-
સહસ્ત્રલિંગનું પવિત્ર તર્પણ: વીર મેઘમાયા
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
બરાબર યાદ છે પ્રિસ્તાલીસેક વરસ પરની એ બપોર. મધ્યાહને સૂર્ય શા યથાનામ ભાનુ અધ્વર્યુ પ્રેસમાં એમની કોલમ માટેનું મેટર લઈને પ્રગટ્યા, અને એમનો જે છીંકણીરાબેતો તે સંગીન ધાર્મિક રીતે સંપન્ન પણ કર્યો. જોકે, હું તો એમનો ચહેરો એ આવ્યા ત્યારથી વાંચી રહ્યો હતો. એ કશુંક કહેવા બાબતે જાણે ઝાલ્યા નહીં રહે એવું લાગતું હતું. છીંકણી પછી અલબત્ત સુક્કા ટાટ ગુજરાતને એવો ચાનો પેગ ચડાવતે ચડાવતે ભાનુભાઈએ બોલવા માંડ્યું- ‘હું હરિજનોનો હમદર્દ કે હામી કહેવાઉં ને મને જ ખબર નહીં!’ ૧૯૮૧ના અનામત વિરોધી આંદોલન અને ઉત્પાતના એ દિવસો હતા
અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના અમારા મિત્રો (હવે આર્ચ વાહિનીએ ખ્યાત અનિલ પટેલ તેમજ હવે રાજ્યના પૂર્વમંત્રી તરીકે ઓળખાતા મહેસાણાના ઈશ્વરભાઈ મકવાણા વ.) સાથે ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોમાં હરિજનો પરના અત્યાચારની જપ્ત તપાસ માટે ગયા હતા. સવારે ઊઠ્યા ને બે-પાંચ મિત્રો સહસ્ત્રલિંગ (પાટણ)ની મુલાકાત સારુ આગ્રપૂર્વક લેવા આવ્યા હતા અને સાથે વાજાપેટી ને ઢોલક પણ હશે. આ સાજસજ્જા ને તામઝામ જોઈ વીર ભાનુવાળાનું છટક્યું- ‘તમને કંઈ ખબર પડે છે કે નહીં? અમે પર્યટન માટે નથી આવ્યા, સ્થળતપાસ વાસ્તે આવ્યા છીએ. સહેલાણી નથી.’ માને તો જુવાનિયા શાના. સહસ્ત્રલિંગ તળાવે પહોંચી વચમાં ટેકરા પર લઈ ગયા. વાજાપેટી જમાવી ને ગાવા લાગ્યાઃ
બાર બાર વરસ નવાણ ગળાવ્યા નવાણે નીર ના આયાં જી રે.
વાત એમ હતી કે તળાવ ફેરગોડાવી સધરા જેસંગે (સિદ્ધરાજ જયસિંહે) પાણીની સોઈ કરવા ધાર્યું હતું, પણ નવાણે નીર ના’વે! કોઈ બત્રીસ લક્ષણો બલિદાન આપે તો જ પાણી આવે. રાજ આખામાં વાયક ફરી વળ્યું ત્યારે ધોળકા પાસેના રનોડા ગામનો વણકર, નામે માયો, સ્વેચ્છાએ તૈયાર થયો. (તેથી સ્તો વીર કહેવાયો) જોકે, એણે વળતી શરત મૂકી કે મારા સમાજને તમે અન્યાયી અનવસ્થામાંથી છોડાવોઃ
કુલડીઓ છોડાવો રાજો સાવરણી તોડાવો ગામની બાજુમાં વસાવો જી રે
હડે હડે થતી હડધૂત દશામાંથી એ સમુદાય મુક્ત થવાની શરત સ્વીકારાઈ અને વીરમાયાના બલિદાન સાથે સહસ્ત્રલિંગ તળાવ જળાં જળાં થઈ ઊઠ્યું. લખવા બેઠો અને પિસ્તાલીસ વરસ પરની બપોરે લાંગર્યો એનું નિમિત્ત હમણાં ધ્યાનમાં આવેલી એ આનંદવાર્તા છે કે મહા સુદ સાતમે (પચીસમી જાન્યુઆરીએ) વીર મેઘમાયા બલિદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેઃ આ યાત્રા ગાંધીનગરથી સહસ્ત્રલિંગ (પાટણ) લગીની રહેશે અને એનું સમગ્ર સંચાલન ને વ્યવસ્થાપન ‘વિશ્વ વીર મેઘમાયા સમાજ’નું રહેશે. આ અંગે પ્રસારિત પત્રિકામાં ગાઈવગાડીને એટલે કે અધોરેખિતપણે એક મુદ્દો ખાસ એ કરાયો છે કે વીર મેઘમાયાએ કોઈ ચોક્કસ ધર્મ, સમાજ કે જ્ઞાતિ માટે નહીં પણ પાણી વગર ટળવળતાં સૌ પશુપંખી, વનસ્પતિ અને તમામ જીવસૃષ્ટિ માટે બલિદાન આપ્યું હતું.
ગયે વરસે પણ માયા સાતમ કહેતાં મહા સુદ સાતમે આવી યાત્રા યોજાઈ હતી. ત્યારે આયોજન વીર મેઘમાયા સમિતિનું હતું. હવે તે વિશ્વ મેઘમાયા સમાજ રૂપે કાર્યરત છે. આ નામાંતરમાંથી વ્યાપકતા ફોરે છે, અને એ સ્પષ્ટતા પણ અંકિત થાય છે કે તે કોઈ એક જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષથી પ્રેરિત, સંચાલિત કે આયોજિત નથી. આ અભિગમમાં વણકર સમાજની સહજ પહેલ અલબત્ત હશે, છતાં સંકોચનને બદલે ઉમાશંકરની પ્રખ્યાત પંક્તિ ‘વિશાળે જગવિસ્તારે…’ની ધાટીએ વ્યાપકતાની વાંછના પણ છે- સંતબાલજી જેને વિશ્વવાત્સલ્ય કહેતા એવું કંઈક એમાં અભીષ્ટ છેઃ કિશોર મકવાણાના પુસ્તકની પ્રસ્તાવનામાં નરેન્દ્ર મોદીએ લગરીક હાઈપકારાની રીતે પણ એક મુદ્દો મજાનો કીધો છે કે આપણે આંબેડકરને સ્વાભાવિક જ સન્માનભેર સંભારીએ છીએ,
પણ એમના પૂર્વેય વીરમાયા જેવા ભોં ભાંગનારા થઈ ગયા છે. આપણી સામાજિક ન્યાય ચળવળની ચર્ચામાં ગાંધી અને આંબેડકર બે છેડે ધ્રુવીકૃત થઈ જવાનું વલણ જોવા મળે છે, એની સામે માયા ઘટનાને વ્યાપક વિશ્વમાનતાની રીતે જોવાનું જે વલણ છે તે મૂકવા જેવું છે. સ્વેચ્છાએ બલિદાનનો માયા માર્ગ, ૧૯૩૪માં હરિજન યાત્રાએ નીકળેલા ગાંધી પર પુણેમાં જે બોમ્બ પ્રયાસ થયો તેની જરી જુદા છેડેથી યાદ આપે છે… પરથમ પહેલું મસ્તક મૂકી, વળતું લેવું હરિ(જન)નું નામ જો ને! અંગત રીતે હું બહુ રાજી થાઉં, જો આંબેડકર ને ગાંધીને સામસામા મૂકવા કરતાં પોતપોતાને છેડેથી- એક જો અધિકારના છેડેથી તો બીજા વળી પ્રાયશ્ચિતના છેડેથી- સરવાળે એક જ પંથના પથિક હતા એવી જાડી પણ સમજ કેળવવામાં મેઘમાયા માહોલ સફળ થાય.
જે વસ્તુ ઝટ પકડાતી નથી તે એ છે કે ગાંધી કે આંબેડકર જાહેર જીવનમાં કોઈ ઈસ્ત્રીબંધ ફિનિશ્ડ પ્રોડક્ટ તરીકે પ્રવેશ્યા ન હતા. બંને વિકસતા અને ખીલતા ગયા છે. કોઈક તબક્કે ગંઠાઈને એમને માત્ર એમ જ જોતા રહેવાથી, બને કે ઝાડવાં ગણતાં આપણે જંગલ ચૂકીએ. ‘કાસ્ટ મેટર્સ’ અને ‘કાસ્ટ, અ ગ્લોબલ સ્ટોરી’થી દેશવિદેશના દલિત વિમર્શમાં જેનો પાટલો પડે છે તે સૂરજ મિલિન્દ યેંઝે, જેમ કે દક્ષિણ આફ્રિકી ગાંધીના સમતા અભિગમ બાબતે આશ્વસ્ત નથી.

ગોરા સાંસ્થાનિકો સામે બ્રિટિશ રાજના નાગરિક તરીકે હિંદીવાનોના હકની લડાઈ ગાંધી જરૂર લડ્યા હતા. પણ બાકી સૌ, રિપીટ, સૌને એ આગળ ચાલતા પોતાની સમજમા આવરી શક્યા ન હોત તો માર્ટિન લ્યુથર કિંગ કે નેલ્સન મંડેલાને એમનામાં આદર્શનાં દર્શન ન જ થયાં હોત. આટલું એક સમતા સિપાહી તરીકે, મેઘમાયાની સાખે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૧-૧-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સંભારણું – ૧૨ – સમય
શૈલા મુન્શા
પરિચિત છું છતાંય દૂર ખૂણામાં ઊભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચૂકેલો છું.ગુલામ અબ્બાસ “નાશાદ”
આ શેર તો ગુલામ અબ્બાસનો છે, પણ કદાચ મારા જેવા ઘણાને જાણે જોડતો હોય એવું લાગે છે. આજે સવારના બે સંદેશાઓ મને ભૂતકાળની સફરે લઈ ગયા.
ગોરસ આંબલી આ શબ્દ કદાચ આજની યુવા પેઢી માટે અજાણ્યો હશે, ખાસ તો વિદેશમાં જન્મેલા ભારતીય બાળકો!! મારી ખાસ બહેનપણીએ ફેસ બુક પર વલસાડ એના ફાર્મ હાઉસમાં ઊગતી ગોરસ આંબલીનુ ચિત્ર મુક્યું હતું. છેલ્લા બાવીસ વર્ષના અમેરિકાના વસવાટે ઘણા મનભાવન ફળોથી વંચિત રહ્યાં છીએ પણ જ્યારે આવી કોઈ છબી નજર સામે આવે તો મોઢામાં પાણી તો આવી જ જાય!! આ ગોરસ આંબલી હિન્દીમાં जंगली जलेबी કહેવાય એની જાણ તો મને આજે જ થઈ અને પાછી હું આજની પેઢીનો વાંક કાઢતી હતી???
મને શું ઓળખે લોકો સમય વીતી ચૂકેલો છું પંક્તિમાં કેટલી ગહેરાઈ, કેટલી એકલતા, માયુસી એક દર્દ છુપાયેલું છે એ જેને અનુભવ્યું હોય એ જ જાણે!૧૦૦ વર્ષની ઉંમરના એક બા, એમની સાથે રહેવાનો મોકો મળ્યો અને એમની એકલતા, ભલે સહુ એમની સાથે હોય, એમના મનના વિચારો, વાતો સાંભળી ખરેખર પ્રભુનું ઉત્કૃષ્ટ સર્જન માનવી અને એમાં પણ મગજની રચનાનો કોયડો સાચે જ સમજમાં આવી ગયો.
ભલભલા ન્યુરોલોજીસ્ટ જેનો તાગ પામી શક્યા નથી એ મગજ એમાં ઉથલપાથલ થતાં વિચારોને વાણીમાં વહેતાં સાંભળવાનો અનોખો અનુભવ થયો. બા ક્યારેક પચાસ વર્ષ પહેલાં બનેલો કોઈ બનાવ સતત બોલ્યા કરે, બપોરે સુતાં સુતાં વાત કરે તો લાગે કોઈની સાથે ફોન પર વાત કરે છે, “હા બરાબર, એ તો બરોડા ગઈ હવે પાછી નહિ આવે” અને સતત થાક્યાં વગર આ વાર્તાલાપ (એક તરફી) બે કલાક ચાલે. ક્યારેક વહેલી સવારે “ચાય લો, ચાય લો સુરત આવી ગયું” નું રટણ ચાલે. ક્યાંનો તાર ક્યાં જોડાય એનો કોઈ તાગ ના મળે. એકની એક વાત યાદ કરી વારંવાર કહેવાની એમની ખાસિયતે મને મારા મોસાળ પહોંચાડી દીધી. ડાયરીનાં એ પાના જુના સ્મરણોની મંજુષા ખોલી બેઠા.
મારા નાના સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા ધરાવતાં. એમના વિચારો જમાનાથી આગળ હતાં ૯૦ વર્ષ સુધી એ ઓફિસ જતાં પણ પછી સાંભળવાની તકલીફ વધી અને આંખે ઝાંખપ વરતાવા માંડી એટલે બહાર નીકળવાનું લગભગ બંધ થઈ ગયું. એમના છેલ્લા દિવસોમાં હું જ્યારે એમને મળવા ગઈ હતી, તો રોજ સાંજે જ્યારે એમની પાસે બેસું એટલે એમનો હાથ લાંબો કરે. હથેળીમાં હું મારું નામ લખું એટલે તરત બોલે વાહ! શૈલા મારી બાજુમાં બેઠી છે અને પછી રોજ મને એક જ વાત કહે “તને ખબર છે, હું મુંબઈ આવ્યો ત્યારે પ્રશાંતકુમાર મને સાંતાક્રુઝથી બોરીવલી ટેક્ષીમાં લઈ ગયા હતાં, એટલાં પૈસા તો કાંઈ ખર્ચાતા હશે?” ઘરમાં ગાડી હોવાં છતાં નાના બને ત્યાં સુધી બસમાં મુસાફરી કરતાં.
