Martyrs of Indian Freedom Struggle – (68) – Martyrs of 1942

૧૯૪૨ના શહીદો

દેશમાં ‘ભારત છોડો’ આંદોલનની ઊગ્રતા પણ બે-ત્રણ મહિનામાં ઓસરી ગઈ, પણ એ ચાલતું રહ્યું અને લોકો પોતાનું બલિદાન દેતા રહ્યા. મહાત્મા ગાંધીએ આંદોલનને છૂટો દોર આપી દીધો હતો પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયેલા કોંગ્રેસના નેતાઓને દેશમાં સૂનકાર ભાસતો હતો. આમ છતાં ૧૯૪૫માં વિશ્વયુદ્ધના અંતે સરકારે બધાને છોડવાનું શરૂ કર્યું ત્યારે એમના સત્કાર માટે ઠેકઠેકાણે હજારોની ભીડ ઊમટી પડી.. ખરેખર તો ૧૯૪૫ પછી જનતાએ જ કોંગ્રેસનું મનોબળ વધાર્યું. નેતાવિહોણી જનતા ઉલટી વધારે દૃઢતાથી અંગ્રેજ સરકારનો સામનો કરવા કટિબદ્ધ થઈ ગઈ હતી.

‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ દેશમાં એક જ જણને – આસામના કુશલ કુંવરને – ફાંસી થઈ અને બાકી અસંખ્ય લોકો સરઘસો પર પોલિસના ગોળીબારમાં મૃત્યુને વર્યા. પહેલાં કુશલ કુંવરની વાત કરીએ તે પછી ગુજરાતના શહીદોને અંજલિ આપીએ, કારણ કે બધાને નામજોગ યાદ કરવાનું સહેલું નથી.

કુશલ કુંવર (kushal-konwar અને indianfolklore.org)

કુશલ કુંવરનો જન્મ આસામના ગોલાઘાટ જિલ્લાના ગામ બલિજાન ચરિયાલીમાં ૧૯૦૫ના માર્ચની ૨૧મીએ થયો. ૧૯૨૦માં એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે જ અસહકાર આંદોલનમાં કૂદી પડ્યા. તે પછી જીવનનિર્વાહ માટે નોકરી કરી પણ ૧૯૩૬માં બધું છોડીને દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ૧૯૪૨માં ઑગસ્ટ ક્રાન્તિની શરૂઆત થતાં એમણે સરૂપાથર જિલ્લામાં કોંગ્રેસે બનાવેલી શાંતિ સેનાની સરદારી લીધી. એ વર્ષના ઑક્ટોબરની દસમીએ સરૂપાથરના યુવાનોની મૃત્યુ વાહિની (Death Squad)ના કેટલાક ક્રાન્તિકારીઓએ એક મિલિટરી ટ્રેનને પાટા પરથી ઉથલાવી નાખી. આમાં અસંખ્ય સૈનિકો માર્યા ગયા. ધૂંવાંફૂંવાં થયેલી સરકાર આડેધડ ધરપકડો કરવા લાગી. અનેક લોકો દમનનો ભોગ બન્યા,

૧૩મી તારીખે કુશલ રેલવે સ્ટેશન તરફ જતા હતા ત્યારે પોલીસે એમને પકડી લીધા. એમના બચાવમાં ઘણા વકીલો આગળ આવ્યા પણ શાંતિ વાહિનીનો એક સભ્ય પુલિન બરુઆ પોલીસનો સાક્ષી બની ગયો. કુશલ કુંવર, કનકેશ્વર કુંવર, ધર્મકાન્ત ડેકા અને ઘનશ્યામ સૈકિયાને મોતની સજા કરવામાં આવી. પણ કુશલ સિવાયના ત્રણ જણની દયાની અરજી મંજૂર કરીને એમની મોતની સજા ઘટાડીને દસ વર્ષની જેલની સજા અપાઈ. કુશલ કુંવર કોઈ જાતના હિંસાત્મક કાર્યમાં માનતા નહોતા પણ એમણે ગેરકાનૂની કેસમાં પોતાનો બચાવ ન કર્યો. ૧૫મી જૂને એમને વહેલી પરોઢે ફાંસી આપી દેવાઈ. વિદેશી સરકારે છેક ૧૭૫૭થી જ હિંસાનો રસ્તો લીધો હતો અને કાનૂનને નામે અસંખ્ય ગેરકાનૂની હત્યાઓ કરી તેમાં કુશલ કુંવર અંતિમ હતા.

 

ગુજરાતના શહીદો૧૯૪૨

(વિરોધ દેખાવોમાં ભાગ લેનારા અને પોલીસની ગોળીથી અથવા જેલમાં થયેલા અત્યાચારોને કારણે કે અત્યાચારોને પરિણામે ગંભીર હાલતમાં છોડી દેવાયા પછી મૃત્યુ પામ્યા હોય તેવા સ્વાતંત્ર્યવીરો. બધાં નામો અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે છે. નામોનો ક્રમ કોઈનું વધારે કે ઓછું મહત્ત્વ દર્શાવતો નથી).

. છોટાભાઈ પટેલઃ જન્મ ૧ ઑક્ટોબર ૧૯૦૮. ગામ ધુણાદરા, જિલ્લો ખેડા. ૧૮મી ઑગસ્ટે ડાકોરમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું.

. ચીબાભાઈ પટેલઃ પિંજારત, સૂરત. ‘ભારત છોડો’ આંદોલનમાં પોલીસે પકડ્યા અને જેલમાં અત્યાચાર ગુજાર્યો. ઑક્ટોબરમાં જેલમાં જ મૃત્યુ.

. ગોરધનદાસ રામીઃ જન્મ ૧૯૨૦. ગામ બાબરા, જિલ્લો અમદાવાદ. ૯મી ડિસેમ્બરે અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું.

. ગોવિંદરાવ ઉતરાણકરઃ જન્મ ૧૫ માર્ચ ૧૯૧૭. મહેસાણા જિલ્લો. એ ગ્રેજ્યુએટ હતા અને સ્થાનિકની સ્કૂલના હેડ માસ્ટર હતા. ૨૫મી ડિસેમ્બરે વિસનગરમાં એક સરઘસ નીકળ્યું તેમાં ગોવિંદરાવ પણ હતા. એક પોલીસ કોન્સ્ટેબલે શાંતાબેન પટેલ નામની એક મહિલા અને એના પિતા સાંકળચંદ પટેલ તરફ રિવૉલ્વર તાકી પણ એ ગોળી છોડી શકે તે પહેલાં ગોવિંદરાવે રિવૉલ્વર ઝુંટવી લેવાની કોશિશ કરી ત્યારે પોલીસે એમના પર જ ગોળીઓ છોડી દીધી. ૧૯૪૩ની ૧૫મી જાન્યુઆરીએ એમનું હૉસ્પિટલમાં અવસાન થયું.

. ગુણવંત માણેકલાલ શાહઃ જન્મ ૧૯૨૪. જિલ્લો અમદાવાદ. ઉંમર ૧૮ વર્ષ. ૯મી ડિસેમ્બરે એક સરઘસ પર પોલીસના ગોળીબારમાં ગંભીર ઈજાઓ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા.

. કુમારી જયાવતી સંઘવીઃ જન્મ ૧૯૨૪. જિલ્લો અમદાવાદ. ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૪૩ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયાં. પોલીસ દળ સરઘસ પર ત્રાટક્યું ત્યારે નાસભાગમાં પડી ગયાં. એ એમના માટે પ્રાણઘાતક બન્યું અને એ જ દિવસે એમનું અવસાન થયું.

. ઝીણાભાઈ મેસુરિયાઃ ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય હતા. પોલીસે એમની ધરપકડ કરી લીધી. જેલમાં એમના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો. એમાં એ સખત માંદા પડી ગયા. તે પછી એમને છોડવામાં આવ્યા પણ બે-ત્રણ મહિનામાં જ એ મૃત્યુ પામ્યા.

. કાનજીભાઈ આણંદજી બારૈયાઃ જિલ્લો ભાવનગર. એમના ગામમાં ૨૨મી ઑગસ્ટે સરકારના વિરોધમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયા. પોલીસે ગોળીબાર કરતાં મૃત્યુ થયું.

. કુમારી (ડૉ.) પ્રભાવતીઃ સૂરત. ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે જેલવાસ ભોગવ્યો. ત્યાં અમાનુષી અત્યાચાર અને ભયંકર ગંદકીને કારણે બીમાર પડી ગયાં. એમને છોડવામાં આવ્યાં પણ એ જ વર્ષમાં એમનું મૃત્યુ થયું.

૧૦. મગનભાઈ પટેલઃ ગામ માતવડ, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી. ૨૨મી ઑગસ્ટે એમના ગામમાં જાહેર સભા મળી તેના પર પોલીસે ગોળીબાર કર્યો. મગનભાઈ ઘાયલ થઈ ગયા અને ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

૧૧. મણિલાલ પટેલઃ જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૨૨. ગામ ચાણસ્મા, પાટણ. મણિલાલ અને એમના ત્રણ-ચાર મિત્રોએ ‘ભારત છોડો’ આંદોલનમાં સત્યાગ્રહ કેમ કરવો તે શીખવવાનું પોતાના માથે લીધું. એ ગામેગામ જતા. ૧૮મી ઑગસ્ટે એક ગામેથી પાછા ફરતાં અડાસ રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે કેટલાક સિપાઈઓ એમના તરફ આવતા હતા. મણિલાલ અને એમના મિત્રો જાતે જ પોલિસ તરફ આગળ વધ્યા. પોલીસે પૂછ્યું ત્યારે એમણે પોતે ‘સત્યાગ્રહી’ છે એમ કહ્યું. એમણે એ પણ કહી દીધું કે અમારી ધરપકડ કરવી હોય તો કરી લો. સિપાઈઓએ એક ક્ષણની પણ રાહ જોયા વિના ગોળીઓ વરસાવી. એમાં મણિલાલના પ્રાણ ગયા.

૧૨. મણિશંકર ધીરજલાલઃ જન્મ ૧૯૧૮. તાલુકો ડાકોર, જિલ્લો ખેડા. એમના ગામે ‘ભારત છોડો’ આંદોલન માટે જાહેર સભા યોજાઈ તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યા.

૧૩. મનુભાઈ મહેતાઃ જિલ્લો રાજકોટ. આઠમી ઑગસ્ટે આંદોલન શરૂ થયું તે સાથે જુદા જુદા ઠેકાણે સભાસરઘસો થવા લાગ્યાં. ઑગસ્ટમાં જ આવા એક કાર્યક્રમ દરમિયાન પોલીસની ગોળીનો શિકાર બન્યા.

૧૪. મનુભાઈ પટેલઃ જન્મ ૨૯ જુલાઈ,૧૯૩૦. ચકલાશી, જિલ્લો ખેડા. ઉંમર ૧૨ વર્ષ. ‘ભારત છોડો’ આંદોલનનું એક સરઘસ એમના ગામમાં જ નીકળ્યું. આ બાર વર્ષનો છોકરો કશા પણ ભય વિના ત્રિરંગો લઈને નીકળ્યો, પોલીસની ગોળીથી વીંધાઈ ગયો.

૧૫. મોહન કાળાઃ ગામ પિલુદરા, જિલ્લો મહેસાણા. એમના ગામમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં જાન ગયો.

૧૬. મોહનદાસ પટેલઃ દહેગામ જિલ્લો વડોદરા. એમના ગામમાં સરઘસ નીકળ્યું એમાં એ જોડાયા અને પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યા.

૧૭. મોહનલાલ પટેલઃ ગામ કાન્તિપુર, જિલ્લો ખેડા. પોલિસના ગોળીબારમાં માર્યા ગયા ( વિગતો ઉપર ૧૧મણિલાલ પટેલ પ્રમાણે)

૧૮. મોરારભાઈ પટેલઃ જ્ન્મ ૧૮૯૦. ખડી ફળિયા, તા. મહુવા જિલ્લો સૂરત. ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.

૧૯. મોરારભાઈ પોચિયાભાઈઃ કરાડી, જિલ્લો નવસારી. ૨૨મી ઑગસ્ટે નીકળેલા સરઘસમાં પોલીસે કરેલા ગોળીબારમાં ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા.

૨૦. નાનુભાઈ પટેલઃ ગામ કરજીસણ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. એમણે ૧૯૩૦ના સવિનય કાનૂન ભંગ (મીઠાનો સત્યાગ્રહ) આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો. તે પછી ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા. ૩૦મી સપ્ટેમ્બરે અમદાવાદમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોતને ભેટ્યા.

૨૧. નારણભાઈ મોહનભાઈ પટેલઃ અમદાવાદ. ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૨ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું. પોલીસે એને વીખેરી નાખવા ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું.

૨૨. નરહરિભાઈ રાવળઃ અમદાવાદના વિદ્યાર્થી. ઑગસ્ટમાં એક સરઘસ નીકળ્યું તેમાં એમને પોલીસે પકડી લીધા. જેલમાં પોલીસે એમના પર સિતમ વરસાવ્યો. ૩૦મી ઑક્ટોબરે જેલમાં જ મૃત્યુ થઈ ગયું.

૨૩. નાથાલાલ શાહઃ જન્મ ૧૯૨૩. ગામ રામપુરા, જિલ્લો અમદાવાદ. એક સરઘસમાંથી પોલીસે એમને પકડી લીધા. ૯મી નવેમ્બર ૧૯૪૩ના રોજ જેલમાં પોલિસના અતિશય અત્યાચારને કારણે મૃત્યુ થયું.

૨૪. નટવરલાલ વનમાળીદાસ શાહઃ તાલુકો નડિયાદ. ૧૮મી ઑગસ્ટે ખેડામાં એક સભા પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં એમનો બલિ લેવાયો.

૨૫. નવિનચંદ્ર વેરાગીવાળાઃ મૂળ સૂરતના પણ કલકત્તામાં રહીને ભણતા હતા. ગાંધીજીએ ‘ભારત છોડો’નું એલાન કર્યું ત્યારે એમણે પોતાની કૉલેજની આસપાસ વિરોધ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો. પોલીસે એમને પકડીને કોયમબત્તુરની જેલમાં મોકલી દીધા. ત્યાં પોલીસના અત્યાચારને કારણે ૧૯૪૩ની શરૂઆતમાં જેલમાં જ અવસાન થયું.

૨૬. પુષ્પવદન મહેતાઃ અમદાવાદ જિલ્લાના વતની. ૧૯૪૩ની ૧૦મી જાન્યુઆરીએ અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં માર્યા ગયા.

૨૭. રમણલાલ દેસાઈઃ મૂળ સૂરતના પણ નાગપુર રહેતા હતા. ૧૯૪૨માં નાગપુરમાં ઝંડા સત્યાગ્રહમાં જોડાયા. એમની ધરપકડ થઈ. જેલમાં પોલીસે એમની સાથે પાશવી વ્યવહાર કર્યો. નવેમ્બરમાં એમને પૅરોલ પર છોડવામાં આવ્યા પણ બહાર આવ્યા પછી થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા.

ર૮. રણછોડભાઈ પટેલઃ જન્મ ૧૯૨૪. ખડી ફળિયા, તા. મહુવા જિલ્લો સૂરત. ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું. (જૂઓ ઉપર ૧૮મોરારભાઈ પટેલ)

૨૯. રસિકલાલ જાનીઃ જન્મ ૧૯૨૬ અમદાવાદ. ૯મી ડિસેમ્બરે સરઘસ પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.

૩૦. રતિલાલ પટેલઃ જન્મ ૧૯૧૭. ગામ ભાદરણ, જિલ્લો ખેડા. ૧૮મી ઑગસ્ટે પોલીસે વીંધી નાખ્યા (વિગતો ૧૧મણિલાલ પટેલ અને ૧૭મોહનલાલ પટેલ)

૩૧. શંકરભાઈ ધોબીઃ જન્મ ૧૯૨૮ તાલુકો ડાકોર, જિલ્લો ખેડા. ૧૪ વર્ષનો વિદ્યાર્થી. ગામમાં સરઘસ નીકળ્યું તેને રોકવા માટે પોલિસે ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું.

૩૨. ડૉ. શિવલાલ પટેલઃ જન્મ ૧૯૦૨. ગામ જેતલપુર તા. દસ્ક્રોઈ, જિલ્લોઃ અમદાવાદ. ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવાના આરોપસર ૧૩મી ડિસેમ્બરે એમની ધરપકડ થઈ. જેલમાં અમાનુષી અત્યાચારને કારણે ૧૯૪૩ના મે મહિનાની ૨૦મીએ જેલમાં જ મૃત્યુ થયું.

૩૩. શિરીષકુમારઃ જન્મ ૧૯૨૬. ઉંમર ૧૬ વર્ષ. સૂરત. એમણે સરકાર વિરોધી ચોપાનિયાં વહેંચ્યાં. ૧૦મી ઑગસ્ટે નંદરબારમાં વિદ્યાર્થીઓનું સરઘસ નીકળ્યું તેની આગેવાની લીધી. મંગળ બજાર પાસે પોલીસે એમને રોક્યા પણ વિદ્યાર્થીઓએ પરવા ન કરી એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો. તો પણ વિદ્યાર્થીઓ ન અટક્યા. માણેક ચોક સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો. શિરીષ કુમાર છોકરીઓને ગોળીબારથી બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે ઘાયલ થયા અને હાથમાં ઝંડા સાથે જ મોતને ભેટ્યા.

૩૪. સોમાભાઈ પંચાલઃ જન્મ ૧૯૨૭. ગોકુલપુરા, જૂનું વડોદરા રાજ્ય. હવે જિલ્લો પંચમહાલ. વડોદરામાં ‘ભારત છોડો’ના સમર્થનમાં સરઘસ નીકળ્યું તેના પર કોઠી પાસે પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોત થયું.

૩૫. ઠાકુરભાઈ દેસાઈઃ ગામ સુજાન (સૂરત). ઑગસ્ટ મહિનામાં પોલીસે એમને પકડી લીધા. જેલમાં એમના પર સખત જુલમો થયા. ઑક્ટોબર કે નવેમ્બરમાં એમને છોડી દેવામાં આવ્યા.

૩૬. ઉમાકાન્ત કડિયાઃ જન્મ ૧૫ નવેમ્બર ૧૯૨૧. અમદાવાદ. એમને નાનપણથી જ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ હતો. નવમી ઑગસ્ટે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લોકોએ સભાસરઘસ યોજ્યાં અને સરકાર વિરોધી સૂત્રો પોકાર્યાં. પોલીસે એમને વીખેરી નાખવા માટે ગોળીબાર કર્યો એમાં ઉમાકાન્ત કડિયાને અસંખ્ય ગોળીઓ વાગી અને એ મૃત્યુને વર્યા.

૩૭. વિનોદ કિનારીવાલાઃ જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪. એ કૉલેજમાં ભણતા હતા. વિદ્યાર્થીઓએ ૧૦મી ઑગસ્ટે કૉલેજના પ્રાંગણમાં જ ભારત છોડો આંદોલન માટે એક સભા રાખી. એ વખતે પોલીસનો આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ત્યાં પહોંચી ગયો અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો પોતાની ટુકડીને આદેશ આપ્યો. વિનોદ કિનારીવાલાનું એમાં મૃત્યુ થયું.

૦૦૦

આ સાથે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ હોમી દેનારા સૌ નામી-અનામી શહિદોને અંજલીરૂપ આ શ્રેણીનો અંત આવે છે. ૩૪ મહિનાની આ પાવક યાત્રામાં આપ સૌ સાથે રહ્યા અને મને સહન કર્યો તે માટે સૌનો આભારી છું. હજી ઘણાયે શહીદો એવા હશે જેની માહિતી મને મળી નથી. આ ચૂક માટે આપણા એ વીર પૂર્વજોનો ક્ષમાપ્રાર્થી છું. આપણે બધા શહીદો સમક્ષ નતમસ્તક છીએ.

૦૦૦

 આ લેખ માટેની સંદર્ભ સામગ્રી:

(૧) કુશલ કુંવર (kushal-konwar અને indianfolklore.org)

(૨) DICTIONARY OF MARTYRS: INDIA’S FREEDOM STRUGGLE (1857-1947) Vol.III. Government of India (Released on 19 March 2019).

