નહેરના પાણી આવ્યા. ચોમાસા સિવાય બાકીના મહીનાઓ સુધી સૂકી રહેતી જમીન હવે ભીની રહેતી થઈ. હવે કોઈ કિંયાડામાં ધારવાળા અને પગમાં વાગે તેવા સખત ઢેફાં જોવા મળતાં તે બંધ થઈ ગયાં છે. શેઢા પર ઢેફાંના ઢીમાની પાળ સીંચીને ઉગાડાતી તુવેર, ચોળી બંધ થઈ ગઈ. જેઠ મહીનો આવે એટલે ઘરના ઓટલા પર કે કોઢારામાં ખાડા પૂરવા સારુ ઢેફાં ભરવામાં આવતા હતા તે ઢેફાં હવે નવી નવાઈની ચીજ બની ગઈ. આ બધું એવા ક્રમમાં બની ગયું કે જુની વ્યવસ્થાને સ્થાને નવી વ્યવસ્થા કેવી રીતે ગોઠવાતી ગઈ તેનું ધ્યાન જ ન રહ્યું. જુની પેઢી જવા માંડી અને નવી પેઢી તેનું સ્થાન લેતી ગઈ. શેરડી પહેલાંની ડાંગરની ખેતી સમયની એક વાત લખતાં લખતાં રહી ગઈ! ખેતરો રહ્યાં નહીં એટલે બળદોની ગરજ રહી નહીં. એની પાસે લેવા જેવું કોઈ કામ જ રહ્યું નહીં એટલે ધીમે ધીમે બળદો ઓછા થતા ગયા. બળદોને ઘાસ ખવડાવવા માટે જે ડવા કે ઘાસિયા વાડા હતા તેના તો બધા કિંયાડા બની ગયા હતા, તો એને ખવડાવવું શું તે પ્રશ્ન થઈ પડ્યો.
ડાંગરની નવી જાતો આવી તે બધી હાઈબ્રીડ હતી અને તે નવા નવા રોગનો ભોગ બનવા લાગી. હવે તેને માટે જે દવા આવી તે ભારે સ્ટ્રોંગ આવતી હતી તેથી પાકમાં છાંટેલી દવા ડાંગરની પતારી પર અને છોડ પર રહી જતી હતી. એવી દવાવાળા પુરેટિયા ખાવાની જાનવરોએ ના પાડી દીધી. તો હવે એને ખવડાવવું શું? આજુબાજુના ગામોમાં તપાસ કરે તો પણ કોઈ ખેડૂત એવા નહોતા કે જેમણે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કર્યો ન હોય. પરિણામે બળદો તો ગયા તે સાથે ભેંસો પણ ગઈ! ગામમાં જેમ વૃક્ષો ઓછાં થતાંથતાં નામશેષ થઈ ગયાં તેમ જાનવરો પણ નામશેષ થઈ ગયાં. ગામનો હવાડો પણ સૂનો થઈ ગયો, જાનવર હોય તો તેને પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે ને! જેમ ચોખા દુકાનેથી ખરીદીને ખાઈ લેવાના તેમ ઘરમાં દૂધની જરૂર પડે તો ડેરીમાંથી કોથળી લઈ લેવાની! બાકી તે પહેલાં તો ખેડૂતોને ત્યાં અવાર નવાર દૂધનું દુઝાણું ચાલતું જ રહેતું.
કાળદેવતા એની એકધારી ગતિથી ચાલતો રહે છે. સમય પ્રમાણે બધું બદલાતું જાય છે. કોઈને ગમે કે ન ગમે એ તેમની અંગત વાત છે. પરિવર્તન એ કંઈ નવી નવાઈની વાત નથી. આ લખવા પાછળનો ઈરાદો એવું કહેવાનો નથી કે પહેલાં બધું સારું જ હતું અને હવે જે કંઈ થઈ રહ્યું છે તે ખરાબ છે. સારું અને ખરાબ એ બંને શબ્દો સાપેક્ષ છે. એનું મુલ્યાંકન સ્થાયી નથી. સ્થિતિ સંજોગ સાથે એ બદલાતું રહે છે. વિકાસ અને વિનાશ બંને એકી સાથે ચાલતા રહે છે. વિકાસ હંમેશાં પીડાદાયી હોય છે. જુનાનો મોહ છૂટતો નથી. પણ નવું પકડવું હોય તો મને કમને પણ જુનું છોડવું જ પડે છે. નવું પકડ્યા વિના ચાલવાનું પણ નથી. જે પીડા થાય છે તે જુની પેઢીને થતી હશે, બાકી નવી પેઢીને કંઈ ફેર પડતો નથી કારણ કે તેઓ નવી પરિસ્થિતિમાં જ જન્મ્યા અને ઉછર્યા છે. તેમને મન આ બધી સ્વાભાવિક અને સહજ ઘટના છે. વિદાય લઈ રહેલી દરેક પેઢીનો આ અનુભવ છે. વર્તમાનને સ્વીકારી લીધા વિના કોઈ જ છૂટકો નથી. જેઓ આ વાત સમજતા નથી તેઓ દુ:ખી થાય છે.