આજે વિચાર કરું છું કે શું ચાલતું હશે બા કે મારા નાના કે બધાના મનમાં એનો તાગ કોણ પામી શકે?
અરે!! વાતો વાતોમાં હું જ મારા બીજા સંદેશાની વાત કરવાની ભુલી જ ગઈ જે મને મારા ડાયરીના એ સુખભર્યાં મસ્તીભર્યાં દિવસોની યાદમાં દોરી ગયા.મુંબઈ મલાડની સ્કૂલમાં મેં વીસ વર્ષ દસમાં ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું એ વિદ્યાર્થીઓ આજે પણ મારા સંપર્કમાં છે, અને મારા માટે ખૂબ લાગણી ને આદર રાખે છે. એ બધા પણ આજે પચાસ પંચાવન વર્ષની ઉંમરે પહોંચવા આવ્યા. ભારતમાં કોઈ કામ માટે મેં એક વિદ્યાર્થીનો સંપર્ક કર્યો અને એનો જવાબ સાંભળી મને તાજેતરમાં મળેલો એક વોટ્સેપ મેસેજ યાદ આવી ગયો. સંદેશો કાંઈક આવો હતો. “વો બચપનકે દિન સ્કૂલમાં પસાર કરેલો સમય, લેસન ના કર્યું હોય તો ક્લાસની બહાર મુર્ગા બનીને ઊભા રહેવાનું, નિશાળની બહાર ફેરિયા પાસેથી ખાટી મીઠી ગોળી, ચણીબોર ખાવાના, લંગડી, ખો ખોની રમત રમવાની વગેરે વગેરે…
મારો વિદ્યાર્થી રાજુ જેને મેં કામ સોંપ્યું હતું એ મને કહે “બેન અઠવાડિયામાં તમારું કામ નહિ થાય તો મારો મુર્ગો બનેલો ફોટો તમને મોકલી આપીશ” મારાથી ખડખડાટ હસ્યાં વગર રહેવાયું નહિ. એક વોટ્સેપ કેટલી યાદોને સાંકળી લે છે.
સંસ્મરણોની માયાજાળ પણ પેલી ખાટી મીઠી ગોળીની જેમ ખટમધુરી યાદોથી સંપન્ન થાય છે! અને એમ જ તો સંભારણાં મનના પટારામાં સચવાતાં જાય છે.
-
મમ્મી પપ્પાઓ જરા થોભજો
કૃષ્ણ દવે
મમ્મી પપ્પાઓ જરા થોભજો !ફેમસ બનાવવાની આપશ્રીની ઇચ્છાને નાનકડા ખભ્ભે ના થોપજોમમ્મી પપ્પાઓ જરા થોભજો !પોપટની જેમ બધુ પટ પટ બોલાવશો તો વિડિયાઓ વાયરલ પણ થાશેશું થાશે ? “સમથીંગ છું” એવો એકાદ રોગ બચપણથી ઘર કરી જાશે !બોર ખાવા જાશો તો કાંટા પણ વાગશે જ, પોતે પોતાને જરા રોકજોમમ્મી પપ્પાઓ જરા થોભજો !છાંટી છાંટીને તમે મહેકાવ્યે રાખશો પણ અત્તર તો કાલ ઊડી જાશેપ્લાસ્ટિકના ફૂલોનું એક જ છે દુઃખ એ તો ખરવાનું સાવ ભૂલી જાશેપોતાની મોજથી જે ટહુકા કરે ને ભાઈ એને ના કોઈ દિવસ ટોકજોમમ્મી પપ્પાઓ જરા થોભજો -
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૪ થું – રણવાસમાં રક્તપાત
પ્રકરણ ૩ જું. – ઘરના ઘા થી આગળ
ઝવેરચંદ મેઘાણી
જાપાનની જૂની રાજધાની ક્યોટો નગરમાં કોઈ પરદેશી જાય તો એ શું નિહાળી રહે છે ? એ શહેરની એક શેરીમાં એક સ્મરણ–સ્થંભ ઉભો છે. એનું નામ “નાક કાનનો સ્મરણ સ્થંભ” ! હજારો કોરીયાવાસીઓનાં નાક કાન કાપીને એ સ્થંભ નીચે જાપાનીઓએ દાટેલાં છે. પોતાના જ અત્યાચારના સ્મરણસ્થંભો બીજી કોઈ પણ પ્રજાએ ઉભા કર્યા છે કદી ?
૧પ૯૨ ની સાલનો પુરાણો આ સ્મરણસ્થંભ છે. જાપાનના નામાંકિત રીજંટ હીડેજોશીએ એ વરસમાં એક જબ્બર સેના કોરીયાને કિનારે ઉતારેલી. પચાસ હજાર કોરીયન સૈનિકોએ એની મહેમાની કરેલી. ચીન કોરીયાની કુમકે પહોંચ્યું, ને જાપાનીઓને નસાડ્યા. નાસતા નાસતા એ દુશ્મનો કોરીયાના મહામૂલા પ્રદેશો લૂંટતા ગયા. લૂંટી જવાયું નહિ તે બધાને આગ લગાડતા ગયા, કળાના અમૂલ્ય નમુનાઓનો નાશ કરતા ગયા, અને આશરે ત્રીશ લાખ મનુષ્યોની કતલ કરતા ગયા, જેની અંદર ર૭ લાખ તો નિર્દોષ, નિઃશસ્ત્ર બચ્ચાં, બૈરાં અને પુરૂષો હતાં. સાત વરસ સુધીની ઝપ્પાઝપ્પીનું આ પરિણામ આવ્યું.
કોરીયાની આ મહેમાની ચાખી ગયેલું જાપાન બીજાં ૩૦૦ વરસ સુધી ફરી ન ડોકાયું. ચીન પોતાના એ ન્હાના મિત્ર કોરીયાને પોતાની પાંખમાં લઈને બેઠેલું. જાપાનની લોલુપ આંખો તો આઘે આઘેથી પણ ટાંપીનેજ બેઠેલી.
૧૮૭૬ ના વરસમાં જાપાનના કેટલાએક માણસો કોરીઆને કિનારે ઉતર્યા. કોરીઆવાસીઓ કહે કે અમારા દેશમાં નહિ ઉતરવા દઈએ. ઝપ્પાઝપ્પી જામી. જાપાનીઓના લોહી રેડાયાં. જાપાની સરકારનો કોપ ફાટી નીકળ્યો. એ કહે કે કાં તો લડાઈ કરો, નહિ તો અમારા વેપારને માટે થોડાં બંદરો ખુલ્લાં મૂકો. કોરીયાએ કબૂલ કર્યું. તહનામાની શરતો લખાણી. કોરીયાએ તો માગણી કરી નહોતી, તો પણ જાપાનીઓએ એ તહનામાની અંદર ‘કોરીઆ સર્વ દેશોથી સ્વતંત્ર એક દેશ છે’ એવી કલમ ઉમેરી. જાપાનનો ગુપ્ત ઇરાદો એવો હતો કે ગમે તેમ કરીને ચીનને કોરીઆનું મુરબ્બીવટ કરતું અટકાવવું.
અમેરિકાનો કોલ.
પોતાનાં દ્વાર બંધ કરીને જ આ એકાકી સાધુસરખો દેશ (Hermit Kingdom) બેઠો રહ્યો. એની પ્રજા જાણતી હતી કે પારકા સાથે પિછાન કરવાથી ઠાલી મારામારી જાગવાની. પણ આખરે, અમેરિકાને ટકોરે, એણે ભરોસે ભૂલી બારણાં ખોલ્યાં. ૧૮૮૨ માં કોરીઆએ અમેરિકાને વેપારના કેટલાએક કિમતી હક્કો વેચી માર્યા. અમેરિકાએ એક કાગળના ટુકડા ઉપર લખી આપ્યું “કે તમને બીજી કોઈ પ્રજા રંજાડશે તો અમે તમારા રક્ષણ માટે અમારી વગ ચલાવીશું” અમેરિકાનો આપેલો કોલ ! કોરીયા નિર્ભય બનીને સૂતું.
કોરીયામાં એક દુષ્કાળ ફાટી નીકળ્યો. વ્હેમી કોરીયાવાસીઓએ માન્યું કે, વિદેશીઓ આપણી ભૂમિ પર આવ્યા છે માટે દેવતા કોપાયા છે. પરિણામે તેઓએ ફરીવાર કેટલાએક જાપાનીઓને માર્યા, ને જાપાની એલચી માંડમાંડ કિનારે પહોંચ્યો.
ફરીવાર જાપાન ખળભળ્યું–લોહીને બદલે લોહી લઈએ, નહિ તો નાણાં લઈએ: એ જ એની માગણી. ચીનમાંથી દસ હજારની સેના કોરીયાની મદદે પહોંચી. પણ લડાઇની ધમકીથી કાયર થયેલું શાંતિપ્રિય કોરીયા જાપાની પ્રજાને ચાર લાખ યેનનો દંડ, તથા વેપારના વધુ કસદાર હક્કો આપીને છૂટ્યું.
એટલેથી જાપાનના પેટની જ્વાળા બુઝે તેમ નહોતું. કોરીયાનાં લશ્કરની અંદર એણે કાવતરાં રચ્યાં, કાવતરાં પકડાયાં. ફરીવાર કોરીયાવાસીઓએ જાપાની એલચીખાતા ઉપર હુમલો કર્યો. જાપાની લોહી છંટાયું, ને જાપાનની અંદર ફરીવાર ચુદ્ધનો સાદ પડ્યો. પણ સરકાર જાણતી હતી કે કોરીયાની સાથે યુદ્ધ કરવું એનો અર્થ એ કે ચીન સાથે યુદ્ધ. આવી જાદવાસ્થળી માટે જાપાન તૈયાર નહોતું.
જાપાનનું બખ્તર ખણખણ્યું. ૧૮૮૫ માં જાપાને શસ્ત્રો સજ્યાં. જાપાન ચીનને કહે કે “જુઓ ભાઈ ! આ બિચારા કોરીયાની છાતી ઉપર આપણે આપણાં સૈન્યો ચાંપી રહ્યા છીએ એ ઠીક નહિ. તમે પણ સૈન્ય ઉઠાવી લ્યો. અમે પણ અમારૂં સૈન્ય ઉઠાવી લઈએ, પણ ખબરદાર ! પહેલેથી કોરીચાને ખબર દીધા વિના કદી સૈન્ય મોકલવું નહિ.”
ભોળા ચીનાઓ ચાલ્યા ગયા. જાપાને કોરીયાવાસીઓની અંદર અંદર જ ઉશ્કેરણી કરી હુલ્લડ જગાવ્યું પોતાના દેશનો ધ્વંસ તો દેશીઓજ કરી શકે.
ચીનને આ માલૂમ પડ્યું. જાપાનની સાથે પવિત્ર સંધિમાં બંધાયેલું ચીન એમને એમ તો લશ્કર શી રીતે મોકલી શકે ? એણે કોરીયાના નૃપતિને પૂછાવ્યું કે લશ્કર મોકલું ?”
ચીન પૂછાવતું રહ્યું ત્યાં તો દસ હજાર જાપાની સૈનિકો શીયુલ નગરમાં દાખલ થયા.
જાપાની એલચીએ દસ હજાર જાપાની બંદુકો તરફ માંગળી બતાવીને કોરીયા નરેશની આગળ એક કાગળ મૂક્યો. એ કાગળમાં નીચે પ્રમાણે શરતો હતી.
૧–ચીનનું મુરબ્બીપણું છોડી દો.
ર–વેપાર વાણિજ્યના મોટા મોટા હક્કો આપો.
૩–રેલ્વે બાંધવા દો.
૪–સોનાની ખાણોનો ઇજારો આપો.
પ–ત્રણ દિવસની મુદત આપીને જાહેર કરો કે ચીનાઇ સેના કોરીયા ખાલી કરી જાય.ચીન જાપાનની તલવારો અફળાણી. જાપાને શીઉલ નગરનો કબજો લીધો. કોરીયા–નરેશે બધી શરતો ઉપર સહી કરી. જાપાને પચાસ જાપાની સલાહકારોને કોરીયાના દરબારમાં બેસાડી દીધા. આખા દેશ ઉપર કબજો લેવાયો, અને લડાઇ ખતમ થતાં તો કોરીયાનો તમામ વેપાર જાપાને હસ્તગત કરી લીધો.
નમાલો નૃપતિ આ બધો તમાશો ટગર ટગર જોતો રહ્યો. એશિયાના દેશોમાં રાજા એટલે શું ? રાજાની એક આંગળી ઉંચી થાત તો કોટિ કોટિ પ્રજાજનો–પુરૂષો અને રમણીઓ બાલકો ને બાલિકાઓ–જાપાની બંદુકની સામે પોતાની છાતી ધરીને ઉભાં રહેત. પણ રાજા તો વિચાર કરતોજ રહ્યો, જીવન–મરણના સરવાળા બાદબાકી ગણતો રહ્યો.