ભારત સરકારે પ્રકાશિત કરેલી ઉપરોક્ત ગ્રંથમાળા ( ચાર ભાગ-છ પુસ્તક) બહુ ઉપયોગી છે. આ લેખ આ ગ્રંથમાળાના ત્રીજા ભાગને આધારે તૈયાર કરેલો છે. પરંતુ આ ગ્રંથમાળામાં શહીદોનાં નામ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને સંકલિત કરાયાં છે એટલે દરેકને ઘટના પ્રમાણે અલગ પાડવાનું ભગીરથ કાર્ય છે. આથી ઇતિહાસની આ દરેક ઘટનામાં શહીદોનો અલગ સંગ્રહ તૈયાર કરવાની જરૂર છે. સદ્‌ભાગ્યે, આ ગ્રંથોના ઍડીટર સંપૂર્ણતાનો દાવો નથી કરતા એટલે બીજા પણ અનામી શહીદો હોઈ શકે છે. ગુજરાતની બાબતમાં પણ નામો બાકી રહી ગયાં હોય એ શક્ય છે).

સ્રોતઃ (નીચે અલગ અલગ ગ્રંથોની લિંક આપી છે, એમના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે):

Martyrs of Indian Freedom Struggle – (67) Adventurous Subhashbabu (4)

સુભાષબાબુનું પરાક્રમ (૪)

આઝાદ હિન્દ ફોજની લડાઈ સુભાષબાબુની ચિર વિદાય

આઝાદ હિન્દ ફોજનું મુખ્ય કેન્દ્ર રંગૂનમાં (હવે યંગોન) ખસેડવાનો સુભાષબાબુનો નિર્ણય એમની યુદ્ધની વ્યૂહરચના વિશેની ઊંડી સૂઝ દર્શાવે છે. આંદામાન-નિકોબાર ટાપુઓ જાપાને એમના હાથમાં સોંપી દીધા પણ યુદ્ધની નજરે આ ટાપુઓનું કંઈ મહત્વ નહોતું. નેતાજી સમજી ગયા હતા કે એમને ભારત ન પહોંચવા દેવા માટે જાપાને આંદામાન-નિકોબાર ટાપુઓ આપી દેવાની ઉદારતા દેખાડી છે, કારણ કે ત્યાંથી નૌકાદળની મદદ વિના આઝાદ હિન્દ ફોજના સૈનિકો ભારત તરફ ન જઈ શકે. એ રસ્તો તો બર્મામાંથી જ મળવાનો હતો. એમનો બર્મામાં ઑફિસ શરૂ કરવાનો નિર્ણય જાપાનને પસંદ ન આવ્યો.

પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ

પૂર્વ એશિયામાં એ વખતે લગભગ ૩૦ લાખ હિન્દીઓ વસતા હતા. જાપાનમાં તો હતા જ, પણ એકલા બર્મામાં દસ લાખ અને મલાયામાં એંસી હજાર હિન્દીઓ હતા. બર્મામાં તો કોંગ્રેસની સ્થાનિકની શાખા પણ ત્યાંના હિન્દીઓએ જ બનાવી હતી. વેપારીઓની ઇંડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ પણ હતી અને વેપારીઓ હિન્દવાસીઓનાં હિતોની બરાબર કાળજી લેતા હતા. પરંતુ મલાયાના હિન્દીઓ રાજકીય દૃષ્ટિએ રંગૂનના હિન્દીઓ કરતાં વધારે જાગૃત હતા. ત્યાંના શિક્ષિત હિન્દીઓ મજૂરોને પણ સંગઠિત કરવામાં સક્રિય હતા. થાઈલૅંડમાં પણ ઘણા ભારતીયો હતા અને બીજા વિશ્વયુદ્ધના અરસામાં થાઈલૅંડમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધ્યો હતો. એ જ રીતે વિયેતનામના સાયગોન અને હાનોઈમાં સિંધીઓની મોટી વસ્તી હતી. રંગૂનમાં હેડક્વાર્ટર્સ રાખવાથી બર્મા, મલાયા, સિંગાપુર, વિયેતનામ, બેંગકોક વગેરે સ્થળોએ સ્થાયી થયેલા અસંખ્ય હિન્દીઓનો મોટા પાયે ટેકો મળવાની આશા પણ હતી.

અંતે ૧૯૪૪ના માર્ચમાં જાપાને બર્મામાંથી મણિપુર પર હુમલો કર્યો. એનું નિશાન ઇમ્ફાલ હતું. જાપાને ૭૦,૦૦૦ સૈનિકોને લડાઈમાં ઉતાર્યા અને ભારે અનિચ્છા સાથે આઝાદ હિન્દ ફોજની ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડ અને સુભાષ બ્રિગેડના એક ભાગના ૬,૦૦૦ સૈનિકોને ડાબે અને જમણે રહેવાની છૂટ આપી. કૅપ્ટન શાહનવાઝ ખાનના હાથમાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ હતું. સામે પક્ષે, બ્રિટનના દળમાં ગોરખાઓ, બીજા ભારતીયો વગેરે મળીને ૧,૨૦,૦૦૦ સૈનિકો હતા પણ જાપાનના હુમલાની શરૂઆત સાથે જ બ્રિટિશ દળો પાછળ હટતાં ગયાં. એમનો વ્યૂહ એવો હતો કે સપ્લાય લાઇનની નજીક રહેવું.

ચારે બાજુ, બધા મોરચે બ્રિટિશ દળો પરાજિત થતાં હતાં તે સાથે બ્રિટિશ ઑફિસરોએ હિન્દુસ્તાનીઓની પરવા કરવાનું છોડી દીધું હતું. કૅપ્ટન લક્ષ્મી એ વખતે પોતાના પતિ સાથે એમની ક્લિનિકમાં હતાં. ત્યાંથી ભાગી છૂટવાની એમને ચેતવણી મળતાં એ ભાગી છૂટ્યાં પણ રસ્તામાં પાછળથી જાપાની સૈનિકો આવતા હતા. એમનાથી બચવા માટે બન્ને જણ રસ્તાની પાસે નાની ખાઈમાં ઊતરી ગયાં. જાપાની સૈનિકોએ એમને જોઈ લીધાં અને એમની સામે મશીનગન ગોઠવી દીધી પણ હિન્દુસ્તાની છે એવી ખબર પડતાં જવા દીધાં.

બ્રિટિશ ફોજમાં પ્રેમ કુમાર સહગલ પણ હતા. એમની બટાલિયનને પાછા હટવાનો આદેશ મળી ચૂક્યો હતો. પણ એ જ સવારે એમના બ્રિટિશ સાથીનો સંદેશ મળ્યો હતો. જાપાનીઓ એના બંકર સુધી પહોંચી ચૂક્યા હતા. સંદેશમાં તો તરત ભાગી છૂટવાની ચેતવણી હતી પણ પ્રેમ કુમાર ઉલ્ટું સમજ્યા કે મદદ માટે જવાનું છે. એ ત્યાં ગયા તો જાપાની સૈનિકોએ એમને ઘેરી લીધા.

પ્રેમ કુમાર પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે જાપાની સૈનિકોને હિન્દુસ્તાનીઓને જાનથી ન મારવાનો હુકમ હતો. પ્રેમ કુમારને આગળ તરફ હાથ બાંધીને એક ખુરશીમાં બેસાડી દેવાયા. થોડે દૂર એક બ્રિટિશ ઑફિસર હતો. એક જાપાની ઑફિસર આવ્યો અને પ્રેમ કુમાર સામે બંદૂક તાકી પણ પછી તારા પર ગોળી વેડફાય નહીં” એવા ભાવ સાથે તલવાર કાઢી. બ્રિટિશ ઑફિસરને પકડ્યો અને એનું ડોકું કાપી નાખ્યું. સહગલ પર નજર રાખવા બેઠેલા એક જાપાની સૈનિકે એમનું નામ અને ધર્મ પૂછ્યાં અને બોલી પડ્યોઃ “ઇન્દોકા…”? “ગાન્જીકા”…? સહગલ ‘ઇન્દોકા’નો અર્થ તો સમજ્યા અને કહ્યું “ઇન્દોકા યસ, ગાન્જીકા નો” તરત જ જાપાનીએ બે હાથ ભેગા કરીને એમના માથા પર ફટકો માર્યો. સહગલે વળતો મુક્કો માર્યો. પણ પછી જાપાની બોલવા લાગ્યો કે “નિપ્પોન પહેલા નંબરેજનરલ તોજો બીજા નંબરે અને ગાન્જી ત્રીજા નંબરે” હવે સહગલ સમજ્યા કે ‘ગાન્જીકા’ એટલે ‘ગાંધીનો માણસ!” એટલે કે હિન્દુસ્તાની. એમણે હા પાડી. પ્રેમ કુમાર સહગલ યુદ્ધકેદી બન્યા. (પછી એ આઝાદ હિન્દ ફોજમાં જોડાયા. લાલ કિલ્લામાં બ્રિટિશરોએ આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચલાવ્યો તેમાં એ જ પ્રેમ કુમાર સહગલશાહ નવાઝખાન અને સરદાર ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં હતા. એમણે પાછળથી ઝાંસી કી રાની બ્રિગેડનાં કૅપ્ટન લક્ષ્મી સાથે લગ્ન કર્યાં).

ઇમ્ફાલ ભણી કૂચ

૧૯૪૪ની ૪થી ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફોજે ભારત-બર્માની સરહદે ગોળીબાર શરૂ કરી દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો. બોઝ અને ગાંધી બ્રિગેડો ‘ઍક્શન’માં હતી. અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ, મોરે, સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો. ત્યાંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો. બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં. આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫,૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ. સી. ચૅટરજીની નીમણૂક કરી.

દરમિયાન, ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી. હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા. પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી. સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

વરસાદ અને દગાખોરી

પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી. એ ફરી સંગઠિત થવા લાગ્યાં. ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો. બીજી બાજુ, આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા, ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા.

આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એને હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું. જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી. એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું,

આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા. એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજને સાધનસામગ્રીની ખેંચ હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી.  જો કે ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી. પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છે. એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો.

ચલો દિલ્હી

પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા. એમણે મોરચા પર લડનારાઓથી અલગ, સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા – ચલો દિલ્હી’ અને ખૂન…ખૂન..ખૂન’! ઘરઆંગણા માટે એમના નારા હતા – કુલીય ભરતી” અને કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર”!

બીજા હુમલાની તૈયારી

નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી. સિંગાપુર, મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી. આ દળોએ પહેલાં જનરલ એન. એસ. ભગત, એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું. એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ પ્રેમ કુમાર સહગલ, અને કર્નલ એસ. એમ હુસેનને સોંપાઈ. આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા. બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી. આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો. પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી. આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં. આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું.

પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી. મેજર મદાન, મેજર રિયાઝ, મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા. આમ છતાં, મેજર જનરલ શાહ નવાઝ ખાન, કર્નલ પ્રેમ કુમાર સહગલ, કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ અર્શદ, કર્નલ હુસેન, મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા.

પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી. રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા. એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી. રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા. ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી. ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું. નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી –તુમ મુઝે ખૂન દોમૈં તુમ્હેં આઝાદી દૂંગા”!

નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું. નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું. તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી.

આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો – અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ – અંત આવ્યો.

અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું. ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો, મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો.

000

સંદર્ભઃ

  1. INA Saga by Sardar Ram Singh Rawal (publication date not available).
  2. The Forgotten Army by Peter Ward Fay (The University of Michigan Press)
  3. https://www.livehistoryindia.com/history-daily/2020/03/25/battles-of-imphal-kohima-a-time-to-heal
  4. https://idsa.in/system/files/jds/jds_8_3_2014_HemantKatoch.pdf

(સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્રણ હજાર માઇલ પગપાળા રંગૂનથી ઇમ્ફાલ પહોંચ્યા હતા).

Martyrs of Indian Freedom Struggle – (66) Adventurous Subhashbabu (3)

સુભાષબાબુનું પરાક્રમ (૩)

સુભાષબાબુ સુકાન સંભાળે છે

સુભાષબાબુ જર્મન સબમરીનમાં ટોકિયો પહોંચ્યા અને રેડિયો પરથી બોલ્યા તે સાથે જ બ્રિટનનું પ્રચાર તંત્ર અચંબામાં પડી ગયું. આમ તો એના હુમલાનું નિશાન હંમેશાં રાસબિહારી બોઝ બનતા હતા, બ્રિટન એમને જાપાનની કઠપૂતળી ગણાવતું. પરંતુ સુભાષબાબુ તો દેશમાં જ હતા! એમને જાપાનના રમકડા તરીકે ઓળખાવે તો કોણ માને? કોંગ્રેસવાળા સુભાષબાબુની આઝાદી માટેની લડાઈની રીતનો વિરોધ કરતા હતા પણ જાપાન એમને નચાવે છે એમ તો નહોતા જ માનતા. સુભાષબાબુને સાંભળતાં જ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને બીજી બાજુ અંગ્રેજ સરકારને માટે નવો માથાનો દુખાવો શરૂ થયો.

સુભાષબાબુ ટોકિયો પહોંચ્યા તે પછી રાસબિહારી બોઝ અને બીજા નેતાઓમાં પણ નવું જોશ પુરાયું ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું નવું બંધારણ બનાવાયું અને ઇંડિયન નૅશનલ આર્મીને નવું રૂપ આપવાનો નિર્ણય લેવાયો.

સુભાષબાબુએ ટોકિયોમાં અઢી મહિનાના રોકાણ દરમિયાન જાપાનના સરકારી અને લશ્કરી નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો હતો. વડા પ્રધાન જનરલ તોજોએ એમને ભારતની આઝાદી માટે બધી રીતે મદદ આપવાનું વચન આપ્યું હતું. સુભાષબાબુના આવ્યા પછી ફરી હિન્દુસ્તાની નેતાઓ અને જાપાની નેતાઓ વચ્ચે સદ્‌ભાવનું વાતાવરણ રચાયું.

૧૯૪૩ની બીજી જુલાઈએ સુભાષબાબુ સિંગાપુર પહોંચ્યા. આખા પૂર્વ એશિયામાં ત્રીસ લાખ હિન્દીઓમાં ઉત્સાહ અને દેશભક્તિનાં પૂર ઊમટ્યાં. બે દિવસ પછી ચોથી જુલાઈએ સ્યોનાન (સિંગાપુર)ના ‘ગેકીજો’ (મૂળ નામ કૅથે થિએટર)માં આખા પૂર્વ એશિયાના હિન્દીઓના પ્રતિનિધિઓ એકઠા થયા અને એક વિરાટ સભામાં સુભાષબાબુએ ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સંભાળ્યું. રાસબિહારી બોઝે ઊમળકાભેર ભાષણ કર્યું અને ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને દેશસેવક સુભાષબાબુ’ના નામની દરખાસ્ત મૂકી. દરખાસ્ત તો એક ઔપચારિકતા જ હતી.

સુભાષબાબુએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આઝાદીના પ્રેમીઓએ કંઈક કરવું જોઈએ એવો સમય પાકી ગયો છે. એમણે પૂર્વ એશિયામાં રહેતા બધા ભારતીયોને એક સમાનપણે ખભેખભા મિલાવીને ઊભા રહેવા અને લડાઈ માટે તૈયાર થઈ જવા હાકલ કરી. ભારતમાં વાઇસરૉય લિન્લિથગોની જગ્યાએ કમાંડર-ઇન-ચીફ લૉર્ડ વેવલને વાઇસરૉય બનાવવાની વાતો વહેતી થઈ હતી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે બ્રિટન લડાઈ પછી પણ ભારતમાંથી જશે નહીં અને શોષણ ચાલુ રાખશે તેનો આ સંકેત છે. એમણે કહ્યું કે સરકારે ગાંધીજીને પકડી લીધા તે પછી લોકોએ ‘ભારત છોડો’ આંદોલન જાતે ચલાવ્યું છે અને દેખાયું કે લોકો નાગરિક અસહકારથી આગળ વધીને કોઈ પણ જલદ પગલું લેવા તત્પર છે. એમણે કહ્યું કે ૧૯૪૨નો ઑગસ્ટ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે.

સુભાષબાબુએ દેશની આરઝી હકુમત (હંગામી સરકાર)ની સ્થાપના કરવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. આરઝી હકુમત દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરશે અને સ્વાધીન હિન્દુસ્તાનની કાયમી સરકાર બને ત્યાં સુધી કામ સંભાળશે.

પાંચ દિવસ પછી નવમી જુલાઈએ સ્યોનાનમાં હિન્દીઓનું જબ્બર સરઘસ નીકળ્યું. એમાં બોલતાં સુભાષબાબુએ કહ્યું કે દેશમાં ચાલતો સંઘર્ષ અંગ્રેજી હકુમતને હરાવવા માટે પૂરતો નથી, બહારથી પણ સંઘર્ષ કરવો પડે તેમ છે. એમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ બ્રિટિશ ફોજ પર હુમલો કરવા સમર્થ હોય તેવું દળ ઊભું કરશે. અને તે સાથે જ દેશમાં ક્રાન્તિની આગ ફેલાઈ જશે. ક્રાન્તિમાં બ્રિટનના ધ્વજ નીચે લડતા ભારતીય સૈનિકો પણ જોડાશે. આમ બ્રિટન પર અંદરથી અને બહારથી હુમલા થવા જોઈએ. આના માટે આપણે એ જોવાની પણ જરૂર નથી કે ધરી રાષ્ટ્રો શું કરે છે.

આઝાદ હિન્દ ફોજનો નવો અવતાર

તે પછી એમણે આઝાદ હિન્દ ફોજની નવેસરથી રચના કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું.

સિંગાપુરના મ્યુનિસિપલ હૉલમાં ભારે વરસાદની પરવા કર્યા વિના પચાસ હજારની મેદની એમને સાંભળવા એકઠી થઈ. એની સામે એમણે ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરોડ ડૉલર માટે ટહેલ નાખી. તે સાથે જ માલેતુજાર લોકોએ લાખો ડૉલરના ચેક એમના હાથમાં મૂકી દીધા.

સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરવાનું તરત શરૂ કરી દીધું. એમણે ખાસ કરીને સ્ત્રીઓની રેજિમેન્ટ બનાવવા પર ખાસ ભાર મૂક્યો. લક્ષ્મી સહગલની આગેવાની હેઠળ ‘ઝાંસી કી રાની’ રેજિમેન્ટ બની.

આરઝી હકુમત

૧૯૪૩ના ઑક્ટોબરની ૨૧મીએ સુભાષબાબુએ વિધિવત્‍ દેશની વચગાળાની સરકારની જાહેરાત કરી. એમણે સિંગાપુર આવીને એમના સૌ પહેલા ભાષણમાં આ વિચાર જાહેર કર્યો હતો. એમણે પોતે સરકારના વડાનું પદ લીધું અને રાસ બિહારી બોઝને સર્વોચ્ચ સલાહકાર બનાવ્યા. કેપ્ટન લક્ષ્મીને મહિલા વિભાગ સોંપવામાં આવ્યો. એમની કૅબિનેટમાં મુલ્કી અને લશ્કરી બન્ને પ્રકારના નેતાઓ હતા. જાપાને આ સરકારને તરત હિન્દુસ્તાનની કાનૂની સરકાર તરીકે માન્યતા આપી.

આંદામાન-નિકોબારમાં આરઝી હકુમતની સત્તા

ભારતને સ્વતંત્રતા મળે તે વખત સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વચગાળાની સરકાર તો બની ગઈ, પણ સવાલ એ હતો કે એને અધીન કોઈ પ્રદેશ હોવો જોઈએ કે નહીં? જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ પર કબજો કરી લીધો હતો અને એ પ્રદેશ એણે આઝાદ હિન્દની આરઝી હકુમતને સોંપી દેવાનો નિર્ણય કર્યો. વડા પ્રધાન જનરલ તોજોએ જાપાનને અધીન એશિયાઈ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો. સુભાષબાબુ બેઠકમાં હાજર તો રહ્યા પણ વચગાળાની સરકારના વડા તરીકે નહીં, માત્ર નિરીક્ષક તરીકે. એમની દલીલ હતી કે આ કાર્ય કાયમી સરકારનું છે. આમ છતાં તોજોની ઑફર આરઝી હકુમતે સ્વીકારી લીધી અને આંદામાનને ‘શહીદ’ અને નિકોબારને ‘સ્વરાજ’ એમ નવાં નામ આપ્યાં. ૧૯૪૩ની ૩૦મી ડિસેમ્બરે સુભાષબાબુ આંદામાન-નિકોબાર પહોંચ્યા અને સત્તાવાર રીતે વહીવટનો દોર સંભાળી લીધો.

