જીવ

વાહ-વાહ ના સોય ‘ને દોરે, જિંદગી આખી સીવે છે;
સીધો માણસ છે આ, ખાલી વખાણ ઉપર જીવે છે.

એને થોડી જગ્યા આપો, ભીડ જોઈને બીવે છે;
પણ બહુ ઝાઝા દૂર ન જાતાં, પ્રેક્ષક ઉપર જીવે છે.

સ્વાભિમાનની મજબૂત ઈંટો આ માણસના નીવે છે;
ખપે તો બસ ખપે તાળીઓ, પ્રશંસા પર જીવે છે!

રજૂઆતની હિમ્મત ઝેર સમી છે તોય એ પીવે છે;
કેવો મંચનો જીવ છે, મંચ નો રંગ બનીને જીવે છે!

વાહ-વાહ ના સોય ‘ને દોરે, જિંદગી આખી સીવે છે;
સીધો માણસ છે આ ખાલી વખાણ ઉપર જીવે છે.

-વિરાજ

ઉન

આજે સવારે યુટુયબ ઓપન કરતા જ એક શૉર્ટ-ફિલ્મના થમ્બનેલ પર ધ્યાન ગયું. ફિલ્મનું નામ “દેસી ઊન”. ઍનિમેટેડ વિડિઓ હતો એટલે તરત જ ક્લિક કર્યું.

ઍનિમેશનની સ્ટાઇલ અને મ્યુઝિક સાંભળીને ખબર પડી જ ગઈ કે Suresh Eriyatના @studioeeksaurusની ફિલ્મ છે!

ફિલ્મમાં ઊનની વાત છે, અને ઊન જેટલી જ સુંવાળી રીતે પ્રસ્તુત કરી છે. ફિલ્મ વિશે વધુ નહીં કહું, બસ એટલું જ કે આ જોઈને વર્ષો પહેલા દૂરદર્શન પર આવતી સુંદર મજાની જનહિત માટે બનાવવામાં આવતી સરકારી શૉર્ટ-ફિલ્મો યાદ આવી ગઈ! ફિલ્મની લિંક અહીંયા જ મુકું છું.

એન્જોય!

(કૌંસમાં:
થોડા વર્ષો પહેલા અમદાવાદમાં સુરેશભાઈની એક ઇવેન્ટ અટેન્ડ કરવાનો ચાન્સ મળ્યો હતો. તેમણે તેમની બનાવેલી થોડીક ઍડવર્ટિઝમેન્ટ અને શૉર્ટ-ફિલ્મ્સ પણ બતાવી હતી. પહેલા પણ ફૅન હતો જ, પણ એ દિવસે એમને નજરો સમક્ષ જોઈ-સાંભળીને, એમની પ્રૉસેસ અને મહેનત વિષે વધુ જાણીને વધારે મોટો ફૅન બની ગયો! તેમના પપ્પા સાથે મળીને તેમણે ફની હોરર શૉર્ટ્સ બનાવી છે, એ પણ યુટ્યુબ પર જઈને જોવા જેવી ખરી! )

