હતી. સુંદર તો આજે પણ એટલી જ લાગતી પણ, એમાં રહેલું પ્રાણતત્વ ઓસરવા માંડ્યું. અનિકેત સાથે જવા તૈયાર થતાં અરીસામાં નજર પડતી ને ઈશા છળી ઊઠતી. એ ક્યારેક જીવંત હતી એવો અણસારો શોધવા મથતી. ધીરેધીએ એણે એ મિથ્યા પ્રયાસ પણ છોડી દીધા.

અનિકેત સાથે યુરોપમાં હનીમૂન ટ્રિપમાં લૉન્ગ ડ્રાઇવ પર જતી ઈશાની આંખોની મુગ્ધતા ઓસરવા માંડી. અનિકેત સાથેનો ટ્રિપનો એ ડ્રાઇવ ક્યાંય પળવારમાં પૂરો થઈ જતો. આજે ઘરથી ફાઇવ સ્ટાર હોટલ સુધીનો શોર્ટ ડ્રાઇવ પણ જોજનો લાંબો લાગતો. ઈશાને થતું કે, કાશ ઘરથી બહાર સુધીનું આ અંતર ક્યારેય ન કપાય. એને તો માત્ર અનિકેત જોઈતો હતો. ઈશાએ માત્ર અનિકેતનું સાંનિધ્ય ઈચ્છ્યું હતું. આવી અનિચ્છનીય, અશોભનીય સ્થિતિમાં એ મુકાશે એની તો એને કલ્પના સુદ્ધાં ક્યાં હતી !

આ એ જ અનિકેત હતો જેણે, રોમના એક રોડસાઇડ રોમિયોએ ઈશા સામે જોઈને, “Wow..what a stunning beauty !’’ બોલ્યો ત્યારે અનિકેત ક્રોધે ભરાઈને એને મારવા દોડ્યો’તો ! ઈશાએ એને સોગંદ આપીને માંડ રોક્યો હતો.

ઈશાને તો માત્ર પોતાનો એક એવો સંસાર જોઈતો હતો જેમાં એનો અનિ રાજા, એ રાણી હોય. નાનકડા અનિકેત જેવો દેખાતો દીકરો અને પોતાની પ્રતિકૃતિ સમી દીકરી હોય.

આજે અનિકેતના દરબારમાં પેલા રાજાના દરબાર વચ્ચે ખેલ કરતી નર્તકી સમી કઠપૂતળી માત્ર હતી.

સારું હતું કે, ઈશાની આવી જિંદગીનો અણસાર સુદ્ધાં આવે એ પહેલાં પપ્પા ચાલ્યા ગયા હતા નહીંતર એમની શી મનોદશા હોત !

“અનિ, હવે મારે મારાં માટે જીવવું છે. મારું ઘર, મારાં બાળકો ઈચ્છું છું.” એકવાર ઈશાએ અનિકેતને કહ્યું હતું.

સાંભળીને અનિકેત ભડક્યો હતો.

“What rubbish, ઈશા! Are you out of your mind? હું- તું, આ ઘર, આ એશોઆરામ બધું જ આ બિઝનેસનાં લીધે છે અને બાળકો? એ તો તું ભૂલી જ જજે.” કહીને ધડામ કરતો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો હતો.   

અનિકેત માટે માત્ર એની ઈચ્છા, એનો બિઝનેસ જ મહત્વના હતા. ઈશા તો એની ઈચ્છાપૂર્તિ માટે હોમાતું નારિયેળ હતી.

‘Enough of it… હવે એ આવી જિંદગી નહીં જીવે. અનિકેતના જીવનમાં જો ઈશાનું, ઈશાની ઈચ્છાનું કોઈ સ્થાન જ ન હોય તો શા માટે એણે અનિની ઈચ્છાપૂર્તિનું નારિયેળ બની રહેવાનું?’

*******

એનું સુખ સોનાનાં મૃગ જેવું આભાસી હતું. ગમે તેટલું પકડવા મથશે તોયે દુઃખ, વેદના સિવાય કશું જ હાથ લાગવાનું નહોતું તો પછી જે એનું હતું જ નહીં એની પાછળ વ્યર્થ દોટ શા માટે? સમય આવ્યે સાપ પણ એની કાંચળી ઉતારી દે છે. ઈશાએ તો જે પોતાની નથી એવી કાંચળી ફગાવી દેવાની છે તો પીડા શાની ?

હા, હતી. એક પીડા જરૂર હતી, જીવનમાં ખોટી વ્યક્તિને સાચેસાચ ચાહવાની, અંતરનાં ઊંડાણથી પ્રેમ કરવાની. એ વ્યક્તિની ઈચ્છાનુસાર, એનાં સુખ માટે આજ સુધી એ પોતાના ચહેરા પર સ્મિતનું લીંપણ કરતી રહી, હવે નહીં કરે. અનિકેતની ઈચ્છા મુજબનો મુખવટો એ નહીં પહેરે.

અને ઈશાએ ઘરથી વિરુદ્ધ દિશામાં જવા પગલાં માંડ્યાં.

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

January 11, 2026 at 1:34 pm Leave a comment

‘માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો. ૨૯’સદા અમર શ્રી અવિનાશ વ્યાસ- ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો..

૨૯- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

સવારે ઉઠીએ ત્યારે આપણે આંખ સામે કરસંપુટ રાખીને મનોમન પ્રાર્થના કરીએ છીએ…

“કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી |
કરમુલે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્.

પણ, એ કરસંપુટને વળોટીને જ્યારે નજર સામે ફેલાયેલું અચરજ દેખાય ત્યારે એ સવાર કેટલી સુંદર બની જાય!

બસ બરાબર આજે એવું જ થયું. આજની ઉઘડતી સવાર કલ્પનાની પરે કહી શકાય એવી હતી. આમ તો આ શિયાળાના દિવસોમાં સૂર્યનારાયણ પણ જરા મોડા જ ઊઠે. કદાચ એમને પણ આ આખી રાતની ટાઢી ચાદર ખસેડીને આપણી જેમ બહાર નીકળવાનું મન નહીં થતું હોય, પણ જ્યારે એમણે જરા અમસ્તું ડોકિયું કર્યું તો જાણે રાતુંચોળ કંકુ ખર્યું હોય એમ આખું ગગન ઝળહળ ઝળહળ…

પૂર્વાકાશમાં તો જાણે બ્રહ્મે પાથરેલા ચંદરવાને ઉજાળવા કંકુ છાંટણા થયા કે જગતજનનીએ આ જગતને નવી પ્રભાતના પ્રારંભના એંધાણ આપતા અજવાસ પાથર્યા?

એ જોઈને મનમાં મંદિર સર્જાયું, કાનમાં ઘંટારવ ગાજ્યો, દિલમાં દીવડો ઝળહળ્યો અને હૈયેથી હોઠ સુધી અવિનાશભાઈના શબ્દો સર્યા..

‘માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો..
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.’

‘માડી તારું કંકુ’ માત્ર એક ગરબો જ નથી, પણ એક ચિરસ્મરણી ભક્તિરચના છે એટલે આજે પણ પ્રભાતના સમયે જગતજનનીના ભાલેથી ખરેલાં કંકુથી લાલચટક બન્યું હોય એવું આકાશ જોઈને અવિનાશ વ્યાસ યાદ આવે.

દરેક એક વ્યક્તિની એવી આભા હોય જેના વિશે વિચારીએ તો પણ એ આભા આપણા સુધી પ્રસર્યા વગર રહે જ નહીં. “માડી તારું કંકુ” જેવી આટલી હૃદયના તળ સુધી સ્પર્શતી રચનાની સાથે એના રચયિતા અવિનાશ વ્યાસના વ્યક્તિત્વની આભા મન પર ઉપસ્યા વગર રહે ખરી? ગીતકારના ભાવ કે ભક્તિ આપણા સુધી પહોંચ્યા વગર રહે ખરા? આજે પણ અનેક સ્વરકારો-ગાયકો તેમના સૂર-તાલ થકી ગુજરાતી સંગીતને આગળ લાવી રહ્યા છે, પણ જો એ દીવડાની જયોત વધુ તેજ, વધુ ઝગમગતી કોઈએ કરી હોય તો તે છે અવિનાશ વ્યાસ. 

સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસ માતાજીના પરમ ભક્ત હતા.‌ એમણે રચેલા માતાજીના ગરબા પણ એમની પરમ ભક્તિને લઈને જ સ્ફૂર્યા હશે. આમ જોઈએ તો ગરબો એટલે કે ગર્ભદીપ એ આપણી સંસ્કૃતિનું મંગળ પ્રતીક છે. પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સ્પર્શ આપવાનું અને કેટલાંક અર્વાચીન ગરબાનું સર્જન કરવાનું શ્રેય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસને જાય છે. ગુજરાતી ગરબાને લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનોખું છે. ગરબા વિશે અવિનાશ વ્યાસના વિચારો-ભાવના અત્યંત સ્પષ્ટ હતા. 

અવિનાશ વ્યાસ ગરબાને અનુલક્ષીને કહેતા કે ‘ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલાવેલી છે.’ વળી સહેજ આગળ વધીને કહેતા કે ‘ગરબાને થોડું ઘણું નૃત્ય સાથેય અડપલું કરવા દઈએ, પણ ગરબાનું ‘વ્યક્તિત્વ’ કોઈ પણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ન જોઈએ.’ આમ જોઈએ તો ગરબા ગાવાની-ગવડાવવાની-સાંભળવાની આ ભવ્ય પરંપરાને અવિનાશભાઈએ સાર્થક કરી છે. ગુજરાતીઓનો અવાજ અને અંદાજ, રણકાર-ઝણકાર, લય-તાલ બધું જ એ એમની રચનામાં પીરસતા.

અવિનાશભાઈના ગરબા સંગ્રહ ‘વર્તુળ’ના આમુખમાં તેમણે લખ્યું છે કે ‘વર્તુળનો અર્થ માત્ર ગોળાકાર સુધી સીમિત નથી. તેનું પણ એક વ્યાકરણ છે. ગરબાની નૃત્યરચના વર્તુળ તો ખરી જ પણ એનાથી ય ઉપર ગરબાના શબ્દોનું, ગરબાનાં કાવ્યોનું, ગરબાના શણગાર તથા ગરબાનાં ગીત સંગીતનું, તાલનું, તાળીઓનું પણ એક વિશિષ્ટ વર્તુળ હોય છે.’

કેટલાકને પ્રશ્ન થાય કે, ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં આવે? તો એનો જવાબ અવિનાશ વ્યાસ પાસે છે, જેમાં ગરબો કહે છે કે, આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રીકૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ.

ગરબાની સાથે ચાચરના ચોકનો તો જાણે સનાતન સંબંધ. પહેલાં ક્યાં આવા ડી.જે. કે ધાંધલિયા સંગીત હતા? ત્યારે તો ચાચરના ચોકમાં માતાજીની છબી ગોઠવાય, અખંડ દીવો પ્રગટાવાય અને આરતી સાથે ગરબાનો ઉપાડ થાય ને પછી તો રમઝટ જામે. 

અવિનાશભાઈએ પારંપારિક લોકધૂનમાં શાસ્ત્રીય સ્વરો ઉમેરી તથા મૂળ સંસ્કૃતિને અકબંધ રાખીને ખૂબ સુંદર ગરબા રચ્યાં.‌ એમણે લખેલા ગરબામાં ત્રણ ગરબા “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો”, “હવે મંદિરનાં બારણાં ઉઘાડો” તેમજ “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય” તો લોકપ્રિયતાની સીમા વટાવી ચૂક્યાં છે.

સમગ્ર ગુજરાતીઓનું રાષ્ટ્રગીત જેમ ‘આંખનો અફીણી’ છે એમ કહેવાય છે કે નાગરોનું રાષ્ટ્રગીત ‘માડી તારું કંકુ ખર્યું’ ગીત છે.

અવિનાશ વ્યાસનો દર વર્ષે અંબાજી દર્શને જવાનો નિયમ હતો. માતાજીની સન્મુખ ઊભા હોય, દર્શન કરતાં જાય, આંખમાંથી આંસુનો અભિષેક વહેતો જાય ને ગીતની રચના થતી જાય. મૂળે અવિનાશ વ્યાસ પ્રકૃતિથી અત્યંત સૌમ્ય અને સહૃદયી. અવિનાશ વ્યાસને ઓળખતી એમની સમવયસ્ક પેઢીની વ્યક્તિઓ જ્યારે અવિનાશ વ્યાસ વિશે વાત કરે ત્યારે એમની વાતોમાંથી એમનું એક ચિત્ર તૈયાર થાય. અવિનાશ વ્યાસને અત્યંત નજીકથી ઓળખતા પત્રકાર સ્વ.શશિકાંત નાણાવટી કહેતા કે “અવિનાશભાઈ સ્વભાવે અત્યંત મૃદુ અને ઋજુ હૃદયના હતા, કોઈ પણ વસ્તુ એમને સ્પર્શે એટલે એમની આંખમાં આંસુ આવી જતા.”

મુંબઈ ભગિની સમાજના કર્તા કલ્લોલીનીબેન હજરતના મતે ‘અવિનાશભાઈ અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા. માતાજી પરની અપાર શ્રદ્ધાને લઈને જ્યારે એમની સન્મુખ માતાજીને જોતાં ત્યારે અત્યંત ભાવવિભોર બની જતા. આવી ભાવવિભોર મનોસ્થિતિમાંથી જે રચાય એને તો માતાજીના આશિષ જ હોય અને એ રચના ચિરંજીવ બની જાય. માટે જ આજે અને આવતા અનેક વર્ષો સુધી અવિનાશ વ્યાસ અને એમના આટલા ભાવવાહી ગીત, ગરબા સૌને પણ ભાવવિભોર બનાવતા જ રહેશે.

રાસબિહારી દેસાઈ કહેતા, “તમે સંશોધન કરો, મારી ખાતરી છે કે, આપણી ભાષામાં ઉચ્ચકોટિના કે ગણનાપાત્ર કવિઓની રચના જેટલી-જેવી ગવાઈ છે, જેને ખરેખર કવિતા કહેવાય તેવી કૃતિઓ આપણે ત્યાં સ્વરબદ્ધ થઈ છે તેટલી બંગાળ-મહારાષ્ટ્રને બાદ કરતાં ભારતની અન્ય કોઈ ભાષામાં નથી થઈ.’

લિખિત ગુજરાતી કવિતાઓની જેમ, સ્વરબદ્ધ ગુજરાતી રચનાઓ પણ પાંચ સદી કરતાં વધારે સમયથી આપણી સંગીત તૃષા જ નહીં આપણી પરંપરા અને સંસ્કૃતિના ઉપવનને પોષી રહી છે. પ્રથમ સ્વરકાર કોણ? જવાબ છે, નરસિંહ મહેતા. ત્યારબાદ પ્રેમાનંદ અને અન્ય આખ્યાનકારો, માણભટ્ટોએ એ પરંપરાને જીવાડી. 

ત્યારબાદ આવ્યું જૂની રંગભૂમિનું સંગીત અને આઝાદીની ચળવળની પ્રભાતફેરીઓ પરંતુ સંગીતના આ લોક ઢાળને આકાશવાણીએ ઘાટ આપ્યો, શ્રુતિ તથા સૌરાષ્ટ્ર્ની તેમજ શિવરંજની જેવી સંસ્થાઓએ તેનું પોત ઘડ્યું. સંખ્યામાં થોડા પરંતુ સર્જન-સમજમાં બહોળા કલાકારોએ જે કાવ્ય સંગીતની બારમાસી સરિતા વહાવી છે, એમનાં નામો ક્યારેય નહીં વિસરાય. ગુજરાતી કાવ્યસંગીતનું સંવર્ધન કરવામાં ત્રણ પેઢીનું પ્રદાન રહ્યું છે, તેમાં અવિનાશ વ્યાસનું નામ સદા વધારે ઊંચા સ્વરે જ લેવાશે. ગીત, ગઝલ, ગરબા, ભજન કોઈ પ્રકાર તેમણે બાકી રાખ્યો નથી. સંગીતચાહકો કહે છે તેમણે ગુજરાતને ગાતું કર્યું તે આજે પણ સાચું જ લાગે.  

અવિનાશ વ્યાસે ગુજરાતને સંગીત અને કવિતાની ‘લોકપ્રિય’ અને ‘લોકશ્રવણીય’ વિરાસત આપી. સ્વર-સ્વરાંકનમાં, કંઠ-કામણમાં, અવાજ-અંદાજમાં, અવસર અને અસરમાં પણ…

‘રાખનાં રમકડાં’, ‘પાટણથી પટોળાં’,‘ઝૂકી પડ્યો ઊંચો હિમાલય’, ‘ઝમકેના ઝાંઝર’, ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ જેવી રચનાઓ આજે ૪૦ વર્ષના વહાણાં વાયા પછી પણ તાજી છે. 

અવિનાશ વ્યાસની આ ભાવભક્તિસભર રચના સાંભળીએ ત્યારે આપોઆપ જગદંબાનાં ઉજ્જવળ ભાલેથી ખરતા કંકુનાં કણને ઝીલવા કરસંપુટ ધરી દેવાય છે.

આલેખનઃ રાજુલ કૌશિક

January 10, 2026 at 11:28 am

કરિયાવર :ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદઃ 

કરિયાવર  

અખિલને મળીને આવી છું ત્યારથી અખિલના સાચા સ્વરૂપ માટે મનમાં શંકા ઉદ્ભવી છે.

આજ સુધી ઓળખતી હતી એ સામાજિક અન્યાયો, પરંપરાગત રૂઢીચુસ્ત માન્યતાઓનો વિરોધ કરનાર, આધુનિક વિચારધારા ધરાવનાર અખિલ સાચો હતો કે એ આદર્શ વિચારોથી અલગ વર્તન કરનાર આ દંભી અખિલ?

મન કહેતું હતું કે, અખિલનો આદર્શવાદ માત્ર દેખાડો નહોતો. એ જે માનતો એવું જ એનું આચરણ હતું, જ્યારે આજની વાસ્તવિકતા અલગ હતી.

મારી અને મીતાની અભિન્ન મિત્રતાને લીધે એના અને અખિલના પ્રેમસંબંધની હું સાક્ષી હતી. બે વર્ષ પછી અખિલ ડૉક્ટર બની જાય પછી લગ્ન કરીને સ્થાયી થવાના મીતાના નિર્ણયની પણ હું સાક્ષી.

અખિલનું ઘર નૈનપુરમાં, પણ અખિલ અહીં આ શહેરમાં ભણતો હતો એટલે મીતાના ઘેર એ અવારનવાર આવતો. મીતાના માતાપિતાને અખિલ પસંદ હતો.

સરકારી કચેરીની નોકરીમાં આઠેક હજાર રૂપિયાનો પગાર મેળવતા મીતાના પિતા, સીધી-સાદી ધર્મપરાણય મા, મેટ્રિકમાં ભણતો મનીષ અને સાતમા ધોરણમાં ભણતો સતીશ, એમ પાંચ જણનો સુખી પરિવાર હતો.

મનીષ ભણવામાં હોંશિયાર હતો. સ્વાભાવિક છે એ ડૉક્ટર બને એવી ઘરમાં સૌની ઈચ્છા હતી..

દેખીતી રીતે આ સુખી પરિવાર હતો, પણ મીતાના પિતાજી હાથના અત્યંત છૂટા હતા. સો રૂપિયાની જરૂર હોય ત્યાં પાંચસો ખર્ચી નાખતા. મા ઘણું સમજાવે, રોકે પણ એમની બિનજરૂરી પૈસા ખરચવાની આદતમાં કોઈ ફેર ન પડે તે ન જ પડે પરિણામે ઘરમાં ઝાઝી બચત થતી નહીં.

એક દિવસ મીતા મને મળવા આવી ત્યારે એ ખૂબ ઉદાસ હતી. કદાચ ખૂબ રડી પણ હશે એવું એને જોઈને લાગ્યું.

થોડી વાર તો એ કંઈ ન બોલી પછી જે વાત કરી એ સાંભળીને હું અવાક્.

મીતા કહેતી હતી કે, સવાર સવારમાં નૈનપુરથી અખિલના પિતાજીનો પત્ર આવ્યો હતો. પત્રમાં અખિલના પિતાજીએ લગ્નના કરિયાવરમાં પચાસ હજાર રૂપિયાની માંગણી કરી છે જે જાણીને મીતા અને એનાં માતાપિતા આઘાતમાં આવી ગયા હતા.

મીતાના પિતાજીની બેહદ ઉડાઉ પ્રકૃતિના લીધે ઘરની આર્થિક પરિસ્થિતિથી હું માહિત હતી એટલે એમનો આઘાત હું સમજી શકી.

આ સંજોગો ટાળવાનો એક માત્ર આરો હતો અખિલ. મીતા જાણતી હતી કે. અખિલના માતાપિતા એનું કહ્યું જરૂર સાંભળશે. અખિલ આ કુપ્રથાનો વિરોધ કરશે તો આ પરિસ્થિતિનો આપોઆપ ઉકેલ આવી જશે.

અખિલ સાથે આ અંગે વાત કરવામાં મીતા કે એના પિતાજીને ખચકાટ થાય એ વાત સમજી શકાય એવી હતી. મીતાએ અખિલ સાથે વાત કરવાની જવાબદારી મને સોંપી.

અખિલને મળીને આ અંગે વાત કરી. સાંભળીને એ માત્ર હસ્યો. એનું હાસ્ય થોડું રહસ્યમય હતું. કરિયાવર જેવી કુપ્રથાનો સખત વિરોધ કરનાર અખિલ આ વખતે એટલું જ બોલ્યો કે, ‘એ એના પિતાના નિર્ણયની વિરુદ્ધ નહીં જાય.’

અખિલનું આ નવું સ્વરૂપ જોઈને, કરિયાવર માટે એની મરજી મીતાને જણાવીશ તો એની પર શું વીતશે એ વિચાર માત્રથી હું ઢીલી પડી ગઈ.

ફરી એકવાર અખિલને એની સમાજસુધારાની આદર્શવાદી વાતો ધ્યાન પર લઈને કરિયાવર ન લેવા અંગે એના પિતાજીને સમજવવા વિનંતી કરી. અખિલ ક્ષણેક વાર ચૂપ રહ્યો પછી ‘ પિતાજીના નિર્ણયમાં એ કોઈ હસ્તક્ષેપ નહીં કરે’ એમ કહ્યું ત્યારે એનો દૃઢ અવાજ સાંભળીને હું ઘા ખાઈ ગઈ.

મીતાને અખિલના આ જક્કી વલણની, એના દંભી વિચારોની સામે લાલચી માનસની વાત કેવી રીતે કરીશ એ ભયે એક દિવસ પૂરતું એને મળવાનું ટાળ્યું, પણ લગ્નનો દિવસ નજીક આવતો હતો એ કેવી રીતે ટાળું?

અખિલ પરથી મારું મન અને માન ઉતરી ગયું, પણ મીતાનું મન રાખ્યા વગર ક્યાં ચાલે એમ હતું?

મીતાને મળવા ગઈ ત્યારે ઘરમાં લગ્નને લઈને સૌના ચહેરા પર ઉલ્લાસની પાછળ ઉદાસીની છાયા દેખાતી હતી.

અખિલના કરિયાવર અંગેના નિર્ણયની વાત સાંભળીને મીતા ખૂબ રડી. એનાં માતાપિતા પણ અત્યંત નિરાશ થયા, પણ દીકરીની ખુશી માટે મન મક્કમ કરી લીધું. મીતા અખિલને બેહદ પ્રેમ કરતી હતી. એ કોઈ સંજોગોમાં અખિલને છોડવા તૈયાર નહીં થાય એ પણ જાણતા હતા. વળી એમણે પણ અખિલને દીકરા સમાન માન્યો હતો એટલે રૂપિયા કોઈ પરાયાને નહીં દીકરાને જ મળશે એમ મન મનાવી લીધું.

આશ્ચર્યની વાત તો એ હતી કે આ દિવસો દરમ્યાન અખિલ મીતાનાં ઘેર પહેલાંની જેમ જ આવતો. એની સાથે મારે કરિયાવર અંગે વાત થઈ છે એનો અણસાર સુદ્ધાં એના વર્તનમાં નહોતો.

લગ્નના દિવસે તો વળી એથીયે વધુ આશ્ચર્ય પમાડે એવી ઘટના બની.

મીતાના પિતાજીએ જાનૈયા વચ્ચે બેઠેલા અખિલના પિતાજી પાસે જઈને ધીમેથી કંઈ વાત કરી. બંને ઘરની અંદર કરિયાવર પાથર્યો હતો એ રૂમમાં આવ્યા.

કરિયાવરનો સામાન પેક કરવાનું પડતું મૂકીને હું બહાર જવા ઊભી થઈ. રૂમની બહાર નીકળતા જે વાત કાને પડી એ સાંભળીને હું સ્તબ્ધ..

મીતાના પિતાજી અખિલના પિતાજીને પૂછતા હતા કે, ‘દહેજના પચાસ હજાર રૂપિયા એ સૌની હાજરીમાં લેશે કે ઘરમેળે વ્યવહાર પતાવશે?”

સવાલ સાંભળીને અખિલના પિતાજી ખડખડાટ હસી પડ્યા.

“અરે ભાઈ, આ તો અખિલના કહેવા માત્રથી મેં દહેજની માંગણીનું નાટક કર્યું હતું. અખિલે તમારી નિરર્થક પૈસા ખર્ચવાની આદત રોકાય એ માટે મારી પાસે પત્ર લખાવ્યો હતો. બાકી નથી મને પૈસાનો મોહ કે નથી અખિલને પૈસાનો લોભ.”

“પણ, દહેજના નામે મેં જે રકમ એકઠી કરી છે……”

“મેં અને અખિલે એ રકમનું શું કરવું એ વિચારી લીધું છે. તમારે મનીષને ડૉક્ટર બનાવવો છે ને એ રકમ એનાં ભણતર પાછળ વાપરવાની છે.”

આટલું સાંભળ્યા પછી આગળ કશું સાંભળવાની મારી ધીરજ ક્યાં હતી?  એ ક્ષણે મને અખિલનું રહસ્યમય સ્મિત યાદ આવ્યું.

પ્રમોદ યાદવ લિખિત વાર્તાનો ભાવાનુવાદઃ

રાજુલ કૌશિક

January 9, 2026 at 10:12 am

‘પાણી પર રંગોળી’- ગુજરાત દર્પણ-(ન્યૂ જર્સી .યુ એસ.એ)માં પ્રસિદ્ધ વાર્તા

‘પાણી પર રંગોળી’

“ઈશાન, આજકાલ પપ્પાની પ્રકૃતિ જ બદલાઈ ગઈ હોય એવું તને નથીલાગતું?” અન્વીએ જરા દબાતા અવાજે પતિને સવાલ કર્યો. આ સવાલમાં ફરિયાદ નહીં ચિંતા હતી.

અન્વીના પપ્પાનું અવસાન થયું ત્યારે એ સાત વર્ષની હતી. મમ્મીએ અન્વીના ઉછેરમાં કોઈ કમી નહોતી છોડી, પણ પપ્પાની કમી ક્યાંથી પૂરીથાય?

જોકે, અન્વી ભારે નસીબદાર. ઈશાન સાથે લગ્ન પછી પપ્પાની કમી પૂરી થઈ. ઈશાનના મમ્મી ઉષાબહેનનો સ્વભાવ સાવ નરમ. પપ્પાની પ્રકૃતિ થોડી તેજ, પણ અન્વીએ ઘરમાં પગ મૂક્યો ને અનંતરાય થોડા કૂંણા પડ્યા.

જાણે ધોમધખતા તાપમાં નદી-સાગરનાં પાણીની બાષ્પ ઠરી ને આભમાં વાદળ બંધાયા. અન્વીની હાજરીથી, એની શાંત પ્રકૃતિથી અનંતરાયની સખ્તીમાં ભીનાશ ભળી, પછી તો એ બંધાયેલાં વાદળોએ અન્વી પર સ્નેહની અનરાધાર વર્ષા કરી.

મ્યુનિસિપલ કૉર્પરેશનના ઑફિસરનો હોદ્દો પ્રામાણિકપણે સંભાળ્યા પછી અનંત ઉદ્દેશીની નિવૃત્તિનો સમય નજીક આવતો હતો એમ ઘરમાં સૌનો ઉચાટ વધતો હતો. સતત અને સખત કાર્યરત રહ્યા પછી નિવૃત્તિનો ખાલીપો જીરવવો એમના માટે કપરો હશે એ સૌ સમજતાં હતાં. નિવૃત્તિતો સૌનાં જીવનમાં એક સમયે આવે જ છે. એકલાં ચાલવું આમ તો અઘરું નથી, પણ સૌની સાથે ચાલ્યાં પછી એકલાં પાછાં ફરવું અઘરું છે.

આજ સુધી અનંતરાય સૌને લઈને, સૌની સાથે ચાલ્યા હતા. કૉર્પરેશનમાં માન હતું. ઑફિસમાં કામ કરતી વ્યક્તિઓ એમની સાથે વાત કરે ત્યારે પોતાના હોદ્દાનો ભાર ન નડે એટલા સભાન રહેતા.

એ અનંતરાયનો ઑફિસમાં આજે છેલ્લો દિવસ હતો. સૌએ વ્યથિત હૃદયે વિદાય આપી.

અનંતરાયની વિદાય વસમી હતી, પણ ઘરમાં અત્યંત આનંદભર્યો આવકાર હતો. અન્વીએ પાપાની સાંજ સાચવી લીધી.

‘વેલકમ બેકપાપા’ કહીને મસ્ત મઝાના બુકેથી આવકાર્યા. કૅન્ડલ લાઇટ ડિનરથી શરૂ થયેલી સાંજ પાપાને ગમતા ‘આપ કી અદાલત’ શો સાથે પૂરી થઈ ત્યારે અનંતરાયે વિચાર્યું, પરિવારની સાથે રહીને વળી એકલતા કેવી અને નિવૃત્ત કોણ નથી થતું?

ચા…..લો, નવી સફર શરૂ. આજ સુધી ઉષા સાથે, ઉષા માટે સમય જ ક્યાં ફાળવ્યો હતો? ‘અબ ઉષારાણી કે હવાલે જીવન સાથિયોં.”

“વાહ પાપા, કવિતા કરતા થઈ ગયા ને! વાત સાચી છે. આજ સુધી તમે એટલી હદે કામમાં વ્યસ્ત રહ્યા છો કે, ક્યારેય મમ્મી સાથે ફરવા નથી ગયા. ઈશાનને કહીને હું કાલે જ તમારા અને મમ્મી માટે ટ્રિપ બુક કરાવી લઈશ. બોલો ક્યાં જશો? મમ્મીને કેટલાય વખતથી ચારધામ, વૈષ્ણોદેવીની યાત્રા કરવાની ઈચ્છા હતી, પણ મને ખબર છે કે તમને…..”

“મને શું ગમશે કે મારે ક્યાં જવું છે એ વાત અને વિચાર પછી, હમણાં કહ્યું એમ સમય ઔર જીવન ઉષારાણી કે હવાલે સાથિયોં.

ઉત્તરથી જ શરૂ કરીએ, હિમાલય તો મારેય જોવો છે.” અનંતરાયે અનુને અટકાવી.

અનુ હસી પડી.

રાધેશ્યામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં રાયજી અને ઉષારાણીનાં નામ લખાઈ ગયાં. તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ.

“મમ્મીજીને ઠંડી બહુ લાગે છે.”

અનુએ મમ્મીજી માટે શાલ, સ્વેટર, વુલન સ્કાર્ફ, હાથ-પગનાં મોજાં, થર્મલ, લેગિંગ્સ, જાડો કોટ લઈ આવીને રૂમમાં ખડકલો કર્યો.

“અરે, આ શું?”

“આ જે દેખાય છે તે જ મમ્મીજી. ખબર છે મને, કાશ્મીરમાં બરફ પડે ને અહીં બેઠાં તમારાં ગાત્રો થીજી જાય છે. હીટર વગર તમારાથી બેસાતુંય નથી કે ગરમ રગ વગર તમને ઊંઘ ક્યાં આવે છે?”

“હાય,હાય, મારે આ ઊંચકીને ફરવાનું?”

“ના, તમારે નથી ઊંચકવાનું. યાત્રા શરૂ થાય ત્યારથી તમારા માટે એક હેલ્પરની વાત ટુરવાળાને કરી રાખી છે. તમારે તો બસ જરૂર પડે એમ પહેરતાં જવાનું. વળી, પપ્પાજીનું નામ કેટલું જાણીતું છે, ટુરવાળા રાજી થઈ ગયા હતા. બંનેનું ખાસ ધ્યાન રાખશે એવું એમણે કહ્યું છે એટલે ચિંતાનું ચૂરણ અને ફિકરની ફાકી અહીં મૂકીને યાત્રા કરજો.

“અરે હા, આ ફાકી બોલી ને યાદ આવ્યું. પપ્પાજીનો દિવસ ફાકીઓ વગર શરૂ નહીં થાય. તમારી દવાઓ, ફેસક્રીમ, લોશનની સાથે પપ્પાજીની ફાકીઓ મૂકી દીધી છે.

“ટુરમાં જમવાની વ્યવસ્થા સારી જ હોય છે, પણ પપ્પાજીને બધું માફક નહીં આવે એટલે એમનાં માટે ખાખરા, થેપલાં, સુખડી મૂકી દઈશ.

“ઓહો… હું ભારે ભૂલકણી! તમારે વચગાળાના સમયમાં વાંચવા હાથવગા પુસ્તકોય જોઈશે. એ પણ મૂકી દઉં.”

અને એ પછી અનુ કેટલુંય બોલી ગઈ.

“બાપરે રાયજી, આ છોકરી તો જુઓ, ચકલીની જેમ એનું ચીં ચીં ચાલુ જ છે.”

“હા આ ઊભી, જોવી હોય એટલી વાર જોઈ લો.” કહીને જમણો હાથ કમરે ટેકવીને ઠસ્સાથી અનુ એમની સામે ઊભી રહી ગઈ.

રાયજી અને ઉષારાણી બંને હસી પડ્યાં.

“જોઈ લે, જોઈ લે ઉષા, એનો આ ઠસ્સો જોઈ લે. કાલ ઊઠીને તને આ જોવા મળશે કેમ?”

“કેમ હું વળી ક્યાં જવાની તે મને જોવા નહીં મળે?”

“કેમ, આવતાંની સાથે તમારે દિવાળીની આગોતરી તૈયારી આદરવાની થશે. પછી તો હર પળ કામમાં એવી ગળાબૂડ અટવાઈશ કે તને શ્વાસ લેવાનો સમય મળે તો ગનીમત.”

“હા મમ્મીજી, આ વખતે તો હું પાણી પર સરસ મઝાની રંગોળી કરીશ.”

“પાણી પર તે રંગોળી હોતી હશે? પાણીમાં રંગ રેલાઈ જાય તો રંગોળી વીખરાઈ ના જાય?” મમ્મીજીને નવાઈ લાગી.

અનુ જવાબ આપે એ પહેલાં જ ઘંટડી વાગી. ટ્રીન…ટ્રીન…

અનુની વાત અધૂરી જ રહી ગઈ.

*********

અમદાવાદથી ટ્રેનમાં જાય તો સફર થોડી લાંબી થઈ જાય એટલે મમ્મી-પપ્પા પ્લેનમાં દિલ્હી જશે, એ નિર્ણય અનુએ લઈ જ લીધો.

ઈશાન તો જાણે ચિઠ્ઠીનો ચાકર હોય એમ કાર્યવાહી કરતો રહ્યો. જોકે, મનોમન તો એ અનુના નિર્ણયથી પોરસાતો.

રાણી અને રાયજી સુખરૂપ દિલ્હી પહોંચી ગયાનો ફોન આવી ગયો.

“વાઇફાઇ કે નેટ ન મળે તો ડૅટા વપરાય એની ચિંતા જરાય ના કરતાં. બંનેનાં ફોનમાં ૫૧૨ જી.બી. ડૅટા છે. ફોનની અને ફોટાની રાહ જોઈશ ”અનુએ કહ્યું હતું.

હવે આગળ શરૂ થતી યાત્રામાં રોજેરોજ ફોન પર વાત થશે કે કેમ એ નેટવર્ક પર આધારિત હતું છતાં અનુનો આગ્રહ હતો એમ અનંતરાય ઢગલાબંધ ફોટા લેતા. રાત્રે રૂમ પર પહોંચીને થાક્યાં હોય છતાં બંને જણ ફોટા મોકલીને ફોન પર અચૂક વાત કરી લેતાં.

હરિદ્વારથી બરકોટ, યમુનેત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી…

“આહાહા, શું અલૌકિક અને અદ્વિતીય ધામ ! અનુ, આજ સુધી હિમાલયની ભવ્યતા, પવિત્રતા વિશે ઘણું વાંચ્યું છે, પણ અહીં આવીને લાગ્યું કે એ તો સાવ ઉપરછલ્લી જાણકારી. હિમાલયની જેમજેમ નજીકઆવીએ અને જે અનુભૂતિ થાય, એ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ. ઉષારાણીતો એટલાં અભિભૂત છે કે, એ હંમેશ માટે અહીં જ રોકાઈ જાય ને હુંએકલો પાછો આવું તો જરાય નવાઈ ના પામતી.”

પપ્પાની વાતો સાંભળીને અનુ ખડખડાટ હસી પડતી.

“મમ્મી ત્યાં રહી જાય અને તમે એકલા પાછા આવો? બાપરે.. વાતમાં શું માલ, આવો તોયે તમારો જીવ તો મમ્મીમાં. ક્યારેય એકલા રહ્યા છો કેહવે રહેશો?”

અનંતરાય અનુને દરેક ધામનાં પ્રાકૃતિક સૌંદર્ય, કથા, દંતકથાની વાતો કરતા. અનુને ભારે રસ પડતો.

“જોજોને પપ્પા, એક વાર તો હું પણ ઈશાન સાથે ચારધામ યાત્રા કરીશ.”

ગૌરીકુંડથી કેદારનાથની યાત્રા આગળ વધી. આસપાસના પર્વતો અને ખીણોના આકર્ષક દૃશ્યોથી આંખો અંજાતી. આત્મા જાણે મોક્ષના દ્વારની નજીક જઈ રહ્યો હોય એમ કેદારમય બનતો.

અહીંથી આગળ ઢોળાવવાળા પહાડી રસ્તા, ખડકાળ પ્રદેશને લીધે રસ્તો થોડો પડકારજનક ને વળી ઝરમર વરસાદ શરૂ થયો. યાત્રીઓઆગળ વધતાં રહ્યાં. વરસાદ પણ વધ્યો. કોઈ ઘોડા પર સવાર તો કોઈપગપાળાં આગળ વધી રહ્યાં.

“સાચવીને પગ માં…ડજો… બને તો એકબીજાનો હાથ પકડીને ચાલ…..જો. જરૂર પડે તો પોરો ખાજો…..” જેવી ચેતવણીઓ સતતઅપાતી હતી.

ચેતવણીઓથી બધું સુખરૂપ પાર પડે જ એવું હંમેશાં ક્યાં બને છે?

ઉષારાણીને ક્યારેય બૂટ પહેરવાની ટેવ નહીં તે આટલા દિવસથી પહેર્યાં પછી ડંખતા હોય એવું લાગતાં આજે ચંપલ પહેર્યાં.

અકસ્માત માટે કોઈકારણ તો જોઈએ ને?

સામાન ઊંચકવાવાળા માણસનો હાથ પકડીને, સાચવીને ચાલવા છતાં એક વળાંક પર પગ લપસ્યો. હજુ તો અનંતરાય હાથ લંબાવે એ પહેલાં તો ઉષારાણી લપસણા ઢોળાવ પર સીધા નીચે તરફ…..

“અરે, અરે…ની બૂમો, કોઈ તો બચાવો…”ની ચીસો કેદારની ખીણમાં પડઘાઈ રહી. ઉષારાણીને પકડવા ધસી જતા બેબાકળા અનંતરાયને બે જણાંએ મજબૂતીથી પકડી રાખવા પડ્યાં.

પણ, આ શું? નીચે તરફ સરકી રહેલાં ઉષારાણી ખડકમાં ફૂટીને ફાલેલાં વૃક્ષની ડાળીઓ વચ્ચે અટકી પડ્યાં. આશાની પાતળી લકીર દેખાઈ. લાંબું જાડું દોરડું એમની તરફ સરકાવ્યું. દોરડું પકડવાની મથામણમાં ઉષારાણી આસપાસ ફેલાયેલી મજબૂત ડાળીઓ વચ્ચે વધુ ફસાયાં. હવેતો શરીર આખું એ ડાળીઓ વચ્ચે. જેમ એ નીકળવાં તરફડિયાં મારે એમ વધુ અટવાવાં માંડ્યાં. ગળાની આસપાસ વીંટળાયેલી શાખાની ભીંસ વધતી ચાલી. શ્વાસ લેવાનાં ઝાંવાં નિષ્ફળ જતાં દેખાયાં.

ચારેકોર ઊઠેલા દેકારાની વચ્ચે અનંતરાયની ચીસો દબાઈ ગઈ અને ઉષારાણીનો દેહ સહેજ હલીને સ્થિર થઈ ગયો.

હવા સ્થિર થઈ ગઈ.

આસપાસના ઢોળાવો, ગાઢ જંગલો, ખડકો, સુંદર લાગતી ખીણોમાંથી અવાજ આવ્યો,

“જોઈ લે, જોઈ લે ઉષા, એનો આ ઠસ્સો જોઈ લે. કાલ ઊઠીને તને આ જોવા મળશે કેમ?”

“કેમ હું વળી ક્યાં જવાની તે મને જોવા નહીં મળે?”

“અરે ભાઈ, હર પળ તું એવી તો અટવાયેલી કે શ્વાસ લેવાનો સમય મળે તો ગનીમત.”

સાચે જ ઉષારાણીને શ્વાસ લેવાનોય સમય ન મળ્યો.

*******

ઉષારાણી વગર પાછા આવેલા અનંતરાય સાવ સૂનમૂન. જાણે ચેતનાવિહીન, આત્માવિહીન દેહનું માળખું.

દિવસનું ચેન, રાતની ઊંઘ ઓસરવાં માંડ્યાં. માંડ ઊંઘ આવતી તો જાડીડાળીઓ વચ્ચે ફસાયેલો, શ્વાસ લેવા ઝાંવા મારતો એક ચહેરો દેખાતો. બેબાકળા અનંતરાય ઝબકીને જાગી જતા.

ઈશાન, અનુની કાળજી કે દવાઓ બધું જ એળે જતું. અનંતરાયનું ડિપ્રેશન હદ બહાર વધતું ચાલ્યું. કલાકો સુધી શૂન્યમનસ્ક દશામાં બેસી રહેતા.

કશું જ યાદ રહેતું નહોતું.

હા, ઉદાસીન પળોમાં એક વાત યાદ આવતી. કેદારનાથ પહોંચ્યાની રાત્રે તેમણે કહ્યું હતું, “ઉષારાણી તો એટલાં અભિભૂત છે કે, એ હંમેશ માટે અહીં જ રોકાઈ જાય તો ને હું એકલો પાછો આવું તો જરાય નવાઈ નાપામતી.”

જાણે કેદારની ખીણોમાંથી પડઘા ઊઠ્યા.. “હું એકલો પાછો આવું તો નવાઈ ના પામતી.. હું એકલો પાછો આવું તો.…”

કોઈ સંકેત હતો એ?

અનંતરાયનો એકલા આવ્યાનો વસવસો અને ઘરમાં એકલા રાખવાનું જોખમ વધતું ચાલ્યું. શૂન્યમનસ્ક અવસ્થામાં ક્યારેક બારણું ખોલીને બહાર ચાલ્યા જતા. કલાકેક શોધ્યા પછી ક્યારેય ન ગયા હોય એવી જગ્યાએ બેઠેલા મળતા.

દિવસ ઊગતો, પણ ધક્કો મારીને માંડ પૂરો થતો.

*******

એક ઢળતી સાંજે અનુએ જોયું તો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો અને અનંતરાયનો રૂમ ખાલી.

આસપાસ, દરેક શક્યતાઓ જોઈ લીધી. સાંજના ઓળા રાતમાં ઓગળવા માંડ્યા. રાત વધુ ઘેરી બનતી ચાલી. બે કલાકની શોધખોળ પછી ઈશાન નજીકના પોલીસ સ્ટેશને અનંતરાયનો ફોટો લઈને પહોંચ્યો.

આખી રાત માથે લીધી. કોઈ પત્તો ના મળ્યો. બીજી સવારે ઈન્સ્પેક્ટરનો ફોન આવ્યો.

“સવારે બ્રીજ નીચે ઝાડીમાં ફસાયેલો એક દેહ મળ્યો છે. પોસ્ટમોર્ટમ માટે મોકલીએ એ પહેલાં આવી જાવ.”

એ દેહ અનંતરાયનો હતો.

“‘અબ ઉષારાણી કે હવાલે જીવન સાથિયોં.”

એવું જ કહ્યું હતું ને અનંતરાયે?

“મમ્મી ત્યાં રહી જાય અને તમે એકલા પાછા આવો? બાપરે.. વાતમાં શું માલ, આવો તોયે તમારો જીવ તો મમ્મીમાં. ક્યારેય એકલા રહ્યા છો કે હવે રહેશો?”

અનુ બોલી હતી.

“પાણી પર તે રંગોળી હોતી હશે? પાણીમાં રંગ રેલાઈ જાય તો રંગોળી વીખરાઈ ના જાય?”

મમ્મીજી પૂછતાં હતાં.

સાચે જ અનુની રંગોળીનાં રંગો પાણીમાં વીખરાઈ ગયા…..

વાર્તલેખનઃ રાજુલ કૌશિક

January 5, 2026 at 7:46 am

૨૮-‘અવિનાશ વ્યાસના શબ્દોનો જાદુ’- ગુજરાત ન્યૂઝ લાઇન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

-અવિનાશ વ્યાસના શબ્દોનો જાદુ-

૨૮- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ

જોતજોતામાં તો એક આખું વર્ષ બદલાઈ ગયું. એવું લાગે છે કે જાણે હમણાં તો તારીખની સાથે ૨૦૨૫ લખવાની શરૂઆત કરી હતી ને એટલામાં તારીખ સાથે ૨૦૨૬ લખવાની શરૂઆત થઈ ગઈ.

કેલેન્ડરના પાનાંઓ પર ૨૦૨૬નું વર્ષ હવે પછીના દિવસોમાં એની હાજરી પુરાવતું રહેશે. ભલેને તારીખ બદલાય, મહિનો બદલાય પણ આ ૨૦૨૬નું વર્ષ તો આપણી નજર સમક્ષ એક આખા વર્ષ સુધી ઝળક્યા જ કરવાનું.

મનમાં વિચાર આવ્યો કે, કેટલાય વર્ષો આમ ને આમ વહી ગયા અને વહી જશે, પણ કેટલાક નામ, કેટલાય કવિ, ગીતકાર અને સંગીતકાર છે જેમની રચનાઓ વર્ષો જ નહીં દાયકાઓ વહી ગયા તેમ છતાં આજે પણ ક્યારેક કોઈ એવી ઘટના બને કે જીવનનો કોઈ પ્રસંગ હોય ત્યારે આપણા મનમાં, ચિત્તમાં એ નામ અનાયાસે ઝળકી જાય છે, રણકી જાય છે.

અવિનાશ વ્યાસ એક એવું ગૌરવવંતુ નામ છે જેમણે ગુજરાતને ગાતું કર્યું. એમણે અગણિત ભજન, ગીત, ગરબા, રાસ લખ્યા. એક નહીં અનેક પ્રસંગોને આવરી લેતી એમની કૌટુંબિક, સામાજિક, પ્રાસંગિક રચનાઓમાં સૂર અને સરળતા હતી અને એટલે જ એ દરેક ઉંમરના લોકોએ ઝીલી લીધી અને હોંશે હોંશે ગાઈ. ગીતકાર હોવાના લીધે એમની પાસે શબ્દોની સમૃદ્ધિ હતી. શબ્દોની સાથે પ્રાસ એ જ એમના ગીતોને સફળતાની બુલંદીએ લઈ ગયા.

યાદ છે ને પેલો ગરબો?

“હે રંગલો જામ્યો કાલંદરીને ઘાટ, છોગાળા તારા, છબીલા તારા રંગભેરુ જુવે તારી વાટ…”

સૌ પ્રથમ ૧૯૭૬માં રજૂ થયેલી ‘સોનબાઈની ચૂંદડી’માં એ ગરબા સ્વરૂપે પ્રસ્તુત થયો અને એની હલક છેક ૨૦૧૮ માં બોલીવુડની ફિલ્મ સુધી ગૂંજી. ૧૯૭૯માં આવેલી ફિલ્મ ‘સુહાગ’નો એ ગરબો.. “મા શેરોવાલી, ઊંચે ડેરોવાલી”…. આજના મહાનાયક અમિતાભ બચ્ચન અને રેખાને પણ આ ધૂન પર ગરબે ઘૂમતા આપણે જોયા. જો કે એમાં શબ્દરચના અલગ હતી પણ સૂર-તાલ-ધૂન તો એ જ કાલંદરીના ઘાટે રમતા રંગલાની જ તો.

આ ગરબો જેટલી વાર સાંભળીએ ત્યારે મનમાં આખેઆખું ગોકળીયું ગામ તાદૃશ્ય થઈ જાય છે.

રઢિયાળી રાત હોય અને કાલંદરીના ઘાટે ગામની ગોપલીઓ ઘેલી થઈને એકદમ છેલછબીલા કાનુડાની વાટ નિરખતી અધીરી થઈ હોય, એના રંગભેરુયે તાલે તાલ મેળવવા ઉતાવળા થયા હોય, એ આબેહૂબ શબ્દચિત્ર શ્રી અવિનાશ વ્યાસે રજૂ કર્યું છે એટલું જ નહીં એમાં સંગીત થકી જે પ્રાણ પૂર્યો છે એ સાંભળીને તો કોઈનાય પગ ગતિ ન પકડે તો નવાઈ.

અને મઝાની વાત તો એ છે કે, વિદેશના ગુજરાતી સિનિયર સિટિઝન- ડે કેર-માં ૭૦/૭૫ વર્ષના વડીલોનેય એમનો છોગાળો, એમનો છબીલો સાથે હોય એમ તાલે ઘૂમતા જોઈને મન પ્રસન્ન થઈ ગયું હતું.

આ જ તો છે અવિનાશ વ્યાસના ગીત સંગીતનો જાદુ…

વળી ગુજરાત, ગુજરાતી અને ગરબા તો જાણે એકમેકના પૂરક. ગુજરાતી હોય ત્યાં ગરબો ન ગવાય તો જ નવાઈ. જોકે, આ ગરબો તો ગુજરાતની શેરીમાંથી વિસ્તરીને દેશ-વિદેશ સુધી ગાજ્યો અને એને ગજવવામાં અવિનાશ વ્યાસનું નામ મોખરે છે.

અમદાવાદની શેરી હોય કે વિદેશના પબ્લિક પ્લેસના પટાંગણ હોય ગરબાની મોસમ શરૂ થાય અને

‘હે રંગલો જામ્યો કાલંદરીના ઘાટ છોગાળા તારા

હો રે છબીલા તારા રંગભેરુ જુવે તારી વાટ …રંગલો….” તો ગાજે જ. 

એના વગર તો નવરાત્રી જ જાણે ફીક્કી બની જાય. આ ગરબાનો ઉપાડ થાય તો એકપણ રંગભેરુ રાસે રમવા ન ઉતરે એવું બને જ નહીં…આવો તો જાદુ છે આ ગરબાના શબ્દોમાં, એના સંગીતમાં.

‘હે હાલ્ય હાલ્ય હાલ્ય’ની હાકલ પડે અને જો વાતોમાં રાત વહી જાય, પરભાત માથે પડવાની વેળા આવીને ઊભી રહે એના કરતાં જે ક્ષણો મળી છે એને માણી લેવાની જે ત્વરા અને તત્પરતા દરેક ખેલૈયાના ઉમળકામાં જોવા મળે એ તો આજે પણ કાનાના રંગભેરુમાં હતી એવી જ અકબંધ છે.

આ ગરબો ભલેને પુરુષોત્તમ ઉપાધ્યાના ઘેઘુર અવાજમાં ગવાય કે ફાલ્ગુની પાઠકના તોફાની અવાજમાં, શ્યામલ સૌમિલ-આરતી મુનશી કે પાર્થિવ ગોહિલના સૂરીલા સ્વરે ગવાય પણ એ સમયે અવિનાશ વ્યાસના શબ્દો અને સંગીત રચનાનો જે લહેકો છે એમાં જ સાંભળનાર પણ તાનમાં આવી જાય.