પરંતુ ઇતિહાસ એક વાત બધા દેશોમાં બોલી ગયો છે. દેશની અંદર પુરૂષજાત જ્યારે નિર્બળ બની જાય, ત્યારે અબળાઓનુ છૂપું જોશ ભભૂકી નીકળે. કોરીયાના અંતઃપુરમાં પણ એ રાજ–રમણીનું–રાણીનું હૃદય ખળભળી ઉઠ્યું. એ ચકોર નારી ચેતી ગયેલી કે જાપાનના આ કાવાદાવાની અંદર શી શી તલવારો સંતાઈ રહી છે. રાજ્યના ડાહ્યા ડમરા પ્રધાનો જે વાતનો નિકાલ દસ મહિને નહોતા લાવી શકતા એનો નિર્ણય આ અબળા દસ મીનીટમાં લાવી મૂકતી. રાજાને એણે મેણાં માર્યાં. એ વીરાંગના બોલી ઉઠી કે “શુ મ્હારી પ્રજાનું ભાગ્ય પેલા જંગલી જાપાનીઓ આવીને ઘડી આપશે ? રાજા ! આપણા રાજ્યમાં જાપાનીઓનો પગ ન હોય.”
જાપાનીઓને સમાચાર પહેાંચ્યા કે કોરીયાના રણવાસમાં એક રમણીનો પ્રાણ જાગૃત છે. જાપાની અમલદારો રાણીની પાસે ગયા, એને ફોસલાવી, ધમકી આપી, રૂશ્વત અને ખુશામતના રસ્તાઓ પણ અજમાવ્યા. મહારાણીનું એક રૂંવાડું પણ ફરક્યું નહિ, જાણે ખડક ઉપર મોજાં વ્યર્થ પછડાઈને પાછાં વળ્યાં.
પછી જાપાને એના અંતરના અંધકારમાં ઘોર મનસૂબો કર્યો. પોતાના પાડોશી રાજ્યનો રાણીનો પ્રાણ લેવો એ અલબત જાપાન જેવી સમજુ સત્તાને ગમે તો નહિ ! પણ જાપાનના હાથમાં બીજો કશો ઇલાજ નહોતો. જાપાનને તો “મહાન જાપાન” બનવાની મહત્વાકાંક્ષા હતી. એ મનોરથની આડે જે આવે તેણે ઉખડીજ જવું જોઈએ !
જાપાની એલચીએ જાપાનથી મારાઓ બોલાવ્યા. મારાઓ મ્હેલમાં દાખલ થયા, રાણીને ઠાર કરી, અને રણવાસને આગ લગાડી. વાહ રે વીર્યશાળી જાપાન ! આખી એશિયા માતા જુગજુગાન્તર સુધી એ રમણીના ખૂન ઉપર ગુપ્ત આક્રંદ કરતી રહેશે, ને તને દુવા દેશે !
રાણીનું ખૂન થતાં થઈ ગયું, પણ જાપાન મ્હોંમાં આંગળી ઘાલી મુંઝાતું ઉભું. એ સમાચાર દબાવી રાખવા જાપાની અમલદારોએ કોશીશ કરી. અમેરિકાના એક વર્તમાનપત્રનો ખબરપત્રી તે કાળે કોરીયામાં હતો તેણે અમેરીકા તાર કર્યો, પણ જાપાની સત્તાએ તાર અટકાવ્યો, ને એ ગૃહસ્થને નાણાં પાછા મળ્યાં.
ગમે તે પ્રકારે પણ એ ખબર યુરોપ અમેરિકાને કિનારે પહોંચી ગયા. સુધરેલી દુનિયાને ફોસલાવી લેવા ખાતર એ ખૂન કરાવનારા અધિકારી ઉપર જાપાને કામ ચલાવવાનો તમાશો કર્યો. આરોપી છુટી ગયો. મરેલી એ રાણીને જાપાની સત્તાએ ખૂબ વગોવી. પિશાચને પુજનારૂં જાપાન મૃત્યુની પવિત્રતાને શી રીતે પિછાને ?
રાણી મરાણી, ને રાજા પકડાયો. પરંતુ બંદીવાન રાજાએ ન્હાસીને રૂશીઆનો આશરે લીધો. રૂશીયન રીંછની સામે થવાની જાપાનમાં હિમ્મત નહોતી, એટલે ફરીવાર રૂશીઆ, કોરીયા, અને જાપાન વચ્ચે શરતો થઈ.
રાજા ગાદી પર આવ્યો, લશ્કર અને પોલીસખાતું પાછા કોરીયાને સોંપાયાં. જાપાને વચન આપ્યું કે કોરીયાની ખીજાચેલી પ્રજા જરા શાંત બની જશે એટલે અમારૂં લશ્કર અમે પાછું ખેંચી લેવાના.


આવતા અંકેઃ પ્રકરણ ૫ મું. – તૈયારીની તક ગુમાવી.
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
એક જુઠાણાંએ અનેક જિંદગીઓ બચાવી
નિરંજન મહેતા
આ વાત બીજા વિશ્વયુદ્ધની છે જ્યારે નાઝીઓનો અત્યાચાર કાબુ બહારનો હતો.
૧૯૪૧માં પોલેન્ડમાં જ્યારે નાઝીઓએ સત્તા હાંસિલ કરી હતી ત્યારે તે દેશને એક દોજખમાં ફેરવી નાખ્યો હતો. હરેક દિવસ એક નવી જુલ્મની કહાની લાવતો હતો. યહુદીઓને પકડીને કેદ કરવા, ગામોના ગામો બાળી નાખવા, વિરોધીઓની હત્યા કરવી જેવા કિસ્સાઓ અગણિત હતાં .
રોઝવાદોવ એક નાનું ગામડું હતું, જ્યાં એક યુવાન ડૉ. યુજીનીયુસ્ઝ લાઝોવ્સ્કી વિના યોગ્ય સાધને લોકોની જિંદગીને બચાવવાની કોશિશમાં હતો. કારણ હતું ઓછી દવાઓ અને જર્મન સત્તાની જાસુસી. તેણે જોયું હતું કે તેના મિત્રો ગાયબ થઇ રહ્યા હતાં, આસપાસના યહુદીઓનો દેશનિકાલ કરાતો હતો અને રાતોરાત અનેક કુટુંબોનો નાશ કરાતો હતો.
એક દિવસ તેનો એક મિત્ર તેની પાસે હાંફળોફાંફળો આવ્યો અને કહ્યું કે નાઝીઓ મારા ગામે આવવાના છે અને મારા ગામને નેસ્તનાબુત કરી દેવાના છે, તમારી પાસે તેનાથી બચવાનો કોઈ ઉપાય છે?
લાઝોવ્સ્કીએ બહુ વિચાર્યું અને પછી તેને ખયાલ આવ્યો કે નાઝીઓને ડર છે ન કોઈ પ્રતિકારનો કે ન કોઈ બળવાનો, તેમને જેનો અત્યંત ડર છે તે છે એક રોગનો. નાઝીઓને ડર હતો ટાયફસ(TYPHUS)નો, એક ઘાતક જીવાણુંના ચેપનો જે જુ દ્વારા ફેલાતો હતો. આ જ રોગે પ્રથમ વિશ્વયુદ્ધમાં લાખોનાં પ્રાણ હાર્યા હતાં. તેને લઈને નાઝીઓનો ૧૯૪૧માં એક જ નિર્ણય, જો કોઈ જગ્યાએ ટાયફસ રોગ જણાય તો આખા વિસ્તારને અલગ કરી દેવાનો. કોઈ આવી શકે નહીં, કોઈ જઈ શકે નહીં. કોઈનો નિકાલ નહીં, કોઈ તપાસ નહીં.
બસ, આ ઉપરથી તેને એક વિચાર આવ્યો. જો કે આ વિચાર હતો સુંદર પણ અશક્ય અને સાહસિક. જો તે કૃત્રિમ ટાયફસ રોગચાળો ઊભો કરે તો? તેણે તેના મિત્ર ડૉ.સ્ટેનિસ્લૉ મતુલેવિસ્ઝનો સંપર્ક કર્યો, જે ટાયફસ માટેની Wel-Felix પરિક્ષણનો અભ્યાસ કરી રહ્યો હતો. આ પરિક્ષણ શરીરમાં ટાયફસનાં સામના માટે જે પ્રતિદ્રવ્યો ઉત્પન્ન થતા તે માટે થતું. પણ ડૉ.મતુલેવિસ્ઝએ કશુક અદ્ભુત શોધ્યું હતું. એક બિનહાનિકારક જંતુ – Proteus OX19 – જે તેવી જ પ્રક્રિયા ઉત્પન્ન કરતી હતી. મૃત Proteus OX19ના જંતુઓ કોઈના શરીરમાં દાખલ કરો અને તેના લોહીનું પરિક્ષણ કરો તો તે ટાયફસના રોગનાં લક્ષણ દર્શાવશે – ભલે તે એકદમ તંદુરસ્ત હોય. આ એક વૈજ્ઞાનિક હાથચાલાકી હતી જેના વડે લાખો લોકોની જિંદગી બચાવી શકાય તેમ હતું.

Drs Lazowski and Matulewicz in Rozwadow during the war. © La Famiglia/Plesnar&Krauss/Fido Film પણ જો નાઝીઓ તે જાણી જાય તો? તો તો તેમને મૃત્યુદંડ નિશ્ચિત છે, કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કે દયા વગર. તેં છતાં તેઓ તે જોખમ ઉઠાવવાનું નક્કી કર્યું.
૧૯૪૧ના અંત ભાગમાં લાઝોવ્સ્કીએ નાની શરૂઆત કરી. તેણે બાજુના ગામના કેટલાક લોકોમાં બિનહાનિકારક જંતુઓને તેમના શરીરમાં દાખલ કર્યા. દિવસો બાદ નાઝીઓએ તેમને તપાસ્યા તો પરિણામ હતું ટાયફસ. આમ આ કામ કરી ગયું. તેનો તરત જ પ્રત્યાઘાત આવ્યો. નાઝીઓ ગભરાઈ ગયા. તેમણે તે ગામને અલગ કરી નાખ્યું. સૈનિકોએ તે ગામમાં જવાનું માંડી વાળ્યું.
આ નાની સફળતાએ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. ગામવાસીઓમાં આ વાત ફેલાઈ ગઈ. તેમને ખાત્રી હતી કે જો ડોક્ટર તેમનાં ગામમાં આવશે તો તેઓ સલામત છે.
થોડા સમય પછી લાઝોવ્સ્કી અને મતુલેવિસ્ઝ રાતના નજીકના ગામોમાં જતાં. સાથે મૃત જંતુઓની શીશી તેમની દવાના સાધનોની બેગમાં લઇ જતાં. તેઓ શરૂઆતમાં થોડાકને પછી સેંકડોને અને પછી હજારોને તે મૃત જંતુઓનો ડોઝ તેમના શરીરમાં દાખલ કરતાં.
દરેક નવો ‘રોગચાળો’ ધ્યાનપૂર્વક આયોજિત કરાતો કારણ શરૂઆતમાં બહુ બધા દર્દીઓ નાઝીઓનું ધ્યાન આકર્ષિત કરી શકે. તેથીએ નાટકીય રીતે યોજના ઘડી – રોગની વાસ્તવિકતા, બનાવટી તબીબી આલેખ, બનાવટી દર્દીઓની નોંધ તથા નર્સોને પણ તાલીમ આપી કે તેઓ રોગના લક્ષણ સરળતાથી વર્ણવી શકે. વળી તેમણે ધ્યાન રાખ્યું હતું કે દરેક ઉધરસ, દરેક તાવ અને દરેક ‘રોગમુક્તિ’ પ્રમાણભૂત લાગે. ડરના માર્યા નાઝીઓ આવા દર્દીઓને જાતે ન તપાસતા અને પરીક્ષણના પરિણામો પર વિશ્વાસ રાખતા.
આમ ત્રણ વર્ષ સુધી લાઝોવ્સ્કી અને મતુલેવિસ્ઝએ બીજાં વિશ્વયુદ્ધની સૌથી મોટી બનાવટને ચલાવી. તેમણે દક્ષિણ પોલંડમાં ડઝનેક ગામોમાં આ ભ્રામક રોગચાળો ચલાવ્યો. જર્મનોએ આ વિસ્તારને રોગગ્રસ્ત વિસ્તાર તરીકે નકશામાં દર્શાવ્યો.
આ વિસ્તારની અંદર લગભગ ૮૦૦૦ યહૂદી અને પોલંડવાસીઓ યુદ્ધ દરમિયાન શાંતિથી રહ્યા જ્યારે આજુબાજુના શહેરોને ખાલી કરાવી નાશ કર્યો હતો. તેઓએ બાળકોને ઉછેર્યા, ખેતી કરી, પ્રાર્થના કરી અને રાહ જોઈ.
જર્મન સૈનિકો ગામને પાદર આવતા, તેમના નકશામાં જોતા અને આ ગામ વર્જ્ય છે જાણી પાછા ફરી જતાં.
આ અદ્રશ્ય રોગ ગામલોકો માટે ઢાલરૂપ હતો. જો કે આ પ્રક્રિયા જોખમકારી હતી તે તેઓ જાણતા હતાં. એક જર્મન ડોક્ટરનું આગમન બધું જ છતું કરી શકે તેમ હતું. તે જ રીતે ગામની એક વ્યક્તિ કોઈ ખોટા માણસ સાથે આ રોગની વાત કરે તો બધું સત્યાનાશ. પણ લાઝોવ્સ્કી અત્યંત ચોક્કસાઈ રાખતા. તે આ રોગચાળાની વિગતો માની શકાય તેમ તૈયાર કરતાં – પ્રમાણસર જેથી તે સાચું લાગે, નાના પ્રમાણમાં, સંતોષકારક રીતે.