આંદામાન-નિકોબાર ટાપુઓ પર ૧૯૪૨ના માર્ચમાં જ જાપાને કબજો કરી લીધો હતો અને ત્યાં ગોઠવાયેલી બ્રિટિશ ગૅરિસન જાપાનને શરણે આવી ગઈ હતી. એમાં હિન્દી સૈનિકો હતા તે પછી આઝાદ હિન્દ ફોજમાં સામેલ થઈ ગયા. પરંતુ આરઝી હકુમતને વહીવટ સોંપ્યા પછી પણ જાપાનની દખલગીરી ચાલુ રહી. જાપાને પોલીસ વિભાગ આરઝી હકુમતને સોંપ્યો નહીં, માત્ર બીજા વિભાગો સોંપ્યા. આંદામાન ટાપુ પર જાપાની સૈન્યે ભારે અત્યાચારો કર્યા હતા. પણ નેતાજી ૨૯મી ડિસેમ્બરે આંદામાન પહોંચ્યા ત્યારે જાપાની સૈન્યે કડક જાપ્તો રાખ્યો હતો અને પોતાનાં કરતૂતોનો ઢાંકપીછોડો કરી લીધો હતો.

પરંતુ એક જ અઠવાડિયાની અંદર આરઝી હકુમતના મુખ્ય કાર્યાલયને રંગૂન મોકલાવી દેવાયું. સુભાષબાબુનો વિચાર હતો કે ભારત અને બર્માની સરહદ પર યુદ્ધ થવાનું હતું એટલે સરકારનું મુખ્ય કેન્દ્ર યુદ્ધ મોરચાની નજીક હોવું જોઈતું હતું. એ પણ ખરું કે નેતાજી એમ ઇચ્છતા હતા કે ભારતમાં સૌ પ્રથમ તો ભારતીયો જ પહોંચે, પણ જાપાન આઝાદ હિન્દ ફોજને ભારતમાં જવા દેવા નહોતું ઇચ્છતું.

બીજી બાજુ પૂર્વ એશિયામાં બીજા કેટલાક પ્રદેશો પણ આઝાદ હિન્દ ફોજના હાથમાં આવી ગયા હતા. હવે નેતાજીએ આઝાદ હિન્દ બેંક પણ શરૂ કરી અને એને જબ્બર સહકાર મળ્યો. સરકાર હસ્તકના બીજા વિભાગોમાં પણ જનતાને મદરૂપ થાય એવાં કામો શરૂ થઈ ગયાં હતાં. પણ નેતાજીનું મુખ્ય લક્ષ્ય તો ભારતની ભૂમિને આઝાદ કરાવવાનું હતું. પરંતુ,આંદામાન-નિકોબારમાં લોકોની મુખ્ય સમસ્યા જાપાનીઓ પોતે જ હતા. એમના અત્યાચારોનો શિકાર બનનારા લોકોને વહીવટનાં બીજાં પાસાંઓ કરતાં જાપાનીઓના અત્યાચારો બંધ થાય તેમાં વધારે રસ હતો. આમ આરઝી હકુમત સંતોષપૂર્વક કામ કરવામાં સફળ ન થઈ શકી

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Martyrs of Indian Freedom Struggle – (65) Adventurous Subhashbabu (2)

સુભાષબાબુનું પરાક્રમ (૨)

સુભાષબાબુ સાથે સંપર્ક

ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા. ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો.

જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ.

પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે; તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે. આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી.

લીગ સામેની મુશ્કેલીઓ

બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી, તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા.

મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં, હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા. જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો. અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી!

એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી, તેમાં મલાયાના એન. રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં, તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં.

કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી. જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું. રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી. બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા. જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી. જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો. જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા. એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે, બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા. જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા.

હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે. આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું. મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો. રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી. રાઘવન, મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે. આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું. આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું.

આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી.

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Gandhiji’s Oceanic Circle

ગાંધીજીનું સમુદ્રી વર્તુળ

પ્રોફેસર  દિલીપ સિમ્યન

(ગયા વર્ષે ૨ ઑક્ટોબરે મહાત્મા ગાંધીના ૧૫૫મા જન્મદિન નિમિત્તે લેખકે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં વ્યાખ્યાન આપ્યું હતું. મૂળ અંગેજીમાં આપેલા આ વ્યાખ્યાનના હિન્દીમાં થયેલા અનુવાદ પરથી અહીં ગુજરાતીમાં તરજુમો પ્રસ્તુત છે).

 લેખકનો પરિચયઃ  

શ્રમિક સંબંધી બાબતોના  ઇતિહાસકાર, દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજમાં અધ્યાપન કાર્ય કરતાં એક માળીનો પગાર રોકવાના  સત્તાવાળાઓના નિર્ણય વિરુદ્ધ અનશન કર્યું અને પગાર અપાવ્યો પણ તે પછી ગુંડા તત્ત્વોએ એમના પર જીવલેણ હુમલો કર્યો. વિદ્યાર્થી અવસ્થામાં નક્સલવાદી આંદોલનના રંગે રંગાયા પણ  ૧૯૭૧માં બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈન્યના અત્યાચારો વિરુદ્ધ પણ એમના નેતાઓએ મૌન ધારણ કરી લીધું તેના વિરોધમાં એમણે નક્સલ આંદોલનને તિલાંજલિ આપી અને સ્વતંત્ર રસ્તો લીધો અને નક્સલ હિંસા, બાંગ્લાદેશની હિંસા, દુનિયામાં ઠેરઠેર ચાલતા સંઘર્ષો વિશે ચિંતન કરતાં ગાંધી સુધી પહોંચ્યા અને એના થઈને રહ્યા.   હવે તેઓ અશોકા યુનિવર્સિટીમાં  વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અધ્યાપન કાર્ય કરે છે અને એમણે લંડન ઉપરાંત અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં  અને ગુજરાતમાં સૂરત યુનિવર્સિટીમાં પણ વિઝિટિંગ પ્રોફેસર તરીકે  સેવાઓ આપી છે.દિલીપ સિમ્યન એમના બ્લૉગ After the Truth-Shower પર  વિવિધ વિષયો પર લેખો પ્રકાશિત કરે છે.

૦૦૦

 “પોતાના પ્રદેશની વિશિષ્ટતાનો આગ્રહ આપણા જીવનમાં એક અભિશાપ છે. આપણે ઇચ્છીએ કે આપણો પ્રદેશ ભારતની સરહદો સુધીવિસ્તરે અને આખરે આ પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરે. અને જો આમ નહીં થાય, તો તે નાશ પામશે.” – મહાત્મા ગાંધી, સપ્ટેમ્બર ૧૯૪૭.

“સત્ય ક્યારેય મરતું નથી, પણ તેને ભિખારીની જેમ જીવવા માટે મજબૂર કરવામાં આવે છે.” – એક યહૂદી કહેવત.

પ્રસ્તાવના

મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન ઈશ્વર, સત્ય અને અહિંસાને સમર્પિત હતું. તેઓ તેમને અલગ-અલગ ભાગોમાં વિભાજિત નહોતા જોતા, પરંતુ તેમને માનવ જીવનના માળખા તરીકે જોતા. સત્યની શોધ માટે સમર્પિત જીવનને ફક્ત એક દાર્શનિકનું જીવન જ ગણી શકાય. સામાજિક અને રાજકીય સુધારા માટે તેમણે કરેલા પ્રયાસોને તેમના ઊંડા ચિંતનશીલ સ્વભાવથી અલગ કરી ન શકાય. ગાંધીજીએ સામાન્ય લોકોના ગુણોમાંથી શક્તિ મેળવી. તેમણે સામાન્ય લોકો સાથે તેમનાં આદર્શ પ્રતીકો, કથાઓ, તેમના કવિઓની ભાષામાં વાત કરી; અને રાજકીય નેતાઓએ નહીં પણ સામાન્ય લોકોએ તેમને મહાત્મા માન્યા હતા. આ સાથે, માનવીના ગૌરવ પ્રત્યે તેમની ઊંડી સમજ તેમને સ્થિતપ્રજ્ઞ બનાવતી હતી, તે તેમના આત્માના ધૈર્યનો આધાર હતો.

ગાંધીજી એક જ્ઞાની વ્યક્તિ હતા. આ લેખમાં હું તેમની સમજદારીને સમજવાનો પ્રયત્ન કરીશ. મારો આ પ્રયાસ મોટા ભાગે બીજાઓની વિદ્વતા પર આધારિત છે, પરંતુ તેમાં ભૂલો હોય તો તે ફક્ત મારી જ છે.

ગાંધીજીમાં અન્યાય અને સામાજિક દુષણો સામે લડવાનો ખૂબ જ જુસ્સો હતો. તેમણે એ પણ જોયું કે દરેક વ્યક્તિના અંતરાત્મામાં સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ ચાલે છે, જે દેશો અને સમુદાયો વચ્ચેના સંઘર્ષથી અલગ છે. આપણો વર્તમાન યુગ ‘રાજકીય દ્વેષના બૌદ્ધિક સંવર્ધનનો યુગ’ છે, પરંતુ ગાંધી આ પ્રકારના ‘બૌદ્ધિક સંવર્ધન’ના સંપૂર્ણપણે વિરોધી હતા. રાજકારણની વ્યાખ્યા ‘મિત્ર-શત્રુ સંબંધ’ તરીકે થતી હોય તો ગાંધીજીએ તેની વ્યાખ્યા મિત્રતા અને સંવાદ પર આધારિત સંબંધ તરીકે  આપી. રાજકારણની વ્યાખ્યા છેતરપિંડી તરીકે કરવામાં આવે, તો ગાંધીજીએ જીવનના અન્ય ક્ષેત્રોની જેમ રાજકારણમાં પણ સત્યના આચરણ પર ઓછો ભાર નહોતો મૂક્યો. મૅકિયાવેલી, હૉબ્સ, ફ્રેન્ચ જેકોબિનિઝમ, કાર્લ શ્મિટ અને લેનિન સહિત પશ્ચિમી રાજકીય વિચારકોની સમગ્ર પરંપરા માને છે કે રાજ્યતંત્ર મૂળભૂત રીતે હિંસા પર આધારિત છે; પરંતુ ગાંધીજી માનતા હતા કે આવા વિચારો અને આવાં રાજ્યો આખરે નાશ પામશે.

ગાંધીજીના વિચારોમાં નૈતિકતા, ધર્મશાસ્ત્ર અને રાજકારણનાં તત્ત્વો મિશ્રિત હતાં. તેઓ જીવનને આત્માના ભૌતિક દેશનિકાલ તરીકે જોતા નહોતા; તેના બદલે, તેમણે તેને લોકોની સેવા કરવાની તક તરીકે જોયું. તેમના વિશે એવું કહી શકાય કે તેમને ઇતિહાસના દુર્ભાગ્યનો સામનો કરવો પડેલા લોકોમાં તેમનો આત્મા મળ્યો.  એટલે જ, ૧૯૧૭ માં એમણે ઘણા પ્રયત્નો પછી ચંપારણની પહેલી વાર મુલાકાત લીધી અને નિર્દોષ ખેડૂતોએ એમનું જૂના મિત્રની જેમ સ્વાગત કર્યું.  તે વિશે એ કહી શક્યા:  “એમાં કોઈ અતિશયોક્તિ નથી પણ સત્ય છે કે ખેડૂતો સાથેની તે મુલાકાતમાં હું  “ઈશ્વર, અહિંસા અને સત્યને રૂબરૂ” મળ્યો: (‘સત્યના પ્રયોગો’, ​​ભાગ ૫, પ્રકરણ ૧૪ માંથી).

અહીં ચાર બાબતોની મારે વાત કરવી છે: સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સમાજમાં વસાહતવાદ વિરોધી વ્યૂહરચનાની સમસ્યા; ધર્મ કે રાષ્ટ્રની સંકુચિત માનસિકતાથી મુક્ત સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા; બુરાઈની સંદિગ્ધ પ્રકૃતિ અને પરોપકારી ઈશ્વરની વિભાવના સાથે તેની અસંગતતા; અને માણસની પોતાના અંતરાત્મા વિરુદ્ધ જવાની ક્ષમતા.

સારપનું સાર્વભૌમત્વ

સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તામાં સાંપ્રદાયિક સૌહાર્દ માટેના તેમના પ્રખ્યાત ઉપવાસ દરમિયાન ગાંધીજીએ આ અવલોકન કર્યું: “સારપનું પોતાનું અસ્તિત્વ  છે; બુરાઈનું નથી. તે એક પરોપજીવી જેવું છે, જે ફક્ત સારપમાં અને તેની આસપાસ જ ટકી શકે છે. જ્યારે સારપ એને સાથ આપવાનું બંધ કરી દે, ત્યારે તે પોતાની મેળે જ મરી જાય છે.

નૈતિકતાના દર્શનમાં આ એક ગંભીર અવધારણા છે. આપણે આ વાત ‘હિંદ સ્વરાજ’ માં તેમની ટિપ્પણી સાથે જોડી શકીએ છીએ: “પ્રેમની શક્તિ સત્ય અથવા આત્માની શક્તિ જેવી છે.” એવા પુરાવા છે કે તે  ડગલે ને પગલે કામ કરે છે. આ શક્તિ વિના બ્રહ્માંડ પોતે જ અદૃશ્ય થઈ જશે”. તેમને ઇતિહાસ પ્રત્યે બહુ આદર નહોતો કારણ કે ઇતિહાસ ઝઘડા અને વિખવાદની વાર્તા છે; તેના બદલે તેઓ સમયને સાચી મિત્રતાની માન્યતા આપવા માંગતા હતા, જેના વિના સમાજ ઘણા સમય પહેલાં નાશ પામ્યો હોત.

પ્લેટોના દર્શનમાં, સારપનું સૌથી યોગ્ય પ્રતીક સૂર્ય છે. આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ સૂર્યને કારણે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ, અને તે આપણને તફાવત પારખવાની શક્તિ પણ આપે છે. સૂર્યપ્રકાશ વિના આપણે વિશ્વની વિવિધતાની કલ્પના પણ કરી શકતા નથી. ચિંતન પહેલાં  સારપની શાંત ઝલક જોવા મળે છે.  બાઇબલના પ્ર્કરણ ‘પ્રસ્તાવના’માં ઈશ્વર જ કહે છે – ‘પ્રકાશ થવા દો!’, અને તે આને શુભ માને છે. અને ઈશ્વરે બનાવેલી બધી વસ્તુઓ માટે  એ લાગુ પડે છે. સારનું દર્શન એ ઈશ્વરનું દર્શન છે, અને તે  વિશ્વનું સર્જન કર્યા પછી આવે છે.

તેથી, યહૂદી-ખ્રિસ્તી પરંપરામાં લેખનની પ્રક્રિયામાં સારપ નોંધાયેલી છે; અને એ બ્રહ્માંડનું સર્જન કરનાર ઈશ્વરની ઇચ્છા સાથે સંબંધિત છે. પ્લેટોનિક પરંપરામાં, બ્રહ્માંડને શાશ્વત અને સારપનું પ્રતીક માનવામાં આવે છે. સારપને સમજવા માટે જોવા અને સાંભળવાની ક્ષમતા પૂરતી છે.

ગાંધીજીની સ્વયંસ્ફુરિત સારપ પ્રત્યેની આંતરદૃષ્ટિ એ જ દૃઢતા સાથે વ્યક્ત થાય છે જે દૃઢતા સાથે તેઓ બુરાઈને એક પરોપજીવી તરીકે વર્ણવે છે જે સારપનો ખોરાક લઈને જીવે છે. મને ખબર નથી કે તેમની આવી શ્રદ્ધા કેવી રીતે બંધાઈ? પરંતુ બીજા લોકોના પણ આવા જ વિચારો હતા. પયગંબરી પરંપરામાં પણ, બુરાઈને એક વંચિતતા, સારપનો અભાવ અથવા ખોટ તરીકે જોવામાં આવે છે, એક સ્વતંત્ર અસ્તિત્વ તરીકે નહીં. ૧૯૬૩માં હાન્ના આરેન્તે પણ આવી જ ટિપ્પણી કરી હતી: “બુરાઈમાં ઉંડાણ નથી હોતું; એ તો ફક્ત  અતિશય પ્રમાણમાં હોય છે.. ફક્ત સારપમાં જ ઊંડાણ હોય છે, પરંતુ માનવીય બુરાઈ “સમગ્ર વિશ્વને બરબાદ કરી શકે છે કારણ કે તે સપાટી પર ફૂગની જેમ ફેલાય છે” (ધ યહૂદી રાઇટિંગ્સ, 471). પરંતુ એ સાચું છે કે શરૂઆતની અબ્રાહમિક પરંપરામાં કેટલાક ખ્રિસ્તી સમુદાયો માનતા હતા કે બુરાઈનો પોતાનો સ્વાયત્ત દરજ્જો છે, અને તે ઈશ્વર સાથે કાયમી સંઘર્ષની સ્થિતિમાં છે.

શું સારા અને ખરાબ વિશેના આ વિરોધી વિચારો વચ્ચે કોઈ અવરોધ હોવો જોઈએ? ના, કારણ કે પયગંબરી પરંપરાઓ પણ કહે છે કે આ દુનિયા સારી છે. બધી આધ્યાત્મિક પરંપરાઓ, ધાર્મિક હોય કે ન હોય, પ્રકાશનો આદર કરે છે: જેમણે સારપના પ્રકાશની ઝલક જોઈ હોય તે પયગંબર. વધુમાં, સદીઓથી ઘમંડ, જુલમ અને સત્તાની ઇચ્છાને બુરાઈના મૂળ તરીકે જોવામાં આવે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ પણ સિદ્ધાંતનું આંધળું પાલન કરવાની માંગ હોય છે. આમ, ૧૯૩૬ માં પત્રકારો સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહ્યું: “કોઈ પણ દૈવી પ્રેરણા સ્વીકારવા માટે હું મારા અંતરાત્માનો ત્યાગ કરી શકતો નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે ‘શબ્દો મારી નાખે છે, ભાવનાઓ જીવન આપે છે’. પણ મને ખોટી રીતે ના સમજો. હું શ્રદ્ધામાં પણ માનું છું, એવી બાબતોમાં જેમાં તર્ક માટે કોઈ સ્થાન નથી, જેમ કે ઈશ્વરના અસ્તિત્વમાં.” (મહાત્મા ગાંધીના સંગ્રહિત કાર્યો {CWMG} ભાગ 64, પાનું 71)

‘આત્મા જીવન આપે છે’, આ બાઈબલનું વાક્ય આંખ ખોલનાર છે, કારણ કે તે બુરાઈ પર વિજયની શક્યતા જાહેર કરે છે. બુરાઈ અને બુરાં કામ કરનાર વચ્ચે હંમેશા ફરક રહ્યો છે; તેથી, આપણી જાતને સુધારવાની હંમેશા તક રહેલી છે. ગાંધીજીએ પવિત્ર ભાવના અને આપણા બધાની અંદર રહેલા આંતરિક અવાજ કે અંતરાત્મા વચ્ચે કોઈ ભેદ રાખ્યો ન હતો. એટલા માટે તેમણે હૃદય દ્વારા મગજ સુધી પહોંચવાને ખૂબ મહત્વ આપ્યું.