‘હે……રંગરસીયા, તારો રાસડો માંડીને, ગામને છેવાડે બેઠા,

કાના  તારી ગોપલીએ તારે હાટુ તો કામ બધા મેલ્યા હેઠે

તને બરકે તારી જશોદા માત

છોગાળા તારા, છબીલા તારા હોરે રંગીલા તારા રંગભેરુ જુવે તારી વાટ’

જાણે ગોકુળીયા ગામના છેવાડે સૌ એકઠા હોય અને જે અધીરાઈથી કાનાની વાટ નિરખતા હોય એ ગોકળીયા ગામની પાદર આપણામાં આવીને વસે. પછી તો છોગાળો છેલ પહોંચે અને જે રમઝટ બોલાવે એ રમઝટ શબ્દોમાં આબાદ પડઘાઈ છે.

‘હે હાલ્ય હાલ્ય હાલ્યની હાકલ પડે ને ત્યારે તો આપણને પણ એ ગામના ગોંદરે પહોંચી જવાનું તાન ચઢે. આ ગાન, આ તાન જ તો અવિનાશ વ્યાસના શબ્દોની કમાલ છે.

આ કમાલનો જાદુ તો ક્યારનો આપણા પર છવાયો છે અને છવાયેલો રહેશે.

આલેખનઃ રાજુલ કૌશિક

January 3, 2026 at 9:18 am

‘વાર્ધક્યભથ્થું’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક) માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

વાર્ધક્યભથ્થું 

“જરા તો વિચાર કરો, અત્યારે તો છોકરાંઓ નાનાં છે તો સાંકડેમાંકડે એક રૂમમાં સૂઈ જાય છે. કાલ ઊઠીને મોટા થશે, પરણશે, ઘરમાં વહુઓ આવશે, એમનાં છોકરાંઓ થશે. દીકરી તો જાણે પરણીને સાસરે જશે, પણ ક્યારેક તો એ જમાઈની સાથે બે-ચાર દિવસ રહેવા આવશે ને? ત્યારે આ ઘર નાનું નહીં પડે?”

આધ્યાપક અખિલમોહને પોતાની આવક પ્રમાણે ઘર બંધાવ્યું. એ ઘર એમના પત્ની રમારાણીને જરાય પસંદ ન પડ્યું.

“શાંતિ રાખ. સમય જવા દે. આ ઘરમાં આપણાં સિવાય કોઈ નથી રહેવાનું. તું જાણે છે, આજકાલ ભણી-ગણીને છોકરાંઓ વિદેશ જઈને સ્થાયી થાય છે એમ આપણાં છોકરાંઓ પણ વિદેશ જઈને વસશે. આપણે પણ ગામ છોડીને શહેરમાં આવીને વસ્યા પછી તું કેટલી વાર ગામ જઈને રહી?”

અખિલમોહને જ્યારે પત્નીને સમજાવવા પ્રયાસ કર્યો ત્યારે રમારાણી વધુ અકળાયા.

“મા અને બાપના વિચારોમાં આટલો ફરક.

“મારાં છોકરાંઓને હું બરાબર ઓળખું છું. એમને મારાં હાથનું બનેલું ખાઈને મારા પાલવથી મોઢું સાફ ન કરે ત્યાં સુધી ક્યાં સંતોષ થાય છે? જોજોને, મને છોડીને કોઈ ક્યાંય નથી જવાનું.”

રમારાણીને છોકરાંઓ કરતાં પોતાની મમતા પર વધુ ભરોસો હતો.

આજે એ જ રમારાણીનાં બંને દીકરાઓ અને દીકરી સુદ્ધાં પરણીને વિદેશ સ્થાયી થયાને વર્ષોનાં વહાણાં વહી ગયા.

‘આજ આવશું-કાલ આવશું, જેમ બને એમ જલદી આવશું’ કહેતા દીકરાઓ માટે રમારાણીએ છોકરીઓ જોવા માંડી, પણ મોટાએ જર્મન યુવતી અને નાના દીકરાએ અમેરિકન યુવતી સાથે લગ્ન કરી લીધાના સમાચાર મોકલ્યા ત્યારે રમારાણી ઘા ખાઈ ગયા. છોકરાઓ આવશે ને સાથે રહેશે એવી એમની રહી-સહી આશા પર પાણી ફરી વળ્યું.

સમય જતા દીકરાઓના ઘેર એક પછી એક સંતાનોના જન્મના સમાચાર મળતા રહ્યા.

એક દિવસ મોટા દીકરાનો પત્ર મળ્યો.

“મા, વિદેશમાં આવ્યા પછી તમને મળવા આવી શકાયું નથી, પણ આ વખતે અમે પૂરા બે મહિના માટે ભારત આવવાના છીએ. પુત્રવધૂ, પૌત્ર-પૌત્રીઓને એક સાથે મળવાનો તને લહાવો મળશે.

“એંજેલા પણ કહેતી હતી કે, તમે અમારા લગ્નની, અમારાં સંતાનોનાં જન્મની, કેટકેટલી પાર્ટીઓ મિસ કરી છે ! ભારત આવીને એ બધી પાર્ટી તમારી સાથે માણવી છે.”

સમાચાર મળ્યા ત્યારથી રમારાણીએ રોજેરોજ દિવસમાં ચાર ચાર વાર ઘર સાફ કરવા માંડ્યું.

*******

અમિયકાંત, એંજેલા, પાંચ વર્ષના રિંકુ અને ત્રણ વર્ષની ઍનીને લેવા અખિલમોહન અને રમારાણી ભારે હોંશભેર ટેક્સી કરીને એરપોર્ટ પર પહોંચ્યાં. આજે પણ ફરી એક વાર ઘર સાફ કરવાનું રમારાણી ચૂક્યા નહોતા.

અમિયને એના પરિવાર સાથે એરપોર્ટની બહાર આવતા જોયો. સૌને જોઈને રમારાણી રાજી રાજી અને તેમાંયે લાવણ્યમયી પુત્રવધૂને જોઈને એની પર તો રમારાણી એકદમ મોહી પડ્યા.

“ભલેને છોકરી જાતે પસંદ કરી, પણ છે ભારે સુંદર!” રમારાણીએ મનોમન ઓવારણાં લીધાં.

એમની મુગ્ધતા ઓસરે એ પહેલાં વિદેશથી પધારેલા મહેમાનો માટે એક ચકચકિત કાર આવીને ઊભી રહી એ જોઈને રમારાણીની મુગ્ધતા ઓસરી ગઈ.

રમારાણીનો ચહેરો જોઈને એમનાં મનના ભાવ એંજેલા સમજી શકી.

“મા, તમને લોકોને કષ્ટ ન પડે એમ વિચારીને હોટલમાં બુકિંગ કરાવ્યું છે. એકાદ અઠવાડિયાની વાત હોય તો ઠીક છે, પણ આ તો બે મહિનાની વાત છે. વળી ભારતમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે, એવામાં તમારાં માથે વધારાનો ખર્ચો થાય એ ઠીક ન કહેવાય ને?”

‘છોકરાંઓનો તે વળી બોજો હોય….” એંજેલાની વાત સાંભળીને અખિલમોહન અને રમારાણી ડઘાઈ ગયાં.

અમિયે એકદમ ઉતાવળે પત્નીને ચૂપ રહેવાનો ઈશારો કરીને વાત પોતાના હાથમાં લીધી.

“મા, એંજેલાથી થોડી ઘણી ગરમી પણ સહન થતી નથી. એરકંડિશન રૂમ વગર રહેવાનું એને અનુકૂળ નહીં આવે એમ વિચારીને મેં હોટલમાં બુકિંગ કરાવ્યું છે.” એંજેલાની વાતથી માબાપની લાગણીને ઠેસ પહોંચશે એ સમજતા અમિયે વાત વાળવા પ્રયાસ કર્યો.  

થોડામાં ઘણું સમજી ગયેલા અખિલમોહને બે મહિના રોકાવાનો પ્લાન કરીને આવેલા દીકરા-વહુ અને પોતરાંઓને બે અઠવાડિયાં દરમ્યાન ચારેક વાર બહાર જ પાર્ટી આપી.

પાર્ટી દરમ્યાન એકાદવાર અમિયે માના પાલવથી મોઢું સાફ કરવાનો પ્રયાસ કર્યો, પણ એંજેલાએ જે રીતે “Dear, it’s Un-hygienic.” કહીને મોં મોચકોડ્યું એ જોઈને એણે માનો પાલવ પડતો મૂક્યો.

બે અઠવાડિયાં પછી બાકીના દિવસોમાં અમિયે એંજેલાને ભારત ફેરવવાનો પ્લાન કર્યો હતો.

કહેતો હતો કે, “અત્યાર સુધી ભારત એટલે જંગલો, સાધુ-બાવા, ભિખારીઓ, ભૂત-પ્રેત, સાપ-મદારીનો દેશ એવી એંજેલાની માન્યતા છે જે મારે દૂર કરીને મારે એને સાચું અને ખરું ભારત બતાવવું છે.”

એંજેલાને સાચા ભારતદર્શનાર્થે લઈ જવાનો અમિયનો ઈરાદો સાંભળીને અખિલમોહન અને રમારાણી તો રાજી રાજી.

અમિય અને એંજેલાએ બાકીના દોઢ મહિના સુધી બંને બાળકોને દાદા-દાદી પાસે મૂકીને ભારતભ્રમણ કર્યું.

પાછાં આવીને અમિયે એનો વૈભવ જોવા માતાપિતાને પોતાની સાથે આવીને રહેવા આગ્રહ કર્યો, પણ પોતાનું વતન, ઘર છોડીને ક્યાંય જવાનો ઉમળકો બંનેમાંથી કોઈએ દર્શાવ્યો નહીં.

“It’s ok, Amu. If they want to live their life as per their choice, let them do so.” અમેરિકન વહુએ તરત પોતાનો અભિપ્રાય આપી દીધો.

જોકે, એંજેલાએ અમિયને એનાં માબાપ માટે આર્થિક સગવડ કરવા સૂચન કર્યું.

એનું માનવું હતું કે, આજ સુધી અમિયના પિતાએ દીકરાઓ માટે જે ખર્ચો કર્યો એના વળતર પેટે અને આજકાલ નિવૃત્તિમાં અખિલમોહનની આર્થિક સ્થિતિ થોડી નબળી પડવા માંડી હતી એ માટે થઈને અમિયે એમને વૃદ્ધાવસ્થા-ભથ્થાની વ્યવસ્થા કરી આપવી જોઈએ.

એંજેલાની વાત સાંભળીને રમારાણીને રડવું કે હસવું? શું કરવું એ સમજાયું નહીં.

જવાના આગલા દિવસે એંજેલાએ રમારાણીના હાથમાં એક કવર મૂક્યું.

“અહીં કોઈ કામનાં કેટલા પૈસા લેવાય છે એ હું નથી જાણતી, પણ આટલા દિવસો દરમ્યાન તમે અમારાં છોકરાંઓની સાર-સંભાળ લીધી એ ‘બેબી સીંટિંગ’ ચાર્જ આમાં છે. પ્લીઝ, જોઈ લેશો કે એટલા પૈસા પૂરતા તો છે ને?”

રમારાણી તો સડક..

“આ શું કરે છે, એંજી? અમારા દેશમાં કોઈ માબાપ આવું વિચારતા સુદ્ધાં નથી.” પિતાજી સાથે વાતો કરતા અમિયકાંતે એંજેલા ઊભી કરેલી આ અણધારી પરિસ્થિતિ જોઈને એને રોકી.

“મા, પ્લીઝ ખરાબ ન લગાડીશ. એંજેલા જે દેશમાં ઉછરી છે ત્યાં દરેક કામનો હિસાબ રાખવાનો અને વળતર આપવાનો રિવાજ છે. સંતાનો મોટાં થાય પછી જો આ વિવેક ન દાખવે તો એને અભદ્રતા માનવામાં આવે છે.”

“હશે ભાઈ, તારા ત્યાં જે રિવાજ હોય એ પણ અમારાં ત્યાં પોતરાંઓનાં હાથમાં કંઈક મૂકવાનો રિવાજ છે, એમાં નર્યો પ્રેમ અને આશીર્વાદ જ હોય છે.”

કહીને રમારાણીએ રિંકુનાં હાથમાં એ બંધ કવર મૂકી દીધું.

અમિયકાંતના પાછા ગયા પછી અખિલમોહને બે રૂમ રાખીને આખું ઘર ભાડે આપી દીધું.

‘હવે કોઈ છોકરાંઓ માબાપને મળવા આવવાના નથી. જે આવશે એ પરિવાર નહીં પ્રવાસીની જેમ આવશે. શહેરમાં પ્રવાસીઓ માટે ઘણી સારી હોટલો છે, એ છોડીને આ નાનકડા, એરકંડિશન વગરના ઘરમાં આવીને રહેશે એવી આશા રાખવી જ શું કામ?’

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

January 2, 2026 at 3:07 pm

૨૭-અવિનાશી અવિનાશ- ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

અવિનાશી અવિનાશ

૨૭- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

આજકાલ સૌને ફરિયાદ કરતા સાંભળ્યા છે કે, ‘કાલે શું કર્યું હતું એ યાદ નથી આવતું, પણ કેટલીય એવી વાતો છે જે વર્ષોનાં વહાણાં વહી ગયા છતાં ભુલાઈ નથી.’

આજે લગભગ પાંસઠ વર્ષ પહેલાં અમદાવાદમાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મની એવી જ એક વાત યાદ આવી. ફિલ્મ હતી, ‘મહેંદી રંગ લાગ્યો.’

‘મહેંદી રંગ લાગ્યો’ ફિલ્મમાં હિન્દી ચલચિત્રના જાણીતા અભિનેતાએ પ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું એટલે ગુજરાતી ફિલ્મમાં અભિનય દરમ્યાનના એમના અનુભવ વિશે જાણવા ફિલ્મના પ્રિમિયર શો પછીના દિવસે ઇન્ટર્વ્યૂ ગોઠવાયો હતો.

લગભગ પાંસઠ વર્ષ પહેલાં આજની જેમ મુલાકાતની વિડીયો લેવાય એવી સવલિયતની તો કોઈને કલ્પના ક્યાં હતી કે સપનામાંયે ક્યાં જાણ હતી? અભિનેતા અને સંવાદદાતા વચ્ચેની વાતચીત ટેપરેકોર્ડર પર ટેપ થવાની હતી. વાતચીત દરમ્યાન તસ્વીરો પણ લેવાની હતી. તસ્વીરોનું બેક-ગ્રાઉન્ડ સુંદર હોય તો એ ફોટા પણ શોભી ઉઠે એટલે એના માટે પસંદ કરવામાં આવ્યું એ સમયનું બાલવાટિકા અને એ બાળવાટિકાનો નકશીકામવાળો ઝૂલો.

જોગાનુજોગ એ દિવસે બાલવાટિકામાં ફરતાં ફરતાં ઇન્ટર્વ્યૂ જોવા, સાંભળવાનો મોકો મળી ગયો હતો.

ઈન્ટર્વ્યૂ સમયે અભિનેતા સાથે વાતોની વચ્ચે વચ્ચે એ ગુજરાતી ફિલ્મના ગીતો પણ ટેપ રેકોર્ડર પર વાગતા હતા. બાકી બધું તો ભૂલાઈ ગયું પણ એ સમયે સાંભળેલો ગરબો જે બહુ ગમી ગયો જે આજ સુધી યાદમાં જડાયેલો છે.

“મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો….”

આગલા દિવસે જોયેલી ફિલ્મમાંથી પણ આ ગરબો જ બહુ ગમી ગયેલો કારણ કે, ફિલ્મ જોઈ ત્યારે ગરબામાં માથે જાગ અને બેડાં સાથે થયેલી એન્ટ્રી જોઈને અચંબો થયો હતો. માથે આવો ભાર લઈને કેવી રીતે ગોળ ગરબે ઘૂમી શકાય એ સાચે જ કોયડો હતો અને પછી તો ત્રણ તાળી સાથેની રમઝટમાં ખૂબ મઝા પડી હતી. ઘરે આવીને અરીસા સામે ઊભા રહીને આપણે તો એવી રીતે માથે નાની ઘડુલી મુકીને ગરબે ઘૂમી પણ લીધું.

ઇન્ટર્વ્યૂ સમયે એ જ ગરબો ફરી સાંભળીને ખૂબ રાજીપો થયો.

જોકે, ઘણા સમય પછી સમજાયું કે જે ગરબો ગમ્યો હતો એ તો લખ્યો હતો કોઈએ, ગાયો હતો કોઈએ અને એના તાલે ઘૂમ્યા હતા અન્ય કોઈ.

એ દિવસે ઇન્ટર્વ્યૂ દરમ્યાનની વાતોમાં મુખ્ય અભિનેતા રાજેન્દ્રકુમાર સાથે ઉષા કિરણ, લતા મંગેશકર જેવાં નામો સાથે એક બીજું નામ પણ અવારનવાર સાંભળવા મળતું એય યાદ રહી ગયું હતું. એ નામ હતું અવિનાશ વ્યાસ. ત્યારબાદ સમજણ આવ્યા પછી એ નામ અવારનવાર કાને પડવા માંડ્યું.

બાળપણ, કિશોરાવસ્થા, તરુણાવસ્થાથી માંડીને એ નામ સાથેનો જોડાયેલો સંબંધ આજ સુધી અકબંધ છે.

લગ્નમાં સપ્તપદીના ફેરા સમયે ગવાતા મંગળાષ્ટક અને વિદાયગીતમાં અવિનાશ વ્યાસ શબ્દરૂપે ગૂંજતા હતા. એક સરસ મઝાના પત્ર પર લખેલા એ મંગળાષ્ટક અને વિદાયગીતની નીચે હસ્તાક્ષર સાથે લખેલું હતું, “ચિરંજીવ રાજુલ માટે સસ્નેહ.”- અવિનાશ વ્યાસ.”

મંગળાષ્ટક કે વિદાયગીત તો હંમેશ માટે કુમકુમપત્રિકા જેટલા ચિરસ્મરણીય જ ને?

લગ્ન સમયે મુ. શ્રી અવિનાશ વ્યાસને મળવાનું થયું ત્યારે એમને જોઈને એવી કલ્પના પણ ન આવે કે, ધ્યાનસ્થ ઋષિની જેમ શાંતચિત્ત બેઠેલા શ્રી અવિનાશ વ્યાસ “તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે’ તથા ‘હે રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ છોગાળા  તારા, હો  રે  છબીલા તારા’ જેવા મસ્તીભર્યા ગીતો કે ‘ હે હૂતુતુતુ’ જેવું ચિંતનાત્મક અને તેમ છતાં ગુજરાતી ભાષાના સૌ પ્રથમ રેપસોંગની કક્ષામાં મુકાય એવા ગીતના એ રચયિતા હશે.

શ્રી અવિનાશ વ્યાસ એક નથી અનેક છે. એ ગીતકાર છે, એ સંગીતકાર છે. ગુજરાતી સંગીતને સુગમ બનાવવામાં, સામાન્યથી માંડીને સાક્ષર સુધીની કક્ષાએ લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનન્ય છે. ઘર ઘરમાં વ્યાપેલા એમના ગીતો સદાબહાર છે. એમના નામની જેમ જે એમના ગીતો પણ અવિનાશી છે. એ અનેક નથી એ એક છે એ અવિનાશી અવિનાશ છે.

સૌને ગમે એવા શ્રી અવિનાશ વ્યાસ વિશે હજુ ખૂબ વાતો કરવાની છે.

આલેખનઃ રાજુલ કૌશિક

December 28, 2025 at 2:15 pm

‘નવજીવન’-ગુજરાત મેઈલ દૈનિકમાં પ્રસિદ્ધ લેખ .

‘નવજીવન’.

‘નવજીવન’

નવજીવન એટલે નવી શરૂઆત, નવી આશા, નવી દિશા તરફ પ્રયાણ.

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક તો એવું બને કે, અણધાર્યા વિપરિત સમય અને સંજોગો ઊભા થાય જે એને થકવી નાખે, સામનો કરવામાં વ્યક્તિનું મનોબળ તૂટી જાય, જીવન અર્થહીન લાગવા માંડે.

પણ, એવા મૂંઝવણભર્યા સમયમાં વ્યક્તિ સ્વની ક્ષમતા પારખી, ફરી એકવાર એમાંથી માર્ગ કાઢીને ઊભી થાય, નવી રીતે જીવવાનો નિર્ણય લે એ આત્મવિશ્વાસ એટલે નવજીવનનો આરંભ.

નવજીવન કોઈ ચમત્કારનું નહીં પણ આંતરિક પરિવર્તનનું પરિણામ છે.

માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક આપણી જ ભૂલો આપણને અનિચ્છનીય પરિસ્થિતિમાં મૂકી દે ત્યારે પોતાની ભૂલોનો સ્વીકાર કરી, ભાવિનો સાચો માર્ગ પસંદ કરવાનો નિર્ણય એટલે નવજીવન તરફ પ્રયાણ.

કપરા સંજોગો વ્યક્તિને એનું મનોબળ તોડવા નહીં પરંતુ મનથી જાગ્રત કરવા સર્જાયા છે એવો સ્વીકારભાવ કેળવાય એ ક્ષણ એટલે નવજીવનનું પ્રથમ સોપાન.

નવજીવનનું સુંદર અને પ્રેરણાત્મક પ્રતીક છે, પ્રકૃતિ. ઉનાળાના તાપમાં સુકાઈ ગયેલી ધરતી વરસાદ આવતા નવી ઊર્જાથી ધબકવા માંડે, પાનખરમાં સૂકાભઠ્ઠ થઈ ગયેલાં, શિયાળાના અંત સુધી નિર્જીવ લાગતા વૃક્ષો પર વસંત આવતા નવી ચેતનાનો સંચાર થાય, નિર્જીવ લાગતા વૃક્ષો નવપલ્લવિત થઈને મહોરી ઊઠે એવી રીતે માનવ નિરાશાના દિવસોમાં હથિયાર હેઠા મૂકવાના બદલે ફિનીક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થવાનો સકારાત્મક સંકલ્પ કરે, પોતાની અંદરની શક્તિ પર વિશ્વાસ કરીને આગળ વધવાનો પ્રયાસ કરે અને જે પામે એ એનું નવજીવન.

એક નાનકડી વાર્તા છે.

મંદિરમાં વર્ષોથી એક જ દીવો પ્રગટતો. સમય જતા એ જૂના અને ધુમાડાથી કાળા પડી ગયેલા દીવાને જોઈને પૂજારીને થયું કે, “હવે આ દીવો કામનો નથી, નવો લાવવો જોઈએ.”

એ સમયે મંદિરમાં આવેલા એક વૃદ્ધ સાધુએ માત્ર એટલું કહ્યું, “દીવો નહીં, તેલ બદલો.”

પૂજારીએ દીવો સાફ કરી, એમાં નવું તેલ ભરી, વાટ સુધારીને પ્રગટાવ્યો. આ વખતે દીવાનો પ્રકાશ વધુ તેજસ્વી હતો. મંદિરનું ગર્ભગૃહ ઝળહળ ઝળહળ.

માણસનું શરીર પણ દીવો છે. શરીર જૂનું થાય, પણ વિચાર, ભાવ અને શ્રદ્ધારૂપી અંદરનું ‘તેલ’ શુદ્ધ થાય તો જીવન ફરી ઝળહળી ઊઠે.

વૃદ્ધ સાધુના કહેવાનો સાર એ જ કે, ‘નવજીવન એટલે પોતાને બદલવું નહીં, પરંતુ પોતાના ‘અંદરનું તેજ’ બદલવું.

પોતાની ભૂતકાળની ભૂલો કે અઘટિત-ઘટનાના અનુભવોમાંથી, સાચું અને સારું શું છે એ શીખીને વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવું.

જીવનકિતાબનાં કેટલાય પાનાં લખાઈ ગયા હોય, તોયે નવું પાનું હંમેશાં લખી શકાય એ જ નવજીવનનો સંદેશ છે.

આલેખનઃ રાજુલ કૌશિક

December 28, 2025 at 2:10 pm

ગીતોમાં ધબકતું લોકજીવન-સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-૨૬/ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

ગીતોમાં ધબકતું લોકજીવન

સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-૨૬

આપણે તો સૌ શહેરી. શહેરમાં જન્મ્યા, ઉછર્યા પણ ક્યારેક તો આપણે શહેરના વાતાવરણથી દૂર જઈને કોઈ નાનકડા ગામમાંથી કે ગામ પાસેથી પસાર થયા હોઈશું. એવા કોઈ ગામનો ખુલ્લો કે પુરાઈ ગયેલો કૂવો કે વાવ નજરે આવ્યા હશે, પણ અમસ્તા એના અસ્તિત્વની હાજરી નોંધીને કે ક્યારેક નોંધ્યા વગર આપણે આગળ વધી ગયા હોઈશું જ્યારે અવિનાશ વ્યાસ પાસે એવી નજર છે, એવી કલ્પનાશક્તિ છે જે સાવ આમ નિષ્પ્રાણ જેવા લાગતા કૂવા, વાવની આસપાસ ઉદ્ભવી શકે એવી ઘટનાઓની કલ્પના કરીને એમાં અનોખા રંગ ભરી દે છે.

આમ તો આ કૂવા કે વાવ એક સમયે લોકો માટે જીવનજળના માધ્યમ. શક્ય છે ત્યારે એ કૂવા કે વાવની આસપાસ ઘણી ઘટનાઓ આકાર પામી હશે. સરખે સરખી સહિયરો માટે એ મળવાનું સ્થળ હશે કે ગામની વહુવારુઓ માટે વાતોનો વિસામો હશે. ક્યાંક કોઈકની પ્રણયકથા અહીંથી વિકસી હશે તો ક્યાંક કોઈ દુઃખિયારીએ જીવનનો અંત અહીં આવીને આણ્યો હશે.

આ બધું જ જાણ્યું, પણ એથી શું? ઘડી-બે ઘડીની વાત અને વિચારોથી વિચલિત થઈએ અને વાત વિસારે પાડી આગળ વધી જઈએ.

ત્યારે વિચાર આવે કે કોને ખબર કઈ કલ્પના, કયા વિચારોથી પ્રેરાઈને ગીતકાર અવિનાશ વ્યાસે આ કૂવા-વાવ પર પાણી ભરવા જતી બહેનો, એ સમયની સ્ત્રીઓ વચ્ચેના સંવાદો કે સંવેદનોની આપ-લે, ભાતીગળ ગ્રામ્યજીવન, ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી એમની વિવિધ ભાવ ભરેલી અનન્ય રચનાઓ કરી હશે!

એ ક્યારેક કોઈ ઘાટે ગયા હશે? કે પછી એમણે એ ઘાટ, એ કૂવા, વાવ કે માથે બેડું લઈને જતી પનિહારીઓને માનસિક ચક્ષુ માત્રથી જોઈ-વિચારી હશે અને શબ્દોમાં નિરૂપી હશે?

આવી તો એકથી વધારે રચનાઓ છે જે આજે પણ આપણે ગાઈએ છીએ અને કદાચ એવી રચનાઓ થકી જ એ ભાતીગળ સંસ્કૃતિ આજે પણ આપણને આકર્ષે છે. ગામ ભૂલાઈ ગયા પણ એ ગીતોમાં, ગરબાઓમાં ધબકતી સંસ્કૃતિ ભૂલાઈ નથી . એમની રચનાઓમાં લોકજીવન ભારોભાર ધબકે છે.

ધબકતા આ લોકજીવન-ગ્રામ્યજીવનનું એક મહત્વનું અંગ એ કૂવાનું થાળું, વાવનું મથાળું, સરવરનો આરો કે નદીનો ઓવારો. આમ તો સાવ સૂના કે શાંત લાગતા આ કૂવા કે વાવ કેટલીય પાંગરતી પ્રીતના સાક્ષી બન્યા હશે ત્યારે એમનું હોવું સાર્થક લાગ્યું હશે, ધન્ય લાગ્યું હશે!

અવિનાશ વ્યાસની આવા થાળે, મથાળે, આરે કે ઓવારે પાંગરતી પ્રીતની રચનાઓને આજે યાદ કરવી છે.

તને જાતા જોઈ પનઘટની વાટે,

મારું મન મોહી ગયું,…..

કોઈ બાંકો જુવાન માથે પાણીનું બેડું લઈને, ખેતરની શેઢે શેઢે થઈને પનઘટની વાટે હાલી જતી કોઈ કન્યાને જોઈને મોહી પડ્યો હશે ત્યારે એના મનમાં કેવા ભાવો ઉમટ્યા હશે? એ કોઈ કવિ નથી કે ઝાઝી ઉપમા કે રૂપક અલંકારોથી શણગારીને એના ભાવો વ્યક્ત કરી શકે. સાદો સીધો જુવાન છે એટલે એની વાત પણ સાવ સાદી અને સીધી..

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું,

કેડે કંદોરોને કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારું મન મોહી ગયું,

આ ગીતના શબ્દોથી એ રૂપાળી, ગોરી, ઘાટીલી કન્યાનું ચિત્ર આપણી નજર સામે ઉપસી આવે. લાલ લહેરીયાળા ઘમ્મર ઘેરવાળા ઘાઘરા પર એની લચકતી ચાલ સાથે જરા અમસ્તા રણકી ઉઠતા કંદોરાનો હળવો અવાજ પણ કાન અનુભવે. આ યુવાન તરફ જરા તીરછી નજરે જોઈને હાલી જતી એ કન્યા પર આપણેય મોહી પડીએ.

રાસે રમતી આંખને ગમતી,
પૂનમની રઢિયાળી રાતે,
મારું મન મોહી ગયું,

બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે,
મારું મન મોહી ગયું.

વળી આ મોહ પામવાની અવસ્થા એક પક્ષે ન હોય. આ તો પેલા ઇકો પોઇન્ટ પર જઈને ઊભા રહીએ અને જે બોલીએ એ જ પડઘો સામે સંભળાય એવી અવસ્થાનો ચિતાર આપતી એક એવી બીજી રચના જોઈએ.

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં,
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં,
પાણી ભરતા રે જોયો સાહ્યબો…..

એક તરફ આવો ગળકતો મોરલો છે તો સામે એવી જ ઢળકતી ઢેલ છે…એ ય આડી નજરે તો પેલા ગહેકતા મોરલા જેવા સાહ્યબાને જોવા એનીય નજર તો તરસતી હશે પણ એમ કંઈ સીધી નજરે એને જોવાય છે? ઢળેલી નજરે એ ચાલી જાય છે તો ખરી, પણ કોઈકની નજરથી એ વિંધાય એવી મનમાં અપેક્ષા તો છે જ..

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી,
નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની,

વગડે ગાજે મુરલીના શોરપાણી ગ્યા’તાં,
પાણી ભરતા રે જોયો સાહ્યબો…

તો વળી કોઈ નારીની ફરીયાદ સાવ જુદી છે. એને તો સૂના સરવરીયાને કાંઠડે પાણી ભરવા અને નહાવા જ એટલે જવું છે કે જેને એ દિલ દઈ ચૂકી છે એવો એના મનનો માણીગર સૂના કાંઠે એને એકલી ભાળીને આવે. ઊભાઊભ ઘડી-બેઘડીમાં દિલની આપલે થાય અને જીવનભર સાથના બોલે બંધાઈ જવાય.

એના મનનો માણીગર આવે છે, પણ એનું દલડું ચોરવાના બદલે એનું બેડલું ચોરી લે છે. ભલા આવું તે હોતું હશે? જ્યાં દિલ દેવા બેઠા હોય ત્યાં બેડા જેવી નજીવી ચીજ લઈને હાલતો થાય એ માણહ કેવો?

પણ સાચે જ એવું બન્યું છે એવી એની ફરીયાદ લઈને અવિનાશ વ્યાસે બીજી એક મસ્ત મઝાની રચના આપી છે.

સૂના સરવરીયાને કાંઠડે હું,
બેડલું મેલીને ન્હાવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીંબેડલુ નહીં.

કેટલુંયે કહ્યું પણ કાળજુ ના કોર્યું,
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યું,લું
ખાલીખમ બેડલાથી વળે ના કંઈ
પાછી વળી ત્યારે બેડલું નહીબેડલું નહીં….

જે નારી દલડું આપવા બેઠી છે એનું બેડલું લઈ જનારને એ ખોળે પણ કેવી રીતે? કાનુડો તો વસ્ત્રો હરીને કદંબના ઝાડ પર ઝાડ પર ચઢી બેઠો હતો પણ હા, જો એનો કાન મળે તો એના બેડલાની સાટે એનું દલડું દેવા તૈયાર બેઠી છે એવી વાત કોણ પહોંચાડશે?

અવિનાશ વ્યાસ કહે છે…

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી,
દઈ દે મારું બેડલું મારા દલડા ને લઈ,
પાછી વળી ત્યારે બેડલુ નહીંબેડલું નહીં …

અવિનાશ વ્યાસની આવી અનેક રચનાઓ છે અને દરેકમાં કંઈક અલગ ભાવ, અલગ અર્થ લઈને એ આવે છે.

વળી મળીશું આપણે આવા જ કોઈ કાંઠે, આવતા સપ્તાહે.

આલેખનઃ રાજુલ કૌશિક

December 20, 2025 at 5:00 pm

‘આળ’- ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘આળ’

અફાક અલીને નિવૃત્તિમાં જો કોઈ ગમતી પ્રવૃત્તિ હોય તો તે ‘મૉર્નિંગ વોક’. એ મોટા દીકરા હૈદરના ઘેર હોય તો કમલા પાર્ક અને નાના દીકરા હબીબના ઘેર હોય તો વન-વિભાગના સરસ મઝાના બગીચામાં ચાલવા જાય. શહેર કે સ્થળ ગમે તે હોય, પણ સવારે ચાલવાનો કાર્યક્રમ નિશ્ચિતપણ જાળવતા.

આજે પણ સવારે ખભે શાલ લપેટીને ચાલવા નીકળતા જ હતા ને બેગમે ટોક્યા, “મિયાં, આવી ઠંડીમાં ક્યાં ચાલ્યા? ભૂલથીયે જો પડ્યા ને તો તમારા ભેગી અમને સૌને આફત.”

“તું બેસી રહે. હું તો જવાનો અને હવે આજે તો રોજ કરતાં વધુ ચાલવાનો.” બેગમના ટોકવા પર મિયાં વધુ જોશમાં આવી ગયા.

કોલાર રોડ તરફના વન-વિભાગના બગીચામાં ચાલવું એમને ખૂબ ગમતું. ચારેકોર ફેલાયેલી કુદરતને જોઈને એ હંમેશાં ખુદાની રહેમ માટે શુક્રિયા અદા કરતા.

પણ, આજે પુલ નીચે વહી રહેલી કાલિયાસોત નદી જોઈને બગીચામાં ચાલવાના બદલે પુલ પર ઊભા રહી ગયા.

નદીના તટથી થોડે દૂર એક વસાહતમાં માંડ દોઢસો લોકો રહેતા. ગરીબીની રેખા નીચે જીવતા લોકોની ટીનના પતરા અને ઘાસથી ઢાંકીને બનાવેલી ઝૂંપડીઓવાળી વસાહતનું નામ જ ‘ગંદી વસાહત’ હતું.

વસાહતની વચ્ચે એક માત્ર હેન્ડપંપ જેની આસપાસ હંમેશાં ટીનનાં અસંખ્ય ડબ્બા કે વાસણોની હાર જોવા મળે જ. રખેને પાણીનો નિર્ધારિત સમય જતો રહે ને આખો દિવસ પાણી વગર કાઢવો પડે એ ભયે કામ પર ન જતા હોય એ લોકો ત્યાં જ બેસી રહેતા.

વસ્તીના લોકો માટે કરિયાણાની એક દુકાન જેમાં સસ્તા ભાવે લોટ, તેલ, મસાલા મળી જાય.

શહેરમાં રહેતા અફાક અલીને આ વસ્તી, વસ્તીનાં લોકો, લોકોની પ્રવૃત્તિ અજાયબ જેવી લાગતી.

આજે ચાલવાના બદલે અફાક અલી પુલ પરથી નીચે ઉતરીને વહેતી નદીના તટ પર બેસી ગયા. હજુ તો બેઠા જ ને એટલામાં પાસેની એક ઝૂંપડીમાંથી ત્રણ-ચાર વર્ષનું એક બાળક એમની પાસે દોડી આવ્યું.

પરાણે વહાલ ઉપજે એવા સુંદર બાળકને જોઈને અફાક અલીને ખુદાની રહેમ પર ગર્વ થયો,  આવી વસ્તીમાં આટલું સુંદર બાળક! પણ, સાથે જ શિયાળાની આટલી ઠંડીમાં પાતળા બનિયાન જેવાં કપડામાં દોડી આવેલા એ બાળકનાં માબાપ પર એમને ગુસ્સો આવ્યો.

‘આ તે કેવા માબાપ ! બાળકની જરા જેટલી પરવા નથી? સહેજ હાથ લંબાવીને બાળકને પોતાની વધુ નજીક લે તે પહેલાં બાળકની મા દોડી આવી અને “કુન્નૂ..દીકરો મારો…” બોલતાં બોલતાં વહાલથી કુન્નૂને તેડી લીધો.

“કેવી ઠંડી છે, બાળકને જરા સરખાં કપડાં તો પહેરાવ.”

યુવતીએ ધારદાર નજરે અફાક અલી સામે જોયું, જાણે કહેતી ના હોય કે, કપડાં હોત તો પહેરાવાના બાકી રાખ્યાં હોત?

હવે બાળકની સામે જોઈ રહેલા અફાકની નજર મા પર ટકી. યુવતીને જોઈને જ લાગ્યું કે એની પાસે પણ કપડાંની બાબતમાં બાળક કરતાં જરાય વધુ સમૃદ્ધિ નહીં હોય.

દરિદ્રતાના પ્રતીક સમા મા અને બાળકને જોઈને અફાકને પોતાની જાત પર શરમ આવી. ‘શું જોઈને એણે આવી વાહિયાત સલાહ આપી હશે?”

“આ લે અને તારા બાળકને ઓઢાડજે.” કહીને અફાકે પોતાના ખભા પરથી શાલ ઉતારીને એ યુવતીને આપી.

યુવતી શાલ જોઈને ડઘાઈ ગઈ. એનો ચહેરો પર ભયથી ફિક્કો પડી ગયો. થોડા દિવસ પહેલાં બનેલી ઘટના એને યાદ આવી.

ખબર નહીં કેમ, પણ કોઈ કારણ વગર તે દિવસે તપાસ કરવાના બહાને બે-ચાર પોલીસો ઘરમાં ઘૂસી આવ્યા હતા. ઝૂંપડી ફેંદતાં ફેંદતા હજુ હમણાં જ તો થોડા પૈસા બચાવીને પતિએ શર્ટ લીધું હતું એ પોલીસોના હાથમાં આવ્યું.

બસ, પોલીસને કારણ મળી ગયું. ‘બોલ, ક્યાંથી ચોરી લાવ્યો?’ કહીને ડંડા મારતાં મારતાં એને પોલીસચોકીએ લઈ ગયા.

માંડ પૈસા ભેગા કરીને ખરીદેલું શર્ટ તો તે દિવસે ગયું જ, પણ પતિના શરીર પર રહી ગયેલા ડંડાના સોળ અને મન પર રહી ગયેલી એની પીડા આજ સુધી હતી. એ કોને કહે? રખેને આ સાહેબે આપેલી શાલ લે અને ફરી એવી મુસીબત આવે તો ક્યાં જવું? વિચારમાત્રથી એ ભયથી કાંપી ઊઠી.

“ના સાહ્યેબ નથી જોઈતી.”

“અરે બેટા, તારાં માટે નહીં, પણ દાદા દીકરાને આપે છે એમ સમજીને તારા કુન્નૂ માટે રાખી લે.”

“ના, સાહ્યેબ, મારે નથી જોઈતી, હું નહીં લઉં.” કહીને યુવતીએ નજર નીચી કરી દીધી છતાં એની ડબડબાયેલી આંખોમાંથી સરી પડેલાં આંસુ અફાક અલી સાફ જોઈ શક્યા.

“પણ, કેમ? તેં માંગી નથી, મારે આપવી છે માટે જરાય સંકોચ ના રાખ. લઈ લે.”

“કાલ ઊઠીને ચોરીનું આળ લાગે ને ફરી ઘરમાં પોલીસ આવે તો મું કોની પાસે જઉં?”

“ચોરીનું આળ? હું એડ્વોકેટ, અફાક અલી છું. જોઉં છું, તારી પર કોણ ચોરીનું આળ મૂકે છે?”

“આળ આવે તંઈ તમને ખોળવા મું ક્યાં ભટકું…હેં? ના..સાહ્યેબ…ના…અમ ગરીબ અમારા હાલ પર જીવી લઈએ, ઈ જ ઠીક છે.…હવે મને કોઈની દયા નો ખપે.” ભયથી થથરતા અવાજે બોલીને કુન્નૂને લઈને એ દોડતી ઝૂંપડીમાં ઘૂસી ગઈ.

કાપો તો લોહી પણ ન નીકળે એવી દશામાં અફાક અલી એને જતી જોઈ રહ્યા.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

December 19, 2025 at 9:00 am

‘વેનકુંવર લુકઆઉટ ટાવર- ૧૨/ ‘Vancouver Lookout Tower’-

૧૨- વેનકુંવર લુકઆઉટ ટાવર- ‘Vancouver Lookout Tower’-

વેનકુંવર- ૩

વેનકુંવરમાં મળેલા સાત કલાકના સમયમાં વેનકુંવર શહેર આખું ફરીને જોઈ શકાય એટલો સમય ક્યાં હતો? પણ, વેનકુંવરને એક જ જગ્યાએ ઊભા રહીને ૩૬૦ ડીગ્રી એંગલથી જોઈ શકાય એવું એક સ્થળ અને શક્યતા હતી. એ હતો ‘વેનકુંવર લુકઆઉટ ટાવર’.

વેનકુંવર સિટિ ટુર બુક કરી ત્યારે જ આ ‘Vancouver Lookout Tower’ નામથી જાણીતા ટાવરની મુલાકાતની ટિકિટ બુક થઈ ગઈ હતી.

સ્ટેનલી પાર્કથી નીકળીને આ ટાવર સુધી પહોંચીએ ત્યાં રસ્તામાં આવતા સલ્ફર માઉન્ટન નજરે પડ્યા. સલ્ફર માઉન્ટન પાસે થોભી શકાય એવી શક્યતા અને સમય નહોતો, પણ જે સલ્ફર માઉન્ટન નજરે પડ્યા એનાથી અચંબિત તો થઈ જ જવાયું.

લક્ઝરીના ડ્રાઇવર કમ ગાઇડ જ્હોનના કહેવા પ્રમાણે વેનકુંવરના આ પ્રખ્યાત સીમાચિહ્ન ગણાતા સલ્ફરના ખડકોમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૦ ટકા વધારો થયો હતો. સલ્ફરનો ઉપયોગ ખાતરથી માંડીને બૅટરી સુદ્ધામાં થાય છે. કહે છે કે, પીળું સલ્ફર છોડ માટે પોષક તત્વો પૂરા પાડે છે જેના લીધે ફૂલો, ફળો, શાકભાજીની ગુણવત્તા વધે છે.

વેનકુંવરની સફરમાં સલ્ફરના ખડકો જોયાના આનંદ સાથે અમે પહોંચ્યા વેનકુંવરના સૌથી ઊંચા બિલ્ડિંગ પાસે.

ટોરેન્ટોના ‘CN Tower’ ની ડિઝાઇન કરી હતી એ ‘WZMH’ ફર્મ દ્વારા નિર્મિત હાર્બર સેન્ટરનું હાર્દ મનાતો આ ટાવર ૧૯૨૮ માં તૈયાર થયો ત્યારે એની મૉર્ડન શૈલીને લઈને વેનકુંવરમાં એ ખૂબ પ્રખ્યાત થયો હતો.

૧૯૭૭ ની ૧૩ ઑગસ્ટે ચંદ્ર પર પ્રથમ પગ માંડનાર અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ હસ્તક આ ટાવર ખુલ્લો મુકાયો.

૪૦ સેકન્ડમાં ૧૬૮ મીટર (૫૫૩ ફીટ) ઊંચા ટાવરના ચાલીસમા માળે સડસડાટ લઈ જતું એલિવેટર અને પછી ૩૬૦ ડીગ્રી એંગલથી દૃશ્યમાન થતા વેનકુંવરનો નજારો યાદ કરતા આજે પણ રોમાંચિત થઈ જવાય છે.

એલિવેટરમાંથી બહાર નીકળીએ ત્યાં ગોળાકારે ફરતા અબ્ઝર્વેશન ડેકમાંથી ચારેકોર નજર નાખીએ ત્યાં વેનકુંવર દેખાય. દૂર નજર કરીએ તો વેનકુંવરની ‘Sky-line’ કહે છે એ આકાશને મળતી જમીન- ક્ષિતિજ દેખાય.

વળી આ અબ્ઝર્વેશન ડેક પર એક બીજી સગવડ જોઈ. અહીં થોડાં થોડાં અંતરે કમ્પ્યૂટરના સ્ક્રીન જેવા સ્ક્રીન મુકાયેલા છે. કોઈ પણ સ્ક્રીન પાસે ઊભા રહીએ એટલે ત્યાં સ્ક્રીન પર મુકાયેલી વેનકુંવરના જાણીતા કોઈ એક સ્થળની તસવીર, તસવીરમાં દેખાતા એ સ્થળ વિશે પૂરતી વિગત અને ત્યાંથી જ નજરે પડતું એ સ્થળ-એ જગ્યા બધું જ સાગમટે જોવા મળે.

જેમકે, કોઈ એક સ્ક્રીન પર સ્ટેનલી પાર્કની તસવીર, સ્ટેનલી પાર્કની વિગત હોય અને ત્યાંથી દૂર એ જ દિશામાં સ્થિત સ્ટેનલી પાર્ક નજરે આવે.

એવી રીતે

-આકર્ષક વિક્ટોરિયન આર્કિટેક ધરાવતું- હિસ્ટોરિક ગેસટાઉન (Historic Gastown).

-કોલ હાર્બર (Coal Harbour) તરીકે ઓળખાતો વેનકુંવરનો દરિયા કાંઠો.

-વેનકુંવરના ગગનચુંબી બિલ્ડિંગ ધરાવતું શહેરના હાર્દ સમું ડાઉનટાઉન.

-વેનકુંવરને પ્રાકૃતિક સૌંદર્યની શોભા આપતા નોર્થ શોર માઉન્ટન (North Shore Mountains).

-જોઈને મન રાજી થાય એવો દરિયાકિનારો જે બુરાર્ડ ઇન્લેટ્ (Burrard Inlet) તરીકે ઓળખાય છે.

-જરા નીચે નજર કરીએ અને દેખાતો શહેરનો નજીકનો એરિઆ ‘સરી- (Surrey) જેવા સ્થળો આ અબ્ઝર્વેશન ડેક પરથી જોઈ શકાય.

ચાલો, જ્યારે જે મળ્યું, જેટલું મળ્યું એ માણી લીધું.

વેનકુંવર સિટિ ટુરનું આ છેલ્લું ડેસ્ટિનેશન હતું. અહીંથી જ્હોન અમને સીધા એરપોર્ટ પર ઉતારશે એવી જાણ હતી. 

‘Vancour lookout observation deck’ થી એરપોર્ટ સુધી પહોંચવામાં વચ્ચે ઊભા રહેવાનો સમય નહોતો, પણ જે જોવા જેવી, જાણવા જેવી જગ્યા આવી એ અંગે જ્હોને માહિતી આપે રાખી.

કુદરતી સૌંદર્ય સમા અલાસ્કા અને માનવવસ્તીથી ઊભરાતા વેનકુંવરની અમારી ટ્રિપ અહીંથી સમાપ્ત થવાની હતી.

ઘણી બધી પ્રસન્ન પળોથી સૌનાં મન-હૃદય આનંદિત હતા, પ્રફુલ્લિત હતા. ઈશ્વરકૃપા અને કુદરતની મહેરબાનીથી પ્રત્યેક દિવસ સરસ, સરળ અને સહજ રહ્યા. એક એક ક્ષણ માણવા જેવી રહી.

‘મધુરેણ સમાપયેત્’ જેવા અમારા પ્રવાસની એ અનુભૂતિ પણ એટલી જ મધુર છે. માણેલા પ્રવાસ વિશે કંઈ પણ કહેવું, લખવું એટલે ફરી એકવાર એ મધુર સ્મૃતિની સફર.

અલાસકાની પ્રકૃતિ સાથે જે તાદાત્મ્ય અનુભવ્યું, એ વિશે આજે જે કંઈ લખાય છે ત્યારે મનમાં એ પ્રસન્નતાની પળો ફરી જીવાતી હોય એવી તાજગી છવાય છે.

આજે પણ ક્રૂઝની એ રાતો યાદ આવે છે. એવું લાગે છે કે જાણે દરિયાદાદાના ખોળામાં માથું છે અને દાદા હળવે હળવે થપકી મારે છે.  નિરવ શાંતિમાં સંભળાતો દરિયાનો આછો હાલરડાં જેવો ઘુઘવાટ આજે પણ અનુભવાય છે.

આલેખનઃ રાજુલ કૌશિક

December 14, 2025 at 10:17 am

‘પત્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા’-સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-૨૫/ ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ

પત્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા ૨૫- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ.

અવિનાશ વ્યાસ એટલે પત્થરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરે એવા ગીતકાર. શહેરોને બોલતા કરી દે એવા ગીતકાર, બેજાન સડકોમાં પણ એમને કાવ્યત્વ દેખાય. પ્રકૃતિમાંથી પ્રગટતા સંગીતને એ શહેરોની ઈમારતોમાંય સાંભળી શકે અને આપણને પણ સંભળાય એવી રીતે એ શહેરોને બોલકા કરી દે.

મુંબઈ એક એવી નગરી જ્યાં હરએક પ્રતિભાવંત વ્યક્તિને પોતાની જાતને સિદ્ધ કરવાનું પ્લેટફોર્મ મળે. આપણા આ સવાયા ગુજરાતી ગીતકારને પણ મુંબઈમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ એટલે એમણે અમદાવાદની જેમ મુંબઈને પણ ગાતું કર્યું. અમદાવાદ એમની જન્મભૂમિ હતી તો મુંબઈ એમની કર્મભૂમિ બની રહી. સ્વાભાવિક છે જન્મભૂમિ માટે ગીતરચનાઓ કરી એવી રીતે કર્મભૂમિ માટે પણ કરી છે એટલું જ નહીં પણ એમણે મોહમયી મુંબઈથી માંડીને રંગીલા રાજકોટ અને પાટણને પણ પ્યારું ગણીને એની પર રચનાઓ કરી હતી. એમણે મુંબઈના લોકો, મુંબઈની રહેણીકરણી, મુંબઈની આબાદીને એક કરતાં વધારે ગીતોમાં ઢાળી છે. આજે એમાનાં કેટલાંક ગીતોનો અહીં ઉલ્લેખ કરવો છે.

આ મુંબઈ છે, જ્યાં ભઈ કરતાં ઝાઝી બઈ છે..

આ મુંબઈ છે………..

નહી એકરંગી, નહી બેરંગી, જ્યાં પચરંગી વસ્તી,

અરે જોગી, ભોગી, રોગી સૌની સરખી તંદુરસ્તી,

અરે વાટે, હાટે, ઘાટે જ્યાં મોંઘવારી સસ્તી,

ને પેટ ભૂખ્યું પણ તનને માટે ટાપટીપ છે સસ્તી,

અરે છેલછબીલી અનેકની પણ કોઈની ક્યાં રહી છે? .

આ મુંબઈ છે…

મુંબઈના આ ગીતમાં તો સાચે જ એ દિવસોથી માંડીને આજના મુંબઈને એમણે આબેહૂબ વણવ્યું છે.  આ રંગબેરંગી મુંબઈને જે જાણે છે એમનેય ખબર છે કે અહીં એક તરફ જીવનભરની આબાદીના કિસ્સા છે તો એની બીજી બાજુ જીવવા માટે મરણીયા થતાં લોકોની બરબાદીના કારમા કિસ્સા પણ છે.

મુંબઈમાં શેઠ, શરીફ, ગરીબ, નોકર અને ઘરઘાટીથી ઉભરાતી ચોપાટીની મદમાતી સાંજ છે. અહીં પેટે પાટા બાંધીને જીવતા લોકો છે તો પત્થર પર પાટું મારીને પૈસા પેદા કરતાં લોકોય છે. અવિનાશ વ્યાસ પાસે શબ્દોનો એવો વૈભવ હતો જેનાથી એ આપણી નજર સમક્ષ મુંબઈને એમણે જેવું જોયું, જાણ્યું છે એવું તાદૃશ્ય કર્યું છે.