જ્યારે ઈન્સ્પેક્ટરો સાબિતી માંગતા ત્યારે તે પરિક્ષણનાં પરિણામ, ખોટી નોંધણીઓ અને રજાઈ ઓઢીને સુતેલા ‘દર્દીઓ’ જે તાવથી પીડાતા હોવાનો દેખાવ કરનારને રજુ કરતાં. જર્મનો નજીક જઈને ન જોતા નહીં તો તેમને જાણ થતે કે આ ‘દર્દીઓ’ કેટલા સ્વસ્થ છે. આવી ભ્રમણા ઉત્પન્ન કરવી અને જાળવી રાખવી એ કેટલું કઠીન હશે તેની તો કલ્પના જ કરવી રહી.
ત્રણ વર્ષ સુધી આ ગામના લોકો એક જૂઠ સાથે અંદર રહ્યા, જે તેમણે સચોટ જાળવવાનું હતું. વડીલોએ તેમના બાળકોને શીખવાડ્યું હતું કે જ્યારે પણ સૈનિકો આવે ત્યારે ઉધરસ ખાવી. લોકો અંદર અંદર ન અસ્તિત્વમાં હોય તેવા રોગની ચર્ચા કરતાં અને ડોકટરો મીણબત્તીના પ્રકાશમાં અગણિત કાગળો બનાવતા તે જાણવા છતાં કે એક ભૂલનો અર્થ મૃત્યુદંડ.
પણ આ પદ્ધતિ ક્યારેય અસફળ ન બની.
૧૯૪૪ના સમયમાં રશિયન સૈન્ય પૂર્વ તરફથી આગળ વધી રહ્યું હતું. નાઝીઓ તેને કારણે પીછેહઠ કરવા લાગ્યા હતા અને એક નકલી રોગચાળો ચાલ્યો હજારોને બચાવવા સુધી.
જ્યારે યુદ્ધ પૂરૂ થયું ત્યારે લાઝોવ્સ્કી શાંત રહ્યા કારણ તેઓ કોઈને આ નકલી રોગચાળાની વાત કરી શકે તેમ ન હતાં.
પોલેન્ડ હવે રશિયન હકુમતી તળે હતું અને બચેલી વ્યક્તિઓ ઉપર અનેકવાર આરોપ લગાવવામાં આવ્યો. નકલી રોગચાળાની વાત કરવી તે જેલવાસ કે તેનાથી બદતર થવાની શક્યતા હતી. આથી લાઝોવ્સ્કીએ દસકાઓ સુધી આ નકલી રોગચાળાની વાતને ખાનગી રાખી.
૧૯૫૮મા તે શિકાગો જઈ વસ્યા અને એક ડોક્ટર તરીકે શાંતિથી કામ કરતાં રહ્યા. તેની આજુબાજુના લોકોને જરાય ગંધ ન હતી કે તેણે અગાઉ ક્યા પ્રકારનું કામ કર્યું છે. પરંતુ ૧૯૭૦મા જ્યારે સંશોધકોએ કત્લેઆમથી બચેલાઓની મુલાકાત લીધી ત્યારે તેમના કાને સંભળાતું ‘એક ડોક્ટર જેમણે નકલી રોગચાળો ઊભો કર્યો હતો જેને કારણે અમે બચી ગયા.’
સંશોધકોએ તેને શોધી કાઢ્યા.
જ્યારે લાઝોવ્સ્કીએ અંતે આખી વાત કરી ત્યારે લોકો અચંબીત થયા. તેણે લગભગ ૮૦૦૦ લોકોને બચાવ્યા હતાં ફક્ત બુદ્ધિ, હિંમત અને વિજ્ઞાનને કારણે.
૨૦૦૦માં તે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નિયુક્ત થયા હતાં. તેને ઇઝરાએલનો Righteous Among the Nationsનું માન મળ્યું હતું. ચિકિત્સક કોલેજો પણ તેની કહાનીને સર્જનાત્મક પ્રતિરોધ અને નૈતિક હિંમતના દ્રષ્ટાંત તરીકે ભણાવતા.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આ સંદર્ભમાં તેની જાતને કઈ દ્રષ્ટિએ જુએ છે ત્યારે તેણે કહ્યું કે મેં કાંઈ ખાસ નથી કર્યું. મારી પાસે જે હતું તે વડે મારાથી થાય એટલું મેં કર્યું.
પણ તે હતા પ્રતિભાસંપન્ન વ્યક્તિ અને તેણે જે કર્યું તે વિશિષ્ટ હતું.
તમે વિચારો આ જે કર્યું તે હકીકતમાં શું હતું.
તે નાઝી સાથે શસ્ત્ર કે સૈન્ય સાથે નહોતા લડ્યા. તેણે તેમની સાથે તેમના ભયનો ઉપયોગ કર્યો. તેણે તેમના વહેમનો ઉપયોગ કર્યો. તેણે તેમની ઘાતકી, અક્કડ અને રોગના ભયની મનોવૃત્તિને સમજી. તેણે તેમની નબળાઈને બચાવની દીવાલ બનાવી. ન કોઈ ગોળીબારી, ન કોઈ બોમ્બ, ફક્ત જીવાણુઓ અને સાહસ.
હિંમત વિષે વાત કરવી સહેલી છે પણ લાઝોવ્સ્કીની હિંમત કોઈ એક કાર્ય ન હતું. તે તો વર્ષોની સતત અવજ્ઞા હતી. દરેક ઇન્જેક્શન, દરેક બનાવટી દસ્તાવેજ, પ્રત્યેક ઊંઘ વગરની રાત એ વિચારે કે કાલે જો ખબર પડશે તો શું થશે.
આ જ સાચી સાહસિકતા હોવી જોઈએ. ન કોઈ મહાન પગલું, પણ હજારો નાના જોખમભર્યા કાર્યો અને વિરોધ જે સર્વેને કારણે જીવિત રહેવાય છે.
જ્યારે તમે વિશ્વયુદ્ધ ૨ નો વિચાર કરશો ત્યારે તમારી નજરમાં સૈનિકો, ઉચ્ચ પદાધિકારીઓ આવશે. પણ ક્યારેક વિરોધ એટલે એક નાના દવાખાનામાં બેઠેલો પૂરૂષ જે બિનહાનિકારક જીવાણુઓનું એક પ્યાલીમાં મિશ્રણ બનાવે છે અને એક ભયભીત કુટુંબને ધીમેથી કહે છે, ‘ડરો નહિ, તમે થોડા સમયમાં સુરક્ષિત બનશો.’
પેલા ૮૦૦૦ લોકો જીવ્યા તે જુઠાણાને કારણે, અને તેના કારણે તેમના સંતાનો પણ જીવિત રહ્યા અને તેમના પૌત્રો આજે જીવે છે. કૌટુંબિક વટવૃક્ષ હયાત છે કારણ એક માનવે નક્કી કર્યું દુષ્ટતા સાથે લડવાનું – બળવાથી નહીં પણ બુદ્ધિથી.
પાદ નોંધઃ
પછીથી બાર્બરા નૅસેક નામનાં એક દિગ્દર્શકે આ કથા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ અંગે સંશોધનની ખોજમાં તેમને જાણવા મળ્યું કે હકીકતમાં ડૉ. યુજીનીયુસ્ઝ લાઝોવ્સ્કી અને ડૉ.સ્ટેનિસ્લૉ મતુલેવિસ્ઝનાં જુઠાણાંએ યુહુદીઓના નહીં પણ પૉલિશ લોકોના જીવ બચાવ્યા હતા. નૅસેકની તેમની શોધખોળ દરમ્યાન એટલું જરૂર જાણી શક્યાં કે લાઝોવ્સ્કીએ જાતિ ધર્મની પરવા કર્યા વિના અનેક નિર્દોષ લોકોના જીવ બચાવ્યા એ હકીકત છે, અને માત્ર એટલી હકીકત પણ તેમનાં એ કાર્યને માનવ જાત માટે બહુ પ્રેરણાદાયક સંદેશો આપી જાય છે.
તેમનો એ લેખ Investigation on a fake Polish Just અહીં વાંચી શકાશે.
Investigation on a fake Polish Just
આ દંતકથાની પાછળની હકીકતોની શોધને વર્ણવતી દસ્તાવેજી ફિલ્મ Eugène Lazowski: Holocaust Hero or Self-Made Myth? આજે પણ એટલા જ રસ અને આદરથી જોવાય છે.
સાંદર્ભિક તસવીર નેટ પરથી તેમ જ વિડીઓ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
તેરી બેવફાઈ પે હંસે જગ સારા
ધિક્કારનાં ગીતો
એક સ્ત્રી સામે વાંધો પડે ત્યારે ગામ આખાની સામે આખી સ્ત્રી જાતિની બદબોઈ કરવી એ યોગ્ય નથી જ.
દીપક સોલિયા
આજા મેરી બાહોં મેં આ… આ ગલે લગ જા… શારીરિક નિકટતા માટેનાં આ પ્રકારનાં આમંત્રણો મોટે ભાગે પુરુષ દ્વારા સ્ત્રીને અપાતાં હોય છે. આવી પહેલ કરવામાં સ્ત્રી કમસે કમ આરંભિક તબક્કે શરમાળ હોય તે એક સ્વાભાવિક બાબત ગણાય છે. એવું જાણે સ્વીકારાઈ ચૂક્યું છે કે કોઈ હસીના કદમ પહલે બઢાતી નહીં.
છતાં, હિન્દી ફિલ્મોમાં એકદમ ઓછાં છતાં યાદગાર ગીતો એવાં છે ખરાં, જેમાં સ્ત્રી સામે ચાલીને પુરુષને આમંત્રણ આપતી હોય. આવું એક ગીત છે, લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ના હો (ફિલ્મઃ વો કૌન થી). ધ મોસ્ટ રોમેન્ટિક સોંગ ઓફ ધ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હરીફાઈ યોજાય તો આ ગીત પાતળી તો પાતળી બહુમતીથી ચૂંટાઈ શકે ખરું. પાસ આઈયે કે હમ નહીં આયેંગે બાર બાર… જી ભર કે દેખ લિજીયે હમ કો કરીબ સે… સ્ત્રી દ્વારા અપતાં આવાં બોલ્ડ નિમંત્રણો ધરાવતા આ ગીતની વિશેષતા, અસરકારકતા, કાતિલતા એમાં સમાઈ છે કે એ ગીતમાં પ્રણય ઉપરાંત ઉદાસી પણ છે. અને સસ્પેન્સ પણ ખરું. આ આખું કોમ્બિનેશન ગીતને ધારદાર બનાવે છે.
પુરુષને નિમંત્રણ આપતી સ્ત્રીનું એક બીજું અત્યંત લોકપ્રિય ગીત છે બાહોં મેં ચલે આઓ... (ફિલ્મઃ અનામિકા). આ ગીતમાં પણ એકલો હાર્દિક રોમેન્સ નથી. એમાં શારીરિક રસિકતા ઉપરાંત હળવું રમતિયાળપણું પણ છે. એમાં પુરુષ વચ્ચે વચ્ચે શશશશ્… કહીને સ્ત્રીને તેનું વોલ્યૂમ ધીમું કરવા વિનવે છે. પણ સ્ત્રી ખીલી ઊઠી છે. એ બિન્ધાસ્ત થઈને કહે છેઃ હમસે સનમ ક્યા પરદા… ઓ… હમસે સનમ ક્યા પરદા… કમસે કમ આજ તો ખુલકે મિલો જરા હમસે.
આ ફિલ્મ અનામિકામાં સિચ્યુએશન એવી છે કે એક અજાણી, આફતગ્રસ્ત હિરોઈન (જયા ભાદુરી)ને હીરો (સંજીવ કુમાર) ઘરે લઈ આવે છે અને યાદદાસ્ત ગુમાવી ચૂકેલી (એવો દેખાડો કરતી) એ સ્ત્રીને ઘરમાં રાખે છે ત્યારે એક રાતે આ નારી બિન્ધાસ્ત ઘરધણીને નિમંત્રે છેઃ બાહોં મેં ચલે આઓ.
હીરો બિચારો અગાઉ પ્રેમમાં પછડાટ ખાઈ ચૂક્યો હોવાને કારણે નારીવિરોધી હતો. છતાં આ અજાણી અનામિકાના આહ્વાનોને તે અવગણી નથી શકતો અને એ પ્રેમમાં પડી જાય છે.
બાદમાં હીરોને એવી માહિતી મળે છે કે આ અનામિકાનો ભૂતકાળ ખરડાયેલો છે. પછી શું? હીરો તરત એવું વિચારી લે છે કે બધી જ સ્ત્રીઓ ખરાબ હોય છે એવી એની ધારણા ખોટી નહોતી.
