તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા
અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
ડો.મહેશ રાવલ
નવેસર/૧૦૦

-વ્હાલા ભાઈ/બહેનો/વડીલો/મીત્રો,
મારો તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” હું આપ સહુ સુધી પહોચાડવા,એ ગઝલ સંગ્રહની ગઝલો https://navesar.wordpress.com પર આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો હતો.
જેમાં ટોટલ ૧૦૦ ગઝલો છે, આજે મકરસંક્રાંતિ પર્વે ૧૦૦મી છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહ્યો છું.
એટલે હવે https://navesar.wordpress.com પર, કોઇ નવી ગઝલ પોસ્ટ નહીં થાય…..
પ્રથમ ગઝલથી જ આપ સહુએ સુંદર પ્રતિભાવથી આવકારી એક સન્માન બક્ષ્યું છે અને ઘણાં નામી-અનામી ગુજરાતી બ્લોગ જગતના ભાઈ/બહેનોએ તો પોતાના બ્લોગપર નવેસરની ગઝલો પણ પોસ્ટ કરી આદર કર્યો છે…..
અહીં,
અત્યારસુધી, જેઓએ “નવેસર” ને પોતાના પ્રતિભાવ પુષ્પથી નવાજ્યો છે, સમય- સમયે જરૂર જણાઈ ત્યાં અમુલ્ય સૂચનો કર્યા છે એ દરેક સુજ્ઞજનો પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરૂં છું.
મારા અન્ય બ્લોગ
http://drmahesh.rawal.us
પર રાબેતામુજબ,નવી લખાતી જતી ગઝલો
પોસ્ટ થતી જ રહેશે,એને પણ આપનો સ-રસ આવકાર મળ્યો છે અને સતત મળતો જ રહેશે એ અપેક્ષા.
તો,
આજે navesar.wordpress.com પરથી આપ સહુની રજા લઈશ.
-આવજો !
-ડો.મહેશ રાવલ



ચાલ આજે મળીએ જુદી રીતથી