અમારા ઘરકાછાના વાડાને અડીને સીમમાં જતી પગદંડી અમે જોઈ નહોતી. અમારા મા – બાપ કહેતા કે માત્ર પગે ચાલીને જવાનો રસ્તો હતો. બંને બાજુ મરીકંથાર અને કમદીના ઝૂંડ હતા. દેશી આંબા અને ખાટી તથા વિલાતી આમલીઓ હતી. બીજા જંગલી ઝાડવાં હતા.ધીમે ધીમે પગદંડી પહોળી થતી ગઈ. અડસેંટ જોડેલા બળદો પસાર થાય તેટલી પહોળી થઈ. કાદવ પડ્યો એટલે ભાઠુ નાંખ્યું. ગાલ્લાં જતાં થયાં. ગાલ્લાં પર ઘાસ- પુરેટિયાની હેલ પસાર થતી થઈ. ઝાડની ડાળી નડતી ગઈ એટલે પહેલાં ડાળી કપાઈ અને પછી ઝાડવાં જ કપાઈ ગયાં! હવે ડામર રોડ થઈ ગયો. મોટરકાર અને ટેમ્પો, ખટારા પણ જતા થઈ ગયા. કીચડ થતો હવે મટી ગયો. વાડામાં કે શેઢા પરથી પસાર થતી વખતે કીચડથી બચવા માટે લોકો ચાર પૂંદીને જતા હતા. એ હવે બંધ થઈ ગયું. અમારા વાડામાંથી બહાર નીકળતાં જ વગડો શરૂ થઈ જતો હોવાથી એકલા જતાં અમને બાળકોને બીક લાગતી! ખેતર કિંયાડે જવા માટે સંગાથ શોધતા. વાઢમાં, નાયકીવાડ કે પહાડમાં જતી વખતે વચમાં ભેંકાર, નિર્જન વગડો આવતો. જર જનાવરની બીક લાગે તે સાથે ભુત બલાગતની પણ બીક લાગે, કોઈ અજાણ્યું મનખ જોવામાં આવે તો તે ચોર લુંટારો હોવાનો ડર લાગે, કોઈ ઓળખીતું મળી જાય તો જીવમાં જીવ આવે, જીવ હેઠો બેસે. ખેતરાળીમાંથી ઘરે આવવાનું હોય કે નજીકના ગામે ગયા હોય ત્યાંથી ઘરે આવવાનું હોય તો ડૂબતા સૂરજ તરફ નિગાહ રાખીને જોરમાં પગ ઉપાડવા પડે અને ઘોર અંધારું થઈ જાય તે પહેલાં ઘરે પહોંચી જવું પડે અથવા તો સગે વહાલે ગયા હોય ત્યાં જ રાતવાસો કરવો પડે!
આજે એ ડર રહ્યો નથી. જંગલ હવે રહ્યું નથી. વગડા વિશે પ્રચલિત બિહામણી લોકવાયકાઓ ભુલાઈ ગઈ છે. હવે ભુત પ્રેત અને બલાગતની સદગતિ થઈ ગઈ છે. ગામમાં ઘરે ઘરે ઈલેક્ટ્રિસિટી આવી ગઈ છે. નાયકીવાડમાં પણ લાઈટ આવી ગઈ છે. લાઈટના થાંભલા ખેતર ક્યારીમાંથી પસાર થાય છે. સ્મશાન ભૂમિ નદી કિનારે દૂર હતી તે હવે વસતિ પાસે આવી ગઈ છે. પહેલાં મસાણને લગતી ડરામણી દંતકથાઓ સાંભળવાથી લોકોમાં ડર રહેતો, હવે એવો ડર રહ્યો નથી. ખેતર ક્યારીએ જતાં હવે પગ ખરડાતા નથી. ગામની સડક નીચી હતી એટલે ટેકરીઓ ઊંચી દેખાતી હતી. વરસો વરસ પુરાણ થતું રહેવાથી સડક ઊંચી આવી ગઈ છે. ટેકરીઓના નસીબમાં ઊંચા થવાનું લખાયું નથી! એ ઘસાઈ ગઈ છે. આ પરિસ્થિતિ દરેક ગામની છે. સમાજના નીચલા સ્તરના માણસો પ્રગતિ કરીને આર્થિક રીતે સક્ષમ થવા લાગ્યા છે અને જુના વખતના ખાનદાન ગણાતા પરિવારો વિદેશ ચાલ્યા ગયા છે. પાત્રો બદલાય છે એટલું જ, સ્થિતિમાં ખાસ કશો ફેર પડતો નથી.
