સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે,
આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે.
તું ફ્ક્ત તારા તારણે તરત મને મળી જજે,
ન અન્ય કોઈ કારણે તરત મને મળી જજે.
વિરાટ વિશ્વના ફલક ઉપર ભલે ભમ્યા કરે,
આ બારણે, આ પાંપણે તરત મને મળી જજે.
નિરંતરા નિબિડ અરણ્યમાં તો હું ભૂલો પડું,
આ ફૂલ, છોડ આંગણે તરત મને મળી જજે.
સજા હું આકરી કરું તને કે તું મને કરે,
ખરા અણીના ટાંકણે તરત મને મળી જજે.
– પંચમ શુક્લ
રિષભભાઈ મહેતાએ પ્રેમભાવથી રાગ પરમેશ્વરી જેવા અનૂઠા રાગની છાયામાં સજાવીને પેશ કરી છે.
https://www.facebook.com/rishabh.mehta.319/videos/3477168052335352