અંતરાત્મા અને બુદ્ધિ બંનેને સ્પર્શ ન કરવાથી, નૈતિક પતનનો ભય રહે છે. જ્યારે ‘રાષ્ટ્ર’ ને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે  ત્યારે એ કહેવાતા પસંદગીના લોકોના અંધવિશ્વાસનું પ્રતીક બની જાય છે, ત્યારે તે આપણને આધ્યાત્મિક ભેદભાવ તરફ ધકેલે છે. ધર્મશાસ્ત્ર ધાર્મિક કટ્ટરતામાં ફેરવાઈ  જાય, ત્યારે આસ્થાવાનોનો રાજકીય લાભ માટે સૈનિકો તરીકે ઉપયોગ થાય છે; પછી આપણે ઈશ્વરના નામે હિંસાની અણી પર પહોંચી જઈએ છીએ. તમે પૂછશો  કે આ બધાનો આપણા વિષય સાથે શું સંબંધ છે? ત્રણ બાબતો છે:

એક: શું કોઈ પણ રાજકીય વ્યવસ્થામાં માન્યતાની એકરૂપતા ઇચ્છનીય અથવા શક્ય છે?

બે: શું દેશભક્તિ અને ધર્મ વચ્ચે સુમેળ શક્ય છે? કે પછી આ એક પ્રકારની નાસ્તિકતા છે?

ત્રણ: શું રાજકીય નેતાઓ ઈશ્વર વતી બોલવાનો દાવો કરી શકે છે?

નાગરિક ધર્મ અને ધાર્મિક-રાજકીય સમસ્યા

ધાર્મિક/રાજકીય કોયડો એ છે કે આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ કે સ્વતંત્ર માનવ અંતરાત્મા કહે તે પ્રમાણે?  આ સમસ્યાને સૌથી સરળ રીતે નીચે મુજબ વર્ણવવામાં આવી છે: આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલતા હોઈએ તો આપણે સ્વીકારવું જોઈએ કે ઈશ્વર  સીધુ માર્ગદર્શન નથી આપતો>. ગાંધીજીએ કહ્યું હતું કે પવિત્ર ગ્રંથો બે ગળણીમાંથી ગાળ્યા પછી આપણા સુધી પહોંચે છે; પહેલી ગળણી એક પયગંબર છે, અને બીજી ગળણી તેના શિષ્ય છે. તેથી, દૈવી સંદેશના વિવિધ અર્થઘટન વચ્ચેનો તફાવત સમજવા માટે આપણે આપણી પોતાની વિવેકબુદ્ધિ પર આધાર રાખવો પડશે.

જો આપણે ફક્ત માનવ અંતરાત્મા પર આધાર રાખીએ તો આપણે સારપ વિશે સંવાદ કરવાની જરૂર છે. આપણે એકેવી રીતે કરીશું? મોન્ટેસ્ક્યુએ આ મુદ્દાને ટાળીને કહ્યું કે ધર્મ વિરુદ્ધ નાસ્તિકતાનો મુદ્દો ધર્મની ઉપયોગિતાના મુદ્દા કરતાં ઓછો મહત્વનો છે. જાહેર લાગણીઓને નિયંત્રિત કરવા માટે ધર્મ જરૂરી છે. રૂસોએ તેના પુસ્તક ‘ધ સોશિયલ કોન્ટ્રેક્ટ’ માં આ વિચારની ચર્ચા કરી છે. આ પુસ્તકમાં નાગરિક ધર્મ વિષય પર એક પ્રકરણ પણ છે, જેમાં તે કહે છે કે કાયદા ઘડનારાઓએ તેમની ભલામણો ઈશ્વરના મુખથી કહેવડાવવી જોઈએ કારણ કે, તો જ લોકો ઘણીવાર તે કાયદાઓમાં વિશ્વાસ કરે છે. આ રાજકારણ દ્વારા ધર્મના ઉપયોગ તરફનું એક પગલું છે.

હાલમાં જ મને સમકાલીન ફિલોસોફર વિલિયમ ડેસમંડના લખાણો વાંચવા મળ્યાં. એ ફિલસૂફી અને ધર્મ, અનુભવ જ્ઞાન અને દિવ્ય જ્ઞાન, અંતર્જ્ઞાન અને વિશ્લેષણ, અને સંવાદ અને વ્યક્તિગત ચિંતન વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરતાં ‘વચ્ચેનું બિંદુ’ જેવી સ્થિતિનો ઉપયોગ કરે છે. પ્લેટો માણસને દેવ કે પ્રાણી માનતો ન હતો, પરંતુ બંનેની વચ્ચેનો જીવ માનતો હતો; ફિલસૂફી વિશે પણ કંઈક આવું જ કહી શકાય. મારા મતે, ગાંધીજીને સમજવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે: એમણે સ્વીકાર્યું હતું કે માન્યતાઓ અલગ અલગ હોય. એ એવા માર્ગ દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં સંઘર્ષની શક્યતા ઓછી હોય. ધર્મ અને રાજકારણને સાંકળતો દોર જાહેર પ્રવૃત્તિઓના નીતિશાસ્ત્રનો સંદર્ભ  બનતો હતો. ધર્મ નૈતિકતા અને અંતરાત્માનો સ્રોત હતો;  અને રાજકારણ એ સામાજિક અને રાજકીય જવાબદારીનું ક્ષેત્ર હતું. તેમને એ પણ સ્પષ્ટ હતું કે ‘રામરાજ્ય’ શું છે:

“હું હજાર વાર કહીશ કે રામનામ ઈશ્વરનાં અનેક નામોમાંથી એક છે. એ જ પ્રાર્થના સભામાં કુરાન અને ઝેંદ અવેસ્તાના શ્લોકો પણ ગવાય છે. સાચા મુસ્લિમોએ ક્યારેય રામના નામનો જાપ ખરાબ માન્યો નથી. રામનામ કોઈ અર્થહીન જાપ નથી. મારા અને લાખો હિન્દુઓ માટે, આ સર્વવ્યાપી ઈશ્વરને રામના પરિચિત નામથી બોલાવવાની એક રીત છે. રામની સાથે સંકળાયેલો શબ્દ ‘નામ’ તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. એનો અર્થ એ થાય કે આ ‘રામ’ ઇતિહાસનો રામ નથી… જ્યાં સુધી ‘રામરાજ્ય’ શબ્દના ઉપયોગની વાત છે, મેં તેનો અર્થ ઘણી વાર સમજાવ્યો છે. તો પછી કોઈને તેનો ઉપયોગ કરવામાં ખરાબ કેમ લાગવું જોઈએ? આ એક અનુકૂળ અને અર્થપૂર્ણ શબ્દ છે, એનો સંપૂર્ણ અર્થ બીજો કોઈ શબ્દ લાખો લોકો સુધી પહોંચાડી શકતો નથી.  હું… મુખ્યત્વે મુસ્લિમ ભાઈઓના મેળાવડામાં તેને ‘ખુદાઈ રાજ’ કહું છું, જ્યારે ખ્રિસ્તીઓના મેળાવડામાં હું તેના માટે ‘ઈશ્વરનું રાજ્ય’ શબ્દનો ઉપયોગ કરું છું. બીજો કોઈ પણ રસ્તો મારી જાતને દબાવવાનો અને મારી જાતને દંભી બનાવવાનો હશે. (CWMG, ભાગ 85, પૃષ્ઠ 130).

ગાંધીજી માટે, સમાન નાગરિક ધર્મ લાદવો એ દંભ અને અશક્ય બંને હતું. બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી દેશોમાં જાહેર માન્યતામાં પરિવર્તનો લાવવામાં આવ્યાં તેનાથી ધર્મ પ્રત્યે ઉપયોગિતાવાદી વલણ અપનાવવાના જોખમો પર પ્રકાશમાં આવ્યાં છે.. આજે વિચારધારા ધર્મથી આગળ નીકળી ગઈ છે, અને આપણામાંથી કેટલાક માટે ધર્મ રાજકીય લડાઈઓ લડવાનું એક હથિયાર બની ગયો છે. ધર્મના સૌથી મોટા દુશ્મનો તેના અનુયાયીઓમાં  જ જોવા મળે છે.

ફેબ્રુઆરી ૧૯૪૦માં, બંગાળમાં એક સભામાં, ગાંધીજી વિરુદ્ધ ‘ગાંધીવાદ મુર્દાબાદ’ જેવાં સૂત્રો જોરશોરથી પોકારાયાં. આના પર ગાંધીજીએ કહ્યું: “મને આ સૂત્ર સાંભળીને ખૂબ સારું લાગે છે. વાદગમે તે હોય, તેનો અંત આવવો જ જોઈએ. એ બિનજરૂરી છે. ખરી વસ્તુ તો અહિંસા છે. તે અમર છે. એને ટકવા દો, મારા માટે આટલું પૂરતું છે. ગાંધીવાદનો કેટલો જલદી નાશ થાય છે તે જોવાની  હું રાહ જોઈશ… મેં ક્યારેય કોઈ સંપ્રદાય સ્થાપવાનું સપનું પણ જોયું નથી. મારા મૃત્યુ પછી જો મારા નામે કોઈ સંપ્રદાય સ્થપાશે, તો મારો આત્મા દુઃખી થશે”. ગાંધીજીએ ક્યારેય કોઈ મનોહર કાલ્પનિક ભવિષ્યનો સિદ્ધાંત રજૂ  ન  કર્યો, જેના માટે વર્તમાનમાં ખરાબ કામો કરવાં પડે. વર્તમાન અને ભવિષ્ય  પરસ્પર સંકળાયેલાં છે, અને વર્તમાનમાં સારાં કામો કરવથી જ દુનિયા બહેતર બની શકે છે.  સમયની આ અવધારણામાં  બધું જોર નશ્વરતા પર નહીં પરંતુ  જે કંઈ હયાત છે તેના પર છે.

ગાંધીજીની ધાર્મિક સર્જનાત્મકતા અને બુરાઈની સમસ્યા

આપણે કેવી રીતે જીવવું જોઈએ? શુભ શું છે? પાપ શું છે? આવા પ્રશ્નો બધા સમુદાયોમાં ઉદ્ભવે છે, જો કે તેમના જવાબો અલગ અલગ હોય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેના સિદ્ધાંતો જેટલા જ બુરાઈ વિશેના સિદ્ધાંતો પણ ભાતભાતના છે. ઈશ્વરની સારપમાં વિશ્વાસ કરવા સાથે  બુરાઈનું અસ્તિત્વ કેમ છે તેનો ખુલાસો કરતું શાસ્ત્ર ‘થિયોડિસી’  કહેવાય છે. (‘થિયોડિસી’નો અર્થ છે: બુરાઈના અસ્તિત્વ છતાં ઈશ્વરની સારપ અને  સર્વશક્તિમત્તાની તરફેણમાં દલીલ). કેટલાક વિદ્વાનો બધા ધર્મોને નિષ્ફળ ‘ થિયોડિસી’ કહે છે. હેગલે દાવો કર્યો હતો કે તેમની ફિલસૂફી પણ ‘થિયોડિસી’ છે જેને માનવ ઇતિહાસમાં ‘ઈશ્વરની રીતોની યોગ્યતા’ તરીકે વર્ણવી શકાય છે. પરંતુ છેલ્લી સદીનો ઇતિહાસ અને આજ સુધી ચાલી રહેલા નરસંહારને કારણે હેગેલની થિયોડિસીને સ્વીકારવી મુશ્કેલ  છે. મેક્સ વેબર ‘કર્મ’ ના સિદ્ધાંતને સૌથી તાર્કિક સિદ્ધાંત માનતા હતા. આ સિદ્ધાંત સમજાવે છે કે આપણું દુર્ભાગ્ય આપણે પાછલા જન્મોમાં કરેલાં કાર્યોનું ફળ છે. આ બધું અનાદિ કાળથી ચાલતું રહ્યું છે. બદલો લેનારા ન્યાયને  પણ બ્રહ્માંડમાં સ્થાન આપવામાં આવ્યું.

મને લાગે છે કે આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. માણસ જીવન અને દુનિયાને સમજવાનો પ્રયાસ કરે છે, પરંતુ બુરાઈ સમજાય તેમ નથી. તે વ્યાખ્યાઓને માથે ચડી બેસે છે. કોઈ પણ ‘થિયોડિસી’ માનવની ક્રૂરતા અને બિનજરૂરી દુઃખને સમજાવવાની આપણી ઇચ્છાને સંતોષી શકતી નથી. ઈશ્વરની શક્તિ પણ એટલી જ અગમ્ય છે: અનંત અવકાશ અને શાશ્વત સમય આપણી સમજની બહાર છે. ઈશ્વર એ આપણી ઉત્પત્તિનું નામ છે અને આપણા સ્વભાવનું કાયમી રહસ્ય છે. કોઈ પણ ટેલિસ્કોપ આ રહસ્ય ખોલી શકતું નથી.

આ વિષય પર લેશેક કોવાકોફ્સ્કી (Leszek Kolakowski)(૧૯૨૭-૨૦૦૯)એ લખ્યું: “જે પવિત્ર છે તેનો અસ્વીકાર કરવો એ આપણી પોતાની મર્યાદાઓનો અસ્વીકાર કરવા જેવું છે. તે બુરાઈના વિચારનો અસ્વીકાર પણ છે, કારણ કે જે પવિત્ર છે તે પાપ, અપૂર્ણતા અને બુરાઈમાંથી પોતાને પ્રગટ કરે છે; અને બુરાઈ, બદલામાં, ફક્ત પવિત્રમાંથી જ ઓળખી શકાય છે. એવું કહેવું કે બુરાઈ સંપૂર્ણપણે સંજોગોને કારણે છે, તે  એમ કહેવા બરાબર છે કે બુરાઈ અસ્તિત્વમાં જ નથી અને તેથી આપણને નૈતિક શક્તિ, કે જે પહેલાંથી જ અસ્તિત્વમાં છે, અને જે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આપણા પર લાદવામાં આવી છે, તેની કોઈ જરૂર નથી.  જો આપણે  માનતા હોઈએ કે સમાજમાં સુધારો થઈ શકે છે, તો એમાંથી જ નીકળે છે કે એવા લોકો હંમેશાં હશે જ કે જે પ્રગતિના દરેક પગલાની કિંમત વિશે વિચારતા હશે. કોવાકોફ્સ્કીનિષ્કર્ષ કાઢે છે: ‘પવિત્રતાની વ્યવસ્થા બુરાઈ પ્રત્યે સંવેદનશીલતા છે’. ઈશ્વરમાં શ્રદ્ધા કરતાં, આ  વચન અને કર્મમાં વ્યક્તિની આત્મસંયમની મર્યાદા નક્કી કરવાનો મુદ્દો વધારે છે. (મૉડર્નિટી ઑન એંડલેસ ટ્રાયલ પ્રકરણ ૬).

નૈતિકતા વિના તો કોઈ કાયદો પણ ન ચાલે. કારણ કે પછી બધું જ ચાલશે. જ્યારે બધું જ માન્ય હોય, ત્યારે આપણે શું કહીએ છીએ કે કરીએ છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. બોલવા અને ચૂપ રહેવામાં કોઈ ફરક રહેશે નહીં. ગુલામીને સ્વતંત્રતા ગણવામાં આવશે, અજ્ઞાનને જ્ઞાન ગણવામાં આવશે, ભ્રમને શાણપણ ગણવામાં આવશે.

આપણને સારપ અને હિંમતના બનેલા આશ્રયની જરૂર છે. ગાંધીજીની બાબતમાં, હું કહીશ કે તેમની સ્થિતપ્રજ્ઞતા તેમનું વ્યક્તિગત આશ્રયસ્થાન હતું; અને સામાજિક  વ્યવહારમાં, સ્વરાજ તેમનું આશ્રયસ્થાન હતું, જેને પ્રાપ્ત કરવા માટે ઇચ્છાશક્તિ અને ભાવનાઓ પર નિયંત્રણની જરૂર હતી. આ દૃષ્ટિકોણ એવી માન્યતા પર આધારિત છે કે  ઈશ્વર, સત્ય અને સારપ એક જ વસ્તુ છે;  એટલે અસત્ય એ સત્યનું ઉલ્લંઘન છે, અને બુરાઈ એ સારપનું ઉલ્લંઘન છે. તેથી, સારપનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, બુરાઈનું નથી. જેમ બ્રહ્મ સમયમાં સ્થિત નથી, પણ સમય તેમાં સ્થિત છે, તેવી જ રીતે પ્રકાશ પોતાની અંદર અંધકારને સમાવી રાખે છે. આનો અનુભવ કરવા માટે આપણે આપણી દૃષ્ટિ અને સૂઝનો ઉપયોગ કરવો પડશે.

આપણે જેને પવિત્ર કહીએ છીએ તે આપણી મર્યાદાઓની અનુભૂતિ અને સ્વીકૃતિ છે; અને ગાંધીજીએ જીવનભર સારા અને ખરાબની આ ધારણા સાથે સંઘર્ષ કર્યો.

ગાંધીજીએ રોજિંદા રચનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર મૂકીને અને સંસ્થાનવાદ અને હિંસાથી થતા અન્યાયનો સામનો કરીને આ મૂંઝવણનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. તે જાણતા હતા કે હિંસાનું પોતાનું એક જોશ હોય છે જે આપણા આત્મ-નિયંત્રણને દબાવી શકે છે. તેમણે સત્યાગ્રહીઓમાં સ્વ-શિસ્ત અને ભાઈચારાની વૈકલ્પિક ભાવના વિકસાવવાનો પ્રયાસ કર્યો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને હિંસાના ઝેરથી મુક્ત રાખવા માટે કટિબદ્ધ હતા અને તેમણે તે વિશ્વના ઇતિહાસના સૌથી હિંસક દાયકાઓમાંના એક દરમિયાન કર્યું.

સત્ય, ન્યાય અને અહિંસા

વૈજ્ઞાનિકો, ધર્મશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ માટે સત્યના અર્થ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ કોઈ તેને નકારી શકે નહીં – જેઓ તેને ભ્રમ તરીકે નકારી કાઢે છે તેઓ પણ નહીં. ભારતીય જ્ઞાન પરંપરામાં, ધર્મમાં સત્ય, કર્તવ્ય અને સદ્‌ગુણનો સમાવેશ થાય છે. તેથી, ગાંધીજી માટે, સત્યનો નૈતિક હેતુ વ્યાવહારિક સમજદારી સાથે જોડાયેલો હતો. રંગભેદ, અન્યાયી કાયદાઓ અને વસાહતી વર્ચસ્વ એ સામાજિક વર્તનમાં આવેલી ખામીઓ હતી. આ વિચારનું સૌથી સરળ ઉદાહરણ એ છે કે તેમણે ગોરાઓ માટે અનામત રાખેલા રેલવેના ડબ્બામાં ‘કાળા માણસ’ તરીકે લેબલ લગાવવાનો વિરોધ કર્યો. જેમ આપણામાંથી જ અમુક લોકો બીજા કરતાં શ્રેષ્ઠ છે એવો દાવો એક જુઠાણું છે તેમ આપણી સહિયારી માનવતાનો ઇનકાર  પણ એ દાવા જેટલો જ જૂઠો છે. અસ્પૃશ્યતા સામેનો સંઘર્ષ માનવ એકતાનો સંઘર્ષ હતો, સત્યાગ્રહ હતો.

અહિંસા પર મુખ્ય ભાર અને હિંસાનો હિંમતપૂર્વક સામનો કરવાની જરૂરિયાત એ ફક્ત રાજકીય ચાલ નહોતી તેમાં નૈતિકતાના સ્પષ્ટ દર્શનનાં બીજ રહેલાં છે. અને એ મધ્યવર્તી ક્ષેત્રમાં સંવાદનો આધાર છે;  નાગરિક સમાજનો પાયો છે, જે બ્રહ્માંડની સહજ સારપ અને દૈવી શક્તિની સારપ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે. આપણાં લક્ષ્યો કરતાં આપણી તાત્કાલિક ક્રિયાઓ પર આપણું વધુ નિયંત્રણ છે. અશુદ્ધ માધ્યમો, જેનું સૌથી ખરાબ સ્વરૂપ બીજાઓ સામે હિંસા છે, તે આપણાં લક્ષ્યોને ભ્રષ્ટ કરી શકે છે. ગાંધીજીએ બધા ધાર્મિક સમુદાયોમાં વિચારોની સમાનતા જોઈ હોય તેવું લાગે છે (ખિલાફત ચળવળને તેમણે આપેલા સમર્થનમાંથી એ સ્પષ્ટ થાય છે); પરંતુ તેઓ અંતરાત્માની સ્વાયત્તતામાં દ્રઢપણે માનતા હતા.

જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ કરનારા હન્ટર કમિશન સમક્ષ તેમણે આપેલી જુબાનીમાંથી સ્પષ્ટ થાય છે કે મતભેદોને કારણે લોકપ્રિય પ્રતિકારને તૂટતો અટકાવવા માટે અહિંસા કેટલી મહત્વનો છે. તેમની જુબાની એ પણ દર્શાવે છે કે તેઓ ન્યાયતંત્રના નિયંત્રણથી મુક્ત કારોબારીનો સંપૂર્ણ વિરોધ કરતા હતા. હું આપણા દેશના વકીલો અને ન્યાયાધીશોને તેમની જુબાની ધ્યાનથી વાંચવાની સલાહ આપીશ. (CWMG ભાગ ૧૬, પાનું ૪૦૮, જાન્યુઆરી ૧૯૨૦).

અહિંસા કોઈ સિદ્ધાંત નહોતો પણ આપણી મર્યાદાઓની યાદ અપાવતો હતો. ઈશ્વર અથવા તેમનો કાયદો આ મર્યાદાઓનો સ્રોત કહી શકાય, પરંતુ તે એક રહસ્ય રહે છે. મહત્વની વાત એ છે કે આ વાત અમુક પસંદ કરેલા લોકોને નહીં પણ આપણે સૌને લાગુ પડે છે: આ બોધપાઠ સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તાના તોફાનીઓએ આપ્યો હતો, જેઓ ઉપવાસે બેઠેલા મહાત્મા પાસે આવ્યા અને તેમનાં ચરણોમાં પોતાનાં શસ્ત્રો મૂક્યાંમૅ દરેક આત્મામાં ચાલતા સારા અને ખરાબ વચ્ચેના સંઘર્ષનો આનાથી સારો પુરાવો બીજો કોઈ ન હોઈ શકે.

મૂળભૂત કાયદેસરતા તરીકે હિંસા એક સમસ્યા

મૅકિયાવેલીનું પુસ્તક ’ડિસકોર્સિઝ’ ભલામણ કરે છે: “જો કોઈ ઇચ્છે કે કોઈ સંપ્રદાય કે પ્રજાસત્તાક ટકી રહે, તો તેણે વારંવાર તેની શરૂઆત તરફ પાછા ફરવું જોઈએ.” તેના મતે, બધાં રાજ્યો આતંક પર આધારિત છે. પ્રાચીન સદ્‌ગુણો પાછા લાવવા માટે, શરૂઆતમાં લોકોને સારા બનાવનાર ભયને પુનઃસ્થાપિત કરવો પડશે. જો આ સાચું હોત, તો તેનું કારણ લોકોની નિર્દોષતા નહોતી પણ તેઓ ડરતા હતા. પાઠ સ્પષ્ટ અને ક્રૂર છે: શરૂઆતમાં, પ્રેમ નહીં, પણ આતંકનું શાસન હતું. મૅકિયાવેલીનો નવો પાઠ આ કથિત આંતરદૃષ્ટિ પર આધારિત હતો, જે હૉબ્સના આદિમ માણસની પ્રકૃતિની સ્થિતિ (સ્ટેટ ઑફ નેચર)ના સિદ્ધાંતની આગમવાણી જેવો હતો.

રાજ્ય સત્તાના વિકાસને કાયદેસર બનાવતા અવ્યક્ત તત્વના મૂળમાં હિંસા રહેલી છે? મોટા ભાગનાં રાષ્ટ્ર-રાજ્યો ગૃહયદ્ધોનાં પરિણામે બન્યાં; બંધારણના નિર્માણમાં ઘણીવાર ભારે હિંસા એક પરિબળ રહી છે. બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી વારસામાં સત્તા મેળવનારાં રાજ્યોમાં રાજકીય હત્યાઓનો દોર દર્શાવે છે કે સમાવેશ અને બહિષ્કાર કરવાની વિચારધારાઓ કેટલી શક્તિશાળી રહી છે. સામૂહિક હિંસાના ઇતિહાસ સાથે સંબંધિત એક સંશોધનમાં ભારતના ભાગલા પર પણ એક એન્ટ્રી છે. આ વિશ્લેષણમાં નીચેના મૂલ્યાંકન કરવામાં આવ્યા છે:

“હિંસા આકસ્મિક રીતે બની નહોતી… પરંતુ તે ઘટનાના મૂળમાં હતી.” કે હિંસા ભાગલાને કારણે નહોતી થઈ, પરંતુ તે ભાગલા માટે પરિસ્થિતિઓ બનાવવાનું એક મોટું કાવતરું હતું. હિંસા એ નૈતિક ઉદ્યમ હતો જેના દ્વારા વિભાજન પહેલાની સ્થાનિક ઓળખના પાત્ર અને વસાહત પછીના સમયગાળામાં તેની ભૌગોલિક અને રાષ્ટ્રીય વ્યાખ્યા વચ્ચેના તણાવનું નિરાકરણ લાવવામાં આવ્યું. હિંસાએ સમુદાય અને તેની નવી રાષ્ટ્રીય ભૂમિ વચ્ચે જોડતી કડી તરીકે સેવા આપી. આનાથી તેને એક સંગઠિત અને નરસંહારાત્મક પરિમાણ મળ્યું કારણ કે તેનો ઉદ્દેશ્ય સામાજિક ક્ષેત્ર પર નિયંત્રણ મેળવવાનો હતો જેથી આ વિસ્તારોને અન્ય ધાર્મિક સમુદાયોની હાજરીથી મુક્ત કરી શકાય. (લાયોનેલ બૅક્સસ).

આપણા ઉપખંડનો ઇતિહાસ આપણને કહે છે કે મૂળ હિંસાએ પોતાનાં મૂળ જમાવી લીધાં  છે; આપણે સતત યુદ્ધમાં છીએ. આ આખી દુનિયા માટે પણ સાચું છે. કોઈ રાજસત્તાનું બંધારણ ઔપચારિક રીતે તેની કાયદેસરતા સ્થાપે છે, પરંતુ અનૌપચારિક રીતે, કાયદાના નામે નહીં પરંતુ મૂળભૂત હિંસા દ્વારા તેને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. આ જ કારણ છે કે આપણી સરકારો ઇચ્છે છે કે આપણે મૂળ ભયાનકતાઓને યાદ રાખીએ. એટલા માટે કલા દ્વારા અથવા શેરીઓમાં ભયાનકતાઓનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે આપણે ‘હિંદ સ્વરાજ’ માં ગાંધીજીએ જે કહ્યું હતું તેની પાછળનું સત્ય સમજી શકીએ છીએ કે “ડર બતાવીને આપણે જે કંઈ મેળવીએ છીએ તે, જ્યાં સુધી ભય ટકે ત્યાં સુધી જ આપણી પાસે ટકે છે.”.

સ્થિતપ્રજ્ઞ

ગાંધીજીએ સંઘર્ષોમાં ગુંચવાયેલી પોતાની દુનિયાને કર્મયોગી અને સત્યાગ્રહી તરીકે જોઈ. તેમણે વસાહતી  સત્તા અને તેની વસાહતો, બંનેના મનને ‘અંદરથી’ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. આ દૃષ્ટિકોણમાં ‘હૃદયની એકતા’નો તેમનો વિચાર સમાયેલો હતો, જે વ્યાપક અને રાજકીય કે ધાર્મિક વિચારધારાઓથી બહુ મોટો અને એમની ઉપર હતો. પરંતુ બીજા વ્યક્તિના હૃદયમાં ડોકિયું કરવા માટે, આપણી પાસે બીજાની ભાવનાઓને સમજવાની ક્ષમતા હોવી જોઈએ; ગાંધીજીએ ભાર મૂક્યો કે એ મૂળભૂત રીતે માનવીય ક્ષમતા છે.

ગાંધીજી માટે, સ્વવિવેકનું પોતાનું વાજબી સ્થાન છે, પરંતુ તે  સ્વવિવેક એવો હોય કે પોતાની મર્યાદાઓને સમજતો હોય. તેથી તેમણે ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરવાની માનવ ક્ષમતા પર ભાર મૂક્યો. આ સ્વીકારીએ તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે – એ હકીકતને ધ્યાનમાં રાખીને કે એવા લોકો  હોય છે જે ઈશ્વરની ઇચ્છાને લાગુ કરાવવાનો દાવો કરે છે. આવા દાવાઓની ચકાસણી કરી શકાતી નથી, તેથી તેમની પૂછપરછ કરવાની જવાબદારી આપણી બને છે.

આપણી પાસે અનંતતા અને અનંત અવકાશના રહસ્યોનો કોઈ જવાબ નથી, તેથી આપણે આ રહસ્યને ઈશ્વર અથવા ‘બિગ બેંગ’ નામ આપીએ છીએ. આનાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ઈશ્વર શું છે? શું તે કોઈ વ્યક્તિ છે કે કોઈ સિદ્ધાંત? તેમણે આ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો છે: દૈવી શક્તિ કોઈ પણ ભાષામાં વ્યક્ત કરી શકાતી નથી, પરંતુ –

મારા માટે, તેને રામ કે રહેમાન કે ઓરમુઝ્દ કે ઈશ્વર કે કૃષ્ણ કહો, તે સર્વોચ્ચ શક્તિ છે જેને માણસ હજી પણ નામ આપવાની મથામણમાં પડ્યો છે. માણસમાં અભાવ છે પણ તે પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે છે અને આ પ્રયાસમાં તે વિચારોના મોજા પર તરતો રહે છે… કોઈ ઈશ્વરની પૂજા એક વ્યક્તિ તરીકે કરે છે કે સર્વશક્તિમાન તરીકે કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. . બંને પોતપોતાની રીતે સાચા છે. ખરેખર શું સાચું છે તે કોઈને ખબર નથી અને કોઈને ક્યારેય ખબર પડશે નહીં. જો આદર્શ, આદર્શ હોય, તો તે હંમેશા પહોંચની બહાર રહેવો જોઈએ.  ઈશ્વર પ્રાણશક્તિ છે,  અંતર્યામી અને અજ્ઞેય છે, પણ બીજી બધી શક્તિઓ સ્થિર છે. (CWMG, ભાગ 85, પૃષ્ઠ 136).

‘અંતર્યામી’ શબ્દના ઉપયોગ પર ધ્યાન આપો. એ જ પત્રમાં, તેમણે તેના વિશે લખ્યું: “જ્યારે કોઈ માણસ પ્રાર્થના કરે છે, ત્યારે તે પોતાની અંદર બેઠેલા સર્વશક્તિમાનની પૂજા કરે છે. જે આ જાણે છે, તેની પ્રાર્થનાઓ સાચી છે. જે આ જાણતો નથી તેણે પ્રાર્થના કરવાની જરૂર નથી.” દૈવી પ્રેરણા દરેક આત્માની અંદર હોય છે, તેની બહાર નહીં. ગાંધીજી માનતા હતા કે સારપની પ્રેરણા દરેક માનવીમાં રહેલી છે; આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા ભારતીય લોકો એક સુંદર નાગરિક સમાજનું નિર્માણ કરી શકે છે. સારું, ખરાબ, સત્ય અને અસત્યના પ્રશ્નો માનવ જીવનના કેન્દ્રીય પ્રશ્નો છે. બધી ધાર્મિક પરંપરાઓએ આ પ્રશ્નોનો સામનો કરી ચૂકી છે, અને બધી સંસ્કૃતિઓના સંતોએ આપણને જવાબો આપી દીધા છે. જો આપણે તેમને સમજી શકીએ, તો સમય અને સ્થળમાં આટલા મોટા તફાવત હોવા છતાં, તે સૂચવે છે કે પરસ્પર આદર પર આધારિત નૈતિક સમુદાયનું નિર્માણ શક્ય છે. આ માટે તમારે ફક્ત પ્રયત્નો કરવાની જરૂર છે. નવેમ્બર ૧૯૪૭ માં, એક પ્રાર્થના સભામાં તેમણે કહ્યું: જ્યારે પણ કોઈ ક્યાંક ગુનો કરે છે, ત્યારે મને એવું લાગે છે કે હું ગુનેગાર છું. તમારે પણ એવું જ અનુભવવું જોઈએ. જો હું ગુનો કરરૂં તો તમારે પણ વિચારવું જોઈએ કે તમે પણ તેના માટે દોષિત છો. આપણે બધા સમુદ્રના ટીપાંની જેમ એકબીજા સાથે ભળીએ. સમુદ્રના ટીપાં અલગ રહેશે તો તે સુકાઈ જશે. જ્યારે તેઓ સમુદ્રને મળશે, ત્યારે મોટાં જહાજો તેમના વિશાળ વિસ્તાર પર સફર કરી શકશે. સમુદ્રનું જે થાય, તે જ આપણી સાથે પણ થાય. છેવટે, આપણે પણ માણસોનો દરિયો છીએ!” (CWMG, ભાગ 90, પૃષ્ઠ 133).

આ સાથે આપણે  સિદ્ધાંતવાદની સીમાઓથી આગળ વધીને આત્માના આકાશમાં પ્રવેશ કરીએ છીએ. આ આકાશ ફિલસૂફી અને ધર્મશાસ્ત્ર, સિદ્ધાંત અને જીવન, સામાન્ય અને અસાધારણ વસ્તુઓ વચ્ચે છે. કટ્ટર પરંપરાઓમાં પણ, દરવાજામાં રહેલી જે તિરાડમાંથી તે નાસ્તિકોને મત પરિવર્તન માટે આમંત્રણ આપવામાં આવે છે તે એમની વચ્ચેના સૂત્રની વાસ્તવિકતા  છતી કરે છે. શા માટે? કારણ કે કોઈ આસ્તિક નાસ્તિકનો મત બદલાવની શક્યતામાં માનતો ન હોય ત્યાં સુધી આમંત્રણ આપી શકતો નથી . આમંત્રણ અને તેના પર ચિંતન વચ્ચેના સમયમાં શું થાય છે? આપણે કોઈને કોઈ ચોક્કસ વિચારધારા કે માન્યતામાં કેમ ઢાળવા માંગીએ છીએ? શ્રદ્ધાની એકરૂપતા અથવા સમાનતા સ્થાપિત કરીને શું પ્રાપ્ત થાય છે? બીજાઓની ટીકા કરતાં  પહેલાં આપણે પોતાને કેમ સુધારતા નથી? આખરે આપણે શું ઈચ્છીએ છીએ? આપણું વર્ચસ્વ કે મિત્રતા?

ગાંધીજી જેને ‘હૃદયનું મિલન’ કહેતા હતા તે કોઈ સિદ્ધાંત નથી પણ મૈત્રીપૂર્ણ વાતચીતની વાસ્તવિકતા છે. જો તે વાસ્તવિકતા સ્થિર થાય, તો તેનાથી સમુદ્રી વર્તુળ જેવું બનશે જે, તેમના શબ્દોમાં, પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરશે. તેના વિના દુનિયાનો નાશ થશે.

આ  જ હતી ગાંધીજીની  સ્થિતપ્રજ્ઞતા એમની શાંતચિત્તતા.

ગાંધીનો સમાજ

૧૯૩૧માં, હવાલદાર ચંદર સિંહ ગઢવાલીએ પેશાવરમાં ખુદાઈ ખિદમતગારો પર ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો, અને તેમના બ્રિટિશ અધિકારીઓને કહી દીધું કે ભારતીયો પર ગોળીબાર કરવો એ ભારતીય સેનાનું કામ નથી. . આ અવજ્ઞા બદલ, ગઢવાલીને ૧૧ વર્ષ જેલમાં રહેવું પડ્યું.

૧૯૩૭માં, જર્મન ઉદ્યોગપતિ જોન રૅબેએ નાનકિંગમાં  હજારો ચીની લોકોને  જાપાની સેનાએ આચરેલા નરસંહારથી બચાવ્યા.

૧૯૪૦માં,ગુલામ ફ્રાન્સમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ રાજદ્વારી એરિસ્ટાઇડ્સ ડી સોસા મેન્ડેસે સરકારી આદેશોનું ઉલ્લંઘન કર્યું અને નાઝીઓથી ભાગી રહેલા હજારો યહૂદીઓને વિઝા આપ્યા. સાલાઝાર સરકારે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પેન્શન પણ ન આપ્યું .

૧૯૪૩માં, નાઝી યુદ્ધ ગુનાઓનો વિરોધ કરનાર ૨૧ વર્ષીય વિદ્યાર્થીની સોફી શોલ, તેના ભાઈ અને વ્હાઇટ રોઝ જૂથના બીજા સભ્યોને ગેસ્ટાપોએ મોતને ઘાટે ઉતારી દીધા.

૧૯૪૨માં, નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહજીએ વિશ્વયુદ્ધ દરમિયાન એક હજાર અનાથ પોલિશ બાળકોને દત્તક લીધાં અને તેમને પિતાની જેમ ઉછેર્યાં.

૧૯૪૭માં, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના કામરેડ ગેહલ સિંહે હજારો પંજાબી મુસ્લિમોને સરહદ પાર કરીને પાકિસ્તાન જવા માટે મદદ કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું.

માનવતાના શબ્દો, હિંમતના શબ્દો

આવા લોકોને અજાણ્યાઓ તરફ મદદનો હાથ લંબાવવા માટે શું પ્રેરણા આપે છે? આ પ્રશ્નનો આપણી પાસે કોઈ જવાબ નથી. આપણે ફક્ત તેમના શબ્દોનું પુનરાવર્તન કરીને જ તેમને યાદ કરી શકીએ છીએ.

૧૯૩૭ માં, જર્મન પાદરી પાદરી નીમોલર તેમના ચર્ચમાં ઉભા થયા અને જાહેર કર્યું: “જ્યારે ઈશ્વર આપણને બોલવાનું કહે છે ત્યારે આપણે હવે કોઈ પણ માણસના આદેશ પર ચૂપ રહેવા તૈયાર નથી.” આ શબ્દોને કારણે તેમને નજરકેદ શિબિરમાં મોકલવામાં આવ્યા.

જ્યારે પોલિશ સામાજિક કાર્યકર ઇરેન સેન્ડલરને પૂછવામાં આવ્યું કે ગેસ્ટાપોના ત્રાસ છતાં તેમણે ૧૯૪૩માં વોર્સોમાં યહૂદી લત્તામાંથી સેંકડો બાળકોને કેમ બચાવ્યાં, ત્યારે તેમણે ફક્ત જવાબ આપ્યો: “હું બીજું કંઈ કરી શકતી નહોતી.” .

સર્બિયન પ્રોટેસ્ટંટ પાદરી ટિબોર વર્ગાએ 2015 માં ઘણા સીરિયન શરણાર્થીઓની સંભાળ રાખી હતી. જ્યારે તેમને તેમના ચર્ચની સામે ફોટોગ્રાફ માટે પોઝ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે શરણાર્થી આશ્રય તરફ ઈશારો કરીને કહ્યું, “આ મારું ચર્ચ છે.”

તે જ સમયે, એક શ્રદ્ધાળુ ગ્રીક પાદરી, ફાધર સ્ટ્રેટિસ ડિમોઉએ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને મદદ કરવા માટે એક સખાવતી સંસ્થાની સ્થાપના કરી. તેમણે કહ્યું કે તે તેમનું કર્તવ્ય હતું કારણ કે “પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી”.

પાકિસ્તાનના પ્રખ્યાત સમાજસેવક અબ્દુલ સત્તાર એધી (૧૯૨૮-૨૦૧૬) એ જીવનભર હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરી. તેમના છેલ્લા શબ્દો હતા – “મારા દેશના ગરીબોનું ધ્યાન રાખો”.

૨૦૧૯ માં, સિસિલીના માછીમારો કાર્લો અને ગાસ્પર ગિયારાટ્ટોનોએ ડૂબતી હોડી પર 50 લિબિયન શરણાર્થીઓના જીવ બચાવવા માટે જેલની સજા નું જોખમ વહોરી લીધું.. તેમણે એમ પણ કહ્યું કે તે તેમની ફરજ છે, કારણ કે “કોઈ પણ માણસ પોતાની આંખો ફેરવી શકતો નથી”.