પછી તો એક પાર્ટીમાં, અનેક લોકોની હાજરીમાં હીરો-હિરોઈન ભેગા થાય છે ત્યારે હીરો લલકારે છેઃ
મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગએ
જૈસે મેરે સપનેં બિખર કે
જલે મન તેરા ભી કિસી કે મિલન કો
અનામિકા તૂ ભી તરસે.ગીત પાર્ટીમાં ગવાઈ રહ્યું છે. ગાતાંગાતાં હીરોની નજર ઓળખીતાઓ સાથે મળે છે ત્યારે તે ઔપચારિક સ્મિત પણ રેલાવે છે. પરંતુ હસવા છતાં, શાંત રહેવા છતાં તે પોતાની વ્યથા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
તુઝે બિન જાને, બિન પહચાને, મૈંને હૃદય સે લગાયા
પર મેરે પ્યાર કે બદલે મેં તૂને, મુઝકો યે દિન દિખલાયા
જૈસે બિરહા કી રુત મૈંને કાટી, તડપ કે આહેં ભરભર કે
જલે મન તેરા ભી કિસી કે મિલન કો અનામિકા તૂ ભી તરસે.હું તને ઓળખી ન શક્યો, હું ઉલ્લુ બન્યો. પણ ઠીક છે, જેવી રીતે હું તડપ્યો એવી રીતે તું પણ તડપે એવી બદદુઆ આપ્યા પછી પણ હીરોનું પેટ નથી ભરાતું. ભાઈશ્રી પાછા લેખક છે (અને નાયિકા લેખકની મોટી ફૅન છે). શબ્દો સાથે પનારો પાડવાનું હીરોને સારું ફાવે છે. એટલે એ પોતાની હૈયાવરાળ વધુ આકરા શબ્દોમાં વ્યક્ત કરતાં કહે છેઃ
આગ સે નાતા, નારી સે રિશ્તા, કાહે મન સમઝ ન પાયા
મુઝે ક્યા હુઆ થા, એક બેવફા પે હાએ મુઝે ક્યોં પ્યાર આયા
તેરી બેવફાઈ પે હંસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે…યે કુછ ઝ્યાદા હો ગયા. હીરોને હિરોઈન સામે વાંધો પડ્યો ત્યાં સુધી તો જાણે ઠીક છે, પરંતુ ભડકેલો હીરો તો સમગ્ર નારીજાતિને વચ્ચે લઈ આવ્યો. એણે તો નારીને આગ સાથે સરખાવી દીધી અને પછી ભારે માંયલો શાપ આપ્યોઃ જા, તું બદનામ થાય અને તું રસ્તા પર નીકળે ત્યારે લોકો તારા પર હસે, થૂથૂ કરે.
આ બધી જ આકરી વાતો કહેતી વખતે હીરો પાર્ટીના માહોલમાં ચહેરા પર કૃત્રિમ શાલીનતા ટકાવી રાખે છે અને પોતાનો ટોન માઈલ્ડ રાખે છે. એટલે ગીતની ધૂન સોફ્ટ છે, મધૂર છે. પણ શબ્દો તો તેજાબી જ છે.
અલબત્ત, મોટા ભાગની ફિલ્મી વાર્તાની માફક અહીં પણ મામલો ગલતફહમીનો જ છે. હિરોઈન અસલમાં નિર્દોષ છે. એ વખાની મારી છે. એની પૂરી સચ્ચાઈની હીરોને જાણ નથી. આખી સચ્ચાઈ જાણ્યા બાદ હીરો પીગળી જાય છે, પરંતુ એ પહેલાં પૂરી વાત જાણ્યા વિના તે હિરોઈનને અત્યંત કઠોર શબ્દોમાં વખોડી કાઢે છે તેનું શું?
બસ, વાંકું પડે કે તરત ચુકાદા આપી દેવાના? સામેની વ્યક્તિની પરિસ્થિતિ સમજવાની કોશિશ જ નહીં કરવાની? અંગત સ્તરની સમસ્યાનો ઢંઢેરો ગામ આખા સામે પીટવાનો? સ્ત્રીને સૌની સામે બદનામ કરવાની?
આ ઠીક નથી.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
કાળું વાદળ ધોળું વાદળ
લતા જગદીશ હિરાણી
“માય ડીયર પપ્પાજી, અમારા ટીચરે રસ્તા પર ફરવા જવાનું કહ્યું છે… મારા મમતા ટીચર મને બહુ ગમે પપ્પા. એવા સરસ છે! અને વાતોય બહુ સરસ કરે!”
‘હમ્મ… હું પણ તને કેટલી વાર કહેતો હતો! પણ ચલો ટીચરે કહ્યું એટલે કરે છે એય બહુ સરસ. તું સમજી તો ખરી!”
હવે સાંજ પડે પીંકી અને પપ્પા બંને રોજ સાંજે ચાલવા જાય. પીંકીને તો મજા પડી ગઈ. પીંકી મમ્મીનેય કહેતી પણ મમ્મીને સાંજે રસોઇ કરવાનો ટાઇમ એટલે એ ન આવી શકતી. પીંકીના ઘરની બાજુમાં જ એક સરસ મજાનો ગાર્ડન હતો એટલે એમાં પીંકી અને પપ્પા બંન્ને જાય. પીંકી થોડુંક રમે, થોડાક હીંચકા ખાય અને પછી પપ્પા સાથે વોક પણ કરે.
પીંકીનું ઘર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની એક સોસાયટીમાં હતું. એક દિવસ પપ્પા કહે,
“ચાલ આજે આપણે બગીચાને બદલે આજે રોડ પર ચાલીએ.”
પીંકીને તો મજા પડી ગઇ. એને કંઇ નવું કે જુદું કરવા મળે એટલે એ ખુશ થઇ જાય.
પીંકી અને પપ્પા બંને મોટા રીંગ રોડ પર પહોંચી ગયા.
“પીંકી, અહીં આપણે ફૂટપાથ પર જ ચાલવાનું હોં કે !”
“હા પપ્પા, પણ આપણે ચાલીએ છીએ એ ફૂટપાથની બાજુમાં વળી એક નાનો રસ્તોય છે..
“હા બેટા આ રસ્તાને સર્વિસ રોડ કહેવાય. એના પર નાનાં વાહનો જઇ શકે.”
“એના પછીયે ફરી ફૂટપાથ છે, પપ્પા ચાલોને આપણે એ સાવ અંદરની ફૂટપાથ પર ચાલીએ.”
“હા, એ તારી વાત સાચી. ત્યાં દિવાલોની પાછળથી વૃક્ષો પણ ડોકાય છે જો..”
સાંજનો ટાઇમ હતો એટલે રસ્તા પર વાહનોની વણઝાર હતી. ગાડીઓ, સ્કૂટર ને બાઇકની જાણે રેસ ન લાગી હોય ! અને રસ્તા પર ધુમાડો ચોખ્ખો દેખાતો હતો.
બંને દિવાલ પાસે ચાલવા લાગ્યા.
“પપ્પા, આ સામ્મે ઉપર તો કંઇ દેખાતું નથી.”
“ચાલ સારું થયું, આ ઝાડ પાનની નજીક ચાલીએ તો ધુમાડો થોડો ઓછો લાગશે !”
“બધું ધુમાડાથી ઢંકાઇ ગયું છે. આટલા બધાં વાહનોનો ધુમાડો ક્યાં જાય?” પિંકી જરા અકળાઈ ગઈ.
“આપણે હંમેશા ગાડીમાં જઇએ એટલે તને ઉપર દેખાતું નહોતું. આજે દેખાયું. આ બતાવવા જ તને લાવ્યો છું બેટા !”
“પપ્પા, લોકો સાયકલ ચલાવતા હોય તો આટલો ધુમાડો તો ન થાય !”
“ખરી વાત છે બેટા. દૂર જવાનું હોય તો ભલે વાહન વાપરે પણ નજીકના વિસ્તારમાં તો સાયકલ વાપરી જ શકાય.”
“પપ્પા હવે નજીકની બધી જગ્યાએ હું સાયકલ જ વાપરીશ. અને હું મોટી થઇશ ને પપ્પા, ત્યારે બે વાહન રાખીશ. એક એક્ટીવા અને બીજી સાયકલ.”
“યસ યુ આર અ ગુડ ગર્લ”
ને એવામાં ચાલતાં ચાલતાં દિવાલ પાછળથી બોગનવેલ દેખાણી. એની ડાળીઓ બહાર નીકળી ઝૂકી ઝૂકીને જાણે એનાં ફૂલો બતાવતી હતી.. પીંકીને મજા આવી ગઇ.
“આ એક બાજુ આટલા વાહનો અને આટલા ધુમાડામાંયે આ બોગનવેલના ફૂલો કેવાં મસ્ત લાગે છે પપ્પા ?”
“એમ તો જો, આપણી જમણી બાજુ સર્વિસ રોડ પછી સળંગ કરેણના ફૂલોયે છે…”
“ચાલો આટલું તો મજાનું છે.”
હજી તો આ વાત પૂરી થાય ત્યાં તો ફૂટપાથ પર ભેંસના પોદળા શરૂ થયા. અરે બાપરે.. આખી ફૂટપાથ ભેંસના પોદળાથી ભરી હતી. પીંકી અને એના પપ્પાએ બીજી ફૂટપાથ પર જવું પડ્યું.
એ લોકો ડ્રાઇવઇન રોડની નજીક પહોંચવા આવ્યા હતાં પણ સામે રોડની બધીયે બિલ્ડીંગ ઝાંખી ઝાંખી હતી. ધુમાડામાં બધું ધુંધળું હતું. અતિશય ધુમાડાને લીધે પીંકીની આંખો બળવા માંડી.
“હવે પપ્પા આપણે આમ રોડ પર ચાલવા કદી નહીં આવીએ. આના કરતાં તો આપણો બગીચો સારો.”
“તારી મમ્મી બધાંને કહ્યા કરે છે ને કે બને ત્યાં સુધી સાયકલ ચલાવવી જોઇએ, બસ આટલી વાત સમજાવવા જ તને હું અહીં લઇ આવ્યો.”
“આમાં તો મમ્મી બધું સાચું જ કહેતી હોય છે. એ એમ પણ કહે છે કે સાયકલ ચલાવીએ તો બીજી કોઇ કસરતની જરૂર જ ન પડે. તબિયત મસ્ત રહે પણ પપ્પા, તમેય એનું ક્યાં સાંભળો છો ?”
“ચુપ.. ચિબાવલી, તારી ને મારી વાત જુદી…”
“જોયું ? હવે હું ગુડ ગર્લમાંથી ચિબાવલી કેમ થઇ ગઇ ? ન ચાલે પપ્પા, હવેથી તમે મમ્મીની વાત સાંભળશો તો જ હું મમ્મીની અને તમારી, બંનેની વાત સાંભળીશ…”
“ઓકે, ડન.”
“અને પપ્પા એક મસ્ત આઇડિયા કહું ?”
“બોલ ને ! તું આઇડીઆનો ભંડાર છો.”
“આ આપણા વૈજ્ઞાનિકો આટલી રિસર્ચ કરે છે ને તે એમણે એવાં વાદળ બનાવવાં જોઇએ જે થોડે ઉપર ઊડ્યા કરે. એક કાળું વાદળ હોય જે હવામાંથી બધી ગંદકી, કાર્બન ડાયોકસાઇડ ચુસ્યા કરે, અને પાછળ પાછળ બીજું ધોળું વાદળ ઊડતું હોય, એ નીચે ચોખ્ખી હવા સ્પ્રે કર્યા કરે…!”
“ઓહ, નોટ ઓન્લી ગુડ ગર્લ, યુ આર વેરી સ્માર્ટ ગર્લ ટુ…લવ યુ બેટા…”
પપ્પાના ખિસ્સામાં હાથ નાખી ચોકલેટ કાઢતાં પિંકીએ જવાબ આપ્યો,
“આઇ ટુ પપ્પા…”
-
સિંહની કેશવાળી
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક જંગલ હતું. બધા જંગલની જેમ આ જંગલમાં પણ ઘણા બધા પ્રાણીઓ રહે. વાઘ અને સિંહ, જિરાફ અને ચિત્તા, હરણાં અને હાથી, વરુ અને સાબર -બધાં પ્રાણીઓ અહીં હળીમળીને રહેતાં હતાં. એમાં પણ સસ્સુ સસલું, શાનુ શિયાળ અને ઉન્નું ઉંદર વચ્ચે ખાસ દોસ્તી હતી. બપોરે જયારે મોટા ભાગના પ્રાણીઓ ખાઈ-પી ને આરામ કરતાં હોય ત્યારે આ ત્રણેય મિત્રો મળે, એક ઝાડ નીચે બેસે અને અલક મલકની વાતો કરે.
એક દિવસ વાતોવાતોમાં એ ત્રણેયમાં કોણ વધારે બહાદુર એની ચર્ચા ચાલુ થઇ. પોતાના કાન ફફડાવતું ફફડાવતું સસ્સુ સસલું કહે, ‘આમ ભલે હું બીકણ લાગતું હોઉં, પણ આપણા ત્રણમાં સહુથી વધુ બહાદુર તો હું જ છું.’
આ સંભાળીને શાનુ શિયાળ તો ખડખડાટ હસવા માંડ્યું. સસલા સામે જોતું જાય અને હસતું જાય. સાથે ઉન્નું પણ હસવા માંડ્યો. સસ્સુને ખરાબ લાગ્યું. એણે થોડા ગુસ્સાથી પૂછ્યું, ‘એમાં તમને આટલું બધું હસવું શેનું આવે છે?’
શિયાળ કહે, ‘ઝાડ ઉપરથી એક બોર પડ્યું એમાં તો “આકાશ પડ્યું” એમ કહીને તેં આખા જંગલના પ્રાણીઓને ભગાવ્યા હતા. તું તારી જાતને બહાદુર કહે છે?’
સસ્સુ કહે, “પણ કૂવામાં એનું પ્રતિબિંબ બતાવીને મેં જ સિંહને કૂવામાં ધકેલ્યો હતો ને? એ વખતે તમારી બહાદુરી ક્યાં ગઈ હતી? હસવા કરતાં તમે એવું કોઈ પરાક્રમ કર્યું હોય તો કહો ને!’