આવા મુંબઈ માટે એમણે બીજા ગીતમાં એમ પણ લખ્યું છે કે….

“લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી,

પણ મુંબઈની કમાણી મુંબઈમાં જ સમાણી..

જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી,

એવી ના સૂકાયે કોઈ દિ મુંબઈની જવાની…”

મુંબઈમાં ચપટીમાં બસ્સો પાંચસો વાપરી નાખતા લોકો છે અને દિવસ દરમ્યાન માત્ર બસ્સો પાંચસો પર ટકી રહેતા લોકો પણ છે. મુંબઈની કમાણી કેમ કરીને મુંબઈમાં સમાણી એ તો મુંબઈના વતની જ જાણે પણ આજે આંધળી માનો કાગળ યાદ આવી ગયો. એવા કેટલાય મા-બાપ હશે જેમણે પેટે પાટા બાંધીને આ મહાનગરમાં કમાવા મોકલેલા સંતાનોની કમાણી અહીંની અહીં જ હોમાણી હશે !

અહીં મહેલ જેવા મકાનોમાં એકલદોકલ રહેતા લોકોની કથા છે અને ચાલીની બાર ફૂટની ઓરડીમાં માંડ સમાતા લોકોની વ્યથાય છે. મુંબઈમાં જેટલી કોમ એટલી ભાષા છે. કોણ ક્યાંથી આવ્યું છે એની પરવા કર્યા વગર એને સમાવી લેતું મુંબઈ છે અને અવિનાશ વ્યાસે આ મોહમયી, માયાવી મુંબઈના સારા-નરસાં પાસાને શબ્દોમાં ઢાળી સંગીતમાં મઢ્યા છે.

આખો દિવસ અફરાતફરીમાં જીવતાં લોકોથી ખીચોખીચ ભરેલા મુંબઈની સાથે એમણે રંગીલા રાજકોટને પણ મન મુકીને નવાજ્યું છે.

અવિનાશ વ્યાસ તો રાજકોટને તો માલિકની મહેરથી મહોરતા શહેર તરીકે ઓળખાવે છે. જ્યાં માલિકની મહેર હોય ત્યાં લોકો રૂડાં અને દિલના દિલેર હોય એ સહજ છે.

જેની પર માલિકની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે,

લોક રૂડાં ને દિલના દિલેર છે, રાજકોટ રંગીલું શહેર છે.

સૌ જાણે છે કે પેંડા તો રાજકોટના જ પણ રાજકોટના રસ્તા વિશે સાવ અનોખી રીતે અવિનાશ વ્યાસે એના વિશે કહ્યું છે કે

“રોડમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે,

હેમામાલિની નથી એટલી જ ખોડ છે,

અહીં પેંડાવાળાને લીલાલહેર છે,

રાજકોટ રંગીલું શહેર છે….

“હરિ મારું ગાડું તું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું” કે “હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલુ ભારે” જેવા ચિંતનાત્મક ગીતોની રચના કરનાર ગીતકાર આવી હળવી શૈલીમાં, એકદમ મઝાના શબ્દોમાં આવી વાત કરી શકે એ એમની કવિ કલ્પનાના બે અંતિમ છેડાની જાણે અવસ્થા દર્શાવે છે. કેટલી સરસ રીતે એ કોઈ પણ વિષયના વૈવિધ્યને એ ખૂબ સરસ રીતે ન્યાય આપી જાણે છે !

૧૯૮૧માં ‘પંખીનો માળો’ ફિલ્મ માટે લખાયેલા આ ગીત પછી તો કદાચ રાજકોટની સૂરત બદલાઈ ગઈ હશે પણ હજુ કેટલીક વાતો તો રાજકોટની પહેલાંની જેમ અકબંધ હશે. પેઢી બદલાઈ હશે પણ રાજકોટનો સાંગણવા ચોક અને એનું નામ તો આજે પણ હશે. રાજકોટના રેસકોર્સ પર ઘોડલાંના બદલે હાથમાં હાથ નાખીને ફરતાં પ્રેમીઓના જોડલાં ય આજે જોવા મળતાં હશે.

“નામ જુઓ રેસકોર્સ મળે નહીં ઘોડલાં,

હાથોમાં હાથ નાખી ફરે અહીં જોડલાં,

પણ ઘોડલાં ને જોડલાંમાં ફેર છે, રાજકોટ રંગીલું શહેર છે.”

રેસકોર્સ જ નહીં આજીનો ડેમ નિર્જીવ છે, પણ એની  પર વિહરતાં પ્રેમીઓને લઈને અવિનાશ વ્યાસે એને પણ જીવંત કરી દીધો છે.

“હે આજીના ડેમ પર પ્રેમીઓનો ખેલ છે,

સૌ જાણે કુંવારા પણ ભાઈ પરણેલ છે,

એક રસ્તા પર ને બીજી ઘેર છે, રાજકોટ રંગીલું શહેર છે.”

રાજકોટ રંગીલું શહેર તો છે જ પણ અહીં જે અનેરો ઈતિહાસ રચાઈ ગયો છે એની ક્યાં સૌને જાણ છે? અહીંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીબાપુએ અભ્યાસ કર્યો છે એનો ઉલ્લેખ કરીને રંગીલા રાજકોટ અને અહીંના ઉમદા ઉછેરને અવિનાશ વ્યાસે ગૌરવ પ્રદાન કર્યું છે.

આલેખનઃ રાજુલ કૌશિક

December 13, 2025 at 3:42 pm

ફ્રેન્ડ્સ ગેલેરી’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

ફ્રેન્ડ્સ ગેલેરી’

આજથી ત્રણ વર્ષ પહેલાં ‘ફ્રેન્ડ્સ ગેલેરી’ શૉપનું ઉદ્ઘાટન થયું ત્યારથી આજ સુધી કૉલેજનાં યુવક-યુવતીમાં એની લોકપ્રિયતા ઉત્તરોઉત્તર વધતી જતી હતી. જેટલી એ શૉપ ચિત્તાકર્ષક, એટલો જ આકર્ષક એનો યુવા માલિક, ગિરિરાજ હતો.

સિવિલ એન્જિનિયરિંગની ડીગ્રી મળ્યા પછી પણ એને જોબ ન મળી ત્યારે પિતાએ એને દુકાન ખોલવાની સલાહ આપી. એન્જિનિયર થયા પછી દુકાન ખોલવામાં એને પોતાની ડીગ્રી, ક્ષમતા, પ્રતિભાનું અવમૂલ્યન થતું હોય એવું લાગ્યું છતાં અત્યંત નિરાશાની અવસ્થામાં પિતાની સલાહ માનીને દુકાન ખોલી.

ધીરે ધીરે દુકાન પર આવતા કૉલેજનાં યુવાન- યુવતીઓની વાતચીત, પસંદ, ગમા-અણગમામાં રસ લેવા માંડ્યો ત્યારથી એને આ કામ ધાર્યું હતું એનાં કરતાં વધુ રસપ્રદ લાગવા માંડ્યું.

એની દુકાનની આસપાસ બે-ત્રણ સ્કૂલ અને કૉલેજ હોવાના લીધે લગભગ આખો દિવસ છોકરા, છોકરીઓની ભીડ રહેતી. સમયની નજાકત પારખીને ગિરિરાજે પૂર્વની સંસ્કૃતિના તહેવારો સાથે પશ્ચિમના વેલેન્ટાઇન ડૅ, રોઝ ડૅ જેવા દિવસો માટે ગિફ્ટ્સ, ગ્રીટિંગ કાર્ડ, ગિફ્ટ કાર્ડ, ફ્રેન્ડશીપ બેન્ડની વિવિધતાનો ઉમેરો કર્યો.

કાચની દીવાલને લીધે શૉપની અંદર દેખાતા બોલિવુડના કલાકારોથી માંડીને ટાઇટેનિક ફિલ્મનાં હીરો- હીરોઇનનાં પોસ્ટરોથી આકર્ષાઈને અંદર આવતા યુવાવર્ગને એમની મનપસંદ વસ્તુ મળી રહેતી. જોકે, ગિરિરાજની દુકાનનાં કાર્ડ્સ કે અન્ય ચીજવસ્તુઓના ભાવ અન્ય કરતાં વધારે રહેતાં, પણ શૉપની ગોઠવણ, શૉપનું મેન્ટેનન્સ જોઈને ભાગ્યેજ કોઈ ભાવ આપવામાં આનાકાની કરતું.

શાળા-કૉલેજમાં રવિવાર કે રજાના દિવસ સિવાય ગિરિરાજની શૉપમાં હંમેશાં ભીડ રહેતી. એ દિવસે આવો એક રવિવાર હતો. ગિરિરાજની શૉપમાં અવરજવર ઓછી હતી. આમ તો એને શૉપની કાચની દીવાલોની પેલે પાર જોવાનો ભાગ્યેજ સમય મળતો, પણ એ રવિવારે ઓછી વ્યસ્તતા અને વધુ પડતી ફુરસદ લીધે નિરાંતે શૉપની બહારની દુનિયાનું નિરિક્ષણ કરતો બેઠો હતો.

અચાનક એક છોકરીને જોઈને એ ઉત્સાહમાં આવી ગયો. સ્કૂટર પાર્ક કરીને એ અંદર આવી. બ્લેક જીન્સ, ફ્લૉરલ ટોપ, પોની ટેલમાં બાંધેલા વાળ, ઊંચાઈ હતી એનાં કરતાં વધુ દેખાડવી હોય એવી હાય હિલ સેન્ડલ, સુંદર, કોમળ, ઓગણીસ વર્ષીય એ કન્યાને જોઈને ગિરિરાજની નિરાંતભરી સુસ્તી ફુરરર કરતી ઉડી ગઈ. આજકાલ સુંદરતા, વસ્ત્ર પરિધાન લઈને અન્યનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરતી સભાન યુવતીઓ કરતાં જરા જુદી આ યુવતી પોતાનામાં જ ખોવાયેલી હતી.

યુવતીની હાજરી, એના ડ્રેસમાંથી આવતી પરફ્યૂમની સુગંધની જાદુઈ અસરથી ગિરિરાજનું મન તરબતર થઈ ગયું હોય અને વાચા હણાઈ ગઈ હોય એમ ગિરિરાજે એની સામે પ્રશ્નસૂચક દૃષ્ટિ કરી.

“કાર્ડ…બર્થડે કાર્ડ બતાવશો?” યુવતીનો અવાજ સૌમ્ય અને મીઠો હતો.

બોલકો ગિરિરાજ બર્થડે કાર્ડની શેલ્ફ તરફ માત્ર આંગળી કરી શક્યો.

બર્થડે કાર્ડનું વૈવિધ્ય જોઈને એ યુવતી કેવું અને કયું કાર્ડ લેવું એની દ્વિધામાં પળેક વાર ઊભી રહી. ત્યારબાદ એ જે તન્મયતાથી કાર્ડ જોવા માંડી એના પરથી એ બહેનપણી, ભાઈ-બહેન, પડોશી, કોઈ પરિચિત કે પ્રેમી, કોના માટે કાર્ડ લેશે એની ગિરિરાજને દ્વિધા થતી રહી.

એક પછી એક કાર્ડ ખોલીને એ અંદરના લખાણ પર ઝડપથી નજર ફેરવતી રહી. ત્યારબાદ આઠ-દસ કાર્ડ પસંદ કરીને ખૂણાની ખુરશી પર જઈને નિરાંતે એ કાર્ડ્સનું લખાણ વાંચવા માંડી.

“Can I help you?” સહસા ગિરિરાજથી બોલાઈ ગયું.

“No Thanks.” કહીને જાણે એ પોતાની અંગત વાત હોય અને એમાં કોઈનો હસ્તક્ષેપ ન ઈચ્છતી હોય એમ કાર્ડ્સ જોવામાં વ્યસ્ત થઈ ગઈ. કાર્ડ્સનું લખાણ વાંચતી ગઈ એમ એમ એના ચહેરા પર સ્મિત રેલાતું ગયું.

એ સ્મિત જોઈને ગિરિરાજના મનમાં સહેજ ઈર્ષ્યા જાગી. કોણ હશે એ ભાગ્યશાળી જેના માટે હીરા-મોતી પારખવાના હોય એમ આટલા સમયથી આ છોકરી મથી રહી છે!

મનમાંથી વિચાર ખંખેરીને ગિરિરાજે ફરી એ છોકરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

હવે આઠમાંથી ચાર કાર્ડ્સ જુદા તારવીને એ ફરી એનું લખાણ વાંચવા માંડી.

‘ઓહ, કેવો ભાગ્યશાળી હશે એ જેના માટે આ છોકરી માત્ર એક કાર્ડ પસંદ કરવા ધીરજપૂર્વક અડધા કલાકથી વધુ સમય ફાળવી રહી છે !’

અચાનક ગિરિરાજને વિચાર આવ્યો કે, ઈશ્વર કરે ને અત્યારે શૉપમાં અન્ય કોઈ ગ્રાહક ન આવે. ઘડિયાળની ટીક ટીક બંધ થઈ જાય. કેલેન્ડરની તારીખો અદૃશ્ય થઈ જાય. આ ક્ષણને મુઠ્ઠીમાં પકડી રાખવી હોય એમ સ્થિર બની ગયો.

અત્યારે ઘરમાં એના લગ્નની વાતો ચાલી રહી છે. આજ સુધી જેટલી છોકરીઓના ફોટા જોયા એમાંની એકે આ છોકરીની તોલે ન આવે એવું એને લાગ્યું.

‘હે ઈશ્વર એવો કોઈ ચમત્કાર કરો કે, જીવનસંગિનીરૂપે આ છોકરીનો મને જીવનભર સાથ મળે.’

પણ, પછી, ‘જેના માટે મનમાં આટલી ઘેલછા જાગી હતી એના મનમાં તો કોઈ અન્ય છે,’ એ વિચારે વળતી પળે ગિરિરાજ સજાગ બન્યો. ફરી એ છોકરીને જોવામાં મગ્ન બન્યો.

હવે એની પાસે ફક્ત બે કાર્ડ્સ હતા. ભારે દ્વિધા પછી એક કાર્ડ પસંદ કરીને એ કાઉન્ટર પર આવી.

“કેટલા સરસ કાર્ડ્સ છે ! કયું લેવું ને કયું નહીં એ જ નક્કી કરવામાં ઘણો સમય લાગ્યો, પણ શું થાય? આ ફોજી લોકો એટલા ચૂઝી હોય છે કે ના પૂછો ને વાત.”

‘ઓહ, તો એનો અર્થ એ ભાગ્યશાળી ફોજમાં છે ! ક્યાં અને ક્યારે મળ્યો હશે એ ફોજી?’

ક્યારેય ન જોયેલા, દૂર બેઠેલા એ ફોજીના વિચારે ગિરિરાજને જાત માટે ઓછપનો અનુભવ થયો.

“કેટલાનું છે આ કાર્ડ?” છોકરીએ પૂછ્યું.

“ફક્ત પાંસઠ.” ગિરિરાજ બોલ્યો તો ખરો, પણ એને પૈસા જતા કરવાની ઈચ્છા થઈ.

“સ્વાભાવિક છે, કાર્ડ કેટલું સરસ છે?” સો રૂપિયાની નોટ કાઢતા છોકરીએ ગિરિરાજ પાસે સ્કેચપેન માંગી.

“અહીંથી ઘેર પાછા જતા જ કાર્ડ પોસ્ટ કરી દઉં તો ૧૪ મી માર્ચ પહેલાં એને મળી જાય. સમય પર કાર્ડ ન મળે તો એ મારા પર બહુ નારાજ થઈ જાય છે અને મને એ નારાજ થાય એ જરાય ન ગમે.” કહીને અંદર લખવા કાર્ડ માટે ખોલ્યું.

“Happy Birthday to You.” કાર્ડ ખોલતાની સાથે મધુર ટ્યૂન સંભળાઈ.

છોકરીએ લખવાનું શરૂ કર્યું. જે ભાવથી એ છોકરીએ લખવા માંડ્યું એ જોઈને ગિરિરાજના મનમાં એ કોને કાર્ડ લખે છે, શું લખે છે એ જાણવાની ઉત્તેજના છવાઈ. સહેજ ત્રાંસી નજરે એ જોઈ રહ્યો.

ખૂબ મરોડદાર અક્ષરે લખાયું,

‘To Unforgettable Person of My Life- One & Only My Brother.’ લખીને કાર્ડ કવરમાં મૂક્યું.

‘ઓહ, તો એ નસીબદાર વ્યક્તિ આ છોકરીનો ભાઈ છે !

‘હાશ !’  ગિરિરાજના હૃદય પર છવાયેલો કેટલોય ભાર હળવો થઈ ગયો..

છોકરી શૉપમાંથી નીકળી. એના પરફ્યૂમની સુગંધને શ્વાસમાં સમાવી લેતા ગિરિરાજનું મન પ્રફુલ્લિત થઈ ગયું.

 સુષ્મા મુનીન્દ્ર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

December 12, 2025 at 2:08 pm

-કેપિલોના સસ્પેન્સન બ્રિજ/ વેનકુંવર (૨)-ન્યૂઝ ઓફ ગાંઘીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ.

૧૧-કેપિલોના સસ્પેન્સન બ્રિજ

વેનકુંવર (૨)

૧૮૮૯માં સ્કોટિશ સિવિલ ઇજનેર અને પાર્ક કમિશનર જ્યોર્જ ગ્રાન્ટ મેકે દ્વારા બનાવવામાં આવેલો આ બ્રિજ મૂળે શણનાં દોરડાં અને દેવદારનાં પાટિયાંથી બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૦૩માં વાયરના કેબલો થકી વધુ મજબૂત બનાવવામાં આવ્યો.

કેપિલોના નદી પર બાંધવામાં આવેલા આ કેપિલોના સસ્પેન્સન બ્રિજ પર પહેલું ડગલું માંડતાની સાથે OMG તો બોલાઈ જ ગયું. વળતી પળે નિર્ણય કર્યો કે, આ હાલકડોલક બ્રિજ પર આમ હાલવા અને ડોલવાની સ્થિતિમાં આગળ નહીં જ વધાય. એક તો ઊંચી ખુલ્લી જગ્યા અને નીચે દેખાતી ઊંડાઈ, બંનેનો ડર. એમાં નીચે ખળખળ વહેતી નદી ને સામે દૂર સુધી ઊંચો ને ઊંચો જતો આ બ્રિજ જોઈને હાંજા ગગડી ગયાં.

અહીં ‘ડગલું ભર્યું કે ના હટવું’ જેવું મનોબળ પણ નબળું પડી ગયું. પાછી ફરવા જતી હતી ને દીકરીએ આવીને હામ ભરી.

“ચલાશે મમ્મી, એક તરફનું દોરડું પકડીને, નીચે જોયા વગર સીધી નજર રાખીને સહેજ આગળ વધીશ પછી ડર નહીં લાગે.”

પાંચેક મિનિટ ચાલી ત્યાં સુધી દીકરીએ મારો હાથ પકડી રાખ્યો ત્યારે અમારાં રોલ બદલાઈ ગયા હોય એવી અનુભૂતિ થઈ. દીકરી નાની હતી ત્યારે હાથ પકડીને ચાલતા શીખવ્યું હતું એમ તે ક્ષણે દીકરી મારો હાથ પકડીને ચાલતા શીખવતી હતી.

અને પછી તો દીકરીએ આપેલી હિંમત અને વિશ્વાસ થકી કેપિલોના નદી પરનાં એ ૧૪૦ મીટર (૪૬૦ ફૂટ) લાંબા, ૭૦ મીટર (૨૩૦ ફૂટ ઊંચા) બ્રિજના એક છેડાથી બીજા છેડા સુધી ચાલવાનું સાહસ ખેડી નાખ્યું.

જોકે, આ એક લાંબો બ્રિજ ક્રોસ કર્યા પછી અંદર ઝાડ પર બાંધેલા નાના મોટા એક પણ બ્રિજ પર ચાલવાની ઈચ્છા ના થઈ.

એક વાર ઈડરિયો ગઢ જીત્યા પછી નાના નાના ગઢ સર કરવાની શી જરૂર?

પણ, ઉત્સાહી પરિવારજનોએ એ નાના મોટા બ્રિજ પર ઝૂલી ઝૂલીને ચાલી લીધું. એમનો થનગનાટ જોઈને લાગ્યું કે મઝા જ આવી હશે.

અહીં અમારા લકઝરી કોચના ડ્રાઇવર જ્હોનનો વિશેષ અને વિશિષ્ટ પરિચય થયો. ક્રૂઝ દરમ્યાન જ્યાં જ્યાં જેટલી ટુર લીધી એના ડ્રાઇવર કમ ગાઇડ પંચાવન -પાંસઠની ઉંમરે પહોંચેલા હતા. વયસ્ક હોવાના લીધે બસમાં જે સિનિયર સિટીઝન હોય એમની શારીરિક ક્ષમતાનું ધ્યાન રાખીને પૂરતો સમય અને સગવડ આપવાનો તેઓ પૂરેપૂરો પ્રયાસ કરતા.

વેનકુંવરના આ છોકરડા જેવા લાગતા લકઝરી કોચ ડ્રાઇવરની ઉંમર માંડ ત્રીસ-બત્રીસની હશે. એને અને એની સ્ફૂર્તિને જોઈને એનો સ્વભાવ અલગ હશે એવું લાગતું હતું.

જ્યારે અમે કેપિલોના સસ્પેન્સન બ્રિજ પર પહોંચ્યા ત્યારે લક્ઝરી પાર્કિંગથી બ્રિજ સુધી પહોંચવાનો રસ્તો થોડો લાંબો હતો. અહીં સસ્પેન્સન બ્રિજ પર ફરવા માટે લગભગ બે કલાકનો સમય હતો. અમારા કોચમાં જે સિનિયર સિટીઝન હતા એમની ઝડપથી ચાલી શકે એવી શારીરિક ક્ષમતા નહોતી. એમની ઝડપે ચાલવામાં સસ્પેન્સન બ્રિજ સુધી પહોંચતા ઓછામાં ઓછી પંદરેક મિનિટ થઈ જાય એમ હતી. સમય સાચવવા એક એક મિનિટ મહત્વની હતી.

હવે? એમની સાથે અમારામાંથી કોઈ એકે તો રહેવું જ પડે, પણ ત્યારે જ્હોને એમને સાચવી લીધા. અમને આગળ વધવા કહીને જ્હોન એમની સાથે એમની ગતિએ ચાલીને ત્યાંના વિઝિટર સુધી લઈ ગયા પછી વિઝિટર સેન્ટરની અંદર ફેરવીને બહાર સસ્પેન્સન બ્રિજ દેખાય એવી સરસ આરામદાયક જગ્યા જોઈને બેસાડ્યા.

અહીં હંમેશાં જાહેર સ્થળોએ પણ સિનિયર સિટીઝનનું માન અને એમની સગવડ સચવાય એટલું ધ્યાન રાખવાનું સૌજન્ય સૌમાં છે. જ્હોનના એ સૌજન્યથી એના પ્રત્યેનું અમારું માન ખૂબ વધી ગયું. આજે અને હંમેશાં જ્હોન એના એ સૌજન્ય માટે યાદ રહેશે. 

ટુરમાં દરેક સ્થળે ફરવાનો સમય લગભગ નિશ્ચિત કરેલો હોય જેથી ટુરના નિર્ધારિત અન્ય સ્થળો જોવાઈ જાય.

કેપિલાનો સસ્પેન્સન બ્રિજ પર લગભગ બે કલાકનો સમય મળ્યો. સસ્પેન્સન બ્રિજ પર ઝોલા અને ઝૂલા ખાઈને પરત થયા પછી ત્યાં વિઝિટર સેન્ટર પર હળવો નાસ્તો, કોફી અને હોટ ચોકલેટ મિલ્કને ન્યાય આપીને અન્ય નિર્ધારિત લક્ષ્ય તરફ જવા બસમાં ગોઠવાયા.

હવેની અમારી મુલાકાત હતી -‘Vancouver Lookout Tower’ ની.

એની વાત આવતા અંકે. 

આલેખનઃ રાજુલ કૌશિક

December 7, 2025 at 12:03 pm

‘હું અમદાવાદનો રિક્ષાવાળો’૨૪-સદા અમર શ્રી અવિનાશ વ્યાસ. ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માંપ્રસિદ્ધ લેખ

હું અમદાવાદનો રિક્ષાવાળો

૨૪-સદા અમર શ્રી અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ એવા ગીતકાર હતા જેમણે સર્વ વિદિત વિષયો પર ગીતોની રચના કરી અને સાથે કેટલાક અલગ પ્રકારના ગીતોની રચના પણ કરી જેમાં પત્થર-કોંક્રીટના બનેલા અડાબીડ જંગલ જેવા શહેરોની સૂરીલી શાબ્દિક ઓળખ થાય.

જેમાં આપણે ગયા લેખમાં વાત કરી અમદાવાદ શહેરની..

કોઈ એક શહેરને જોવાની, જાણવાની સૌની અલગ અલગ દૃષ્ટિ હોવાની. ક્યાંક કોઈને એના ઇતિહાસમાં રસ પડી જાય તો કોઈને શહેરની બાંધણી, એની શૈલીમાં રસ પડી જાય. વિચાર આવ્યો કે એક લેખક, કવિ કે ગીતકાર કોઈ એક શહેરને કઈ નજરે નિહાળે? ઈંટ પત્થરના બનેલા શહેરમાંય એમને પ્રાણ જણાય કે એમને એમાં કોઈ સંવેદનાનો અનુભવ થાય ખરો?

જ્યારે લેખક, કવિ કે ગીતકારની સંવેદનાઓ વિશે વિચારીએ ત્યારે અવિનાશ વ્યાસ અને એમણે લખેલી અમદાવાદ જેવા અનેક શહેરોને લગતા ગીતોની રચના યાદ આવે.

ગયા વખતે આપણે ભારતની આઝાદી અપાવવામાં પાયારૂપ અમદાવાદના સાબરમતીના પાણી અને અમદાવાદ શહેરના પાણીદાર લોકોની વાત કરી.

આજે અમદાવાદનું સાવ થોડી મિનિટોમાં દર્શન કરાવતા એ ગીતને યાદ કરવું રહ્યું. કિશોરકુમારના અલ્લડ અને રમતિયાળ અવાજમાં ગવાયેલા આ ગીતમાં એક લહેરીલાલા જેવો રિક્ષાવાળો હોય તો એ કેવી રીતે અમદાવાદને ઓળખાવે? બસ, એ કલ્પનાને સાકાર કરતી હોય એવી વાત અવિનાશ વ્યાસે કરી છે.

શહેરનાં સાંકડા રસ્તા પરથી પણ સર્પાકારે સડસડાટ રિક્ષા હાંકી જતા રિક્ષાવાળાનો અમદાવાદમાં રહેનારાને અનુભવ છે. ડાબે જમણે વળવા માટે રિક્ષામાંથી હાથના બદલે પગ બહાર કાઢતા કોઈ પણ રિક્ષાવાળાના અસલી મિજાજ સાથે શરૂ થતું આ ગીત…..

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો,
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

આ ગીતમાં અમદાવાદની બહારથી આવતા મુલાકાતીઓનેય અમદાવાદની અસલી ઓળખ થઈ જાય એવી રીતે રિક્ષાવાળાના સ્વરૂપે અવિનાશ વ્યાસે આપણને શાબ્દિક રિક્ષામાં ફેરવ્યા છે.

રિક્ષાવાળાની જેમ એ આપણને રીચી રોડના ફાફડા જલેબી જમાડે તો ચેતનાની દાળ પણ એ દાઢે લગાડે. ભદ્રકાળીના દર્શને આપણને લઈ જાય. રાત પડે અમદાવાદીઓના અને મુલાકાતીઓના માનીતા માણેકચોક અને એ માણેકચોકની મોર્ડન પ્રતિકૃતિ જેવા લૉ કે ‘લવ ગાર્ડન’ની સફર પણ કરાવે.

એકદમ મોજીલા શબ્દોમાં ખાવા ખવડાવવાની વાત કરીને વર્ષો સુધી ભારત પર પોતાની હકૂમત સ્થાપનાર અંગ્રેજો સામે અઝાદીની લડત માંડનાર બાપુને એ ફરી એકવાર યાદ કરતાં કહે છે કે, ‘સાબરમતીના પાણીની તાકાત એવી છે કે આ પાણી પીનાર સાચો અમદાવાદી ક્યારેય કોઈની સામે ઝૂક્યો નથી કે ઝૂકવાનો નથી.’  

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી,
દાંડીકૂચથી આઝાદીની લડત અહીં મંડાણી,
પણ, સાચો અમદાવાદી કોઈને કદી ન ઝૂકવાવાળો..”

કિશોર કુમાર પાસે ગીત ગવડાવવું કેવું કઠીન છે એ તો સૌ જાણે છે અને તેમ છતાં અવિનાશ વ્યાસે એમની પાસે આ ગીત ગવડાવીને સિદ્ધ કરી બતાવ્યું હતું કે એક ગુજરાતી ધારે એ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

આવી જ બીજી એક રચના છે જેમાં અવિનાશ વ્યાસે અમદાવાદની કેટલીક ખૂબીઓ દર્શાવી છે.

વાત તો એ જાણે કરે છે કોઈ એક ગુલઝારીની નામની કાલ્પનિક વહુની. એ ગુલઝારી વહુને મિજાજી બાદશાહનો ડારો દઈને, મિજાજી બાદશાહની દહેશત બતાવીને આ અમદાવાદી નગરી જોવા જતાં રોકવાની કોશિશ તો કરે છે સાથે આ અમદાવાદી નગરીમાં શું જોવા જાણવા જેવું છે એ કહેતા જાય છે.

‘એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ,

લાલ દરવાજા એટલે જૂના અમદાવાદમાં પ્રવેશવાનો દરવાજો. અહીંથી શરૂ થાય એક એવું અમદાવાદ જે આજે જૂના અમદાવાદ તરીકે ઓળખાય છે.

એ સમય આજે પણ યાદ છે જ્યારે સાબરમતીના પટમાં તંબુ તાણીને દિવસો સુધી સરકસના ખેલો થતાં.

કહેવાય છે કે, બાદશાહ જ્યારે શહેર ફરતે કોટ બનાવે અને માણેકબાવા સાદડી વણે. એ સાદડી વણે ત્યાં સુધી કોટ બંધાય અને માણેકબાવા સાંજ પડે સાદડી ખોલી નાખે અને કોટ પડી જાય.

છે ને રસપ્રદ? પછી તો સાંભળ્યા પ્રમાણે આ માણેકલાલ બાવાજીએ બાદશાહ પહેલાં એમના નામનો બુરજ બાંધે તો આગળના કામમાં એ નડતર નહીં ઊભું કરે અને એ માણેક બુરજ હશે ત્યાં સુધી બાદશાહનું શહેર સલામત રહેશે એવી ખાતરી આપી ત્યારે કોટ બંધાયો. એલિસબ્રિજના છેડે ઉભેલા આ માણેક બુરજને જોયાનું યાદ છે?

‘અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે ના જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી..

અમદાવાદના આ કોટની, માણેકબાવાની મઢીની વાત આ રચનામાં અવિનાશ વ્યાસે કરી છે. સીદી સૈયદની જાળી, કાંકરિયાનું પાણી અને ભદ્રકાળીમાં બિરાજેલા માડીને પણ આ ગરબામાં ગાયા છે.

અત્યારે કોઈ કોટ કે કોટ ફરતે કાંગરી રહી હશે કે કેમ એ ત્યાં રોજ જનારને જાણ, પણ અવિનાશ વ્યાસની એ રચના આજે સૌને યાદ હશે.

કહે છે કે, ભદ્રકાળી મંદિરના ચોકથી ગરબો ચઢતો અને ત્રણ દરવાજા સુધી ફરીને પાછો આવતો. દસ-વીસ હજાર લોકોના પગ ઢોલીડાના તાલે ઝૂમે. આપણે તો જરા આંખ બંધ કરીને આ મેદનીની કલ્પના જ કરવાની રહી.

લોકકથા જેમ વરસો વરસ યાદ રહે એમ આ લોકકથાને વણીને લખેલો ગરબોય વરસો વરસ યાદ રહેશે.

‘સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી..’

એકદમ લોકગીત લાગે એવા તળપદી શબ્દોમાં લખાયેલા આ ગરબાના તાલે તો કેટલીય ગુજરાતણો શેરીમાં, સ્ટેજ પર ઉત્સાહભેર ઘૂમી હશે અને આજે પણ ઘૂમતી હશે.

આલેખનઃ રાજુલ કૌશિક

December 6, 2025 at 12:40 pm

‘ દેહદાન ‘-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ

‘ દેહદાન ‘

આસ્થા- કેવું સરસ નામ !

પપ્પાએ દીકરીનું નામ આસ્થા રાખ્યું ત્યારે તેમને મનથી અગાધ વિશ્વાસ હતો કે, આસ્થા ક્યારેય કોઈ પણ સંજોગોમાં પાછી નહીં પડે કે જરાય કમજોર નહીં પડે.

આસ્થા હતી જ એવી. મસ્ત મજાની ખુશહાલ, રમતિયાળ પ્રકૃતિની આસ્થાને વરસાદમાં નહાવું ખૂબ ગમતું. વરસાદનું પાણી તનની સાથે મનને પણ તાજગી આપતું, પ્રફુલ્લિત કરી દેતું.

એ આસ્થા છેલ્લા કેટલાય સમયથી મનથી તૂટતી જતી હતી. અંદરથી અને અંતરથી વેરાઈ રહી હતી. લગ્ન પછી વરસાદમાં નહાવાની વાત તો દૂર હાથમાં વાછટ ઝીલવાની પણ તાકાત રહી નહોતી. લગ્ન અને સંસાર નામની બેડીઓથી પગ બંધાઈ ગયા હતા.

“આ શું? આવી રીતે ખુલ્લેઆમ ભીના થવાનું તને શોભે છે, આસ્થા? ભીના શરીર પર ચોંટી ગયેલા કપડામાં કોઈ જુએ તો કેવું લાગે?” શિવમનો ચીઢ ભરેલો અવાજ સાંભળીને આસ્થા મન મારીને ઘરમાં કામે વળગતી.

શિવમની મરજી એની પર થોપાતી રહી અને આસ્થા શિવમની મરજીના ભાર નીચે દબાતી, કચડાતી રહી. હંમેશાં…હંમેશાં….

******

“આસ્થા, કાલે ગુડ્ડુનો ફોન આવ્યો હતો. કાકાજીની તબિયત જરા વધુ પડતી જ નરમ થતી જાય છે, એ તો ઠીક જાણે, ઉંમર ઉંમરનું કામ કરે, પણ કોણ જાણે કેમ એવું લાગે છે કે એમનો જીવ કશામાં અટવાયો છે. શેમાં, એ ખબર નથી પડતી ! વળી ગુડ્ડુએ બીજી જ એક નવાઈ લાગે એવી વાત કરી.”

આસ્થા પોતાનું કામ અટકાવીને શિવમ સામે જોઈ રહી.

“ગુડ્ડુ કહેતો હતો કે, કાકાજીને મૃત્યુ પછી પોતાની આંખો કોઈ જરૂરિયાતવાળાને દાન કરવી છે અને એમનો દેહ મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સોંપી દેવો છે.”

આસ્થાએ જોયું કે, આ વાત કરતાં કરતાં શિવમનો ચહેરો ગર્વથી ચમકી રહ્યો હતો.

એ રાત્રે આસ્થાને ઊંઘ ન આવી. કાકાજીએ કેટકેટલું જોઈ લીધું હતું ! કાકીનું અવસાન, જુવાનજોધ દીકરીનું વૈધવ્ય, છોકરાઓ વચ્ચે મિલકતની વહેંચણી, હવે શું બાકી રહી ગયું હશે?

આસ્થા છેલ્લે કાકાજીને મળવા ગઈ હતી ત્યારે એ ખૂબ રડ્યા હતા.

“આસ્થા, મારે છોકરાઓ પાસે એક ફૂટી કોડી પણ નથી જોઈતી. મને તો એમની પાસે ચિતાની આગની પણ અપેક્ષા નથી, પણ જમીન-જાયદાદ માટે એકબીજા સાથે ઝગડે નહીં એટલું તો કોઈ એમને સમજાવો..”

તો શું કાકાજીએ એટલા માટે આંખ અને દેહદાન ઈચ્છ્યું હશે?

આજે આસ્થા ખૂબ રડી. આખી રાત કાકાજીની લાચારી પર વિચાર કરતી રહી. ઢળતી ઉંમરે વ્યક્તિ શારીરિક રીતે પીડાય તો એનો ઉપાય મેડિકલ સાયન્સ પાસે છે, પણ મનથી પીડાતી વ્યક્તિ માટે શું?

વિચારોમાં ને વિચારોમાં માંડ રાત પસાર થઈ. સવારે પથારીમાંથી ઊભી થઈ અને બારીની બહાર નજર પડી.

બહાર વાવાઝોડાને લીધે આસોપાલવના ખરી પડેલાં પાંદડા આસ્થાના ઘરના બારણે એકઠા થયા હતા. કદાચે બારણું ખૂલેને આશ્રય મળી જાય એમ ઊડી ઊડીને બારણે આવેલું એક એક લીલું, પીળું-સૂકાઈ ગયેલું પાંદડું એની સામે તાકી રહ્યું હતું. હજુ એમને વાવાઝોડાથી બચવાની આશા હશે !

ગુમસૂમ આસ્થા એ એકઠા થયેલાં પાંદડાંની સામે તાકી રહી. કોને કહે કે, એના મનમાં અત્યારે કેવું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે? કેવી રીતે કહે કે, પોતે પણ એમની જેમ તૂટી તૂટીને વેરવિખેર થઈ છે?

દર વર્ષે દીકરાની આશામાં શિવમે કેટલી નિર્મમતાથી દીકરીઓની ભૃણહત્યા કરાવી છે?

કાકાજીનું તો એમનાં મૃત્યુ પછી દેહદાન થશે તે સમયે શિવમ કોણ જાણે કેટલુંય ગૌરવ અનુભવશે! !

પણ, પોતે તો જીવતેજીવ કેટકેટલી વાર પોતાના સંતાનનું, પોતાની મમતાનું, પોતાના આત્માનું દાન કરી ચૂકી હતી ને ખબર નહીં ક્યાં સુધી કરતી રહેશે.

ક્યારેય શિવમને એનું ભાન થશે ખરું!

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

December 5, 2025 at 3:39 pm

‘સ્ટેનલી પાર્ક’ વેનકુંવર- લેખ/ ૧-ન્યૂઝ ઓફ ગાંઘીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ

વેનકુંવર- ૧

સ્ટેનલી પાર્ક

૨૪ જુલાઈએ ક્રૂઝ પરનો છેલ્લો દિવસ, છેલ્લી રાત હતી. ૨૫મી જુલાઈની સવારે આંખ ખુલી ત્યારે ક્રૂઝ વેનકુંવર ડૉક પર ઊભી હતી. એ ક્ષણ એવું લાગ્યું કે, અરે હમણાં તો ક્રૂઝની સફર શરૂ થઈ છે અને આંખના પલકારામાં એ મઝાની સફર પૂરી પણ થઈ ગઈ !

જેટલું મળ્યું એના આનંદ સાથે મધુરેણ સમાપયેત્ જેવી સફર માટે ઈશ્વરનો આભાર માન્યો.

ક્રૂઝની સફર આરામદાયક તો ખરી જ સાથે એની દરેક વ્યવસ્થા વખાણવા જેવી. સવારે સાડા છ થી શરૂ થઈને આખી રાત સુધી ખુલ્લી રહેતી અલગ અલગ રેસ્ટોરાં, અનેકવિધ અન્ય સુવિધાની સાથે ક્રૂઝ પર દાખલ થઈએ ત્યારે અને પ્રવાસ પૂર્ણ થતા ક્રૂઝ છોડીએ ત્યાં સુધીની વ્યવસ્થા, વાહ..વાહ!

૨૫ જુલાઈની સવારે વેનકુંવર પહોંચવાનું હતું તે પહેલાં આગલી ૨૪ જુલાઈની રાત્રે દસ વાગ્યાથી સૌનો સામાન ક્રૂઝના કર્મચારીઓ દ્વારા લેવાઈ ગયો જે સીધો વેનકૂંવર ઉતર્યા ત્યાં ઇમિગ્રેશન સેન્ટર પર પહોંચી ગયો હતો.

અમારે તો બસ, ઇમિગ્રેશન સેન્ટર પર પહોંચીને બેગો પર લગાવેલ અમારા રૂમનાં નંબરના ટેગ જોઈને અમારો સામાન લઈ લેવાનો હતો.

ઇમિગ્રેશન વિધિ પૂરી કરી ત્યારે અગાઉથી બુક કરાવેલ મીની લક્ઝરીનો ચાલક- જ્હોન અમારી વાટ જોતો ઊભો હતો. સામાન લક્ઝરીના ટ્રંકમાં ગોઠવાયો ને શરૂ થઈ અમારી વેનકુંવર સિટી ટુર.

પર્વતીય પ્રદેશનાં પ્રાકૃતિક સૌંદર્યથી અલગ છતાં ફરવું ગમે એવા બ્રિટિશ કોલંબિયા-કેનેડાના, સૌથી વધુ આબાદીની સાથે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પ્રશાંત મહાસાગરના તટે વસેલા મહાનગર વેનકુંવરમાં ફરવા માટે અમારી પાસે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય હતો જેમાં મુખ્યત્વે સ્ટેનલી પાર્ક, કેપિલોના સસ્પેન્સન બ્રિજ, ‘The Vancouver Lookout’ સેન્ટરના ટોપ ફ્લોર પર ૩૬૦ ડીગ્રી એંગલથી વેનકૂંવર જોવાનો પ્લાન થયો હતો.

કહે છે કે, દુનિયામાં રહેવાલાયક શહેરોમાં છેલ્લા કેટલાક વરસોથી વેનકુંવર પ્રથમ પાંચમાં આવે છે.

૧૭૯૨માં વેનકુંવર શહેરનું નામ નેવી ઑફિસર જ્યોર્જ વેનકુંવરના પરથી પડ્યું એ શહેરના ડાઉનટાઉન એરિઆમાં ફરતાં ફરતાં  બે સૈકા દરમ્યાનના વિકાસનો અંદાજ કાઢી શકાયો. અનેકવિધ જાતિ, અંગ્રેજી, ફ્રેંચ જેવી અનેકવિધ ભાષાના સમન્વય સમું વેનકુંવર કેનેડાનું સૌથી મોંઘા શહેરોમાંનું એક ગણાય છે.

લક્ઝરી કોચમાં જ લગભગ ચાલીસેક મિનિટ ડાઉનટાઉનમાં ફરીને અમે સ્ટેન્લી પાર્ક તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાંથી જ સ્ટેનલી પાર્ક દેખાવાની શરૂઆત થઈ. ૧,૦૦૧ એકરમાં ફેલાયેલા આ પાર્કમાં લગભગ પાંચ લાખ વૃક્ષો છે.

સાંભળીને જ ઓહોહો થઈ જવાયું. લાંબા અરસાથી આંખને ઠંડક આપે એવી આટઅટલી લીલોતરી જોવાની, એમાં ચાલવા, ફરવાના વિચારે જ મન પ્રફુલ્લિત..

૨૦૧૯ માં બ્રિટિશ કોલંબિયા-કેનેડા વિક્ટોરિયાની નજીક બુચાર્ટ ગાર્ડન જોયાનું સ્મરણ તાજું જ હતું. તે પછી આટલી પ્રાકૃતિક જાહોજલાલી પહેલી વાર જોઈ. જોકે, એ ગાર્ડન હતો અને આ હતો પાર્ક.

બુચાર્ટ ગાર્ડનમાં ઇટાલ્યન્ જૅપનીઝ, ચાઇનીઝ ફૂલઝાડની વિવિધતામાં ડિઝાઇનર ટચ હતો જ્યારે અહીં સ્ટેનલી પાર્કમાં પ્રાકૃતિક ફૂલઝાડનું પ્રમાણ ઘણું હતું.

સ્ટેનલી પાર્કમાં ચાલવા માટે ટ્રેક, બાળકો માટે પ્લે એરિઆ, એક્વેરિયમ સહિત અનેક આકર્ષણ તો છે જ સાથે ટોટેમની પણ ઘણી વિવિધતા પાર્કમાં પ્રવેશતાની સાથે જોવા મળી.

૨૦૧૪ ની ૧૮ મી જૂને સ્ટેનલી પાર્કને પ્રવાસ નિગમે ‘વિશ્વનાં શ્રેષ્ઠ પાર્ક’ તરીકે જાહેર કર્યો છે.

સ્ટેનલી પાર્ક એનાં પ્રાકૃતિક વાતાવરણને લઈને તો પ્રખ્યાત છે જ સાથે ૧૯૯૦ની સાલથી સ્ટેનલી પાર્કમાં ટેન્ટ નાખીને શાંતિથી જીવન જીવતા ક્રિસ બેઇલી નામના એક કાળા માથાનાં માનવીએ પણ સ્ટેનલી પાર્કને અનોખી ઓળખ આપી છે. 

ક્રિસે શરૂઆતના ૧૭ વર્ષ ટોર્ચ અને મીણબત્તીના સહારે અને માત્ર ૩૦૦ ડૉલરના ખર્ચમાં પસાર કર્યા. આ વર્ષો દરમ્યાન તેઓ પાર્કના સંરક્ષણ અધિકારીઓ સાથે સંપર્કમાં રહ્યા. પ્રકૃતિ, પશુ અને પંખીના ચિત્રો બનાવવા એ એમનો શોખ હતો.

કેટલાય સમય સુધી સ્ટેનલી પાર્ક ફરવા આવનારમાંથી ભાગ્યે કોઈએ એમની નોંધ લીધી. ત્યારબાદ પોતાની કળા લોકો સુધી પહોંચાડવા ક્રિસે પાર્કની બહાર આવીને લોકોના દરવાજા ખટખટાવવા માંડ્યા ત્યારથી લોકોને ક્રિસની અને એમની કળાની જાણ થઈ.

જોકે, ક્રિસ બેઇલી માટે આ વસવાટ અત્યંત શાંતિપૂર્ણ હતો. અઠવડિયાં સુધી કોઈનીય સાથે વાત કર્યા વગર માત્ર મેડિટેશન, પ્રકૃતિના અભ્યાસ અને પેન્ટિંગ પાછળ સમય પસાર કરવો એ એમની મનગમતી પ્રવૃત્તિ રહી. હવે છેલ્લા કેટલાક સમયથી નિજાનંદ માટે ટેક્નૉલોજિનો ઉપયોગ કરે છે. જાતે મ્યૂઝિક કંપોઝ કરીને મોબાઇલમાં રેકોર્ડ કરે છે. પાર્કમાં અને બહાર આવનજાવન માટે સાઇકલનો ઉપયોગ કરે છે.

વર્ષો સુધી સ્ટેનલી પાર્કમાં રહીને એમણે પ્રકૃતિનું શાંત, સૌમ્ય તેમજ રૌદ્ર સ્વરૂપ જોયું અને અનુભવ્યું છે. ૭૫૦ વર્ષ જૂના વૃક્ષ પર થતી અસરના પણ એ સાક્ષી છે.

ક્રિસ બેઇલી વિશેની જાણકારીથી સ્ટેનલી પાર્ક વધુ રસપ્રદ લાગ્યો.

ઊંચી ઊંચી ક્રોંક્રીટની ઈમારતોની વચ્ચે પ્રકૃતિની સમૃદ્ધિની આવી જાળવણી જોઈને મન સાચે જ ખુશ થઈ ગયું.

સ્ટેનલી પાર્ક પછી અમારી સવારી ઉપડી કેપિલોના સસ્પેન્સન બ્રિજ તરફ, જેની વાત આવતા અંકે

આલેખનઃ રાજુલ કૌશિક 

November 30, 2025 at 12:25 pm

૨૩- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ- ‘અમે અમદાવાદી’/ગુજરાત ન્યૂઝલાઈન (કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

૨૩- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

અમે અમદાવાદી’

અવિનાશ વ્યાસ એવા ગીતકાર હતા જેમણે સર્વ વિદિત વિષયો પર ગીતોની રચના કરી અને સાથે કેટલાક અલગ પ્રકારના ગીતોની રચના પણ કરી જેમાં પત્થર-કોંક્રીટના બનેલા અડાબીડ જંગલ જેવા શહેરોની સૂરીલી શાબ્દિક ઓળખ થાય.  

કહેવાય છે કે, અવિનાશ વ્યાસ એક માત્ર એવા ગીતકાર-સંગીતકાર હતા જેમણે ગુજરાતના મોટા ભાગનાં શહેરો વિશે ગીતો રચ્યા અને એ બધાં ગીતો અત્યંત લોકપ્રિય નિવડ્યા. સાવ સરળ અને લોકભોગ્ય બોલીમાં લખાયેલા આ ગીતોનું લોકમાનસમાં વર્ષો સુધી અનેરું સ્થાન રહ્યું છે.  

અવિનાશ વ્યાસનો જન્મ ખાડીયા રાયપુરમાં આવેલી ગોટીની પોળમાં થયો અને બાળપણ પણ એ ગોટીની પોળમાં વિત્યું એટલે સ્વાભાવિક છે કે અમદાવાદ પ્રત્યે એમને સવિશેષ પ્રેમ અને મમત્વ હોય.  

અમદાવાદના સાબરમતીના તટ પરથી શરૂ થયેલી દાંડીકુચ ભારતને આઝાદી અપાવવાનું નિમિત્ત બની હતી તેથી અમદાવાદનું મહત્વ અનેરું છે. આ વાતને વણી લેતી એમની એક રચના છે જેને આપણે પણ ગર્વથી ગાવી જોઈએ…

અમે અમદાવાદી… અમે અમદાવાદી…

જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી…
ભાઈ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમદાવાનો ઇતિહાસ ભવ્ય હતો. આ એવા અમદાવાદની વાત છે જ્યાં સસલાઓએ ડર્યા વગર શિકારી કૂતરાઓનો સામનો કર્યો અને અહમદશા બાદશાહે આ શહેર વસાવ્યું. આમ તો આપણે પણ જાણીએ છીએ અમદાવાદ ભારતનું માંચેસ્ટર તરીકે ઓળખાતું એટલે એ મિલો અને કારખાનાઓથી ધમધમતા સમયની કલ્પના કરવી સાવ સહેલી છે. જરાક દૂરના ભૂતકાળ તરફ નજર કરીએ તો લાગે કે એ વાતને લઈને અવિનાશ વ્યાસે લગભગ ત્રણ દાયકા પહેલાનાં અમદાવાદની અસલી ઓળખ આ ગીતમાં આપી છે.

અવિનાશ વ્યાસ કહે છે કે અહીં મિલનું ભુંગળું પહેલાં બોલતું અને પછી કૂકડો બાંગ પોકારતો.  અહીં રોટલીનો ટુકડો રળવા સાઇકલ લઈને મિલ મજદૂર ભાગતા. એ મિલ મજદૂરની મજદૂરીથી શહેરની આબાદી વધી.

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચૂકડો
જ્યાં પહેલાં બોલે મિલનું ભૂંગળું, પછી પુકારે કૂકડો
સાઈકલ લઈને સૌ દોડે રળવા રોટીનો ટુકડો
પણ મિલના-મંદિરના ‘નગદેશ્વર’નો રસ્તો ક્યાં છે ઢૂંકડો?
મિલ મજદૂરની મજદૂરી પર શહેર તણી આબાદી
અમે અમદાવાદી!

જોકે, આજના અમદાવાદને જોઈએ તો સવાલ થાય કે સાચે અમદાવાદ આવું હતું ખરું? એ અસલી અમદાવાદ તો જાણે ક્યાંય ખોવાઈ ગયું.  

અમદાવાદીઓની ફિતરત કેવી છે એ તો જગ જાહેર છે. અવિનાશ વ્યાસે અમદાવાદીઓના વલણની સાવ સાચૂકલી છબી દોરી છે. કહે છે કે, અમદાવાદીઓ સમાજવાદી, કોંગ્રેસવાદી, શાહીવાદીને ટપી જાય એવા મૂડીવાદી છે, પણ આપણે સૌ એ જાણીએ છીએ કે આ મૂડીવાદી અમદાવાદ જે ગુજરાતની આ એક સમયની રાજધાની હતી એ આઝાદીની ચળવળનું મધ્યબિંદુ હતું.