ખાડો

હું સ્કૂટર હાંકુ છું અને મને રસ્તા પર દેખાય છે કે આગળ એક જગ્યાએ રસ્તો થોડો તૂટેલો છે.
નાનો સરીખો એક ખાડો પડ્યો છે રસ્તામાં.
એ ખાડો હું આવ્યો એ પહેલાનો છે,
હું જતો રહીશ એ પછી પણ ત્યાં જ રહેશે,
હું આ રસ્તા પર ન આવ્યો હોત તો પણ એ ખાડો ત્યાં જ હોત.
પણ, હવે મેં એ ખાડો જોઈ લીધો છે.
મારા સ્કૂટરનું નિયંત્રણ સંપૂર્ણપણે મારી પાસે છે,
મારી આંખોનું, મારા મગજનું, મારા હાથનું નિયંત્રણ પણ મારી જ પાસે હોય ને?
પણ, હવે એ બહુ જ નાનો અમથો ખાડો મારા મગજ ઉપર હાવી થઇ ચુક્યો છે.
મારુ મગજ કહી રહ્યું છે કે એ ખાડાની બાજુમાંથી નીકળી જવાનું છે.
પણ હું જોઈ રહ્યો છું મારા સ્કૂટરને એ જ દિશામાં જતા.
મારી આંખો સ્થિર થઇ ગઈ છે એ ખાડા પર.
મારા હાથ દગો દઈને મને લઇ જઈ રહ્યા છે એ ખાડા તરફ.
જાણે કે આ બધી વસ્તુ પરનું મારું નિયંત્રણ એક વ્હેમ હોય.
થોડી જ પળોમાં સ્કૂટરના બન્ને ટાયર એ ખાડામાં પડે છે,
જૂનું થઈ ગયેલું સ્કૂટરનું જમ્પર એનું કામ ઓછું અને અવાજ ઝાઝો કરે છે,
એક મોટો ઝાટકો મને લાગે છે, અને એથી પણ મોટો ઝાટકો લાગે છે મનને.
હું વિચારું છું કે જો મારુ એ ખાડા તરફ ધ્યાન ન ગયું હોત,
તો મારી ખાડામાં જવાની સંભાવના કેટલી હોત?
ખાડા સામે જોયા પછી એ તરફ જવાની સંભાવના કરતા ઓછી કે વધુ?
જો મારી સામે આવતી કોઈ વસ્તુથી બચવામાં મને મારી ઈન્દ્રીઓ મદદ કરતી હોય,
તો સ્થિર એવા ખાડા સામે ઈન્દ્રીઓ કેમ હારી?
કે પછી ઈન્દ્રીઓ જીતી ગઈ જ્યાં ધ્યાન હતું ત્યાં લઇ જઈને?
કે જો મેં ખાડો જોઈને ન કેન્દ્ર કર્યું હોત ધ્યાન બધું,
તો સારો રસ્તો જોઈને હું સરળતાથી નીકળી જાત.
હવે મને એમ લાગે છે કે ખાડાનું બસ કામ હતું
કે હું જે ભૂલી બેઠો છું, એ યાદ રાખીને બેસું.
ખાડો જો હું જોઉં ફરી, થશે તો બસ આ થશે,
ધ્યાન મારુ જ્યાં જશે, સ્થાન મારુ ત્યાં હશે!
-વિરાજ

કલાકારી

આંખો મીંચી સૂતો રાતે,
સવાર થઇ, ખુલી આંખો મારી,
હતો હું કે ન હતો વિચારી,
સવાલ થયો, “શું વિસાત મારી?”

પુલ તારો, નદી તારી,
હું તારો, જમીન તારી,
કોશિશ મારી, ઈચ્છા તારી,
જબરી છે આ રમત તારી!

તારી સાથે થાય જો મારી
ઓળખાણ, કંઈ સારા-સારી,
તરી જાઉં હું દરિયો તારો!
વાત ખરી, કે ભ્રમણા મારી?

ભવોના ચક્કર – જફા એ મારી,
સમયનો કાંટો – મિલકત તારી,
શ્વાસ-ઉચ્છવાસની મારા-મારી,
ખરી છે તારી આ કલાકારી!

-વિરાજ

અસ્તિત્વ

અંધારામાં બેસું જો હું
ખુલ્લી આંખે
કાગળ લઈને,
શબ્દો લઈને આવીશ તું?
કે થઈ વિચાર શું સ્ફૂરિશ તું?

આ અંધારામાં બેઠો’તો,
તો થયું મને હું લખું તને,
કે મારી અંધારાની એ
બે-ચાર ઘડીની ક્ષણો મહી,
જે તણખા જેવું ઝબક્યું છે,
તારી હયાતી એમાં પણ
એક ચાંદા જેવી ચમકી છે.

તું કારણ છે.
તું તારણ છે.
‘ને હું છું કેવળ અંધારું.
તું અસ્તિત્વ સઘળું મારું.

-વિરાજ

હશે

થવાનું હશે તો થશે,
હતું ‘ને આવ્યું ‘ને જશે.

પંથે કે રસ્તે કે કશે,
કેળીઓ કંડારી જશે.

દિશા ન મળે, ન કરે,
નિઃસાસો નાખી ક્હે “હશે”.

સૂરોની ધૂને બી ધૂણે,
હર્ષે જીવે જે બિન-નશે.

પૂછીને જોજો જો મળે,
એક જ એ વાત કે’શે

કે,

થવાનું હશે તો થશે,
હતું ‘ને આવ્યું ‘ને જશે!