પોતાની મૂછ ઉપર પંજો ફેરવતો ઉનદ્નું ઉદર બોલ્યો, “એકવાર સિંહ એક જાળમાં ફસાઈ ગયો હતો ત્યારે મેં એની જાળ કાપીને એને છોડાવ્યો હતો. આટલો નાનો છું તો પણ એની એટલી નજીક જતાં હું જરાયે ડર્યો ન હતો. જંગલનો રાજા જેનો આભાર માને એ ઓછો બહાદુર હોય? એ રીતે આપણા ત્રણમાં સહુથી વધુ બહાદુર તો હું જ છું.’
શાનુ કહે, ‘અરે પણ સિંહ જાળમાં ફસાયેલો હોય ત્યારે તો કોઈ પણ એની નજીક જઈ શકે. એ કંઈ બહાદુરી ન કહેવાય.’
સસ્સું અને ઉન્નુંએ એકબીજાની સામે જોયું અને બોલ્યા, “તું અમારા બન્નેની વાત કરે છે તો તારી બહાદુરી બતાવ ને! તે શું કર્યું છે?’
પોતાના ગાલ ફૂલાવતું શિયાળ બોલ્યું, મારા તો એક નહીં ઘણા પરાક્રમો છે. એકવાર સિંહે મને એના દાંતમાંથી વાસ આવે છે એમ પૂછ્યું ત્યારે ‘મને શરદી થઇ છે’ કહીને મેં એને મૂરખ બનાવ્યું હતું. બીજી એકવાર સિંહ બીમાર પડવાનો ઢોંગ કરીને એક પછી એક બધા પ્રાણીઓને ખાઈ જતો હતો ત્યારે મેં જ એ પ્રાણીઓના એની ગુફામાંથી બહાર ન આવતા પગલાં જોઇને હિંમતથી એની નજીક જવાની ના પાડી દીધી હતી. પછી બધા પ્રાણીઓને ચેતવ્યા પણ હતા. બોલો, હું જ છું ને સહુથી બહાદુર?”
ઉન્ું તરત બોલ્યો,, “ના ના. એ તો તારી ચતુરાઈ કહેવાય. બહાદુરી તો મારી જ છે.’
“ના, મારી’.
“ના મારી.’
ત્રણેય દોસ્તો વચ્ચે ખૂબ ચર્ચા થઇ. છેવટે એમણે નક્કી કર્યું કે જે સિંહની કેશવાળીના વાળ ગણી આવે એ સહુથી વધારે બહાદુર એવું માનવાનું. ત્રણે ય જણ આને માટે કબૂલ થયા. એમણે પાંચ દિવસ પછી એ જ જગ્યાએ મળવાનું નક્કી કર્યું.
એક બપોરે સિંહ એક ઝાડ નીચે સૂતો હતો ત્યારે ઉન્નું થોડી હિંમત કરીને એની નજીક ગયો. પણ એ જ વખતે પવન આવ્યો અને સિંહની મૂછના વાળ હાલ્યા. એટલે ઉન્નું તો પૂંછડી દબાવીને પાછો આવી ગયો. એણે વિચાર્યું કે જીવ ગુમાવવો એના કરતાં બીકણ કહેડાવવામાં વાંધો નહિ.
પછી શાનુ સસલું સિંહના સૂવાના સમયે એની કેશવાળીના વાળ ગણવા ઉપડ્યું. એ હજુ તો એનાથી થોડેક દૂર હતું ત્યાં સિંહે ઊંઘમાં પૂંછડી પછાડી. સસલું તો પાછું વાળીને જોવા પણ ન રહ્યું અને જાય ભાગ્યું. એણે પણ વિચાર્યું કે જીવ ગુમાવીને બહાદુર કહેવડાવવાની મૂર્ખામી ન કરાય. સસ્સુ અને ઉન્નુંને લાગતું હતું કે એમણે બરાબર જ કર્યું હતું. એમનું દોસ્ત શિયાળ પણ ખોટી હિંમત તો નહીં જ કરે.
હવે એમણે નક્કી કર્યા પ્રમાણે પાંચ દિવસ પછી એ લોકો નક્કી કરેલી જગ્યાએ મળ્યા. ઉન્નુ અને સસ્સુએ પોતાની બીકની વાત એમના દોસ્તોને જણાવી દીધી. એ સાંભળીને પાછું શિયાળ ખડખડાટ હસવા લાગ્યું. “બીકણ સસલું અને ફોશી ઉંદર’ એમ બોલતું જાય ને હસતું જાય. એના દોસ્તોને ખરાબ તો લાગતું હતું પણ શું કરે? થોડી વાર પછી શિયાળે હસવાનું બંધ કર્યું એટલે એમણે પૂછ્યું, “તું અમારા પર હસે છે પણ તારી વાત તો કહે. તું સિંહની કેશવાળીના વાળ ગણી શક્યું?’
શાનુ કહે, ‘એક એક વાળ હાથમાં લઈને ગણ્યો. સિંહની કેશવાળીમાં ૧૦૫૩ વાળ છે.’
“હે?’ પેલા બન્ને તો મોં ખોલીને આશ્ચર્યથી એની સામે જોવા માંડ્યા.“આમ મારી સામે શું જુઓ છો? સિંહની બાજુમાં બેસીને એની કેશવાળીના વાળ ગણી આવ્યો છું. ન મનાતું હોય તો એને પૂછી આવો. નહીં તો તમે પોતે ગણી લેજો.’
પેલા બંને શું બોલે? એમણે કબૂલ કરવું પડ્યું કે એ ત્રણેયમાં શિયાળ જ સહુથી વધારે બહાદુર હતું. એમણે એ માટે શિયાળને ઝુકી ઝૂકીને સલામ પણ કરી.
થોડી વાર પછી ત્રણેય વિખેરાયા. સસ્સુ અને ઉન્નું સમજી જ ન શક્યા કે શાનુએ એ કામ કેવી રીતે કર્યું હશે.
શાનુ શિયાળ મૂછમાં હસતું રહ્યું કે આ મૂર્ખાઓને ખબર નથી કે ખોટી બહાદુરી કરતાં ચતુરાઈ વધારે મહત્વની હોય છે. પોતે તો સિંહની નજીક જવાની હિંમત પણ ન હતી કરી અને તો પણ સહુથી બહાદુર કહેવાયો હતો!
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
-
આત્મદર્શનમ્ યોગ્યત્વમ્
નલિની નાવરેકર
શુચિર્ભૂત થઈને જેમ આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ તેમ મન અને તન ‘શુચિ’ (સ્વચ્છ) કરીને આપણે પરમાત્માના મંદિરમાં પ્રવેશ કરીશું…. શુચિતાની જ્યાં સીમા આવે છે, ત્યાં આત્મદર્શનની યોગ્યતા આવે છે.” – વિનોબા (शुचित से आत्मादर्शन)
તન અને મન એટલે કે બાહ્ય અને અંતરની વિશેષ સ્વચ્છતા થશે ત્યારે આત્મદર્શનની યોગ્યતા આવે છે. આવી યોગ્યતા સુધી પહોંચવાનો પ્રયાસ આપણે કરવાનો છે.
એ તો આપણે જોયું કે બાહ્ય સ્વચ્છતા વિના આંતરિક શુદ્ધિ/ ચિત્તશુદ્ધિ સંભવી શકતી નથી. અને ચિત્ત શુદ્ધિ વિના, બાહ્ય શુદ્ધિનો કોઈ અર્થ નથી. ગયા અંકોમાં બાહ્ય સ્વચ્છતા અંગે આપણે ઘણી માહિતી મેળવી. હવે જીવનશુદ્ધિની થોડી વાત કરીશું. બહારની સ્વચ્છતાનું પરિણામ મન પર થાય છે, તો મન પ્રસન્ન થઈ જાય છે. પ્રસન્નતાનો અર્થ જ નિર્મળતા છે.
સત્સંગતિ અને સદ્ગ્રંથ પઠન : ચિત્તશુદ્ધિ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે સત્સંગતિ. સંતોનું જીવન તેમજ સંતોના શબ્દો આપણી ચિત્તશુદ્ધિ કરીને આપણને આત્મદર્શનની ‘યોગ્યતા’ સુધી પહોંચાડી દેશે. વિનોબાજીનાં शुचित से आत्मादर्शन, મહાગુહા મેં પ્રવેશ, ગીતાપ્રવચન વગેરે ઘણાં પુસ્તકો તેમજ ગાંધીજીનાં મંગલપ્રભાત, સત્ય કી ખોજ, રામનામ વગેરે પુસ્તકો અને એકંદરે આપણા બધા સંતોના ગ્રંથોમાંથી આપણને સત્સંગતિનો ખજાનો જ મળશે. આપણા રોજબરોજના જીવનમાં કેટલાંક નાનાં-મોટાં સાધનો છે, જે ચિત્તશુદ્ધિને માટે મદદરૂપ થશે. તે છે પ્રાર્થના, નામસ્મરણ, પ્રાણાયામ, શરીરશ્રમ વ્રત, આહારશુદ્ધિ, અર્થશુચિતા – આ જીવનશુદ્ધિનાં મહત્ત્વનાં અંગ છે.
પ્રાર્થના : ગાંધી-વિનોબા પ્રાર્થનાને નિદ્રા, ભોજન અને સ્નાનની ઉપમા આપે છે. શરીરને માટે આ ત્રણે જેટલાં જરૂરી છે એટલાં જ, મન અને ચિત્તના આરામ, શાંતિ, પોષણ અને શુદ્ધિ માટે પ્રાર્થના જરૂરી છે. એક દિવસ પણ પ્રાર્થના ન થઈ શકે તો ગાંધીજી પોતાને અપરાધી માનતા હતા, અસ્વસ્થ થઈ જતા હતા.
પ્રાર્થના શું છે ? : એક તો છે, એ સર્વશક્તિશાળી ઈશ્ર્વરનું સ્મરણ અને સ્તવન ! બીજું છે, તેની પાસેની યાચના ! આપણી મર્યાદાઓ દૂર થાય, આપણી શુદ્ધિ થાય તેને માટે એને પ્રાર્થના કરવી ! ત્રીજું છે, ‘ગુણચિંતન !’ પ્રાર્થનામાં આપણે જે ગુણોનું ચિંતન કરીશું, તેને અમલમાં લાવવાનો પ્રયત્ન થશે. પ્રાર્થના મૌન પણ હોઈ શકે ને સશબ્દ તો હોય જ છે. વ્યક્તિગત પ્રાર્થના પણ જરૂરી છે, સામૂહિક પ્રાર્થનામાં તો લાભ છે જ. અંદરથી જેના પર શ્રદ્ધા હોય એવી પ્રાર્થના અને સામે આદર્શ ઊભો થઈ શકે તેવી પ્રાર્થના આપણે કરીએ.
નામસ્મરણ : પ્રાર્થના પણ એક રીતે જોવા જાવ તો નામસ્મરણ જ છે. વિનોબાજી કહે છે, “હું ગીતાને નામસ્મરણ જ માનું છું. તેમ છતાં નામસ્મરણનું એક જુદું જ સ્થાન છે, મહત્ત્વ પણ છે. ભગવાન- ના જે સ્વરૂપ અને નામ પર શ્રદ્ધા હોય, ભાવ હોય; જે નામ જેને પ્રિય હોય, એના નામનો જપ કરવો જોઈએ. કાનથી એનું જ શ્રવણ કરવું. સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવથી ભગવાનનું નામ લેવામાં આવે તો એ નામસ્મરણ મનને ધોવા માટે જરૂરથી મદદ કરતું હશે. દુનિયામાં જેટલાં પણ નામ છે, એ બધાં ભગવાનનાં જ નામ છે, એવું વિનોબાજી કહે છે.
ઘણાં લોકો માળા લઈને નામ જપ કરે છે. કોઈ માત્ર મોઢાથી નામસ્મરણ કરે છે. આવી રીતે નામસ્મરણ કરવામાં સૌની રુચિ કે વૃત્તિ નથી હોતી. તો ભજન કે ભક્તિગીતોના રૂપમાં નામજપ સારું છે. સાંભળ્યા કરવું જોઈએ. સંગીતમાં એક અદ્ભુત શક્તિ હોય છે. જે પ્રકારનું સંગીત આપણે સાંભળીએ છીએ તે પ્રકારના સંસ્કાર આપણા મન પર પડે છે.
પ્રાર્થના અથવા નામસ્મરણનો અધિકાર કોને છે ? આનો મજાનો પરંતુ અર્થપૂર્ણ જવાબ વિનોબાજીની વિચારપોથીમાં મળે છે. ‘જે પુણ્યશાળી છે તે ભગવાન પાસે જઈ શકે છે, કારણ કે તે પુણ્યશાળી છે.’ ‘જે પાપી છે તે ભગવાન પાસે જઈ શકે છે કારણ કે તે પાપી છે.’ આ જ વાત પ્રાર્થના અને નામસ્મરણને પણ લાગુ પડશે.
પ્રાણાયામ : પ્રાણાયામથી શ્ર્વાસ ‘સમ’ બને છે. શ્ર્વાસ ‘સમ’ થાય ત્યારે મન સ્થિર અને શાંત થાય છે. મગજમાં તાજગી આવે છે. શરીર સ્વસ્થ, વ્યાધિમુક્ત કરવા માટે પણ પ્રાણાયામનો ઉપયોગ થાય છે. જો શરીર સ્વસ્થ હોય તો મન પણ સ્વસ્થ અને પ્રસન્ન રહે છે. અને સ્વસ્થ મન, શાંત થઈને શુદ્ધ થવા તરફ આગળ વધે છે. ધ્યાન રહે કે પ્રાણાયામ યોગ્ય પદ્ધતિથી થવો જરૂરી છે.