અમદાવાદીઓ ખાવાના શોખીન. એમના એ શોખનો અવિનાશ વ્યાસ ઉલ્લેખ કરતાં કહે છે કે આ ફાફડા જલેબીનાની જ્યાફતના શોખીનો ભલે લાગે સાવ સુકલકડી પણ હા, મિજાજના મક્કમ. ધારે તો ભલભલાની ગાદી ઉથલાવવામાં એ પાછા ના પડે. અંગ્રેજોની ગાદી ઉથલાવવામાં મૂઠ્ઠીભર હાડકાના, સાવ સુકલકડી એવા બાપુ જ નિમિત્ત બન્યા હતા ને? 

સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મૂડીવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઈ, અમે અમદાવાદી…

ઉડે હવામાં ધોતિયું ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓ તો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવે તો ભલભલાની ઉથલાવી દે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઈ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

આ અમદાવાદીઓને પારખવા અઘરા એવું અમદાવાદનું, એ પણ સાવ અટપટું. અમદાવાદની પોળમાં જેમનું બાળપણ વિત્યું હોય એ અવિનાશ વ્યાસે અમદાવાદની પોળની વાત કેવી મઝાની કરી છે?  

અમદાવાદની અટપટી પોળોની વાત અવિનાશ વ્યાસે સાવ હળવાશથી આલેખી છે. કહે છે કે, મુંબઈની મહિલા જેવા આ પોળોથી જે અજાણ છે એવા લોકો અહીં ચોક્કસ ભૂલા પડે. જવા નીકળે જમાલપુર અને માણેકચોક પહોંચે અને માણેકચોકમાંથી નીકળીને પાછા માણેકચોકમાં જ પહોંચે.

આ હળવાશે લખેલી વાત જરા જુદી રીતે સાચી છે. અત્યારે આ વાત લખતાં વર્ષો પહેલાં સાંભળેલી વાત યાદ આવે છે કે જ્યારે અંગ્રેજોને હટાવવાની ચળવળ ચાલતી હતી ત્યારે છમકલાં કરીને નાસી જવા ક્રાંતિકારી યુવાનો માટે પોળો આશીર્વાદ સમાન હતી. ક્યાંથી છટકીને ક્યાંય પહોંચી જતા અને અંગ્રેજ પલટન હાથ ઘસતી રહી જતી.

અરે પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પાછી જાય શેરીમાં ઢળી,

શેરી પાછી જાય પોળમાં વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી

મુંબઈની કોઈ મહિલા જાવા જમાલપુર નીકળી

વાંકી ચૂંકી ગલી ગલીમાં વળી વળીને ભલી

માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં મળી

અમે અમદાવાદી!

જો કે અવિનાશ વ્યાસે આવી એકાદી નહીં અમદાવાદ પર અન્ય રચનાઓ પણ કરી છે. ગુજરાત આવે ત્યાં ગરબા આવે. અવિનાશ વ્યાસે આ અમદાવાદને સરસ રીતે સનેડામાં ઢાળ્યો છે . સનેડો આવે તો સૌ તાનમાં આવી જાય ને? 

હે કાંકરિયાની પાળે ને આથમતા અજવાળે, ને આંખડીયુંના ચાળે

મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી રે, હો જી રે મારો હેલો સાંભળો જી રે.. 

આ સનેડામાં પોળની નહીં પણ પોળમાં રહેતી નારીની વાત જરા જુદી રીતે કહી છે. કહે છે કે રાયપુરની રાણી ને સારંગપુરની શાણી, શાહીબાગની શેઠાણી નીકળે ત્યારે સૌ એમને ટીકી ટીકીને જોઈ રહે એવો તો એમનો ઠસ્સો હતો.  

બની ઠનીને જ્યારે તમે પોળમાં નીકળતાં,

ટીકી ટીકી જોનારાનાં હૈયા રે ઉછળતાં…

રાયપુરની રાણી ને સારંગપુરની શાણી, શાહીબાગની શેઠાણી

મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી…..

અવિનાશ વ્યાસના ગીત, ગરબાની જેમ સનેડા માણવા જેવા ખરા. 

આલેખનઃ રાજુલ કૌશિક

November 30, 2025 at 12:21 pm

‘સ્ટેનલી પાર્ક’-વેનકુંવર- લેખ/ ૧ -ન્યૂઝ ઓફ ગાંઘીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ

વેનકુંવર- લેખ/ ૧

‘સ્ટેનલી પાર્ક’

૨૪ જુલાઈએ ક્રૂઝ પરનો છેલ્લો દિવસ, છેલ્લી રાત હતી. ૨૫મી જુલાઈની સવારે આંખ ખુલી ત્યારે ક્રૂઝ વેનકુંવર ડૉક પર ઊભી હતી. એ ક્ષણ એવું લાગ્યું કે, અરે હમણાં તો ક્રૂઝની સફર શરૂ થઈ છે અને આંખના પલકારામાં એ મઝાની સફર પૂરી પણ થઈ ગઈ !

જેટલું મળ્યું એના આનંદ સાથે મધુરેણ સમાપયેત્ જેવી સફર માટે ઈશ્વરનો આભાર માન્યો.

ક્રૂઝની સફર આરામદાયક તો ખરી જ સાથે એની દરેક વ્યવસ્થા વખાણવા જેવી. સવારે સાડા છ થી શરૂ થઈને આખી રાત સુધી ખુલ્લી રહેતી અલગ અલગ રેસ્ટોરાં, અનેકવિધ અન્ય સુવિધાની સાથે ક્રૂઝ પર દાખલ થઈએ ત્યારે અને પ્રવાસ પૂર્ણ થતા ક્રૂઝ છોડીએ ત્યાં સુધીની વ્યવસ્થા, વાહ..વાહ!

૨૫ જુલાઈની સવારે વેનકુંવર પહોંચવાનું હતું તે પહેલાં આગલી ૨૪ જુલાઈની રાત્રે દસ વાગ્યાથી સૌનો સામાન ક્રૂઝના કર્મચારીઓ દ્વારા લેવાઈ ગયો જે સીધો વેનકૂંવર ઉતર્યા ત્યાં ઇમિગ્રેશન સેન્ટર પર પહોંચી ગયો હતો.

અમારે તો બસ, ઇમિગ્રેશન સેન્ટર પર પહોંચીને બેગો પર લગાવેલ અમારા રૂમનાં નંબરના ટેગ જોઈને અમારો સામાન લઈ લેવાનો હતો.

ઇમિગ્રેશન વિધિ પૂરી કરી ત્યારે અગાઉથી બુક કરાવેલ મીની લક્ઝરીનો ચાલક- જ્હોન અમારી વાટ જોતો ઊભો હતો. સામાન લક્ઝરીના ટ્રંકમાં ગોઠવાયો ને શરૂ થઈ અમારી વેનકુંવર સિટી ટુર.

પર્વતીય પ્રદેશનાં પ્રાકૃતિક સૌંદર્યથી અલગ છતાં ફરવું ગમે એવા બ્રિટિશ કોલંબિયા-કેનેડાના, સૌથી વધુ આબાદીની સાથે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પ્રશાંત મહાસાગરના તટે વસેલા મહાનગર વેનકુંવરમાં ફરવા માટે અમારી પાસે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય હતો જેમાં મુખ્યત્વે સ્ટેનલી પાર્ક, કેપિલોના સસ્પેન્સન બ્રિજ, ‘The Vancouver Lookout’ સેન્ટરના ટોપ ફ્લોર પર ૩૬૦ ડીગ્રી એંગલથી વેનકૂંવર જોવાનો પ્લાન થયો હતો.

કહે છે કે, દુનિયામાં રહેવાલાયક શહેરોમાં છેલ્લા કેટલાક વરસોથી વેનકુંવર પ્રથમ પાંચમાં આવે છે.

૧૭૯૨માં વેનકુંવર શહેરનું નામ નેવી ઑફિસર જ્યોર્જ વેનકુંવરના પરથી પડ્યું એ શહેરના ડાઉનટાઉન એરિઆમાં ફરતાં ફરતાં  બે સૈકા દરમ્યાનના વિકાસનો અંદાજ કાઢી શકાયો. અનેકવિધ જાતિ, અંગ્રેજી, ફ્રેંચ જેવી અનેકવિધ ભાષાના સમન્વય સમું વેનકુંવર કેનેડાનું સૌથી મોંઘા શહેરોમાંનું એક ગણાય છે.

લક્ઝરી કોચમાં જ લગભગ ચાલીસેક મિનિટ ડાઉનટાઉનમાં ફરીને અમે સ્ટેન્લી પાર્ક તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાંથી જ સ્ટેનલી પાર્ક દેખાવાની શરૂઆત થઈ. ૧,૦૦૧ એકરમાં ફેલાયેલા આ પાર્કમાં લગભગ પાંચ લાખ વૃક્ષો છે.

સાંભળીને જ ઓહોહો થઈ જવાયું. લાંબા અરસાથી આંખને ઠંડક આપે એવી આટઅટલી લીલોતરી જોવાની, એમાં ચાલવા, ફરવાના વિચારે જ મન પ્રફુલ્લિત..

૨૦૧૯ માં બ્રિટિશ કોલંબિયા-કેનેડા વિક્ટોરિયાની નજીક બુચાર્ટ ગાર્ડન જોયાનું સ્મરણ તાજું જ હતું. તે પછી આટલી પ્રાકૃતિક જાહોજલાલી પહેલી વાર જોઈ. જોકે, એ ગાર્ડન હતો અને આ હતો પાર્ક.

બુચાર્ટ ગાર્ડનમાં ઇટાલ્યન્ જૅપનીઝ, ચાઇનીઝ ફૂલઝાડની વિવિધતામાં ડિઝાઇનર ટચ હતો જ્યારે અહીં સ્ટેનલી પાર્કમાં પ્રાકૃતિક ફૂલઝાડનું પ્રમાણ ઘણું હતું.

સ્ટેનલી પાર્કમાં ચાલવા માટે ટ્રેક, બાળકો માટે પ્લે એરિઆ, એક્વેરિયમ સહિત અનેક આકર્ષણ તો છે જ સાથે ટોટેમની પણ ઘણી વિવિધતા પાર્કમાં પ્રવેશતાની સાથે જોવા મળી.

૨૦૧૪ ની ૧૮ મી જૂને સ્ટેનલી પાર્કને પ્રવાસ નિગમે ‘વિશ્વનાં શ્રેષ્ઠ પાર્ક’ તરીકે જાહેર કર્યો છે.

સ્ટેનલી પાર્ક એનાં પ્રાકૃતિક વાતાવરણને લઈને તો પ્રખ્યાત છે જ સાથે ૧૯૯૦ની સાલથી સ્ટેનલી પાર્કમાં ટેન્ટ નાખીને શાંતિથી જીવન જીવતા ક્રિસ બેઇલી નામના એક કાળા માથાનાં માનવીએ પણ સ્ટેનલી પાર્કને અનોખી ઓળખ આપી છે. 

ક્રિસે શરૂઆતના ૧૭ વર્ષ ટોર્ચ અને મીણબત્તીના સહારે અને માત્ર ૩૦૦ ડૉલરના ખર્ચમાં પસાર કર્યા. આ વર્ષો દરમ્યાન તેઓ પાર્કના સંરક્ષણ અધિકારીઓ સાથે સંપર્કમાં રહ્યા. પ્રકૃતિ, પશુ અને પંખીના ચિત્રો બનાવવા એ એમનો શોખ હતો.

કેટલાય સમય સુધી સ્ટેનલી પાર્ક ફરવા આવનારમાંથી ભાગ્યે કોઈએ એમની નોંધ લીધી. ત્યારબાદ પોતાની કળા લોકો સુધી પહોંચાડવા ક્રિસે પાર્કની બહાર આવીને લોકોના દરવાજા ખટખટાવવા માંડ્યા ત્યારથી લોકોને ક્રિસની અને એમની કળાની જાણ થઈ.

જોકે, ક્રિસ બેઇલી માટે આ વસવાટ અત્યંત શાંતિપૂર્ણ હતો. અઠવડિયાં સુધી કોઈનીય સાથે વાત કર્યા વગર માત્ર મેડિટેશન, પ્રકૃતિના અભ્યાસ અને પેન્ટિંગ પાછળ સમય પસાર કરવો એ એમની મનગમતી પ્રવૃત્તિ રહી. હવે છેલ્લા કેટલાક સમયથી નિજાનંદ માટે ટેક્નૉલોજિનો ઉપયોગ કરે છે. જાતે મ્યૂઝિક કંપોઝ કરીને મોબાઇલમાં રેકોર્ડ કરે છે. પાર્કમાં અને બહાર આવનજાવન માટે સાઇકલનો ઉપયોગ કરે છે.

વર્ષો સુધી સ્ટેનલી પાર્કમાં રહીને એમણે પ્રકૃતિનું શાંત, સૌમ્ય તેમજ રૌદ્ર સ્વરૂપ જોયું અને અનુભવ્યું છે. ૭૫૦ વર્ષ જૂના વૃક્ષ પર થતી અસરના પણ એ સાક્ષી છે.

ક્રિસ બેઇલી વિશેની જાણકારીથી સ્ટેનલી પાર્ક વધુ રસપ્રદ લાગ્યો.

ઊંચી ઊંચી ક્રોંક્રીટની ઈમારતોની વચ્ચે પ્રકૃતિની સમૃદ્ધિની આવી જાળવણી જોઈને મન સાચે જ ખુશ થઈ ગયું.

સ્ટેનલી પાર્ક પછી અમારી સવારી ઉપડી કેપિલોના સસ્પેન્સન બ્રિજ તરફ, જેની વાત આવતા અંકે

આલેખનઃ રાજુલ કૌશિક 

November 30, 2025 at 11:57 am

‘ફરી એકવાર’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘ફરી એકવાર’

ડિસેમ્બરની સાંજે એ ઑફિસથી નીકળ્યો ત્યારે દિવસનો અંતિમ ઉજાસ રાતના પહેલા અંધકારમાં ઓગળી રહ્યો હતો. વાતાવરણમાં કારમી ઠંડીને લીધે ચારેકોર સન્નાટો વધવા માંડ્યો હતો.

દૂર ઈંડિયા ગેટ પાસે ઊભેલા સંત્રીનો આછો અણસાર કળાતો હતો. બેક-વ્યૂ મિરરમાં નોર્થ એવન્યૂનાં બિલ્ડિંગ પરથી ઓસરતો જતો અજવાસ એને જોવો ન ગમ્યો હોય એમ એણે નજર ફેરવી લીધી. 

આજે એને મોડું થયું હતું. ઝડપથી કારમાં બેસીને કાર અને મ્યૂઝિક સિસ્ટમ ચાલુ કરી. કારમાં ગુલામ અલીનો અવાજ રેલાયો. જરા સારું લાગ્યું.

આખા દિવસના કામ પછી ‘પત્ની અને બાળકો રાહ જોતા હશે’, એ વિચારે ઘેર પહોંચવાની અધિરાઈ વધી. એણે કારની ગતિ વધારી.

ગુલામ અલીની ગઝલ પૂરી થઈ અને ‘સીને મૈં જલન આઁખોં મે તૂફાન સા ક્યોં હૈં’ ગઝલના સૂર કારમાં રેલાયા.

અંધકારના અજગરે ધરતીને ગ્રસી જવી હોય એમ એની પર ભરડો લેવા માંડ્યો હતો. રસ્તા પરના અંધકારને દૂર કરવા સ્ટ્રીટ લાઇટ્સ અને ગાડીઓની હેડ લાઇટ્સ રેલાઈ રહી. એણે પણ પોતાની ગાડીની હેડ લાઇટ્સ ઑન કરી.

જનપથના રસ્તા પર આગળ ગ્રીન લાઇટ જોઈને, એ લાલ થાય એ પહેલાં ટ્રાફિક સિગ્નલ ક્રોસ કરવા એ ગાડીની ઝડપ વધારવા જતો હતો ને સામેથી લાલ લાઇટ ક્રોસ કરીને તેજ ગતિએ આવતી એસ.યુ.વી. એને દેખાઈ. બ્રેક મારવાનો સમય મળે એ પહેલાં એસ.યુ.વી. કાર એની કાર સાથે ધડામ કરતી અથડાઈ. ભયાનક અવાજ સાથે એની કાર બે-ત્રણ ગુલાંટ ખાઈને એક તરફ ફંગોળાઈ. એની આંખ સામે અંધારું છવાઈ ગયું.

કોણ જાણે કેટલી વારે એને જરાતરા ભાન આવ્યું. આંખ ખૂલી ત્યારે પોતાની દૂબળી-પાતળી કાયા  ગાડીના તૂટેલા માળખા વચ્ચે ફસાઈ છે એ સમજાયું. માથામાંથી લોહી વહી રહ્યું હતું. ફેફસાં, કરોડરજ્જુ, નિતંબનાં હાડકાથી માંડીને આખા પીડા શરીરમાં અસહ્ય પીડા હતી. લાખ પ્રયાસો છતાં એ સહેજ પણ હલી શકતો નહોતો. ગાડીની બહાર નજર કરી તો એકઠી થયેલી ભીડ દેખાઈ. ગેસ-કટરની મદદથી પોલીસ ગાડીનાં કચડાયેલાં માળખાને કાપવા પ્રયાસ કરતા હશે એવું સમજાયું. મોંઢા સુધી પહોંચેલા રેલામાં પસીના અને લોહીનો મિશ્ર સ્વાદ હતો. એ સખત અકળયો, પણ કરે શું?

થોડા પ્રયાસો પછી એને બહાર કાઢી શકાય એટલી જગ્યા થઈ. શક્ય હોય એટલી સાવધાનીથી એને બહાર કાઢવામાં આવ્યો છતાં શરીરની કારમી પીડાથી એ ચીસ પાડી ઊઠ્યો. આસપાસ અજાણ્યા ચહેરાની વચ્ચે પોતાની અસહાયતાનો અનુભવ આકરો લાગતો હતો.

“એમ્બ્યુલન્સ આવી ગઈ છે,

“ભાઈ, જરા જાળવીને હોં..

“ધીમેથી એમનો હાથ પકડજો…

“આમનો કોઈ વાંક નહોતો. એ તો ગાડી બરાબર ચલાવી રહ્યા હતા. એસ.યુ.વી.વાળાએ રેડ લાઇટ ક્રોસ કરીને ખોટી એન્ટ્રી મારી. મોટી ગાડી અને એર બેગને લીધે એને તો એક ઘસરકોયે નથી પડ્યો.”  જેવા અવાજો કાને પડતા હતા.

એમ્બ્યુલન્સ આવી. સ્ટેચરમાં મૂકવાના પ્રયાસની સાથે એની રાડ ફાટી ગઈ.

“અરે ભાઈ, સાચવીને મૂકો. લાગે છે છે કમર કે પીઠના મણકામાં ઈજા થઈ હોવી જોઈએ. માથાનો ઘા ઊંડો હોવો જોઈએ એમાંથી હજુ પણ લોહી વહે છે. એમની ગાડીનું કચુંબર થઈ ગયું છે, પણ ભાઈ બચી જાય તો સારું.” કોઈ વ્યક્તિની વાત સાંભળીને એને ઘટનાની ગંભીરતા સમજાઈ. આઘાતથી ફરી આંખોની સામે અંધારું છવાઈ ગયું.

અર્ધ બેહોશીની અવસ્થામાં કેટકેટલા ભયાનક વિચારો આવ્યા કે એ પછી સપનું હતું? ખબર નહીં. કેટલો વખત એ બેહોશ રહ્યો? ખબર નહીં, પણ જ્યારે આંખ ખુલી ત્યારે એ હોસ્પિટલમાં હશે એવું લાગ્યું. હાથમાં ડ્રિપ ચઢાવેલી હતી.

અને ફરી એને નજર સામે ધસી આવતી એસ.યુ.વી. કાર દેખાઈ. ફરી એની રાડ ફાટી ગઈ. નર્સ દોડી આવી.

નર્સે જણાવ્યું કે, ‘એની પાંસળીનાં ત્રણ હાડકાં તૂટી ગયાં છે. કરોડરજ્જુમાં ઈજા થઈ છે. નિતંબનું હાડકું તૂટી ગયું હતું. ઓપરેશન કરીને એમાં રૉડ મૂક્યો છે. એના મોબાઇલ પરથી પત્ની અને પરિવારને જણાવી દીધું છે એટલે એ લોકો આવતા જ હશે.’ વગેરે….વગેરે..

અને ફરી એકવાર એની આંખો પર અંધકાર છવાયો. એ બેહોશીમાં સરી પડ્યો ને પહોંચી ગયો ગાઢ જંગલમાં. ચારેકોર જંગલી જાનવરોના ઘુરકાટ, એમાંથી બચવા ભાગવા જતા અંધારિયા કૂવામાં ભફાંગ… બહાર આવવાના તરફડિયા, પણ સાંકળોથી બંધાયેલ હાથ-પગ…

ઓહ! આ શું હતું? મોત એને આંબી રહ્યું હતું? સાવ આમ? અચાનક? આજે એનો વારો હતો? ના…ના..સાવ આમ નથી જવું. એ ચીસ પાડવા ગયો, પણ જાણે જરખ જેવા પ્રાણીએ એના ગળાને પકડમાં લઈ લીધું હોય એમ એને શ્વાસ લેવાના ફાંફા પડવા માંડ્યા.

“Sister, he is sinking, quickly put him on life supporting system.”

એ પછી કેટલો સમય ગયો. ખબર નહીં, પણ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે જાણીતા અવાજ સંભળાયા.

“Oh God ! We are loosing him?” આ અવાજ એ ઓળખે છે. પલાશનો છે.

‘દીકરાનો જન્મ થયો ત્યારે એ અને નેહા કેસૂડાની જેમ મહોરી ઊઠ્યાં હતાં એટલે નામ પાડ્યું, પલાશ. તે પછી દીકરી આવી. પલાશની જોડે શોભે એવું નામ રાખ્યું, શેફાલી.’

આંખો પરથી અંધકાર દૂર થતો ગયો એમ એમ પાસે ઊભેલા ચહેરા કળાવા માંડ્યા.

“પપ્પા…..” પલાશ અને શેફાલીના અવાજ. 

“જાનુ….અમે અહીં જ છીએ.” નેહાએ એનો હાથ પોતાના હાથમાં લીધો.

ઊંડા અંધારિયા કૂવામાંથી એ નેહાનો હાથ પકડીને બહાર આવતો હોય એમ લાગ્યું. આંખો ખુલી. નજર સામે ઉજાસ ફેલાયો. બારી બહાર સૂર્યોદય થઈ રહ્યો હતો. પંખીઓનો કલરવ સંભળાયો.

“હાશ, આજે એનું મૃત્યુ પાછું ઠેલાયું ને ફરી એકવાર જીવન મળ્યું. 

સુશાંત સુપ્રિય લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદઃ  રાજુલ કૌશિક

November 28, 2025 at 11:38 am

કેચિકેન- લેખ/ ૨-ન્યૂઝ ઓફ ગાંઘીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ

કેચિકેન- લેખ/ ૨

૯-– ચલો અલાસ્કા

હા તો મિત્રો ગયા અંકમાં વાત થઈ અમારી અલાસ્કા ટુરના કેચિકેન નામનાં શહેરની, એનાં ટોટેમ જેવાં અનેકવિધ આકર્ષણોની, ‘ટોટેમ હેરિટેજ સેન્ટર’ની.

હવે વાત છે ‘ટોટેમ હેરિટેજ સેન્ટર’માં જોયેલી સાલ્મન માછલીઓની ખાસિયતની. અમારા બસચાલક કમ ગાઇડ સેમભાઈએ કહ્યું એમ આ માછલીનો જીવનકાળ અનેક અલગ તબક્કામાં વહેંચાયેલો છે.

સાલ્મન માદા માછલી ઝરણાં કે નદીનાં મીઠા પાણીમાં કાંકરા જેવા પથ્થરોની નીચે સલામત જગ્યાએ હજારોની સંખ્યામાં ઈંડા મૂકે છે, જેને નર સાલ્મન સેવે છે. જોકે, પ્રદૂષણ અને મોટાં જળચર પ્રાણી લીધે એ તમામ ઈંડા બચશે જ એવી સંપૂર્ણ શક્યતા નથી હોતી.

જે ઈંડાં બચી જાય એ ઈંડામાંથી તાજાં જન્મેલ બચ્ચાં સહેજ મોટાં થાય અને રૂપેરી ત્વચા ધારણ કરે ત્યાં સુધીમાં એ સમુદ્રનાં ખારા પાણીમાં પ્રવાસ કરવા યોગ્ય બની જાય. ત્યારબાદ એ હજારો કિલોમીટરની મુસાફરી આદરે. સમુદ્રમાં આશરે પાંચેક વર્ષ સમય પસાર થાય અને જ્યારે પરિપક્વતાએ પહોંચે ત્યારે ફરી જ્યાં જન્મ થયો હોય એ મીઠાં પાણીનાં મૂળ તરફ યાત્રા શરૂ કરે. પુખ્ત માદા અહીં આવીને ઈંડા મૂકે ને નર ઈંડા સેવે.

અમે જે સાલ્મન માછલી જોઈ એણે લગભગ રૂપેરીમાંથી કાળાશ તરફ રંગ ધારણ કરવા માંડ્યો હતો. અમારા બસચાલક અને ગાઇડ એવા સેમભાઈનાં કહેવા મુજબ ઘણી પ્રજાતિઓમાં, પુખ્ત સૅમન ઈંડાં મૂક્યા પછી તરત જ મૃત્યુ પામે છે અને કેટલીક મરતાં પહેલાં એક વાર પ્રજનન પ્રક્રિયામાંથી પસાર થઈને ‘સેમેલપેરસ’ જીવનચક્ર પૂર્ણ કરે છે, એમાની આ એક જાત હતી.

સાલ્મન માછલી જ્યારે પ્રજનન પછી મૃત્યુ પામે છે ત્યારે સમુદ્રમાંથી પોષકતત્વો નદીઓમાં પરિવહન કરીને ઇકોસિસ્ટમમાં ફાળો આપે છે. પ્રાણીઓ પણ કુદરતને સાચવવામાં પોતાનો શક્ય હોય એટલો ફાળો આપે છે અને કાળા માથાનો માનવી….??

સાલ્મનની પ્રજજન પ્રક્રિયા પછી અંતિમ સફર સમો એ કાળાશ પડતો રંગ જોઈને ત્યાં વધારે સમય ઊભાં રહેવાનું મુનાસીબ ન લાગતા અમે કંઈક નવું જાણ્યાનાં આનંદના બદલે ભારે મને બહાર નીકળ્યાં.

જો સમય હોય તો કેચિકેનમાં ટાવરિંગ ટોટેમ પોલ, મિસ્ટી ફ્યૉર્ડ્સ નેશનલ મોન્યુમેન્ટ, ટોંગાસ નેશનલ ફોરેસ્ટ, અલાસ્કાની સ્થાનિક સંસ્કૃતિ પણ જોવા માણવા જેવા ખરા.

અમારી પાસે જેટલો સમય હતો એમાં જે જોયું, જે માણ્યું એને જીવ્યાં કરતાં જોયું ભલું માનીને ક્રૂઝ પર પરત થયાં ત્યારે સેમભાઈએ એ મોડી રાત્રે કેચિકેનમાં નોર્ધન લાઇટ્સ જોવા મળશે એવી શક્યતાનો ઉલ્લેખ કર્યો એ ક્ષણથી અમે રાત્રીનાં અગિયાર વાગ્યાની રાહ જોતાં અલાસ્કાની પર્વતમાળા પરથી વહી આવતા ઠંડાગાર સુસવાટા મારતા પવનની ઝાક ઝીલીનેય નોર્ધન લાઇટ્સ જોવી છે એવા ઉત્સાહ સાથે ક્રૂઝના સૌથી ટોચના ૧૩ મા ડેક પર પહોંચી ગયાં.

પણ, ધાર્યું હોય એ બધું જ ક્યાં મળે છે? નોર્ધન લાઇટ્સનો નજારો નજરે ન પડ્યો. શક્ય છે સાંજે સાત વાગ્યાથી ઉપડેલી ક્રૂઝે કેચિકેનને ક્યાંય પાછળ છોડી દીધું હોય, એ કારણ પણ હોઈ શકે.

“હશે, જે મળ્યું એ ગનીમત માનીને સવારથી જે ગમતું મળ્યું હતું એનો ગુલાલ હૈયામાં સાચવીને રૂમ પર પાછાં વળ્યાં.

૨૪ જુલાઈનો આખો દિવસ ક્રૂઝ વેનકૂંવર તરફ આગળ ધપતી રહી. અમે ક્રૂઝ પર આટલા દિવસની યાદગાર મુસાફરી માણ્યાંનાં આનંદ સાથે આખો દિવસ ઇન્ડોર એક્ટિવિટી કરીને પસાર કર્યો.

આજે પણ જરા અમસ્તા આંખ બંધ કરીને સ્મરણની સફરે નીકળીએ કે રાત્રે સૂવાનાં સમયે દરિયાનાં આગોશમાં વહેતી ઠસ્સાદાર ક્રૂઝના રૂમની બાલ્કનીમાંથી દેખાતી, જાણે સતત સાથે રહેવું હોય એવી પર્વતમાળા નજરે આવે જ છે. 

એ આખા દિવસની સફર દરમ્યાન અનાયાસે તરતી- રમતી વ્હેલ જોવા મળી જાય તો બાલ્કનીમાં કે ડેક પર ઊભાં રહ્યાંનું લેખે લાગતું.

પણ, વ્હેલને જોયાની એ ઉત્તેજના, એ ઉત્સુકતા શમી કે તરત એ વિચાર આવ્યો કે, આપણે જેમને જોઈને આનંદિત થઈએ છીએ એ જળચર જીવો પર દરિયાઈ આવનજાવન માટે ઉપયોગમાં લેવાય છે એ નાનાં કે મોટાં વાહનોથી માઠી અસર તો પડે જ છે. આ વાહનોનાં મશીનના અવાજ, ક્રૂઝમાંથી ઠલવાતા કચરાથી ફેલાતું પ્રદુષણ પણ દરિયાઈ પ્રાણીઓ માટે માટે અત્યંત નુકશાનકર્તા છે. ક્યારેક તોતિંગ ક્રૂઝની અડફેટમાં આવી જતી વહેલ કે એવાં જીવોના વિચારમાત્રથી અરેરાટી થઈ.

વર્તમાન સમયની જરૂરિયાતને અનુલક્ષીને માનવીની જળ, જમીન, આભ કે અંતરિક્ષની સફર તો હવે ટાળી શકાય એમ નથી, પણ મનથી એટલી પ્રાર્થના થઈ કે, ‘આ દોટમાં જળ, જમીન, આભ કે અંતરિક્ષનાં જીવોને નુકશાન ન પહોંચે તો ગનીમત.’

ક્રૂઝ પરનો એ છેલ્લો દિવસ, છેલ્લી રાત હતી. સવારે આંખ ખુલી ત્યારે ક્રૂઝ વેનકુંવર પહોંચી ગઈ હતી.

વેનકુંવરની સફરની વાત આવતા સપ્તાહે.

આલેખનઃ રાજુલ કૌશિક 

November 23, 2025 at 12:18 pm

‘ઘર’- વાર્તા -ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતનામ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

ઘર

“મમ્મી-ડૅડી ક્યાં હશે? નૈનિતાલમાં હશે કે પાછા જવા નીકળી ગયાં હશે? મમ્મી તો કહેતી હતી કે આ સરસ સ્કૂલ છે. પણ, મને તો જરાય ન ગમી. અહીં કશું જ સારું કે કશું ગમે એવું છે જ નહીં.

“મારી રૂમ પાર્ટનર સુવર્ણા કહેતી હતી કે, અહીં લાંબો સમય રહેવું પડશે. પણ, લાંબો એટલે કેટલો લાંબો? હું તો ક્યારેય મમ્મી વગર એકલી રહી જ નથી તો અહીં કેવી રીતે રહીશ?

“મમ્મી બહુ જ યાદ આવે છે. કેટલું ધ્યાન રાખતી હતી મારું? જ્યુસ, જમવાનું, બધું કેટલા પ્રેમથી કરતી. અહીં તો કોઈ કશું કહેતું કે પૂછતું નથી. બેલ વાગે એટલે જાતે ડાઇનિંગ રૂમમાં જઈને જમી આવવાનું અને ખાવાનુંયે કેવું? જરાય ખાવાનું મન ન થાય એવું.

“મમ્મી કેટલા સરસ ટોસ્ટ બનાવે છે ! અહીં તો ટોસ્ટ જોઈને જ ખાવાનું મન નથી થતું.  મમ્મીને કહીને હું અહીંથી મારું નામ જ કઢાવી નાખીશ. બસ, પછી તો મમ્મી પાસે ઘરમાં. હાશ !

“પણ, મમ્મી ક્યારે આવશે? મમ્મીની યાદ આવે છે ને હું રડી પડું છું. જમવાની જેમ સૂવાના સમયે પણ મમ્મી બહુ યાદ આવે છે. રાત્રે સૂવાના સમયે મારે અને રાજુને મમ્મી સાથે જ સૂવું હોય. રાજુ બહુ જબરો. સૂવાનો સમય થાય એટલે દોડીને મમ્મી પાસે પહોંચી જ જાય. મમ્મી પણ એને ઝટ દઈને ખોળામાં લઈ લેતી. જોકે, રાજુ ઊંઘી જાય એટલે તરત જ મારી તરફ ફરીને મને વહાલથી એની પાસે ખેંચી લેતી.

“રાજુ…“મારો નાનો ભાઈ.

“અમે ગમે તેટલું ઝગડીએ, પણ પાછા એક થઈને સાથે રમીએ, સાથે જમીએ.

“હું સાડી પહેરી, લિપસ્ટિક લગાવી, સેંડલ પહેરીને મમ્મી બનું. એક નાની બેગમાં જે હાથમાં આવે એ મૂકીને અમે ટ્રેનમાં દિલ્હી જવાની રમત રમીએ. રાજુ છુક છુક, ભખ છુક કરતો ટ્રેનની જેમ દોડે અને હું એની પાછળ.

“મારી સાથે રૂમમાં રહે છે એ સુવર્ણા બહુ સારી છે, પણ એ કંઈ અમારી જેમ ટ્રેન ટ્રેન તો ના જ રમે ને?

“પહેલાં તો નાના-નાનીનાં ઘેર જવા મળતું. ત્યારે મમ્મી, નાની, નાના સૌ કેટલી બધી વાર્તાઓ કહે છે!

“નાના ઊંઘી ગયા હોય ને તો પણ હું વાર્તા સાંભળવા એમને ઊંઘમાંથી ઊઠાડું. સૌથી મઝાની વાર્તા તો મીરાંમાસીની. એવી જાત જાતની વાર્તાઓ બનાવે. ઘડીકમાં ભેંસને સાડી પહેરાવી, ગાડી લઈને માર્કેટ મોકલે તો ક્યારે બિલ્લીને સ્કર્ટ પહેરાવી બગીચામાં મોકલે.

“નાના-નાનીનાં ત્યાં રહેવાની બહુ મઝા આવે. સૌરભ હોય…નીતિ હોય…. એમની સાથે વળી નવી જાતની રમત. કોણ જાણે નાના-નાનીનાં ત્યાં ક્યારે જવા મળશે?

“મમ્મીએ મને અહીં મોકલી જ કેમ? કાલે જ સુવર્ણા કહેતી કે, હવે ઘર કરતાં અહીં વધારે રહેવાનું. એ સાંભળીને તો હું રડી જ પડી. મમ્મી મળવા આવશે તો કહી જ દેવાની છું કે, નથી રહેવું મારે અહીંયા.

“અહીં તો ઊંઘમાંથી ઊઠો એવા સીધા બ્રશ કરો, નાહવા જાવ, નાસ્તો કરો, ભણવા બેસો. બસ બીજી કોઈ વાત જ નહીં. આયાબહેન હોય તો પણ જાતે જ પથારી સંકેલવાની. મારાથી એટલી મોટી પથારી અને રજાઈ સંકેલાતી નથી. ક્યારેક સુવર્ણા મદદ કરે તો ક્યારેક બડબડ કરતા આયાબહેન મદદ કરે. સુવર્ણા કહેતી કે એ આપણને શીખવાડે છે. એ જે હોય તે, પણ મને આયાબહેન જરાય ગમતા નથી.

“ઘેર હોઈએ તો કંઈ નોકર કે બાઈની દેન છે અમને કંઈ કહી શકે? મમ્મી એમને જ લઢી નાખે.

“એક મિસિસ જોસેફ સારાં છે. મમ્મીને કાગળ લખવા એમની પાસે પોસ્ટકાર્ડ લેવા ગઈ તો સારી રીતે વાત કરી અને કહ્યું, ‘રોજ રોજ કાગળ ન લખાય. શનિવાર પોસ્ટકાર્ડ મળશે ત્યારે લખજે.

“અરે બાપરે ! હજુ તો આજે સોમવાર થયો. મંગળ, બુધ, ગુરુ, શુક્ર….શનિવારને કેટલા બધા દિવસની વાર છે !

“વળી, મમ્મીને આવવાની તો એનાથીયે ઘણી બધી વાર છે. અત્યારે માર્ચ ચાલે છે. એ પછી એપ્રિલ, મે, જૂન અને છેક ત્રણ મહિના પછી જુલાઈ આવે ત્યારે મમ્મી આવશે. મમ્મી-ડૅડી વગર જરાય નથી ગમતું. રાત્રે ઊંઘમાં દીદી..દીદી કહીને બોલાવતો રાજુ યાદ આવે છે.

“આ વખતે તો જઈશ તો નાના-નાની પાસે જઈશ. પણ, ક્યારે?

“સુવર્ણા કહે છે કે, ભણવા માટે હોસ્ટેલમાં રહેવું પડે. નથી ગમતી મને આ હોસ્ટેલ. ઘર બહુ યાદ આવે છે.

“મમ્મી મળશે ત્યારે એને પૂછીશ કે, ‘તું ભણી ત્યારે હોસ્ટેલમાં રહી’તી ખરી?”

અંજના વર્મા લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદઃ ‘ઘર’

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

November 22, 2025 at 3:11 pm

૨૨- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ- ‘પથ્થર પસંદ કેમ કર્યો’ -ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

૨૨- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

‘પથ્થર પસંદ કેમ કર્યો’

આદિ એટલે કે મૂળ અને અનાદિ એટલે જેના આરંભની જાણ નથી એવું પરમતત્વ.

આ આદિ કે અનાદિકાળથી આજના અદ્યતન સમયકાળ સુધીની આપણી યાત્રામાં કોણ જાણે કેટલાય પડાવો આવ્યા હશે. સાવ અજાણ્યા બોલાશમાંથી બાર અક્ષરની બારાક્ષરી રચાઈ હશે. સમયની સાથે અન્ય અક્ષરો એમાં ઉમેરાયા. શબ્દોમાંથી વાક્યો ને વાક્યોથી વાત-વ્યહવાર. શબ્દોમાંથી સાહિત્ય સર્જાયું. એવી રીતે સંગીતની પણ ઉત્પત્તિ વિશે જાણવા પ્રયાસ કરીએ તો એ ક્યાંક પ્રાચીન સમય સુધી પહોંચે. કુતૂહલવશ થોડું જાણવા પ્રયાસ કર્યો.

સંગીતના બે મુખ્ય પ્રકાર છે એવું આપણે જાણીએ છીએ. શાસ્ત્રીય અને સુગમ સંગીત.

ભારતીય સંસ્કૃતિને સ્પર્શતું, ભારતીય સંગીત મૂળે ‘રાગ સંગીત’ કહેવાતું એમાંથી નામ અપાયું ‘શાસ્ત્રીય સંગીત’. લોકસંગીત અને શાસ્ત્રીયસંગીતથી જરા અલગ કરવાના આશયથી હળવા કંઠ્ય સંગીતને નામ અપાયું સુગમસંગીત..

સુગમ સંગીત ભારતીય સંગીત વિદ્યાનું એક અંગ છે. જે સરળતાથી શીખી કે ગાઈ શકાય, જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય, જે લોકોમાં પ્રિય હોય તેને સુગમ સંગીત તરીકે ઓળખવામાં આવે છે. લોકપ્રિય ગીત, લોકપ્રિય સંગીત, ભજન, ફિલ્મ ગીતો વગેરે આ પ્રકારના સંગીતની શ્રેણીમાં આવે.

સુગમસંગીતને રાગસંગીત અને લોકસંગીતનું વારસદાર કહી શકાય. સુગમસંગીતનો વ્યાપ ઘણો વિશાળ છે. સુગમસંગીત એટલે લોકસંગીત, દુહાછંદ, રાસડા, પ્રાદેશિક સંગીત, સાવન, ચૈતી, પવાડાની વિશિષ્ટ પ્રસ્તુતિ પણ ખરી.

આવા સુગમસંગીતમાં અનેક લોકોના પ્રદાનને લઈને આજ સુધી એમનું નામ કાયમ રહ્યું છે જેમાનું એક સન્માનીય નામ એટલે અવિનાશ વ્યાસ. એવા અનેક નામ છે જેમનો આપણે આદરપૂર્વક ઉલ્લેખ કરતાં આવ્યા છીએ. એવું એક નામ રાસબિહારી દેસાઈ.

આ નામથી ગુજરાત અને સૌ ગુજરાતીઓ પરિચિત છે. સુગમસંગીત માટે એ કહે છે કે, “સુગમ સંગીત મૂળમાં તો એક કલા જ છે. આ કલાનો વિચાર સૌંદર્યના પાયા પર રચાયેલો છે. સૌંદર્યને આજે સામાન્ય અર્થમાં રુચિ, આનંદ, મજા, મનોરંજન સાથે સાંકળી લેવામાં આવ્યું છે. સૌંદર્યની સાચી ભાવના તો વસ્તુગત છે. સ્વયંભૂ સર્વનિષ્ઠ પૂર્ણતા તો પરમેશ્વરનો આવિષ્કાર છે.”

પરમેશ્વરનો મહિમા આપણે જાણીએ છીએ એમ અવિનાશ વ્યાસે એમના ગીતોમાં, ભજનોમાં સાવ સરળતાથી ગાયો છે તો વળી એ પરમેશ્વર સાથે રોજનો વાર્તાલાપ હોય એમ એમને સવાલ પણ પૂછ્યો છે. સામે પ્રભુ એમના સવાલનો ઉત્તર આપે તો એ શું કહે એ પણ પ્રભુ વતી કહી દીધું છે.

કેવી સરસ વાત ! ખુદ સવાલ, ખુદ જવાબ.

એક રીતે જોઈએ તો એમનો સવાલ સાચો છે. જેણે સમગ્ર વિશ્વના કણકણનું સર્જન કર્યું. જે સત્વમાં તત્વમાં, વાયુ, વાદળ, સૂર્ય, ચંદ્ર, ત્રિલોકમાં સર્વવ્યાપી છે. જે નિરંતર નિરાકાર છે એને આકારનું સ્વરૂપ આપવાનું હોય તો એના માટે શું વિચારીએ?

ઈશ્વરને આકાર સ્વરૂપ આપવાનું હોય તો સૃષ્ટિમાં જે સૌથી અનુપમ હોય એની જ પસંદગી થવી જોઈએ પરંતુ અહીં તો આપણે ઈશ્વરને પાષાણમાં આકારિત કર્યા. જો મનુષ્યે એમને પાષાણમાં આકારિત કર્યા છે તો સવાલ મનુષ્યના બદલે પ્રભુને કેમ? કારણ કે આપણે નિર્મિત માત્ર છીએ, નિર્માણ તો એ ઉપરવાળો કરે છે એટલે સવાલ એને જ હોય.

અવિનાશ વ્યાસ પ્રભુને પૂછે છે,

“તેં પથ્થર પસંદ કેમ કર્યો?

અરે કે’ને ઓ કરુણાના સાગર
અને કોણે જઈ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર,
હોય ભલે મસ્જિદ મંદર,
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર

ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો.

ભલે પથ્થરના પણ છે તો એ પ્રભુ. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે લંકામાં સીતા સુધી પહોંચવા રામને સાગર પાર કરવાની જરૂર પડી ત્યારે શ્રીરામ શબ્દ કોતરીને જે પથ્થર પાણીમાં તરતા મુકાયા એ ડૂબવાની જગ્યાએ તરવા માંડ્યા અને લંકા સુધી પહોંચવાના રામસેતુનું નિર્માણ થયું. આજે થયેલા સંશોધનની વાત કરીએ તો એ સમયે ઉપયોગમાં લેવામાં આવેલા એ પથ્થરો એવા હતા કે જે નિશ્ચિત જગ્યાએ સ્થાપિત કરવાથી પાણીમાં ડૂબે નહીં અને અન્ય પથ્થરોના પણ આધાર બને. જ્યારે આપણી પૌરાણિક કથાઓને આધારિત રામાયણ અનુસાર માનીએ તો રામનામ લઈને તરતા મુકવામાં આવેલા એ પથ્થર શ્રદ્ધાની એરણ પર ખરા ઉતર્યા. હવે આ વાતને યાદ રાખીને પ્રભુ જવાબ આપે તો એ જવાબ શું હોય એ અવિનાશ વ્યાસે પોતાના શબ્દોમાં રજૂ કર્યો છે.

એ કહે છે,

“તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઈ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

છે ને, પથ્થરોમાં સ્થિત પ્રાણસ્વરૂપ પ્રભુનો જવાબ પણ લાજવાબ !

આલેખનઃ રાજુલ કૌશિક

November 21, 2025 at 1:50 pm

૮- કેચિકેન- અલાસ્કા, ન્યૂઝ ઓફ ગાંઘીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ

કેચિકેન-

૮- ચલો અલાસ્કા

૨૩ જુલાઈએ અમે પહોંચ્યાં કેચિકેન.

દરેક વખતની જેમ ક્રૂઝ પરથી ઉતરીને કેચિકેન ફરવા માટે બસ જ લેવાની હતી. આગળ કહ્યું એમ અહીં બસચાલક ગાઇડની જેમ માહિતી પૂરી પાડે. કેચિકેન પણ અમને સેમ નામે જે બસચાલક મળ્યા એમણે કેચિકેનની પ્રાથમિક ઓળખ આપીને બસ ઉપાડી ત્યાંથી ટુર પૂરી થઈ ત્યાં સુધી સતત માહિતી આપે રાખી.

એમનાં કહેવા પ્રમાણે ખાવા, હાઇકિંગ-ટ્રેકિંગ, શોપિંગનાં શોખીનો તો અહીં આવે જ છે સાથે અહીં આવનાર માટે પ્રવાસીઓ માટે ટોન્ગાસ હિસ્ટોરિકલ મ્યુઝિયમ અને ટોટેમ હેરિટેજ સેન્ટર પણ મુખ્ય આકર્ષણ છે.

અમે બસમાં ચઢ્યાં તે પહેલાં ડાઉનટાઉનની દુકાનોમાંથી થોડી ઘણી ખરીદી કરી જ લીધી હતી. શું છે કે, અલાસ્કા ટ્રિપની સ્મૃતિ અમારાં મનમાં તો રહેવાની જ હતી, પણ પરિવાર માટે ટોકન સમા સરસ મઝાનાં લખાણ સાથે ટી-શર્ટ કે હૂડી મળતાં હોય તો એ લીધાં વગર ક્યાં રહેવાય !

કેચિકેન તરફ આગળ વધતા રસ્તામાં સૌની વ્હેલ જોવાની ઘેલછાની ખબર જ હોય એમ ક્યાંક દૂરથી વ્હેલ દેખાય તો સેમભાઈ બસ ઊભી રાખે.

‘આ ઓર્કા, પેલી હમ્પબેક, ઓલી ગ્રે વ્હેલ, પેલી બ્લૂ વ્હેલ’ કહીને ઓળખાણ કરવતા જાય.

દૂરથી સીલ, ‘બાલ્ડ ઈગલ’ (ગરુડ) જોવા મળે તો તો બસ ઊભી રહી જ સમજો.

અહીંની કહેવાતી ‘બેર સેન્ચ્યૂરી’ પાસે જઈને સેમભાઈએ બસ ઊભી રાખી. દૂર પૂલ નીચે અચાનક ગાઢી વનરાજીમાં ફરતું ચરતું બેર દેખાય એ આશાએ ઘણીવાર ઊભાં રહ્યાં, પણ વ્યર્થ રહ્યું.

આ કંઈ પ્રાણીબાગમાં પૂરેલાં પ્રાણીઓ નથી, એ તો મનમરજીના માલિક. આપણે જોવા ઈચ્છીએ ત્યારે ન દેખા દે અને આપણે ધાર્યું પણ ન હોય અને યુકોનમાં દેખા દીધી એમ દેખા દઈ દે.

ટોન્ગાસ હાઇવે પર વસેલ કેચિકેન શહેરનું નામ કેચિકેન ક્રીક પરથી પડ્યું.

આશરે ૧૩,૯૪૮ જેટલી વસ્તી ધરાવતું કેચિકેન પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક સમન્વય ધરાવતું શહેર છે. કેચિકેનમાં ફરતાં ફરતાં એક વાત ધ્યાનમાં આવી કે, જેમ આપણે ત્યાં ઠેર ઠેર એકાદ નાનકડી દેરી હોય એમ અહીં ઠેર ઠેર ટોટેમ જોવા મળે. આ ટોટેમ એમની સંસ્કૃતિનાં પ્રતીક છે. પ્રત્યેક ટોટેમની સાથે એ પરિવારનાં પૂર્વજ, કુળ, સંપ્રદાય, પરંપરાગત ઇતિહાસની વાર્તા કે દંતકથા સંકળાયેલી હોય. લાકડાંને કોરી, અજબગજબનાં રંગરોગાન કરીને જે મહોરાં તૈયાર થાય એમાં દાનવ, પશુ, પંખી વગેરેનો આભાસ થાય.

આ બધું જોતાં જોતાં આગળ વધ્યા ત્યાં સેમભાઈએ કેચિકેનમાં સૌ પ્રથમ પીવીસી (PVC) પાઇપની શરૂઆત કરનાર, પીવીસી (PVC) પાઇપ થકી કેચિકેનને પીવાનાં પાણીનો પુરવઠો પૂરો પાડનાર વ્યક્તિનાં ઘર પાસે બસ ઊભી રાખી. કેચિકેનનો વિકાસ અને સમૃદ્ધિના આધારરૂપ આ પ્રોજેક્ટમાં વિવિધ વ્યક્તિઓનું યોગદાન છે.

રસ્તામાં આવતા ટોટેમ ઓછા હોય એમ અમારી સવારી પહોંચી ‘ટોટેમ હેરિટેજ સેન્ટર’. કેચિકેનનાં સૌથી વધુ ટોટેમ આ પાર્કમાં જોવા મળે. એથી વધુ ટોટેમ જોવા હોય તો બીજા ‘ટોટેમ બાઇટ સ્ટેટ પાર્ક’ જવું પડે, પણ અત્યાર સુધી જેટલાં ટોટેમ જોવા મળ્યાં એનાથી અમને સંતોષ હતો ને વળી સમયમર્યાદા પણ સાચવવી પડે એમ હતી એટલે ‘ટોટેમ હેરિટેજ સેન્ટર’ પછી ‘ટોટેમ બાઇટ સ્ટેટ પાર્ક’ જવાનો લોભ જતો કર્યો.

હવે ‘ટોટેમ હેરિટેજ સેન્ટર’ની એક ખૂબી વિશે વાત..

અહીં આઠ વર્ષનાં બાળકોથી માંડીને અઢાર વર્ષને વયે પહોંચેલા યુવાન-યુવતીઓએ બનાવેલો પાર્ક છે.

આમ તો આઠ વર્ષનાં બાળકો પાસે કામ લેવું એટલે બાળમજૂરીના ધારા હેઠળ ગુનો કહેવાય, પણ આ કામમાં એમનું કૌશલ્ય દર્શાવવાની તક હતી એટલે સંપૂર્ણ કામ એમનાં વાલીની દેખરેખ હેઠળ સંપન્ન થયું. કેવી સરસ વાત !

આ તો બધી થઈ લોકો થકી તૈયાર થયેલ કાર્યની. હવે આવે છે કુદરતની કમાલ જેવી નારંગી કે ગુલાબી રંગની, રૂપેરી ભીંગડાંવાળી સામન (સૅમન) માછલી અને એનાં જીવનચક્રની વાત.

‘ટોટેમ હેરિટેજ સેન્ટર’માં આગળ વધ્યા ત્યાં એક સાવ નાકડો પુલ આવ્યો. પુલ પાસે આવીને સેમભાઈએ અમને સૌને અટકીને નીચે વહેતાં છીછરાં પાણીના નાનકડા વોંકળામાં તરતી માછલીઓને ધ્યાનપૂર્વક જોવા કહ્યું.