૧૯૬૮માં, ડેનિયલ અને ફિલિપ બેરીગન (બંને બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટે સન્માનિત સૈનિકો) વિયેતનામ યુદ્ધનો વિરોધ કરવા બદલ જેલની સજા પામેલા પ્રથમ કેથોલિક પાદરીઓ બન્યા. બંનેએ લશ્કરી ભરતી કેન્દ્રમાં ઘૂસીને બધા દસ્તાવેજો બાળી નાખ્યા. તેમણે આ નિવેદન બહાર પાડ્યું: “અમે અમેરિકન કેથોલિક ચર્ચ અને અન્ય ખ્રિસ્તી સંસ્થાઓ અને યહૂદી પ્રાર્થના ગૃહોને તેમના દેશના ગુનાઓ સામે મૌન અને કાયરતા માટે પ્રશ્ન કરીએ છીએ. મારા પ્રિય મિત્રો! વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા, બાળકોની જગ્યાએ કાગળો સળગાવવા અને શાર્નેલ હાઉસની સામે ગોઠવાયેલા પટાવાળાઓને હેરાન કરવા બદલ અમને માફ કરશો. ઈશ્વર અમારી મદદ કરે, અમે બીજું કંઈ કરી શકતા નહોતા. અમે દિલથી બીમાર છીએ, તેથી અમારું હૃદય તે દેશ વિશે વિચારે છે જ્યાં બાળકોને સળગાવી દેવામાં આવી રહ્યા છે”.

આ બધા ઉમદા આત્માઓ સમુદ્ર વર્તુળનાં જીવંત ઉદાહરણો છે. અહીં ધર્મ કે રાષ્ટ્રીયતા માટે કોઈ સ્થાન નથી. તેમને બહુ યાદ રાખવામાં આવતા નથી, કે ઇતિહાસના પાઠમાં તેમની વાર્તાઓ શીખવવામાં આવતી નથી. અને  આવાં તો હજારો છે જેના વિશે આપણે જાણતા નથી.

ગાંધીજી ઇતિહાસને વિનાશની વાર્તા અથવા સંઘર્ષનો દસ્તાવેજ કહેતા. તેમણે કહ્યું કે ઇતિહાસમાં પ્રેમ અને ભાવનાની શક્તિ શોધવાનો કોઈ અર્થ નથી, કારણ કે “તમે જસતની ખાણમાં ચાંદી શોધવાની આશા ન રાખી શકો..” તેમણે ‘ઇતિહાસના નિયમો’ અથવા હિંસક સંઘર્ષની અનિવાર્યતાને સ્વીકારવાનો ઇનકાર કર્યો. ૧૯૨૬ માં, એક પત્રકારના પ્રશ્નના જવાબમાં, તેમણે લખ્યું: “જો આપણે પ્રગતિ કરવી હોય, તો આપણે ઇતિહાસનું પુનરાવર્તન ન કરવું જોઈએ પરંતુ નવો ઇતિહાસ બનાવવો જોઈએ. આપણે કર્મની દુનિયામાં નવી શોધો કરી શકીએ છીએ, તો આપણે  અધ્યાત્મનાક્ષેત્રમાં  શા માટે નાદારી બતાવવી?” (CWMG; ભાગ ૩૦, પૃષ્ઠ ૪૧૫).

ગાંધીજીએ ઇતિહાસનાં મોજાં સામે બળવો પોકાર્યો હતો. તેમણે મોજાંઓનો સીધો સામનો કર્યો. જો ઉપરોક્ત ઉદાહરણો અજાણ્યાઓને પ્રેમ કરવાની અને મિત્રતા કરવાની માનવ ક્ષમતા પર પ્રકાશ પાડતાં ન હોય તો બીજું શું કરે છે? શું આ ક્ષમતા અનંત યુદ્ધની પાર જવા માટે જરૂરી સાધન ન બની શકે?

સમુદ્રી વર્તુળ

વિસ્તરતું વર્તુળ માનવ સંસ્કૃતિનું જૂનું પ્રતીક રહ્યું છે. વર્તુળ એ અનંતતાનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ છે, જેની કોઈ શરૂઆત કે અંત નથી. બહારની તરફ વિસ્તરતાં, તે નજીકનાથી શરૂ થાય છે અને સમગ્ર માનવતાને આવરી લે ત્યાં સુધી વિસ્તરે છે. તે  સામ્રાજ્યશાહી વર્ચસ્વનું નહીં પણ એકતાના સપના જુએ છે. ગાંધીજીએ તેને આ રીતે જોયું-

 “અસંખ્ય ગામડાઓથી બનેલું આ માળખું એવા વર્તુળોથી બનેલું હશે જે સતત ફેલાતાં રહેશે અને ક્યારેય કોઈને ગળી નહીં જાય. જીવન એ પિરામિડ જેવું નહીં હોય જેના શિખરને પાયામાંથી શક્તિ મળે છે, પણ એ એક દરિયાઈ વર્તુળ જેવું હશે જેના કેન્દ્રમાં એક એવી વ્યક્તિ હશે જે હંમેશા ગામ માટે પોતાનો જીવ આપવા તૈયાર રહેશે. અને ગામ બધાં ગામોના વર્તુળ માટે મરવા તૈયાર રહેશે,  આખરે એ  વિસ્તરીને, ઘમંડી નહીં પણ હંમેશાં નમ્ર, સમુદ્રી વર્તુળ, જેનો તેઓ અભિન્ન ભાગ છે, તેની ભવ્યતામાં સહભાગી એવી વ્યક્તિઓથી બનેલું સંપૂર્ણ જીવન બની જશે.. તેથી, સૌથી બહારનું વર્તુળ તેની શક્તિનો ઉપયોગ આંતરિક વર્તુળોને કચડી નાખવા માટે કરશે નહીં પરંતુ બધાં આંતરિક વર્તુળોને શક્તિ આપશે અને તેમાંથી તેની શક્તિ મેળવશે. આ તો તુક્કા છે, એવું કહીને મારી હાંસી ઉડાવી શકાય છે  અને તેથી તેના વિશે વિચારવાની પણ જરૂર નથી. યુક્લિડનું બિંદુબનાવવાની ક્ષમતા માણસમાં નથી તે હકીકત હોવા છતાં, તે કાયમી મૂલ્ય છે તો મારી કલ્પનાશક્તિનું પણ માનવજાત માટે પોતાનું મૂલ્ય છે. ભારત આ સ્વપ્નને સાકાર કરવા માટે જીવે છે, ભલે તે ક્યારેય સંપૂર્ણ રીતે સાકાર ન થઈ શકે. (CWMG; ભાગ 85, પૃષ્ઠ 33, 28 જુલાઈ 1946).

ગાંધીજીનું જ્ઞાન પર્યાવરણથી લઈને ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષો સુધી, વિશ્વની તમામ સમસ્યાઓના ઉકેલ માટે વૈકલ્પિક માર્ગો ખોલી આપે છે. તેઓ દેશભક્ત હતા પણ સંકુચિત અર્થમાં રાષ્ટ્રવાદી નહોતા. આ વાત આપણે તેમની ઇચ્છા પરથી આ જાણી શકીએ છીએ  કે “મારો પ્રદેશભારતની સીમાઓ જેટલો જ વ્યાપક હોવો જોઈએ, જેથી અંતે તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરી શકે. નહીંતર તે નાશ પામશે.” તેમણે સમુદ્ર વર્તુળનો વિચાર શોધ્યો ન હતો; તે પહેલાંથી જ અસ્તિત્વમાં છે. ગાંધીજીએ આપણને ફરીથી તેના પર નજર નાખવાની યાદ અપાવી.

ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા દિવસોમાં, રાજકીય જૂથોએ પરસ્પર સંકલન માટે ઉપલબ્ધ તકો ગુમાવી દીધી. ગાંધીજીએ નફરત અને વિનાશ વચ્ચે પ્રેમ અને પરસ્પર આદરની વાત કરી. જ્યારે હજી પણ આશા હતી, ત્યારે  પણ કેટલાક લોકો નિરાશ થઈ રહ્યા હતા. ગાંધીજીએ નિરાશા વચ્ચે લોકોને આશા આપી; સૌથી ખરાબ સમયમાં, તેમણે લોકોની સારી વૃત્તિઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ભારતના સામાન્ય લોકોને માત્ર ગૌરવ ન આપ્યું પણ તેમને તેમના ગૌરવની યાદ અપાવી. તેમણે આપણામાં મિત્રતા અને સાંપ્રદાયિક સૌહાર્દની ક્ષમતા ઊભી ન કરી, પરંતુ તેની યાદ અપાવી. જાન્યુઆરી ૧૯૪૮માં તેમના છેલ્લા ઉપવાસનો આ સંદેશ હતો. આ સંદેશ અસાધારણ સારપ, શક્તિ અને હિંમત ધરાવતી ન વ્યક્તિ તરફથી હતો.

લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં, વિચારક હેરાક્લિટસે આત્મા વિશે કહ્યું હતું: “તમે ગમે તેટલા બધા રસ્તાઓ પાર કરી લીધા હોય, તમે આત્માની અંતિમ મર્યાદા શોધી શકતા નથી. તે ખૂબ જ અગાધ છે”.ગાંધીજીનો આત્મા ખરેખર અગાધ છે. પ્લેટોએ ગુફા અને પ્રકાશની રૂપકાત્મક વાર્તા રજૂ કરી જેથી આપણા કુદરતી જ્ઞાન અને અજ્ઞાન પર પ્રકાશ પડે, જેમાં વાર્તાનું પાત્ર (જ્ઞાનની શોધમાં નીકળેલો પ્રવાસી) જ્ઞાનની શોધમાં પ્રકાશ તરફ જાય છે અને પછી તેના સાથીઓ પાસે પાછો ફરે છે. તે પાછો આવે છે અને પોતાના અનુભવો કહે છે. ગાંધીજી પણ બરાબર એ જ કરે છે અને તેને પોતાની આંતરિક યાત્રા કહે છે. ૧૯૪૭માં કલકત્તામાં ગાંધીજીના ઉપવાસથી સાબિત થયું કે તેઓ હિંસક ગુના કરનારાઓના અંતરાત્માને પણ હચમચાવી શકે છે. બ્રિટિશ સામ્રાજ્યના સૌથી વધુ જોરદાર વિરોધીઓમાંના એકના સમર્થનમાં હાથ પર કાળી પટ્ટી બાંધનારા બ્રિટિશ અને એંગ્લો-ઇન્ડિયન પોલીસકર્મીઓ દ્વારા પણ આ વાત સાબિત થઈ હતી. જ્યારે હિંસા ઓછી થવા લાગી, ત્યારે તેમણે ભાર મૂક્યો કે આ ઈશ્વરનું કાર્ય છે. જ્યારે ભક્ત મહિલાઓ આભાર રૂપે પૂજાનું આયોજન કરવા માગતી હતી, ત્યારે તેમણે તેમને પૂજા સામગ્રી વેચીને પૈસા ગરીબોમાં વહેંચવાનું કહ્યું. જ્યારે સ્ત્રીઓએ તેમને સંદેશ આપવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું: “મારું જીવન એ જ મારો સંદેશ છે”.

ગાંધીજી વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ વાક્ય વિશ્વવિખ્યાત છે કે ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો માંસ અને લોહીનો બનેલો માણસ આ પૃથ્વી પર ક્યારેય અસ્તિત્વમાં હતો’. બહુ ઓછા લોકો જાણતા હશે કે ૨૦૦૦ માં બીબીસી ન્યૂઝ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં, તેના વાચકોએ મહાત્મા ગાંધીને છેલ્લા ૧,૦૦૦ વર્ષના મહાન વ્યક્તિત્વ તરીકે જાહેર કર્યા હતા.

ઓક્ટોબર ૧૯૪૭માં, ઓલ ઈન્ડિયા રેડિયોએ તેમના જન્મદિવસ પર એક ખાસ પ્રસારણ કર્યું અને તેમને તે સાંભળવા વિનંતી કરી પરંતુ તેમણે ના પાડી. તેમને રેડિયોને બદલે ‘રેંટિયો પસંદ હતો. તમને ચરખાનો અવાજ વધુ મીઠો લાગ્યો. આ અવાજમાં તેમણે “માનવતાનું ઉદાસ સંગીત” સાંભળ્યું. ચરખો એક નાનું લાકડાનું પૈડું છે, પરંતુ તેમની હત્યાના સમાચારથી વિશ્વભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ, જેનાથી તેમના રેંટિયા ના અવાજનો પડઘો અનેકગણો વધી ગયો.

સ્વાભાવિક છે કે, ગાંધીજીના સમુદ્રી વર્તુળે સમગ્ર વિશ્વને ઘેરી લીધું હતું.

૦૦૦૦

Martyrs of Indian Freedom Struggle – (64) Adventurous Subhashbabu (1)

સુભાષબાબુનું પરાક્રમ (૧)

ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે. એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા. એમણે ‘ભારત છોડો’ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી. એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું. એ અહીં જ ‘નેતાજી’ બન્યા.

સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો. એ અલગ નહોતો, અલગ પ્રકારનો હતો, પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો. અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી. ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી. ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું. આમ છતાં, આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો, પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા.

બીજી બાજુ, કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો! એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા, તો બીજી બાજુ, એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં. સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો.

પરંતુ સુભાષબાબુએ ‘આઝાદ હિન્દ ફોજ’ બનાવી એ ધારણા સાચી નથી. એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ. આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે.

રાસબિહારી બોઝ

અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો. રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા. દૂર-પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું.

૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો. ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ‘ઊગતો સૂરજ’ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી. બે દિવસ પછી, ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા. ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ ‘દુશ્મન’ દેશના નાગરિક છે, પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે, કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે. પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે. એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું. હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો. ૯મી-૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા, એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા. આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી. હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી. દાખલા તરીકે, મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા, માત્ર ‘નિરીક્ષકો’ મોકલ્યા. હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી, માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ.

નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ‘ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ’ના નેજા હેઠળ મળ્યા. એન. રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે. ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો, ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં’ અને બીજું, જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦,૦૦૦ અને મલાયામાં ૬૦,૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું.

થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે. આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે. સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે.

અંતે, સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના-યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો. આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી. બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું. સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ ‘અહિંસા’ શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે. આ બધું જોતાં, હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ. બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય

આઝાદ હિંદ ફોજ

સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા. જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે. તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે. કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા.

૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી. એમણે ‘ઇંડિયન નૅશનલ આર્મી’ (INA) શરૂ કરવા અપીલ કરી. કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા. પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું.

એ વખતે જાપાને બર્મામાં રંગૂન (હવે યંગોન) સર કરી લીધું હતું. આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું. ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું, તેની નોંધ લેવી જોઈએ. એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા. સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા. એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા. એ સત્ય કે અફવા?

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Martyrs of Indian Freedom Struggle – 63 – Quit India (1)

ભારત છોડો (૧)

કોંગ્રેસે હવે મરણિયો જંગ ખેલી લેવાનો નિર્ણય કરી લીધો. સાતમી અને આઠમી ઑગસ્ટે એક મીટિંગમાં સરકારને આખરીનામું આપવાનું નક્કી કરી લીધું અને નવમીથી ‘ભારત છોડો’ આંદોલન શરૂ કરવાની તૈયારી કરી લીધી.

નવમી ઑગસ્ટે ગોવાલિયા ટેંક મેદાનમાંથી ઐતિહાસિક સંગ્રામ શરૂ થાય તે પહેલાં સરકારે ‘ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી તરીકે ઓળખાતાં સંગઠનો”ને ગેરકાનૂની સંગઠન જાહેર કરી દીધાં. તે ઉપરાંત મુંબઈ અને ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ, ગુજરાત કોંગ્રેસની સત્યાગ્રહ સમિતિ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને કર્ણાટકની કોંગ્રેસ સત્યાગ્રહ સમિતિને પણ ગેરકાનૂની જાહેર કરી. એમની મીટિંગો માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું. ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે ઊભા કરેલા શમિયાણા સહિત કોંગ્રેસ હાઉસ, વિઠ્ઠલ સદન, સરોજિની કુટિર, દાદાભાઈ મંઝિલ, જિન્ના હૉલ વગેરે સ્થળો પર પોલીસે કબજો કરી લીધો.

ગાંધીજી સહિત બધા નેતાઓની આગલી મધરાતે જ ધરપકડ  કરી લેવાઈ અને ટ્રેનમાં બેસાડી દેવાયા. ચિંચવડ સ્ટેશને ગાંધીજી અને બીજા કેટલાકને યરવડા જેલમાં લઈ જવાના હતા તે ઊતર્યા. પોલીસના રિપોર્ટ પ્રમાણે પૂના સ્ટેશને ટ્રેન રોકાવાની નહોતી પણ રહસ્યભરી રીતે ત્યાં સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાઈ. એ સાથે જ જવાહરલાલ અને શંકરરાવ દેવ ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસી ગયા પણ પોલીસના DIGએ એમને અટકાવ્યા. નહેરુ અને દેવ બહુ ગુસ્સામાં હતા અને પોલીસ સાથે થોડી ધક્કામુક્કી પણ થઈ. સરવાળે, ટ્રેન વર્કિંગ કમિટીના બધા સભ્યો સાથે શાંતિથી અહમદનગર પહોંચી ગઈ.

આ બાજુ, સવાર પડતાં જ લોકોમાં કોંગ્રેસ નેતાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. લોકો ગોવાલિયા ટેંક મેદાનમાં એકઠા થવા લાગ્યા હતા (પછી એનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન રાખવામાં આવ્યું). પરંતુ કોઈ નેતાઓ તો હતા નહીં એટલે કોંગ્રેસના યુવાનોએ આ જવાબદારી સંભાળી લીધી. ઉષાબેન મહેતા એ વખતે ૨૨ વર્ષનાં હતાં; એમણે ત્રિરંગો લહેરાવ્યો. ઠેરઠેર ઉશ્કેરાયેલાં ટોળાંઓ નીકળી પડ્યાં અને સરકારી બિલ્ડિંગો અને રેલવેની સંપત્તિને નુકસાનથી બચાવવા પોલીસને બે દિવસ સુધી તો કેટલાંયે ઠેકાણે લાઠીચાર્જ કરવો પડ્યો. દસમીએ પોલીસના ગોળીબારમાં છ જણ માર્યા ગયા. મદ્રાસ પ્રાંતમાં તેનાલી રેલવે સ્ટેશને ટોળાએ માલસામાનના શેડ લૂંટી લીધા, તાર-ટેલીફોન લાઇનો કાપી નાખી, બે ટ્રેનોને સળગાવી નાખી. લખનઉ, કાનપુર, મુંબઈ, નાગપુર, અમદાવાદ વગેરે ઔદ્યોગિક શહેરોમાં ભારે અશાંતિ હતી. બિહારમાં શાંતિ નહોતી, પટનાના રેલવે સ્ટેશનની ભારે ખાનાખરાબી થઈ. અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢાકા વગેરે શહેરોમાં ભારે ઊકળાટ હતો. ક્લકત્તા અને ઢાકામાં તો પોલીસે ગોળીબાર પણ કર્યો. સરકારનો આરોપ હતો કે કોંગ્રેસ હવે સીધી રીતે વિદ્યાર્થીઓને ભાંગફોડ માટે ઉશ્કેરે છે. તોડફોડનું નિશાન સંદેશ સેવાઓ અને ટ્રેન સેવાઓ હતી.

૧૪મી ઑગસ્ટે ઉષાબેન અને એમના સાથીઓ વિઠ્ઠલભાઈ ઝવેરી. ચંદ્રકાન્ત ઝવેરી,અને બાબુભાઈ ઠક્કરે એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું. શિકાગો રેડિયોના માલિક નાનકા મોટવાણીએ એના માટે ઉપકરણો આપ્યાં અને પોતાના ટેકનિશિયનોને રેડિયો સ્ટેશન ચલાવવાની જવાબદારી સોંપી. ૨૭મી ઑગસ્ટે ઉષાબેનના અવાજમાં કોંગ્રેસ રેડિયોનાં પ્રસારણો શરૂ થયાં. કોંગ્રેસના નેતાઓ રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, પુરુષોત્તમ ત્રિકમદાસ વગેરે પણ એમને મદદ કરતા. પોલીસથી બચવા રેડિયો સ્ટેશનને એક જગ્યાએથી બીજે લઈ જવું પડતું. અંતે નવેમ્બરમાં પોલીસે આ સ્ટેશન પકડી પાડ્યું. ઉષાબેન અને એમના સાથીઓને ચાર વર્ષની કેદની સજા થઈ.