શરીરશ્રમ વ્રત : વ્રતપૂર્વક શરીરશ્રમ કરવો અને મજબૂરીમાં શરીર-શ્રમ કરવો એ બંને બાબતમાં અંતર છે. આ વ્રતના લાભ તો અનેક છે. પરંતુ જીવનશુદ્ધિ માટે તેનો લાભ વિશેષ પણ છે. આજકાલ ઘરમાં મશીનો અને ઑફિસમાં કમ્પ્યુટરને લીધે હાથથી કામ કરવાનું બહુ ઓછું થઈ ગયું છે. નહીં તો ઘરની સફાઈ, વાસણ માંજવાં, કપડાં ધોવાં જેવાં કામોમાં હળવો શરીરશ્રમ થઈ જાય છે. આંગણું તથા પરિસરની સફાઈ, બગીચામાં કામ કરવું, જુદી જુદી જરૂરિયાતો-કામો માટે બને તેટલું પગે ચાલીને જવું-આવવું – આ બધું જરૂરી છે. સ્ત્રી-પુરુષ બધાંએ જ આ કરવા જેવું છે. આમાં શરીરશ્રમ (વ્યાયામ) અને પ્રેમ એકસાથે થઈ જાય છે.
ખેતીનું કામ તો જીવનશુદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ કામ કહી શકાય. ખેતીમાં શ્રમ કરતી વખતે ખુલ્લી અને તાજી હવા તેમજ સૃષ્ટિનું સાંનિધ્ય મળે છે. તેનાથી જીવનશુદ્ધિનો લાભ પ્રાપ્ત થાય છે. વિનોબાજી કહે છે, ‘ભગવાનની ભક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન ખેતી છે. ખેતીમાં કામ કરવાથી વિકારશમન સહેલું બને છે.’
આહારશુદ્ધિ અને અર્થશુચિતા આદિ જીવનશુદ્ધિનાં અભેદ્ય અંગ છે. આમ આ બે સ્વતંત્ર અને વ્યાપક વિષયો છે.
આહાર શુદ્ધિ : आहार शुद्धो सत्व शुद्धि: ! ઉપનિષદમાં સૂત્ર છે, આહારથી ચિત્તશુદ્ધિમાં મદદ મળશે. શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું એ બધું આહારશુદ્ધિમાં આવી જાય છે. મનુષ્યને માટે શાકાહાર જ યોગ્ય છે.
અર્થશુચિતા : આમાં કમાવું તેમજ ખર્ચ કરવો એ બંને બાબતો આવી જશે. કેવી રીતે કમાવું અને કેટલું કમાવું એ મહત્ત્વની બાબતો છે. ક્યાં, કેવી રીતે તેમજ કેટલો ખર્ચ કરવો એ પણ મહત્ત્વનું છે.
(આ લેખમાળા ‘શુચિતા તરફ’ આ લેખ સાથે પૂરી થાય છે. સ્વચ્છતા અંગે વિજ્ઞાન અને અધ્યાત્મ વિશેના વિચાર, શાસ્ત્ર, માહિતી જેટલાં બની શકે તેટલાં વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેનો મને ખૂબ સંતોષ છે.
આપણા ગામ, દેશ તથા આપણા વ્યક્તિગત જીવનોના વ્યવહારમાં આમાંની કેટલીક વાતો ઊતરે તેવો આ લેખમાળાનો ઉદ્દેશ હતો. કેટલો સફળ થયો તે તો હું નથી જાણતી પરંતુ મારા પોતાના વ્યવહાર અને કાર્યમાં જરૂર ફાયદો થયો છે તેવું હું જરૂર કહી શકું. બાકી ભગવાનને અર્પણ….)
– નલિની નાવરેકર, નાસિક, ફોન : ૭૫૮૮૩૧૬૧૩૭
ભૂમિપુત્ર : ૧ જાન્યુઆરી, ૨૦૨૫
-
મોટરકારની ઘેલછા: ઝેરી હવાની મનસા
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
આ લેખ લખાઈ રહ્યો છે તે દરમ્યાન છાપામાં વાંચવામાં આવ્યું કે દિલ્હી શહેર શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યું છે અને ત્યાંની સૌથી મોટી સરકારી હોસ્પિટલ(લોકનાયક હોસ્પિટલ)માં શ્વસનતંત્રની બીમારીના ઇલાજ માટેની દવાઓની અછત સર્જાઈ રહી છે. આ એક જ સમાચાર પરિસ્થિતિની ગંભીરતા જણાવવા મટે પૂરતા છે. હવામાંના પ્રદુષણ માટે અનેક પરિબળો જવાબદાર હોઇ શકે છે. પરંતુ આફત નોતરવામાં સૌથી મોટો ફાળો વધતી જતી મોટરકારોની સંખ્યા છે એ સત્ય તરફ આપણે શાહમૃગવૃતિ સેવીએ છીએ. જો કે ખાનગી મોટરકાર ઉપરાંત પરિવહન માટે ટેમ્પો- ટ્રકો , ટેક્ષીઓ, રીક્ષાઓ વગેરેને કારણે પણ પ્રદુષણ વધે છે પરંતુ વત્તેઓછે અંશે તે પ્રજાની જરૂરિયાત છે. તેથી આ લેખમાં મુખ્યત્વે ખાનગી મલિકીની મોટરકારો પર ભાર મૂકવામાં આવ્યો છે.
આજથી લગભગ સાંઇઠ વર્ષ પહેલા અમેરિકાની સમૃદ્ધિ બાબતે સાંભળેલું કે ત્યાં ઘરદીઠ એક મોટરકાર હોય છે. સફાઇકામદાર પણ પોતાની મોટરકાર વાપરે છે. એ સમયે ભારતમાં લગભગ ચાર લાખ મોટરકાર હતી અને વસ્તી હતી ચાળીસ કરોડની. એટલે કે દર હજાર માણસે એક મોટરકાર, એ પણ ઘણીખરી શહેરોમાં. લાખો ગામડાં એવાં હતાં કે જ્યાં એક પણ મોટરકાર તો ન હતી ઉપરાંત સાયકલ સિવાય એક પણ ટુવ્હીલર પણ ન હતું. આજે ભારતમાં લગભગ સાત કરોડ મોટરકાર છે અને વસ્તી છે એક્સો ચાલીસ કરોડ, એટલે કે દર વીસ માણસે એક મોટરકાર છે. કેટલાક આદીવાસી વિસ્તારો સિવાય ભાગ્યેજ કોઈ ગામડું હશે જ્યાં એક પણ મોટરકાર નહીં હોય.
નાણાકીય વર્ષ ૨૦૧૪-૨૫માં ભારતમાં કુલ ૪૩,૨૦,૯૫૬ કારનું વેચાણ થયું હતું. આ તો ગૂગલગુરુએ આપેલી માહિતી છે. હવે આપણને સામે જ દેખાય છે તેની વાત કરીએ.
એકાદ મહિના પહેલા અમદાવાદ શહેરથી દૂર આવેલા એક પાર્ટીપ્લોટમાં લગ્નસમારંભ હતો. ત્યાં આવેલા મોટાભાગના મહેમાનો મોટરકારમાં આવ્યા હતા. જેમની પાસે પોતાની કાર ન હતી તેઓ બીજા સગાસબંધીની કારમાં આવ્યા હતા. મહેમાનોની સંખ્યા લગભગ પાંચ સો જેટલી હતી. એક અંદાજ લગાવી શકાય કે એ લગ્નસમારંભમાં ઓછામાં ઓછી દોઢ સો જેટલી મોટરકરોનો ઉપયોગ થયો હોવો જોઈએ. વળી હવેના સમયમાં લગ્નપ્રસંગ એક દિવસમાં ઉકેલાતો નથી મોટાભાગે બે દિવસ અને ક્યારેક વધારે દિવસો સુધી પણ ચાલતો હોય છે. આથી અનુમાન કરી શકાય કે એક જ લગ્ન પ્રસંગે ઓછામાં ઓછી ત્રણસો થી ચારસો મોટરકાર રસ્તા પર દોડી. આ તો એક જ પ્રસંગની માહિતી છે, અમદાવાદ દિલ્હી જેવા મોટાં શહેરોમાં ક્યારેક એક જ દિવસમાં હજારોની સંખ્યામાં લગ્નપ્રસંગો યોજાતા હોય છે.
ઉપર દર્શાવેલી વિગતોને આધારે એટલે કે વસ્તીદીઠ કારની સંખ્યાને માપદંડ તરીકે લઈએ તો આપણે દેશના આર્થિક વિકાસ બાબતે ગૌરવ લઈ શકીએ. સરકારની ઉદાર આર્થિક નીતિને લીધે લોકોની સમૃદ્ધિ વધી છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ ઢાલની બીજી બાજુ પણ છે. એ બાજુ કેવી છે તે Car24(ભારતીય બહુરાષ્ટ્રીય ઓનલાઈન માર્કેટપ્લેસ) ના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિક્રમ ચોપરાના *શબ્દોમાં જાણીએ[1]
“હું મોટરકારનું ભારતમાં વેચાણ કરતી કંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છું. સ્વાભાવિક છે કે મારું ગુજરાન કારચાલકો અને કાર ખરીદનારા ગ્રાહકો પર ચાલે છે. વાહનોની અવરજવર એ મારા ધંધાની કરોડરજ્જુ છે. આમછતાં હું સરકારને જાહેરમાં કહું છું કે વાતાવરણમાં ઝેર ઓકતી કારો પર અંકૂશ લગાવે. મારા જેવો જેની રોજીરોટી જ કાર છે તે રસ્તા પર કારને ઓછી કરવાનું કહે છે ત્યારે આપે સમજવું જોઈએ કે પરિસ્થિતિ કેટલી વણસી ગઈ છે. ભલે હું કારકંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોઉં, પરંતુ સાથે સાથે પાંચ વર્ષનાં એક બાળકનો પિતા પણ છું. મારા આ બાળકની ઉંમર તો ઘરની બહાર રમવાની છે પરંતુ તે બહાર રમવાને બદલે મને સવાલ કરે છે કે આકાશ આટલું ગંદુ કેમ છે? મારે ૮૦ વર્ષની ઉંમરના માબાપ છે જે ઘરની બહાર પગ મૂકતા ડરે છે, કારણ કે બહારની હવા તેમનાં ગળાં ખરાબ કરી નાખે છે. અહી હું કોઇ મોટા સિદ્ધાંતની કે રાજકારણની વાત નથી કરતો, પરંતુ મારા પરિવારના સભ્યોનાં ફેફસાં પર ઉભા થયેલાં જોખમની વાત કરું છું.”
તેઓ આગળ ઉમેરે છે,
“અગાઉ આપણે પ્રયોગ કરી ચૂક્યા છીએ, તેથી આપણને સૌને દિલ્હી શહેરની હવા ચોખ્ખી કરવાના ઉપાયોની જાણ છે જ. ૨૦૧૬માં ઓડ-ઇવનવાળા પ્રયોગને અંતે મળેલા અહેવાલ મુજબ હવામાં લગભગ ૧૪થી ૧૫ ટકા જેટલો સુધારો થયો હતો અને નાઇટ્ર્રોજન ઓક્સાઈડનો નોંધપાત્ર ઘટાડો થયો. હતો. ખરેખર તો આ પ્રયોગ કારગત નીવડેલો જ. પરંતુ આપણે તેમાં જરૂરી સુધારોવધારો કરીને આગળ વધવાને બદલે આખેઆખી યોજના જ રફેદફે કરી નાખી.
મને ગુસ્સો તો એ બાબતે આવે છે કે દુનિયાના અન્ય દેશોએ દર વર્ષે આવતી આ આફતને અટકાવવા માટે કરેલા ઉપાયોની દિલ્હીએ સદંતર અવગણના કરી છે. શિયાળામાં ડિઝલ પરના અંકુશો અને ભારે અવરજવરના(peak hours) ના સમયે ચોક્કસ રસ્તાઓ પર નીકળતાં વાહનો પર ફી વસુલ કરવાથી એ સમયે થનાર ટ્રાફિકમાં ઘટાડો આખા શહેરની વસ્તીના શ્વસોચ્છવાસમાં થતી ગૂગળામણને અટકાવી શકે. બાંધકામના સ્થોળેએ નિયમોના ભંગ કરનાર પાસેથી દંડ લઈ માત્ર તેમનું ખિસ્સું હળવું કરીને છોડી મૂકવાને બદલે યોગ્ય દેખરેખ રાખીને જરૂર લાગે બાંધકામ રોકીને પણ હવાને પ્રદુષિત થતી અટકાવવી જરૂરી છે.
શહેરના લોકોને તો સુખસગવડો અને ચોખ્ખી હવા બન્ને એક સાથે જ જોઇએ છે, જે ક્યારેય પણ બની શકે નહિ, અને ખાસ કરીને આપણે જે રીતે વાહનો હંકારીએ છીએ, બાંધકામ કરીએ છીએ અને અને ચીજવસ્તુઓને જાહેરમાં બાળીએ છીએ તે રીતે તો નહિ જ. આપણે એક પણ સુવિધા છોડવા તૈયાર નથી અને ચોખ્ખી હવાની માગણી કરીએ છીએ. આનો અર્થ એ જ છે કે શહેરની આ હાલત માટે અન્ય કોઇ નહિ, પરંતુ આપણે પોતે જ જવાબદાર છીએ.