પહેલાં થયું કે અત્યાર સુધીમાં આટાઅટલી ઓર્કા, હમ્પબેક, ગ્રે વ્હેલ, બ્લૂ વ્હેલ’ બતાવી હવે અહીં આટલા સાંકડા વહેણમાં તે વળી શું નવતર જોણું હશે ! અહીં તો દેખા દઈને ગરક થઈ જાય એટલું ઊંડું પાણી પણ નથી તો ધ્યાનપૂર્વક જોવાનો આગ્રહ કેમ?

 છતાં સેમભાઈના કહેવા મુજબ કુતૂહલવશ અમે નીચે ડોકિયું કર્યું. માત્ર ડોકિયું કરવાથી વાત પતે એમ નહોતી. એના માટે તો સેમભાઈની વાત સાંભળવી પડે એમ હતી. એમણે આ નાનકડા પુલની નીચે આમતેમ તરતી સૅમન( સામન-સૅલ્મન) માછલીઓ વિશે જે વાત કરી એ અમારા માટે નવી હતી. વાત સાંભળ્યા પછી એ માછલીઓને ધ્યાનપૂર્વક જોઈ. 

એ રસપ્રદ વાત આવતા અંકે.
આલેખનઃ રાજુલ કૌશિક 

November 18, 2025 at 4:17 pm

૨૧- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ- અવિસ્મરણીય રચનાઓ.ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માંપ્રસિદ્ધ લેખ. 

૨૧- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

અવિસ્મરણીય રચનાઓ.

૧૯૬૦થી ૧૯૮૦નો દાયકો એક અલગ સૂરીલો અંદાજ લઈને આવ્યો. આ સમય દરમ્યાન આપણા ગુજરાતી કવિઓ, ગીતકારો એટલા તો સમૃદ્ધ ગીત-સંગીત લઈને આવ્યા કે ઘર-ઘર સુધી, લોકોના મન સુધી એ વ્યાપ્યાં. એ સમયે ક્યાં આટલા સોશિઅલ પ્લેટફોર્મ હતા? આજની જેમ ટી.વી પર યોજાતી ટેલેન્ટ હંટના નગારા તો દૂર દૂરથીય સંભળતા નહોતા. ત્યારે એ સમયે પ્રભાવ હતો રેડિયોનો. રેડિયો પર ગુજરાતી ગીતો સાંભળીને સૌ ગાતા-માણતા થયાં.

પણ આ ગીતો એટલે શું? એ વિશે વિચારીએ તો એના માટે સૌના મનમાં કંઈક અલગ વિચાર, અલગ અનુભૂતિ હશે. સૌને થતું જ હશે કે, ગીત અને કવિતા કે કાવ્યમાં શું અલગ પડતું હશે? નેટના માધ્યમે શોધતા કેટલાક જવાબો મળ્યાં.

ગીત એટલે સાહિત્યપૂર્ણ અર્થવાળી શબ્દમય રચનાની; સુમધુર; સ્વર, તાલ, રાગ, અને લય દ્વારા થયેલી અભિવ્યક્તિ. સ્વરનિયોજિતતા, રસાત્મકતા, રાગીયતા, અર્થસભરતા, અલંકાર સહિતના લક્ષણો ધરાવતી કોમળ પદાવલી એટલે ગીત.

કવિ સુંદરમ કહે છે એમ “ગીત એ કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પર ઊગતો છોડ છે. ગીત માત્ર નાજુક લલિત હળવી ઊર્મિલ રચના છે.”

લાભશંકર પુરોહિત કહે છે કે, “ઉત્કટ ભાવોની લયપૂર્ણ ગાનાભિવ્યક્તિ એટલે ગીત.”

રમેશ પારેખે કહ્યું કે “ગીત એ શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માથે મથતું કાવ્ય.”

ડૉ, વિનોદ જોશીના મતે “ગીતને આકાર નહીં અનુભૂતિ સાથે નાતો છે.”

જો કે ગીત કે સંગીત વિશે કંઈ પણ કહી શકાય કે લખી શકાય એટલી જાણકારી નથી કે નથી ગીત-સંગીત વિશે કહેવા કે લખવાની કોઈ ક્ષમતા, પરંતુ જીજ્ઞાસા થાય ત્યારે એ અંગે કશુંક જાણવાની ઈચ્છા જાગે. આવી કોઈ જીજ્ઞાસાવશ જે કંઈ જાણકારી મળી એ અહીં રજૂ કરી છે.

ગીત કે સંગીતને કોઈ એક વ્યાખ્યામાં બાંધી શકાય કે કેમ એ તો કોઈ તજજ્ઞ જ કહી શકે. એક સંગીતને સમજતી વ્યક્તિએ કરેલા વિશિષ્ઠ વિશ્લેષણને જોઈએ તો એમાં ગીતની થોડીક સમજાય એવી લાક્ષણિકતા જડી. સંગીતનું આંતરિક તત્વ એટલે ઉત્કટભાવોર્મિનું બે માત્રાથી માંડીને આઠ માત્રાઓમાં લય આવર્તન અને પ્રાસની યોગ્ય ગોઠવણી. ગીતનું કેન્દ્ર ભાવ હોય છે. ધ્રુવ પંક્તિ સાથે અંતરનું અનુસંધાન, લય, રાગ, ઢાળનું વૈવિધ્ય અને એનું યથા યોગ્ય નિરુપણ. પ્રતીક, કલ્પન, અલંકારનો સહજ ઉપયોગ.

કોઈ પણ સફળ ગીતકારની રચનામાં આ તમામ કથિત બાબતોનો સુભગ સમન્વય હોય ત્યારે એ ગીત આપણી ઊર્મિઓને સ્પર્શે. જ્યારે ગીતની રચના થાય એ પછી એ સ્વરબદ્ધ થાય. સ્વરાંકન થાય અર્થાત સંગીતરૂપી પ્રાણ ઉમેરાય. ગીત કોઈ અન્ય ગીતકાર લખે અને સ્વરાંકન અન્ય સંગીતકાર કરે ત્યારે સુરેશ દલાલ કહે છે એમ ‘સંગીતકારે કવિ કે ગીતકારના ઊર્મિતંત્રમાં પ્રવેશ કરવો પડે.’ એના માટે સુરેશ દલાલ પરકાયા પ્રવેશ શબ્દનો ઉપયોગ કરે છે. એ કહે છે કે, કોઈ પણ ગીત કેવી રીતે લખાયું હશે, શા માટે, શેના માટે લખ્યું હશે અથવા એને શું અનુભવ થયો હશે એ સમજવું પડે. એ અનુભવ જો સંગીતકાર ન કરી શકે તો સંગીતકાર ગીત કંપોઝ કરી ના શકે. એ ગીતમાં રહેલા ભાવ કે ઊર્મિ લોકો સુધી ન પહોંચાડી શકે.

જો કોઈ એક ગીતકારને એમના જ શબ્દો માટે સંગીત આપવાનું હોય ત્યારે એમના માટે એ અનુભવ સાવ પોતિકો જ બની રહે. એ ગીતની સંવેદના, ગીતની ભાવોર્મિને સાવ સહજતાથી સંગીતમાં સજાવી, સમજાવી, વ્યક્ત કરી શકે. અવિનાશ વ્યાસ એક એવા ગીતકાર હતા જે પોતાના શબ્દોને સંગીતની સૂરાવલિમાં પોરવતા.

એમની કેટલીય રચનાઓ છે જેમાં ગીતકાર અને સંગીતકાર એમ બંને માટે અવિનાશ વ્યાસ લખાય છે અને જે ગીત અને સંગીત બંને દ્વારા લોકહૃદયે વસી છે.

આપણે આભમાં દેખાતા તારાઓ માટે કહેતા કે,

‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય મારા આભલામાં માય.’

એવી રીતે અવિનાશ વ્યાસના અતિ લોકપ્રિય ગીતો વિશે કહેવું હોય તો એમ કહી શકાય કે,

‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં અને વરસો સુધી વીસરાય નહીં.’

એમની કેટલીય રચનાઓ તો એવી કે અવિનાશ વ્યાસ નામ લેતા માનસપટ પર ટકોરા માર્યા વગર યાદ આવી જાય. એમણે રચેલા ગીત, ગરબામાંય કેટલું વૈવિધ્ય?

ગીતોમાં એમણે અમદાવાદ, રાજકોટ, મુંબઈ જેવા શહેરોની યાત્રા કરાવી. સાસરી પિયરના સંબંધોની મીઠાશને શબ્દોમાં આલેખી. સાસરે જતી દીકરી માટેનું વિદાય ગીત હોય કે સાસરીમાં રહીને પિયરની યાદ કરતી કન્યાની વાત હોય, આજે પણ આંખ ભીની કરી દે છે. એમણે જ્યારે પ્રેમગીતો રચ્યા તો એમાં મિલન અને વિરહને વાચા આપી.

અવિનાશ વ્યાસના ભક્તિસભર ભજન અને ચિંતનગીતો આજે પણ હૃદયને ખૂબ સ્પર્શે તો એમણે લખેલા શેરીથી માંડીને સ્ટેજ પર રજૂ થતા ગમતીલા ગરબાનું ફલક પણ એટલું જ વિશાળ.

ગુજરાત અને ગુજરાતી ભાષાનેય એ નથી ભૂલ્યા તો રાસ દુલારી જેવી નૃત્યનાટિકાઓને આપણે નથી ભૂલ્યા.

કાલિંદરીના ઘાટે રંગીલાની વાટ જોતા રંગભેરુ હોય, બાંકી પાઘલડીના ફૂમતામાં શોભતો પાતળિયો હોય કે પછી પાટણના મોંઘા પટોળા લાવતા છેલાજી હોય, આજે અને આવતી કાલે પણ એ એવા જ ગમતા ગરબાની હરોળમાં પ્રથમ સ્થાને રહેવાના.

ચરરર ચરરર ચકડોળ મારું ચાલે, ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો, રાખના રમકડાં, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, મારા રામના રખવાળા ઓછા હોય નહીં, પંખીડાને આ પીંજરું જૂનુ જૂનું લાગે જેવી ચિંતનાત્મક રચનાઓએને લઈને એ સદા અમર અવિનાશ, અવિનાશી અવિનાશ કહેવાયા.

આ તો થોડા ગણ્યાગાંઠ્યા ગીતો કે ગરબા છે બાકી તો આગળ કહ્યું એમ ગણ્યા ગણાય નહીં, વીણ્યાં વીણાય નહીં અને વરસો સુધી વીસરાય નહીં.”

આલેખનઃ રાજુલ કૌશિક

November 15, 2025 at 4:22 pm

‘ જિજીવિષા’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના) સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ

જિજીવિષા

કેશવ વર્માની ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે સિત્તેર વર્ષની આયુ, વિશિષ્ઠ સેવા માટે મેડલ પ્રાપ્તિ, ફોજ અને ગોલ્ફ પ્રતિ અપ્રતિમ પ્રેમ.

રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ કેશવ વર્મા આજે પણ પાંચેક કિલોમીટર દૂર ગોલ્ફ કૉર્સ પર અવશ્ય જાય છે અને તે પણ સાઇકલ પર.

જોકે, હવે એમના શરીરની ક્ષમતા ઓછી થવા માંડી છે, આંખો નબળી પડવા માંડી છે, પાર્કિન્સન્સના લીધે હાથમાં કંપન છે એટલે રમતા નથી, પણ ગોલ્ફના અચ્છા ખેલાડી હોવાના લીધે કોઈ પણ આર્થિક વળતરની અપેક્ષા વગર નવા નિશાળીયાઓ સાથે પોતાના અનુભવો, પોતાનું રમતનું જ્ઞાન વહેંચતા રહે છે.

શરીર અને આંખોની ઓછી થતી ક્ષમતાના લીધે સાઇકલ લઈને આટલે દૂર સુધી જવું જોખમી તો ખરું જ. સૌ એમને આ અંગે ટોકતા અને ઘરમાં જ એક્સરસાઇઝની સાઇકલ લઈ લેવાની સલાહ આપતા.

પણ, કર્નલને ઘરની બંધિયાર હવા કરતાં બહાર બદલાતી દુનિયા, લોકોની અવરજવર જોવી ગમતી. સાંજે પાંચ વાગ્યે નીકળેલા કર્નલ સાડા છ સુધી ઘેર ન પહોંચે તો પુત્રવધૂ નમિતાનો જીવ ટોડલે જ ટીંગાયેલો રહેતો. કર્નલને પુત્ર કરતાં પુત્રવધૂ પર વધુ સ્નેહ હતો. નમિતા હતી પણ એવી જ. ઑર્થડૉન્ટલ સર્જન નમિતાની ધમધકોર પ્રેક્ટિસ હોવા છતાં ઘર અને કર્નલનું ખૂબ ધ્યાન રાખતી. બરાબર ચાર વાગ્યે એ કર્નલ માટે ચા બનાવીને લઈ આવતી. ચા પીતાં પીતાં બંનેની વાતોની પોટલી ખૂલતી. નમિતાને ખબર હતી કે, આ એક નાની અમસ્તી પરવાથી કર્નલ કેટલા ખુશ થઈ જાય છે, બાકી રસોઈ કરવા બાઈ તો હતી જ.

હંમેશાં ગોલ્ફ કૉર્સ જતા કર્નલ માટે એકાદ મહિના પહેલાં મિત્ર બનેલા દક્ષિણ ભારતીય કન્નનને મળવાનું એક વધુ આકર્ષણ ઉમેરાયું હતું.. ભારતીય રેલ્વેના રિટાયર્ડ ઉચ્ચ અધિકારી કન્નનને પણ  ગોલ્ફમાં કર્નલ જેટલો જ રસ.

થોડો સમય ગોલ્ફ રમીને એ કર્નલ પાસે આવીને બેસે અને પછી તો ગોલ્ફની, આર્મીની, રાજકારણની, બદલાતા વાતાવરણની વાતો થાય.

કન્નનની પ્રકૃતિ ઉગ્ર. હાયપરટેન્શન અને ડાયાબિટીસની બીમારી પણ ખરી. એની સામે નિયમિત યોગ, કસરત, બાગકામ કરતા કર્નલ કન્નન કરતાં ઉંમરમાં મોટા હોવા છતાં શારીરિક રીતે વધુ ચુસ્ત લાગતા.  

કર્નલ અને કન્નન બંને મિત્રોમાં વિધુર હોવા સિવાય અન્ય કોઈ સામ્યતા નહોતી. કન્નને રેલ્વેની નોકરી દરમ્યાન મોટું ઘર લીધું. પત્ની, દીકરાઓ અને દીકરી સાથે સુખી સંસાર માણ્યો. દીકરીને પરણાવી એનાં એક જ મહિનામાં પત્નીનું અવસાન થયું. દીકરાઓ એક પછી એક જુદા થયા. દીકરી અવારનવાર કન્નનની ખબર લેતી. એક બાઈ હતી જે ઘરનું કામ કરતી. દર અઠવાડિયે ડૉક્ટર ચેકઅપ માટે આવી જતા. બધું બરાબર પણ નમિતા જેવી ગુણવાન પુત્રવધૂ અને સંચિતા જેવી પૌત્રીને લીધે કર્નલ પોતાને વધુ નસીબદાર માનતા.

*****

એ દિવસે સાંજનાં છ વાગ્યા છતાં કન્નન આવ્યા નહોતા. પોણા સાત વાગ્યે ગોલ્ફનો સમય પૂરો થવા આવ્યો, દરરોજના જૉગર્સ, પ્રેમીપંખીડા ચાલ્યા ગયા. ગુલમહોર પર રેલાતી સોનેરી રોશની સૂર્યદેવે સંકેલી લીધી. પંખીઓનો કલશોર મટી ગયો ને છતાં કન્નન ન આવ્યા. અંતે સાઇકલ લઈને ધીમી ગતિએ કર્નલે ઘર તરફ પ્રયાણ કર્યું.

આમ ને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું. મિત્રની રાહ જોઈને કર્નલ નિરાશ થતા ઘેર પહોંચતા. ફોન કર્યો. કન્નનનો મોબાઇલ સ્વીચ ઑફ હતો. ઘરનું સરનામું જાણતા નહોતા. કર્નલની અકળામણ નમિતા સમજી શકતી, પણ કરે શું?

હવે તો કન્નન વગર કર્નલને ગોલ્ફ કૉર્સ પણ ખાલી ખાલી લાગવા માંડ્યો. કન્નનના ઉત્સાહિત અવાજ, ખડખડાટ હાસ્ય વગર વાતાવરણ સૂનું લાગવા માંડ્યું.

અચાનક દૂર ગોલ્ફના ખેલાડીઓની વચ્ચે કન્નનના જૂનિયર અધિકારી ફિરોઝને કર્નલે જોયા. દોડતા- હાંફતા કર્નલ ફિરોઝ પાસે પહોંચ્યા ત્યારે ઢળતી ઉંમરના પડાવે મળેલા મિત્ર માટે જે ઉત્તેજના કર્નલ અનુભવી રહ્યા હતા એવી ઉત્તેજના તો એ ફોજમાં હતા ત્યારે પણ નહોતી અનુભવી.

ફિરોઝે જે સમાચાર આપ્યા એ સાંભળીને કર્નલ એકદમ સ્તબ્ધ.

*******


મૅસિવ હાર્ટએટેકને લીધે ક્રિટિકલ કંડીશનમાં મુકાયેલ કન્નનને હોસ્પિટલના આઇ.સી.યુ.માં એડમિટ કરવામાં આવ્યા હતા.

શરીરમાં જરાય તાકાત કે ચેતના ન રહી હોય એમ માંડ માંડ કર્નલ ઘર તરફ પાછા ફર્યા.

બીજા દિવસે નમિતા કર્નલને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે કન્નનને એન્જિયોપ્લાસ્ટી પછી કાર્ડિયોલૉજી ડિપાર્ટમેન્ટના પોસ્ટ ઑપરેટિવ વૉર્ડમાં ખસેડાયા હતા. કન્નન પાસે એમની દીકરી હતી. એના કહેવા પ્રમાણે રિકવરી ખૂબ ધીમી હતી.

જોકે, કર્નલને જોઈને કન્નનના ચહેરા પર આછું સ્મિત ફરક્યું.

“You bloody, never said anything to me?” અસલી ફોજી મિજાજમાં કર્નલથી બોલાઈ ગયું.

“અંકલ, શું કહું તમને? પપ્પાને રાત્રે ઊંઘમાં જ એટેક આવ્યો હશે. કોણ જાણે કેમ પણ કોઈ     અંતઃ સ્ફુરણાને લઈને સવારે ઑફિસ જતા પહેલાં હું પપ્પાને મળવા ગઈ ત્યારે એ લગભગ બેભાન અવસ્થામાં હતા. બાઈને એમ કે, પપ્પા ઊંઘે છે. સવારે જો હું ન ગઈ હોત તો…” બોલતાં બોલતાં એની આંખ અને અવાજ ભરાઈ આવ્યાં.

“બેટા, તું જરાય ચિંતા કરીશ નહીં હવે ગોલ્ફ કૉર્સના બદલે રોજે અહીં મહેફિલ જામશે. તારે ઑફિસ કે ઘેર જ્યાં જવું હોય ત્યાં નિરાંતે જજે. નમિતા, તું પણ સંચિતા આવે તે પહેલાં ઘેર પહોંચ. હું ટેક્સી કરીને ઘેર આવી જઈશ.

“અને તું જલ્દી સાજો થઈને સ્પેશિયલ રૂમમાં આવ પછી જો તારી બરાબર ખબર લઉં છું કે નહીં?

“અરે! હું તો ઠીક ગોલ્ફ કૉર્સ પણ તારી વાટ જુવે છે અને તારી સાથે મળીને ગોલ્ફ પર એક પુસ્તક લખવાનું વિચાર્યું છે. આ આજકાલનાં છોકરાઓ શું જાણે કે, ખરેખર ગોલ્ફ શું છે?” કર્નલે મિત્રને સાજા કરવાનો હવાલો પોતાના હાથમાં લઈ લીધો.

કન્નનની ભીની આંખોમાં ગોલ્ફ કૉર્સની સાંજ તરવરતી હતી. ગોલ્ફ કૉર્સનાં લીલાંછમ મેદાનો, પાણી ભરેલા પારદર્શી ખાડાઓમાં વૃક્ષોનાં પ્રતિબિંબ, લાંબા પહોળા મેદાનોમાં જીતેલી ટુર્નામેન્ટ્સ અને બંને મિત્રોના અંતરંગતાના પ્રતીક સમું પુસ્તક…

અને, નિશ્ચેત જેવા કન્નનના મનમાં આ સપનું પૂર્ણ કરવાની જિજીવિષા જાગી.

મનીષા કુલશ્રેષ્ઠ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ- રાજુલ કૌશિક

રાજુલ કૌશિક

November 15, 2025 at 8:17 am

‘ગુલાબી સપનું’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘ગુલાબી સપનું’

મહાનગરોમાં હોય એવી એ વ્યસ્ત સાંજ હતી. નાની મોટી રકમ આપીને ખુશી ખરીદી શકાય એવી અનેક લોભામણી દુકાનોની રોશની કાચની દીવાલોની બહાર સુધી રેલાતી હતી.

યુવાનીના આરે ઊભેલ દંપતિએ રોડસાઇડ પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કર્યું ને સામે દેખાતી દુકાનમાં પ્રવેશ્યાં. કાચનું બારણું ઠેલીને બે ડગલાં અંદર જતાની સાથે ખોટી જગ્યાએ આવી ગયાં હોય એવી ભોંઠપ અનુભવી. બહાર નીકળી જવાનું વિચારે એ પહેલાં જ કાઉન્ટર પર બેઠેલા દુકાનના માલિકની નજર એમની પર પડી અને ભારે ઉત્સાહથી બંનેને આવકાર્યા.

“આવો..આવો..આપની જ દુકાન છે.”

હવે તો પારોઠનાં પગલાં ભરવાની કોઈ શક્યતા રહી નહીં. ચહેરા પરની ભોંઠપની સાથે અપરાધભાવ પણ ઉમેરાયો. ભારે સંકોચ સાથે સોફા જેવી ખુરશી પર બેઠાં.

દુકાનમાં મેનીક્વિન પર નજર ગઈ. પતિએ સામેના અરીસામાં દેખાતી પોતાની જાતની સરખામણી કરી. ઑફિસનું સાદું શર્ટ, બહુ બધી વાર પહેરાયેલું પેન્ટ, રેક્ઝિનનો પટ્ટો અને ચામડાની સેન્ડલ. સાથે બેઠેલી પત્ની પણ આવો જ કોઈ ભાવ અનુભવી રહી હતી.

મેનીક્વિને પહેરેલ જરીકામના પાલવની સાડીનો ભપકો જોઈને એણે પણ અરીસામાં નજર કરી.

પચ્ચીસ રૂપિયામાં લારી પરથી ખરીદેલી બંગડીઓ, સેલમાંથી લીધેલી સાડી અને એવી જ ચંપલ. હા, એક ચીજ હતી જેના દામ કરતાં એની પાછળનો ભાવ વધુ મૂલ્યવાન હતો, એ હતું ઝીણી કીડિયાસેરમાં પરોવેલું નાનું અમસ્તું સોનાનું મંગળસૂત્ર.

બંનેની નજર ટકરાઈને પતિએ પોતાની અકળામણ ઠાલવી,

“કેટલી વાર કહ્યું છે કે બહાર નીકળતી વખતે તો સહેજ સરખી તૈયાર થા, પણ ના. કંજૂસાઈની હદ હોય કે નહીં? પેલું પાંચસો રૂપિયાવાળું કડું કબાટમાં મૂકી રાખવા લીધું છે?”

“એ તો સારા પ્રસંગે પહેરવા સાચવી રાખ્યું છે. આમતેમ પહેરીને ખરાબ થશે તો બીજું આવશે ક્યાંથી?” પત્ની આગળ બોલે તે પહેલાં સેલ્સમેન સામે આવીને ઊભો.

“બોલો મેડમ, શું બતાવું?”

“ગિફ્ટમાં આપી શકાય એવી સાડી.” પતિએ જવાબ આપ્યો.

કાચના શો-કેસમાંથી સેલ્સમેને જે સાડીઓ કાઢી એ જોઈને બંને ડઘાઈ ગયાં.

આછાં આસમાની રંગની સાડી પર જડેલા દૂધિયા નંગથી તો એવું લાગ્યું કે જાણે આસમાન પર ચમકતાં તારલા દુકાનમાં ઉતરી આવ્યા ના હોય!

“આ એકદમ નવા ટ્રેન્ડની સાડી છે.”

મૌન બેઠેલાં પતિ-પત્નીને જોઈને સેલ્સમેને બીજી સાડી ખોલી.

“આ સાડી સૂરતથી ફક્ત અમારા શોરૂમ માટે જ હમણાંજ આવી છે. માર્કેટમાં ક્યાંય આ માલ જોવા નહીં મળે. તમે સૌથી પહેલાં ઘરાક છો, હજુ તો બીજા કોઈએ જોઈ પણ નથી.

“થોડી રીઝનેબલ ભાવની સાડીઓ બતાવશો? ઘર માટે લેવાની હોય તો ઠીક છે, આ તો ગિફ્ટમાં આપવાની છે.”

લીલીછમ ધરતી પર સોનાની વરખ પાથરી હોય એવી ઝગમગતી સાડીનો ભાવ પૂછ્યા વગર જ પતિ ઉતાવળે બોલ્યો. રખેને ત્રીજી પણ એવી જ સાડી બતાવે જેમાં એમનું આખા મહિનનું બજેટ વપરાઈ જાય તો પણ ન લઈ શકે.

“અરે મારા સાહેબ, અમારા શોરૂમથી સસ્તું બીજે કશે જ નહીં મળે. બહાર જે ચીજ પાંચ હજારમાં મળે એ અહીં માત્ર સાડા ત્રણ હજારમાં બતાવું છું.”

કિંમત સાંભળતાની સાથે રખેને અડવા માત્રથી સાડી પરનાં ચાંદ-તારા કે સોનાનાં ફૂલ ખરી પડશે ને દુકાનદાર એની નુકસાનીનું વળતર માંગશે એવા ભયથી પત્નીએ હાથમાં પકડેલો સાડીનો પાલવ છોડી દીધો.

બીજી તરફના શોકેસ તરફ સેલ્સમેન વળ્યો ને સાડીઓ લઈને આવે એ પહેલાં પત્નીએ ઊભા થઈને સપનું જીવી લેવા માંગતી હોય એમ નંગ, મોતી જડેલી, જરદોસી વર્કવાળી લાલ, પીળી, નીલી, કિરમજી રંગની સાડીઓ, ચણિયાચોળી જોવા માંડી.

સેલ્સમેને બીજી દસ સાડીઓ લાવીને મૂકી.

“આ ફક્ત બારસોમાં કુમકુમ સીરિયલમાં પહેરે છે એ સાડી.”

અને પછી તો ‘પેલી સીરિયલમાં પહેરે છે એ ફક્ત નવસો પચાસમાં, ઓલી સીરિયલમાં પહેરે છે એ ફક્ત આઠસોમાં ફલાણી, ઢીકણી સીરિયલમાં પહેરે છે એ હજારમાં.’ કહીને સેલ્સમેને સાડીઓની પ્રશસ્તિમાં પાછા ન પડવું હોય એમ એક પછી એક સાડીઓ પોતાના ખભા પર ગોઠવીને એની ખૂબીઓ બતાવવાની માંડી.

પતિ- પત્નીના ચહેરા પરની ઉદાસીનતા જોઈને એને ખ્યાલ આવવા માંડ્યો હતો કે, તલમાં કેટલું તેલ છે. પતિના ખીસ્સામાં કેટલો ભાર છે.

ધીરેધીરે સાડીઓના ભાવ ઓછા થવા માંડ્યાં. “આ સાતસોની, આ સાડા છસ્સોની” એ બોલવામાં સેલ્સમેનનો રસ અને જોશ પણ ઓછાં થવા માંડ્યાં.

એટલામાં પત્નીની નજર શોકેસમાં દેખાતી બાંધણી પ્રિન્ટ પર પડી.

“આ સાડી…?”

“મેડમ એ સાડી નહીં ચણિયો છે. ફક્ત બે હજારનો છે. જો ગમ્યો હોય એને મેચિંગ ઓઢણી ને બ્લાઉઝ મળી જશે?”

“બે હજાર?” પત્નીનો અવાજ આઘાતથી અસ્પષ્ટ હતો.

“ના…ના.. ભાઈ તમે ત્રણસો ચારસોની રેન્જમાં આવે એવી જ સાડી બતાવો.” પતિ હવે અકળાયો હતો, પણ અકળામણ છતી ન થાય એવા નરમ અવાજે બોલ્યો.

“બહાર ડેઇલી વેરની સાડીઓ મૂકી છે. જોઈ લો અને એમાંથી કોઈ પસંદ પડે તો કહેજો.” સેલ્સમેન ભારે સાડીઓ સમેટીને બીજા ગ્રાહક તરફ વળ્યો.

“મારી પાસે બચતનાં બે હજાર છે.” પત્ની ત્યાંથી ખસવા તૈયાર નહોતી.

“રાશિ, જે કામ માટે આવ્યાં છીએ એમાં અને આપણાં બજેટને ધ્યાનમાં રાખીશ, પ્લીઝ? ” પત્નીનું મન હજુ એ ચણિયા-ચોળીમાં અટકેલું જોઈને પતિએ એને ટોકી.

પતિના બોદા અવાજમાં રાશિને એમાનાં બે વર્ષના દાંપત્યજીવનનો પડઘો સંભળાયો.

લગ્ન પહેલાં જોયેલા મીઠ્ઠાં સપનાં, લગ્ન પછી માંડેલી ગૃહસ્થી, એક એક તણખલું મેળવવા ખેડેલો સંઘર્ષ. બધું સાગમટે યાદ આવતા એ બહાર ગોઠવેલી ડેઇલી વેરની સાડીઓ તરફ વળી.

લગ્ન સમયે સેવેલાં ગુલાબી સપનાં જેવા રંગની એક ગુલાબી સાડી પસંદ કરીને પેક કરવા આપી દીધી.

*****

“તને એ ચણિયા-ચોળી બહુ ગમ્યા હતા, નહીં?”

દુકાનમાંથી બહાર નીકળીને પતિએ પૂછ્યું. એના અવાજની ઉદાસી રાશિએ પારખી, પણ જાણે પતિએ કશું કહ્યું જ ન હોય એમ પતિનો હાથ પકડીને સામે ઊભેલા ચાટવાળા તરફ ખેંચી ગઈ.

“કેટલાય દિવસોથી આપણે ભેળ કે ચાટ ખાધાં નથી, નહીં?”

ફૂલ પર મંડરાતા પતંગિયા જેવી ખુશીથી રાશિનો ચહેરો ચમકી ઉઠ્યો.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

November 10, 2025 at 2:46 pm

૬- સ્કેગવે-યુકોન ટુર-અલાસ્કા. ન્યૂઝ ઓફ ગાંઘીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ .

– સ્કેગવે-યુકોન ટુર-

ચલો અલાસ્કા

યુકોન સ્કેગવેની ટુર એટલે ગ્લેશિયર, લેક, વોટરફોલ, વાઇલ્ડ લાઇફ (જો નસીબમાં હોય તો) અને સૌથી વધુ તો નવાઈ લાગે એવું રણ.

ચારેકોર લેક, સ્નો અને વોટરફોલ હોય, એનાં લીધે લીલીછમ હરિયાળી હોય ત્યાં વળી રણ કેવું? છતાં, રણ છે જે અમે જોયું.

સવારે અગિયાર વાગ્યે શરૂ થયેલી આ ટુરમાં બહાર જોવામાં એક પળ નજર ફેરવી એટલે સમજો કે કંઈક જોવાનું ગુમાવ્યું.

સૌથી મઝાની વાત એ કે, અહીં બસ ડ્રાઇવર જ આપણા ગાઇડ. ટુર શરૂ થાય ત્યારથી અંત સુધી એ તમામ જગ્યાઓ વિશે માહિતી પીરસે. આપણે કાન બસની અંદર અને નજર બારી બહાર રાખીને એ સાંભળવાનું, જાણવાનું ને માણવાનું.

યુકોન ટુરની બસચાલક અને ગાઇડ મોનિકા એકદમ હસમુખી, વાચાળ અને સ્ફૂર્તિલી. દરેક જગ્યા વિશે કંઈક માહિતી આપતી તો રહે જ સાથે કોઈ સરસ જગ્યા આવે એટલે તરત બસ થોભાવીને સૌ નિરાંતે એ જગ્યા જોઈ શકે અને ફોટા લઈ એટલો સમય અને તક આપતી ત્યારે પ્રવાસીઓ કરતાં એને વધુ આનંદ થતો.

ટુરમાં એક નવ પરણિત જર્મન કપલ હતું. નર્યા માખણમાંથી બનાવી હોય એવી એ યુવતી અને એની સાથે શોભે એવો યુવક તો સૌનાં આકર્ષણનું કેન્દ્ર.

એ બંને કેવા કેવા પોઝ આપે છે એ જોવાની સૌને મઝા આવતી.  એવું લાગ્યું કે ટુરમાં આવાં રમકડાં જેવા લોકો હોય તો એનીયે મઝા છે.

હા, તો પાછા ફરીએ યુકોન ટુરની વાત પર. ઘણાં લોકો એમ જ માને અને બોલે, કે પહાડ, પાણી અને પથરા તો બધે સરખાં, પણ ખરેખર જોઈએ તો દરેક જળ અને સ્થળનું સૌંદર્ય સાવ નોખું.

અલાસ્કાની બોર્ડર ક્રોસ કરીને કેનેડામાં પ્રવેશ્યાં ત્યારે દેખીતો ફરક અનુભવ્યો. અહીં રસ્તામાં પસાર થયા ત્યારે ગ્લેશિયરમાંથી ઓગળીને વહી આવતા અનેક વોટર ફોલ આવ્યા. ક્યાંથી આવે છે અને ક્યાં સમાય છે એ વિષય થોડો અટપટો કારણ કે એ જાણવા એનાં ભૌગોલિક કારણો અને તારણો સુધી જવું પડે.

જોકે મોનિકા એ વિગત પીરસતી હતી જેનો અત્રે ઉલ્લેખ કરીએ તો પ્રકૃતિનાં અદ્ભુત સૌંદર્ય પર નિબંધ લખ્યા જેવો ઘાટ બને.

યુકોન પહોંચીને લંચ બ્રેક માટે ઊભાં રહ્યાં ત્યાં પ્રાણીઘર જેવું મ્યુઝિયમ હતું. અહીં વસંતઋતુનાં આગમનના છડીદાર ‘ટ્રમ્પેટર સ્વાન’થી માંડીને તોતિંગ કદનાં બાયસન, મોટાંમસ શિંગડાંવાળા સાબર, પ્રાચીન કાળમાં જ જોવા મળતા ઊન જેવા વાળવાળાં કદાવર હાથી, જળબિલાડી, ખચ્ચર જેવાં દેખાતાં હરણ, સફેદ ઊનવાળાં અસામાન્ય કદનાં બકરાં, રીંછ, વરુ, માઉન્ટન લાયન તેમજ અનેક જંગલી પ્રાણીઓ જોયાં. કોઈ કેમિકલથી આ મૃત પ્રાણીઓને સાચવીને સાચુકલાં સામે ઊભા હોય એવી રીતે ગોઠવેલા હતા.

મ્યુઝિયમ જોઈને વળી અલાસ્કા તરફ પાછા ફરવાનું હતું, પણ પ્રવાસ અહીંથી પૂરો થવાનાં બદલે કંઈક અવનવા દૃશ્યોને લઈને વધુ રસપ્રદ બનતો ગયો.

અલાસ્કાથી કેનેડા તરફ જતા અને પાછા ફરીએ ત્યારે રસ્તામાં અનેક લેક જોવા મળ્યાં.

આ લેકનાં પાણીનાં રંગ જોઈને એવું લાગે કે કેટલી કુશળતાથી ઈશ્વરે આ એકમેકમાં ભળતાં છતાં અલગ આભા ધરાવતા રંગોની ભેટ ધરી છે !

કેનેડાનાં એમરલ્ડ લેકમાં એનાં નામ જેવા નીલમ રંગની છાયા જોઈ.. આછાં વાદળી રંગની સાથે આસપાસની લીલોતરીનું પ્રતિબિંબ ઝીલતો જરાતરા લીલો લાગતો પાણીનો રંગ અને પહાડોની છાયા ઝીલીને એમાં ભળી જતો ઘેરો ભૂરો રંગ…વાહ રે કુદરત, તારી કમાલ.

એમાં વોટર સર્ફિંગ, કાઇટ સર્ફિંગ, પેરાસેઇલિંગ કરતા લોકોને જોઈને એમની હિંમતને દાદ આપ્યા વગર ક્યાં રહેવાય?

એમરલ્ડ લેક પર ઊભાં રહીને નિરાંતે આ બધી એક્ટિવિટી માણી પછી આગળ અવધિ વટાવે એવું  એક આશ્ચર્ય અમારી રાહ જોતું હતું. 

એ હતું ‘કારક્રોસ’ રણ.

અફાટ સૌંદર્ય સમા એમરલ્ડ લેક પછી આવી સૂકી ભઠ્ઠ જમીન ! નવાઈ તો લાગે જ ને!

 આમ તો આ જગ્યા એટલી ભેજવાળી છે કે એને રણ કહેવાય કે કેમ એ સવાલ થાય, પણ ખરી વાત એ છે કે અન્ય સ્થાનો કરતાં આસપાસનાં પર્વતોથી ઢંકાઈને રહેતી આ ભૂમિ પર પ્રમાણમાં વરસાદનું પાણી ઓછું, વર્ષે માંડ ૨૦ ઇંચ જેટલું પહોંચે છે પરિણામે આ ભાગ સાવ સૂકો રહી ગયો છે. કારક્રોસને ઉત્તર અમેરિકાથી વહી આવતા પવનથી ભેગો થયેલો રેતીનો ટેકરો કે ઢૂવો પણ કહી શકાય કારણ કે ભેજવાળી જમીન હોવા છતાં રણની સૂકી રેતીનાં આ ઢૂવાને જોઈને રણ જેવો જ ભાસ થાય. કારક્રોસમાં અલાસ્કા કે કેનેડાનાં પ્રમાણમાં ભાગ્યેજ જોવા મળે એવી વનસ્પતિ અને દાભ જેવું ઘાસ જોવા મળ્યાં.

ઊભાં રહીને જોઈ શકાય એવી આ રણ જેવી જગ્યાની છેલ્લી મુલકાત પછી હવે ક્યાંય બસ થોભશે નહીં કહીને મોનિકાએ બસને ગતિ આપી, પણ મોનિકા જેનું નામ, આગળ જતાં બ્લેક બેર જોઈને વગર કહ્યે એણે જ બસ ઊભી રાખી દીધી. એનેય ખબર હશે કે આવા એકાદ બે રખડતાં બેર જોયા વગર સફર પૂરી ક્યાં થઈ કહેવાય !

વળી આગળ વધ્યાં ત્યાં દૂર વોટર ફોલ નીચેથી પસાર થતી ટ્રેન જોવા એણે બસ થોભાવી. સાચે જ એ મનલોભાવન દૃશ્ય હતું.

યુકોનની આ મઝાની ટુર પૂરી કરીને ક્રૂઝ પર પરત થયાં ત્યારે સૌએ ‘મોનિકા… ઓ માય ડાર્લિગ” કહીને એને નવાજી. કદાચ એણે ભારતીય પ્રવાસીઓ પાસે એ ગીત સાંભળ્યું હશે એટલે એણે પણ અમારાં કોરસમાં સાથ આપ્યો.

આલેખનઃ રાજુલ કૌશિક

November 2, 2025 at 2:01 pm

 જાદુની ઝપ્પી-ગુજરાત મેઈલ દૈનિકમાં પ્રસિદ્ધ લેખ.

 જાદુની ઝપ્પી

દિવાળી રંગેચંગે, મોજમઝાથી ઉજવાઈ ગઈ ને જોતજોતામાં વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ ભૂતકાળ બની ગયું. જે આજ હતી એ ગઈકાલ બની ગઈ. અનેક ખાટીમીઠી યાદો મનમાં રહી ને નવાં વર્ષનાં નવા સંકલ્પો સાથે સૌ પાછા રોજિંદી ઘટમાળમાં જોડાઈ ગયા.

દિવાળીની ઉજવણીની, દિવાળીના યાદગાર અનુભવોની કેટલીય વાતો કહેવાઈ અને લખાઈ. સૌએ દિવાળી ઉજવવાની પોતપોતાની અંગત માન્યતા કે લાગણીઓ વ્યક્ત કરી. અનેક સહૃદયી લોકોએ દિવાળી માત્ર અંગત સ્વજન કે પરિવાર પૂરતી ઉજવવાના બદલે અનાથાશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં ઉજવી એ જાણીએ તો મન રાજીપો અનુભવે.

આવી વાતો કે અભિવ્યક્તિથી એક વાત ફલિત થાય છે કે, સુખ માત્ર પોતાના પૂરતું સીમિત રાખવાના બદલે અન્ય સાથે વહેંચાય તો એનો અપાર આનંદ થાય.

એવી રીતે કોઈનાં દુઃખની ક્ષણોમાં એમને સહેજ સાંભળી લઈએ, શક્ય હોય તો એ દુઃખ હળવું કરવા પ્રયાસ કરીએ તો એનું દુઃખ દૂર થાય કે ન થાય, એ વ્યક્તિના મનની થોડી શાતા તો પહોંચશે જ.

વર્તમાન સમયમાં કોઈના સુખે સુખી ને કોઈના દુઃખે દુઃખી એવા વૈષ્ણવજન જો હોય તો એ માનવજાત પર ઈશ્વરની કૃપા.

આપણે એવું માનીએ છીએ કે આ વૈષ્ણવજનની વાત તો માત્ર આપણી જ સંસ્કૃતિની, માત્ર આપણી ભાવના સાથે વણાયેલી વાત. અન્ય દેશ કે અન્ય વેશના લોકો તો આવી વાતોથી પર હશે એવું માની લઈએ છીએ અથવા એમને આવી કોઈ લાગણીઓ સ્પર્શતી હશે કે કેમ એ વિશે વિચાર પણ નથી કરતા.

ત્યારે હમણાં તાજેતરમાં જ જોયેલી એક ઘટનાએ આ માન્યતાને જડથી ઉખાડી દીધી.

વાત જાણે એમ હતી કે, એ દિવસે ડૉક્ટર સાથે મુલાકાત હતી. સમય કરતાં થોડા પહેલાં જ પહોંચી જવાની પ્રકૃતિ ખરી એટલે મુલાકાતના નિશ્ચિત સમય કરતાં લગભગ પંદર મિનિટ વહેલાં પહોંચી ગયાં.

ડૉક્ટરની ઑફિસની બહાર ડાબી રિશેપ્શન ડેસ્ક, જમણી બાજુ વેટિંગરૂમ અને સામે ડૉક્ટરની ચેમ્બરમાં જવા કૉરિડૉર.

આપણા વારાની રાહ જોતા હોઈએ ત્યારે આસપાસના લોકો પર, ઑફિસના સ્ટાફની અવરજવર પર ધ્યાન કેન્દ્રિત થાય.

એ દિવસે એવી ઘટના બની કે, ૨૦૦૩ માં રજૂ થયેલી ફિલ્મ ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ યાદ આવી. સાવ અલગ કથાવસ્તુ લઈને આવેલી ફિલ્મ જેમણે જોઈ હશે એમને ફિલ્મ યાદ હશે જ.

‘જાદુની ઝપ્પી’ મતલબ પ્રેમથી કોઈને આલિંગન આપવું. મુન્નાભાઈ નથી ડૉક્ટર, નથી, હકીમ કે વૈદ, પણ જેને તકલીફમાં જુએ એને મુન્નાભાઈ ‘જાદુની ઝપ્પી’ આપે એટલે કે વહાલથી એને ભેટે.  એ ‘જાદુની ઝપ્પી’- વહાલનું આલિંગન દવા કરતાં વધુ અકસીર નિવડે.

દરેક વ્યક્તિને માત્ર શારીરિક પીડા જ હોય એવું ન હોય. ક્યારેક માનસિક અસ્વસ્થતા, અકળામણ એવી હોય જે કોઈને કહી ન શકાય કે ન સહી શકાય ત્યારે પાસે બેસીને કશું જ બોલ્યા વગર માથે હાથ ફેરવતી મા યાદ આવે કે પીઠ પસવારતા પિતા યાદ આવે.

‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’માં મુન્નાભાઈની ‘જાદુની ઝપ્પી’ એ એવો કમાલ કર્યો હતો !

એ ફિલ્મ જોઈ ત્યારે એવું લાગ્યું હતું કે આવું તો ફિલ્મોમાં જ હોય. વાસ્તવિકતામાં કોની પાસે એટલો સમય છે કે, અજાણી વ્યક્તિનાં હાલ પણ પૂછવા જેટલું સૌજન્ય દાખવે !

એમાંયે તે ડૉ.અસ્થાનાની કૉલેજનાં સફાઈ કામદારને જે રીતે મુન્નાભાઈ એમનાં કામ માટે પ્રેમથી ભેટીને ‘Thank you’ કહે છે એ તે કેમ ભુલાય? ત્યારે તે સીન ફિલ્મની કથાનો એક ભાગ રૂપે માણ્યોય ખરો, પણ હમણાં હોસ્પિટલની મુલાકાત લેવાની થઈ ત્યારે ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’.નું દૃશ્ય ત્યાં ભજવાયું હોય એવું લાગ્યું.

અમે બેઠાં હતાં ને વેટિંગ રૂમથી અંદર ડૉક્ટરની ચેમ્બર સુધી જવાના કૉરિડૉરમાં દૂરથી એક ફ્લોર ક્લિનર લેડીને ક્લિનિંગનો સામાન ભરેલી ટ્રોલી લઈને આવતી જોઈ. જેમજેમ પાસે આવતી ગઈ તેમતેમ એનો ચહેરો વધુ ને વધુ સ્પષ્ટ દેખાવા માંડ્યો.

અત્યંત ઉદાસ ચહેરો, રડી રડીને લાલ થયેલી આંખો હવે સ્પષ્ટ કળાતી હતી. વધુ પાસે આવે તે પહેલાં ડાબી તરફના પેસેજમાંથી એક લેડી ડૉક્ટર નીકળી.  ક્લિનરને જોઈને એને આંતરી.

બે મિનિટ એની સાથે વાત કરી ને પછી એકદમ એને ખૂબ વહાલથી આલિંગન આપ્યું. શું વાત હશે કે શું વાત થઈ એ તો માત્ર ક્લિનર અને લેડી ડૉક્ટર જ જાણે. વળી આ આલિંગનમાંથી છૂટીને એ બંને વચ્ચે વાત શરૂ થઈ. કદાચ ક્લિનર એની વ્યથા ડૉક્ટર પાસે ઠલવતી હશે.

પાંચ- સાત મિનિટ પછી એ બંને છૂટ્યાં પડ્યાં ને ક્લિનર અમે બેઠાં હતાં ત્યાંથી પસાર થઈ તે સમયે એનો ચહેરો એનાં આંસુથી જ જાણે ધોવાઈને સ્વચ્છ બન્યો હોય એવો લાગ્યો કે પછી વેદના વહી ગઈ હોય એમ ચહેરા પરથી ઉદાસી ઓછી થઈ હતી !

આ આઠ-દસ મિનિટમાં એક વાત નિશ્ચિત થઈ કે, વાત વાસ્તવિક હોય કે ફિલ્મની, કોઈના મનનો ભાર હળવો કરવા, આંસુ ઝીલવા એક સહૃયી વ્યક્તિ પાસે હોય તો એ દવા જેવું અકસીર કામ કરે ખરી.

અને એ જે કરે એ જ વૈષ્ણવજન..

આલેખનઃ રાજુલ કૌશિક. 

November 1, 2025 at 2:46 pm

૧૯- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

૧૯- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

– હે આકાશ તું અજવાળાનું ઘર 

ક્યારેક મન સતત જે વિશે વિચારતું હોય અનાયાસે એ વિચારોની પૂર્તિ જેવા સંજોગો સામે આવીને ઊભા રહે. આજે પણ કંઈક એવું જ બન્યું. આજે અવિનાશ વ્યાસ અને એમના ગીત-સંગીત વિશે મનમાં ઘણાં વિચારો આવ્યા. એમણે લખેલા ગીતો, ગીતોના સ્વરાંકન વિશે આજ સુધી ઘણું લખાયું છે, કહેવાયું છે. એમની ભાગ્યેજ કોઈ એવી વાત હશે જે સુગમ સંગીતના ચાહકોથી અજાણી હોય ત્યારે એવો વિચાર આવ્યો કે ગીત-સંગીત દ્વારા એ આપણાં સુધી, આપણાં હૃદય સુધી પહોંચ્યા પણ આ ગીત-સંગીત સુધી એ કેવી રીતે પહોંચ્યા હશે? એ ક્ષણ કેવી હશે જ્યારે અવિનાશ વ્યાસે પ્રથમ ગીત લખ્યું હશે કે પ્રથમ સ્વરાંકન કર્યું હશે? એમની એ ક્ષણની અનુભૂતિ કેવી હશે?

ગીતની વાત આવે ત્યારે મનમાં શબ્દની ઉત્પત્તિના મૂળ વિશે સવાલ ઉદ્ભવે એવી રીતે સંગીતની વાત આવે ત્યારે સંગીતની ઉત્પત્તિ ક્યારે, ક્યાંથી થઈ હશે એ સવાલ ઉદ્ભવે.

સંગીતની ઉત્પત્તિ વિશે અનેક વાયકા અથવા વાતો છે. શક્ય છે ક્યારેક સદીઓ પહેલાં આપણાં પૂર્વજોએ કોઈ એક ગુફા કે બે કંદરાઓ વચ્ચે ઉઠતા પડઘાનો અવાજ પકડ્યો હોય. શક્ય છે, પત્થર પર ટપ ટપ ટપકતાં પાણીની બુંદોનો લય પકડ્યો હોય. પહાડ પરથી વહી આવતાં ઝરણાંનો ખળખળ અવાજ ઝીલ્યો હોય. સાગરના ઘૂઘવાટામાંથી સા સાંપડ્યો હોય. પવનના લીધે થતો પાંદડાનો મર્મરધ્વનિ સાંભળીને કશુંક સમજ્યા હોય. શક્ય છે એમની આસપાસ વિચરતાં પશુ-પંખીની બોલીમાંથી સૂરોનું સર્જન થયું હોય. આસપાસ વિચરતાં પંખીઓના ટહુકા કે કેકારવમાંથી સંગીતના કોમળ, મધ્યમ અને સપ્તક સૂર લાધ્યાં હોય.

શક્યતાઓ વિચારીએ તો અનેક મળી આવે. એ સાથે સંગીતની ઉત્પત્તિ માટે એક કાર્યક્રમાં સાંભળેલી વાત યાદ આવી. લોકોક્તિ એવી છે કે, સંગીતની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ. બ્રહ્માજીએ મા સરસ્વતીને સંગીત આપ્યું, મા સરસ્વતીએ નારદમુનિને આપ્યું. નારદમુનિએ એને સ્વર્ગલોક સુધી પહોંચાડ્યું. સ્વર્ગલોકમાંથી ધરતી પર આવીને ભરતમુનિ સાથે એનો પ્રચાર કર્યો.

એ પછી તો એ વહેતાં ઝરણાંની જેમ એ ઘણાં બધા સ્વરકારો થકી આપણાં સુધી વહી આવ્યું. સ્વર જુદા, સૂર જુદા, સંગીતકાર જુદા પણ એક વાત તો એમ જ કે જેમ સૂર વિના સંગીત સૂનું એમ સંગીત વિના જીવન સૂનું. આપણા જીવનને સંગીતથી સભર કરનાર અનેક ગીતકાર-સંગીતકારના નામો હંમેશ માટે આપણાં મનમાં ચિરસ્થાયી બન્યાં છે.

અવિનાશ વ્યાસ આવા જ એક ચિરસ્થાયી નામોમાંનું એક નામ છે. આજે જ્યારે જ્યારે અજવાસથી ભરેલા આકાશ તરફ નજર જાય ત્યારે એમની એક રચના યાદ આવે છે.

હે આકાશ તું અજવાળાનું ઘર,

પહેલું અજવાળું પરમેશ્વરનું

બીજું અજવાળું સૂરજનું

ત્રીજું અજવાળું ચંદરને તારા

ચોથું સંધ્યાની રજનું.