જવા દે ને

અંદરના અવાજને મારી એક લાત,
નાખ્યો નિ:સાસો કહી – “જવા દે ને વાત”!

આ દિવસ બગડ્યો તો ભલે ને બગડ્યો,
સારું પણ થશે, તું જવા દે ને રાત.

અત્યાચાર અપાર મેં ખુદ પર કર્યા છે,
દયા થોડી રાખી, તું જવા દે ને, તાત!

મારી જ રમત છે, ‘ને મારી જ છે માત,
કયા મોઢે કહું કે – “તું જવા દે ને ઘાત”.

બે-ચાર બચ્યાં છે, તું લઇ લે ને શ્વાસ,
જે દિ’ એ પતે, તું જવા દે જે જાત.

-વિરાજ

ખોવાયેલ છે: “સિમ્પલીસીટી”

એવું નહીં કહું કે કવિતાઓ નથી લખવી. કહેવાય છે ને કે ભગવાન ક્યારે તથાસ્તુઃ કહી દે આપણને ખબર નથી! પણ ક્યારેક પહેલાની જેમ સાદું, સરળ અને સહજ લખવાનું મન ઘણું થઇ આવે છે. ન તો વ્યાકરણની ચિંતા હતી, ન તો કોઈની લાગણીઓ દુભાવવાનો ડર હતો. મનમાં આવતું અને લખાઈ જતું.

જયારે લખવાનું શરું કર્યું ત્યારે તો દરેક જગ્યાએ બ્લોગ પર લખવાના ટૉપિક્સ દેખાતા હતા. મને યાદ છે એક વાર તો અમદાવાદથી ગાંધીનગર જતા બસમાં લેપટોપ ખોલીને લખવા બેસી ગયો હતો. ત્યારે મારી પાસે એવો ફોન નહોતો કે જેમાં ગુજરાતીમાં લખી શકાય. અલમોસ્ટ દસ વર્ષ પહેલાની વાત છે આ તો.

કેટલી બધી અપડેટ્સ આપવી પડશે. થીસીયસ ના જહાજ જેવું છે. થોડું થોડું કરીને બધું જ બદલાઈ ગયું છે. અને એ બદલાવમાં સિમ્પલીસીટી ક્યાંક ખોવાઈ ગઈ છે.

હવે એમ પણ થાય કે રાહ કેમ જોવાની? સિમ્પલીસીટી કોઈ લોટરીની ટિકિટમાં તો મળતું ઇનામ તો છે નહીં. ન તો સરળતા એ ફ્યુઅલ છે કે જેના વગર મારું લખવાનું અટકી જાય. સરળતા તો એમાં જ છે ને કે જે પણ તમારી પાસે હોય એની સાથે જ તમે આગળ વધતા રહો?

જો સહજ લખાણ સમયના રસ્તામાં ક્યાંક ખોવાયું છે તો કદાચ એજ રસ્તા પર આગળ મળી પણ શકે! યુ નેવર નો. શરત છે એ કે રસ્તા પર ચાલતા રહો.

હવે થાય છે કે બસ ચાલવું છે આગળ.
પહેલાની જેમ?
ના. નવી રીતે.
રીત શું છે?
જાણવું જરૂરી નથી, તો એ વિશે વિચારવું પણ જરૂરી નથી.
આગળ વધવું જરૂરી છે, તો વધીશું આગળ.
લખ્યું છે પહેલા,
તો હવે લખી શું આગળ!

મળતા રહીએ!

અંધારું

કરે એનું ધાર્યું જ બધું અણધાર્યું આ અંધારું,
તો પણ જાણે કેમ મને મન-પ્યારું લાગે અંધારું?

જો હું ધારું, તો હું તારે નામ કરું જીવન મારું,
પણ હું મારી જ પાસે રાખું મારું આખું અંધારું.

આશાઓ, સુખ-દુઃખ ‘ને સપનું ભલે રહ્યું તે સહિયારું;
મારા હકનું હતું ‘ને રહેશે કાળું-ધબ આ અંધારું.

ખુદનાં જો ઊંડાણમાં ડૂબું, ખુદને કેમેય તારું?
ખુદને તારવા જ આંખો અંદર રાખ્યું છે અંધારું.

વિચારું છું, ક્યાં લગ રહેશે મારી સંગ અંધારું?
કોઈ એક પળમાં આંખો મીંચી થઇ જાઉં હું જ અંધારું.