વાઇસરૉય લિન્લિથગો દરરોજ હિંદ માટેના બ્રિટિશ પ્રધાન લૉર્ડ ઍમરીને રિપોર્ટ મોકલતો તેમાં બધે ઠેકાણે સ્થિતિ કાબૂમાં હોવાનું લખતો પણ તે સાથે નવાં સ્થળોએ તોફાન ફાટી નીકળવાના સમાચાર પણ આપવા પડતા હતા. પાંચમી સપ્ટેમ્બરના એના રિપોર્ટમાં માહિતી આપી છે કે આખા દેશમાં ૬૫ પોલીસ ચોકીઓ પર ભીડે હુમલા કર્યા તેમાં ૪૦ ચોકીઓ સદંતર નાશ પામી, ૩૪૦ના જાન ગયા અને ૬૦૦ ઘાયલ થયા.અને હજી આંદોલનને એક મહિનો પણ પૂરો નહોતો થયો. આ ઘટનાઓમાં ૨૮ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા.

સરકારે વિદ્રોહને દબાવી દેવા માટે ૫૭ લશ્કરી બટાલિયનો ઉતારી. જનતાને નાથવાની કોશિશમાં ૧૧ સૈનિકો અને બે હવાઈદળના કર્મચારીઓનાં મોત થયાં. ૨૮મી સપ્ટેમ્બરે ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના એક ગામે પોલીસે ગોળીબાર કર્યો તેમાં ૨૯ જણ શહીદ થયા.

ઑક્ટોબરના અંતમાં વાયવ્ય સરહદ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કેદ કરી લેવાયા. ફેબ્રુઆરી ૧૯૪૩ સુધીમાં ૪૦,૦૦૦ વ્યક્તિઓ જુદા જુદા કાયદા હેઠળ જેલોમાં હતી અને ૧૫૭ બોંબ કેસો પણ પકડાયા. સરકારી રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ પ્રેરિત તોફાનોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે મુસ્લિમ નેતાઓ નહોતા જોડાયા. પરંતુ હિન્દુ-મુસ્લિમ રમખાણ ન થયાં. મુસ્લિમ લીગે મુસલમાનોને આ આંદોલનથી દૂર રહેવા અપીલ કરી હતી. કમ્યુનિસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી.

એક ગુપ્ત AICCની ઑફિસ પણ શરૂ થઈ, એણે ‘કરો યા મરો’ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો. કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, એમ બધા વર્ગો માટે ભૂગર્ભ AICCએ જુદી જુદી અપીલો બહાર પાડી.

જયપ્રકાશ નારાયણ

૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર (હવે ઝારખંડ)ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા. ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા. જે. પી. સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા. જે. પી. માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે. એમણે “દેશમાં કોઈક સ્થળેથી” કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ‘ભારત છોડો’ આંદોલનને ફેલાવ્યું. સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે. પી. વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી.

તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ‘ફ્રીડમ બ્રિગેડ’ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા. સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે. પી. અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા.

જનતા સરકારો

યુક્ત પ્રાંતમાં બલિયા, ગઢવાલ, બિહારમાં મૂંગેર, મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી. એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી. લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું. જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું. લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી, ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી. લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ. ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ. પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા. તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા.

બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને ‘વિદ્યુત વાહિની’ બનાવી હતી; હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા. એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી, કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં, તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા.

૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી. એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા.

૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી. સતીશચંદ્ર સામંત એના પહેલા ‘સરમુખત્યાર’ બન્યા. તે પછીની ૨૬મી જાન્યુઆરીએ – કોંગ્રેસના સંકલ્પ દિને – સૂતાહાટા, નંદીગ્રામ, તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની. તામ્રલિપ્ત સરકારે ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી રોગો, મુલ્કી અને ફોજદારી કેસો, નિશાળો, સૈનિકો, પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં. આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી. ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું.

પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો. આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા. તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી.

‘ભારત છોડો’ આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી. નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું.

Martyrs of Indian Freedom Struggle – 62 – Non-vilolent Khudai Khitamgars of Badshah Khan

બાદશાહ ખાનના અહિંસક પઠાણો

Chandra Singh Garhwali ગાંધીજીના અહિંસક સવિનય કાનૂન ભંગનો જ્વલંત દાખલો તો હિન્દુસ્તાનને છેડે ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા પેશાવરમાં મળ્યો. પઠાણો એટલે કે પખ્તૂનોનો આ પ્રાંત. હિન્દુસ્તાનના કોઈ પણ ભાગ કરતાં – બીજા મુસલમાનો કરતાં પણ – પઠાણોના નીતિનિયમો જુદા. પઠાણોમાં કબીલાઓ વચ્ચેનો ઝઘડો પેઢીઓ સુધી ચાલે. પઠાણ મિત્ર માટે બધું હોમી દેવા તૈયાર થાય પણ બદલો લેવાની વાત આવે ત્યારે એનું વેર કદીયે શમે નહીં. એમના નીતિ નિયમો એટલે ‘પખ્તૂનવાલી’. એમાં હિંસા તો બહુ સામાન્ય વાત. આ હિંસક કોમને અહિંસક બનાવીને રાષ્ટ્રજીવનમાં જોડીને તદ્દન જુદી – અહિંસાની – દિશામાં લઈ જનારા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ઉર્ફે બાદશાહ ખાન (પખ્તૂન નામ બાચા ખાન) અને એમની સંસ્થા ખુદાઈ ખિદમતગાર. બાદશાહ ખાને એમના માટે લાલ ખમીસનો યુનિફૉર્મ પસંદ કર્યો હતો એટલે ખુદાઈ ખિદમતગારોને ‘લાલ ખમીસ દળ’ તરીકે પણ ઓળખવામાં આવતા. ગાંધીજીના સવિનય કાનૂન ભંગના આંદોલનમાં એમનો ફાળો અનોખો રહ્યો.

બાદશાહ ખાન

બાદશાહ ખાનના પરિવારને પેઢીઓથી સત્તા સાથે વેર રહ્યું હતું. એમના પરદાદાને અફઘાનિસ્તાનના શાસક દુર્રાનીએ ફાંસીએ લટકાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ દુર્રાની પર વિજય મેળવીને પોતાની આણ સ્થાપી ત્યારે બાદશાહ ખાનના દાદા અન્યાયની સામે લડતા. પિતા પણ આધુનિક વિચારોના હતા અને બાળકોને શિક્ષણ આપવાના હિમાયતી હતા. આનો લાભ બાદશાહ ખાનના મોટા ભાઈ, ડૉ. ખાન સાહેબ (ખાન અબ્દુલ જબ્બાર ખાન)ને મળ્યો. (ડૉ. ખાન સાહેબ ૧૯૩૭ અને ૧૯૪૬માં કોંગ્રેસની સાથે રહીને નૉર્થ વેસ્ટ ફ્રંટિયરના પ્રીમિયર બન્યા).

બાદશાહ ખાન દિલ્હી, કલકતા, લખનઉ વગેરે સ્થળોની મુલાકાત લઈને બહુ પ્રભાવિત થયા. એમણે પાછા જઈને પખ્તૂનોને એમના રૂઢિગત પછાત સંસ્કારો છોડીને રાષ્ટ્રજીવનમાં આવવા સમજાવ્યા અને ખુદાઈ ખિદમતગાર સંગઠનની સ્થાપના કરી. એમાં એમણે શિક્ષણ ઉપરાંત રાજકીય અન્યાયો સામે લડવા પર ભાર મૂક્યો. લાહોરમાં કોંગ્રેસના અધિવેશન વખતે એ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યા. લાહોરમાં જ કોંગ્રેસે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કર્યો.

 પેશાવરમાં અહિંસક પઠાણો પર ગોળીબાર

ગાંધીજીએ ૬ઠ્ઠી ઍપ્રિલે દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો તે પછી આખા દેશમાં અંગ્રેજ હકુમત સામે વિરોધનો જુવાળ ઊઠ્યો હતો. ૨૩મી ઍપ્રિલે બાદશાહ ખાને ઉસ્માનઝાઈમાં જાહેર સભાને સંબોધન કર્યું અને લોકોને અંગ્રેજી રાજની સામે લડવા માટે ખુદાઈ ખિદમતગારમાં સામેલ થવાનું એલાન કર્યું. તે પછી અસંખ્ય લોકોએ અંગ્રેજી રાજને હટાવવાની પ્રતિજ્ઞા લીધી. સભા પછી એ પેશાવર જતા હતા ત્યારે રસ્તામાં જ પોલીસે એમની ધરપકડ કરી લીધી.

આ સમાચાર મળતાં કિસ્સા ખ્વાની બજારમાં મોટું ટોળું એકઠું થઈ ગયું. લોકોમાં આવેશ બહુ હતો પણ અહિંસાની પ્રતિજ્ઞા લીધી હોવાથી કોઈ પાસે હથિયાર નહોતાં. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં લખે છે કે બ્રિટિશ સેનાએ કેપ્ટન રૅકિટની આગેવાની હેઠળ ગઢવાલી રેજિમેન્ટના સૈનિકોની એક ટુકડી મોકલી. એમની સાથે બખ્તરબંધ ગાડીઓ પણ હતી. સૈનિકો આવ્યા ત્યારે હિન્દુઓ, શીખો અને મુસલમાનોએ ખભે ખભા મિલાવીને માનવ દીવાલ બનાવી દીધી. પરંતુ અંગ્રેજી ફોજે પોતાની રણગાડીઓ સીધી જ માનવ દીવાલ પર હંકારી દીધી. આમાં કેટલાય ચગદાઈ મર્યા. ઓચિંતા જ એક જુવાનિયાએ એક રણગાડીને આગ લગાડી દીધી. એ આગ ચારે રણગાડીઓને ભરખી ગઈ. પછી સૈનિકોએ ચારે બાજુએ આંધળો ગોળીબાર કર્યો. કેટલીયે લાશો ઢળી. ઘણાયે પઠાણોએ તેમ છતાં મચક ન આપી. મુખમાં અલ્લાહનું નામ અને બગલમાં કુરાન દબાવીને મોતને ભેટ્યા.

ફરી મે મહિનાની ૩૧મીએ પોલીસે નિર્દોષો પર ગોળીબાર કર્યો અને એક શીખ સરદાર ગંગા સિંઘનાં બે બાળકોને મારી નાખ્યાં. એમની પત્નીને પણ ગોળી વાગી. બાદશાહ ખાન અને બીજા નેતાઓ જેલમાં હતા ત્યારે પઠાણો પર અત્યાચારો ચાલુ રહ્યા. એમનો ચૌદ વર્ષનો પુત્ર વલી ખાન સ્કૂલમાંથી છૂટીને ખુદાઈ ખિદમતગારની ઑફિસે જતો હતો પણ અંગ્રેજોએ ઑફિસનો કબજો કરી લીધો હતો. એક સૈનિકે વલી ખાનને જોઈને એને બેયોનેટથી વીંધી નાખવા નિશાન લીધું ત્યારે એક મુસલમાન સિપાઈએ વચ્ચે હાથ દઈને એને બચાવી લીધો. (વલી ખાન પછી પાકિસ્તાનની એસેંબ્લીમાં ચુંટાયા અને છેવટ સુધી પખ્તૂનોના અધિકારો માતે લડતા રહ્યા.

કિસ્સા ખ્વાની બજારની જેમ બીજો હત્યાકાંડ ટકર શહેરમાં થયો. ખુદાઈ ખિદમતગારની ઑફિસો બાળી નાખવાનું તો સામાન્ય બની ગયું હતું.

આના પછી બાદશાહ ખાન રીતસર કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક અંગ્રેજ સત્તાવાળાઓએ એમને રોકવા માટે ઘણાંય વચનો આપ્યાં પણ એમણે પાકો નિશ્ચય કરી લીધો હતો.

કોંગ્રેસની તપાસ સમિતિ

ખુદાઈ ખિદમતગાર હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા એટલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોતીલાલ નહેરુએ કિસ્સા ખ્વાની બજારના ગોળીબારની તપાસ માટે વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે તપાસ સમિતિ બનાવી. સમિતિ ત્યાં ગઈ, પણ ઍટૉક બ્રિજ પર પોલીસે એમને રોકી લીધા. તે પછી વિઠ્ઠલભાઈ અને એમના સાથીઓ ત્યાંથી રાવલપીંડી ગયા અને કેટલાય દિવસ રહીને લોકોને મળ્યા અને એમની જુબાનીઓ નોંધી. સમિતિ સમક્ષ ૩૭ મુસ્લિમ અને ૩૩ હિન્દુ સાક્ષીઓ ઉપસ્થિત થયા અને સરકારના દાવાઓને ખોટા પાડ્યા. આમાંથી એક રામચંદ હતો એ ચાલી, બેસી કે ઊઠી શક્તો નહોતો. એના પરથી અંગેજ સૈનિકોએ બખ્તરબંધ ગાડી ચલાવી દીધી હતી અને તે પછી ગોળીબાર થયો તેમાં એને ચાર ગોળીઓ વાગી હતી. સદ્‍ભાગ્યે એ જીવતો રહી ગયો. સમિતિ સમક્ષ એની જુબાની બહુ અગત્યની  રહી. એક સાક્ષીએ કહ્યું કે અહીં નિવેદન આપ્યા પછી એને જેલમાં મોકલી દેવાશે કારણ કે એના ગામમાં સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે જે કોઈ કોંગ્રેસની સમિતિ સમક્ષ જુબાની આપવા રાવલપીંડી જશે તેને અપરાધી માની લેવાશે. બીજા એક સાક્ષીએ કહ્યું કે એ સરકારી સમિતિ સમક્ષ નિવેદન નોંધાવવા નહોતો ગયો કારણ કે એ સરકારી સમિતિ પર વિશ્વાસ રાખવા તૈયાર નહોતો. એણે કહ્યું કે કોંગ્રેસની સમિતિ સમક્ષ આવવાને કારણે એને ગોળીએ દઈ દેવાશે તો પણ પરવા નથી.

રિપોર્ટે અંગ્રેજ સરકારના અત્યાચારને છતો કરી દીધો. સરકારે રિપોર્ટ પ્રકાશિત ન થાય તેના માટે એના પર પ્રતિબંધ મૂકી દીધો પણ એની કેટલીયે નકલો અમેરિકા અને ઇંગ્લૅંડ પહોંચી ગઈ હતી એટલે લોકો સમક્ષ સત્ય પ્રગટ થઈ ગયું.

કિસ્સા ખ્વાની બજારનો હત્યાકાંડ અગિયાર વર્ષ પહેલાના જલિયાંવાલા બાગ હત્યાકાંડની નવી આવૃત્તિ જેવો હતો. અને અહિંસક સત્યાગ્રહના ઇતિહાસનું કે લોકોના બલિદાનનું જ્વલંત ઉદાહરણ છે.

ખુદાઈ ખિદમતગાર અને કોંગ્રેસ સાથે મળીને ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં છેક ૧૯૪૭ સુધી સંઘર્ષ ચલાવતાં રહ્યાં. પરંતુ બાદશાહ ખાન પાકિસ્તાનમાં જોડાવા નહોતા માગતા. એમની લોકમત લેવાની માગણી પર કોંગ્રેસે કંઈ ધ્યાન ન આપ્યું. એ અંતે બહુ દુઃખી હતા અને એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે ફેંકી દીધા છે.

ભારતની આઝાદીના સંઘર્ષમાં બાદશાહ ખાનની ભૂમિકા કદી ભૂલી શકાય તેમ નથી.

ગઢવાલી સૈનિકોનો દેશપ્રેમ

કિસ્સા ખ્વાની બજારમાં ગઢવાલી સૈનિકોએ ગોળીઓ ચલાવવાની ના પાડી. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં તેનો ખાસ ઉલ્લેખ કરીને એમની દેશભક્તિને દાદ આપે છે. આ મહાન ઘટના પર નજર નાખીએઃ

કેપ્ટન રેકિટે પહેલાં તો ગઢવાલી ટુકડીના નેતા ચંદ્ર સિંઘ ભંડારી (ગઢવાલી) ને ફાયરિંગ શરૂ કરવાનો હુકમ આપ્યો પણ એમણે શસ્ત્રવિરામનો હુકમ આપ્યો. બધા ગઢવાલી સૈનિકોએ બંદુકો નીચી કરી દીધી. એમને કૅપ્ટન રૅકિટને કહી દીધું કે અમે નિઃશસ્ત્ર લોકો પર ગોળી નહીં ચલાવીએ. એટલે જે ખૂના મરકી થઈ તે અંગ્રેજ સૈનિકોને હાથે જ થઈ. તરત જ ચંદ્ર સિંઘ અને એમની ટુકડીનાં હથિયારો લઈ લેવાયાં અને બધાને નજરકેદ રખાયા. એમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને કોઈ કારણે મોતની સજાને બદલે જનમટીપની સજા અપાઈ. એમના બીજા ૧૬ સાથીઓને પણ લાંબી સજાઓ થઈ. ૩૯ જણને નોકરીમાંથી કાઢી મુકાયા.

ચંદ્ર સિંઘને ઍબટાબાદ, ડેરા ઇસ્માઈલ ખાન, બરૈલી, નૈનીતાલ, લખનઉ, અલ્મોડા અને ધેરાદૂનની જેલોમાં રાખવામાં આવ્યા અને ૧૧ વર્ષ પછી એ છૂટ્યા. બધી જેલોમાં એમણે ઘણા અત્યાચારો સહ્યા. એ બેડીઓને મર્દોનું ઘરેણું કહેતા.

જેલોમાં એમને ઘણા દેશભક્તોને મળવાની તક મળી. લખનઉ જેલમાં સુભાષબાબુને મળ્યા. જેલમાંથી છૂટ્યા પછી એ થોડો વખત અલ્હાબાદમાં નહેરુને ઘરે આનંદ ભવનમાં રહ્યા અને પછી ગાંધીજીના વર્ધા આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા. ક્વિટ ઇંડિયા ચળવળ વખતે એમને સાત વર્ષની સજા થઈ. જેલમાં એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યા અને આજીવન કમ્યુનિસ્ટ રહ્યા. ૧૯૫૨માં એ વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ હારી ગયા.

પઠાણોએ એમનું ઋણ હંમેશાં યાદ રાખ્યું. દેશના ભાગલા થયા ત્યારે એમના પિતા ક્વેટા (કોયટા)માં રહેતા હતા. પરંતુ તેઓ ચંદ્રસિંહનાં માતાપિતા છે તે જાણીને એક પઠાણ એમને ભારતની સરહદ સુધી સહીસલામત પહોંચાડી ગયો.

૦૦૦

સંદર્ભઃ

૧.My Life and Struggle (Autobiography) Khan Abdul Ghaffar Khan

૨. http://www.merapahadforum.com/personalities-of-uttarakhand/chandra-singh-garhwali-”/

૩. Peshawar Inquiry Report.

Martyrs of Indian Freedom Struggle – 61 – The Salt Satyagragha and Its Nation-wide Ramifications – 4

મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૪)

ગાંધીજીને માત્ર સમુદ્રમાં મીઠું પકવવાથી સંતોષ નહોતો. ખાસ કરીને સરકારે એવો દાવો કર્યો કે સત્યાગ્રહ અસરકારક નહોતો રહ્યો અને મોટી ભીડ તો એમને જોવા માટે સમુદ્રકાંઠે એકઠી થઈ હતી.  આથી એમણે હવે બીજો દાવ ખેલવાનું નક્કી કર્યું. ધરાસણામાં મીઠું બનાવવાનું કારખાનું હતું. એમણે આ કારખાનું બંધ કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું! ગાંધીજી સરકારને જલદ પગલાં લેવાની ફરજ પાડતા હતા!