કેટલી સરસ વાત ! આપણી ઉપર ઝળૂંબી રહેલું આખું આકાશ અજવાળાનું ઘર છે એ જ કેવી સુંદર કલ્પના! સવારમાં આંખ ખૂલે અને નજર સામે ફેલાયેલો ઉજાસ જોઈને સાવ સ્વભાવિક રીતે આપણે હાથ જોડીને, શીશ નમાવીને આંખ અને આત્માને અજવાળતા પરમેશ્વરને વંદન કરીએ છીએ. પરમેશ્વરને જોયા નથી. એ આપણી શ્રદ્ધામાં, વિચારોમાં છે, પણ દેખીતી રીતે જેના થકી ઉજાસ ફેલાયેલો જોઈએ છીએ એ સૂરજ, ઢળતી સંધ્યાની રતાશ કે રાત પડે ગગનના ગોખમાં દેખાતા ચંદ્ર-તારાનાં અજવાળાનું સરનામું આપવું હોય તો મુકામ આકાશ એમ જ લખવું પડે ને?

પાર નથી જગે અજવાળાનો,એ તો સૌથી પર

આકાશ રડે સારી રાત

પ્રથમ એના અશ્રુ બિંદુથી,ઘડાયો ચંદ્રનો ઘાટ

લખકોટી તારા આંસુ છે કોઈના, કોણ જાણે એના મનની વાત

આંસુના તેજ આકાશમાં રહીને, આજ બન્યા છે અમર.

સૂરજ આથમી જાય પછી સૂનું પડેલું આકાશ આખી રાત રડતું હોય અને એના આંસુથી આ ચંદ્રનો ઘાટ ઘડાયો હોય એવો વિચાર પણ સાવ અનોખો. એના મનની વાત તો ક્યાં કોઈ જાણી કે સમજી શક્યું છે? અને આ લખકોટી તારા એ એના અસ્ખલિત વહેતાં આસું છે એવી કલ્પના ક્યારેય કરી જોઈ છે આપણે? આજે માનવીએ અવકાશયાત્રા તરફ ઉડ્ડાન ભરી છે. ચંદ્ર પર માનવજીવનની શક્યતા શું છે એ જાણવા ઉત્સુક છે કારણકે આજના માનવીને બ્રહ્માંડ, અવકાશ, તારા, નક્ષત્ર અને  ગ્રહો વિજ્ઞાનથી જાણવા છે ત્યારે કવિ કલ્પના સાવ જુદી દિશાએ લઈ જાય છે. સાવ સ્થિર કે સ્થગિત લાગતા આકાશની પરિકલ્પના બદલી નાખે છે. કોઈ એક વડીલને એના ઘરના સદસ્યો નજર સામેથી દૂર જતાં જોવા જેટલું વસમું આ આકાશનેય લાગતું હશે અને એ એની વ્યથામાં આંસુ સારતું હશે?

અને, આ તો સાવ અનેરી કલ્પના!

રજનીની શૈયાથી જાગીને, સૂરજે ઉષાનાં ઓજસથી મુખ ધોયું

કિરણોની અંગુલી અવનીને અડકી, જગ જાગ્યું ને તેજ રૂપ જોયું

તિલક કર્યું ભાલે, કંકુનું ક્ષિતીજે, સાંપડ્યો સોહાગી વર

જગમાતાના ભાલેથી કંકુ ખરે અને સૂરજ ઉગે એવી કલ્પના લઈને “માડી તારું કંકુ ખર્યુને સૂરજ ઉગ્યો”ની રચના અવિનાશ વ્યાસે કરી. હવે અહીં એનાથી જરાક જુદી વાત લઈને આવ્યા છે.

રજનીની શૈયા, રજનીના આગોશમાંથી જાગીને પૂર્વ દિશામાંથી રેલાતી ઉષાની સોનેરી ઝાંયથી સૂરજ એનું મુખ ધોવે અને એના ચહેરા પર જે ચમક આવે એનાથી તો આખું જગ ઝગમગ ઝગમગ. કિરણોરૂપી આંગળીઓ આ પૃથ્વીને સ્પર્શે. એ સ્પર્શ માત્રથી જગત આખું જાગે. જાગે અને દૂર ક્ષિતીજ પર આકાશના ભાલે કંકુના તિલકરૂપી સૂરજને ઝગારા મારતો દીસે.

વાતને જરા જુદી રીતે કહ્યા પછીય એ ઘટના જ એટલી સુંદર લાગે. કંકુ ખરીને સૂરજ ઉગે કે સૂરજ જ કંકુનું તિલક સમ બનીને સોહે, પણ આરંભે કે અંતે જગ માથે રેલાતા અજવાળાનું એક જ ધામ.. આકાશ એ અજવાળાનું ઘર.

આલેખનઃ રાજુલ કૌશિક

October 31, 2025 at 2:42 pm

૧૮-‘હરિ જે કરે તે કરી તો જુઓ’-ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

૧૮- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

‘હરિ જે કરે તે કરી તો જુઓ’ 

વાત ઘણી વાર કહેવાઈ છે, છતાં ફરી એકવાર, 

“લોકો કહે છે પૂનમ અજવાળી છે અને અમાસ કાળી છે.

છતાં પૂનમે હોળી છે અને અમાસે દિવાળી છે.”

એવી એક દિવાળી આપણે ઉજવી જેમાં આપણે આવનારા નવા વર્ષ માટે આશા, ઉમ્મીદ અને ઉમંગના રંગભર્યા સાથિયાથી ઘરઆંગણ અને મનઆંગણ સજાવ્યું.

નવા વર્ષના નવલા દિવસે પ્રભાત ઉઘડતા પહેલાં જાગીને જોયું તો બ્રાહ્મકાળ થવાને આડે થોડો જ સમય હતો. હજુ ઉગમણી કોરથી સૂરજ ઉગવાને થોડી વાર હતી. હતો. શીતળતા પ્રસરાવતી રાતનો અંધકાર હજુ ઓસર્યો નહોતો. આકાશનો ઘેરો આસમાની રંગ મનને સંમોહિત કરતો હતો અને એ ક્ષણે યાદ આવ્યા ઈશા-કુંદનિકા કાપડિયા એ કહે છે,

“હજી અજવાળું આકાશમાં ન આવ્યું હોય એવા, તારા મઢ્યા અંધકારથી વ્યાપેલા પાછલા પહોરે,

ઘરનું પાછળનું બારણું ઉઘાડી, ચોકમાં ઊભી રહું છું,

અને કહું છું,” મારું જીવન લઈ લો અને તમને એ સમર્પિત થવા દો”.

આ એ એટલે ઈશ્વરસ્તો. વિનાશ પામનારી સર્વ વસ્તુઓ વચ્ચે જે અ-વિનાશી છે તે ઈશ્વર છે. ઈશ્વર એક અદીઠ તત્વ. એને થોડો કોઈએ જોયો છે? એ થોડો ઇન્દ્રિયગમ્ય છે? એ અદૃશ્ય છે, એ અવ્યક્ત છે અને તેમ છતાં હજારો આકારોમાં, અનેક રૂપોમાં સર્જનમાં, સૌંદર્યમાં એ વ્યક્ત છે. અખિલ બ્રહ્માંડમાં અત્ર, તત્ર, સર્વત્ર એનો વ્યાપ છે. એ ક્યાં નથી? અખિલ બ્રહ્માંડમાં જે એક છે એણે વિવિધ રચનાઓ કરી છે. એની લીલા અપરંપાર છે. એ જે કરી શકે એ કરવાનું ક્યાં કોઈનાથીય શક્ય છે અને ત્યારે યાદ આવી અવિનાશ વ્યાસની એક રચના.

નરસિંહ મહેતા, અવિનાશ વ્યાસ, કુંદનિકા કાપડિયા દરેક પોતપોતાના સ્થાને છે, અલગ છે અને તેમ છતાં એમની ભાવના ક્યાંકને ક્યાંક તો એક સરખી છે. કુંદનિકા કાપડિયા એમ કહે કે ઈશ્વર સર્વ સૌંદર્ય અને શક્તિનો સર્જક છે. વિરાટથીયે વિરાટ છે. સઘળા શબ્દો, સમજ અને સીમિતતાની પાર છે. તે મહાઅસ્તિત્વ છે, સ્વયં કાળ છે, જીવન છે.

સાચી વાત છે, ઈશ્વરે જે સર્જ્યું છે એ આપણી સમજ અને સીમિતતાની પાર છે. આ વાતને અવિનાશ વ્યાસના શબ્દોમાં જોઈએ.

એ કહે છે, 

“કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ, મારો હરિ જે કરે તે કરી તો જુઓ

હાડચામનું પૂતળું આ કાયા, એમાં પ્રાણ કેરી ગંગા ભરી તો જુઓ..

કુંદનિકા કાપડિયાના શબ્દો પણ જાણે આ જ વાત કહે છે. એ કહે છે,

“આપણે શું ફેક્ટરીમાં ફેફસાં બનાવી શકીએ? કારખાનાઓમાં આંખો બનાવીને રેટિના કે મેક્યુલાની તકલીફવાળા લોકોને કહી શકીએ કે આ નવી આંખ લઈ જાઓ, અને જૂની આંખ કાઢીને આને ત્યાં ગોઠવી દો?

શક્ય છે આધુનિક તબીબી વિજ્ઞાન આવા પ્રયત્ન કરશે પણ અવિનાશ વ્યાસ કહે છે, 

“રંગીલા મોરલાના રંગીલા પીંછાં, મારા હરિએ કેવા ચિતર્યા કોઈ ચિતરી જુઓ.

કાળી અમાસની પાછળ પાછળ પૂનમનું અજવાળું,

ગંદા કાદવ અને કીચડમાં કમળ ઉગે રૂપાળું,

કાળી અમાસની પાછળ પૂનમનું અજવાળું આવવાનું છે એવી આસ આપણામાં હંમેશા જીવીત છે કારણકે એ કુદરતનો ગોઠવેલો ક્રમ છે. એને જરા વધુ ઊંડાણથી વિચારીએ તો અમાસ એ અજ્ઞાનનું પ્રતીક છે જ્યારે પૂનમ જ્ઞાનનું. અમાસ અસત્યનું તો પૂનમ સત્યનું. કોઈ એક અંધારી રાતની પાછળ પાછળ એક સોનેરી કોર છે જે આપણા જીવનમાં ઉજાસ લાવવાની છે. ઉપનિષદમાં પણ કહ્યું છે ‘તમસો મા જ્યોતિર્ગમય’ દિવાળી આવે ત્યારે આ વાત ક્યાંક યથાર્થ થતી લાગે છે.

વળી આગળ વધીને અવિનાશ વ્યાસ કહે છે,

“સ્તંભ વિના કોઈ આકાશને ધરી તો જુઓ,

મારો હરિ કરે એ કરી તો જુઓ”

આ પણ એક અજબ કરામત છે હરિની. આપણે એક નાનકડી ઝૂંપડી બનાવવી હોય તો એનેય ટેકાની જરૂર પડવાની. ઘરની છતને ટકાવવા મોભ કે પાટડો જોઈશે ત્યારે આપણા માથે ઝળૂંબી રહેલા, નજર ટૂંકી પડે એવા આ આકાશને ઈશ્વરે કોઈ સ્તંભ વગર ટકાવી રાખ્યું છે.

“સૂરજ ચંદ્ર અનેક વીધી, તારા નક્ષત્રોની હાર, 

આવે નિયમસર ને જાય નિયમસર ઋતુઓનો પરિવાર,

લય અને પ્રલયનો સમય થઈ કોઈ સરી તો જુઓ..

અતિ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી પ્રકૃતિ, એની નિશ્ચિત સમયે અને નિરંતર ચાલતી ઘટમાળ, ક્યારેક આપણે જોઈ શકીએ કે ન જોઈ શકીએ પણ ચોક્કસ સમયે અચૂકપણે ઉદ્ભવતી, લય અને સાતત્યપૂર્વક સચવાતી અવકાશી ઘટનાઓ, દિવસ અને રાત, સૂર્યનો ઉદય અને રાતનો અસ્ત, તારાઓ, ગ્રહો, નક્ષત્ર, ઋતુઓનું ચક્ર કોણે ક્યારે ગોઠવ્યું હશે?

વિજ્ઞાન અને અત્યંત આધુનિક ટેકનોલોજિએ આ બધું જ સમજવાની, સર કરવાની મથામણો આદરી છે. એ મથામણોથી આપણે ઘણું પામ્યા હોઈશું, પણ ઘણી બધી જગ્યાએ, ઘણી બધી વાર કહેવાયું છે એમ આ સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલો લય ખોરંભાશે અને પ્રલયનો સમય થશે ત્યારે એમાંથી કોઈ બાકાત રહી શકશે? અને માટે જ આ ભવ્ય મનોહર સૃષ્ટિ, પરમ સુખદાયી સ્થિતિને અકબંધ રાખી શકીએ એવી નવા વર્ષે આપણામાં જાગૃતિ આણીએ. અવિનાશ વ્યાસ જ નહીં આપણા સૌના હરિએ જે કર્યું છે, એની કૃપાથી જે મળ્યું છે એનું જતન કરી શકવાની ક્ષમતા એ હરિ જ આપણને આપે એવું પ્રાર્થીએ.

આલેખનઃ રાજુલ કૌશિક

October 26, 2025 at 6:01 pm

૫-જુનોઉ- ચલો અલાસ્કા,ન્યૂઝ ઓફ ગાંઘીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ

જુનોઉ(અલાસ્કાનું મુખ્ય શહેર)

૫- ચલો અલાસ્કા

૨૦ જુલાઈએ એટલે કે ટ્રિપની ત્રીજી સવારે અમારી ક્રૂઝ અલાસ્કાના કેપિટલ શહેર જુનોઉનાં ડૉક પર પહોંચી ગઈ હતી. 

માઉન્ટ જુનોઉની તળેટીમાં વસેલું અલાસ્કાનું મુખ્ય શહેર જુનોઉ આશરે ૩૨,૨૫૫ જેટલી વસ્તી ધરાવે છે.

સવારે નવથી બાર, સાડા બારથી ત્રણ અને સાડા ત્રણથી સાડા છ સુધીના ત્રણ અલગ અલગ પ્લાન નક્કી કરેલા હતા એ મુજબ અમારો દિવસ શરૂ થયો સવારની નવથી બારની ટ્રોલી ટુરથી. 

જુનોઉ ફરવા માટે નિશ્ચિત કરેલા પ્લાન મુજબ સૌથી પહેલાં તો ટ્રોલી ટુર લીધી. ધરતીથી આસમાને સલામતીપૂર્વક પહોંચાડવાનાં હોય એવી જવાબદારી સાથે ઉપડેલી ટ્રોલીએ જ્યારે અમને જુનોઉ શહેરની તળેટીથી ઘણે ઉપર ઉતાર્યા ત્યારે એક હદની ટોચે પહોંચીને સમજાયું કે અલાસ્કાનાં જળ અને જમીનની જેમ આ ટોચની ઉપર જે વિશાળ ગગન છે એની થોડે નજીક જઈને એ પણ માણવા જેવું ખરું. આટલા દિવસથી સતત પાણીમાં જ ઝીલાતી એની ક્યારેક આસમાની તો ક્યારેક સૂર્યદેવની કૃપાથી કેસરી ઝાંય પકડતી રંગછાયા જોઈ. આજે સીધી જ એની સામે નજર માંડીને જોયું, આસમાની રંગ વધુ આસમાની અને કેસરી ઝાંય રતાશ પડતી નજરે આવી. મઝા આવી.

નીચે નજર કરી ત્યાં એ જ આસમાની રંગનું પાણી, પાણીમાં ઝીલાતી આસમાનની ઝલક. સમજાતું નહોતું કે પાણી કે આસમાન, કોણે કોને આ આસમાની રંગની ભેટ આપી હશે? ડગ્લસ બ્રિજથી માંડીને જુનોઉ શહેરની ઝલક અહીંથી દેખાતી હતી.

ટોચ પર પહોંચીને ચાલવા, ટ્રેકિંગ માટે કેડીઓ છે, કેટલાય હોંશીલા, સ્ફૂર્તિલા પ્રવાસીઓ તો ક્ષણ પણ વેડફવી ન હોય એમ ચાલવા, દોડવા માંડ્યાં. અમારાં જેવાં સિનિયર સિટીઝન લોકો થોડે સુધી જઈને ‘હશે, જેની જેવી ક્ષમતા.’ કહીને તરત પરત થયાં.

આ ટ્રેક પર જાતજાતનાં ટોટેમ તરીકે ઓળખાતી લાકડાંમાંથી બનાવેલી પ્રતિમાઓ જોવા મળી. આદિકાળથી જુદી જુદી માનવજાતિઓ પોતાની ઓળખ માટે પશુપંખી, વૃક્ષ વગેરે પરથી અપનાવેલાં વંશપરંપરાગત કુળ કે કબીલાનાં ચિહ્નને ટોટેમ કહે છે. આ ટોટેમ જોઈને કંઈ જ સામ્ય ન હોવા છતાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય ‘કથકલી’નો પહેરવેશ અને મુખવટો યાદ આવી ગયા. સ્થળ, કાળ જુદા હોય છતાં સંસ્કૃતિમાં ક્યાંક સામ્યતા હશે ખરી !

જુનોઉની ટ્રોલી ટુર પછી બીજી ત્રણ ટુર લઈ શકાય એમ હતી, જેમાં એક સિટી ટુર અને બીજી કયાક લઈને ગ્લેશિયર સુધી જવાની અને ત્રીજી હેલિકોપ્ટરથી સીધા ગ્લેશિયર પર ઉતરવાની.  અમે પ્લાન થઈ હતી એ મુજબ પ્રથમ ટ્રોલી ટુર લઈને જુનોઉનો ઉપરથી નજારો જોઈ, માણી લીધો હતો એટલે સિટી ટુર લઈને જુનોઉ શહેર જોવાનું પસંદ કર્યું. ફરી બે ગ્રૂપમાં વહેંચાઈને સિનિયર સિટીઝને સિટી ટુર લીધી અને હોંશીલા, સ્ફૂર્તિલા પરિવારજનોએ કયાકની સફર લીધી.

ગંતવ્ય સ્થાન તો એક જ હતું- મેન્ડેનહેલ ગ્લેશિયર. જવાની રીતમાં ફરક ઘણો હતો. સિનિયર સિટીઝને નિરાંતે બસમાં ફરતાં ફરતાં, શહેર જોતાંજોતાં મેન્ડેનહેલ ગ્લેશિયર પહોંચવાનું હતું અને કયાકિંગમાં જાત મહેનતે ગ્લેશિયર સુધી પહોંચવાનું હતું. ફરી ‘હશે, જેની જેવી ક્ષમતા,’ કહીને અમે સિનિયર સિટીઝન કોચમાં ગોઠવાયા.

જુનોઉ શહેરમાંથી પસાર થતા આ શહેર નિરસ કહી શકાય એટલું શાંત લાગ્યું, પણ, જુનોઉનાં વિઝિટિંગ સેન્ટર પર પહોંચ્યાં ત્યારે અહીં આવેલું યથાર્થ થયેલું લાગ્યું.

વિઝિટર સેન્ટર પર અલાસ્કાનાં ઉદ્ભવથી માંડીને અલાસ્કાનાં લોકો, જમીન અને જળની પ્રાણીસૃષ્ટિ વિશે ચિત્રો તેમજ લખાણ સાથે ઘણી માહિતી મુકાયેલી છે.

આ ઉપરાંત અહીં એક ફિલ્મ દર્શાવવામાં આવે છે જેમાં વાતારવણ, ધરતીકંપનાં લીધે થયેલ અલાસ્કાના ગ્લેશિયર ઉદ્ભવથી માંડીને આજ સુધીનાં ફેરફાર દર્શાવવામાં આવે છે, જે ખરેખર રસપ્રદ છે. ક્યારેક એવું લાગે કે ધરતીકંપ પણ સૃષ્ટિને નવા, નોખાં અવતારમાં સજાવે છે.

વનસેવા વિભાગની માહિતી મુજબ “મૂળે ગ્લેશિયરો વાતાવરણનાં ફેરફારથી ઉત્પન્ન થયાં છે જેથી એ વાતાવરણીય બદલાવ પ્રમાણે પ્રતિસાદ આપે એ સ્વાભાવિક છે.”

નોર્થ અમેરિકાનો પાંચમા ક્રમે આવતા આ આઇસફિલ્ડ પર આસપાસના અનેક વિસ્તારો પીવાનાં પાણીના મુખ્ય આધાર છે. 

વિઝિટર સેન્ટરથી નજરે આવતા મેન્ડેનહેલ ગ્લેશિયરની થોડે દૂર એક કયાક દેખાઈ. માની લીધું કે અમારા પરિવારજનો ત્યાં પહોંચવામાં જ છે.

જુનોઉ શહેરથી ૧૨ માઇલ દૂર, ૧૩.૬ માઇલનો વિસ્તાર ધરાવતું આ ગ્લેશિયર મૂળે સિટનટાગો (Sitaantaago) નામથી ઓળખાતું. ત્યારબાદ ૧૮૯૧માં તેને થોમસ કોર્વિન મેન્ડનહેલના સન્માનમાં નામ આપવામાં આવ્યું. આ સ્ત્રોતનો આરંભ જુનેઉ આઇસફિલ્ડથી થઈને મેન્ડેનહેલ લેક સુધી પહોંચ્યો છે.

વિઝિટર સેન્ટરમાંથી નીચે ઉતરીને ટ્રેક પર ચાલીને મેન્ડેનહેલ લેક તરફ જઈ શકાય છે. અહીં વનચર પ્રાણીઓની અવરજવર રહેતી હોવાથી ઠેર ઠેર સાવધાન રહેવાના બોર્ડ જોવા મળ્યાં.

જુનેઉની એક દિવસની સફર પૂરી કરીને પાછાં રોયલ કેરેબિયન પર પહોંચ્યાં.

ક્રૂઝ પર સાંજે મેજિકથી માંડીને કોમેડી, નૃત્યનાટિકા અને ગીત-સંગીત જેવા કાર્યક્રમ યોજાય. આ સૌમાં ગીત-સંગીતનો કાર્યક્રમ માણવાની મઝા આવી. કારણ એ કે, આ કોઈ સિદ્ધહસ્ત ગાયકો કે સંગીતકારોએ નહીં, પણ ક્રૂઝ પર કિચન, લૉન્ડ્રી, વાસણો સાફ કરતા તેમજ રૂમ મેન્ટેનસ માટે કામ કરતા હોય એમણે પ્રસ્તુત કરેલો કાર્યક્રમ હતો. દેશ-વિદેશથી આવીને અહીં ક્રૂઝ પર મહિનાઓ સુધી સતત કામ કરતા હોય એમનું કૌશલ્ય દર્શાવવાની એમને જે તક મળી હતી એ જોઈને મન પ્રસન્ન થઈ ગયું. પ્રેક્ષકોએ ઊભાં થઈને તાળીઓનાં ગડગડાટથી એમને વધાવી લીધા.

પ્રસન્નતાની પળો માણીને રૂમ પર પહોંચ્યા ત્યારે ક્રૂઝ એક બીજા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહી હતી.

આલેખનઃ રાજુલ કૌશિક 

October 25, 2025 at 2:34 pm

અમેરિકામાં સાહિત્યિક પ્રવૃત્તિ.-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિકમાં પ્રસિદ્ધ લેખ.

અમેરિકામાં સાહિત્યિક પ્રવૃત્તિ. 

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

અરદેશર ફરામજી ખબરદારની આ રચના ત્યારે જેટલી યથાર્થ હતી એટલી જ આજે છે અને આવતીકાલે પણ રહેશે.

વ્યક્તિ ક્યાંય પણ જાય એનાં અસ્તિત્વની ઓળખ એની માતૃભાષા. વર્ષોથી કેટલાય ભારતીયોએ ભારત બહાર અન્ય દેશો તરફ પ્રસ્થાન આદર્યું.  આશરે ૧૯ મી સદીના પ્રારંભથી ભારતીયોએ પોતાનાં ઉજ્જ્વળ ભાવિ માટે અમેરિકા પર પસંદગી ઉતારી. જ્યારે અમેરિકા કે અન્ય દેશોમાં પહોંચ્યાં હશે ત્યારે તો માત્ર સ્થાયી થવા માટે, જીવન જરૂરિયાતને પ્રાથમિકતા આપી હોય એ સ્વાભાવિક છે. સમય જતા સ્થિરતા આવી તે પછી કદાચ ઈતરપ્રવૃત્તિ કે પોતાના શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું હશે.

અન્ય દેશોની જેમ અમેરિકા આવીને વસેલ ગુજરાતીઓ વિવિધ ક્ષેત્રમાં નામ અને ખ્યાતિ પામ્યાં, પણ અત્રે વાત કરવી છે અમેરિકાસ્થિત ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોની.

અમેરિકાનાં અનેક રાજ્યોમાં થતી ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવવા પ્રયાસ કર્યો જેમાં કોલંબિયા ડિસ્ટ્રીકના નિવૃત્ત ચીફ ફાયનાન્સીયલ ઓફિસર અને વર્લ્ડ બેંકના સલાહકાર તેમજ સાહિત્યકાર શ્રી નટવર ગાંધીએ નોંધેલી એક ઘટનાથી આરંભ કરીએ.

શ્રી નટવર ગાંધીએ જણાવ્યું છે તેમ, ‘૧૯૭૭ માં ભારતથી કવિશ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા, ત્યારે એમણે એવું સૂચન કર્યું કે અહીંના સાહિત્યરસિકોએ વારંવાર મળવું જોઈએ અને સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એ સૂચનને ધ્યાનમાં લઈને અહીંના થોડાંક સાહિત્યરસિક મિત્રોએ ‘ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકા’ નામે એક સંસ્થાની સ્થાપના કરી. ત્યારથી મુખ્યત્વે ન્યૂ જર્સીમાં તે પશ્ચાત્ જુદાં જુદાં શહેરોમાં ગુજરાતી સાહિત્ય સંમેલન યોજાવા શરૂ થયાં.

આ કાર્યક્રમોમાં અમેરિકાસ્થિત તથા ભારતથી આમંત્રિત સાહિત્યકારોની ઉપસ્થિતિથી ગુજરાતી સાહિત્યનો પ્રસાર અને પ્રચાર વધ્યો અને અન્ય શહેરોમાં પણ સાહિત્યિક પ્રવૃત્તિ કરતા ગ્રૂપ તેમજ સંસ્થાઓ કાર્યશીલ બન્યાં જેમાં પન્ના નાયક, મધુ રાય, બાબુ સુથાર, સુચી વ્યાસ- ગિરીશ વ્યાસે શરૂ કરેલી ફિલાડેલ્ફિયાની ‘ફ્રેન્ડ્સ ઑફ ફિલાડેલ્ફિયા’ નામની સંસ્થામાં જાણીતા સાહિત્યકારોનું બહુમાન કરવાની પ્રવૃત્તિ નોંધપાત્ર હતી.

ફિલાડેલ્ફિયાસ્થિત શ્રી કિશોર દેસાઈ સંપાદિત ‘ગુર્જરી’ અને શ્રી બાબુ સુથાર સંપાદિત ‘સંધિ’ નામનાં બે સામયિકો વાચકોમાં પ્રિય બન્યાં.

ફિલાડેલ્ફિયાથી સ્વ. કિશોર રાવળે અમેરિકાનું પ્રથમ ડીજીટલ ગુજરાતી મેગેઝિન “કેસૂડાં” શરૂ કર્યું. 

ત્યારબાદ ન્યૂ જર્સીમાં “ચલો ગુજરાત,” કે “ગ્લોરિયસ ગુજરાત” જેવા સંમેલનો યોજાવા માંડ્યાં.

સમયાંતરે યુ.એસ.એ.નાં શિકાગો, વોશિંગટન ડી.સી., લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, ડલાસ, હ્યુસ્ટન, આટલાન્ટા, બૉસ્ટનમાં ભારતીયોની સંખ્યા વધી જેમાં અનેક ગુજરાતીઓનું નામ વિવિધ ક્ષેત્રમાં અગ્રીમ સ્થાને મુકાવા માંડ્યું.

પ્રથમ આપણે વાત કરીએ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિની.

છેલ્લાં ૨૫ વર્ષથી એટલે કે ૨૦૦૧ હ્યુસ્ટનમાં ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ નામની સંસ્થાનો પ્રારંભ થયો. ઘર ઘરથી શરૂ થયેલી આ સંસ્થાનાં કાર્યક્રમોની સફળતાથી પ્રેરાઈને કમ્યૂનિટિ હોલમાં કાર્યક્રમ યોજાવા માંડ્યાં. ગુજરાતી સાહિત્ય સરિતામાં આજ સુધી ૭૦ થી ૭૨ જેટલાં સાહિત્યકારોને પોંખવામાં આવ્યા છે.

દીપકભાઈ ભટ્ટ, માનદ શાયર આદિલ મનસુરી અને અદમ ટંકારવીએ આરંભેલી આ સંસ્થાનો મુખ્ય હેતુ ગુજરાતી સર્જકો અને કવિઓનો અમર વારસો જાળવી ગુજરાતી ભાષાનું સર્જન, સંવર્ધન, પ્રચાર-પ્રસાર, સ્થાનિક નવોદિત સર્જકોને માટે મંચ પૂરું પાડવું, ઉચ્ચ કક્ષાના લેખકો કે કવિઓને આમંત્રણ આપી, સ્થાનિક સર્જકોનું સ્તર ઊંચું લાવવા ઉપરાંત. અન્ય લલિતકલાનાં કાર્યોમાં સહકાર આપવાનો હતો જે આજ સુધી૨૭૧ બેઠકો થકી સિદ્ધ થયો છે.

લેપટોપ કે કમ્યૂટર પર ગુજરાતી લખવા માટે હ્યુસ્ટનસ્થિત વિશાલ મોણપરાએ જે કામ કર્યું છે એ ખરેખર સરાહનીય છે. પ્રમુખ પેડ ગુજરાતી કીબોર્ડના સંશોધક વિશાલ મોણપરાએ સાહિત્યિતિક પ્રવૃત્તિનાં શિરમોર સમી વેબસાઈટ બનાવી તે ગુજરાતી લેખકો માટે અત્યંત મહત્વની બની રહી. આ કીબોર્ડમાં મહત્વનો ફાળો આપવામાં વિજય શાહનું પણ નામ લઈ શકાય.

હવે જઈએ શિકાગો..

૧૯૯૬ થી ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિમાં મોખરે છે. વ્યવસાયે ડૉક્ટર દંપતિ ગઝલકાર ડૉ. અશરફ ડબાવાલા તેમજ કવયિત્રી ડૉ. મધુમતી મહેતા આ સંસ્થાનાં પ્રણેતા છે. તેમની સાહિત્યપ્રીતિ થકી શિકાગોમાં સાહિત્ય, સંગીતનાં સૂર ગૂંજતા રહે છે. આ સંસ્થા તરફથી મધુ રાય, આદિલ મન્સૂરી જેવા અનેક સર્જકોને ‘લાઇફ ટાઇમ અચિવમેન્ટ’થી સન્માનવામાં આવ્યા છે.

સાહિત્યિક પ્રવૃત્તિની વાત થાય ત્યારે સાન ફ્રાન્સિસ્કો, બે એરિયાની પ્રવૃત્તિની નોંધ અવશ્ય લેવી જ જોઈએ.

૨૦૧૨ માં સ્વ. ડો. પ્રતાપભાઈ પંડ્યાની “પુસ્તક પરબ” સંસ્થાની પ્રેરણા અને સહાયથી  ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના પ્રયાસ રૂપે બેઠકની શરૂઆત થઈ જેનાં આયોજક, સંચાલક હતાં પ્રજ્ઞાબેન દાદભાવાળા, કલ્પના રઘુ અને સ્વ. રાજેશભાઈ શાહ.

‘બેઠક’ માં વાંચન સાથે સર્જન કાર્યને પણ અગ્રીમતા આપવામાં આવી. વિવિધ વિષયો સાથે લખવાનાં મૂળ આશયથી શરૂ થયેલ ‘બેઠક’ દ્વારા અનેક સાહિત્યકારો, લેખકો અને કવિને આમંત્રણ આપી નવોદિતોનાં સર્જનને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ સરાહનીય હતો.

‘બેઠક’માં પાંચ વર્ષો સુધી વાર્તા સ્પર્ધા કરવામાં આવી હતી. ગુજરાતદિને ગુજરાત અને ગુજરાતી ભાષાનો મહિમા કરતા સ્ટેજ શોની પ્રણાલી આજે પણ જાળવી રાખવામાં આવી છે.

આમ તો અમેરિકામાં ગુજરાતી ભાષાની અસંખ્ય વેબસાઇટ્સ અને બ્લોગ્સ છે.

૨૦૧૬માં સ્વ.પી.કે.દાવડાએ શરૂ કરેલું ‘દાવડાનું આંગણું’એ થોડો અલગ ચીલો ચાતર્યો જેમાં શ્રી ઉત્તમ ગજ્જરની પ્રેરણા, શ્રી સુરેશ જાનીની ટેકનિકલ સહાય અને શ્રી કનક રાવલની સક્રીય સહાયથી સાહિત્ય ઉપરાંત લલિતકળા વિભાગની શરૂઆત થઈ. 

જયશ્રી વિનુ મરચંટ અને શ્રી બાબુ સુથાર ‘દાવડાનું આંગણું’માં જોડાતાં આંગણાંને ગતિ મળી ત્યારબાદ એમાં જાણીતા સાહિત્યકારો જોડાયાં. 

આંગણાંની ગતિ અને પ્રગતિમાં મધુરાય, સ્વ. હરનિશ જાની, નટવર ગાંધી, પન્ના નાયક, રાહુલ શુક્લ,  ભાગ્યેશ જહા, અનિલ ચાવડા, જુગલકિશોર વ્યાસ, પ્રવીણકાન્ત શાસ્ત્રી જેવાં સાહિત્યકારોએ તેમજ સ્વ. શ્રી રવિશંકર રાવળ, ખોડિદાર પરમાર, જ્યોતિ ભટ્ટ, કાર્તિક ત્રિવેદી અને અન્ય ચિત્રકારોનું મોટું યોગદાન રહ્યું.

 ‘દાવડાનું આંગણું’માં ટોચના છબીકાર હોમાયબાનુ વ્યારાવાલા, જગન મહેતા તેમજ શિલ્પકારોમાં શ્રી નરેન્દ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કલાકારોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું.

શ્રી.પી.કે.દાવડાના સ્વર્ગવાસ બાદ ‘દાવડાનું આંગણું’ ૨૦૨૧માં  જયશ્રી મર્ચન્ટ તેમજ હિતેન આનંદપરા દ્વારા નવા અવતાર, નવી ઓળખ સાથે શરૂ થયું ત્યારથી ‘આપણું આંગણું’ બ્લોગ પર અનેક લેખક/ લેખિકાઓનું સાહિત્ય મુકાય છે.

‘આપણું આંગણું’ ના નેજા હેઠળ ટૂંકી વાર્તા શિબિર, લલિત નિબંધ શિબિર, ગઝલ શિબિર, ગીત શિબિર, નાટ્યલેખન શિબિરનું આયોજન થતું રહે છે જેનાં થકી અનેક નવોદિત લેખકો/ લેખિકા, ગઝલકાર ઉભરી આવ્યાં.

ફ્લોરિડાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં ચિત્રા- (Center for the study of Hindu traditions) નામની સંસ્થામાં વસુધાબહેન નારાયણ અને ડૉ.દિનેશ શાહનાં સંચાલન હેઠળ પોએટ્રી ફેસ્ટિવલ યોજાય છે.

અમેરિકાનાં સર્જક કે સર્જનની વાત કરીએ ત્યારે એક શબ્દ યાદ આવે.’ડાયસ્પોરા’.

‘ડાયસ્પોરા’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો ત્રાસવાદીઓથી ત્રસ્ત ઘરબાર છોડીને વિશ્વભરમાં રઝળપાટ કરતી યહૂદી પ્રજાની વેદનામાંથી સર્જાયેલ સાહિત્ય થકી. જેમણે ઘરઝુરાપો કે વતનઝુરાપો વેઠ્યો હોય, જેમને વતન પાછાં ફરવાની અદમ્ય ઈચ્છા હોય એવાં લોકોની વેદનાથી સર્જાયેલું સાહિત્ય એટલે ‘ડાયસ્પોરા’ સાહિત્ય.

જોકે, ‘ડાયસ્પોરા’ સાહિત્ય વિશે મતમતાંતર છે, છતાં વર્ષો પહેલાં આવેલી પેઢી કે જેમણે અમેરિકા આવીને સંઘર્ષ ખેડ્યો છે એવાં અનેક સર્જકોના સંઘર્ષને ઉજાગર કરતાં પુસ્તક ‘સ્મૃતિસંપદા’નો ઉલ્લેખ કરવો ગમશે.

નેશવિલ- ટેનેસીમાં રહેતાં શ્રીમતી રેખા સિંધલ સંપાદિત પુસ્તક ‘સ્મૃતિસંપદા’માં વિશ્વપ્રવાસિની પ્રીતિ શાહ- સેનગુપ્તા, નટવર ગાંધી, ડૉ.જયંત મહેતા, ભારતીય અવકાશ વિજ્ઞાની-ડૉ.કમલેશ લુલ્લા, દેવિકા ધ્રુવ, બાબુસુથાર જેવા અનુભવોથી સમૃદ્ધ અમેરિકાસ્થિત પંદર સર્જકોની જીવનયાત્રા આલેખાઈ છે જેને ડૉક્યુમેન્ટરી પુસ્તકની કક્ષાએ મૂકી શકાય.

અમેરિકામાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક પ્રકાશિત કરનાર તંત્રી-પ્રકાશક કિશોરભાઈ દેસાઈની હાજરીમાં ‘વિદેશીની’ તરીકે જાણીતાં વરિષ્ઠ કવયિત્રી પન્નાબહેન નાયક હસ્તક,  હ્યુસ્ટન ખાતે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

નેશવિલમાં ગુલાલ- (Gujarati Language And Literature Lovers) નામે ગ્રૂપ પર સાહિત્યિક બેઠકોનું આયોજન થાય છે.

ગુલાલની વાત થાય છે ત્યારે કેલિફોર્નિયાસ્થિત જયશ્રી મરચંટ અને બૉસ્ટનસ્થિત રાજુલ કૌશિક દ્વારા સંપાદિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘ગમતાંનો ગુલાલ-વાતમેળો’ વિશે જણાવવું ગમશે.

‘ગમતાંનો ગુલાલ-વાતમેળો’ વાર્તાસંગ્રહમાં યુ.એસ.એ., યુ.કે. તેમજ ઑસ્ટ્રેલિયાસ્થિત વાર્તાકારોને ગમતી, તેમની જ પસંદગીની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી વાચકોને આ પુસ્તક માણવું ગમશે.

વિદેશની ધરતી પર ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિ વિશે લખાય તો એક આખું દળદાર પુસ્તક તૈયાર થાય, પણ આજે તો અહીંથી જ સમાપન કરું છું.

નવા વર્ષની સૌને શુભકામના.

આલેખનઃ રાજુલ કૌશિક

October 24, 2025 at 1:09 pm

‘ઈશ્વર પડ્યો નથી રસ્તામાં’- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ- ૧૭ – ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

૧૭- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ

‘ઈશ્વર પડ્યો નથી રસ્તામાં’

ઈશ્વરને માનતાં, ઈશ્વરને પૂજતા, ઈશ્વર પર અપાર શ્રદ્ધા રાખીને જીવતા લોકોની સામે ઈશ્વર છે કે નહીં એ અંગે સવાલ કરનારાં રૅશનલ લોકો પણ એટલા જ છે. ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ સુગમ નથી એ વાત જરાય અજાણી નથી. ઈશ્વર છે કે નથી એ અંગે જુદા જુદા મંતવ્યો કે વાદ-વિવાદ પણ ચાલ્યા કરે છે અને એનો કદાચ ક્યારેય કોઈ અંત નથી કારણ કે આ દિલ અને દિમાગ વચ્ચેનો દ્વંદ્વ છે અને એને સાબિત કરી શકાય એવા કોઈ પૂરાવાય નથી.

ઈશ્વરનું અસ્તિત્વ છે એ સૌની અંગત માન્યતા કે વિશ્વાસ પર અવલંબિત છે અને એ શ્રદ્ધા કે અશ્રદ્ધાના પાયા પર બે અલગ માન્યતાવાળા અર્થાત આસ્તિક અને નાસ્તિક લોકોની વિચારસરણીને લઈને અલગ પડે છે. શ્રદ્ધા અને તર્ક એક સાથે એક પલ્લામાં ક્યારેય સમાતા નથી.

કોઈનો ઈશ્વર મૂર્તિ સ્વરૂપે આકાર પામ્યો છે તો કોઈનો ઈશ્વર નિરાકાર છે. જે મૂર્તિ સ્વરૂપે આકાર પામ્યા છે એને આપણે ભગવાન કહીને પૂજીએ છીએ. ઈશ્વર અને ભગવાન, આમ તો આ બંને શબ્દો પર્યાયવાચી લાગે પરંતુ જરા વિચારીએ તો આ બંને માટેનો ભાવ અલગ અનુભવાશે. એટલું જ નહીં આધ્યાત્મની દૃષ્ટિએ સમજવા પ્રયત્ન કરીએ તો સમજાશે કે ઈશ્વર એક શક્તિ છે અને ભગવાન એક એવી વિશેષ વ્યક્તિ છે જેણે ઈશ્વરને જાણી લીધા છે. ઈશ્વર પૂર્ણ સ્વરૂપ, પરમ શક્તિ અને અનંત વ્યાપક ઊર્જા છે. જ્યારે જેણે  ઈશ્વરના સંપૂર્ણ સ્વરૂપનો, અનંત વ્યાપકતાનો અનુભવ કર્યો, પોતાનામાં રહેલા ઈશ્વરની અનુભૂતિ કરવામાં સફળ થયા એ ભવ્ય આત્માને આપણે ભગવાન કહીને પૂજીએ છીએ. આ બ્રહ્માંડના દરેક જીવ જે આ પરમશક્તિ દ્વારા સુરક્ષિત છે, જે  શક્તિ થકી બ્રહ્માંડની સૂક્ષ્મ સ્થિતિ, ગતિવિધિ નિરંતર ચાલી રહી છે એ ઈશ્વર છે. જ્યારે ભગવાન માર્ગદર્શક છે જે મનુષ્યને ઈશ્વરની અનુભૂતિનો માર્ગ દર્શાવે છે.

અને તેમ છતાં આપણે પ્રત્યેક પગલે ઈશ્વરને બાહ્ય આવરણોમાં શોધવા મથીએ છીએ.  અવિનાશ વ્યાસ આ આપણી ખોટી મથામણો માટે શું કહે છે એ જોઈએ. એ કહે છે, 

“ચાલ્યા જ કરું છું…આ જગત જન્મ્યું જ્યારથી,

ચાલ્યા જ કરું છું,

સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી…

શ્રદ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું,

ચાલ્યા જ કરું છું.

માણસ માત્ર જન્મે ત્યારથી ચાલ્યા જ કરે છે. આ જન્મ મળ્યો છે એ પામીને શું કરવાનું છે, ક્યાં પહોંચવાનું છે, એની કોઈ નિશ્ચિત દિશા જાણ્યા વગર એ ચાલ્યા જ કરે છે. સંસારમાં રહીને એનો ઉદ્દેશ નક્કી નથી હોતો તો પણ એ અજાણી દિશાને એનું લક્ષ્ય માનીને વ્યર્થ શોધવા મથે છે.

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઈને,

બુદ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઈને…

મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું,

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું…

જેની દેખીતી રીતે કોઈ હસ્તિ જ નથી એની હસ્તિ છે એમ ધારીને એને મંદિરમાં દેવાલયોમાં શોધવાની મથામણ કરીએ છીએ. અહીં એ જ વાત આવે છે, દિલ અને દિમાગના દ્વંદ્વની કારણ કે જ્યારે શ્રદ્ધાની વાત આવે છે ત્યારે નાજુક એવું દિલ પણ મક્કમતાની એક હદે પહોંચી જાય છે. અહીં બુદ્ધિ જે જવાબ આપે છે એ એને મંજૂર નથી. વાત છે જાતને જગાડવાની. ખોટી ભ્રામક માન્યતાઓમાંથી બહાર આવવાની એના બદલે

જાતને જગાડવાના બદલે ઈશ્વરને જગાડવા મંદિરમાં જઈને ઘંટારવ કર્યા કરીએ છીએ. જે અંદર છે એને બહાર શોધવા આમ તેમ આથડીએ છીએ. એક બીજી રીતે વિચારીએ તો આપણા જ અંતર આત્મામાં ઈશ્વર બિરાજમાન છે. અંતરમાં એની ઝાંખી કરવાના બદલે બહાર પત્થર અને આરસના બનેલા દેવાલયોમાં એને મળવા નીકળી પડીએ છીએ. મળે છે કે નહીં એ ખબર નથી પણ મળશે એવી આસ્થા લઈને એને શોધ્યા કરીએ છીએ.

નાટક કરું છું જે હું નથી તે હું થઈને,

મરું છું કોઈ વાર મીઠું ઝહર લઈને…

જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું…

મઝાની વાત તો એ છે કે, આપણી ખોજ ક્યારેય પૂરી નથી થતી. આપણા સંતોષ ખાતર એક નહીં અનેક દેવાલયો ઊભા કરતા જઈએ છીએ અને દરેકમાં એકથી વધીને અનેક ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા, અંજનશલાકા કરીએ છીએ અને એટલે જ અવિનાશ વ્યાસ કહે છે કે જેણે આપણને બનાવ્યા, જેણે આપણું સર્જન કર્યું એને આપણે બનાવવા માંડ્યા.

ક્યાં અને ક્યારે જઈને અટકશે આ શોધ એની તો આપણને ખબર નથી ત્યારે અવિનાશ વ્યાસ એક જરા જુદી વાત કહે છે.

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

નહીં મળે ચાંદી સોનાના અઢળક સિક્કામાં,

નહીં મળે કાશીમાં કે મક્કામાં,

પણ નસીબ હોય તો મળી જાય તુલસીના પત્તામાં,

ઈશ્વર પડ્યો નથી રસ્તામાં

અવિનાશ વ્યાસ એક નહીં અનેક છે એટલે એમના વિચારો અનેક છે. એ કહે છે ઈશ્વર મળશે પણ કેવી રીતે? ઈશ્વર તો સચરાચર છે, અજરામર છે. એને પામવા શબરી, સુદામા, રાધા, મીરાં, કબીર કે નરસિંહ બનવું પડે.

આલેખનઃ રાજુલ કૌશિક

October 23, 2025 at 5:05 pm

‘દિવાળી પ્રકાશનું પર્વ’-ગુજરાત મેઈલમાં પ્રસિદ્ધ લેખ .

‘દિવાળી પ્રકાશનું પર્વ’

આપણે સૌ રહ્યાં ઉત્સવપ્રિય. વર્ષના આરંભે આવતી ઉતરાયણથી માંડીને વર્ષાંત સુધી અર્થાત આખા વર્ષ દરમ્યાન આવતા આપણા દરેક તહેવારોની ઉજવણી, એનું મહાત્મ્ય અલગ, એની સાથે જોડાયેલા સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક અને પર્યાવરણને લગતાં કારણો પણ અલગ. છતાં દરેક તહેવારોમાં અનુભવાતો આનંદ તો એક સરખો જ. વર્ષના જુદાજુદા સમયે, જુદીજુદી મોસમમાં આવતા આ તહેવારો આપણને રિચાર્જ તો કરી જ દે છે.

‘દિવાળી’ શબ્દની સાથે મનમાં, હૃદયમાં જે લાગણી ઉમટે એ આપણી સમજ સાથે જોડાયેલી છે. હિંદુ ધર્મની સનાતન ભાવના સાથે જોડાયેલો દિવાળીનો દિવસ એટલે વર્ષનો અંતિમ દિવસ. અહીં અંતિમ એટલે જે પસાર થઈ ગયું છે, જે વીતી ગયું છે એને દબદબાભેર વિદાય આપીને એક નવી સવાર, ઉજ્જ્વળ ભાવિને આવકારવાની ભાવનાનો સંદેશ એટલે દિવાળી અને એટલે જ તો આ અંતિમ દિવસની વિદાયને આપણે દીવા પ્રગટાવીને ઉજવીએ છીએ. એનો અર્થ એ કે જે આથમી રહ્યું છે, જે અસ્ત થઈ રહ્યું છે એનાથી વિશેષ કંઈક આવવાનું છે. જે વિશેષ આવવાનું છે એને તો ઉમંગ સહિત આવકારવાનું છે. નવા વર્ષના ઊગતા પ્રભાતની સાથે જીવનમાં આવતી એક નવી શરૂઆતને વધાવવાનો તહેવાર એટલે દિવાળી.

રામાયણ અનુસાર, ભગવાન શ્રી રામ લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યા શહેરને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું.. ત્યારથી દિવાળીનો આ તહેવાર આસુરી તત્વ પર વિજયનો તહેવાર બની ગયો.

ત્રેતાયુગથી ઉજવાતો આ દીપોત્સવીનો ઉત્સવ આજ સુધી એટલી જ ભાવના અને શ્રદ્ધાથી ઉજવાય છે.

દિવાળી, દીપોત્સવી, દીપાવલી….

કેટકેટલાં નામ ! એનાં શાબ્દિક અર્થ અનેક પણ અંતે તો વાત એક. ઘરમાં, જીવનમાં ઉમંગ અને રોશની લાવતો તહેવાર એટલે દિવાળી.

દીપોત્સવી એટલે જેમાં દીવાઓની શોભા કરવામાં આવે છે એ આસો વદ અમાસનો ઉત્સવદિન.

દીપાવલી એટલે દીવાઓની હાર. દીપાવલી શબ્દ ખૂબ અર્થપૂર્ણ છે. એક નહીં અનેક દીપની હાર. એક નાનકડો દીપ અંધકારભર્યા ઓરડામાં ઉજાસ રેલાવે તો દીપકની હારમાળાથી કેટલો ઉજાસ રેલાય?

આ દીપ તો ઉજાસનું એક નાનકડું પ્રતીક છે. સદ્બુદ્ધિ અને સાચી સમજણનાં દીપથી મનમાં ઊંડે ઊંડે ધરબાયેલી દુર્બુદ્ધિ, દુર્વૃત્તિ દૂર કરી આત્મજ્યોતિ પ્રગટાવવાની પ્રેરણા આપતું પ્રતીક છે. ઈશ્વરને આપણે જોઈ નથી શકતાં પણ દીવો પ્રગટાવીને એને નમન કરીએ છીએ. દીવો ઈશ્વરના ચૈતન્ય સ્વરૂપનું પ્રતીક છે. દીવાઓની હારમાળા આત્માને અજવાળતા પરમ ઉજાસનું પ્રતીક.

દિવાળી એટલે હિંદુ પંચાગ મુજબ વર્ષનો અંતિમ દિવસ અને અંતિમ રાત. અમાસની રાત એટલે અંધકાર-તમસની રાત. આપણે તો એનેય દીવા પ્રગટાવીને રોશન કરવાવાળાં. પસાર થઈ ગયેલા સમયની સારી સ્મૃતિઓ મનમાં સાચવીને આવનાર વર્ષને આવકારવાવાળાં. ઘરમાં જાળાં સાફ કરીને કોઈ એક ખૂણામાં કંદીલ લટકાવીએ છીએ. એ રંગબેરંગી કંદીલમાંથી રેલાતો અંદરનો ઉજાસ અને કંદીલના રંગો એકમેકમાં ભળીને કેવી સુંદર આભા ઊભી કરે છે!

આપણે પણ મનમાં બંધાયેલી ગ્રંથીઓનાં જાળાં સાફ કરીને ત્યાં એક એવું કંદિલ લટકાવીને એમાં દીપક પ્રગટાવીએ જે આપણી સાથે અન્યના જીવનમાં પણ ઉમંગ અને રોશની ફેલાવે.

વાત અહીં પ્રગટાવવાની છે. સળગાવવાની નહીં. દીવો પ્રગટાવીએ છીએ. દીવાનો પ્રકાશ અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે, એ આપણી એક સાદી સમજ છે. જરા વિસ્તૃત રીતે વિચારીએ તો અંધકાર ક્યાં એક સ્વરૂપે છે?

કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અજ્ઞાન, અહંકાર મનને અસમંજસમાં મૂકી દે, આત્માના ઓજસ, ચિત્તના ચૈતન્યને હણે, સત્યના રસ્તેથી ચલિત કરે એવી વિચારશૂન્યતા પણ અંધકાર સમાન જ ને?

દિવાળી તેજ અને પ્રકાશનું પ્રતીક છે. બાહ્ય પ્રકાશ આપણને દીવામાંથી પ્રાપ્ત થાય છે. દીવો માત્ર અજવાળું આપતો દીવો નથી. અંધકાર પર પ્રકાશના, અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતિક પણ છે.

એવું કહેવાય છે કે,

“પૂનમ અજવાળી છે અને અમાસ કાળી છે.