મને જેટલું યાદ આવ્યું તેટલું મેં લખ્યું. ઘણું ભૂલી જવાયું છે એટલે છૂટી ગયું છે. છતાં જે લખાયું તે ઓછું નથી. બીજી બાબતો હજી લખવાની બાકી છે, પણ ખેતીની વાત પૂરી થાય છે. એક મિત્રે મારા લખાણનો પ્રતિભાવ આપતાં લખ્યું કે એક વસવાયાનો દીકરો ખેતી વિશે આટલું વિગતવાર લખે અને તે પણ ગામથી પચાસ વરસ દૂર રહ્યા પછી! કોઈ ખેડૂતનો દીકરો લખે તે સમજી શકાય પણ મારી વાત નવાઈ પમાડનારી તો છે જ. જે હોય તે, પણ વસવાયા શબ્દ વિશે સ્પષ્ટતા કરી દઉં! આ શબ્દ તિરસ્કાર સૂચક છે. માણસને અપમાનિત કરનારો છે. અમારા ગામમાં અમને ભાગ્યે જ કોઈએ વસવાયાં કહ્યા હશે, પણ અન્યત્ર આ શબ્દ અમને નીચા પાડવા માટે વપરાતો આવ્યો છે. અમારી કોમ એટલે કારીગરોની કોમ અને અમારા દેવતા તે વિશ્વકર્મા ભગવાન. અમારી કારીગર કોમને વિશ્વકર્મા ભગવાનનું એવું વરદાન હોવાનું કહેવાય છે કે તમે કદાચ બહુ પૈસાદાર નહીં બનો તોયે તમને ખાવાના સાંસાં નહીં પડે. તમે કદી ભૂખે નહીં મરો. પૃથ્વી પર ગમે ત્યાં જઈને વસવાટ કરશો તો પણ તમારી આજીવિકાની જવાબદારી વિશ્વકર્મા ભગવાન પર. એનું કારણ છે કે અમારી કોમ એ માણસની જીવન જરૂ?રિયાતની સેવા આપનારી કોમ છે. રવિશંકર મહારાજે સમજાવ્યું છે કે કૃષિ સંસ્કૃતિના વિકાસ સાથે ગામના ખેડવાયા લોકોને તમારી સૌની સેવાની જરૂર પડી એટલે તેમની ગરજે તમારા ભરણપોષણની જવાબદારી માથે લઈને પોતાના ગામમાં લાવીને વસાવ્યા હોવાથી તમે વસવાયાં કહેવાયા. તમે કોઈનાથી નીચા નથી, બલ્કે તમારા વગર કોઈને ચાલતું નથી. ખેતીના સાધનો માટે સુથાર અને લુહાર તો જોઈએ જ! રસોઈના સાધનો ચૂલા, તાવડી, હાંડલા, વારિયાં, ગોરી, દોણી, ઘર પરના નળિયાં વગેરે માટે કુંભાર પણ જોઈએ. શરીર ઢાંકવા માટે અને ફેશનેબલ દેખાવા માટે દરજી પણ જોઈએ. મકાન બાંધવા માટે કડિયા પણ જોઈએ જ. કોરોનાના લૉકડાઉન વખતે બધા જંગલી ઘેટાં જેવા થઈ ગયા હતાં તે સાફ સુથરા દેખાવા માટે હજામના સલુન કે બ્યુટિપાર્લર પણ જોઈએ. દેહની શોભા વધારવા માટે કિમતી આભૂષણ તૈયાર કરનાર સોની પણ જોઈએ. આવાં અનેકવિધ કામોમાં કુશળ કારીગર વગર કોઈને ચાલવાનું નથી. અમારા લોકો પાસે સામાન્ય રીતે ખેતીવાડી ન હોય. અમારાં ઓજારો અને આવડત એ જ અમારી મિલકત. તેમ છતાં અંગ્રેજ સરકારે અમારી સેવાના બદલામાં કેટલાક લોકોને ઈનામી જમીન ખેડી ખાવા માટે આપેલી. આઝાદી પછી ખેડે તેની જમીનનો કાયદો આવ્યો તેથી એ ચાપુ ચપટી જમીનના અમે માલિક બન્યા. કેટલાક લોકોએ આફ્રિકા જેવા દેશોમાં જવાનું સાહસ કર્યું અને પોતાની કમાણીમાંથી જમીન વસાવી. બાકી બાપદાદાના વારસારૂપે કોઈ મિલકત મળી નહોતી.
28/08/2024