દાંડીના દરિયેથી મીઠું ઉપાડ્યા પછી ચાર અઠવાડિયે એમણે વાઇસરૉયને પત્ર લખીને ધરાસણાના મીઠાના કારખાના પર ‘દરોડો’ પાડવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. તે પછી તરત એમની ધરપકડ કરી લેવાઈ. નહેરુ, સરદાર પટેલ વગેરે બીજા નેતાઓને પણ પકડી લેવાયા.

પરંતુ ધરાસણાના કારખાના પર હલ્લો બોલવાની યોજના ચાલુ રહી. ગાંધીજીએ ૭૬ વર્ષના વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીને એની નેતાગીરી સોંપી અને એમની સાથે કસ્તૂરબાને ગોઠવ્યાં. પણ બન્ને ધરાસણા પહોંચે તે પહેલાં જ એમની ધરપકડ કરી લેવાઈ અને ત્રણ-ત્રણ મહિનાની સજા આપવામાં આવી.

એમના પછી સરોજિની નાયડુ અને મૌલાના અબૂલ કલામ આઝાદ પર સત્યાગ્રહીઓને દોરવણી આપવાની જવાબદારી આવી. બધી તૈયારી થઈ ગઈ હતી. માર પડવાની જ હતી પણ સામે હાથ ઉગામવાનો નહોતો. એટલે મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ ઘાયલ થવાના હતા. આથી ડૉક્ટરી સારવારની વ્યવસ્થા પણ કરી લેવાઈ. સ્ટ્રેચરો, ખાટલા વગેરે પણ મંગાવી લેવાયાં.

પહેલા દિવસે તો સત્યાગ્રહીઓ કારખાના તરફ ગયા. પોલીસે એમને ધકેલી દીધા કે પકડી લીધા. તે પછી બધા એ જ જગ્યાએ ૨૮ કલાક બેઠા રહ્યા. હવે એમણે વ્યૂહ બદલ્યો અને અગરોની આસપાસ કાંટાળા તારની વાડો બનાવી હતી તે તોડવાનું શરૂ કર્યું, તે સાથે જ સિપાઈઓ એમના પર તૂટી પડ્યા.  કોઈનાં માથાંફૂટ્યાં તો કોઈના પગ. લોહી એટલું વહ્યું કે સ્ટ્રેચરો ઓછાં પડ્યાં.

અમેરિકન પત્રકાર વેબ મિલર આ ઘટનાનો સાક્ષી હતો. એણે રિપોર્ટ મોકલ્યા તે પહેલા દિવસે તો પ્રગટ ન થયા, કારણ કે બ્રિટિશ સરકારે સેન્સરશિપ લાગુ કરી દીધી હતી. મિલરે સેન્સરશિપ હોવાનું જાહેર કરી દેવાની ધમકી આપી તે પછી એમનો પહેલો રિપોર્ટ છપાયો. તે સાથે જ દુનિયામાં ૧૩૫૦ છાપાંઓમાં આ સમાચાર ચમક્યા અને દુનિયામાં અરેરાટી  ફેલાઈ ગઈ. નિર્દોષ, અહિંસક સત્યાગ્રહીઓ પર હુમલાની ઠેકઠેકાણે ભારે ટીકા થવા લાગી. મિલરે રિપોર્ટ આપ્યો કે,

“હું જ્યાં ઊભો હતો ત્યાં મને સત્યાગ્રહીની ખોપરી પર લોખંડ ચડાવેલી લાઠીનો પ્રહાર સંભળાતો હતો. મને ઊબકા આવવા લાગ્યા. જોનારાના મોઢામાંથી આહ અને ઓહ નીકળી જતાં હતાં પણ એક પણ સત્યાગ્રહીએ સામે હાથ ન ઉગામ્યો. ઘાયલોને લેવા માટેનાં સ્ટ્રેચરો ઓછાં પડ્યાં એટલે  સ્વયંસેવકો એમને કામળામાં ઊંચકીને લઈ જવા લાગ્યા. કામળા પણ લોહી નીતરતા હતા. ત્યાંથી એમને  પ્રાથમિક સારવાર પછી હૉસ્પિટલ લઈ જવાતા હતા. હૉસ્પિટલમાં મેં ઘાયલોની સંખ્યા ગણી. ૩૨૦ ઘાયલ થયા હતા.  કેટલાયને પોલીસે ગુપ્તાંગો પર લાતો મારી હતી. એ પીડાથી કણસતા હતા. બે સત્યાગ્રહીઓનાં ત્યાં જ મૃત્યુ થયાં.”

સરદાર વલ્લભભાઈનાં માતા

મીઠાના સત્યાગ્રહનું કેન્દ્રસ્થાન દાંડી રહ્યું, પરંતુ ગુજરાતમાં બીજાં આંદોલનો પણ થવા લાગ્યાં. ખાસ કરીને સૂરતનો બારડોલી જિલ્લો અને ભરૂચનો જંબુસર જિલ્લો મોખરે રહ્યાં. બારડોલીમાં ગામડાંમાં ખેડૂતોએ જમીન મહેસૂલ ન આપવાનું આંદોલન ચલાવ્યું. પોલીસના અત્યાચારનો સપાટો સરદાર વલ્લભભાઈનાં એંસી વર્ષનાં માતાને પણ લાગ્યો. એ રાંધતાં હતાં ત્યારે સિપાઈઓ એમના રસોડામાં ઘૂસી ગયા અને બધું ઢોળી નાખ્યું, માટીનાં વાસણો ફોડી નાખ્યાં અને જે કંઈ વાસણો મળ્યાં તેમાં કેરોસીન ભરી દીધું. સરદાર એ વખતે હજી જેલમાં જ હતા.

ધોલેરા સત્યાગ્રહ

૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ ૨૧ સત્યાગ્રહીઓની ટુકડી સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ઘોષણા સહિત, પોલીસોની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરી, તેમની પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું. તેમને થોડો સમય કસ્ટમ હાઉસમાં બેસાડી રાખી, છોડી દેવામાં આવ્યા. અમૃતલાલ શેઠ પર કેસ ચલાવી અઢી વર્ષની સજા કરવામાં આવી. બળવંતરાય મહેતાની સરદારી હેઠળ મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓની ટુકડી ૧૩ એપ્રિલની સવારે નીકળી. તેણે મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બળવંતરાયની ધરપકડ કરી, ધંધૂકામાં કેસ ચલાવી બે વર્ષની સજા કરવામાં આવી. આશરે દોઢ મહિનાની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી, દેવીબહેન પટ્ટણી, ભીમજીભાઈ સુશીલ, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા (સોપાન) જેવા અગ્રણીઓને જેલમાં મોકલવા છતાં લડતનો જુસ્સો ચાલુ રહેવાથી પોલીસે ધોલેરા, ધંધૂકા, બરવાળા અને રાણપુરની સત્યાગ્રહની છાવણીઓ પર છાપા મારી, છાવણીઓ કબજે કરવાથી ધોલેરાના સ્મશાનમાં છાવણી શરૂ કરી. કુલ આઠ મહિના સુધી સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવ્યો. આ દરમિયાન સત્યાગ્રહીઓ ઉપર પોલીસોએ અમાનવીય અત્યાચારો ગુજાર્યા.

૧૯૩૦ના ગુજરાતના શહીદો

સવિનય કાનૂન ભંગનું આંદોલન તે પછી પણ ચાલતું રહ્યું. આખા દેશમાં પોલીસના દમનને કારણે અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યા.  આપણે બધાને અંજલિ આપીએ. અહીં ૧૯૩૦નાગુજરાતના શહીદોનાં નામ જેટલાં મળી શક્યાં તેટલાં આપ્યાં છે, કારણ કે પોલીસના રેકૉર્ડમાં હોય – જેમનાં મૃત્યુ સ્થળ પર જ થયાં હોય અથવા જેલમાં થયાં હોય તેમનાં નામ જ મળી શકે. ઘણાને બહુ ખરાબ હાલતમાં છોડી મૂક્યા હોય અને પાછળથી એમનાં ઘરે મૃત્યુ થયાં હોય. એમની માહિતી એકઠી કરવાનું બહુ કપરું કામ છે. એ સૌની ક્ષમા માગી લઈએ.

૧. બાપુરાવ અંગાપુરકર – ગામ કરાડી (જિ. નવસારી). પ્રાથમિક શાળાના શિક્ષક. ધરપકડ પછી પોલિસના અત્યાચારને કારણે શહીદ થયા.

૨. ભાઇલાલ દાજીભાઈ પટેલ – ગામ પતીજ, જિ. ખેડા. ધરાસણાના સત્યાગ્રહી. એમને પોલીસે લાઠીઓ મારી. લાતો મારી. એ બેહોશ થઈ ગયા અને અર્ધા કલાકમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

૩. ભાણ ખેપુ હુલ્લા – મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના, પણ સૂરત જિલ્લાના કિસ્મોડા ગામે રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા અને ગંભીર ઈજાઓનો ભિગ બન્યા. ૧૦મી જૂને એમનું મૃત્યુ થયું.

૪. ગોરધનભાઈ રણછોડભાઈ – ભરૂચ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગનાં આંદોલનોમાં સક્રિય રહ્યા. વિદેશી કપડાંની હોળી, દારૂના પીઠાં પર પિકેટિંગ, મીઠાનો સત્યાગ્રહ વગેરેમાં ભાગ લેતા હતા.  એમની ધરપક્ડ પછી સાબરમતી જેલમાં મોકલી દેવાયા. ત્યાં બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા.

૫. હરિલાલ શાહ – મૂળ મુંબઈના, પણ સૂરતમાં રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના લાઠી પ્રહારમાં મૃત્યુ પામ્યા.

૬. ઈશ્વરલાલ વૈરાગીવાળા – આંદોલનમાં ભાગ લેવાને કારણે બે વર્ષની સખત કેદની સજા આપીને વિસાપુર જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમની તબીયત લથડી એટલે અહમદનગર લઈ જવાયા. ત્યાં ૭ ડિસેમ્બર ૧૯૩૨ના રોજ હૉસ્પિટલમાં મૃત્યુ થયું.

૭.જેઠાભાઈ પટેલ – ગામ જલસામ, જિ, ખેડા. સાબરમતી જેલમાં પોલીસના અત્યાચારને કારણે ૯મીડિસેમ્બર ૧૯૩૨ના રોજ એમનું મૃત્યુ થયું.

૮.  જેઠાલાલ જાયેડભાઈ – ખેડા જિલ્લો.  ૧૯૩૨માં ગેરકાનૂની ઠરાવેલું કોંગ્રેસનું સાહિત્ય એમની હોટેલમાંથી મળ્યું. કારાવાસ અને દંડની સજા મળી. જેલમાં ગંભીર બીમારી લાગુ પડી અને ૧૯૩૨માં મૃત્યુ પામ્યા.

૯. મનસુખલાલ – ગોધરા, જિલ્લો પંચમહાલ. ૧૯૩૧માં ધરપકડ થઈ. જેલમાં ગંભીર બીમારીનો શિકાર બન્યા અને અમદાવાદની એક હૉસ્પિટલમાં ખસેડ્યા, ત્યાં એમનું મૃત્યુ થયું.

૧૦. નરહરિભાઈ પટેલ – ગામ ઊદ, જિલ્લો ખેડા. ૧૯૩૧માં ગામમાં મીઠાનો સત્યાગ્રહ કર્યો. પોલીસે ગોળીબાર કરતાં સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું.

૧૦. નરુથ નાથ – (નામ સ્પષ્ટ નથી) – ગામ કોસ્મોડા, જિ. સૂરત. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના મારથી ઘાયલ. ૧૩મી જૂન ૧૯૩૦ના મૃત્યુ થયું.

૧૧. રતિલાલ વૈદ્ય – ગામ ધોલેરા, જિ. અમદાવાદ. ઉંમર ૧૬ વર્ષ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગમાં સક્રિય રહ્યા. એમને પકડીને યરવડા જેલમાં મોકલી દેવાયા. ત્યાં ભારે સખત મજૂરીને કારણે મૃત્યુ પામ્યા.

૧૨. ત્રંબકલાલ – સરખેજ (અમદાવાદ)ના રહેવાસી. ઉંમર વર્ષ ૧૮. આંદોલનમાં સક્રિય. સાબરમતી જેલમાં  ૧૯૩૦ના ઑગસ્ટમાં મૃત્યુ થયું.

૧૩. ત્રિવિક્રમ – ગામ જંબુસર (ભરૂચ). મે અને જુલાઈ દરમિયાન કેટલાય કાર્યક્રમોમાં ભાગ લીધો. ઑગસ્ટ ૧૯૩૦માં સાબરમતી જેલમાં મૃત્યુ.

૧૪. વિઠ્ઠલભાઈ દલ્લુભાઈ પટેલ – નવસારીના વતની. અંભેટી (બારડોલી તાલુકો)માં રાષ્ટ્રીય શાળાના શિક્ષક. ૧૯૩૦ના જંગલ સત્યાગ્રહમાં ભાગ લીધો. તે પછી મીઠાનો સત્યાગ્રહ પણ કર્યો. એ વખતે પોલીસના મારથી ગંભીર ઈજા પામ્યા અને ૧૯૩૦ની ૨૩મી ઍપ્રિલે મૃત્યુ થયું.

—–

(મીઠાના સત્યાગ્રહને પગલે પગલે – પણ અલગ રીતે – પઠાણોની અહિંસક વીરતા  અને એક સત્યાગ્રહી આર્મી ઑફિસર ચંદ્ર સિંહ ગઢવાલીની કથા માટે વિશે જાણવા આગામી ૬૧મા પ્રકરણની રાહ જૂઓ).

૦૦૦

પ્રકરણ ૫૭, ૫૮, ૫૯ અને ૬૦ માટેના સંદર્ભની સૂચિઃ

(લેખકની આ પહેલાંની ‘ભારતની ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ’ શ્રેણીના ભાગ ૩નાં પ્રકરણ ૪૮થી ૫૧માં આ સંદર્ભોનો ઉપયોગ કર્યો છે).

૧. Martys of India, Vol 4 (Maharashtra, Gujarat, Sindh)

૨. Centenary History of Indian National Congress Part II -1919-1935 edited by B. N. Pandey

૩. Natives beaten down by police in India salt bed raid – Webb Miller’s report

૪. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૨, નવજીવન ટ્રસ્ટ

૫. મહાદેવભાઈની ડાયરી  ભાગ ૧૩, નવજીવન ટ્રસ્ટ

૬. https://www.mkgandhi.org/civil_dis/dandi_march.htm

૭. https://upsctree.com/history-dharasana-satyagraha/

૮. (મહેબૂબ દેસાઈ – https://gujarativishwakosh.org/ધોલેરા)

૯. An Autobiography – Jawaharlal Nehru Chapter 29 page no. 209. First Edition April 1936.

૧૦. http://www.researchguru.net/volume/Volume%2012/Issue%202/RG144.pdf

૧૧. https://www.thehindu.com/news/national/tamil-nadu/when-rajaji-defied-the-salt-law/article11629453.ece

૧૨. India’s Struggle for Independence. Bipan Chandra et el. 1857 – 1947.

૧૩. Deshapriya Jatindra Mohan Sengupta (Makers of India series) by Padmini Seengupta, Publications Division, Government of India.

૧૪. Does Anyone Remember Abbas Tyabji?By Anil Nauriya (લેખકના અંગત સંગ્રહમાંથી)

૧૫. https://100years.upi.com/sta_1930-05-21.html

0૦૦

Martyrs of Indian Freedom Struggle – 60 -The Salt Satyagragha and Its Nation-wide Ramifications-3

પૂર્વ ભારતમાં સવિનય કાનૂન ભંગ

પૂર્વ ભારત, એટલે કે બિહાર, પંજાબ, હરિયાણામાં સમુદ્ર નથી. ચારે બાજુ જમીન છે એટલે ત્યાં મીઠું પકવવાનો સવાલ જ ઊભો ન થાય. બિહારમાં ના-કરની લડાઈમાં ગામડાંના લોકોએ ચોકીદારું’ એટલે કે ચોકીદારોનો પગાર ચુકવવાની સાફ ના પાડી દીધી. આ ચોકીદારોને લોકો સરકારના જાસૂસ માનતા. ભાગલપુર જિલ્લાના બીહપુરની કોંગ્રેસ ઑફિસ પર પોલીસે કબજો કરી લીધો. આના વિરોધમાં ત્યાં લોકો રોજેરોજ ટોળે મળીને વિરોધ કરવા લાગ્યા. અંતે રાજેન્દ્રપ્રસાદ અને અબ્દુલ બારી પટનાથી બીહપુર આવ્યા. એ વખતે કોંગ્રેસ ઑફિસ સામે જબ્બરદસ્ત ભીડ એકઠી થઈ. પોલીસે એને વીખેરવા લાઠીચાર્જ કર્યો તેમાં રાજેન્દ્રબાબુ ઘાયલ થયા. આના પછી બિહારના કોઈ પણ ગામમાં પોલીસને જવાનું મુશ્કેલ બની ગયું. લોકો એમને ગામમાં ઘૂસવા જ નહોતા દેતા.

નેલી અને યતીન્દ્ર મોહન સેનગુપ્તા

ઍપ્રિલની ૧૨મીએ કલકત્તામાં કૉર્નવૉલિસ સ્ટ્રીટ પર લોકોએ પ્રતિબંધિત સાહિત્ય જાહેરમાં વાંચવાનો કાર્યક્રમ બનાવ્યો અને ઘણાએ ધરપકડ વહોરી લીધી. મેયર યતીન્દ્ર મોહન સેનગુપ્તાને આ ખબર પડી ત્યારે એ પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી પોલીસે દરમિયાનગીરી ન કરી પણ તે પછી એમણે પ્રતિબંધિત સાહિત્ય વાંચવાની કોશિશ કરી ત્યારે એમને પકડી લીધા. એ ૨૫મી સપ્ટેમ્બરે છૂટ્યા.

આ પહેલાં જવાહરલાલ નહેરુ પકડાઈ ગયા હતા અને એમને સ્થાને યતીન્દ્ર મોહનબાબુને કોંગ્રેસના કામચલાઉ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આથી એ આખા દેશમાં ફરવા લાગ્યા. આ દરમિયાન અમૃતસરમાં જલિયાંવાલા બાગની એક મીટિંગમાં એમને ફરી પકડી લેવાયા અને નવ મહિનાની સજા કરીને દિલ્હીની જેલમાં મોકલી દેવાયા. દિલ્હીમાં એમનાં પત્ની નેલી સેનગુપ્તા અને અરુણા આસફ અલીએ પણ સ્ત્રીઓની એક સભામાં ભાષણ કરતાં એમને પણ રાજદ્રોહના આરોપસર સજા કરવામાં આવી. યતીન્દ્ર મોહન તે પછી ઇંગ્લૅંડથી પૅરિસ થઈને ઈટાલિયન જહાજમાં પાછા ફરતા હતા ત્યારે બ્રિટિશ પોલિસે એમને ગેરકાનૂની રીતે પકડી લીધા અને ભારત લઈ આવ્યા અને કોઈ પણ આરોપ વિના જેલમાં નાખી દીધા.

નેલી સેનગુપ્તા

એ વખતે સરકારે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે કોંગ્રેસના પ્રમુખ બને તેને પકડી લેવાતા. એ વર્ષે કલકત્તામાં અધિવેશન મળ્યું તેમાં નેલી સેનગુપ્તાને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યાં. એમણે કોંગ્રેસનો કાર્યક્રમ જાહેર કરવાનો હતો. પણ એના માટે ક્યાં સભા મળશે તે ખાનગી રાખવામાં આવ્યું. પોલીસે આખા કલકત્તામાં જાપ્તો ગોઠવ્યો પણ સાંજે ચાર વાગ્યે ધરમતલ્લા સ્ટ્રીટમાં બ્યૂગલ વાગ્યાં. નેલી ત્યાં પહોંચી ગયાં હતાં! પોલીસ ખાતું આ સ્થળ બાબતમાં ગાફેલ રહ્યું હતું. તે પછી પોલિસનું ધાડું ટ્રક ભરીને આવ્યું અને બેફામ લાઠીચાર્જ કર્યો અને નેલી સેનગુપ્તાને પકડીને લઈ ગયા.

૦૦૦

સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.

Design a site like this with WordPress.com
શરૂ કરો