છતાં પૂનમે હોળી છે અને અમાસે દિવાળી છે.”

તો આવી અમાસે આવતી દિવાળીને આશાના અનોખા દીપથી અજવાળીએ.

અંધકારમાંથી અજવાસ તરફ લઈ જતા દિવાળીના આ શુભ અવસર પર સૌ માટે એક પ્રાર્થના…..

‘શુભમં કરોતિ કલ્યાણં, આરોગ્યં ધનસંપદાં

શત્રુબુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતે….’

સૌના મન, હૃદયને સાચી દિશા સાંપડે એ જ નવલું વર્ષ.

રાજુલ કૌશિક

October 21, 2025 at 3:31 pm

‘દિવાળીનો યાદગાર અનુભવ’-‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત લેખ

દિવાળીનો યાદગાર અનુભવ.

વાત વર્ષો પહેલાંની છે.
શહેરભરમાં દિવાળીનો માહોલ. ઠેર ઠેર ફટાકડાની દુકાનો. ફૂટપાથ પર રંગોળી, કોડિયાં અને પ્લાસ્ટિકનાં તોરણો વેચવા માટે બેઠેલાં લોકો. ધનતેરશથી માંડીને લાભપાંચમ સુધી રોજેરોજ ઘરનાં બારણે બંધાતા આસોપાલવના તોરણ. સપરમા દિવસે સબરસ..સબરસનો સાદ દઈને ઘેર ઘેર દોડી આવતાં બાળકો, સવારમાં ઊઠીને પહેલાં દેવદર્શને જવાનું, ત્યાં સફરજન અને શેરડીનો સાંઠો મૂકવાનો. દર્શન કરીને દેવમંદિરની બહાર બેઠેલાં જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ આપવાની,  એ બધો ક્રમ કોઈ જાતની પૂર્વ શરત વગર જળવાતો.


આજે એ બધું જ સ્વપ્નવત્ લાગે છે. હવે તો પરિવારથી દૂર ક્યાંક પરદેશ કે પ્રવાસનો ક્રમ શરૂ થઈ ગયો છે ત્યારે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ કે દિવ્યાંગ બાળકોની સાથે દિવાળી ઉજવવાનો વિચાર આવવો એટલે સાચા અર્થમાં અન્યનાં જીવનમાં ઉજાસ ફેલાવાની વાત.

એ દિવાળીએ સ્વર્ગસ્થ દાદીની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમમાં જઈને એમને જમાડવાનો વિચાર ઘરમાં સૌનાં મનમાં આવ્યો હતો.
અગાઉથી વૃદ્ધાશ્રમના વહીવટીને જઈને મળી આવ્યાં.
એ સમયે આજે છે એવા સ્વેચ્છાએ જઈને રહી શકે એવી અદ્યતન સુવિધાવાળા આશ્રમોની વિભાવના સુદ્ધાં નહોતી. અનુદાન પર ચાલતા કે કોઈ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમો હતા.  સાવ સાદા રૂમમાં બે પલંગ. લોખંડના બે કબાટોની સગવડ તો ઘણી ગણાતી. અહીં આવીને રહેનાર વડીલો પણ જરાય પોતાની મરજીથી કે રાજીખુશીથી નથી રહેતા એવું એમને જોઈને સમજાયું. ચહેરા પર વૃદ્ધાવસ્થાની સાથે અન્ય કોઈ લાચારીની પીડા દેખાઈ આવતી.
સવારથી સાંજ માંડ પસાર થતી હશે અને રાત તો કેમે જતી હશે એ તો માત્ર એ લોકો જાણે કે એમનો ઈશ્વર.
રોજેરોજ સાવ સાદું ભોજન મળતું, પણ ક્યારેક કોઈ પરિવારમાં પ્રસંગ હોય ત્યારે એમના તરફથી મીઠાઈ કે ફરસાણ મળે ત્યારે તો એમનાં માટે એ તહેવારનો દિવસ બની જતો .

મેનેજરે વડીલોને જણાવી દીધું હશે એટલે સૌ આતુરતાથી જમવાની રાહ જોઈને બેઠાં હતાં.
દાળ, ભાત, પૂરી, શાક, મોહનથાળ અને ખમણ. પૂરો થાળ જોઈને એમનાં ચહેરા પર જે રાજીપો છલકાયેલો જોયો છે એ આજ સુધી ભુલાયો નથી.

કોણ જાણે કેટલાય વખત પછી એકસાથે આટલી વાનગી નસીબ થઈ હશે?

આજે એ દિવાળી નજર સામે તાદૃશ્ય થાય છે ને એક અજ્ઞાત કવિની રચના યાદ આવે છે.

‘લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી.એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી.છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઈ ખુશી એમાં ભળો તો છે દિવાળી.ઘાવ લઈ જે ફરે છે કૈક જૂના, પીડ એમની કળો તો છે દિવાળી.દીવડાઓ બહારથી પ્રગટાવે શું થશે, ભીતરથી ઝળહળો તો છે દિવાળી.’આલેખનઃ રાજુલ કૌશિક

October 20, 2025 at 11:12 am

૪- હબર્ડ ગ્લેશિયર-ન્યૂઝ ઓફ ગાંનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ

હબર્ડ ગ્લેશિયર

ચલો અલાસ્કા

૧૮ જુલાઈએ સ્યૂવર્ડ ( Seward ) થી કેનાઈ ફ્યોર્ડસ નેશનલ પાર્કની સફર તો હજુ આરંભ હતો. એ મઝાની સફર પછી ક્રૂઝ પર પહોંચ્યાં ત્યારે સાંજ પડી ગઈ હતી અને સાંજમાંથી રાત તો જાણે ક્ષણમાં પસાર થઈ ગઈ.

સવારે આંખ ખુલી ત્યારે અમારી ક્રૂઝ હબર્ડ ગ્લેશિયર તરફ સરી રહી હતી. 

અને, થોડી જ વારમાં નજરની સામે જે દૃશ્ય હતું એને દૃશ્યાવલી જ કહેવાનું મન થાય. નજર પહોંચે ત્યાં બરફાચ્છાદિત પહાડો જ પહાડો અને સાવ જ સામે આછા વાદળી, લીલાં અને સફેદ રંગની ઝાંયથી શોભતો હબર્ડ ગ્લેશિયર.

૭૬ માઇલના વિસ્તારમાં ફેલાયેલ આ હબર્ડ એક ટાઇડ વોટર ગ્લેશિયર છે જેમાંથી ઓગળતા બરફને લીધે દરિયાના પાણી વધઘટ થતી રહે છે.. કુદરતના કરિશ્મા સમાન આ ગ્લેશિયર માઉન્ટ લોગનથી યુકોનવેલી સુધી અને પછી ડિસેન્ચમેન્ટના અખાત સુધી ફેલાયેલ છે.

ઘેરા વાદળી રંગમાં આછો સફેદ ઉમેરીને જે રંગમિશ્રણ તૈયાર થયું ઈશ્વરે આ ગ્લેશિયર પર ઢોળી દીધું હોય એમ ગ્લેશિયરના ભૂરા રંગની આભાથી વાતાવરણમાં સુંદરતા છવાયેલી હતી. ગ્લેશિયરનો આછો-ઘેરો ભૂરો રંગ કુદરતની જ કમાલ છે. સદીઓથી જામી ગયેલો બરફ સપ્તરંગી મેઘધનુષનાં ભૂરા રંગ સિવાયના તમામ રંગો શોષી લે છે અથવા એની તીવ્રતા નહીંવત્ કરી દે છે જેનાં લીધે બરફનું બાહ્ય આવરણ ભૂરું દેખાય છે.

સવારે હબર્ડ ગ્લેશિયર પર પથરાતા સૂર્યના ઉજાસથી સાગરસમ્રાટ પ્રશાંત મહાસાગર જાણે ઝળહળ ઝળહળ. ધીમેધીમે આગળ વધતો દિવસનો તડકો ગ્લેશિયર પરથી પરાવર્તિત થઈને જે રીતે ક્રૂઝ પર પથરાતો હતો, શક્ય છે ક્રૂઝ પણ એવી જ ઝગમગ થતી હશે.

અલાસ્કાની મુલાકાત લેતા પહેલાં તમામ શક્યતાઓ વિચારીને માથાથી માંડીને પગ સુધી જાતને ઠંડીથી સુરક્ષિત રાખવા પૂરતાં ગરમ કપડાં તેમજ વરસાદથી બચવા રેઇનકોટ પણ લઈને ગયાં હતાં.  સદ્નસીબે એ દિવસે કે અમારી ટ્રિપના એક પણ દિવસ વરસાદ કે વાદળછાયું વાતાવરણ નહોતું એટલે દરેક દિવસ આરામ અને આનંદથી માણ્યો.

હા તો વાત છે હબર્ડ ગ્લેશિયરની..

એ દિવસે અમારી નજર સમક્ષ હતો હબર્ડ ગ્લેશિયર, જે હજારો વર્ષથી એકત્રિત થયેલા સ્નોનું પરિણામ હતું.

ગ્લેશિયર એટલે પૃથ્વી પરના તાજા પાણીનો સૌથી મોટો સંગ્રહ જેને ‘હિમનદી’ પણ કહે છે. વિશ્વની ૮૦ ટકા નદીઓમાં ગ્લેશિયરનું પાણી હોય છે. હબાર્ડ ગ્લેશિયર ઉત્તર અમેરિકા ખંડમાં છે જે છેલ્લા સો વર્ષથી અલાસ્કાના અખાત તરફ વિસ્તરતો આગળ વધી રહ્યો છે.

સૌથી લાંબા ગ્લેશિયરને આમ સાવ નજીકથી જોઈને કોણ અભિભૂત ન થાય?

એ દિવસે ક્રૂઝ આખો દિવસ ત્યાં જ ઊભી રહીને ૩૬૦ ડીગ્રી વર્તુળાકારે ફરવાની હતી જેથી ક્રૂઝની બંને તરફથી ગ્લેશિયર જોવાનો સૌને પૂરતો સમય અને લાભ મળવાનો હતો. છતાં, કેટલાય એવાં ઉત્સાહીઓ હતાં કે જે ગ્લેશિયર પરથી વહી આવતા ઠંડા પવનની પરવા કર્યા વગર ક્રૂઝના સૌથી ઉપરનાં અને ખુલ્લાં ડેક પર પહોંચી ગયાં. કેટલાકને ગ્લેશિયરની સાવ નજીક જવું હતું એમનાં માટે આશરે પચાસેક પેસેન્જર સમાય એવી બે નાની ક્રૂઝની વ્યવસ્થા હતી તે આવીને એમને લઈ ગઈ.

નક્કી જ હતું કે, ક્રૂઝની જે તરફથી ગ્લેશિયર દેખાય ત્યાં જ સમય પસાર કરવો. વર્ષો પહેલાં કાશ્મીરનાં સોનમર્ગ ગ્લેશિયર અને મનાલીમાં રોહતાંગ પાસ પર ગયાં છીએ. પગ ખૂંપી જાય એવા બરફનાં ઢગલામાં ચાલ્યાં છીએ. કેનેડિયન રૉકિ ટુર સમયે કોલંબિયા આઇસફિલ્ડ પણ જોયું છે, પણ ફરી એકવાર બરફના આટલા મોટા જથ્થાને એકસાથે જોવો એ રોમાંચકારી અનુભવ હતો.

પહેલી વાર ગ્લેશિયર પરનો બરફ તૂટતો જોયો. નવો બરફ બને ને આગળ ખસે એટલે ધડાકાભેર બરફની મોટી શિલા તૂટે અને પછી નાનાં મોટાં ટુકડાઓમાં વિભાજીત થઈને વહેવા લાગે. એ સમયે આંધીની જેમ પાણીની છોળ ઊઠે. ક્યારેક તો એ શિલા એટલી મોટી હોય કે અકસ્માતે એ શિપ સાથે અથડાય તો હોનારત સર્જાય. કહે છે કે, આઇસબર્ગ એટલે સપાટીની ઉપર તરતો બરફનો એક ભાગ બાકીનો નવમો ભાગ દરિયાના પાણીની નીચે હોય તે.

ડાઇનિંગ રૂમમાંથી ગ્લેશિયર જોઈ રહ્યાં હતાં ત્યારે એ ધડાકો સાંભળીને બાજુનાં ટેબલ પર બેઠેલા એક ટેણિયાએ એની મૉમને પૂછી લીધું, “What will happened If this big iceberg hits our ship? Does our ship have to face emergency like Titanic?”

ટેણિયાની વાતથી ૧૫મી એપ્રિલ/ ૧૯૧૨ ની એ ગમખ્વાર ઘટનાની યાદ તાજી થઈ.

ખેર, એવી ઘટના અવારનવાર નથી બનતી એવું ટેણિયાની મમ્મીએ સમજાવ્યું પછી એ પરિવારે અને અમે હબર્ડ ગ્લેશિયર પર, કુદરતની આ સર્જન અને વિસર્જની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

અહીંના સ્થાનિક વતનીઓ તૂટતા બરફના ધડાકાને ‘શ્વેત મેધગર્જના’ કહે છે. હબાર્ડ ગ્લેશિયરના અવનવા આકારોએ અમને મોહિત કર્યા. ક્યાંક કિલ્લેબંધી ગઢ, તો ક્યારેક ગ્લેશિયની વચ્ચે ગુફા જેવા પોલાણો જોઈને એમ થાય કે આ ગુફાઓમાંથી પોલરબેર પ્રગટ થાય તો કેવી મઝા પડે !  

હબાર્ડ ગ્લેશિયર પર ક્રૂઝ પૂર્ણ વર્તુળાકારે ધીમે ધીમે ફરી જેથી બધા પ્રવાસીઓએ પૂર્ણતયા એનું સૌંદર્ય માણ્યું.

જુલાઈ મહિનાની ગરમીને લીધે ઓગળેલા બરફથી બનેલી અને સમુદ્રમાં લીન થતી નદી પણ જોઈ. સાથે બાઇનૉક્યુલર હોવા છતાં ક્યારેય ન જોયા હોય એવા ગ્લેશિયરના આછા ભૂરા રંગને નરી આંખે જ માણ્યો. કહે છે કે, સ્નોમાંથી રૂપાંતરિત થયેલા આઇસની ઉંમર ચારસો વર્ષ જેટલી છે. હવે આ ગ્લોબલ વૉર્મિંગની અસર કેવું પરિણામ લાવે છે એ જોવું રહ્યું.

સાંજ પડવાની તૈયારી હતી. સૂર્યદેવને વિદાય આપવાની ઘડીથી જાણે ઉદાસ હોય એમ દરિયાનાં પાણીનો આછો ભૂરો રંગ હવે રાખોડી રંગ ધારણ કરી રહ્યો હતો છતાં પાણીમાં તરતાં બરફનાં ચોસલાંનાં અલગ અસ્તિત્વની આલબેલ સમી સફેદી જળવાઈ રહી હતી. મન ભરીને એ દૃશ્ય જોઈ, જમી પરવારીને આંખમાં ઘેરાયેલી ઊંઘને તાબે થયાં ત્યારે ક્રૂઝ મધ્યમ ગતિએ હબર્ડ ગ્લેશિયરથી આગળની તરફ વધી રહી હતી.

આલેખનઃ રાજુલ કૌશિક

October 19, 2025 at 2:34 pm

બોણી-વહાલની’ -ગુજરાત દર્પણ-(ન્યૂ જર્સી .યુ એસ.એ)માં પ્રસિદ્ધ વાર્તા.

“શૈલજા ઓ શૈલી, ચાલ ઊભી થા હવે. ઘરમાં કેટલું કામ પડ્યું છે અને આ એક તું છો જેની સવાર ક્યારેય વહેલી પડતી જ નથી ને !”

માથે રજાઈ ઓઢીને પોઢેલી શૈલજા સુધી મમ્મીના અવાજમાં ભળેલી ચીઢ અને અકળામણ પહોંચી. એ ફટાક કરતી ઊભી થઈ ગઈ.

દિવાળીના આગલા બે દિવસ મમ્મી શૈલજાને બરાબર લપેટમાં લેતી. કેટલાય નાસ્તા, મીઠાઈઓ તો બનાવવાની જ સાથે ઘરની સજાવટ, બારસાખે તોરણ, આંગણે રંગોળી….

“અરે ભગવાન ! હવે તો ઊભા થયા વગર ચાલશે જ નહીં” બબડતી શૈલજા ઊભી થઈ.

“અત્યારે શીખેલું કાલે કામ આવશે. બાકી માથે પડશે ત્યારે મા યાદ આવશે.” એવું કહેતી, શૈલજાને  ટોકતી મમ્મી અત્યારે સાચે જ યાદ આવતી હતી.

*****

કૉલેજમાં ભણતાં ભણતાં શૈલજા અને અનુપ પ્રેમમાં પડ્યાં. ભણીને બંને નોકરીએ લાગ્યા ત્યાં સુધી બંનેએ ધીરજ રાખી, પછી ઘરમાં લગ્ન માટે મંજૂરી માંગી.

આમ તો એક જ જ્ઞાતિ પણ ઊંચ-નીચના વાડાભેદને લીધે બંનેના ઘરમાંથી લગ્ન માટે ના…ના…ના ને ના… જ.

ભીંત સાથે માથા પછાડે ભીંત તૂટતી હોત તો એ બંને એમ કરવા મથત, પણ બંનેને ખબર હતી કે માથામાંથી લોહીની ધાર થશે પણ ભીંતમાંથી કાંકરોયે નહીં ખરે.

આર્યસમાજમાં જઈને શૈલજા અને અનુપે લગ્ન કરી લીધા. આશીર્વાદ લેવા માટે પહેલાં શૈલીના ઘેર ગયાં. પગથિયાં પર હજુ તો પગ માંડ્યો જ ને તેની સાથે ધડામ કરતું ઘરનું બારણું બંધ થયું. બારણાં પાછળથી પાપાનો ઊંચો સાદ સંભળાયો.

“મારું મર્યું મોં જોવું હોય તો ઘરમાં પગ મૂકજે અને ઘરનાં સૌ સાંભળી લો જેને પણ એની સાથે સંબંધ રાખવો હોય, એ અબઘડી એની સાથે જ ઘર છોડી દે.”

‘શૈલી, શૈલી’…કહેતા પપ્પાના મોઢે આજે ‘એની-એની’ સાંભળીને જાણે કોઈ ત્રાહિતની વાત કરતા હોય એવો ધક્કો શૈલીને વાગ્યો.

અનુપનો હાથ પકડીને શૈલી પહેલાં પગથિયેથી જ પાછી ફરી ગઈ.

અનુપ માટે સૂંડલો સોનું લઈને આવે એવી જ વહુ જોઈતી હતી. અનુપના પરિવારમાં શૈલીનો સ્વીકાર નહીં જ હોય એની ખાતરી હતી એટલે ત્યાં જવાનો તો કોઈ સવાલ જ નહોતો.

આજકાલ કરતાં એક વર્ષ પૂરું થયું. પહેલાં અનુપના મિત્ર-દંપતિ સાથે શેરિંગમાં, પછી ભાડાના ફ્લેટમાં થોડો સમય પસાર કર્યાં બાદ પોતાનો વન બી.એચ.કે.વાળો ફ્લેટ લઈ શક્યાં.

“પંદર દિવસ પછી દિવાળી આવશે, અનુપ. આમ સાવ એકલાં એકલાં….” કહેતાં શૈલીની આંખમાં ઝળઝળિયાં અને અવાજમાં ડૂમો ભરાઈ આવ્યો.

“મમ્મી અને કાકી તો ઘર, માળિયાં સાફ કરીને આંગણમાં રંગોળી પૂરશે. નાસ્તા, મીઠાઈઓ બનાવશે. ઉંબરે દીવો મૂકતા મમ્મી ગાશે,

“મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, કે ઘર મારું ઝળહતું,

મેં તો મેડીએ દીવો મેલ્યો કે મન મારું ઝળહળતું…

“હેં અનુપ, માળિયાનીની જેમ મન સાફ ના થઈ શકે? ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજા, દિવાળીની સાંજે ચોપડાપૂજન તો સૌ સાથે મળીને જ કરીએ. આ વર્ષે પણ કરશે ત્યારે મારી યાદ આવશે?

“બેસતાવર્ષની આગલી રાત્રે મમ્મી અમારાં ઓશીકાની નીચે લક્ષ્મીજીનો ચાંદીનો સિક્કો મૂકતી. કહેતી કે, ‘બેસતાવર્ષે ઊઠીને પહેલાં ચાંદીના લક્ષ્મીજીના દર્શન કરીએ તો શુકન થાય.’

“ખબર છે અનુપ? પપ્પા તો એમનાં ઓશીકા નીચે સિક્કો મૂકવાની ના જ પાડી દેતા. કહેતા કે, મારી આ લક્ષ્મી જેવી દીકરીનું મોં જોઈશ એટલે મારે તો બારે મહિના શુકન.

“અનુપ, દિવસો પછી મહિનાઓ અને હવે વર્ષ પણ પૂરું થવામાં આવ્યું. પપ્પાને શૈલી યાદ નહીં આવી હોય?”

*****

બે ભાઈઓના સંયુક્ત પરિવારમાં ત્રણ દીકરાઓ વચ્ચે શૈલી એક માત્ર દીકરી એટલે સૌની લાડકી.  ઘરમાં પપ્પાની ભારે ધાક, છતાં, શૈલીનો સિક્કો ભારે રહેતો.

“મઠિયાં જેટલાં તીખાં કરવા હોય એટલા કરજો, પણ શૈલી માટે ઓછા મરચાંના બનાવજો.” રસોડામાં ભાગ્યેજ રસ લેતા પપ્પા મઠિયાં બનાવવાનું શરૂ થાય તે પહેલાં મમ્મીને કહેતા.

ફટાકડાના એક સરખા ચાર ભાગમાંય શૈલી માટે નિર્દોષ ફટાકડા વધારે જ મુકાયા હોય. બેસતા વર્ષે ઘરમાં સૌથી પહેલી બોણી શૈલીને અપાય એ પછી જ સૌનો નંબર આવતો.

જૂની સ્મૃતિઓની આંધી ઊઠી હતી. શૈલીનું રડવાનું રોકાતું નહોતું.

અનુપ પાસે શૈલીને આશ્વાસન આપવા શબ્દો નહોતા, પણ મનોમન એણે એક નિર્ણય કર્યો.  ‘લગ્ન પછીની શૈલીની પહેલી દિવાળી એ એળે નહીં જવા દે.’

******

“શાલુ, લગ્ન પછી આ પહેલી દિવાળી છે. બેસતા વર્ષે મિત્રોને જમવા બોલાવીએ તો જરા તહેવારની ઉજવણી જેવું લાગશે.

“શું કહે છે? તને ઠીક લાગતું હોય તો સૌને મેસેજ કરી દઉં.”

શૈલીએ હળવા સ્મિત સાથે અનુપની વાતને વધાવી લીધી.

“પરફેક્ટ, બાર વાગ્યાનો સમય આપું છું. હું પણ મદદ કરીશ, બંને જણ મળીને તૈયારી કરીશું. મઝા આવશે.”

શૈલીએ ફરી હળવા સ્મિત સાથે અનુપની સામે હકારમાં આંખો પટપટાવી. 

શૈલી વહેલી સવારથી કામે લાગી. આજે એને સાચે જ મમ્મી બહુ યાદ આવી ગઈ. મમ્મીએ ટોકીટોકીને શીખવાડ્યું હતું એ આજે કામે લાગ્યું.

બાર વાગ્યાના ટકોરે વિન્ડ ચાઇમનો ગમતીલો સૂર સાંભળીને શૈલીએ બારણું ખોલ્યું.

કલ્પનાતીત દૃશ્ય જોઈને બે ઘડી સ્તબ્ધ અને પછી તો આંખોમાંથી હેલી…હરખની સ્તો.

*******

“પપ્પા, તમે આ ઘરમાં શૈલીને પગ મૂકવાની મનાઈ કરી હતી, મને ક્યાં કરી હતી? જાણું છું અમારા નિર્ણયથી જેટલું તમારું દિલ દુભાયું છે, પણ તમને થયું એનાં કરતાં અનેકગણું વધારે દુઃખ અમનેય થયું છે.

“પપ્પા, હું શૈલીને અઢળક સુખ આપવા મથીશ, પણ એના માથે તમારો હાથ અને એના હાથમાં તમે આપેલી બોણી નહીં હોય ત્યાં સુધી સઘળું સુખ એળે છે. એક દિવસ એવો નહીં ગયો હોય કે તમને એણે યાદ ન કર્યા હોય.” અનુપ શૈલીના પાપા      સાથે વાત કરતો હતો.

“યાદ કરીનેય દૂર જ રહી ને? એકવાર એને એમ ન થયું કે, પાછી વળીને બાપનું મોં જોઈ આવું. બાપ છું, ગુસ્સાવાળી પ્રકૃતિ છે. ગુસ્સો આવે ત્યારે શું બોલું છું એનું ધ્યાન નથી રહેતું. કેટલીય વાર રિસાઈ હશે, હું એને મનાવી લેતો. એકવાર બાપ રિસાયો તો એને….” જતીનભાઈના ગળે ડૂમો ભરાયો, અવાજ રૂંધાયો ને આંખ ભીની થઈ.

“દીકરીના બદલે હું મનાવું છું. માની જશો પપ્પા?” અનુપ નમીને પપ્પાને પગે લાગ્યો.

અને એ પછી જતીનભાઈનો રોષ સ્નેહ બનીને ઓગળી રહ્યો. ઘરમાં સૌને ખબર હતી કે, જતીનભાઈએ શૈલી વગર એકએક પળ કેવી રીતે પસાર કરી છે.

કંસારનો કોળિયો ભરાવતી શૈલીને માથે પપ્પાનો હાથ અને શૈલીના હાથમાં લગ્ન પછી પહેલી બોણી….

“દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર…..” પપ્પા ગણગણ્યા.

મમ્મી સામે જોઈને શૈલી પણ ગણગણી…

“મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, કે ઘર મારું ઝળહતું,

મેં તો મેડીએ દીવો મેલ્યો કે મન મારું ઝળહળતું…

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

October 17, 2025 at 11:41 am

૩-સ્યૂવર્ડ ( Seward ) થી કેનાઈ ફ્યોર્ડસ નેશનલ પાર્ક-ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ .

ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ .

‘ સ્યૂવર્ડ ‘( Seward )

૩-ચલો અલાસ્કા

– સ્યૂવર્ડ ( Seward ) થી કેનાઈ ફ્યોર્ડસ નેશનલ પાર્ક

એન્કરેજના એક સાંજથી બીજા દિવસની સવાર સુધીનાં રોકાણ પછી બીજા દિવસે એટલે કે ૧૮ જુલાઈની વહેલી સવારે જેને ‘Get Way To Alaska’ કહે છે એ સ્યૂવર્ડ જવા નીકળવાનું હતું. નિશ્ચિત સમય પ્રમાણે અમને લેવા સવારે ૫-૪૫ વાગ્યે લક્ઝરી કોચ હાજર.

એન્કરેજની વ્યસ્ત સાંજ તો જોઈ જ હતી. એ દિવસે સવાર પણ જોઈ. ધીમેધીમે, હળવેહળવે આળસ મરડીને, જાણે કોઈ ઉતાવળ ન હોય કામે લાગતું શહેર, નાનાં પણ ગમી જાય એવા સુંદર શહેરને વટાવીને હાઇવે તરફ આગળ વધતા આછા અંધકારનો ઓછાડ ઓઢીને સુતેલા પર્વતો જોયા. અમારું સ્વાગત કરવામાં મોડા ન પડે એ માટે સૂર્યદેવે મુલાયમ કિરણોનાં પીંછાંથી જાણે સુતેલા પર્વતોને ઉઠાડ્યા. પર્વતો પરથી પરાવર્તિત થઈને રસ્તા સુધી ફેલાતા સૂર્યકિરણોએ હસીને અમારું સ્વાગત કર્યું.

વાહ, આવી પણ સવાર હોય ! આનંદ આનંદ થઈ ગયો. સવારે ૫-૪૫ વાગ્યે નીકળવા માટે વહેલાં ઊઠવું પડ્યું હતું એટલે મનમાં એમ હતું કે સ્યૂવર્ડ સુધી પહોંચીશું ત્યાં સુધીમાં બે-ચાર ઝોકાં ખાઈ લેવાશે, પણ વાતાવરણે જે ઉષ્માથી અમને આવકાર્યા એ પછી તો સંપૂર્ણ જાગ્રત થઈને ૧૨૫ માઇલની લગભગ અઢી કલાકની સ્યૂવર્ડ તરફની મુસાફરી માણી. સ્યૂવર્ડનાં ફ્લેટટોપ માઉન્ટેન, ટર્નઅગેઇન- બેલુગા પોઇન્ટ, અલ્યાસ્કા એરિયલ ટ્રામ જેવાં આકર્ષણનો લાભ લેવા માટે રોકાવું પડે જે શક્ય નહોતું છતાં આખા રસ્તાની મુસાફરી દરમ્યાન વહેલી સવારથી માંડીને આગળ વધતા દિવસનું જે પ્રાકૃતિક સૌંદર્ય માણ્યું એ વિશે લખવું હોય તો અઢી પાનાં ભરાય.

સ્યૂવર્ડ પહોંચીને કેનાઈ ફ્યોર્ડ’સ નેશનલ પાર્ક (Kenai Fjords park) જવા ગ્લેશિયર ક્રૂઝ બુક કરી હતી. એન્કરેજથી સ્યૂવર્ડ આવ્યાં ત્યારે જે લક્ઝરી કોચમાં સામાન ચઢાવાયો હતો એ અમને સીધો રાત્રે ‘રોયલ કેરેબિયન- રેડિયન્સ ઓફ ધ સીઝ’ ના રૂમ પર પહોંચી જવાનો હતો એટલે એ અંગે કોઈ ચિંતા નહોતી.

કેવું છે માનવમન નહીં ! જ્યાં કોઈ સારી રીતે આપણી કે આપણી ચીજ-વસ્તુની જવાબદારી લઈ લેશે એટલો વિશ્વાસ મનમાં જાગે છે કે તરત હળવાફૂલ બની જઈએ છીએ. અમે પણ હળવા મને કેનાઈ ફ્યોર્ડસ નેશનલ પાર્ક (Kenai Fjords park) ગ્લેશિયર અને વાઇલ્ડલાઇફ ક્રૂઝની સવારીએ ઉપડ્યાં.

બૉસ્ટનથી એન્કરેજ પહોંચ્યાં ત્યાં સુધી આસમાની વાદળો પર સવારી હતી, કેનાઈ પહોંચીને એવા જ આસમાની પાણી પર તરતી ક્રૂઝની સવારી, જાણે બે દિવસના ફરકમાં આસમાનથી ધરતી પર ઉતરી આવ્યાંનો બે છેડાનો અનુભવ.

કેનાઈ ફ્યોર્ડસ નેશનલ પાર્ક પહોંચીને તો વળી સાવ અલગ અનુભવ.

જેવી ગ્લેશિયર (ગ્લૅસિઅર) ક્રૂઝ ઉપડી કે પછી તો ક્યાં જુઓ અને શું જુઓ?

ચારેકોર, નજર પડે ત્યાં પર્વતોની વચ્ચે નજરે આવતા ગ્લેશિયર્સ જોઈએ કે ઘડીમાં દેખા દઈને પાછી પાણીમાં ગરક થઈ જતી હમ્પબૅક વ્હેલ?

થોડે દૂર ગ્લેશિયર ઓગળીને વહી રહેલા ધોધ કે મોટા પત્થર પર અડીંગો જમાવીને બેઠેલી આઠ-દસ સીલ જોઈએ કે જુલાઈ મહિનામાં માંડ બહાર આવતા બેઅર(રીંછ) કે જેને સી-લાયનનું બિરૂદ મળ્યું છે એ દરિયાઈ જળચર?

ભાગ્યેજ જોવા મળતું પેટે સફેદ અને પીઠે કાળા રંગનું લાલાશ પડતી કેસરી ચાંચવાળું એ નાનકડું પફીન નામનું પંખી જોવા રહી કે જરાક નજરચૂક થાય ત્યાં ગ્લેશિયરમાંથી તૂટીને પાણી પર સરકી આવે એ શિલાઓ જોઈએ?

અમે બધું જ જોયું.

કેનાઈ ફ્યોર્ડ’સ નેશનલ પાર્ક ગ્લેશિયર ક્રૂઝ પર વેકેશન પૂરતાં આવીને કામ કરતા યુવાનો અને યુવતીઓ પેલી હમ્પબેક વ્હેલ જેવાં જ તરવરિયાં હતાં. વ્હેલ, બેઅર, પફીન કે પછી તૂટી પડતી બરફની શિલાઓ તરફ એટલી ત્વરાથી અમારું ધ્યાન દોરતાં હતાં કે કશું જ ચૂકી ન જવાય.

એમની પાસે માઇક્રોફોન જેવું અવાજ ઝીલવાનું સાધન હતું જે પાણીમાં લટકાવીને વ્હેલ હોવાની સંભવિતતા પારખીને સૌને ડેક પર બોલાવી લે અને ત્યાં થોડે દૂરથી અથવા સાવ પાસે આવેલી વ્હેલ જોવા મળી જ જતી.

આ વ્હેલ, બેઅર, સીલ કે સી-લાયન, પફીન જોવાની ઉત્સુકતા સંતોષાયા પછી વિચાર આવ્યો કે પફીન સિવાય દરેકને આપણે અક્વેરિઅમમાં જોયાં જ છે તો એ જોવાનો આટલો આનંદ અને ઉત્તેજના અહીં કેમ અનુભવાય છે?

મન સવાલ કરે ત્યારે જવાબ પણ ખોળી કાઢે. અક્વેરિઅમમાં પાળેલાં, અન્યની મરજી પર જીવતા પ્રાણીઓ એટલે જાણે ચેતના વગરના ખોળિયા અને અહીં મન મૂકીને મોજ-મસ્તીથી જીવતા પોતાની મરજીના માલિક. ફરક તો પડે જ ને? 

કેનાઈ ફ્યોર્ડસ પાર્ક અલાસ્કા-અમેરિકાનું બરફના પર્વતોમાંથી ઓગળીને વહેતી બરફની નદીઓનાં લીધે ઉત્પન્ન થયેલ સૌથી મોટું ‘આઇસફીલ્ડ’ છે. કહે છે કે, અહીં ઓછામાં ઓછા ૩૮ ગ્લેશિયર છે. ૧૯૭૮ની પહેલી ડીસેમ્બરે અમેરિકન પ્રેસિડન્ટ જીમી કાર્ટરે કેનાઈ ફ્યોર્ડસની રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખ સ્થાપિત કરી તે પછી ૧૯૮૦ માં અલાસ્કા રાષ્ટ્રીય ધોરણ પ્રમાણે એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્વીકૃતિ મળી.

હા, તો વળી પાછાં જઈએ ગ્લેશિયર ક્રૂઝ પર.

ક્રૂઝ પર માઇક દ્વારા સતત જે માહિતી પીરસાતી હતી એમાં જો સરતચૂક ન થતી હોય તો સાંભળેલી માહિતી મુજબ કેનાઈ ફ્યોર્ડસમાં ૬૦ ફૂટ (૧૮ મી) જેટલી હિમવર્ષા નોંધાઈ છે. અહીંના ત્રીસેક જેટલા ગ્લેશિયર્સ આશરે ૨૩,૦૦૦ વર્ષ જૂનાં હોવાની શક્યતા છે જેમાં છેલ્લાં સોળેક વર્ષથી ગ્લોબલ વૉર્મિંગના લીધે ત્રણેક ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ ગ્લોબલ વૉર્મિંગનાં લીધે પ્રકૃતિ પર જે અસર થવા માંડી છે એ અંતે તો માનવજાત માટે જ નુકશાનકર્તા સાબિત થઈ રહી છે.

જુલાઈ મહિનામાં સામાન્ય રીતે અહીં ૮૭ ફેરનહિટ (૩૧ ડીગ્રી સેલ્સિઅસ) તાપમાન રહેતું હોય છે. અમારી લગભગ પાંચેક કલાકની આ ક્રૂઝ દરમ્યાન થોડી ઠંડક અને ઘણો બધો સૂસવાટા મારતો પવન હતો. અમે ઠંડી અને પવન સામે ટકી રહેવા પૂરતી તૈયારી સાથે નીકળ્યાં હતાં, છતાં ક્રૂઝ જેમજેમ ગ્લેશિયરની નજીક જતી ગઈ એમ બર્ફીલા પવનનું વધતું જોર સહેવું અઘરું લાગવા માંડ્યું હતું.

અંતે એઇલેક ગ્લેશિયર (Aialik Glacier) પાસે પહોંચ્યાં ત્યારે તો ગાત્રો ઠરી જાય એવો પવન હતો. છતાં, એ પવનની આડે ‘આંખ આડા કાન’ કરીએ એમ માથે, મોઢે, નાક, કાન, ગળા, હાથ, શરીર પર ગરમ ટોપી, મફલર, કાનપટ્ટો, હાથનાં મોજાં અને ગરમ જેકેટની ઉપર પણ પવન રોકવા વેધર જેકેટ ચઢાવીને સૌ પહોંચ્યાં ડેક પર..

આસમાની ભૂરાં રંગનાં એ આઇસફિલ્ડ અને આઇસફિલ્ડ પરથી તૂટીને સરકી આવતી નાની નાની શિલાઓ જોઈને કેનાઈ ફ્યોર્ડસની મુલાકાત સોનામાં સુગંધ જેવી બની રહી.

ક્રૂઝ પર કામ કરતા છોકરાઓએ વિદાય સમય પહેલાં એ તરતી શિલાના નાના અમસ્તા ટુકડાઓ જાળીમાં એકત્રિત કરીને ગ્લાસમાં માર્ગરિટાના રસિયાઓ માટે અલગઅલગ ફ્લેવરની માર્ગરિટા બનાવીને પીરસી. અલાસ્કા ટ્રિપનો શુભારંભ એન્કરેજથી થયો હતો જેમાં એક વધુ દિવસનો ઉમેરો થયો.

સાંજે ‘ગ્લેશિયર ક્રૂઝ’ પરત થઈ ત્યારે ડૉક પર ‘રોયલ કરેબિયન ની રેડિયન્સ ઓફ ધ સીઝ’ નામે તરતી નગરી અમારાં સ્વાગત માટે ઊભી હતી અને સામાન તો અમારાં પહેલાં રૂમ પાસે પહોંચી ગયો હતો.

તેર માળી ક્રૂઝના આઠમા ડેક પર અમારી રૂમ હતી. રૂમમાં પ્રવેશતા જ રૂમની બાલ્કનીમાંથી દૂર શ્વેત બરફાચ્છાદિત પર્વતોની ટોચ, ટોચથી નીચે નજરે પડતા આસમાની રંગે રંગાયેલ બર્ફિલા પહાડો અને આથમતી સાંજે પાણીમાં ઝીલાતું સૂરજનું કેસરી પ્રતિબિંબ નજરે પડ્યું.

શ્વેત, આસમાની અને કેસરી રંગોનાં મિશ્રણથી રંગાઈ ગયેલું વાતાવરણ એટલું તો ચિત્તાકર્ષક લાગતું હતું કે ત્યાંથી ખસવાનું મન જ ન થાય, પણ સાડા આઠ વાગ્યા સુધીનો જમવાનો સમય અને ભૂખથી ઉઠેલો પેટનો પોકાર અવગણી શકાય એમ નહોતો.

વળી એટલી ખબર હતી કે, અહીં સવારે છ વાગ્યાથી લગભગ રાતના સાડા દસ વાગ્યા સુધીના લાંબા દિવસો મળવાના છે એટલે કંઈક વધુ અને અવનવું જોવાની, માણવાની તક રૂમની બાલ્કનીની જેમ જ ડાઇનિંગ હોલમાંથી પણ મળવાની જ છે.

હવે ક્રૂઝ અંગે કંઈક કહેવું હોય તોયે આખેઆખો દસ પાનાંનો નિબંધ થઈ જાય એટલે વધુ વિગત ટાળીને એટલું કહી શકાય કે, ‘માંગ માંગ માંગે તેટલી સુવિધા આપું’ કહીને ખાવા-પીવાની અતિશય વિવિધતા, સ્વીમિંગ પૂલ, સ્વાસ્થ્યને અનુલક્ષીને જીમથી માંડીને જાકુઝી, સોના, સ્ટીમ તથા જુદી જુદી ક્લબો અને મનોરંજનના કાર્યક્રમોની ભરમાર હતી.

એ સાંજે જમીને રૂમ પર પાછાં આવ્યાં ત્યારે થોડો ઘણો ઉજાસ હતો. વહેલી સવારથી શરૂ થયેલા સાંજ સુધીના પ્રવાસ દરમ્યાનની સુખદ અનુભૂતિ સાથે પથારી ભેગાં થયાં ત્યારે બાલ્કનીમાંથી દેખાતો વ્યૂ જોતાં જોતાં ક્યારે આંખ ઘેરાવા માંડી…ખબર નહીં, પણ એવું લાગતું હતું કે જાણે દાદાના ખોળામાં માથું છે અને દાદા હળવે હળવે થપકી મારે છે, નિરવ શાંતિમાં સંભળાતો દરિયાનો આછો ઘુઘવાટ જાણે હાલરડું. અને, કોણ જાણે ક્યારે ગાઢ નિંદરમાં સરી જવાયું તે સીધી બીજા દિવસની સવારે આંખ ખુલી ત્યારે અમારી ક્રૂઝ હબર્ડ ગ્લેશિયર તરફ સરી રહી હતી. 

આલેખનઃ રાજુલ કૌશિક

October 13, 2025 at 7:13 am

‘શમણું છે સંસાર’ – સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-૧૬ ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

૧૬- સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-

‘શમણું છે સંસાર’

આમ તો વર્ષના બારે મહિનાના ત્રણસો પાંસઠ દિવસ એક નવી સવાર લઈને ઊગે અને કોઈ નવા રંગ રૂપે આથમે.

આજે વાત કરવી છે ઑક્ટોબર મહિનાની.

યુ.એસ.એ.માં ઑક્ટોબર મહિનો શરૂ થાય અને કુદરત જાણે કરવટ બદલે. અત્યાર સુધી ચારેકોર વેરાયેલી લીલીછમ જાજમથી માંડીને નજર પહોંચે ત્યાં સુધી દેખાતા આંખને ટાઢક આપતા અને દિલને શાતા આપતા લીલાછમ જાજરમાન વૃક્ષો એમનો મિજાજ બદલવા માંડે. આ મિજાજ એટલે કોઈ જાતના ગર્વની અહીં વાત નથી હોં. વાત છે પ્રકૃતિની. પ્રકૃતિને ઈશ્વરે બક્ષેલી મહેરની.

એ સમયે યાદ આવે અવિનાશ વ્યાસની રચના,

‘લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ

ફૂલડાં ખીલ્યા ફૂલડાં પર ભવરાં બોલે ગુનગુન.’

નજર ઊંચી કરીને જોવા પડે એવા વૃક્ષો હજુ ગઈકાલે તો લીલાછમ હતા અને આજે? આજે નજર માંડી તો જાણે ગગનમાં ઊગેલા સૂર્યની કેસરી રંગની ઝાંય પોતાનામાં ઝીલી લીધી હોય એમ એની ટોચ પણ લાલાશ પડતા કેસરિયા રંગે રંગાઈ ચૂકી હતી.

આ તો માત્ર ઉડતી નજરે પડેલી તસવીરની આછી ઝલક છે. હાથમાં સ્મરણોનું આલબમ લઈને બેઠા હોઈએ અને એક પછી એક પાનું ફેરવતા જઈએ અને જીવનના માધુર્યથી ભરેલી યાદો એક પછી ખૂલતી જાય એમ અમેરિકાના નોર્ધન ઈસ્ટ એટલે કે ઉત્તરપૂર્વીય તરફના રાજ્યોમાં જ્યાં જાવ ત્યાં નજર પહોંચે ત્યાં સુધી મોસમે બદલેલી કરવટનો નજારો દેખાય.

ઘરની બહાર નીકળીએ અને ઈશ્વરે સર્જેલા કોલાજના એક પછી એક અવનવા રંગો આપણી સમક્ષ ઉભરતા દેખાય. માનવીય સંદર્ભે વિચારીએ તો પાનખર એટલે ઢળતી ઉંમર પણ કુદરતની પાનખર અહીં સાવ અનોખા રંગ રૂપ ધારણ કરીને લહેરાતી જોવા મળે.

ઉંમર ઢળતી જાય એમ વ્યક્તિને એના જીવનના અલગ અલગ પડાવ, અલગ અલગ મનોદશાના ચિતાર નજર સામે આવે. એમાં ક્યાંક ફૂલગુલાબી યાદો હોય. જીવનમાં માણેલી શુભ ક્ષણોનો સરવાળો હોય. એ સરવાળામાંથી મનને ભીની કરી જતી ભીનાશ પણ હોય તો ક્યાંક કશુંક ગુમાવ્યાની, વિમુક્ત થયેલા સ્વજનોની યાદોના રંગથી ઝાંખો થયેલો ઉદાસ કરી દે એવો ઘેરો કે ભૂખરા રંગનો ભૂતકાળ પણ હોય. આંખે આછા થતાં અજવાળામાં કદાચ ઉદાસીનતાના, એકલતાના ઉપસી આવેલા ઘેરા રંગો પણ હોય.

પણ, અહીં તો કુદરતમાં કશું ગુમાવાની અથવા જે આજે છે એ કાલે નહીં હોય એની ક્યાંય વ્યથા નથી. અહીં તો આજે જે મળ્યું છે એ માણવાનો રાજીપો છે અને એ રાજીપો પાનખરના લાલ,પીળા, કેસરી, શ્યામ ગુલાબી, પર્પલ, કિરમજી, આછા ભૂખરા કે તપખીરિયા રંગોમાં છલકાતો દેખાય.

ઈશ્વર જેવો અદ્ભુત કોઈ કલાકાર છે જ નહીં એવી સતત પ્રતીતિ કરાવતી રંગછટાનો અહીં વૈભવ દેખાય ત્યારે એમ થાય છે કે, ખરતા પાન પણ આવો વૈભવ પાથરી શકે? આજે જોયેલા લીલાંછમ પાન બીજા દિવસની સવારે જોઈએ તો કેસરી કે લાલ દેખાય, વળી બીજા બે-ચાર દિવસે પીળા કે તપખીરિયા થઈને ખરી પડેલા દેખાય. આ ખરીને ધરતી પર વેરાયેલા પાનનો ઠાઠ પણ અનેરો. જે ખીલીને વાતાવરણને લીલુંછમ બનાવી દે એવા પાન ખરીને પણ ધરતીને લાલ, પીળા કે કેસરી રંગોથી સજાવી દે. આ ખરી પડેલા પાન જતાં જતાં પણ કશુંક આપીને જાય.

છે આપણી આવી તૈયારી? જેનો આરંભ છે એનો અંત છે એવી જે વાત કુદરત આપણને કહી જાય છે એ સમજવાની, સ્વીકારવાની તૈયારી છે આપણી? જે ઉગ્યુ છે એ આથમવાનું છે એ સ્વીકારવાની આપણી તૈયારી છે ખરી?

વાદળની આડશ પાછળ આશાના પ્રતીક સમી દેખાતી રૂપેરી કોર મનને ઉર્જિત રાખે છે એ વાત સાચી સાથે એ રૂપેરી કોરને કદાચ થોડા સમય પછી વાદળ પૂરેપૂરી એની આડશમાં લઈને ઢાંકી દે તો એ સહજભાવે સ્વીકારી લેવાની તૈયારી છે ખરી?

આજે પૂરબહારમાં ખીલેલી વસંત તો કાલે પાનખર જેવું આપણું જીવન છે. પાછળ નજર કરીને જોઈએ તો એવું લાગે કે એ પસાર થઈ ગયેલું જીવન હતું કે રાત્રે ઘેરી નિંદ્રામાં જોયલું શમણું? એવું લાગે કે જાણે સવાર પડશે અને એ શમણું વિખેરાઈ જશે. સ્મૃતિમાં રહી જશે કદાચ એ શમણાંની આછી યાદ. આપણી આ ક્ષણો તારલિયાની જેમ ઝગમગતી હશે તોયે એ આથમી જશે. જીવનમાં જે સુંદર છે એ સત્ય બની રહે તો તો સારું પણ જીવનના મેઘધનુષી રંગની સાથેના મેઘાડંબરની પાછળ શક્ય છે અંધકાર પણ હોય. આજે જે મળ્યું છે એ કાલે વિખેરાઈ પણ જાય. વિનાશનો વીંઝણો વાય તો જીવન ઉપવનમાં ડાળે ડાળે ખીલેલી ફૂલોની રંગત વેરાઈ પણ જાય, આ પ્રકૃતિની પાનખર તો ખરીને ખરા અર્થમાં વૈભવી, સમૃદ્ધ બની રહે છે.

ત્યારે યાદ આવે છે અવિનાશ વ્યાસની આ રચના.

“શમણું છે સંસાર, શમણું છે સંસાર

આથમી જાશે ડગમગતી ઓલી તારલિયાની હાર

મેઘધનુષના રંગે રમતી વર્ષા કેરી ધાર,

કોઈ ના જાણે વાદળ ઓથે છૂપાયો અંધાર.

જીવન વનની ડાળે ડાળે ખીલી ફૂલની બહાર,

વિનાશનો વીંઝણલો વાશે તૂટશે તનનો તાર.

શમણું છે સંસાર.

આપણે તો બસ શમણાંની જેમ સરી જતા જીવનને પ્રકૃતિની જેમ આથમતા પહેલાં, વિરમતાં પહેલાં સાર્થક કરી શકીએ એવું ઈશ્વર પાસે માંગીએ.

આલેખનઃ રાજુલ કૌશિક

October 10, 2025 at 5:15 pm

‘શરદપૂનમ’-ગુજરાત મેઈલમાં પ્રસિદ્ધ લેખ.

શરદપૂનમ

હિંદુ ધર્મના વૈદિક પંચાગની પ્રણાલી પ્રમાણે વિક્રમ સંવતના કારતકથી આસો સુધી આવતા દરેક તહેવારોનું ધાર્મિક, સામાજિક કે પર્યાવરણને લગતા કારણોના લીધે ઉજવણીથી વધીને વિશેષ મહત્વ છે.

હિંદુ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવી છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે આવે અમાસ.

જો વર્ષના દરેક મહિને પૂનમ અને અમાસ આવતી જ હોય તો કેમ આસો મહિનામાં આવતી શારદી પૂનમનો મહિમા આટલો કેમ? માનીતી રાણીની જેમ શરદપૂનમ જ સૌની માનીતી કેમ?

મનગમતો જવાબ મળ્યો શ્રી કાકાસાહેબ કાલેલકર પાસે.

એ કહે છે કે ‘‘શરદપૂનમ એ કુદરતનું કાવ્ય અનુભવવાનો દિવસ છે. આ દિવસે લક્ષ્મીજી બધે ફરે છે. આ લક્ષ્મી એટલે ધનદોલત નહીં, પણ નિસર્ગની શોભા. 

‘‘તારાઓ વચ્ચે વિરાજતા ચંદ્રની શોભા અને એના ચાંદરણાની હૃદય ઉપર થતી જાદુઈ અસર.’ ચંદ્ર અમૃત આપનાર છે, તેથી જ તે ‘સુધાંશુ’ કે ‘સુધાકર’ કહેવાય છે. ચંદ્રકિરણોનો એવો પ્રભાવ છે કે એના સ્પર્શથી સર્વત્ર ચૈતન્ય વ્યાપે. શરદપૂનમના પૂર્ણ ચંદ્રનાં કિરણોના સેવનથી શરીરની અને મનની વ્યાધિઓ શમી જાય.’’

સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છેઃ પુષ્ણામિ ઔષધિઃ સર્વા સોમો ભૂત્વા રસાત્મકઃ અર્થાત્ ‘હું ચંદ્ર (સોમ) બની બધી વનસ્પતિને પુષ્ટ કરીને, તેમને ઓસડ જેવી ગુણકારી બનાવી દઉં છું.”

નવરાત્રિનાં મહાપર્વ પછી આવતી શરદપૂનમની કથા શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા સાથે જોડાયેલી છે. આજે પણ નવરાત્રિથી શરૂ થયેલી રાસ-ગરબાની રમઝટ શરદપૂનમની ચાંદની રેલાતી રાત સુધી ચાલે છે.  

પુરાણકથાની માન્યતા છે કે, જો ચંદ્ર નિસ્તેજ થઈ જાય તો આખી સૃષ્ટિ નિષ્પ્રાણ, ચેતનહીન બની જાય. 