કોઇને ગમે કે ન ગમે પરંતુ હું નમ્રતા છોડીને કહુ છું, જો કારને પ્રતિબંધિત કરવાથી પરિણામ મળે છે, તો તેમને પ્રતિબંધિત કરો. જો ડીઝલને ચાર મહિના માટે અદૃશ્ય કરી દેવાની જરૂર હોય, તો તેમ કરો. જો ઓડ-ઈવન કામ કરે છે, તો તેને પાછું લાવો. જો બાંધકામ સાઇટ્સ ધોરણોનું ઉલ્લંઘન કરે છે, તો તે દિવસે તેને બંધ કરો. જો કોઈપણ ઉદ્યોગ દીર્ઘકાલીન ગુનેગાર છે, તો તેને આરોગ્યની તાકીદની જેમ નિયમો પાળવા માટે મજબૂર કરો.
મારી વાત પર લોકોને ગુસ્સો આવતો હોય તો ભલે આવે, પરંતુ મારું બાળક જિંદગીભર એર પ્યુરિફાયરમાં રહે તેના કરતાં હું લોકોનો ગુસ્સો પસંદ કરીશ. જરૂરી પગલાં લેવામાં દિલ્હીનાં નિષ્ફળ જવાથી મારા પુત્ર અને માતા-પિતાના ફેફસા ખરાબ થઈ શકે છે, તેમનાં શરીરમાં નવા ફેફસાં મૂકી શકાતાં નથી. અને યાદ રાખજો કે તમે પણ તમારાં ફેફસાં બદલી શકવાના નથી.. શહેરના લોકો સત્તાવાળા દ્વારા થવી જોઇતી આવશ્યક કાર્યવાહીને બદલે સુખસુવિધા પસંદ કરવાનું ચાલુ રાખે છે, તો એનો સીધો અર્થ છે કે: ‘અમને જવાબદાર નાગરિક બનવાને બદલે ઝેરી હવા જ પસંદ છે.’
ખરેખર તો દિલ્હીને જાગૃતિની નહિ પણ શિસ્તની જરૂર છે. તેને એવી સરકારની જરૂર છે જે લોકોના ભલા માટે અળખી થવા તૈયાર હોય અને સાથે સાથે એવા નાગરિકોની પણ જરૂર કે જેમને પોતાનું આ પ્રિય શહેર છોડીને જતા રહેવું પડે એવી સ્થિતિ ઊભી થાય તે પહેલાં અગવડતા ભોગવવા તૈયાર હોય.
કોઇને આ બધો બકવાસ લાગે પરંતુ શહેરની બદહાલતથી મારો શ્વાસ અધ્ધર થઈ ગયો હોવાથી જ મારે આ ચર્ચા કરવી પડે છે.
કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન જ્યારે બાંધકામ, ઔદ્યોગિક પ્રવૃતિઓ અને વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયો હતો ત્યારે હવા કેટલી બધી ચોખ્ખી થઈ ગઈ હતી તે આપણે સૌએ અનુભવેલું જ છે.
છતાં દરેક શિયાળે એક ની એક મોકાણ. અનેક પ્રતિબંધો , બાંધકામો રોકો, ડિઝલ વપરાતા વાહનો પર રોક લગાઓ વગેરે. પરંતુ જરા સરખી પણ હવા સુધરે તો બધું જ અગાઉની જેમ ચાલું થઈ જાય છે અને વળી પાછું પ્રદુષણ વધવા લાગે છે.”
આપણે વિક્રમ ચોપરાની વાત જાણી. હવે ગ્રુફાન બેગ ‘જે સિસ્ટમ ઑફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)’ ના સ્થાપક-નિર્દેશક છે તેઓ શું કહે છે તે જાણીએ[2],
“હાલ દિલ્હીનાં પડોશી રાજ્યોના ખેડૂતો પરાળ બાળતા નથી કે નથી કોઇ એવો તહેવાર જેમાં દારૂખાનું ફૂટતું હોય, હજુ શિયાળાની ઠંડી પણ તેની ચરમસીમાએ પહોંચી નથી. તેમ છતાં, દિલ્હીનો AQI બતાવે છે કે ૧૩ ડીસેમ્બરથી શહેરની હવા ખરાબ થઈ છે અને ટૂંક સમયમાં જ તે વધારે બગડવાની છે. ઓછામાં ઓછા એક મહિના સુધી તેમાં વધારોઘટાડો થતો રહેશે.
હવાની ગુણવતાનો સૂચિકાંક(AQI) ૫૦૦ સુધી પહોંચ્યો એ ગંભીર વાસ્તવિકતા છતી કરે છે. જ્યારે આ આંક આટલી ચરમસીમાએ પહોંચે છે ત્યારે પ્રદૂષણ સતત લાંબા સમય સુધી એટલે કે ૨૪-૪૮ કલાક કે તેથી વધુ આ સ્તરે જ રહે છે. દિલ્હીમાં હાલ પવન વાતો નથી એટલે કે હવા સ્થિર છે તેથી સ્વાભાવિક છે પ્રદુષણ લાંબો સમય સુધી રહે.”
પ્રદુષણ માટે સૌથી વધારે જવાબદાર શહેરમાં દોડતાં વાહનો છે. એ અંગે અંગે કેટલાક આંકડા આપતા શ્રી બેગ જણાવે છે,
“દિલ્હી શહેરવિસ્તાર માટેનો અમારો અંદાજ દર્શાવે છે કે PM2.5[3] નું ૪૩ ટકા જેટલું એટલે કે લગભગ અડધું પ્રદુષણ પરિવહનમાંથી આવે છે. જાહેરમાં ચીજવસ્તુઓને બાળવા વગેરેને કારણે ૧૫ ટકા, રહેણાંક અને ઔદ્યોગિક ઉત્સર્જનથી પ્રત્યેક ૧૩ ટકા અને માત્ર ૮ ટકા ધૂળના બારીક કણોમાંથી આવે છે. આમ સીધો જ હિસાબ છે કે સ્થાનિક ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરે છે, તો પ્રદૂષણનું સ્તર ૫૦ ટકા ઘટી જાય છે. આ માટે ક્યાં પ્રતિબંધ મૂકવો એની પ્રાથમિકતા પસંદ કરવાનું નીતિનિર્ધારકોએ નક્કી કરવું મુશ્કેલ નથી.
અસરકારક પરિણામ માટે આરોગ્યને હાનિકારક એવા વાયુઓનું ઉત્સર્જન રોકવા માટે લાંબા ગાળાના ઉપાયો જરૂરી છે. પરંતુ તેમ કરવાને બદલે બગડેલી હવાને ચોખ્ખી કરવા માટે કૃત્રિમ વરસાદ કે રસ્તા પર પાણીનો છંટકાવ કરવા જેવા બીનઅસરકારક, નિષ્ફળ અને વધું તો હાસ્યાસ્પદ ઉપાયો કરવામાં આવે છે.”
આ બન્ને મહાનુભવોએ દિલ્હી શહેર પૂરતી વાત કરી છે. પરંતુ દેશનાં અન્ય શહેરો માટે પણ આ સાચું છે કારણ કે અન્ય શહેરોમાં મોટરકારો કાંઇ પ્રાણવાયુંનું ઉત્સર્જન કરતી નથી! આથી દરેકે વાસ્તવિકતા સમજવી જરૂરી છે. એક કાયમી દલીલ છે કે અપૂરતા જાહેર પરિવહન(પબ્લિક ટ્રાન્સપોર્ટ)ને કારણે લોકોએ મોટરકારોનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ શહેરમાં આવજા કરવા માટે દરેકને અને દરેક સમયે કારનો ઉપયોગ કરવો જરૂરી નથી. નિવાસસ્થાનથી અર્ધો કિલોમીટરના અંતરે આવેલા કામનાં સ્થળે પહોંચવા માટે કારની શી જરૂર હોય? કેટલીક વખત તો સગાવહાલા મિત્રો સૌની પાસે કાર છે તો મારી પાસે પણ હોવી જોઇએ એવી દેખાદેખીથી જ વાહનો ખરીદવામાં આવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગમાં તો ક્યારેક એક કાર અપૂરતી લાગે છે. કોલેજમાં ભણતાં સંતાનોને અને બજારમાં ખરીદી કરવા જતી ગૃહિણીઓ માટે અલગ કાર તેમની જરૂરિયાત લાગે છે. પોતાની પાસે કાર નહીં હોય તો દરદીઓ શું વિચારશે? એ ખ્યાલથી પ્રેક્ટીસ ચાલતી હોય કે ના હોય પણ ડોક્ટર થયા એટલે કાર હોવી જ જોઇએ. જેમ ડોક્ટર માટે તેમ સમાજમાં મોભો ધરાવતા બીજા ધંધાદારીઓને પણ આ વાત લાગુ પડે છે. પ્રધાનો અને સરાકારી બાબુઓનો તો સરકારી કાર વિના પ્રજાના સેવક તરીકે સિક્કો પડતો જ નથી. (૨૦૦૫થી ૨૦૧૧ સુધી ઇંગ્લેન્ડમાં જ રહેલા નિહાર મેઘાણીએ નોંધ્યું છે કે ત્યાંના રાજકારણીઓ સાઈકલ પર ફરતા હોય એ બહુ જ સામાન્ય ઘટના છે. પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન લંડનના મેયર હતા ત્યારે સાયકલ પર જ બધે ફરતા)
પોતાની માલિકીની કાર હોવાથી પ્રવાસ કરવાનું પણ વધ્યું છે. નવાનવાં પ્રવાસ સ્થળો અને યાત્રાધામો ઊભા થતાં જાય છે. ગઢડા જઈએ છીએ તો ભેગાભેગું સાળંગપુર પણ જઈ આવીએ, એ પ્રકારનાં વલણો વધતા જાય છે. વાહનો દ્વારા ફેલાવવાં ઉપરાંત યાત્રાધામો અને પ્રવાસન સ્થ્ળોએ ભીડ કરીને ત્યાં પણ પ્રદુષણ ફેલાવવા લાગ્યા છીએ. વળી દિનપ્રતિદિન મેળાઓ ધાર્મિક કથાઓ અને ઉત્સવો વધતા જાય છે. સરકારો પણ ઉત્સવઘેલી થતી જાય છે. આથી આ સ્થળોએ પહોંચવા માટે પણ મોટરકારોનો વિશેષ ઉપયોગ થાય છે. આને કારણે રોડ પર વધતા ભારણ તેમજ અકસ્માતો એ તો અલગ ચર્ચાના મૂદ્દો છે જ. આ વાત ખાનગી મોટરકાર ઉપરાંત ટ્રાવેલ બસોને પણ લાગુ પડે છે. સરકાર લોકપ્રિયતા મેળવવા માટે વૃક્ષો કાપીને પણ યાત્રાધામો અને પ્રવાસન સ્થ્ળો સુધી પહોંચવા માટે રસ્તા બનાવે છે જેને લીધે વાહનોની અવરજવર વધતી જાય છે. એક વખત જ્યાં પહોંચવાનો રસ્તો દુર્ગમ હતો તેવા બદરીનાથ અને કેદારનાથ જેવા સ્થ્ળોએ પણ ડાકોરઅંબાજી જેવી ભીડ થવા લાગી છે!
દેશમાં ઉદારીકરણ પછી બધી જ ચીજવસ્તુઓની જેમ મોટાં પ્રમાણમાં મોટરકારો પણ ઠાલવવામાં આવી રહી છે. આને વિકાસ ગણાવવામાં આવે છે જેનાથી આપણો મધ્યમ વર્ગ અંજાઈ ગયો છે. સરકારો પાસે કોઇ અપેક્ષા નથી કારણ કે તેઓ રોજગારી અને આર્થિક વિકાસને જ આગળ ધરશે. આ બાબતે સરાકારો પર દબાણો કરવાની વાત તો ક્ષિતિજ પર પણ દેખાતી નથી. ખરેખર તો લોકોએ જ જાગૃતિ બતાવીને અતિ આવશ્યક હોય ત્યારે જ ઓટો વાહનો ખરીદવા જોઇએ. જો દીવાલ પર લખેલું જોવામાં આંખાઅડા કરીશું તો જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જશે ત્યારે જાગવામાં ઘણું મોડું થયું હશે.
[1] તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૫ના ઇન્ડિયન એક્સપ્રેસમાં તેમનો લેખ
[2] તારીખ ૧૭ ડીસેમ્બર ૨૦૨૫ના ઇન્ડિયન એક્સપ્રેસમાં તેમનો લેખ
[3] PM2.5 એટલે હવામાં ધૂળ, ધૂમાડો વગેરેનો બારીક કણ જેનો વ્યાસ ૨.૫ માઈક્રોમીટરથી ઓછો હોય. એક માઇક્રોમીટર એટલે કે ૧ સેન્ટીમીટરનો હજારમો ભાગ. આટલા સૂક્ષ્મકણો ઉચ્છવાસમાં બહાર નીકળી શકતા નથી અને ફેફસામાં ચોટીને નુક્શાન કરે છે. એક ઘનમીટર હવામાં જેમ જેમ આ સૂક્ષ્મકણોની સંખ્યા વધે તેમ પ્રદુષણ વધ્યું કહેવાય. આપણા દેશમાં આ સંખ્યા એકસોથી વધે તો ખૂબ જોખમી ગણાય છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