શરદપૂનમની રાતે સમુદ્રની ચંદ્રકિરણોના સ્પર્શથી છીપ મોતી બની જાય. 

માતાજીનું પ્રાગટ્ય પૂનમે થયેલું, તેથી તેમનાં દર્શન કરવા માતાના ભક્તો અંબાજી-બહુચરાજી જેવા સ્થાનકોએ ઊમટી પડે ત્યારે માતાજીના માંડવી સાથેના ગરબા પણ કઢાય છે.

છ ઋતુઓમાં નીતર્યાં સૌંદર્યની શરદઋતુ શ્રેષ્ઠ ગણાઈ છે. તેથી જ તો ‘શતમ્ જીવમ્ શરદઃ’ એમ સો વર્ષ જીવવાના આશીર્વાદ અપાતા હશે ને!

મા કહેતી કે, “શરદપૂનમની રાતે સોયમાં સો વાર દોરો પરોવીએ તો અંધાપો ન આવે” એસીં વર્ષની ઉંમરે પહોંચેલી માને પ્રથમ પ્રયાસે સોયમાં દોરો પોરવતા જોતી ત્યારે એ વાતનું તથ્ય સમજાતું.

‘શરદપૂનમ’નું પર્વ જીવનમાં અંધારા ઉલેચીને ચંદ્રની ચાંદનીથી રસાયેલા પ્રકાશના પંથે સંચરવાની પ્રેરણા આપે છે. જ્યોતિર્મય અને અમૃત સમી શીતળ ચાંદની રેલાવતા ચંદ્રદેવ પાસે આપણી પ્રાર્થના હોયઃ તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય…

આલેખનઃ રાજુલ કૌશિક

October 6, 2025 at 4:39 pm

૨-એન્કરેજ-ચલો અલાસ્કા- ન્યૂઝ ઓફ ગાંધીનગર-જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ .

એન્કરેજ

-ચલો અલાસ્કા-

અમારી અલાસ્કા ટુરનો આરંભ થયો એન્કરેજથી.

૧૭ જુલાઈએ સાંજે એન્કરેજ પહોંચ્યાં. બૉસ્ટનથી સીયેટલ અને સીયેટલથી એન્કરેજ સુધીની ફ્લાઇટ હતી. લાંબી મુસાફરી હતી, પણ એન્કરેજ પહોંચીને એરપોર્ટથી હોટલ પહોંચીએ ત્યાં સુધીમાં એન્કરેજના રસ્તા પર પાણીના રેલાની જેમ મોજથી પસાર થતો ટ્રાફિક અને ડાઉનટાઉન જોઈને જ મન પ્રફુલ્લિત થઈ ગયું.

ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો એન્કરેજ ન્યૂ યોર્ક, ટોક્યો, રશિયાના મર્મન્સ્કથી લગભગ સમાન અંતરે હોવાથી આ શહેરોથી લગભગ ૧૦ કલાકમાં વિમાનમાર્ગે પહોંચી શકાય છે. આ કારણથી ‘ટેડ સ્ટીવન્સ એન્કરેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સના રિફ્યુઅલિંગ સ્ટોપ માટે મહત્વનું છે. વિશ્વભર ફેલાયેલા ફેડેક્સનું મુખ્ય કેન્દ્ર પણ ખરું.

એ સાંજે એન્કરેજ પહોંચીને બીજી સવારે સ્યૂવર્ડ નીકળવાનું હતું, પણ એ ચારેક કલાકના રોકાણમાં અલાસ્કાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર એન્કરેજમાં ફરવાનો લાભ લીધો.

એન્કરેજ ઘણું સુંદર અને સુઘડ શહેર લાગ્યું.

એન્કરેજ ડાઉનટાઉન સુધી પહોંચવાના રસ્તા પર પરફોર્મિંગ આર્ટ સેન્ટર, એન્કરેજ મ્યુઝિયમના મકાનો જોયા. કદાચ એકાદ દિવસ રોકાવાનું થાત તો એ જોવાનો લાભ મળત ખરો. ખેર મળ્યું એટલું માણી લેવાના સંતોષથી ડાઉનટાઉન પહોંચ્યાં. મસ્ત મઝાના શોપિંગ સ્ટોર્સ, સ્ટોર્સની બહાર સુંદર પ્લાન્ટ્સ અને રંગબેરંગી ફૂલોથી સુશોભિત બંને તરફની ફૂટપાથ. વાહ ! થોડામાં પણ ઘણો રાજીપો થાય એવા એન્કરેજમાં બીજી એક વાત ધ્યાન પર આવી.

ડાઉનટાઉનથી પાછા ફરતા રસ્તામાં એક જગ્યાએ અનેક સીપ્લેન પાર્ક થયેલા જોયા. એ કદાચ સીપ્લેન માટે સાર્વજનિક પાર્કિંગ લોટ જ હશે.

સવાલ કરતા ડ્રાઇવરે માહિતી આપી કે, એન્કરેજનું ‘લેક હૂડ’ વિશ્વનું સૌથી મોટું અને વ્યસ્ત મથક ગણાય છે એટલું જ નહીં અહીંના ૭૫૦ જેટલા રહેવાસીઓ સીપ્લેન ધરાવે છે.

દરેક શહેરની પોતાની આગવી વિશિષ્ટતા હોય. એન્કરેજમાં મળેલા થોડા સમયમાં પણ એની આગવી વિશિષ્ટતાની ઓળખ થઈ.

આ આગવી વિશિષ્ટતાની વાર કરું છું ત્યારે હોટલથી ડાઉનટાઉન જતાં અને ડાઉનટાઉનથી પરત થતાં મળેલા બંને ડ્રાઇવરની ખાસિયત યાદ આવી.

ડાઉનટાઉન જતાં જે કાર-ડ્રાઇવર હતો એ આપણી ગુજરાતી તળપદી ભાષામાં કહીએ તો મોઢામાં મગ ભરીને આવ્યો હતો. કંઈ પણ પૂછીએ તો જાણે કશું જ જાણતો ન હોય અથવા કંઈક કહેવામાં એના મૌનનો ભંગ થતો હોય એવી ચીઢ દર્શાવતો હોય એમ ફુગ્ગા જેવું ફૂલેલું મોઢું આપણી તરફ ફેરવે, લખોટા જેવી આંખો ગોળ ગોળ ફેરવે અને ખભા ઊંચકે. બે-પાંચ સેકંડ પછી મોઢું, આંખો અને ખભા જ્યાં હતાં ત્યાં પાછા ગોઠવીને ગાડી ચલાવતો રહે.

અને, જ્યારે પાછાં ફર્યાં ત્યારે તો જાણે સવાલની જ રાહ જોઈને બેઠો હોય એવો ઉત્સાહી ડ્રાઇવર મળ્યો. એન્કરેજ શહેરથી માંડીને ડેનાલી પાર્કની વાતો કરવાની એને મોજ પડતી હતી. રોડ્રિક એનું નામ. એની વાતોમાંથી કેટલીક અહીં ટાંકવાનું ગમશે..

-એન્કરેજ અલાસ્કાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે એ તો ખરું જ સાથે એન્કરેજને ૧૯૫૬, ૧૯૬૫, ૧૯૮૪-૮૫ અને ૨૦૦૨, એમ ચાર વખત ઑલ-અમેરિકા સિટી પુરસ્કાર એનાયત થયો છે.

-એન્કરેજ આવો તો વાઇલ્ડ લાઇફ, ગ્લેશિયર ક્રૂઝ, ટ્રોલી ટુર, ટ્રેન ટુર, હેલિકોપ્ટર રાઇડ, હાઇકિંગ, કયાકિંગના લાભ તો મળે જ અને જો સપ્ટેમ્બરથી એપ્રિલમાં અને ખાસ કરીને ભર શિયાળામાં અલાસ્કા આવો તો નોર્ધન લાઇટ્સ જોવાનો લાભ મળી જાય ખરો.

-એક વાત કહેતા એને એટલો તો આનંદ અને ગર્વ થતો હતો કે, અલાસ્કામાં આસમાનને આંબે એવા ચાંદી જેવા શ્વેત બર્ફીલા પહાડો તો છે જ સાથે ધરતીને પણ સોને મઢી દેવી હોય એમ ફેરબેંક્સ, જુનેઉ અને નોમના આસપાસના વિસ્તારોમાં સોનાના સ્ત્રોતો મળી આવ્યા છે. અલાસ્કા્માં સોનાનું ઉત્પાદન વર્ષે-દહાડે ૫૩૯,૩૯૦ ટ્રોય (કીમતી ધાતુઓ માટે વપરાતી વજનની કે તોલની પદ્ધતિ (તોલનું બ્રિટિશ પ્રમાણ)) ઔંસથી વધુ છે. અલાસ્કા સોનાની ખાણોને કારણે પ્રકાશમાં આવ્યું સાથે સાથે અમેરિકનોએ કરેલી તેલની શોધને કારણે પણ એ ચર્ચામાં રહ્યું. અહીંનું તેલ પ્રવાહી સોનું કહેવાયું.

સોનાના સ્ત્રોતની વાત કરતા તો જાણે એ સોનાની ખાણનો માલિક હોય એવો એનો ચહેરો ચમકતો હતો. એની વાતમાં પોતાના શહેર માટે જે ભાવ હતો એ એવો તો અનન્ય હતો કે, હંમેશ માટે રોડ્રિક યાદ રહી જશે.

આલેખન રાજુલ કૌશિક

October 5, 2025 at 12:39 pm

‘પાપા હું ઠીક છું’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.-

‘પાપા હું ઠીક છું’

મારી બેગ વરંડામાં મૂકીને હું રસોડાની સામે ખુરશી નાખીને બેઠો. સવિતાને ચા બનાવવાની તૈયારી કરતી જોઈને એને રોકી.

“સાવિ,ચા બનાવવાની રહેવા દે. તને મોડું થશે. બજારમાંથી કંઈક લઈ આવું છું.”

મને સવિતાનાં બદલે સાવિ કહેવું ગમતું.

“ઘરમાં બ્રેડ-બટર તો છે જ અને ચા હમણાં જ બની જશે. મમ્મી કેમ છે” સાવિને એની મમ્મીના ટૉન્સિલની ચિંતા હતી.

“ઠીક છે, તું તારી કૉલેજની વાત કર.”

“હું ઠીક છું, કૉલેજ બરાબર ચાલે છે. બે નવા પ્રોફેસર આવ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. હવે હું નીકળું, બપોર સુધીમાં આવી જઈશ. કબાટમાં તમને ગમતાં પુસ્તકો છે, સમય પસાર થઈ જશે અને હા, બાથરૂમનો નળ બગડી ગયો છે એટલે વરંડાની ટાંકીમાંથી પાણી લાવવું પડશે.” કહીને સાવિ કૉલેજ જવા નીકળી.

હું ચાનો કપ લઈને સાવિના રૂમમાં આવ્યો.

રૂમને અડોઅડ કિચન, કિચનની બાજુમાં નાની બેઠક, સામે વરંડો. આંગણાંમાં ફૂલોથી શોભતાં કૂંડાં, જમીનમાં ઊગી નીકળેલાં થોડા નાના નાના છોડ તરફ મન ભરીને જોઈને નજર સાવિના રૂમ તરફ ગઈ. ટેબલ-લેમ્પ, બરફાચ્છાદિત પર્વતનું ચિત્ર, પુસ્તકનું કબાટ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, પલંગ, બધું જ પહેલાં હતું એ જ, પણ આ વખતે પુસ્તકની રેકમાં ‘ગીતા’ જોઈ.

સવિતા અને ‘ગીતા’ ! આજ સુધી ક્યારેય સાવિને ધર્મ કે આધ્યાત્મમાં રસ હોય એવું જોયું કે જાણ્યું નથી. પૂજાપાઠ કે પ્રસાદ સુદ્ધાં તરફ એનાં મનમાં ક્યારેય ભાવ ઉદ્ભવ્યો નથી અને ચિંતન એની પ્રકૃતિ સાથે મેળ ખાય એ શક્ય નહોતું.

સાવિને અહીં આવ્યે એક વર્ષ થયું હતું. આ એક વર્ષમાં એવું તે શું બન્યું હશે કે એનો ઝોક ગીતા પર ઢળ્યો હશે! નવાઈ લાગી, પણ ગર્વથી મન ભરાઈ આવ્યું.

સાવિ અમારું પહેલું સંતાન. દેવી-દેવતા, મંદિર-મસ્જીદ, કેટલાય તીર્થસ્થાન પૂજવાની બાધા-આખડીઓ પછી સાવિનો જન્મ થયો. સાવિ પછી મહેશ પણ અમારા પરિવારમાં ઉમેરાયો. શોભા સાવિને શુભપગલાંની માનતી. આમ પણ દીકરી ક્યારેક પરાયા ઘેર જશે એમ માનીને સાવિને એ ખૂબ વહાલ કરતી, પરિણામે સાવિ તોફાની થવા માંડી. નાનપણથી એનાં નખરાં અને ફરમાયશ વધવા માંડી.

હું આ નહીં પહેરું, હું આ સ્કૂલમાં જ ભણીશ વગેરે વગરે. જોકે, હંમેશાં એની પસંદગી સારી જ રહેતી. કૉલેજનું ભણતર પણ એની મરજી મુજબ હૉસ્ટેલમાં રહીને કર્યું.

એ ધાર્મિક નહોતી કે નહોતું એનામાં આસ્થાનું કોઈ નામનિશાન. ક્યારેક હું કંઈક સમજાવવા મથતો તો એ જરૂર સાંભળી લેતી, પણ એ માનશે કે કેમ એની મને ખાતરી નહોતી.

શોભાને આ જરાય ગમતું નહોતું. શોભાને થતું કે હવે વાત હાથ બહાર જાય એ પહેલાં સારો યુવક શોધીને સાવિને પરણાવી દેવી જોઈએ અને એણે પોતાની પસંદનો યોગ્ય યુવક શોધીને વિવાહ નક્કી કરી લીધાં.

યોગેશ આયકર વિભાગમાં કામ કરતો હતો. અમારી બરાબરીનો હતો. મારી મરજી જોઈને સાવિએ એ સંબંધ સ્વીકારી લીધો.

સમય જતા સમજાયું કે યોગેશમાં માન્યું હતું એટલી યોગ્યતા નહોતી. સાવિ શક્ય હોય એટલું એની સાથે એડજેસ્ટ કરવા મથી. ખરેખર તો એમ કહી શકાય કે સહન થાય ત્યાં સુધી યોગેશની પ્રકૃતિ સહી લીધી, પણ પછી એની ધીરજનો અંત આવી ગયો.

ત્રણેક વર્ષ સાથે રહીને રોજેરોજની ચર્ચાઓથી થાકીને એણે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરી લીધું. પી.એચ.ડી. કરવાની સાથે એ અહીંની કૉલેજમાં કૉલેજમાં અધ્યાપિકા તરીકે જોડાઈ ગઈ.

હું અહીં એને મળવા આવતો રહેતો. આવી એક મુલાકાત દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે, વિવેક નામના યુવક સાથે એ સંપર્કમાં આવી હતી. યોગેશ કરતાં ઓછો દેખાવડો પણ ગોલ્ડ મેડાલિસ્ટ હતો, સ્વભાવે શાંત હતો. વિવેક સાવિને પ્રેમ કરતો હતો કે નહીં એ સાવિ નક્કી કરી શકતી નહોતી. કદાચ યોગેશ સાથેના સંબંધથી આળું થયેલું મન કશાથી સાંત્વના પામી શકે એમ નહોતું !

આજે જ્યારે હું અહીં આવ્યો ત્યારે યોગેશ અને વિવેક વચ્ચે સાવિ કોઈ નિર્ણય લે એવી મનમાં ઈચ્છા હતી.

સાંજે સાવિ કૉલેજથી આવી ત્યારે યોગેશ અને વિવેક વચ્ચે ઝોલા ખાતી સાવિની સમસ્યાનો ઉકેલ આવે એવી ઈચ્છાથી વાત શરૂ કરી.

“પાપા, યોગેશ મને માત્ર એક સ્ત્રી, એની અમાનત તરીકે જ જોતો હતો જ્યારે વિવેક એનાથી સાવ અલગ રીતે વિચારે છે. એ અહીં મને મળવા આવે છે. હંમેશાં એ મને મદદરૂપ થવા તત્પર હોય છે. કદાચ એ મને પ્રેમ કરતો હોય તો પણ મને એમાં પ્રેમ કરતાં સહાનુભૂતિ વધુ દેખાય છે.”

“અને તું? “

“હું ઈચ્છું તો પણ એને કે કોઈને પ્રેમ કરી શકું એમ નથી. પાપા, અત્યારે હું એવા ત્રિભેટે ઊભી છું જ્યાં યોગેશ, વિવેક અને તમે છો.

“એવું લાગે છે કે, વધતા ઓછા અંશે તમે ત્રણે મારાં માટે એક સરખું વિચારો છો. તમારા ત્રણેની નજરે હું એક કમજોર પત્ની, પ્રેમિકા અને પુત્રી છું. મારે શું જોઈએ છે કે હું શું ઈચ્છું છું એ કોઈ સમજી શકે એમ નથી.”

એ એકદમ શાંત હતી. કદાચ એને શું જોઈએ છે એ કોઈ સમજી શકે એમ નહોતું, પણ એ પોતે સમજી શકતી હતી એટલે જ આ નિરર્થક ચર્ચાઓથી એ દૂર રહેવા માંગતી હતી.

અમારી વચ્ચે લાંબો સમય ચુપકીદી છવાઈ રહી. વિચારોમાં મગ્ન મને એકલો મૂકીને એ ક્યારે ચાલી ગઈ, ખબર ના પડી. એનાં પગલાંનો અવાજ મારાં સુધી નહીં જ પહોંચ્યો હોય. હું વિચારશૂન્ય અવસ્થામાં કેટલો સમય જાગ્યો હોઈશ, ખબર નહીં.

દૂર આકાશમાં દેખાતા અગણિત તારાઓ પણ વિદાય થવાની તૈયારીમાં હતા. એ વિદાય લેતા અગણિત તારાઓની સાક્ષીએ મારાં મનની વાત સાવિને પહોંચશે એમ એમની સામે તાકીને મનોમન બોલ્યો,

‘સાવિ, તું જે વિચારીશ. જે ઈચ્છીશ એમાં મારો ટેકો હશે.’

બીજે દિવસે બસસ્ટોપ પર મૂકવા આવેલી સાવિ મારો હાથ સહેલાવતી બેસી રહી. હું સાવિને, શોભાની નાદાન દીકરીમાંથી સમજદાર બનેલી મારી દીકરીને જોઈ રહ્યો. મને એની પર, એની સમજ પર ગર્વ થઈ રહ્યો હતો. ઈચ્છું તો પણ નથી એને રોકી શકું એમ કે નથી રોકવાને સમર્થ એની આંખોમાંથી સરતાં આંસુને.

આંખોમાંથી છલકતાં આંસુને પોતાની જ મુઠ્ઠીમાં ઝીલી લઈને કાલે બોલી હતી એટલી જ સહજતાથી બોલી,

“પાપા, મારી ચિંતા ના કરશો. હું ઠીક છું, હોં”

અને બસ ઉપડવાનો સંકેત મળતા હળવેથી મારો હાથ છોડીને ઊભી થઈ ગઈ.

જેબ અખ્તર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદઃ ‘પાપા હું ઠીક છું’

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

http://www.rajul54.wordpress.com

October 4, 2025 at 2:36 pm 1 comment

૧ ‘ચલો અલાસ્કા ‘-ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ .

‘ ચલો અલાસ્કા ‘

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે અલાસ્કા જવાનું, અલાસ્કાનું સૌંદર્ય માણવાનું ન વિચાર્યું હોય. ધરતીના પટ પર ચારે દિશાએ ફેલાયેલા પ્રાકૃતિક સૌંદર્યનું એક સરનામું એટલે અલાસ્કા.

આમ તો અલાસ્કા એટલે અમેરિકાના સંયુક્ત રાજ્યો (U.S.A.)માંનું ઉત્તર- વાયવ્યે આવેલું વિસ્તારની દૃષ્ટિએ અમેરિકાનું સૌથી મોટું રાજ્ય. વિસ્તાર એનો ૧૫,૩૦,૭૦૦ ચો. કિલોમીટર પણ વસ્તી આશરે માત્ર ૭,૪૦,૩૩૯ અને તે પણ છૂટીછવાયી, કારણ.. શિયાળામાં શૂન્યથીયે ૫૦° સે.ડીગ્રી નીચે જતું અને ઉનાળામાં ૧૪° થી માંડીને માંડ ૧૭ ° સે.ડીગ્રી સુધી પહોંચતું તાપમાન. જોકે, ઉનાળાના ચાર મહિના અલાસ્કાની વસ્તી કરતાં અનેકગણા પ્રવાસીઓથી એ જીવંત બની જાય.

`પશ્ચિમે બેરિંગ સમુદ્ર અને સામુદ્રધુની, ઉત્તર અને વાયવ્યે આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે પ્રશાંત મહાસાગર, અલાસ્કાનો અખાત અને પૂર્વે કેનેડાનો યુકોન પ્રદેશ તથા બ્રિટિશ કોલંબિયા પ્રાંત વચ્ચે ઘેરાયેલા અલાસ્કાનો એક તૃતીયાંશ ભાગ જંગલોથી છવાયેલો છે. લાંબી પર્વતમાળા ધરાવતા અલાસ્કાનું સૌથી ઊંચું શિખર મેકકિન્લીની ઊંચાઈ ૬,૧૯૮ મીટર છે. બરફાચ્છાદિત પર્વતમાળાઓ ઉપરાંત અનેક નાની મોટી હિમનદીઓ જેને ગ્લેશિયર કહે છે એ તો ખરી જ. ઉનાળામાં આ હિમનદીઓ ઓગળીને ઝરણાં કે ધોધ રૂપે વહી આવે.

અલાસ્કાની આજની ભૌગોલિક પરિસ્થિતિનું એક કારણ ત્યાં સર્જાયેલા ભૂકંપો છે. વિશ્વભરમાં સૌથી વધુ અને તીવ્ર ભૂકંપો અહીંની ધરતી સહન કરી ચૂકી છે.

૧૭મી જુલાઈએ અમે એન્કરેજ પહોંચ્યાં એના આગલા દિવસે જ સાઉથ અલાસ્કામાં ૭.૩ ની તીવ્રતાએ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જુનેઉની મુલાકાત લીધી ત્યારે ત્યાં વિઝિટર સેન્ટરમાં ક્લાઇમેટ અને ભૂકંપના લીધે અલાસ્કાની બદલાયેલી ભૌગોલિક પરિસ્થિતિની ફિલ્મ જોઈ. એની વધુ વિગત જુનેઉની મુલાકાત વિશે વાત થાય ત્યારે. અત્યારે થોડી વાત અલાસ્કાના ઇતિહાસની કરીએ.

૩૦ માર્ચ ૧૮૬૭ના દિવસે યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ દ્વારા અલાસ્કાને રશિયન સામ્રાજ્ય પાસેથી ૭.૭૨ મિલિયન (૪૫ કરોડ ૮૧ લાખ) જેટલી રકમ ચૂકવીને ખરીદી લેવામાં આવ્યું ત્યાર પછી ૧૧ મે, ૧૯૧૨ના દિવસથી તે સંગઠિત ક્ષેત્ર ગણાયું અને ૪૯ મા યુ.એસ.ના રાજ્ય તરીકે ૩ જાન્યુઆરી, ૧૯૫૩ના રોજ સામેલ કરવામાં આવ્યું. અલાસ્કા નામ મૂળ રશિયન સામ્રાજ્યના સમયથી જાણીતું હતું, જેનો અર્થ થાય છે મુખ્ય જમીન અથવા માતૃભૂમિ અલાસ્કા માટે ‘અલયૂત’ ‘અલાક્સ્સ્ક્સાક ’ અથવા ‘અલયાસ્કા’ જેવા નામ પણ સાંભળવા મળ્યાં.

અલાસ્કાના લગભગ ચાલીસેક જેટલા શહેરોમાંથી પ્રવાસીઓ એન્કરેજ, ફેરબેંક્સ, જુનેઉ, વાસિલા, સિટકા, કેચિકેન, કેનાઈ, સ્યૂવર્ડ, ક્રેગ, સ્કેગવે જવાનું વધુ પસંદ કરે છે.

આ તો થઈ અલાસ્કાની ભૌગોલિક તેમજ ઐતિહાસિક માહિતી, પણ કુદરતે ભેટ આપેલા સૌંદર્ય વિશે માહિતી મેળવવાનાં બદલે આપ અનુભવે માણવું રહ્યું.

હવે વાત આખા અલાસ્કાની કરવાનાં બદલે અનુભવેલા, માણેલા સૌંદર્ય વિશે થોડી વાત…

અલાસ્કા જોવા, ફરવા માટે ટ્રેન ટુર. રોડ ટુર અને ક્રૂઝ જેવા વિકલ્પ છે. આ ત્રણ વિકલ્પમાંથી અમે ક્રૂઝ પસંદ કરી. સ્યૂવર્ડ, કેનાઈ ફ્યોર્ડસ નેશનલ પાર્કથી શરૂ કરીને સાત દિવસની ક્રૂઝનું અંતિમ સ્થાન હતું વેનકૂંવર.

બૉસ્ટનથી સીયેટલ અને સીયેટલથી એન્કરેજ સુધીની ફ્લાઇટ હતી. થોડી લાંબી મુસાફરી હતી, પણ એન્કરેજ પહોંચીને એરપોર્ટથી હોટલ પહોંચીએ ત્યાં સુધીમાં એન્કરેજના રસ્તા પર પાણીના રેલાની જેમ મોજથી પસાર થતો ટ્રાફિક અને ડાઉનટાઉન જોઈને જ મન પ્રફુલ્લિત થઈ ગયું.

હાલ તો આ પ્રફુલ્લિત યાદો સાથે અહીં જ વિરમું છું. મળીએ અને માણીએ એ સફરની સ્મૃતિ…
આવતા સપ્તાહે.

આલેખનઃ રાજુલ કૌશિક

September 28, 2025 at 2:58 pm

૧૪-‘ભક્તિસભર શક્તિસભર ગરબા’-સદા અમર શ્રી અવિનાશ વ્યાસ- – ગુજરાત ન્યૂઝલાઈન(કેનેડા)માં પ્રસિદ્ધ લેખ.

સદા અમર શ્રી અવિનાશ વ્યાસ-૧૪ –

‘ભક્તિસભર શક્તિસભર ગરબા’-

નવરાત્રિ, નવરાત્રી કે નોરતાં, આ કોઈ એક શબ્દને અનેક અર્થ, અનેક સ્વરૂપે આપણે ઓળખીએ છીએ. નવરાત્રિ વિશે એક સાદી સીધી અને સર્વવ્યાપી સમજ એટલે માતાજીની પૂજા, અર્ચના, ભક્તિ. નવરાત્રિના આ તહેવારમાં શક્તિ સ્વરૂપ માતાજીની આરાધના કરવામાં આવે છે, પણ છેલ્લા કેટલાય દાયકાઓથી નવરાત્રિનું મહત્વ કંઈક જુદા અંદાજે પ્રસ્થાપિત થતું ગયું છે. નવરાત્રિ શબ્દનો ઉલ્લેખ થતાની સાથે જ નજર સામે રાસે રમતા, ગરબે ઘૂમતા, ઉમંગભેર હીલોળે ચઢેલા યૌવનનો એક આખેઆખો માહોલ ઊભો થઈ જાય.

આમ તો ગરબો એ લોકસંસ્કૃતિનો એક પ્રકાર છે પણ નવરાત્રિ તો ગુજરાતની આગવી ઓળખ, અનેરી સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ છે. ગરબો ક્યાંથી આવ્યો એનીય રસપ્રદ કથા છે જેમાં ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે, પાર્વતીજીએ બાણાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવ્યું, ઉષાએ દ્વારકાની ગોપીઓને અને દ્વારકાની ગોપીઓએ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું અને આમ આ લાસ્ય લોકસંસ્કૃતિ સાથે જોડાયું. જો કે આ કથિત વાત કરતાં વધુ પ્રચલિત વાત જરા જુદી છે.

ગુજરાતી ગરબાના ઇતિહાસ વિશે વિચારીએ તો કદાચ એનું મૂળ ૫૦૦૦ હજાર વર્ષ પહેલાંની કૃષ્ણની રાસલીલા સુધી નીકળે. ગરબો એટલે વર્તુળ. બ્રહ્માંડના દરેક અંશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા બધું જ વર્તુળમાં ફરે છે. કૃષ્ણએ જાણે આ વર્તુળાકારે ફરતાં બ્રહ્માંડનો પૃથ્વીલોકને પરિચય કરાવ્યો. આમ પણ રાસ-ગરબા વિશે વિચારીએ તો પણ એ આપણને કૃષ્ણની રાસલીલાના વિશ્વ સાથે સાંકળી લે.

પણ, વર્તમાન સમયમાં જો આપણે રાસ-ગરબા વિશે વિચારીએ તો એની સાથે ખરા અર્થમાં જોડાયેલું, લોકલાડીલું એક નામ યાદ આવે અને એ છે અવિનાશ વ્યાસ.

અવિનાશ વ્યાસ માતજીના પરમ ભક્ત હતા. માતાજીની સમક્ષ ઊભા હોય અને એના સાક્ષાત્કારરૂપે કોઈ રચના મનમાં આકાર લેતી હોય. આમ પણ કહે છે ને કે ગીત,સંગીત કે કવિતાના કોઈ ક્લાસ કે ટ્યુશન નથી હોતા, એ તો ઉપરવાળાની કૃપાથી ઉતરી આવે છે. માતાજીની આવી કોઈ પરમકૃપા અવિનાશ વ્યાસ પર હતી જેના લીધે આપણને “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ જેવી સદા અમર એવી રચના ઉપરાંત “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય, વાગે નગારું ને ચમ્મર વિંઝાય.” “હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત” જેવી ઉત્તમ રચનાઓ આપણને મળી.

કહેવાય છે કે ખરો ગરબો એ જ કે જેમાં ભાવ અને ભક્તિનું સંવેદના હોય. શબ્દ, સૂર અને લયનું સંયોજન હોય અને ઠેસ સાથે વર્તુળાકારે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય. આવા ઠેસ લઈને વર્તુળાકારે ઘૂમી શકાય એવાય અનેક ગરબા અવિનાશ વ્યાસે ગુજરાતને, ગરવી ગુજરાતણોને આપ્યા.
-‘લાગ્યો લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો, હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો’

-‘તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે’

-‘માલા રે માલ લહેરણીયો લાલ, ઘમમર ઘમામર ચાલે રે ચાલ’

-‘હે મુને એકલી મૂકીને રમે રાસ, રંગીલા રાજા હવે ના આવું તારી પાસ’

-‘એક લાલ દરવાજે તબું તાણીયા રે લોલ’

-‘નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું, છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું’

એવા કેટલાય ગરબા પર ખેલૈયા થાક્યા વગર ઘૂમતા હોય અને આજ સુધીનો સૌથી લોકપ્રિય ગરબો જેણે બોલીવુડને પણ ઘેલું કર્યું,

‘હે રંગલો જામ્યો કાલિંદરીના ઘાટ છોગાળા તારા, છબીલાહોરે રંગીલા તારા, રંગભેરુ જુવે તારી વાટ’

અવિનાશ વ્યાસ રચિત રાસ-ગરબા ગુજરાતથી વિસ્તરીને ગ્લોબલ બન્યા. અવિનાશ વ્યાસના ગીતો, ગરબા જેમણે સૌથી વધુ ગાયા છે એવા આશા ભોંસલેએ એક વાર નવરાત્રિના સમયે અવિનાશ વ્યાસને ફોન કરીને તાત્કાલિક લંડન આવવા આગ્રહ કર્યો કારણ?

કારણ કે, એ ઈચ્છતાં હતાં કે અવિનાશ વ્યાસ લંડન આવે અને જુએ કે, એ અને એમના ગીતો ત્યાં પણ કેવા લોકપ્રિય છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેક વાંચી હોય, ક્યારેક સાંભળી હોય અને સમયાંતરે ફરી માનસપટ પર ઉભરી આવે.
અવિનાશ વ્યાસ વિશે એવી એક જાણેલી વાતનો અહીં ઉલ્લેખ કરવો છે.

દિલ્હીના રાષ્ટ્રપતિભવનના એક કાર્યક્રમમાં ઑડિઅન્સમાં પંડિત રવિશંકર બેઠા હતા. ગુજરાતી ગરબાની રજૂઆત થઈ ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતી સ્ત્રીઓની સ્ફૂર્તિ કાબિલે દાદ છે અને તે ગરબાના સ્વરાંકનને પણ તેમણે બિરદાવ્યું હતું. મઝાની વાત એ છે કે એ ગરબો અવિનાશ વ્યાસનો હતો માટે જ ગુજરાતી સંગીતને અવિનાશી યુગનું નામ ચોક્કસ આપી શકાય.

અવિનાશ વ્યાસના ગરબાના શબ્દો ભક્તિસભર પણ છે અને ઉમંગભેર ગરબે ઘૂમી શકાય એવા શક્તિસભર પણ છે.

તો ચાલો નવરાત્રિમાં ગરબે ઘૂમીને માણીએ શ્રી અવિનાશ વ્યાસ ભક્તિસભર- શક્તિસભર ગરબા.

આલેખનઃ રાજુલ કૌશિક

September 27, 2025 at 2:55 pm

‘દાદીનો ઉપવાસ’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘દાદીનો ઉપવાસ’

કાંતા, મારી અંતરંગ સખી. તન અલગ એટલું જ બાકી મન એક. એકમેકનાં મનની વાતને ઠલવવાનો વિસામો. કોણ જાણે કેમ આજે કાંતા એના મનની વાત કહેતા અચકાતી હોય એવું મને લાગ્યું. સંકોચ હતો કે અવઢવ એ ના સમજાયું, પણ એની નજર વારે વારે બારણાં તરફ મંડાઈને પાછી ફરતી હતી એમાં કોઈ કારણ હતું એ સમજાયું.

એટલામાં રિંકુ કાંતાની જમવાની થાળી લઈને આવી.

“દાદી, મમ્મીએ તમારાં માટે જમવાનું મોકલ્યું છે.”

રિંકુ એટલે કાંતાના નાના દીકરાની દીકરી. કાંતાનો રૂમ નીચેના ભાગ પર હતો અને દીકરો ઉપરના માળે રહેતો હતો. કાંતાના પતિ રામેશ્વરની કરિયાણાની દુકાન હતી. સુખ, શાંતિથી પસાર થતા દિવસો પળવારમાં પાણી ફરી વળ્યું. રામેશ્વરજી વૈકુંઠની વાટે ચાલી નીકળ્યા ને કાંતાનું ભાગ્ય બદલાયું. સમય પહેલાં વિધવા સ્રીની દશા ક્યાં અજાણી છે? જોકે, આજે પણ ઝાઝો ફરક નથી પડ્યો.- ‘ઘેર ઘેર માટીના ચૂલા’.

રિંકુ થાળી ખાલી થવાની રાહ જોતી હોય એમ એક બાજુ બેઠી એ જોઈને કાંતાંના ચહેરા પરનો ક્ષોભ વધી ગયો..

“આ જોને, ઢીંચણનો દુઃખાવો એટલો વધી ગયો છે કે ઉપર નીચે ચઢઊતર નથી થતી એટલે જમવાની થાળી નીચે જ મંગાવી લઉં છું. આમ પણ હવે આપણી ઉંમર ભગવાનનું નામ લેવાની છે તે સમય એમાં પસાર કરું છું.” ઊંડો નિસાસો નાખતા બોલી.

કદાચ એની વાત સાચી હશે, છતાં જાણે ઢીલા લોટ પર અટામણ ચોપડતી હોય એવું લાગ્યું.

“પંદર દિવસ રાજુના ઘેરથી અને બીજા પંદર દિવસ મનુના ઘેરથી થાળી આવી જાય એટલે ભયોભયો.”

“અને મહિનામાં ૩૧ દિવસ હોય તો?” મારાથી બોલી જવાયું.

“તો દાદી ઉપવાસ કરી લે છે.” ચટ કરતી રિંકુ બોલી.

હું અવાક્ અને કાંતા છોભીલી. જાણે કોઈ ગુનો કરતા પકડાઈ હોય એમ, કોઈએ એને નિર્વસ્ત્ર કરી હોય એમ ચહેરા પર શરમની કાલિમા છવાઈ. આજ સુધી કાંતાએ એનાં નસીબમાં શકોરું છે એવો અછડતોય ખ્યાલ આવે એવી પોતાના પરિવારની એવી કોઈ વાત મારી આગળ કરી નહોતી. આજે નાનકડી નિર્દોષ રિંકુની નાદાનિયતથી ભેદ ખુલી ગયો. કાંતાની દશા કાપો તો લોહી ના નીકળે એવી થઈ.

******

અમારા બંનેના પતિની મિત્રતાને લઈને હું અને કાંતા પણ અંગત સખી હોઈએ એટલા નજીક આવી ગયાં હતાં. પાંચેક વર્ષના સુખી જીવન બાદ કાંતાનું નસીબ બદલાયું. કાંતા અને બે નાનાં બાળકોને મૂકીને પતિ પરલોક સિધાવ્યા. પોતાના શોખ, અરમાનને પતિની નનામી સાથે જ વિદાય આપીને કાંતા બંને બાળકોના ઉછેર પાછળ લાગી ગઈ. નાનકડી કરિયાણાની દુકાનની કમાણીથી કાંતા માટે દિવસે દિવસે વધતી મોંઘવારી સામે ટકી રહેવું કેટલું દુષ્કર હતું એ હું સમજતી હતી. કાંતાએ તપસ્યાની જેમ બાળકોનું લાલનપાલન કર્યું.

દીકરાઓ સમજુ હતા. મોટા થયા ને કાંતાની જવાબદારીમાં સહભાગી થવા માંડ્યા પછી કાંતા માત્ર સાંજે જ દુકાને જતી. દીકરાઓ કમાણીની રકમ કાંતાના હાથમાં આપતા. કાંતાએ એમાંથી કરકસરપૂર્વક પૈસા સાચવીને આવનાર પુત્રવધૂઓ માટે દાગીના ઘડવવા માંડ્યા.

સમય જતા ઘર સાચવે એવી છોકરીઓ પસંદ કરીને દીકરાઓને પરણાવ્યા.

આજ સુધી શ્રી અને સમૃદ્ધિનું પ્રતીક ગણાતું કાંતાનું ઘર મૌન દ્વંદ્વનો અખાડો બનતું ચાલ્યું. રામેશ્વરજીના ગયા બાદ માંડ સંસારનું સુખ મળ્યું ને ફરી ઘરમાં અશાંતિ ઊભી થવા માંડી. દીકરાઓને તો બે શબ્દ કહી શકાય, પણ પુત્રવધૂઓ તો પારકું લોહી. એમને કશું કહેવા, સમજાવવા જતા વાત વધુ વણસતી. વળી બળતામાં ઘી ઉમેરવા જેવો દીકરાઓનાં સાસરિયાનો હસ્તક્ષેપ, કાંતાના હાથ હેઠા પડવા માંડ્યા.

આજ સુધી ઘરને મંદિર માન્યું હતું, હવે ઘરની શાંતિ માટે કાંતાએ મંદિરનાં પગથિયા ઘસવા માંડ્યાં. ઘરના સ્નેહ અને શાંતિભર્યા વાતાવરણને જાણે વૈમનસ્યની ઊધઈએ ફોલી નાખ્યું.

હારી-થાકીને કાંતાએ બંને દીકરાઓનાં રસોડા જુદા કરી આપ્યા. સંજના અને વર્ષા તો રાજી, પણ કાંતાનું શું? દીકરાઓએ આશ્વાસન આપ્યું,

“મા, ઘણું કામ કર્યું છે તેં. ‘કોળિયા ભરાવીને જમાડ્યા છે અમને હવે અમારો વારો. હવે તું આરામ કર. ભગવાનનું નામ લે. બંને વહુઓ તારા ખાવાનું ધ્યાન રાખશે પછી તારે શું ચિંતા છે.

“મા, પંદર દિવસ મોટાભાઈનાં ત્યાંથી અને પંદર દિવસ મારાં ઘેરથી જમવાની થાળી આવી જશે. તમારે ઉપર આવવાની પણ તસ્દી નહીં લેવી પડે. બટકબોલી વર્ષાએ તરત ઉકેલ આણ્યો.

આ અણધારી વાત સાંભળીને કાંતાએ દીકરાઓ સામે જોયું. સાંભળ્યું હતું કે, ‘મૌન અડધી સંમતિ છે.’ અહીં વહુઓની વાતમાં બંને દીકરાઓનું મૌન ભળીને આખી સંમતિ થતી હતી.

રામેશ્વરજીએ મઝધારે સાથ છોડ્યો, દીકરાઓને ભરોસો તોડ્યો, પણ કાંતાએ સ્વાભિમાન ન છોડ્યું, એક દિવસ પણ એણે ઉપર જઈને વહુઓનાં સંસારમાં માથું માર્યું નહીં.

મહિનો પૂરો થવા આવ્યો. જમવાની રાહ જોતાં જોતાં બપોર થવા આવી, પણ ન તો સંજનાં ઘેરથી જમવાનું આવ્યું કે ન તો વર્ષાનાં ઘેરથી. બંનેમાંથી એકે દીકરાઓ હતા નહીં, ભૂખથી પરેશાન કાંતાએ વિજય અને સંજયનાં બાળકોને બૂમ મારી.

“હા દાદી, શું થયું?” કહેતાં પળવારમાં રજત અને રિંકુ હાજર.

“તમે જમ્યાં?”

“હા દાદી. આજે તો વર્ષાકાકીએ ખીર બનાવી હતી. તમને ય મોકલી હશે ને?” રજતે પૂછ્યું.

“ના, મમ્મી કહેતી હતી કે આજે તો સંજનાકાકીનો વારો છે.” રિંકુએ રજતની વાતને રદિયો આપતાં કહ્યું.

કાંતા ઘા ખાઈ ગઈ. એને મહિનાના એકત્રીસમા દિવસનો તો વિચાર જ નહોતો આવ્યો.

“મારે નથી ખાવું. અહીંથી જાવ તમે.”

“કેમ દાદી?” બાળકોને નવાઈ લાગી.

“મારે ઉપવાસ છે.” આ શરમજનક પરિસ્થિતિ ટાળવા એણે જવાબ આપ્યો.

અબોધ બાળકોએ માની લીધું ને રમવા દોડી ગયાં.

કાંતાને થયું આજે એ ફરી એકવાર નિરાધાર બની ગઈ. એક સમય હતો જ્યાં મા વગર એકે દીકરો જમતો નહીં ત્યાં આજે બે ટંકના જમવાનો હિસાબ મંડાવા માંડ્યો !

મહિનાના એકત્રીસમા દિવસે મા ક્યાં જમી એવું જાણવાની બંનેમાંથી એકેને પડી નહોતી તો વહુઓને શું પડી હોય?

એકત્રીસમા દિવસે કાંતાને ઉપવાસ કરવાની ટેવ પડી ગઈ.

*******

આજે કાંતાનું બારમું છે. અનેકવિધ મીઠાઈ અને ફરસાણથી ઘર મહેકી રહ્યું છે. બંને ભાઈઓ દોડી દોડીને પંડિતની સૂચના મુજબ સંસારની રૂઢીઓનું પાલન કરી રહ્યા છે. સંજના અને વર્ષા જૂના ઝઘડા ભૂલી એક બનીને વિધિ આટોપી રહી હતી.

મને જોઈને વિજય અને સંજય મારી પાસે આવ્યા.

“માસે, મમ્મીની ઈચ્છા મુજબ. એને ભાવતી વાનગી બનાવીને સૌને જમાડીશું. છતાં, કોઈ કમી રહી ગઈ હોય તો …..”

‘શું કહું?

“એમ કહું કે, જે કમી રહી છે એ તો તમે ક્યારેય પૂરી નહીં કરી શકો ? તમારા પપ્પાના ગયા પછી દિવસોનું ચેન, રાતોની ઊંઘ, તમારી ખ્વાહિશ પૂરી કરવા એની તમામ ખુશીનું બલિદાન આપ્યું એ માને જીવતેજીવ તમે જે ઘા આપ્યો છે એનાં પર આશ્વાસનનો લેપ લગાવી શકશો?”

વિજય અને સંજયને માત્ર એટલું કહી શકી કે,

“તમે બંને અગાશી પર જઈને કાગવાસ મૂકી આવો. સંજના અને વર્ષા તમે ગાયને ઘાસ નીરી આવો. કહે છે કે, એનાથી મૃતાત્માને પરલોકમાં ભોજન પ્રાપ્ત થાય છે ને તૃપ્તિ મળે છે.”

ચારે જણ દોડી દોડીને ગયાં ને ઘણી વારે પાછાં આવ્યાં.

ન તો વહુઓને એકે ગાય મળી કે ન તો દીકરાઓને એકે કાગડો. મળ્યો.

“અરે, એનો અર્થ એ કે આત્માએ ભોજનનો સ્વીકાર કર્યો નથી. આ તો અપશુકન કહેવાય.” પંડિતજી બોલ્યા.

“પંડિતજી, આજે એકત્રીસમી તારીખ છે ને? દાદીમાને તો ઉપવાસ હોય ને ?”

લતા અગ્રવાલ લિખિત વાર્તા્ને આધરિત ભાવાનુવાદ –રાજુલ કૌશિક
http://www.rajul54.wordpress.com

September 26, 2025 at 2:40 pm

‘વસંતનાં વધામણાં’

‘વસંતનાં વધામણાં’-

ક્યારેક ફેસબુક અનાયાસે એની પાસે સચવાયેલી જૂની યાદોનો પટારો ખોલીને એમાં વર્ષો પહેલાં સચાવાયેલા અનેક મનગમતા વિષયોમાંથી કોઈ એક નિશ્વિત દિવસ કે ઘટનાના સંદર્ભે લખાયેલો લેખ એ દિવસે જ આપણી સમક્ષ ધરી દે.

આજે પણ એમ જ બન્યું. ફેસબુક ખોલ્યું ને નજર સામે ‘વસંતનાં વધામણાં’ પર લખેલો આ લેખ…

હવે ફેસબુકે ધરેલું નજરાણું નજરઅંદાજ કેમ કરાય ? તો પ્રસ્તુત છે,

-વસંતનાં વધામણાં–

વસંત એટલે સૃષ્ટિનું યૌવન. વસંત એટલે નિસર્ગનો છલછલ છલકતો વૈભવ. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ. વસંત એટલે તરુવરોનો શણગાર, નવપલ્લવિત થયેલું, ખીલી ઊઠેલું, મઘમઘતી સુવાસથી મહેંકી ઊઠેલું, ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકતું વાતાવરણ.

પ્રભુએ પહેરેલ પીતાંબરની જેમ પૃથ્વી પણ પીતાંબરી પલ્લુ લહેરાવશે. વસંતના આગમનની છડી પોકારતી હોય એવી પીળી સરસવ, પીળો ધમરક ગરમાળો, કેસરિયો કેસૂડો, લાલચટક ગુલમહોર લહેરાવા માંડે ને લાગે કે જાણે ઈશ્વરે રંગછાંટણાથી, રંગોના લસરકાથી પૃથ્વીને, પૃથ્વીનાં તત્ત્વોને સજાવવાનું શરૂ કર્યું. આ રંગછટાને લીધે વસંતપંચમીને રંગપંચમી કહી છે.

ચારેકોર દેખાતાં સૂક્કાં ભઠ્ઠ વૃક્ષોમાં જીવ આવશે, રંગીની છવાશે. પિયુને જોઈને આળસ મરડીને બેઠી થયેલી નવયૌવનાની જેમ પ્રકૃતિમાં પણ જાણે ચેતનાનો સંચાર થશે.

આમ તો અહીં હજી કડકડતી ઠંડી છે. ચારેકોર સ્નોનાં તોરણો લટકે છે ત્યાં વળી કેવી વસંત અને કઈ વસંત? પણ, સાવ એવુંય નથી હોં..

આજે સવારે ઉગમણી દિશાએથી રેલાતાં સૂરજનાં સોનેરી કિરણોમાં ઘરનાં કૂંડાંમાં રોપેલા તુલસીનારોપા પર માંજર લહેરાતી જોઈ, જાંબુડિયા રંગનાં ઝીણકાં ફૂલો જોયાં. વાસંતી વાયરાની શાહેદી આપતા આ નાજુક પુરાવાથી થયું કે, વસંત આવી રહી છે બાકી અહીં તો,

રેડિયો પર ફાગણના ગીત વાગે ને,

શહેરનાં મકાનોને ખબર પડે કે,

આજે વસંતપંચમી છે.

જાણે સવારે આવીને જાંબલી રંગે મઢેલા પરબીડિયામાં કોઈ વસંત સરકાવી ગયું. ઘરમાં સરકેલી વસંત જોઈને વિશ્વાસ બેઠો કે, હવે ઘરની બહાર પણ એને આવકારવાની ઘડી ઝાઝી દૂર નથી.

નાનકડા રોપા પર ડોકાતી માંજર, પેલાં જાંબુડી રંગનાં ઝીણાં અમસ્તાં ફૂલોને જોઈને લાગ્યું કે, અહીંની સ્પ્રિંગને ભલે કદાચ થોડી વાર હશે પણ વસંતને વધાવવાની ઘડી ઝાઝી દૂર નથી. ઈશ્વર રંગછાંટણાં કરશે અને નજર સામે વસંત લહેરાશે.

વસંત પંચમી એટલે પ્રકૃતિનો ઉત્સવ. વિચાર આવ્યો કે આજનો માનવ એટલો સંવેદનશીલ રહ્યો છે ખરો? પ્રકૃતિમાં રેલાતી ચેતનાને માણવા જેટલી ફુરસદ છે ખરી? પ્રકૃતિને માણવાની સંવેદનશીલતાની વાત છોડો એની ફિતરતને સમજવા જેટલી સહિષ્ણુતાય રહી છે ખરી?

દિવસો જશે એમ ચારેકોર પ્રકૃતિ પર છવાયેલી ઈશ્વરની મહેરબાની જોઈને ચંદ્રકાંત બક્ષીએ ફરિયાદ કરી છે કે –

“માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વંસત આપી હોત તો?”

સાથે જવાબ પણ એમણે જ આપ્યો છે,

“કદાચ મનુષ્ય માટે ખુદાને પહેલેથી જ નફરત હશે..

નહીં તો પ્રકૃતિને જે રીતની જવાની આપી છે એ રીતની મનુષ્યને પણ આપી હોત. આખી સૃષ્ટિમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે અને ધીરેધીરે બંધ થઈ જાય છે, બીજે વર્ષે આવવા માટે, દર વર્ષે વસંત આવશે – સૃષ્ટિના અંત સુધી,

માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વસંત આપી હોત તો?”

ઈશ્વર પ્રકૃતિને પોતાની કૃપાથી નવાજે છે. દર વર્ષે જૂનાં પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી માંજર, નવી કૂંપળો, નવાં ફૂલો આવે છે. વસંત આવે ને આખું ઉપવન મહેક મહેક. પક્ષીઓ ચહેક ચહેક. ત્યારે લાગી તો આવે કે આપણે ઈશ્વરની આ કૃપાથી વંચિત કેમ?

કારણ માત્ર એટલું જ કે આપણે માત્ર આપણા માટે જ જીવીએ છીએ, પ્રકૃતિની માફક બીજા માટે નહીં. જે ક્ષણથી આપણે અન્ય માટે જીવતાં કે વિચારતાં શીખીશું એ ક્ષણ જ આપણી વસંતપંચમી, એ ક્ષણથી જ આપણા જીવનની ક્ષણે ક્ષણે વસંતોત્સવ.

વસંત છે જ એવી ૠતુ કે મૂરઝાઈ ગયેલાં પર્ણો, વૃક્ષો જ નહીં, ઠંડીમાં નિષ્ક્રિય અવસ્થામાં, સુસુપ્ત અવસ્થામાં સરી ગયેલા જીવોને પણ ઉષ્માથી ચેતનવંતા બનાવે. જીવનમાં હંમેશાં અતિનો અતિરેક અસહ્ય છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઈના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે.

વસંત એ જીવનના મધ્યનું, સહ્યનું સંયોજન છે અને માટે જ શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે “ઋતુઓમાં વસંત હું છું.”

તો આવો વસંતને વધાવીએ. વસંતમાં@everyoneષ્ણત્વને વધાવીએ.

આલેખનઃ રાજુલ કૌશિક

January 24, 2026 at 10:16 am Leave a comment

Older Posts


Blog Stats

  • 160,594 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 121 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

January 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

Design a site like this with WordPress.com
Get started